ડૉ. અરવિંદ લાપસીવાલાનો ઈન્ટરવ્યૂ

IMG_20160426_165409_1461669974728.jpg           Dr. Arvind Lapsiwala  (F.R.C.S,  FA.C.S, F.I.C.S, M.B.A)

(પ્રિય મિત્રો, આજથી શરુ થઈ રહેલા અમારા ‘ઈન્ટરનેટ ઈન્ટરવ્યૂ’ ના આ વિભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારા તમામ વાચકમિત્રોને આ વિભાગમાં ખૂબ રસ પડે એવા અમારા પ્રયત્નો રહેશે. અમે એ પ્રયત્નોમાં ઉણા ઉતરીએ તો અમારા કાન ખેંચવામાં કસર કરશો નહીં. આપના પ્રતિભાવો તથા સૂચનોને અમે દિલી આવકાર આપીશું. આભાર…!) –દિનેશ પાંચાલ

                                    ડૉ. અરવિંદ લાપસીવાલાનો ઈન્ટરવ્યૂ 

                                                  (16.05.16)…  (1)   

    લાંબા સમયથી અમે ઈન્ટરનેટ પર ‘ઈન્ટરવ્યૂ’ નામનો એક રસપ્રદ વિભાગ શરુ કરવાનું વિચારી રહ્યા હતા. કંઈક એવો ઈરાદો હતો કે પ્રથમ ઈન્ટરવ્યૂ કોઈ એવી પાણીદાર હસ્તીનો લેવો જેનાથી અમારો આ શુભારંભ પ્રયોગ દીપી ઊઠે. પણ કોઈ નામ સૂઝતું ન હતું. તેવામાં યોગાનુયોગ એ બન્યો કે ૪૫ વર્ષોથી અમેરિકામાં વસતા ડૉ. અરવિંદભાઈ લાપસીવાલાનું એક મોટું પાર્સલ કૂરિયરમાં આવી પડ્યું. અમને એમનો કોઈ પૂર્વપરિચય નહીં, પણ એમણે જણાવ્યું કે એઓ ‘ગુજરાતમિત્ર’માં દર રવિવારે પ્રગટતી મારી કોલમ– ‘જીવન સરિતાને તીરે’ ઈન્ટરનેટ પર વાંચે છે. અમારા પુસ્તકો પણ એમણે વાંચ્યા હતાં. તેટલા પરિચયે એમણે કદાચ સરનામુ ‘ગુજરાતમિત્ર’માંથી મેળવ્યું હશે. પાર્સલ ખોલ્યું તો એમાંથી એમના આઠ પુસ્તકો નીક્ળ્યા. સાથે સંગીતની છ ડી.વી.ડી.ઓ હતી. અમારે લેખનવ્યસ્તતા તો હતી જ પણ સંગીત ખાસ ગમે એટલે ડી.વી.ડી.ઓ પ્રથમ સાંભળી.

          અહીં એક નવી મુશ્કેલી એ આવી કે મૂળથી ધાર્મિક્તા જોડે અમારે બારમો ચંદ્રમા… કદાચ અમારી પ્રકૃતિમાં જ એન્ટીધાર્મિક્તા ઈનબિલ્ટ થયેલી હતી. ધરમકરમ, પૂજાપાઠ, ભજનકિર્તન વગેરેથી અમે બાર  ગાઉ છેટા રહીએ. એટલે પ્લેયરમાં ડી.વી.ડી. નાખવાનો કોઈ જ ઉત્સાહ હતો નહીં. સાંભળવા ખાતર એક બે ભજનો સાંભળ્યા. પણ સાંભળીને વિચારમાં પડી ગયા. અમારી નજર પ્લેયર પર સ્થિર થઈ ગઈ. સંગીત તો  દિલને સ્પર્શી જાય એવું હતું જ પણ શબ્દો ખૂબ ચોટદાર હતાં. (એક ડી.વી.ડી. તો રાત્રે બીજી વાર પણ સાંભળી) ડીવીડી પર બીજું કશું જ વાંચ્યા વિના અમે તે લાપરવાહીથી સાંભળી રહ્યા હતા.અમને કુતૂહલ એ વાતનું થયું કે આ શબ્દો કોણે લખ્યા છે? એથી ડી.વી.ડી. અધવચ્ચે અટકાવીને બહાર કાઢી અને રચનાકારનું નામ વાંચ્યું. તો વાંચવા મળ્યું: ‘written arranged & produced by Dr. Arvind Lapsiwala’ અને સાચું કહીએ તો એ ભજનો સાંભળ્યા પછી જ અમે પુસ્તકો વાંચવાના ક્રમને અગ્રિમતા આપી, બાકી અમારી વ્યસ્તતાને કારણે પુસ્તકો અભરાઈ પર ચઢાવી દીધા હતાં. પછી તો રજાનો સુયોગ પણ સાંપડ્યો એટલે બધાં પુસ્તકો વાંચી નાખ્યા.

         લગભગ આઠેક પુસ્તકો હતાં. વાંચતીવેળા બીજી તકલીફ એ ઊભી થઈ કે એમના ચિંતનનું સ્તર ઘણું ઊંચું જણાયું. સાધારણ માણસને એ મુશ્કેલીથી સમજાય એવું હતું. પ્રારંભમાં એવો વહેમ ગયો કે ભારેખમ શબ્દો વાપરીને એમણે એમની ફિલોસોફીને સહેતુક અટપટી બનાવી મૂકી છે. પણ આખું પુસ્તક વંચાઈ ગયા પછી ખ્યાલ આવ્યો કે કદાચ એ એમની સહજ કેળવાયેલી શૈલી હતી. પછી પુસ્તકો વંચાતા ગયા અને અમે જોઈ શક્યા કે ડૉ. અરવિંદભાઈ લાપસીવાલા એવી મૌલિક શૈલીમાં લગભગ સફળ થઈ ચૂકયા હતા. બલકે છએક પુસ્તકો વંચાઈ ગયા બાદ એ વાત પણ સમજાઈ ગઈ કે  લેખક તરીકે પણ એ પાણીદાર સાબિત થયા હતા.

      દોસ્તો, અમારા ઈન્ટરનેટ ઈન્ટરવ્યૂ માટે અમે ડૉ. અરવિંદભાઈ લાપસીવાલાના નામ પર પસંદગી ઉતારી તેનું એક બીજું કારણ એ છે કે અમે તેમને ઈન્ટરવ્યૂનો ઈરાદો જણાવ્યો ત્યારે પહેલાં તો તેઓ મુશ્કેલીથી તૈયાર થયા. પછી કહ્યું: ‘હું કોઈ બહુ મહાન હસ્તિ નથી. દુનિયાના લાખો લોકો ખૂબ મહેનત કરીને સફળ થાય છે, હું પણ તેમાનો એક સાધારણ પરિશ્રમી ઈન્સાન છું. એથી તમારા ઈન્ટરવ્યૂ માટે હું કોઈ સ્પેશિયલ વ્યક્તિ હોઉં એવું મને નથી લાગતું. છતાં તમે સાહસ કરવા માગતા હો તો કરો… પણ મને, હું જેવો છું તેવો દેખાવાનું જ વધુ ગમે છે. મતલબ મારે ખાસ એ કહેવું છે કે તમારી શૈલીના શણગારથી આ અરવિંદને મહર્ષિ અરવિંદ ચીતરવાની કોશિષ નહીં કરો તો તેમાં હું વધુ રાજી રહીશ. આ અરવિંદ દુનિયાના દરબારમાં પોતાની જાતને જે રીતે મૂકી શક્યો છે તેનું જે વાસ્તવિક ચિત્ર છે તે ચિત્ર ઈન્ટરનેટ પર તમે દોરેલા ચિત્ર કરતાં જૂદું ન હોય તેની ખાસ કાળજી રાખશો. એમના આ શબ્દોથી આનંદ થયો. ખાસ તો એમની આ– ‘Look As You Are…!’ (મતલબ જેવા છો તેવા દેખાઓ)ની વૃત્તિ જાણ્યા પછી વિશેષ આનંદ એ વાતનો થયો કે અમારે ઈન્ટરનેટ પર એમને રજૂ કરવા માટે શૈલીનો કોઈ વિશેષ મેકપ કરવો પડે એમ ન હતું. એમની બધી મર્યાદાઓ જરા ય છૂપાવ્યા વિના નિખાલસતાથી જાહેર કરી શકાય એવી સવલત એમણે સામેથી પૂરી પાડી હતી. (તે સાંજે અમે અમારી મિત્રમહેફિલમાં આ વાત કહી ત્યારે અમારા મિત્ર બચુભાઈએ એની નોંધ લેતાં કહ્યું: ‘બહુ સારી વાત કહેવાય… પરણવા જઈ રહેલો કયો વરરાજા પોતાના શરીર પર થોડી ઓછી પીઠી ચોળાય એમ ઈચ્છે…?’ આત્મષ્લાઘામાં ન રાચવાની એમની માનસિક્તા જાણીને એમના તરફનો અમારો આદર ખાસ્સો વધી ગયો. કેમકે ખુદ અમે પણ ‘મેકપ રીયાલીટી’ને બદલે ‘મિરર રિયાલીટી’માં જ માનીએ છીએ એથી એવી છૂટ મળે તે અમારે માટે આનંદ કરતાં સુવિધા વિશેષ બની રહે છે. એટલે અહીં એક અનુકૂળતા એ થઈ કે આ ઈન્ટરવ્યૂમાં એમના વિષે થોડું સમીક્ષાત્મક લખવામાં પણ સંકોચ ના થયો. એક પત્રમાં એમણે લખ્યું કે, ‘આજે મારી જે સ્થિતી છે તે હું નિખાલસભાવે જણાવું છું. તેમાં કોઈ જગ્યાએ જરાક પણ બઢાવી ચઢાવીને લખ્યું નથી. છતાં તમે એમાં જેટલી ઊંડી કાતર ફેરવશો તે મને ગમશે. હું એમ કહું કે તમને મારી પ્રતિભા સૂરજ જેવી લાગતી હોય તો પણ તેને કોડિયા જેવી કરીને રજૂ કરશો તો તે પણ મને ગમશે. કેમકે આ અરવિંદની પહેલા દુનિયામાં સેંકડો સૂરજો ઊગીને આથમી ચૂક્યા છે. મને યાદ આવે છે ગુજરાતમાં પ્રમીલા દાતાર નામની એક જૂની ઓરકેસ્ટ્રા ચાલતી હતી, તેમાં એકાદ ગીત સાંભળ્યું હતું તે યાદ આવે છે: ‘ઢલતા સૂરજ ધીરે ધીરે ઢલતા હૈ… ઢલ જાયેગા…!’ મારુ માનવું છે કે આપણી કિસ્મતની ફીરકીમાં જેટલા ફૂટ દોરો હશે તેનાથી એક ફૂટ વધારે ઊંચો પતંગ આપણે ઉડાવી શકવાના નથી. આપણે મધ્યાન્હે પહોંચીએ કે ન પહોંચીએ પણ સમયે આથમવાનું તો નક્કી છે.’ એમની જીવનની સુંદર ફિલોસોફી અને ખાસ તો નિખાલસતાને કારણે એમના વિશે દિલપૂર્વક લખવાની અનુકૂળતા રહી.

     દોસ્તો, કોઈ માટે મૈત્રિ–વિવેચન કરવાની વૃત્તિ પહેલેથી જ ન હોવાથી અહીં એવો આનંદ થયો કે ‘ભાવતું હતું ને પરહેજી મળી!’ એમનો આ ઈન્ટરવ્યૂ આઠ ભાગમાં રજુૂ થશે.(અત્રે પ્રારંભમાં અહીં માત્ર પ્રાસ્તાવિક ચર્ચા કરી છે. ડૉ. અરવિંદ લાપસીવાલાના ચેલેંન્જિંગ જીવનની વધુ રસિક વાતો આવતી કાલથી શરુ થશે. પ્લીઝ બી વિથ અસ…!)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s