સાહિત્યના શાહુકારો

 સાહિત્યના શાહુકારો

    ચિતાને પકડવા માટે જે પાંજરુ મૂકવામાં આવે છે તેમાં બકરીને બાંધવામાં આવે છે. ચિત્તો બકરીની લાલચે પાંજરામાં ફસાઈ જાય છે. પુસ્તકના રંગબેરંગી પૂઠાં એ બકરી જેવી ભૂમિકા ભજવે છે. એક સુંદર સજાવટવાળું મોંઘુ પુસ્તક ખરીદ્યા પછી પૈસા છૂટી પડે ત્યારે તે લેખક પર ગ્રાહક સુરક્ષાસંઘ હેઠળ ગુનો નોંધાવી શકાતો નથી. પણ વાચકોનું દિલ બોલી ઊઠે છે: ‘કોણે કહ્યું કે ખિસાકાતરુઓ જ ખિસા કાપે છે… હવે તો લેખક અને પ્રકાશક ભેગા મળીને ભાગીદારીમાં એ ધંધો કરે છે. ફરક એટલો જ કે પ્રકાશનક્ષેત્રે થતી ઘરફોડ ચોરી કે લૂંટના કિસ્સાઓમાં એફ.આઈ.આર. નોંધાતા નથી. કોઈને સાત સાલની સજા થતી નથી. મા સરસ્વતી સૌ સાથે ઉદાર રહે છે. એથી કહેવાતા શાહુકારો ધોળી ધજાએ ચોરી કરે છે. ’

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

ચંદ્રકૂળના ચિંતકો

ચંદ્રકૂળના ચિંતકો

    ઘણીવાર એવું બને છે કે પુસ્તકના પૂઠાં પર લેખકનું નામ છપાયેલું હોય છે પણ પુસ્તકના બે પૂઠાં વચ્ચે લેખક ગાયબ હોય છે. મતલબ વાઘની ખાલ કાઢી નાંખો તો નીચેથી શિયાળ જડી આવે તેમ એવા પુસ્તકોમાં ચોરીનો માલ પડેલો હોય છે. ઘણીવાર આખેઆખા પુસ્તકો પોલીસ ચોકીના ગોડાઉન જેવાં બની ગયા હોય છે. ઠેકઠેકાણેથી ચોરાયેલો માલ એમાં સંઘરાયેલો પડ્યો હોય છે. વાચકોની ભલમનસાઈ ગણાય કે કેટલાંક કહેવાતા લેખકો માટે ‘ચોર’ શબ્દ વાપરવામાં નથી આવતો, પણ મૂળ તો તેઓ સંકલનકાર જ હોય છે. સંકલનકારનું સ્ખલન થાય ત્યારે ચુપચાપ ત્યાં લેખક શબ્દો આરૂઢ થઈ જાય છે. એવાં લેખકો માટે એક ખાસ સુધરેલો શબ્દ ઉપલબ્ધ છે. એ લોકો ‘ચંદ્રકૂળના ચિંતકો’ ગણાય. ચંદ્ર પોતે પ્રકાશતો નથી, સૂર્યના પ્રકાશને તે પરાવર્તિત કરે છે. કેટલાંક લેખકો કર્મે ટપાલી હોય છે. ટપાલી એક જણનો કાગળ બીજાને પહોંચાડે છે. કાગળમાં લિખિતીંગમાં તે સહી કરતો નથી. પણ ચંદ્રકૂળના ચિંતકો બીજાએ લખેલા લેખ નીચે પોતાનું નામ ઠઠાડી દે છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

પુસ્તકોનું બાળમરણ

પુસ્તકોનું બાળમરણ

    કુંભમેળા કરતાં પુસ્તકમેળામાં સમાજનું વિશેષ કલ્યાણ સમાયેલું છે. કુંભમેળો શ્રદ્ધાનું સ્નાનાગાર છે. પુસ્તકમેળો જ્ઞાનનો તરણકુંડ છે. એમાં જાતને ઝબોળનારા તરતા નથી, તરી જાય છે. પુસ્તક અને દિમાગ વચ્ચે લોહીની સગાઈ છે. દિમાગ પુસ્તકનું ગર્ભાશય ગણાય. પહેલા વિચારોનું ગર્ભાધાન મસ્તકમાં થાય, પછી પ્રેસના સુવાવડખાનામાં પુસ્તકનો પ્રસવ થાય. લેખકના દિમાગરૂપી ગર્ભાશયમાં વિચારોનું બાળક ઠીક પોસાયું ના હોય તો પુસ્તક અધૂરે અવતરેલા બાળક જેવું જન્મે છે. લેખકોની કલમનું કૌવત ઘટતું જાય છે એથી દિવસે દિવસે પુસ્તકોના બાળમરણના કિસ્સાઓ વધતા જાય છે.  

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

પ્રેમની પરીક્ષા

પ્રેમની પરીક્ષા

    દરેક વ્યક્તિને પોતાના નોખા ગમાઅણગમા હોય છે. પણ કોઈ એકાદને કંઈક ના ગમે તે બાબત તે વસ્તુનું સાચું માપ ન ગણાય. ચોવીસ કૅરેટનું સોનુ ઝાંખુ લાગે તો શક્ય છે આંખે મોતિયો હોય. ભેંસના આંચળમાંથી નીકળેલા દૂધની ધારા સીધી મોઢામાં પડે તો પણ દૂધમાં મિલાવટની શંકા જાય તો વાંક માણસની પ્રકૃતિનો ગણાય. દરેકની ફૂટપટ્ટી પર ઓછા વધતા આંકડા હોવાના. સત્યને તોલવાના બધાના ત્રાજવાનો ધડો બરાબર હોતો નથી. ગલી મહોલ્લાનો કોઈ ટપોરી લફરું કરે અને નિષ્ફળ જાય તો તે વ્યક્તિગત  નિષ્ફળતા કહેવાય. તે કારણે પ્રેમ ખરાબ છે એવું માની ન લેવાય. પ્રેમ કરનારાઓને પ્રેમની વ્યાખ્યા ન આવડતી હોય એમ બને. પણ તેથી તેમનો પ્રેમ કાચો કે ખોટો છે એમ ન માની લેવાય. જો એવું માની લઈએ તો લયલા–મજનુ… શિરી–ફરહાદ કે હીર–રાંઝાને પ્રેમની પરીક્ષામાં ડિસ્ટીંક્શન સાથે નાપાસ થયેલા જાહેર કરવા જેવી ભૂલ ગણાય.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

 

(10) ડૉ. અરવિંદ લાપસીવાલા આ રીતે સફળ થયા…! (29.05.16)

(10) ડૉ. અરવિંદ લાપસીવાલા આ રીતે સફળ થયા…! (29.05.16)

        અમેરિકાના ડૉ. અરવિંદભાઈ લાપસીવાલાનું જીવનવૃતાંત આપણે જોયું. જણાવતાં આનંદ થાય છે કે એમના વિશે લગભગ બસોથી ય વધુ પ્રતિભાવો મળ્યા. ઘણાં મિત્રોએ એવી ઈચ્છા વ્યક્ત કરી  કે એમનો જીવનસંઘર્ષ પ્રેરણાદાયી છે. તમે  ઈન્ટરવ્યૂમાં એમની સિદ્ધિઓ વર્ણવી પણ તેઓ કેવી રીતે સફળ થયા તે જણાવ્યું નહીં. એમની સફળતાની ફોર્મ્યુલા જણાવો તો હજારો લોકોને માર્ગદર્શન મળે. દોસ્તો, આપને યાદ હશે;  એ ઈન્ટરવ્યૂનો વધુ એક (નવમો) એપિસોડ રજૂ કર્યો હતો, જેમાં વાચકોના પ્રતિભાવો રજૂ કર્યા હતા. એ માટે અમે ડૉ. અરવિંદભાઈનો પ્રતિભાવ પણ મંગાવ્યો હતો. એમણે જે જવાબ આપ્યો તેમાં યોગાનુયોગ સફળતાનું ગણિત સમજાવ્યું છે. આપણે એ અંગે ડૉ. અરવિંદભાઈના વિચારો જાણીએ.

             ડૉ. અરવિંદભાઈ લખે છે: દિનેશભાઈ, સફળતાનો હિસાબ માથે માથે જુદો હોય છે. પરંતુ સિદ્ધિના સર્વસામાન્ય નિયમો મુજબ એમાં પ્રારબ્ધ અને પુરુષાર્થની સાથે સંજોગો પણ મહત્વનો ભાગ ભજવે છે. ક્યારેક પીચ માફક ન આવે તો સચીન તેંડૂલકર પણ ઝીરો રને આઉટ થઈ જાય છે. સફળ થવા માટે પ્રથમ તો બર્નીંગ ડિઝાયર (તીવ્ર તમન્ના) હોવી જોઈએ. તમારે તમારી જાતને વચન આપવું પડે કે કોઈ પણ હિસાબે આ ટાર્ગેટમાં સિદ્ધિ હાંસલ કરવી છે. એ માટે ઘડિયાળની જેમ સૂતા જાગતા મનમાં એ ટાર્ગેટના ટકોરા પડતા રહેવા જોઈએ. મરઘી ઈંડા પર બેસીને તેને સેવે તેમ માણસે તેના મનસુબાઓને સેવવા જોઈએ. કાળા માથાનો માનવી બધું જ કરી શકે છે. ડૉ. જિતેન્દ્ર અઢિયા કહે છે: ‘કે તમારે તમારી જાતને સ્વપ્નમય બનાવી દઈને તે સ્વપ્નોમાં રાત દહાડો રાચવું જોઈએ. મનની ઓફિસમાં આટલું હોમવર્ક કર્યા બાદ તમારા ઈરાદાને અંજામ આપવા માટે કડી મહેનત કરવી જોઈએ. સફળતા માટે કઠોર મહેનતનો કોઈ વિકલ્પ નથી. કહેવાય છે કે ‘સિદ્ધિ તેને જઈને વરે… જે પરસેવે ન્હાય…! ઘણીવાર એવું બનતું હોય છે કે પ્રારંભમાં તમારા પ્રયત્નો નિષ્ફળ નીવડે છે. પરંતુ આત્મવિશ્વાસ અને લગન હોય તો મોડી વહેલી સફળતા મળે છે. અમેરિકાના ચિંતક વીલ ડૂરાએ કહેલું: ‘હિંમત કદી હારશો નહીં. ઘણીવાર ઝૂડાની છેલ્લી ચાવી તાળુ ખોલી આપે છે.’ ધીરજપૂર્વક પ્રયત્નો કરતાં રહેવાથી સફળતાની સિકસરો મારી શકાય છે…!’ ઈતિહાસ જોશો તો જણાશે કે સચીન તેંડુલકર કે સુનિલ ગવાસકર તેમની પ્રથમ મૅચના પહેલા બોલમાં સિકસર નહોતી મારી શક્યા. પણ તેથી તેઓ નિરાશ થયા ન હતા. આજે તેમના નામે સૌથી વધુ સિક્સરોનો રેકોર્ડ નોંધાયો છે.

FullSizeRender (3).jpg
IMG-20160522-WA0017

     (ડૉ.અરવિંદ લાપસીવાલા)                                              (ભત્રિજો)                                               

              સફળતા માટે શ્રીહરિના જાપ જપવા કરતાં નિષ્ફળતાનું માપ કાઢવાનું વધુ જરૂરી હોય છે. મતલબ તમારી ક્ષમતાની સાથોસાથ તમારી વિકનેસથી પણ માહિતગાર રહેવું જોઈએ. અમેરિકાના એક જમાનાના પ્રમુખ અબ્રાહમ લિંકનને પત્રકારોએ પૂછેલું: ‘તમે તમારી સફળતાનો યશ કોને આપો છો…?’ લિંકને જવાબ આપેલો: ‘હું મારી સફળતાનો સાચો યશ મારા દુશ્મનોને આપું છું. તેમણે મારા પ્રત્યેક દુર્ગુણોની ટીકા કરીને મને મારી નબળાઈઓનું ભાન કરાવ્યું, એથી તે બધી નબળાઈઓ હું દૂર કરી શક્યો. મિત્રોએ તો મારા તમામ દુર્ગુણોને છાવરીને મને અંધારામાં જ રાખવાની પેરવી કરી હતી!’ એ સિવાય બીજી પણ એક વાત છે. સફળતા માટે કેવળ અભ્યાસિક તેજસ્વીતા પૂરતી હોતી નથી. દરેક માણસમાં કોઈ ‘એક્સ ફેક્ટર’ પડેલું હોય છે. માણસે તે શોધી કાઢીને તેની પાસે યોગ્ય કામ લેવું જોઈએ. તેમ થઈ શકે તો તમે દુનિયાને તમારું લેવલ બેસ્ટ ‘આઉટપૂટ’ આપી શકશો. સચીન તેંડૂલકર વલ્ડફેમસ ક્રિકેટર છે, પણ બારમાં ધોરણમાં એની વિકેટ પડી ગઈ હતી. પણ એ કારણે તેને ‘લૂઝર’ ન ગણાવી શકાય.  ક્રિકેટમાં તે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો છે. કદાચ કુદરત તેને શ્રેષ્ઠ ‘સ્કોલર’ નહીં પણ શ્રેષ્ઠ ‘ક્રિકેટર’ બનાવવા માંગતી હતી.  કોઈ બાબતમાં તમને ખૂબ રસ હોય તો તેમાં પુરુષાર્થ કરવાથી તમે સિદ્ધિના શિખરે પહોંચી શકો છો. મોરારિબાપુ મેટ્રિકમાં ત્રણવાર નાપાસ થયા હતા. પણ રામકથામાં એમણે માસ્ટર ડિગ્રી મેળવી છે. મન ગમતી દિશામાં મનને રમતું મૂકો તો તે દોઢસો કિલોમીટરની ઝડપે દોડે છે. એક પંક્તિનું સ્મરણ થાય છે, ‘મંઝિલે ઉનકો મિલતી હૈ, જિનકે સપનોમેં જાન હોતી હૈ…! પંખોસે કુછ નહીં હોતા હોસલોંસે ઉડાન હોતી હૈ…!’

        ‘હોંસલો’ હોય તો તળાવનો હંસલો પણ આકાશમાં ઊડી શકે. (અને ઈન્ડિયાનો અરવિંદ અમેરિકામાં ફેકટરીઓ નાંખી શકે) હા, ક્યારેક માણસની ધારણાથી વિરૂદ્ધ એવું બને છે કે ક્યારેક કોઈ માણસ સો ટકા લાયકાતવાળો હોય અને રાત દહાડો સખત મહેનત પણ કરતો હોય છતાં ધંધામાં નિષ્ફળ જાય છે. બીજી તરફ કશી જ ઊંડી ગતાગમ વિનાનો માણસ રાતોરાત સિદ્ધિના શિખરે પહોંચી જાય છે. એવું કેમ થતું હશે તે આપણે જાણતા નથી. પણ એવું જોઈએ છીએ ત્યારે બેશક આપણને ભાગ્ય, નસીબ, ડેસ્ટીની જેવાં શબ્દો યાદ આવે છે. કદાચ એમાં આપણી જાણબહારના કોઈ પરિબળો ભાગ ભજવતાં હોય છે. જેને આપણે સમયની બલિહારી તરીકે ઓળખીએ છીએ. કહેવાયું છે કે, સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટિયો વોહી ધનુષ વોહી બાણ…!’ પહેલી નજરે દિમાગમાં ઉતરી જાય એવું સત્ય એ છે કે પાંચ માણસો ભેગા મળીને ગમે તેટલું જોર લગાવે તોય તેઓ સો માણસો સામે જીતી શકતાં નથી. પણ મહાભારતમાં એથી ઉલટું બન્યું હતુ. પાંચ પાંડવો સામે સો કૌરવો હારી ગયા હતાં. કેમકે તેમના પક્ષે શ્રીકૃષ્ણ ન હતા. સત્યનો કૃષ્ણ જેની તરફેણમાં હોય છે તેવા માણસો ઈચ્છિત સિદ્ધિ હાંસલ કરી શકે છે. પણ તે માટે તમારી ક્ષમતા અને સમયને ઓળખી જરૂરી હોય છે.  ફિલ્મ ‘વક્ત’ના ગીતમાં કહેવાયું છે: ‘ના જાને કિસ ઘડી વક્ત કા બદલે મિજાજ…!’ મતલબ એક સમયે જે રાજા બની રાજ કરતો હોય તે ઘડીના છઠ્ઠા ભાગમાં રંક બની જાય છે. જેઓ સમયનો મિજાજ પારખીને જીવે છે તેઓ સફળ થાય છે. નહીંતર ક્યારેક નવસો કરોડનો ધણી ક્ષણમાં નવટાંકનો થઈ જાય છે. અને લોકો હોઠમાં વાંકુ હસીને વ્યંગમાં કહે છે: ‘સગાં દીઠાં મેં શા’આલમના શેરીએ ભીખ માંગતા…!’ આ બધી વાતનો એક વાક્યમાં અનુવાદ એવો થાય કે It is easy to reach the climax but very difficult to mantain the climax… મતલબ સફળતાના શિખરે પહોંચવું સહેલું છે, પણ ત્યાં ટકી રહેવું ઘણું અઘરુ છે. માણસ ભૂલ કરે ત્યારે તેનું સઘળું કર્યુ કારવ્યું ધૂળમાં મળી જાય છે. અને જમાનો હોઠમાં હસીને કહે છે: ‘કૈસે કૈસે સિકંદર મીટ ગયે થોડી બહોત ગલતીઓં કે લિયે…!’

IMG_3959 (3).JPG

                                    (ડૉ.અરવિદભાઈ તેમના પરિવાર સાથે)

          દોસ્તો, એ સિવાય ડૉ.અરવિંદભાઈએ પત્રમાં જણાવેલી થોડી વાતો એમના પોતાના શબ્દોમાં આ રહી: દિનેશભાઈ, તમે ઈન્ટરનેટ પર મારો ઈન્ટરવ્યૂ રજુ કરવાની પરવાનગી માગી ત્યારે હું થોડો મુંઝાઈ ગયો હતો. મનમાં એવી ગડમથલ થઈ હતી કે રખે ને મારી આ ગૌરવગાથા આત્મશ્લાઘા તો ન થઈ જાય ને…? પરંતુ તમે ખૂબ બેલેન્સ જાળવીને મારી શૈલી વિષે સમીક્ષાત્મક લખ્યું તે  બધાંને ગમ્યું. હું છેલ્લા ૪૫ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયો હોવાથી સાંપ્રત સાહિત્યકારોથી વિમુખ થઈ ગયો હતો. મને એ પણ ખ્યાલ આવ્યો કે ઈન્ટરવ્યૂ પ્રગટ થતાં મને સાહિત્યનો મારો ખોવાયેલો માહોલ પાછો મળશે. હું સૌ સાહિત્યકારોની સમીપ જઈ શકીશ. દિનેશભાઈ, આપે એક પ્રશ્ન પૂછ્યો છે કે જીવનમાં સફળ કેવી રીતે થવાય…? એનો જવાબ આપવાની મારી કેટલી યોગ્યતા છે તે હું જાણતો નથી, પણ મને જીવનમાંથી જડેલી વાતો મેં તમને લખી હતી, અને તેને તમે ઠીક રીતે રજૂ કરી છે. તે સિવાય સફળતાની કોઈ સ્પેશિયલ તરકીબ હોય તો તે મારા કરતાં જેઓ વધુ સફળ થયા છે તેમની પાસેથી પ્રાપ્ત થઈ શકે. પણ મને એક બીજી વાત પણ સમજાઈ છે, તે એ કે આપણે આ ધરતી પર ફક્ત પૈસા કમાવા નથી અવતર્યા. દરેક માણસે પોતાનું જીવન કેવળ અર્થોપાર્જન માટે જ વ્યતિત ન કરવું જોઈએ, દરેકને પોતાના રસરુચિ પ્રમાણે કોઈ ને કોઈ ઉપવ્યવસાય (એટલે કે શોખ) હોવો જોઈએ. તમારા પરિશ્રમથી તમને પેટ માટે રોટી મળી રહેશે પણ તમારા આત્માને પણ કલાની ભૂખ હોતી હોય છે. એથી ‘નિજાનંદ’ માટે દરેકે પોતાના મનની મહેચ્છાઓ પૂર્ણ કરવી જોઈએ. દિનેશભાઈ, એ સિવાય મારી પાસે ખાસ કાંઈ કહેવાનું છે નહીં. હું ગાંધીજી જેવો મહાન માણસ નથી પણ તેમના શબ્દો યાદ આવે છે: ‘મારું જીવન જ મારો સંદેશ છે.’ મારે પણ જે કાંઈ કહેવું છે તે મારું જીવન બોલે છે. તમે ખૂબ રસ લઈને મારી વિવિધ કલાકીય સિદ્ધિઓને દુનિયા સમક્ષ મૂકી તે માટે હું તમારો વિશેષ આભારી છું. મારો ઈન્ટરવ્યૂ વાંચી મને તથા દિનેશભાઈને પ્રતિભાવો મોકલીને સૌએ જે રસ દાખવ્યો તે માટે હું ઈન્ટરનેટના તમામ વાચકો, લેખકો અને વિવિધ કલાકારોનો આભારી છું. મારો ફોન વગેરે જણાવ્યો છે. તમારા પ્રતિભાવો સાંભળવા માટે હું ઉત્સુક છું!’

       દોસ્તો, ડૉ. અરવિંદભાઈ લાપસીવાલા જેવી સફળ હસ્તિ પાસેથી સફળતાનો ઈતિહાસ જાણવો તે ગાંધીજી પાસે આઝાદીનો ઈતિહાસ જાણવા જેવી ઉપયોગી બાબત ગણાય. એમનો ઈન્ટરવ્યૂ રજુ કરતીવેળા અમને વારંવાર એવો વિચાર આવ્યો હતો કે સમાજના આવા મૂઠીઊંચેરા માનવીએ પોતાની આત્મકથા લખવી જોઈએ…! એ આત્મકથા લોકો માટે હાઈવે પર લટકાવવામાં આવતા દિશાસૂચક બોર્ડ જેવી ઉપયોગી બની રહે. તે દ્વારા નવી પેઢીને એક મેસેજ મળી શકે કે ‘મહેનત કરે ઈન્સાન તો ક્યા હો નહીં સકતા…?’

IMG-20160522-WA0016.jpg

                              (ડૉ. અરવિંદભાઈ શ્રીમતી ભારતીબેન સાથે)

             પત્રમાં તેમણે સફળતાની જે ફોર્મ્યુલા બતાવી તે એમના જીવનમાંથી જડેલી જડીબુટ્ટી છે. શાયર દુષ્યંતકુમારે લખ્યું છે: ‘કૈસે આસમાંમેં સૂરાગ હો નહીં સકતા…? એક પથ્થર તો તબયતસે ઉછાલો યારો…!’ ડૉ. અરવિંદભાઈએ અમેરિકાના ઔદ્યોગિક આકાશમાં પથ્થર ઉછાળીને સૂરાગ કરી બતાવ્યો છે. એક પણ શબ્દ બોલ્યા વિના ડૉ. અરવિંદભાઈ દુનિયાને જાણે મોઘમ રીતે કહે છે:  ખુદી કો કર બૂલંદ ઈતના કિ, હર તકદીર લિખનેસે પહેલે ખુદા તુઝસે પૂછે, બતા તેરી રઝા ક્યા હૈ…? દોસ્તો, એઓ જેવું માને છે તેવું જીવે છે. સફળ થવા માટે એમને સમય સમયે જે સૂઝ્યું તે એમણે કર્યું. આજે આપણાથી હજારો માઈલ દૂર અમેરિકામાં એમણે પોતાનું પ્રાઈવેટ સ્વર્ગ ઊભું કર્યું છે. એ સ્વર્ગના છાંયડામાં એમણે સર્વ સ્વજનો તથા કુટુંબીજનોને પણ પ્રેમથી આવકાર્યા છે. એ રીતે દુનિયાને એમણે એક સુંદર દાખલો પૂરો પાડ્યો કે માત્ર ગરીબો જ અડધીમાંથી અડધી વહેંચીને ખાય છે એવું નથી. અમીરો પણ તેમના સ્વનિર્મિત સ્વર્ગને સ્વજનોમાં વહેંચીને સ્વાર્પણનો આનંદ માણે છે. એમની સિદ્ધિને સો સલામો કરીને અંતમાં એટલું જ કહીએ, કદાચ એમને કુદરતે સફળ થવા માટે જ મોકલ્યા હતા. એક  વાત યાદ આવે છે: અમેરિકામાં નહીં પણ ઈન્ડિયામાં એવા દ્રશ્યો ખાસ જોવા મળે છે, કે સવારે ટ્રેનની ગિર્દીમાં પંદર વીસ માણસો ગાડીના દરવાજે લટકીને મુસાફરી કરતા હોય છે. આગલા સ્ટેશને ગાડી ઊભી રહે છે. નવા મુસાફરો ધસારો કરે છે. જેનામાં કૌવત હોય તે કોણી મારીને અંદર જઈને બારીવાળી સીટ મેળવે છે. અહિં એમ કહી શકાય કે ઈન્ડિયાના અરવિંદે બૂલેટ ટ્રેનમાં બારીવાળી સીટ મેળવી છે. દોસ્તો, જેમની ઝળહળતી જિંદગીને ઈશ્વરના આશીર્વાદ મળ્યા છે એવા અરવિંદભાઈને આપણે ઈશ્વરથી વધીને અધિક શુભેચ્છાઓ શી આપી શકીએ…? બસ, એટલું જ કહીએ કે:

ઐસા સૂરજ હૈ તુ…! કભી તુ બૂઝ ન પાયેગા…!’

તેરી રોશની સે તુ…. કઈ દિયે જલાયેગા….!!

તેરી જિંદગી કી કિતાબ કિસી ઔરને લીખી હૈ,

લેકિન…  તેરી તકદીર તુને ખુદ લીખી  હૈ…!

    ડૉ. અરવિંદભાઈના પરિવારના પ્રેમભર્યા પત્રો મળ્યા છે. એમાં સર્વશ્રી સુરેશ લાપસીવાલા(અમેરિકા), શ્રી બીપીન લાપસીવાલા (સુરત), શ્રી અશોક લાપસીવાલા (સુરત) તથા સૌથી નાના ભાઈ શ્રી પ્રફુલ લાપસીવાલા (સુરત) રહે છે. એ સૌ વિશે પણ એવી જ સુંદર રોચક અને પ્રેરણાત્મક વાતો લઈને ટૂંક સમયમાં આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. લાપસીવાલા પરિવાર સહિત આપ સૌ વાચક મિત્રોના સ્નેહભર્યા સહકાર બદલ હાર્દિક આભાર…! May God bless to all of us….!!!

          ડૉ. અરવિંદભાઈ લાપસીવાલાનું ઈમેલ: alapsimd@yahoo.com  

           સરનામુ : ડૉ. અરવિંદ લાપસીવાલા, કૉવિના, કૅલિફોર્નિયા

            Phone : +1(626)975-5645

– (દિનેશ પાંચાલ) મોબાઈલ : 94281 60508

20160426_193620

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com   

                                              *************

ભગવાનનો બેંક એકાઉન્ટ

         પ્રશ્ન થયો, કોઈ ભગવાનના નામે બેંકમાં ડિમેટ ખાતું ખોલાવી શકાય ખરું? જવાબ જડ્યો જરૂર ખોલાવી શકાય, પણ એ ખાતાની તકલીફ એ હોય છે કે એમાં  ‘સફિશિયન્ટ બેલેન્સ’ ના હોય તો દેવતાઓ તેમાં પૈસા જમા કરાવતા નથી. સતીયુગમાં શામળાએ નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારેલી. નરસિહ મહેતાનું રૂપ ધારણ કરીને ગોરાણીને ઘી પહોચાડેલું. દ્રૌપદીના ચીર પણ પૂરેલા… પણ એ કાનુડો આજે તેના ભક્તોના ખાતામાં  ‘સફિશિયન્ટ બેલેન્સ’ કરાવવાની તસ્દી લેતો નથી. થોડા સમયપૂર્વે સાંગલીના ભૂતપૂર્વ રાજવી એવા પટવર્ધન પરિવારે ભગવાન શ્રી ગણેશના નામનું ડિમેટ એકાઉન્ટ ખોલાવવાની કોશિષ કરેલી. મુંબઈ હાઈકોર્ટે તેને ‘નન્નો’ સુણાવ્યો  હતો. સાંગલી પરિવારે કોર્ટમાં દલીલો કરી હતી કે સર્વોચ્ચ અદાલત સહિત જુદી જુદી અનેક બેંકોએ ભગવાનને પ્રોપર્ટી ખરીદવાની પરવાનગી આપી છે તો ભગવાનના નામે ડિમેટ એકાઉન્ટ કેમ નહીં? સમજીએ તો સાવ સીધી વાત છે. જો ભગવાનના નામે ગમેતેવા ગોરખધંધા થઈ શકતા હોય, ભક્તિના નામે લૂંટ ચલાવી શકાતી હોય… મંદિરોની દાનની રકમમાં લાખોની ગોલમાલ ક…રી શકાતી હોય… તો ભગવાનના નામે ખાતુ કેમ ન ખોલાવી શકાય?? માણસનો દંભ તો જુઓ… ભગવાનના નામે મંદિર મસ્જિદની તોડફોડ થઈ શકે, અનેક લોકોની હત્યા થઈ શકે… ધરમયુદ્ધને નામે સેંકડો લોકોના આયુષ્યના ખાતા બંધ થઈ શકે પણ તેને નામે બેંકમાં ખાતુ નહીં ખોલાવી શકાય…! આ તો વાલ ખાય ને વાલની દાળ ન ખવાય જેવી વાત થઈ કહેવાય…! આપના વિચારો જાણીને આનંદ થશે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

પુસ્તકો… કાગળનો વાઘ

        નાનપણમાં અમારે ત્યાં દીવાળીટાણે ફટાકડા આવતા તેમાં છેતરપીંડી જોવા મળતી. ફટાકડાની જ્યોત સળગાવીએ તો તે ફૂટે નહીં. (ધડાકો તો ન જ થાય પણ સુરસૂરિયું પણ ના થાય, માત્ર જ્યોત સળગીને હોલવાઈ જાય) અમે બ્લેડ વડે ફટાકડાને કાપીએ તો જાણવા મળતું કે માત્ર કાગળના ગોળ પીલ્લાં વાળવામાં આવ્યા હતાં, અંદર દારૂ ભરવામાં આવ્યો હોતો નથી. એવા ફટાકડાને અમે કાગળનો વાઘ કહેતા. આજે ઘણા પુસ્તકો કાગળનો વાઘ હોય છે. એમાં માત્ર સ્ટેશનરી વપરાયેલી હોય છે, ચિંતનનો દારૂગોળો સંપૂર્ણ ગેરહાજર હોય છે. એવા પુસ્તકો પસ્તીના વેપારી સિવાય કોઈને કામ આવી શકતા નથી. કદાચ તે કાગળ પરના કહેવાતા ડમી લેખકો દ્વારા લખાયા હોય છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

ભંગોરના ભાવે સોનુ

      અમારા બચુભાઈ કહે છે, ‘હમણા મેં રોકડા ત્રણસો ચૂકવી એક પુસ્તક ખરીદ્યું. પહેલા આવું નહોતું થતું પણ જ્યારથી પ્રિન્ટીંગ પ્રેસની શોધ થઈ છે ત્યારથી કોઈના ભેજાનો સડેલો કચરો આપણા હાથમાં પુસ્તકસ્વરુપે આવી પડે છે.  આપણે સાચું બોલવાની પ્રતિજ્ઞા લીધી નથી હોતી એટલે લેખકને આઘાત નથી લાગતો. બાકી એના પુસ્તક માટે પસ્તીના ત્રાજવા સિવાય બીજી કોઈ જગ્યા આપણને યોગ્ય જણાતી નથી. પુસ્તકના બે પૂઠાં વચ્ચે જે કહેવાતું મધ ભર્યું હોય તેમાં ૯૮ ટકા ખાંડની ચાસણી હોય છે. એવી ચાસણી ક્યારેક પૂરા ત્રણસો રૂપિયામાં વેચાય છે. ખાંડ ૩૦ રૂપિયે કિલો અને ચાસણીના ત્રણસો રૂપિયા…! (ગણી કાઢો કેટલા ટકાનો ધંધો થયો?) આવો સોદો થાય ત્યારે ભંગોરના ભાવે સોનુ વેચાતું હોય એવો ઘાટ થાય છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

લાશનો એલ.આઈ.સી

                                           લાશનો એલ.આઈ.સી

    ઘણીવાર લેખકની કલમ કમજોર હોય તોય તેના પુસ્તકો ખૂબ વેચાય છે. કેટલાક લેખકોને લખતા આવડે તેના કરતાં વેચતા વધુ સારુ આવડતું હોય છે. તેઓ તેમના અનુભવને આધારે સમજી ગયા હોય છે કે લખવું, છાપવું અને વેચવું એ ત્રણેમાં અક્કલ કરતાં આવડત વધુ ભાગ ભજવે છે. માર્કેટીંગનો મંત્ર આવડતો હોય તો તમારા શીંગચણા કાજુના ભાવે વેચાઈ શકે છે. વસ્તુના વેચાણને હવે ગુણવત્તા સાથે ઝાઝી નિસબત નથી હોતી. વેચતા આવડે તો ટાલિયાને કાંસકી વેચી શકાય… આંધળાને આયનો વેચી શકાય… અને પુલના ગરનાળા નીચે રહેતા ભીખારીના ઘરનો વીમો ઉતરાવી શકાય. અરે…! ચાર પાંચ મિનિટ પછી જે લાશનો અગ્નિસંસ્કાર થવાનો હોય તે લાશનો જીવનવીમો ઉતરાવી શકાય! દુનિયા ખરીદતી હૈ… બેચને વાલે ચાહિયે…!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

                                           ભંગોરના ભાવે સોનુ

    અમારા બચુભાઈ કહે છે, ‘હમણા મેં રોકડા ત્રણસો ચૂકવી એક પુસ્તક ખરીદ્યું. પહેલા આવું નહોતું થતું પણ જ્યારથી પ્રિન્ટીંગ પ્રેસની શોધ થઈ છે ત્યારથી કોઈના ભેજાનો સડેલો કચરો આપણા હાથમાં પુસ્તકસ્વરુપે આવી પડે છે.  આપણે સાચું બોલવાની પ્રતિજ્ઞા લીધી નથી હોતી એટલે લેખકને આઘાત નથી લાગતો. બાકી એના પુસ્તક માટે પસ્તીના ત્રાજવા સિવાય બીજી કોઈ જગ્યા આપણને યોગ્ય જણાતી નથી. પુસ્તકના બે પૂઠાં વચ્ચે જે કહેવાતું મધ ભર્યું હોય તેમાં ૯૮ ટકા ખાંડની ચાસણી હોય છે. એવી ચાસણી ક્યારેક પૂરા ત્રણસો રૂપિયામાં વેચાય છે. ખાંડ ૩૦ રૂપિયે કિલો અને ચાસણીના ત્રણસો રૂપિયા…! (ગણી કાઢો કેટલા ટકાનો ધંધો થયો?) આવો સોદો થાય ત્યારે ભંગોરના ભાવે સોનુ વેચાતું હોય એવો ઘાટ થાય છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

                                              ઢીલા પેન્ટમાં ટાઈટ ગરીબી

    ડૉક્ટર રાજન શેઠજીએ એક રમૂજી અનુભવ કહ્યો: ‘એકવાર ભદરપાડાના બાળકો ક્રીકેટ રમતા હતા. અમે જોયું કે એક સાવ તંદુરસ્ત બાળકને રનરની સુવિધા આપવામા આવી હતી. એ જોઈ મેં પૂછ્યું, આ છોકરાથી દોડી શકાતું નથી…? આયોજકે કહ્યું એ છોકરા પાસે પેન્ટ નથી. કોકે આપેલું પેન્ટ એણે પહેર્યું છે. પેન્ટ એને ઢીલું પડે છે. દોડતીવેળા પેન્ટ ઉતરી જાય છે. એથી એના વતી બીજો છોકરો દોડે છે. ડૉક્ટરે ત્યારબાદ જણાવ્યું, એ ખુલાસો સાંભળી પહેલા તો હું ખડખડાટ હસી પડ્યો. પણ પછી દિલમાં ગમગીની છવાઈ ગઈ. કોમેડીના વરખમાં ટ્રેજેડી છુપાયેલી હતી. ઢીલા પેન્ટમા ટાઈટ ગરીબી છુપાયેલી હતી એથી અમે સંકલ્પ કર્યો કે ઢીલા પેન્ટવાળુ બાળક ભણતરમાં ઢીલુ ના રહી જાય અને ભણીગણીને ખૂબ આગળ વધે તે માટે ભદરપાડાની બિસ્માર શાળાનો જિર્ણોદ્ધાર કરવાનો નિર્ણય લીધો. કોણ જાણે હું સાચો હોઈશ કે ખોટો પણ મને લાગે છે કે ઘડપણમાં તિજોરીની મૂડી કરતાં સદકર્મોની મૂડી વધુ રાહત આપતી હોય છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com