દવા દુઆ કરતાં પણ વધુ જરૂરી

      કેટલાંક વૃદ્ધો માને છે કે દવા લેવાથી તેના ફાયદા કરતાં આડઅસરનું નુકસાન વધુ થાય છે. એક વાત સમજી લેવી જોઈએ. દવા ન લેવાથી શરીર તેની આડઅસરના ચપટીક નુકસાનમાંથી બચી શકે પણ લંબાયેલા રોગનું ટોટલ નુકસાન અનેકગણુ વધી જાય છે. એ નુકસાન આગળ વધે ત્યારે કમળામાંથી કમળી થઈ જાય… એસીડીટીમાંથી અલ્સર થઈ જાય… શરદીમાંથી ન્યમોનિયા થઈ જાય… તાવમાંથી મેલેરિયા થઈ જાય… લો પ્રેસરમાંથી લકવો થઈ જાય… શું શું ન થાય…? તમારી બ્લોક થવા આવેલી હાર્ટની કોરોનરીને બલૂન મૂકી ડૉક્ટર  પહોળી ન કરે તો વખત જતાં બાયપાસની પણ નોબત આવી શકે. એન્જીયોપ્લાસ્ટી વડે તે ઓછા ખર્ચે પતે. બાયપાસનો બોમ્બ તમારા બેંકબેલેન્સને બ્લાસ્ટ કરી દે. તાત્પર્ય એટલું જ કે દવા લેવાથી કદાચ નુકસાન થતું હોય તોય તે દશ મિલિગ્રામ જેટલું હોય, પણ ન લેવાથી નુકસાન થાય તે દશ મણ જેટલું થઈ શકે. જરા વિચારો, નજીવી કિંમતનો ફ્યૂઝ ઉડે અને મોંઘા ટીવી, ફ્રીઝ બચી જાય તેમા ફાયદો છે કે નુકસાન…? આખેઆખું કૂકર ફાટવાનું હોય તે અટકી જાય અને માત્ર તેનો સેફ્ટીવાલ્વ ઉડી જાય તે(જોરકા ઝટકા ધીરેસે લગે)જેવું ફાયદેમંદ નુકસાન ન ગણાય…? ખાસ કરીને વૃદ્ધોએ યાદ રાખવા જેવી બાબત એ છે કે પ્રેસરની એક ગોળી તમારી પાસબુકમાં એટલો મોટો ખાડો નથી પાડતી જેટલો હ્રદયરોગના હુમલાથી પડે છે. માંદગીને વકરવા દેવાને બદલે રોગ અને દુશ્મનને ઉગતા જ ડામવા. હૉસ્પિટલના પગથિયાં ચઢવા કરતાં મેડિકલ સ્ટોરના પગથિયાં ચઢવા ઓછા ખર્ચાળ હોય છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Leave a comment