(3)પરિવાર પુસ્તક અને પ્રેકટીસ… (૧૮.૦૫.૧૬)

FullSizeRender (4).jpg

                     ( શ્રીમતી ભારતીબેન અને ડૉ. અરવિંદભાઈ લાપસીવાલા)       

           


                                    પરિવાર પુસ્તક અને પ્રેકટીસ…                                      

      દોસ્તો, ઈન્ડિયાના અરવિંદભાઈએ અમેરિકામાં કરેલી સફળ આગેકૂચનો ઈતિહાસ આગળ જોઈએ. એમની કેટલીક અન્ય પ્રવૃત્તિઓ પર એક નજર નાખી લઈએ. એઓ પી.ઈ.ઓ. અને ગ્રેટર કોવિના (આઈ.પી.એ)ના ૧૯ વર્ષોથી (આજપર્યંત) પ્રેસીડન્ટ રહ્યા છે. એ લિમીટેડ કંપની ૩૦ મિલીયન ડોલરનો વાર્ષિક રેવન્યુ ધરાવે છે. ડૉક્ટરો સાથે કોન્ટ્રાક્ટ કરીને કંપની તેમને વેતન આપે છે. વળી ઈન્સ્યોરન્સ કંપની સાથે કોન્ટ્રાક્ટ કરીને રેવન્યૂ પણ મેળવે છે. પ્રેસીડન્ટ સી.ઈ.ઓ. અને માલિક સાઉથલેન્ડ રેડીએશન અને એન્કોલોજી નેટવર્ક. આ કંપની પાસે કેન્સરના પેશન્ટોને રેડીએશન આપવાના મશીનો છે, જે આવા પાંચ લોકેશનો પર હોવાથી ‘નેટવર્ક’ તરીકે ઓળખાય છે. આ પણ એમની એક મોટી કંપની છે.

            અરવિંદભાઈના ત્રણે પુત્રો પણ એ બિઝનેસમાં જોડાયા છે. એ કંપનીના છ વિવિધ સેન્ટરો છે. આ ઉપરાંત ઈન્ટરવેશનલ રેડીઓલોજીના બે યુનિટ છે. એ બધી જ કંપનીઓ તથા પ્રોપર્ટીના માલિક તેઓ પોતે છે. તે કારણે એમણે પ્રોપર્ટી મેનેજમેન્ટની વધારાની કંપની પણ ખોલી છે. તદુપરાંત ૧૨ ફીઝીશિયનોને હાયર કરીને My Flower Medical નું  એક ગ્રૂપ ચલાવવામાં આવે છે. એમાં મહિને ૩૦૦૦ પેશન્ટો આવે છે.

          આટલી વિશાળ બિઝનેસ રિયાસત ધરાવતા ડૉ.અરવિંદભાઈના શોખ પણ જાણવા જેવા છે. અમેરિકામાં એ માત્ર બિઝનેસના કીડા બનીને નથી રહ્યા. બલકે કલાકારની સ્વભાવગત પ્રકૃતિ લઈને આવ્યા હોવાથી બિઝનેસને પણ એમણે કલાના ટાંકણાથી કંડાર્યો છે, પણ કલાનો ક્યારેય બિઝનેસ કર્યો નથી. એમના દશેક પુસ્તકો પ્રગટી ચૂક્યા છે અને ત્રણ પ્રેસમાં છપાઈ રહ્યાં છે. પુસ્તકોમાંથી એમણે કદી કમાણીની ખેવના રાખી નથી. એમના પુસ્તકો એઓ મિત્રો, શુભેચ્છકો અને સાહિત્યકારોને સપ્રેમ આપે છે. આજના કોઈ સફળ અને વ્યસ્ત લેખક કરતાં ય એઓ કલમ જોડે ઘણો ઘરોબો ધરાવે છે. કલમ એમની (શ્રીમતી ભારતીબેન પછીની) બીજી જીવનસંગીની છે. વાંચન તો એમનું વિશાળ ખરું જ પણ પેન્ટીંગ, ટીચીંગ, ટ્રાવેલીંગ સિવાય કન્સ્ટ્રક્શનનું કામ પણ એમને ગમે… જાણીને નવાઈ લાગશે કે એઓ પ્રત્યેક વર્ષે એક આખેઆખી બીલ્ડીંગનું બાંધકામ છેલ્લા અગિયાર વર્ષોથી કરી રહ્યાં છે. અહીં તમે જરૂર એવું વિચારશો કે આટલા વિશાળ કારોબારમાં ડૂબેલો માણસ સામાજિક પ્રવૃતિઓમાં તો સાવ ઝીરો હશે. પણ એવું નથી. સમાજના આમ ઈન્સાન કરતાં એઓ સામાજિક પ્રવૃત્તિઓમાં વિશેષ ડૂબેલા રહે છે. રોટરી ક્લબો દ્વારા સ્કૂલોને મીની ગ્રાન્ટ આપે છે. તેઓ તેના મેઈન ડોનર પણ છે. એ સિવાય ડ્રગ અવરનેસ માટે ‘રેડ– રીબીન રાલી’ ચલાવે છે. જે વાર્ષિક બ્રેકફાસ્ટ મેળાવડો યોજે છે તેના મુખ્યદાતા પણ અરવિંદભાઈ છે. તેઓ ફાઈવ કે (Five-k)run રોટરી ક્લબના મુખ્યદાતા પણ છે.

       દોસ્તો, એક વાત ખાસ નોંધવા જેવી છે. કહેવાય છે કે લક્ષ્મી અને સરસ્વતી એ બે સગી બહેનો છે પણ એ બન્નેને બનતું નથી. જ્યાં લક્ષ્મી હોય ત્યાં સરસ્વતી નથી હોતી પણ ડૉ.અરવિંદભાઈ લાપસીવાલાની વહારે ધાવા સરસ્વતી દેવી અને લક્ષ્મી દેવી બન્નેએ જાણે સમાધાન કરી લીધું છે. એમને તિજોરીતોડ પૈસો તો આપ્યો જ છે, પણ મા સરસ્વતીએ એમને દિમાગ છલકાય એટલી વિદ્યા પણ આપી છે. સાહિત્ય, સંગીત અને કલાનો ત્રિવેણી સંગમ એવા અરવિંદભાઈ આમ તો એક સફળ ઉદ્યોગપતિ છે પણ એમણે ખુદ ભજનો રચીને તેની કર્ણપ્રિય ડીવીડીઓ પ્રગટ કરી છે. એમની છ ડીવીડીઓ મળી તે સાંભળી મન ઝૂમી ઊઠ્યું. હા, અમેરિકામાં સંઘરાયેલા એમના કેન્વાસ પેન્ટિંગ જોઈ શકાયા નથી પણ એમની સર્જનલીલામાંથી સાંગોપાંગ પસાર થનારને એટલી ખાતરી તો અવશ્ય થઈ શકે કે ધૂંઆ ઈતના ગર્મ હૈ તો આગ કૈસી હોગી? (અને લ્યો…! આ લખાય રહ્યું છે ત્યારેજ વૉટસેપ પર એમના થોડાક સુંદર પેઈન્ટીંગ મળ્યા) હવે એ જોઈને તમે પોતે જ ખાતરી કરી લો કે આગ સચમૂચ કિતની ગર્મ હે…?

FullSizeRender (5).jpg

                                 (ડૉ. અરવિંદ લાપસીવાલા અને પરિવાર)

          એમનામાં પડેલી ઉત્કૃષ્ટ સાહિત્યિક્તાનો તણખો કેવો દૈદિપ્યમાન છે તેનો પરિચય એમના આઠ પુસ્તકોમાંથી મળે છે. હવે પછી પ્રગટ થનારું એમનું એવું જ અદભૂત પુસ્તક ‘સમંજસ ક્ષણો મધ્યે’ પ્રેસમાં છે. તેમાં ત્રીશ વિવિધ વિષયો પરનો એમનો મનોવ્યાપાર વ્યક્ત થયો છે. ‘કાનજીભાઈની કહાનીઓ’ નામનું લઘુકથાઓનું એમનું પુસ્તક પણ ટૂંકમાં જ પ્રગટ થનાર છે. વળી) એમનો નવો કાવ્યસંગ્રહ ‘છબછબિયા’ પણ પ્રેસમા છે. ડૉ. અરવિંદભાઈ અમેરિકામાં એકલા નથી. કોઈ પણ કલાકાર પોતાના બીઝનેસ કે અંગત શોખોમાં ગમે તેટલો  ગળાડૂબ હોય તોય તેને પ્રેમના પ્રાણવાયુની જરૂર તો પડતી જ હોય છે. એમની કંપનીઓ તથા બહોળા કર્મચારી વર્ગ તરફથી તો એમને તે મળે જ છે પણ સાચો સથવારો તો એમને માહ્યલામાં ધરબાયેલી કલાકાર પ્રકૃત્તિમાંથી મળે છે. માણસ સવારે પથારીમાંથી બેઠા થઈને શરીર પરથી ચાદર ફગાવી તેની ગડી વાળીને કબાટમાં મૂકી શકે છે પણ પોતાની ચામડી ઉતારીને તેની ગડી વાળીને કબાટમાં મૂકી શકતો નથી. તાત્પર્ય એટલું જ કે એમની અંદર પડેલી અનેક કલાવૃત્તિઓ એમની ચામડી જેવી છે જે કદી એમનાથી અલિપ્ત થઈ શકતી નથી. ઘેઘુર વટવૃક્ષ બનીને અમેરિકામાં ફેલાયેલું એમનું આખું કુટુંબ એમની સાથે રહે છે.

             એમના સ્વજનોની સિદ્ધિઓ પર પણ એક નજર નાખી લઈએ. એમનો પુત્ર આનંદ લાપસીવાલા રેડીઓલોજીસ્ટ છે. બીજો પુત્ર અમર લાપસીવાલા M.B.A. J.D છે. તે બીઝનેસ લોયરનું કામ કરે છે. અર્પણ નિરુલ્લા M.P.H (માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ)ની કામગીરી સંભાળી રહ્યા છે. એક પુત્રવધૂ કશાન્ડ્રા લાપસીવાલા સોનોગ્રાફર છે. બીજી શેલી લાપસીવાલા આંખના સર્જન ઓપથેલ્મો લોજીસ્ટ છે. એમનો સન ઈનલો નિશાન્ત નિરુલ્લા M.B.A  થયો છે.  આટલા બહોળા પરિવાર વચ્ચે રાજમાતાની જેમ શોભતા એમના પત્ની ભારતીબેન લાપસીવાલા બી.એ. ઈકોનોમીક્સ થયેલા છે. જેઓ પરિવાર અને પતિની ઈકોનોમી સુપેરે સંભાળે છે. ડૉ. અરવિંદભાઈએ મા સરસ્વતીનું ઋણ ચૂકવવામાં પણ કહેવાપણુ રાખ્યું નથી. એમણે સુરતની ખાટીવાળા સ્કૂલની સ્થાપના કરી હતી. દોસ્તો, અહીં એક વાત વિચારજો. ભણવામાં તેજસ્વી નીવડ્યો હોય એવો વિદ્યાર્થી આગળ જઈને આખે આખી સ્કૂલની સ્થાપના કરે તો તે એવી અદભૂત વાત થઈ કહેવાય. સમજો કે તે મા સરસ્વતીના ચરણોમાં સહસ્ત્ર શ્રીફળોનો હાર અર્પણ કરતો હોય એવી પવિત્ર પૂજા ગણાય. એ અંગ્રેજી માધ્યમની સ્કૂલ પર આજે પણ ડૉ. અરવિંદભાઈ લાપસીવાલાનું શુભનામ અંકિત થયેલું જોઈ શકાય છે. એમ કહો કે અમેરિકામાં વસતો સૂરજ સુરતમાં સ્થિર થઈને પ્રકાશી રહ્યો છે.

            તમારી ઈચ્છાઓ, અરમાનો કે અંગત ભાવનાઓ શું છે એવા પ્રશ્રના જવાબમાં શ્રી અરવિંદભાઈનો આખેઆખો માહ્યલો એમની જીભ પરથી ઠલવાય ગયો. એ વાતની કોઈથી ના પડાય એમ નથી કે જીવનની જાત્રામાંથી એમને  જે જડ્યું તે કીમતી છે. એઓ કહે છે કે, ‘પ્રેમ જીવનનું સત્ય છે. તમને આ દુનિયામાંથી જે કાંઈ મળે છે તે માત્ર લઈને બેસી રહેવાનું નથી, ઉપકાર, ભલાઈ, માનવતા, ઈમાનદારી… એ સંસારની આચારસંહિતા છે. એથી સમાજ તરફથી તમને જે સુવિધા મળે છે તેને દેવુ ગણી તેટલી જ વળતી સેવા કરીને બદલો વાળી દેવો જોઈએ. સદીઓથી સમાજ ‘ગીવ એન્ડ ગેટ’ના સૂત્ર પ્રમાણે જીવી રહ્યો છે. અરવિંદભાઈ દ્રઢપણે માને છે કે કોઈ પણ જ્ઞાતિ કે સમાજ પોતે ઉપર ઊઠે છે ત્યારે તેણે તેની નજર માત્ર ઉપર જ ન રાખવી જોઈએ બલકે નીચે એમની પાછળ આવી રહેલા અન્ય માણસોનો પણ હાથ ઝાલવો જોઈએ. એક સબળો સમાજ બીજા નબળાનો હાથ ઝાલશે તો જ સર્વાંગી વિકાસ થઈ શકશે. જરા એ વિચારો કે અગર સમગ્ર માનવસમાજે પ્રારંભથી જ પરસ્પર માટે અસહયોગનું વલણ દાખવ્યું હોત તો દુનિયાનો આજે જે વિકાસ થયો છે તે થઈ શક્યો હોત ખરો?  સંકુચિત સમાજ અથવા વ્યક્તિની સિદ્ધિ તળાવના બંધીયાર પાણીની જેમ સ્થગિત થઈ જાય છે.

         દોસ્તો, સમાજમાં સહકારના આવા ઉર્ધ્વમૂલ્યો અને ઊંચી ભાવના સર્વત્ર હોતી નથી પણ જ્યાં જ્યાં હોય છે ત્યાં પ્રગતી થાય છે. દેશ કે કુટુંબની પ્રગતિનો આધાર માણસ એકમેક સાથે કેટલો મળી સંપીને રહી શકે છે તેના પર રહેલો છે. આજપર્યંત એક પણ વાર એવું બન્યું નથી કે કોઈ દેશના લોકો ચોવીસ કલાક અંદરોઅંદર ઝઘડતા રહ્યા હોય અને છતાં તે દેશે ખૂબ પ્રગતિ કરી હોય. વિકાસ અને પ્રગતિની આજ એક માત્ર શરત છે એથી સમજદાર માણસની જવાબદારી નાસમજ માણસ કરતાં અનેકગણી વધી જાય છે!’ દોસ્તો, આ એક વાક્યમાં અરવિંદભાઈના દિલનો દસ્તાવેજ વાંચી શકાય છે. એક વાક્યમાં એનો અનુવાદ કરવો હોય તો એમ કહી શકાય: ‘એક અકેલા થક જાયેગા, મિલ કર બોજ ઊઠાના… સાથી હાથ બઢાના…!’ ડૉ. અરવિંદ લાપસીવાલાના અંતરનો એક્ષરે એમના નીચેના પત્રમાં વાંચી શકાય છે.

શ્રી દિનેશભાઈ, સૌ પ્રથમ તો મારા જીવનની વિગતો આપતા પૂર્વે હું એક ખાસ ચોખવટ કરી લેવા માગું છું. તમે એને સીરિયસ્લી લો એવી આગ્રહભરી આપેક્ષા છે. હું નિજાનંદ માટે લખું છું. લેખન મારો ‘હોબી’ છે.  નિજાનંદ માટેનો મારો એ અંગત કારોબાર છે. મને એમાં આનંદ મળતો હોવાથી હું એમાં આગળ વધતો રહ્યો છું. કદાચ મારી આવી સાહિત્યઆરાધના વડે સમયાન્તરે મારો વિકાસ થયો હશે પરંતુ એ બધાં લેખાજોખાં કરવાનું કામ મેં વાચકો પર છોડ્યું છે. આ પત્રમાં જો વધારે પડતું લખાઈ ગયું હોય તો તેને ડિલીટ કરીને આગળ વધશો. મારી પ્રકૃતિ છે કે મને નિખાલસભાવે સૌ સમક્ષ વ્યક્ત થવાનું ગમે છે. તમે મોકલેલી પ્રશ્રોત્તરીના મને આવડ્યા તેવા જવાબો આપ્યા છે. તમારા આગ્રહને માન આપીને મારા જીવનમાં બનેલી તમામ વાતો મેં નિખાલસભાવે જણાવી છે. મારી સિદ્ધિ, પ્રગતિ, વિકાસ એ સઘળામાં માત્ર મારું અસ્તિત્વ વપરાયું છે. હાથ મારો વપરાયો છે, પણ એકડો ચીતરાવનાર શિક્ષક કોઈ બીજો છે.  ધંધો મેં કર્યો છે, સફળતા અપાવનાર કોઈ બીજું છે. સાહિત્ય મેં રચ્યું છે, તેના મર્મીઓ બીજા છે. હું જેવો છું તેવો તમારી સમક્ષ નવજાત શિશુની જેમ રજૂ થયો છું. મને બહુવિધ પ્રવૃત્તિઓ કરવાનું ગમે છે એથી મારી ધંધાકીય વ્યસ્તતામાંથી પણ તે કરવાનો મને અનોખો આનંદ મળે છે. મારો ડૉક્ટરી વ્યવસાય છે પણ મેં માત્ર એ કર્મમાં જ મારા જીવનને સિમિત કરી દીધું નથી. જ્યારે જ્યારે જેનો આનંદ મળતો ગયો તે પ્રવૃત્તિઓ મેં કરી છે. ડૉક્ટરી સિવાય અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ફાઈનાન્સિયલ એકાઉન્ટિંગ, આર્કિટેક્ચર… અને વળી શિક્ષણ તો ખરું જ પણ તેની સાથે સમાજસેવાઓમાં પણ હું સક્રિય રહ્યો છું. (ડૉ. અરવિંદભાઈ લાપસીવાલા સાહિત્યની સાથે સંગીતની પણ કેવી સુંદર સાધના કરી શક્યા તે રસપ્રદ વાતો આવતી કાલે)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s