એક વૃદ્ધના ઈન્ટરવ્યૂમાં પત્રકારોએ તેમને પૂછ્યું, “તમારા ચારે દીકરાઓ ઘડપણમાં તમારી દેખભાળ તો રાખે છે ને?” વ્રૃદ્ધે ઉત્સાહભેર કહ્યું, ‘‘હા, તેઓ ખૂબ કહ્યાગરા છે. હું નસીબદાર છું કે ભગવાને મને એવા દીકરાઓ આપ્યા. તેમના થકી જ મારું ઘડપણ સુખમાં વિતે છે!”
પાછળથી પત્રકારોને જાણ થઈ કે એ વૃદ્ધને તો એક જ દીકરો છે. પત્રકારો ફરી તેમની પાસે ગયા અને પૂછ્યું, “તમે જૂઠું કેમ બોલ્યા? તમારે તો એક જ દીકરો છે, તમે ચાર કેમ કહ્યા?”
જવાબમાં વૃદ્ધે કહ્યું, ‘હા, મારે એક જ દીકરો છે. તે વહુને લઈને કલક્તા તેના સાસરે રહેવા ચાલ્યો ગયો છે. તેને સસરાની મિલકત મળી છે. આટલા વર્ષોમાં એણે કદી મારી ખબર પૂછી નથી કે પૈસા મોકલ્યા નથી. પણ બૅંકમાં મારી બચતના ચાર લાખ રૂપિયા જમા છે, તે પૈસા દીકરાની જેમ મારું ભરણપોષણ કરે છે. તેઓ મિલકતમાં ભાગ માંગતા નથી. મારે તેમના પર કદી ખાધાખોરાકીનો દાવો માંડવો પડ્યો નથી. શ્રવણે તેના ઘરડા માબાપને કાવડમાં બેસાડી જાત્રા કરાવી હતી તેમ મારા એ ચારે દીકરાઓ ઘરબેઠાં મને જિંદગીની જાત્રા કરાવે છે! સગા દીકરાઓ મોં ફેરવી લે છે પણ આ દીકરાઓ કદી બેવફાઈ કરતાં નથી. મને સમજાયું છે કે ઘડપણમાં બૅંક બૅલેન્સથી ચઢિયાતા દીકરાઓ બીજા કોઈ નથી. હું પ્રાર્થના કરું કે ભગવાન સૌને એવા દીકરાઓ આપે. એ દીકરા હશે તો સગા દીકરાઓ પેસાની લાલચે પણ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવા આવશે. નહીં તો પૈસા વિનાના વૃદ્ધોનું ઘડપણ બિનવારસી લાશ જેવું બની રહે છે!”
dineshpanchal.249@gmail.com
dineshpanchalblog.wordpress.com