પ્રારબ્ધનો પાવર ઓફ એટર્ની

      યુવાનો ઘણીવાર ફરિયાદ કરતા હોય છે, વડીલો અમને સમજતા નથી એવા યુવાનોને પૂછવાનું મન થાય છે– પ્રેમમાં પડવાની બાબતે તમે કેવી સ્વતંત્ર નિર્ણયશક્તિ ધરાવો છો? છોકરીઓની છેડતી કરવાના કામમાં તમે કેવા આત્મનિર્ભર છો? પ્રશ્રપત્ર ફોડવાની બાબતે તમે કેવા મહેનતુ છો? તમારુ પેપર સારુ જાય તે કરતાં કોની પાસે જાય તે જોવામાં જ તમને કેમ વધુ રસ રહે છે? હડતાળ પાડવાના મામલામાં તમને કેમ કોઈ વડીલની સલાહની જરૂર નથી પડતી? યાદ રહે, ન ભણવું એ ન ભણાવવા જેટલું જ સહેલું છે. પણ એ બે સહેલી બાબતો ભેગી મળે છે ત્યારે જીવન અત્યંત અઘરું બની રહે છે…! એ ભૂલવા જેવું નથી કે અભ્યાસકાળ જ એવો તબક્કો છે જ્યાં આપણું ભાગ્ય લખવાનો પાવર ઓફ એટર્ની ભગવાન આપણને આપી દે છે!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

દેવુ અને દેવલોક

       માણસ લગ્નમાં, મોસાળામાં કે જનોઈ જેવા સામાજિક વ્યવહારોમાં દેખાદેખીથી ધૂમ ખર્ચ કરે છે. એથી થાય છે એવું કે (‘મહાભારત’માં ભીમે જરાસંઘના પગ પકડીને  બે ઊભા ફાડચા કરી નાખ્યા હતા તેમ) રીતી–રિવાજોનો ભીમ માણસના બે ફાડચા કરી નાખે છે. માણસ પોતાની ચાદર કરતાં વધુ પગ ફેલાવે છે ત્યારે દેવુ થાય છે. અને દેવુ માણસને દેવલોક પહોંચાડી દે છે. એથી મિથ્યા કુરિવાજોમાં ખોટો ખર્ચ કરવાને બદલે માણસે પોતાના સુરક્ષિત ઘડપણ માટે પૈસા બચાવવા જોઈએ. યાદ રહે, હૉસ્પિટલમાં સ્પેશિયલ રૂમને બદલે જનરલ વૉર્ડમાં રહી શકાશે, પણ પાંચ હજારની કિંમતના ઈન્જેક્શનની જરૂર હશે ત્યાં પચાસ રૂપિયાવાળા ઈંજેક્શનથી ચાલી શકવાનું નથી. લગ્નમાં દશ હજાર ફટાકડાની લૂમ નહીં સળગાવશો તો ચાલશે, પણ હૉસ્પિટલમાં ૪૦–૫૦ બાટલા ચઢાવવાની જરૂર પડશે ત્યાં બિસલરીના બાટલા કામ આવવાના નથી. માણસે પ્રત્યેક રિતી–રિવાજોને તેની સાચી ઉપયોગીતાના પરિપ્રેક્ષ્યમાં અપનાવવા જોઈએ. એવું ત્યારે જ થઈ શકશે જ્યારે લોકો તેમના મગજમાં વિવેકબુદ્ધિનું શોફ્ટવેર ઈન્ટોલ કરશે. જરા વિચારો, પહોંચ ના હોય તો પણ માણસ લક્ઝરી બસ ભાડે કરીને ચાર ધામની યાત્રા કરવા નીકળી પડે છે. અને ખિસું ખાલી થઈ ગયા બાદ લાખ દોઢ લાખનો હોસ્પિટલનો ખર્ચ આવી પડે ત્યારે દેવુ કરવું પડે છે. એથી દોસ્તો, મહોલ્લાના મહાદેવના દર્શન કરીને સંતોષ માનજો… તે માટે અમરનાથ જવાની જરુર નથી. (અરે! હું તો કહું છું મનમાં મહાદેવ હશે તો મહોલ્લામાં જવાની પણ જરુર નથી) એટલું યાદ રાખજો, ઈમરજન્સી માટે બચાવેલા પૈસા ચારધામ યાત્રામાં ખર્ચીને ખાલી થઈ જશો તો હોસ્પિટલનું બીલ ચૂકવવા ચારધામવાળા આવવાના નથી. જ્ઞાની લોકો કહી ગયા છે કે– ‘પૈસા આંખ મીચીને કમાઓ, પણ ખર્ચતીવેળા આંખ ખુલ્લી રાખો…! અમારા દક્ષિણ ગુજરાતની લોકબોલીમાં એક કહેવત બોલાય છે: ઘર વેચીને તીરથે ન જવાય અને ધોતિયું ફાડીને રુમાલ ના કરાય…!

 dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

ખૂબ અગત્યની જાહેરાત……!

       ઈન્ટરનેટના વિશ્વભરના વાચકોને નમ્ર વિનંતી એ કરવી છે કે આ બ્લોગ પર ટૂંક સમયમાં જ ઈન્ટરવ્યૂ વિભાગ ચાલુ કરવા જઈ રહ્યો છું. એનો શુભારંભ અમેરિકાના વિદ્વાન સર્જક ડૉ. આરવિંદ લાપસીવાલાના ઈન્ટરવ્યૂથી થનાર છે. ત્યારબાદ મુંબઈના ટીવી અને હિન્દી ફિલ્મોના કાબેલ કસબી એવા મૂઠી ઊંચેરા શ્રી નરેન્દ્ર મસરાણીનો ઈન્ટરવ્યૂ રજુ થશે. એ સંદર્ભે ઈન્ટરનેટના મારા બહોળા વાચકો અને ચાહકોને વિનંતી કરું કે આપની જાણમાં એવી કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તો મારા નીચે દર્શાવેલા બ્લોગ, ઈમેલ અથવા મોબાઈલ પર સંપર્ક કરવા વિનંતી છે. કોઈ પણ નામી અનામી વિશિષ્ઠ વ્યક્તિના રસપ્રદ ઈન્ટરવ્યૂ રજૂ કરી વિશ્વના પ્લેટફોર્મ પર તેમની શાનદાર રજૂઆત કરવામાં આવશે. સન્ડે મહેફિલના શ્રી ઉત્તમ ગજજર, અભિવ્યક્તિ બ્લોગના શ્રી ગોવિંદ મારૂ તથા અક્ષરનાદના સંચાલક મિત્ર શ્રી જયેશભાઈ અધ્યારુ, વગેરે મિત્રોને મારી હાર્દિક વિનંતી છે કે તેઓ તેમના લોકપ્રિય બ્લોગ પર આ જાહેરાત પ્રસિદ્ધ કરીને મને એ રીતે તેમનો આશીર્વાદ આપે…!

       વધુ માહિતી માટે રોજ આ બ્લોગની મુલાકાત લેતા રહેશો.

       સંપર્કર્સૂત્ર : dineshpanchal.249@gmail.com dineshpanchalblog.wordpress.com   (મોબાઈલ : 94281 60508 )

અવાજ વિનાના અકસ્માતો

    એક મહિલાઓના મેગેઝીનમાં એક શિક્ષિત ગૃહિણીનો અનુભવ પ્રગટ્યો હતો. તેણે લખ્યું હતુ, “હું મારી નાની બેબીને લઈને અમારા ફેમિલી ડૉક્ટરને ત્યાં બેઠી હતી. ડૉક્ટર હાજર નહોતા. એથી દવાખાનામાં ટીંગાડેલા થોડાક ચિત્રો બતાવીને મેં બેબીને થોડું જાતીયજ્ઞાન આપવાની કોશિષ કરી. બેબીએ એક પણ પ્રશ્ર પૂછ્યો નહીં. મને જરા નવાઈ લાગી પણ રહસ્ય સાંજે સમજાયું. સાંજે એ બહેનપણી જોડે રમતી હતી ત્યારે મેં તેને એવું કહેતા સાંભળી, “મારી મમ્મી તો ગાંડી થઈ ગઈ છે. ડૉક્ટરને ત્યાં મને ગંદુ ગંદુ શીખવતી હતી!”

     અહીં બાળકીનો કોઈ વાંક નથી. એ પરાપૂર્વથી ચાલી આવેલી સીસ્ટિમનો શિકાર બની છે. સમાજે ખાસ્સી ધાર્મિક તકેદારી રાખીને યુવાપેઢીના મનમાં એવું ઠસાવ્યું છે કે જાતીય બાબત બહુ ગંદી ચીજ છે. એનો વિચાર કરવાથી પણ પાપમાં પડાય છે. પરિણામ એ આવ્યું કે યુવાપેઢીનું જાતીય  અજ્ઞાન સાયલન્ટ રિવોલ્વોરમાંથી છૂટતી ગોળી જેવું ગુપ્ત બની રહ્યું છે. એવા યુવાનો પરણે પછી અવાજ વિનાના અકસ્માતો થાય છે. એ અકસ્માતને ચોક્કસ આકાર બંધાય ત્યારે એમાંથી છૂટાછેડાનું ગર્ભાધાન થાય છે. (જેઓ છૂટા નથી થઈ શકતાં તેઓ જિંદગીભર કૂલડીમાં ગોળ ભાંગવાની કોશિષ કરતાં રહે છે!)

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

મુશર્રફ અને મહાવીર

        કંઈક એવુ સમજાય છે કે માણસ એના જીવનમાં જે કાંઈ સિદ્ધિ હાંસલ કરે છે તેની શક્યતા તેનામાં પ્રારંભથી જ પડેલી હોય છે. અમેરિકાના જગવિખ્યાત સાહિત્યકાર અને નોબલ પારિતોષિક વિજેતા અર્નેસ્ટ હેમિંગ્વે એક જમાનામાં ખટારાના ડ્રાઈવર હતા એમ સૌ કહે છે પણ કદાચ એમ કહેવું વધારે સાચું ગણાય કે દિમાગી તેજસ્વીતા ધરાવતા એ માણસે સંજોગોવસાત ખટારો ચલાવવો પડ્યો હતો. વાલિયા લૂંટારાએ શરુઆતમાં લૂંટ કરી હતી પણ એનામાં વાલ્મિકી બનવાની શક્યતા પ્રથમથી જ પડેલી હતી. જરા વિચારો, વિરપ્પનને વલ્મિકી બનાવી શકાયો હોત ખરો? કહેવાય છે કે સંત સૂરદાસને એક વેશ્યાએ મહાન બનાવ્યા હતા. ભલા માણસ…, વેશ્યાના બે શબ્દોથી માણસ મહાન બની શકતો હોત તો દેશમાં આજે સંતોનો રાફડો ફાટ્યો હોત. સાચી વાત એ છે કે લાલુપ્રસાદ યાદવ લાલબહાદુર શાસ્ત્રી ન બની શકે અને ઓસામા બિન લાદેન આશારામબાપુ ન બની શકે. મિયાં મુશર્રફ પાસેથી મહાવીર કે બુદ્ધ જેવી મહાનતાની અપેક્ષા ન રાખી શકાય. કેમકે બાવળના ઝાડ પર કદી હાફૂસ કેરીના લૂમખા લટકતા નથી!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

મનના મરોડ

      બે સંતાનો થઈ ગયા પછી સ્ત્રીઓનું દૈહિક સૌંદર્ય બરફના ટુકડાની જેમ ઓગળવા માંડે છે. અંગમરોડ લાચાર બને ત્યારે મનના મરોડ કામ આવે છે. આઈબ્રોના સૌંદર્ય કરતાં આઈક્યૂનો પ્રભાવ વધી જાય છે. હોઠોની સુરેખતા કરતાં હૈયાની કોમળતા મેદાન મારી જાય છે. દિલ પીગળી જાય એવા બે શબ્દો હોઠોની લિપસ્ટિક કરતાં હજાર ગણા પ્રભાવક સિદ્ધ થાય છે. નજરના કામણ પળ બેપળના કીમિયાગર હોય છે. શબ્દોના કામણ હૈયું આરપાર વીંધી નાંખે છે. શરીરના સૌંદર્ય કરતાં સ્વભાવનું સૌંદર્ય મેદાન મારી જાય છે. દેહ સૌંદર્યની હદ બ્યુટીપાર્લરથી શરૂ થઈ વોશબેસીનમાં ખતમ થઈ જાય છે. મનના સૌંદર્યની હદ દિલથી શરૂ થઈ પૂરા કદની આખી જિંદગી કવર કરી લે છે. દેહસૌંદર્યનો બુખાર દારૂના નશાની જેમ ઉતરી જાય છે. દિલનો બુખાર ઝટ ઉતરતો નથી. દેહના સૌંદર્યને સૅક્સની ગરજ રહે છે. મનનું સૌંદર્ય સૅક્સનું ઓશિયાળું હોતુ નથી…! મેલેરિયા અને લવેરિયા વચ્ચે એટલો જ ફેર. એકની દવા હોય છે…. બીજાની નથી હોતી…!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

લાગણીની ચાસણી

     ગીતો દિમાગથી લખાય છે. અને કંઠથી ગવાય છે. પણ એમાં હ્રદયનો ભાવ ઉમેરાય છે ત્યારે તે જીવી જાય છે. ગીતકારે જે દર્દ શબ્દોમાં ઠાલવ્યું હોય તે દર્દની અનુભૂતિ ગાયકે ગાતીવેળા એમાં ઉમેરવી પડતી હોય છે. આ કરોટીના સાથિયામાં રંગ પૂરવા જેવી ઘટના છે. ઘણાં ગીતો ગુલાબજાંબુ જેવા હોય છે. જ્યાં સુધી એમાં લાગણીની ચાસણી ના ભળે ત્યાં સુધી હૈયાને સ્પર્શી જાય એવી મધુરતા ઉત્પન્ન થતી નથી.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

લાગણીના લપકાં અને સ્નેહનો શેક

      પ્રેમની પીડા પર પેરાસીટામોલ ટેબ્લેટ કામ આવતી નથી. પ્રણયભગ્નતાની પીડા પર દુ:ખદબાવ લેપ કામ આવતો નથી. લાગણીના લપકાં શેક કરવાથી સાજા થઈ શકતા નથી. ચામડીની જલન બરફથી દૂર થઈ શકે, દિલની બળતરા માટે સ્નેહનો શેક કરવો પડતો હોય છે. દુનિયામાં દરેક દર્દની નોખી દવા હોય છે. સંસારના સઘળા સિતમોના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જુદાંજુદાં હોય છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

રચનાત્મક શ્રાદ્ધ

       કોઈ સાધુ સંત કે પંડિતોએ ભલે ના ઉપદેશ્યું હોય પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. મંદિરમાં રોજ ભગવાન આગળ અગરબત્તી સળગાવવા કરતાં ઘરડા માબાપના રૂમમાં કાચબાછાપ અગરબત્તી સળગાવવાથી વધુ પુણ્ય મળે છે. રોજ ભગવાનના ફોટાને લૂછવા કરતાં ઘરડા માબાપના ચશ્માને સાફ કરી આપશો તો ઈશ્ચર વધુ રાજી રહેશે. માવતરના મર્યા બાદ રિવાજરૂપે જ્ઞાતિને લાડુને દૂધપાક ભલે જમાડો, પણ એટલું ખાસ યાદ રાખીએ કે માબાપના ભોજનમાં ભગવાનના નૈવેદ્ય જેટલી કાળજી લઈશું તો માબાપ સંપૂર્ણ તૃપ્ત થઈને ઉપર જશે. આટલું કર્યા પછી શ્રાદ્ધનો કર્મકાંડ કરવાની જરૂર નહીં રહે.

      યાદ રહે, જ્ઞાતિને જમાડશો તો તે ખોટી જગ્યાએ પહોંચશે. માબાપને જમાડશો તો તેમનો સંતોષ  આશીર્વાદ બની સીધો તમારા ખાતામાં જમા થશે. માબાપના મૃત્યુ બાદ તેના ફોટાને ફૂલનો હાર ચઢાવવાને બદલે ક્યારેક જીવતાં માબાપને તેમની વર્ષગાંઠ નિમિતે એકાદ ગુલાબનું ફૂલ આપશો તો એ ફૂલને પણ જીવ્યું સાર્થક લાગશે. સત્ય એ છે કે માબાપને જીવતા જીવત સુખ આપો તેનાથી ઉત્તમ શ્રાદ્ધ બીજું એકે નથી. તેમના મર્યા બાદ ગાય કાગડાને ખવડાવશો તે કદી ઉપર પહોંચતું નથી.  ક્યાંક એક પંક્તિ વાંચવા મળી હતી: જિન્દે બાપ કો રોટી ન દઈયો, ઓર મરે બાદ પછતઈયો… મૂઠીભર ચાવલ લેકે છપરે પર, કૌવે કો બાપ બનઈયો…!જીવતા જીવત જે સુખ મળે છે તે જ અસલી સુખ હોય છે. મર્યા બાદ ચિતામાં ઘી રેડવા કરતાં તેટલું ઘી માબાપને જ ખવડાવો. મર્યા પછીના કાલ્પનિક સ્વર્ગનર્ક એ નરી ધાર્મિક ભ્રાંતિ છે. માબાપને અડસઠ તીર્થની યાત્રા નહીં કરાવો તો કોઈ નુકસાન નથી, લથડિયા ખાતા માબાપને હાથ પકડીને જાજરુ સુધી પહોંચવામાં મદદ કરશો તો અડસઠ તીર્થનું પુણ્ય તમારા ખાતે જમા થશે!

     માણસે બદલાતા સમયાનુસાર પોતાની શ્રદ્ધામાં બૌદ્ધિક્તાનું થોડું મોણ નાંખવું જરૂરી છે. દૂધની જેટલી ધારા શંકરભગવાનના લીંગ પર પાડવામાં આવે છે તેમાંથી થોડું દૂધ ગરીબ ગુરબાઓના ભૂખ્યા બચ્ચાંઓ માટે આપશો તો ભગવાન રાજીનો રેડ થઈ જશે. આવી શ્રદ્ધા વધુ કલ્યાણકારી અને રચનાત્મક બની રહેશે!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com