(૫) માનવધર્મના મસીહા (20.05.16)

(૫) માનવધર્મના મસીહા  (20.05.16)   

FullSizeRender (3).jpg

                                        ( ડૉ. અરવિંદ લાપસીવાલા)

         દોસ્તો, ઈશ્વર અંગે એમની તરફેણમાં સેંકડો માણસો આંગળી ઊંચી કરી શકે એવું સત્ય ડૉ. અરવિંદ લાપસીવાલાએ લખ્યું છે. એમના એ પુસ્તકની અમે પ્રતિક્ષા કરીએ છીએ. કેમકે વર્ષોથી ઈશ્વર જોડે અમારો સંબંધ બગડ્યો છે. (એ દેખાતો ન હોવાથી અમે ક્યારેક એને સરસ્વતી પણ સંભળાવી છે) અમારા બગડેલા સંબંધોનો પૂરો ચિતાર અમે અમારા પુસ્તક ‘બોલો, ઈશ્વર છે કે નથી?’ માં વિગતે આપ્યો છે. મોટેભાગે આપણે ત્યાં વિવિધ કર્મકાંડોને જ ધર્મ ગણી લેવામાં આવે છે. અમારી સમજ એમ કહે છે કે ધર્મ એટલે સારુ જીવન જીવવાની નિયમાવલી. (એવી નિયમાવલી આફ્રિકાના જંગલોમાં વસતા આદિવાસીઓ માટે પણ આવશ્યક છે) એથી માણસ ધર્મ પાળે તે ખોટું નથી પણ ધર્મને નામે આપણે સાવ અબૌદ્ધિક ઉધામા કરતા રહીએ છીએ તે કોઈ એંગલથી ઉચિત નથી સત્ય એ છે કે આપણે સૌ કુદરત પાસેથી આયુષ્યનો પટ્ટો લખાવીને આ ધરતી પર અવતર્યા છીએ. રાજા હોય કે રંક… સાધુ હોય કે શેતાન પટ્ટો પૂરો થાય એટલે સૌએ સંસારનું આ ભાડાનું મકાન ખાલી કરીને ચાલ્યા જવાનું છે. ‘રાઝ’ નવસારવીએ કહ્યું છે, ‘સિકંદરોની કબરોનો પત્તો નથી મળતો… અમારી અહીં રાઝ કોણ યાદગાર કરે?’ અહીં જેટલું જીવીએ એટલું ખૂબ સુખશાંતિથી જીવી જઈએ એ જ કોઈ પણ ધર્મનો પ્રધાન સૂર હોઈ શકે. ઈશ્વરના અસ્તિત્વ વિષે સદીઓથી વાંઝિયો વિવાદ ચાલી રહ્યો છે. અમારું નમ્ર મંતવ્ય એ છે કે ઈશ્વરની ભક્તિ કરવાનું ફરજિયાત નથી. બલકે કદાચ જરૂરી જ નથી. ઈશ્વરે ક્યારેય કહ્યું નથી કે મારી ભક્તિ કરો… પૂજા પાઠ કરો…! માણસ ઈશ્વરને ભજે કે ન ભજે, પણ ઈશ્વર રાજી થાય એવા સારા કામો કરે તો ઈશ્વરને જરૂર આનંદ થાય. એક ક્ષણ માટે કલ્પી લો કે ઈશ્વરનું અસ્તિત્વ નથી, તો ય શું થયું? આ દુનિયામાં સૌ સાથે પ્રેમ અને માનવતાથી રહેવામાં ક્યાં કોઈ ઈન્ડિયન પીનલ કોડનો ગુનો બને છે? એમરસને કહ્યું છે, ‘દુનિયા સાથેના અનુભવોને આધારે અમે એ નિર્ણય પર આવ્યા છીએ. ઈશ્વર કદાચ કોઈ ભૂતકાલિન હસ્તિ હશે. આજે તે ફરાર આરોપી જેવો બની ગયો છે. લાંબા સમયથી તેનું કોઈ એડ્રેસ મળતું નથી. તેને કરવામાં આવતી બધી અરજીઓ પાછી ફરે છે. ટપાલખાતું તેના પર જાણે નોંધ લખે છે– ‘માલિક સ્થળ પર નથી’ કવિ ગૌરાંગ ઠાકરે તો અકળાઈને ફરિયાદ પણ કરી છે: ‘તું બસ હવે સરનામુ પાકું આપ… રોજ મંદિરનો મને ધક્કો પડે છે…! ’ રહી રહીને અમને એવું લાગે છે કે એમરસનની વાત સાચી છે. તેણે દિલની સાચી અનુભૂતિ વ્યક્ત કરતા એમ પણ કહ્યું છે, ‘ગૉડ ઈઝ ડેડ…!’ કંઈક એવું સમજાય છે કે તેણે ઉપર જઈને નિસરણી ખેંચી લીધી છે. એથી કોઈ તેના સુધી પહોંચી શકતું નથી. અમારા મિત્ર બચુભાઈ કહે છે, ‘આજકાલ ઈશ્વર આપણે માટે દાઉદ ઈબ્રાહિમ કે અબુસાલેમ જેવો અલભ્ય બની ગયો છે!’

        બધી વાતનો કુલ સરવાળો એટલો જ કે જો ઈશ્વર અંગેની છેવટની સ્થિતિ આ જ હોય તો એક જ વાત વિચારવી રહી કે ઈશ્વર હોય તો ય શું અને ન હોય તો ય શું? તેના હોવા ન હોવાથી આપણા જીવનમાં રતિભાર ફરક પડતો નથી ત્યારે તેના અદ્રશ્ય અસ્તિત્વ માટે આટલો હોબાળો શા માટે? બરકત વિરાણી–‘બેફામ’ સાહેબે લખ્યું છે: ‘એક શ્રદ્ધાને માટે ધરમ કેટલા…? એક ઈશ્વરને માટે મમત કેટલો…?’ દોસ્તો, જરા એ વિચારો, ધારો કે ઈશ્વર હોય તોય તમારું પેટ્રોલ વિનાનું સ્કૂટર તેના નામ સ્મરણથી ચાલી શકવાનું નથી. અને ન હોય તો ય તમને મળેલા જિંદગીના તમામ સુખો તેની બિનહયાતીથી નષ્ટ થઈ જવાના નથી. મતલબ જેના હોવા ન હોવાની માણસના રોજિંદા જીવન પર કોઈ જ અસર ન થતી હોય તો તેને શા માટે આટલું મહત્વ આપવું…? એક વિચાર એ પણ કરીએ કે આપણે કોઈ જબરજસ્ત મહામુશ્કેલીમાં સપડાયા હોઈએ તો ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા હોવાથી એવું નથી બનતું કે ઈશ્વરની કોઈ ગેબી મદદથી આપણે નિર્વિઘ્ને બહાર આવી જઈએ. કેમકે આપણે જોઈએ છીએ કે જેઓ નાસ્તિક છે, પાપી છે, દુષ્ટ છે… તેઓ પણ દુનિયામાં ખૂબ સુખચેનથી જીવે છે. તેમને તેમની નાસ્તિક્તાની કોઈ સજા મળતી નથી. અને આસ્તિકોને તેમની જીવનભરની આસ્તિક્તા કે પ્રભુભક્તિનો કોઈ લાભ મળતો નથી. ઈશ્વર ઘોડા અને ગધેડાને એક જ લાકડીથી હાંકે છે. (ક્યારેક તે ચાલતા બળદને પણ ગોદા મારે છે) બીજી તરફ જેઓ કશું જ કરતા નથી તેમનું જીવન પણ અટકતું નથી. કહેવાય છે કે, ‘અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ… સંત કબીરા કેહ ગયે સબકે દાતા રામ…!’ ભગવાન ક્યારેક મળી જશે તો તેને જરૂર પૂછવું છે, કામ કરે તેનો કરોડ રૂપિયા પગાર હોય અને ન કરે તેનો પણ કરોડ રૂપિયા પગાર હોય એવું અળવીતરું આયોજન કરીને તું કહેવા શું માગે છે?

        દોસ્તો, એક વાત પાકે પાયે સમજાય છે કે આ સંસારમાં માણસ જીવે મરે, સુખી થાય દુ:ખી થાય, ભલો રહે યા બૂરો બને… ઈશ્વરને તેની જોડે કોઈ નિસબત નથી. તે દુર્જનોને દંડ દેતો નથી અને સજજનોને સરપાવ આપતો નથી. એથી અમારા બચુભાઈ કહે છે: ‘ખેતરના ચાડિયા જેવો ઈશ્વર માત્ર દેખાવ પૂરતો  હોય તો સમજદારી એમાં છે કે તેને છોડીને નજરે દેખાતા માણસોના દુ:ખ દર્દોનો ઉપાય વિચારવો. આપણે એટલું કરવું રહ્યું કે આ મનુષ્યજીવનને ખુદના બળ, બુદ્ધિ અને સમજણથી શણગારીને અહીં આપણું પોતાનું એક સ્વર્ગ બનાવીએ… ઈશ્વરના ભરોસે રહેવા જેવું નથી. એણે ગીતામાં વચન આપ્યું હતું કે જ્યારે જ્યારે ધરતી પર પાપનો ભાર વધી જશે ત્યારે ધર્મની રક્ષા કરવા અને દુષ્ટોનો સંહાર કરવા હું યુગે યુગે જન્મ લઈશ…!  પણ સ્થિતિ જુઓ કે આજે ઈશ્વરમાં ઝાઝું ન માનતા અમેરિકનો આપણાં કરતાં વધુ સુખી છે, અને આપણે…??? એ ઈશ્વર જો અમને મળી જશે તો “શૂન્ય” પાલનપુરીના શબ્દોમાં એને જરૂર ફરિયાદ કરીશું: ‘વચન કોને દીધાં ને ક્યાં જઈને પાળ્યા…???’ ધરતી પર આપણું ‘પ્રાઈવેટ હેવન’ ત્યારે જ બની શકે જ્યારે એક માણસ બીજા પ્રત્યે દયા, માયા, કરૂણા, માનવતા, ઉદારતા, ક્ષમાભાવ વગેરે રાખતો થાય. સરવાળે વાત એ થઈ કે સુખી થવાનો બધો આધાર ઈશ્વર પર નહીં માણસની સમજશક્તિ અને માનવતા પર છે.

        સાચી વાત એ છે કે માણસ સુખી થઈ શકે તે માટે દુનિયામાં ઈશ્વરના હોવા ન હોવા કરતાં માણસમાં માણસાઈનું હોવું બહું જરૂરી છે. કદાચ ઈશ્વર હશે તો તે જરૂર ખૂબ બુદ્ધિશાળી હશે, એથી તેના માપદંડ કદી અન્યાયી કે છીછરા નહીં હોય. તે જ્યારે ન્યાય કરવા બેસશે ત્યારે કોણે કેટલી માળા કરી…? કેટલી કથા સાંભળી…, એવી અબૌદ્ધિક મૂલવણી નહી કરે. નાસ્તિક માણસ પણ જીવનભર માનવતાથી સારુ જીવન જીવ્યો હશે તો ઈશ્વરની પરીક્ષામાં તે જરૂર પાસ થઈ જશે. અને સો ટકા શ્રદ્ધાળુ હોય એવા લોકો પણ ધર્મયુદ્ધના નામે બાબરી મસ્જિદ જેવી તોડફોડ કરશે તો ઈશ્વરની પરીક્ષામાં તે ડિસ્ટીંક્શન સાથે નાપાસ થશે. જો હું ભગવાન હોઉં તો મારી વ્યવસ્થાનું બંધારણ કંઈક આ પ્રકારનું હોઈ શકે.  જાણીને આનંદ થયો કે ડૉ. અરવિંદભાઈની ભક્તિ રેશનલ રંગે રંગાયેલી હતી અને એમની ધાર્મિક્તામાં વિવેકબુદ્ધિનું ભારોભાર મોણ હતું.

        ડૉ. અરવિદભાઈને અમે એક પ્રશ્નોત્તરી મોકલી હતી. તેમાં પહેલો પ્રશ્ન એ પૂછ્યો હતો કે તમે ભારતની ધરતી પર જન્મ્યા. અહીં ભણીગણીને મોટા થયા. અને માતૃભૂમિ માટે કંઈક કરવાનો સમય આવ્યો ત્યારે અમેરિકા કેમ ઉપડી ગયા? એમણે જે નિખાલસ જવાબ આપ્યો તે આ રહ્યો. એમણે કહ્યું: ‘હું ૧૯૭૧માં અમેરિકા આવ્યો ત્યારે મારી ઉંમર ૨૫ વર્ષની હતી. સાચું કહું તો અમેરિકા જવું એવું કોઈ પૂર્વ સ્વપ્ન દિલમાં ઈન્સ્ટોલ થયેલું ન હતું. પણ મૂળથી હું ખૂબ મિત્રપ્રેમી ઈન્સાન છું. બરોડામાં M.B.B.S. કર્યું ત્યારે મારા બે નજીકના મિત્રોનું પ્રેમભર્યું દબાણ થયું. દિલમાં કંઈક નવું કરવાની ઉત્કંઠા પણ હતી જ. વળી બરોડામાં ત્યારે પ્રોફેસરોની સરમુખ્તારી ચાલતી હતી. તેનાથી અમે સૌ અકળાયા હતા. એ કારણે અમેરિકામાં વસવાના સંજોગો ઉજળા થયા. અમારા બૅચના ૧૨૦ સ્ટુડન્ટસમાંથી ૯૦ જેટલા અમેરિકામાં સ્થાયી થયા છે. જોકે મારા પિતાજીની ઈચ્છા એવી હતી કે હું અમેરિકામાં ભણીને પાછો આવું અને ભારતમાં જ સ્થાયી થાઉં. પણ ભણવા માટે અમેરિકા ગયા બાદ ત્યાંજ સ્થાયી થવાનો દિલમાં નિર્ણય લેવાઈ ગયો હતો. એના ઘણા કારણો હતાં. જેવાં કે પ્રેક્ટીસ ચાલુ કરવાની સરળતા ત્યાં વિશેષ હતી. છોકરાઓના શિક્ષણ માટે પણ અમેરિકા ઉત્તમ હતું. વળી એ બધાંની સાથે સમાંતરપણે પજવતી ભારતની સમકાલિન અડચણો… જેવી કે ભારતનું અસ્તવ્યસ્ત જીવન, જાહેર અવ્યવસ્થા, વ્યાપક ભ્રષ્ટાચાર… એટલે અમે માતૃભૂમિ સાથે નાતો તોડ્યો છે એવું હું નથી માનતો. ઊંટ મરે તો પણ મારવાડ તરફ જુએ તેમ અમેરિકામાં ૪૫ વર્ષોથી રહું છું છતાં મને સુરતની મારી ખાટી શેરી અને નવસારીની મદ્રેસા સ્કૂલ વગેરેના તમામ સ્થળો યાદ આવે છે.

FullSizeRender (1).jpg

                                     (ડૉ. અરવિંદ લાપસીવાલાએ દોરેલું ચિત્ર)

          મેં ૧૯૭૬માં જ્હોનશન સીટી, એન્ડીકોટ અને બીગહેમપ્ટોનના ટ્રા-સીટીમાં મારી સર્જરીના શ્રીગણેશ કર્યા હતા. પછી જેમ જેમ જરૂર પડતી ગઈ તેમ હું નવી સીટી કે નવી પોસ્ટને અનુકૂળ થવા અમેરિકામાં ફેલાતો રહ્યો. મૂળ વાત એટલી જ કે ડૉ.અરવિંદભાઈ સ્થેટેસ્કોપ અને કાતરમાં કેદ થઈ ગયા નથી. આજે પણ ડૉક્ટર તથા જનરલ સર્જરી અને વાસ્ક્યુલર સર્જરીની પ્રેકટીસમાં કાર્યરત છે. અમેરિકામાં એમનું પોતાનું  ક્લીનીક છે. ખાસ સમય કાઢીને એઓ કેન્વાસ પર ચિત્રો દોરે છે. કલા દિલ સાથે જોડાયેલી હોવાથી એને ઉંમરનો અવરોધ નડતો નથી. માણસ પોતાના અંતરની એસ્ટેટમાં અબજો સમણાઓ વાવી શકે છે. ડૉ. અરવિંદભાઈ નવસારીમાં જન્મ્યા અને મદ્રેસા સ્કૂલમાં ભણ્યા હતાં. નવસારીમાં બચુભાઈ સોનીની ટ્રેનીંગથી પ્રોત્સાહિત થઈને એમણે ડ્રોઈંગની બન્ને પરીક્ષા પાસ કરી હતી. એમણે જણાવ્યું કે ત્યારબાદ જીવનના એક્ઝામ હૉલમાં પણ મેં મારો ચિત્રપ્રેમ જાળવી રાખ્યો છે. મેં દશ પુસ્તકો લખ્યા છે. પણ હું પુસ્તકો વેચતો નથી, સાહિત્યકારો અને મિત્રોમાં વહેંચું છું. અમેરિકામાં આજકાલ ગુજરાતી વાચનારાઓ ઓછા થતાં જાય છે. અહીંની નવી પેઢી તો ગુજરાતી લખી વાંચી પણ શકતી નથી. મિત્રોને મારા પુસ્તકો ગમે છે. પણ તેમની સાહિત્યિક મર્યાદાઓ જાણતો હોવાથી પ્રશંસાથી ખુશ થઈ ઊઠતો નથી, અને તેમને ન ગમે તો દુ:ખી પણ થતો નથી. ટૂંક સમયમાં જ અરવિંદભાઈના ત્રણ નવા પુસ્તકો પ્રકાશિત થનાર છે. અરવિંદભાઈની સદ્ધર આર્થિક્તા તેમને પુસ્તકોમાં ખર્ચ કરવાની સવલત આપે છે. વળી તેમને વળતરની કોઈ અપેક્ષા હોતી નથી એથી પુસ્તકમાંથી અર્થ ઉપાર્જન કરવાનો પણ તેમનો હેતુ નથી.

        અહીં એક જુદો મુદ્દો વિચારવો પડે એમ છે. આ દુનિયાના દરબારમાં લાખોપતિથી માંડી અબજોપતિઓના મોટા મેળા લાગ્યા છે. શોધવા નીકળો તો દુનિયામાંથી કરોડોની સંખ્યામાં લાખોપતિઓ મળી આવે પણ લક્ષ્મી અને સરસ્વતીના સમન્વય થકી ભાગ્યે જ આવા સુંદર કાર્યો સંપન્ન થતાં હોય છે. અરવિંદભાઈએ લક્ષ્મીની લ્હાયમાં સરસ્વતીને જરાય અવગણ્યા નથી. આજે પણ સરસ્વતીની આરાધના કરીને એઓ સાહિત્ય સર્જનક્ષેત્રે સક્રિય રહે છે. એમની એવી પ્રકૃતિ જાણીને અભ્યાસકાળ દરમ્યાન ભણવા મળેલી એક કવિતા યાદ આવી. સંભવત: કવિ ખબરદારની એ પંક્તિમાં કહેવાયું છે: ‘તારો સાદ સુણીને કોઈ ન આવે તો એકલો જાનેરે…’ આ પંક્તિ એટલા માટે યાદ આવી કે તેઓ લખે છે પ્રત્યેક સર્જકો માટે વાચકોનો પ્રતિભાવ જાણવો જરૂરી ખરો, પરંતુ કોઈ એક ક્ષણે ભાવોકોની મર્યાદાઓ આડે આવતી હોય છે. એથી તેમનો પ્રોત્સાહક પ્રતિભાવ ન મળે તો તે આપણા સર્જનનું સાચું રિઝલ્ટ હોતું નથી અને તે કારણે સર્જન અટકતું પણ નથી. કલાક્ષેત્રમાં પડેલા દરેક સંવેદનશીલ સર્જકોમાં એક આંતરિક તણખો પડેલો હોય છે. સૂરતના વયોવૃદ્ધ સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માજીને આંખે સાવ ધૂંધળુ દેખાય છે, છતાં પેલો તણખો એમનામાં ફૂલ કરંટથી ઝળહળે છે. તે કારણે એઓ ‘ઉર્ધ્વમૂલ’ નામની દળદાર નવલકથા લખી શક્યા છે. પ્રત્યેક સર્જકમાં કલાનું ફ્યુઅલ અંદર પડ્યું જ હોય છે. તેઓ હાથમાં કલમ લે છે અને દિમાગમાં સરસ્વતીની મેઈન સ્વીચ ચાલુ થઈ જાય છે. (પર ધર્મીઓના ચિંતનની ખૂબ રસભરી વાત આવતી કાલે…)

        (કેટલાક વાચકમિત્રોએ અરવિંદભાઈનું સરનામુ ફોન વગેરે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાથી નીચે તેમનું સરનામુ અને મોબાઈલ  આપ્યાં છે)

Dr. Arvind Lapsiwala,  કૉવિના, કૅલિફૉર્નિયા, U.S.A.

Email : alapsimd@yahoo.com 

Mobile : +1(626)975-5645

 

Advertisements

2 thoughts on “(૫) માનવધર્મના મસીહા (20.05.16)

  1. “What you are is God’s gift to you. What do you make of you is gift to God.” Looking at your personal and professional successes over your lifetime Gods must be very proud of you as all of us are. Your successes in your family life, professional life – Medical Practice as well as all of your business endeavors, and your creative outlets encourages all of us to do our personal best. You have set the bar very high. Wishing you continued success in all that you do for many decades to come!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s