(10) ડૉ. અરવિંદ લાપસીવાલા આ રીતે સફળ થયા…! (29.05.16)

(10) ડૉ. અરવિંદ લાપસીવાલા આ રીતે સફળ થયા…! (29.05.16)

        અમેરિકાના ડૉ. અરવિંદભાઈ લાપસીવાલાનું જીવનવૃતાંત આપણે જોયું. જણાવતાં આનંદ થાય છે કે એમના વિશે લગભગ બસોથી ય વધુ પ્રતિભાવો મળ્યા. ઘણાં મિત્રોએ એવી ઈચ્છા વ્યક્ત કરી  કે એમનો જીવનસંઘર્ષ પ્રેરણાદાયી છે. તમે  ઈન્ટરવ્યૂમાં એમની સિદ્ધિઓ વર્ણવી પણ તેઓ કેવી રીતે સફળ થયા તે જણાવ્યું નહીં. એમની સફળતાની ફોર્મ્યુલા જણાવો તો હજારો લોકોને માર્ગદર્શન મળે. દોસ્તો, આપને યાદ હશે;  એ ઈન્ટરવ્યૂનો વધુ એક (નવમો) એપિસોડ રજૂ કર્યો હતો, જેમાં વાચકોના પ્રતિભાવો રજૂ કર્યા હતા. એ માટે અમે ડૉ. અરવિંદભાઈનો પ્રતિભાવ પણ મંગાવ્યો હતો. એમણે જે જવાબ આપ્યો તેમાં યોગાનુયોગ સફળતાનું ગણિત સમજાવ્યું છે. આપણે એ અંગે ડૉ. અરવિંદભાઈના વિચારો જાણીએ.

             ડૉ. અરવિંદભાઈ લખે છે: દિનેશભાઈ, સફળતાનો હિસાબ માથે માથે જુદો હોય છે. પરંતુ સિદ્ધિના સર્વસામાન્ય નિયમો મુજબ એમાં પ્રારબ્ધ અને પુરુષાર્થની સાથે સંજોગો પણ મહત્વનો ભાગ ભજવે છે. ક્યારેક પીચ માફક ન આવે તો સચીન તેંડૂલકર પણ ઝીરો રને આઉટ થઈ જાય છે. સફળ થવા માટે પ્રથમ તો બર્નીંગ ડિઝાયર (તીવ્ર તમન્ના) હોવી જોઈએ. તમારે તમારી જાતને વચન આપવું પડે કે કોઈ પણ હિસાબે આ ટાર્ગેટમાં સિદ્ધિ હાંસલ કરવી છે. એ માટે ઘડિયાળની જેમ સૂતા જાગતા મનમાં એ ટાર્ગેટના ટકોરા પડતા રહેવા જોઈએ. મરઘી ઈંડા પર બેસીને તેને સેવે તેમ માણસે તેના મનસુબાઓને સેવવા જોઈએ. કાળા માથાનો માનવી બધું જ કરી શકે છે. ડૉ. જિતેન્દ્ર અઢિયા કહે છે: ‘કે તમારે તમારી જાતને સ્વપ્નમય બનાવી દઈને તે સ્વપ્નોમાં રાત દહાડો રાચવું જોઈએ. મનની ઓફિસમાં આટલું હોમવર્ક કર્યા બાદ તમારા ઈરાદાને અંજામ આપવા માટે કડી મહેનત કરવી જોઈએ. સફળતા માટે કઠોર મહેનતનો કોઈ વિકલ્પ નથી. કહેવાય છે કે ‘સિદ્ધિ તેને જઈને વરે… જે પરસેવે ન્હાય…! ઘણીવાર એવું બનતું હોય છે કે પ્રારંભમાં તમારા પ્રયત્નો નિષ્ફળ નીવડે છે. પરંતુ આત્મવિશ્વાસ અને લગન હોય તો મોડી વહેલી સફળતા મળે છે. અમેરિકાના ચિંતક વીલ ડૂરાએ કહેલું: ‘હિંમત કદી હારશો નહીં. ઘણીવાર ઝૂડાની છેલ્લી ચાવી તાળુ ખોલી આપે છે.’ ધીરજપૂર્વક પ્રયત્નો કરતાં રહેવાથી સફળતાની સિકસરો મારી શકાય છે…!’ ઈતિહાસ જોશો તો જણાશે કે સચીન તેંડુલકર કે સુનિલ ગવાસકર તેમની પ્રથમ મૅચના પહેલા બોલમાં સિકસર નહોતી મારી શક્યા. પણ તેથી તેઓ નિરાશ થયા ન હતા. આજે તેમના નામે સૌથી વધુ સિક્સરોનો રેકોર્ડ નોંધાયો છે.

FullSizeRender (3).jpg
IMG-20160522-WA0017

     (ડૉ.અરવિંદ લાપસીવાલા)                                              (ભત્રિજો)                                               

              સફળતા માટે શ્રીહરિના જાપ જપવા કરતાં નિષ્ફળતાનું માપ કાઢવાનું વધુ જરૂરી હોય છે. મતલબ તમારી ક્ષમતાની સાથોસાથ તમારી વિકનેસથી પણ માહિતગાર રહેવું જોઈએ. અમેરિકાના એક જમાનાના પ્રમુખ અબ્રાહમ લિંકનને પત્રકારોએ પૂછેલું: ‘તમે તમારી સફળતાનો યશ કોને આપો છો…?’ લિંકને જવાબ આપેલો: ‘હું મારી સફળતાનો સાચો યશ મારા દુશ્મનોને આપું છું. તેમણે મારા પ્રત્યેક દુર્ગુણોની ટીકા કરીને મને મારી નબળાઈઓનું ભાન કરાવ્યું, એથી તે બધી નબળાઈઓ હું દૂર કરી શક્યો. મિત્રોએ તો મારા તમામ દુર્ગુણોને છાવરીને મને અંધારામાં જ રાખવાની પેરવી કરી હતી!’ એ સિવાય બીજી પણ એક વાત છે. સફળતા માટે કેવળ અભ્યાસિક તેજસ્વીતા પૂરતી હોતી નથી. દરેક માણસમાં કોઈ ‘એક્સ ફેક્ટર’ પડેલું હોય છે. માણસે તે શોધી કાઢીને તેની પાસે યોગ્ય કામ લેવું જોઈએ. તેમ થઈ શકે તો તમે દુનિયાને તમારું લેવલ બેસ્ટ ‘આઉટપૂટ’ આપી શકશો. સચીન તેંડૂલકર વલ્ડફેમસ ક્રિકેટર છે, પણ બારમાં ધોરણમાં એની વિકેટ પડી ગઈ હતી. પણ એ કારણે તેને ‘લૂઝર’ ન ગણાવી શકાય.  ક્રિકેટમાં તે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો છે. કદાચ કુદરત તેને શ્રેષ્ઠ ‘સ્કોલર’ નહીં પણ શ્રેષ્ઠ ‘ક્રિકેટર’ બનાવવા માંગતી હતી.  કોઈ બાબતમાં તમને ખૂબ રસ હોય તો તેમાં પુરુષાર્થ કરવાથી તમે સિદ્ધિના શિખરે પહોંચી શકો છો. મોરારિબાપુ મેટ્રિકમાં ત્રણવાર નાપાસ થયા હતા. પણ રામકથામાં એમણે માસ્ટર ડિગ્રી મેળવી છે. મન ગમતી દિશામાં મનને રમતું મૂકો તો તે દોઢસો કિલોમીટરની ઝડપે દોડે છે. એક પંક્તિનું સ્મરણ થાય છે, ‘મંઝિલે ઉનકો મિલતી હૈ, જિનકે સપનોમેં જાન હોતી હૈ…! પંખોસે કુછ નહીં હોતા હોસલોંસે ઉડાન હોતી હૈ…!’

        ‘હોંસલો’ હોય તો તળાવનો હંસલો પણ આકાશમાં ઊડી શકે. (અને ઈન્ડિયાનો અરવિંદ અમેરિકામાં ફેકટરીઓ નાંખી શકે) હા, ક્યારેક માણસની ધારણાથી વિરૂદ્ધ એવું બને છે કે ક્યારેક કોઈ માણસ સો ટકા લાયકાતવાળો હોય અને રાત દહાડો સખત મહેનત પણ કરતો હોય છતાં ધંધામાં નિષ્ફળ જાય છે. બીજી તરફ કશી જ ઊંડી ગતાગમ વિનાનો માણસ રાતોરાત સિદ્ધિના શિખરે પહોંચી જાય છે. એવું કેમ થતું હશે તે આપણે જાણતા નથી. પણ એવું જોઈએ છીએ ત્યારે બેશક આપણને ભાગ્ય, નસીબ, ડેસ્ટીની જેવાં શબ્દો યાદ આવે છે. કદાચ એમાં આપણી જાણબહારના કોઈ પરિબળો ભાગ ભજવતાં હોય છે. જેને આપણે સમયની બલિહારી તરીકે ઓળખીએ છીએ. કહેવાયું છે કે, સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટિયો વોહી ધનુષ વોહી બાણ…!’ પહેલી નજરે દિમાગમાં ઉતરી જાય એવું સત્ય એ છે કે પાંચ માણસો ભેગા મળીને ગમે તેટલું જોર લગાવે તોય તેઓ સો માણસો સામે જીતી શકતાં નથી. પણ મહાભારતમાં એથી ઉલટું બન્યું હતુ. પાંચ પાંડવો સામે સો કૌરવો હારી ગયા હતાં. કેમકે તેમના પક્ષે શ્રીકૃષ્ણ ન હતા. સત્યનો કૃષ્ણ જેની તરફેણમાં હોય છે તેવા માણસો ઈચ્છિત સિદ્ધિ હાંસલ કરી શકે છે. પણ તે માટે તમારી ક્ષમતા અને સમયને ઓળખી જરૂરી હોય છે.  ફિલ્મ ‘વક્ત’ના ગીતમાં કહેવાયું છે: ‘ના જાને કિસ ઘડી વક્ત કા બદલે મિજાજ…!’ મતલબ એક સમયે જે રાજા બની રાજ કરતો હોય તે ઘડીના છઠ્ઠા ભાગમાં રંક બની જાય છે. જેઓ સમયનો મિજાજ પારખીને જીવે છે તેઓ સફળ થાય છે. નહીંતર ક્યારેક નવસો કરોડનો ધણી ક્ષણમાં નવટાંકનો થઈ જાય છે. અને લોકો હોઠમાં વાંકુ હસીને વ્યંગમાં કહે છે: ‘સગાં દીઠાં મેં શા’આલમના શેરીએ ભીખ માંગતા…!’ આ બધી વાતનો એક વાક્યમાં અનુવાદ એવો થાય કે It is easy to reach the climax but very difficult to mantain the climax… મતલબ સફળતાના શિખરે પહોંચવું સહેલું છે, પણ ત્યાં ટકી રહેવું ઘણું અઘરુ છે. માણસ ભૂલ કરે ત્યારે તેનું સઘળું કર્યુ કારવ્યું ધૂળમાં મળી જાય છે. અને જમાનો હોઠમાં હસીને કહે છે: ‘કૈસે કૈસે સિકંદર મીટ ગયે થોડી બહોત ગલતીઓં કે લિયે…!’

IMG_3959 (3).JPG

                                    (ડૉ.અરવિદભાઈ તેમના પરિવાર સાથે)

          દોસ્તો, એ સિવાય ડૉ.અરવિંદભાઈએ પત્રમાં જણાવેલી થોડી વાતો એમના પોતાના શબ્દોમાં આ રહી: દિનેશભાઈ, તમે ઈન્ટરનેટ પર મારો ઈન્ટરવ્યૂ રજુ કરવાની પરવાનગી માગી ત્યારે હું થોડો મુંઝાઈ ગયો હતો. મનમાં એવી ગડમથલ થઈ હતી કે રખે ને મારી આ ગૌરવગાથા આત્મશ્લાઘા તો ન થઈ જાય ને…? પરંતુ તમે ખૂબ બેલેન્સ જાળવીને મારી શૈલી વિષે સમીક્ષાત્મક લખ્યું તે  બધાંને ગમ્યું. હું છેલ્લા ૪૫ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયો હોવાથી સાંપ્રત સાહિત્યકારોથી વિમુખ થઈ ગયો હતો. મને એ પણ ખ્યાલ આવ્યો કે ઈન્ટરવ્યૂ પ્રગટ થતાં મને સાહિત્યનો મારો ખોવાયેલો માહોલ પાછો મળશે. હું સૌ સાહિત્યકારોની સમીપ જઈ શકીશ. દિનેશભાઈ, આપે એક પ્રશ્ન પૂછ્યો છે કે જીવનમાં સફળ કેવી રીતે થવાય…? એનો જવાબ આપવાની મારી કેટલી યોગ્યતા છે તે હું જાણતો નથી, પણ મને જીવનમાંથી જડેલી વાતો મેં તમને લખી હતી, અને તેને તમે ઠીક રીતે રજૂ કરી છે. તે સિવાય સફળતાની કોઈ સ્પેશિયલ તરકીબ હોય તો તે મારા કરતાં જેઓ વધુ સફળ થયા છે તેમની પાસેથી પ્રાપ્ત થઈ શકે. પણ મને એક બીજી વાત પણ સમજાઈ છે, તે એ કે આપણે આ ધરતી પર ફક્ત પૈસા કમાવા નથી અવતર્યા. દરેક માણસે પોતાનું જીવન કેવળ અર્થોપાર્જન માટે જ વ્યતિત ન કરવું જોઈએ, દરેકને પોતાના રસરુચિ પ્રમાણે કોઈ ને કોઈ ઉપવ્યવસાય (એટલે કે શોખ) હોવો જોઈએ. તમારા પરિશ્રમથી તમને પેટ માટે રોટી મળી રહેશે પણ તમારા આત્માને પણ કલાની ભૂખ હોતી હોય છે. એથી ‘નિજાનંદ’ માટે દરેકે પોતાના મનની મહેચ્છાઓ પૂર્ણ કરવી જોઈએ. દિનેશભાઈ, એ સિવાય મારી પાસે ખાસ કાંઈ કહેવાનું છે નહીં. હું ગાંધીજી જેવો મહાન માણસ નથી પણ તેમના શબ્દો યાદ આવે છે: ‘મારું જીવન જ મારો સંદેશ છે.’ મારે પણ જે કાંઈ કહેવું છે તે મારું જીવન બોલે છે. તમે ખૂબ રસ લઈને મારી વિવિધ કલાકીય સિદ્ધિઓને દુનિયા સમક્ષ મૂકી તે માટે હું તમારો વિશેષ આભારી છું. મારો ઈન્ટરવ્યૂ વાંચી મને તથા દિનેશભાઈને પ્રતિભાવો મોકલીને સૌએ જે રસ દાખવ્યો તે માટે હું ઈન્ટરનેટના તમામ વાચકો, લેખકો અને વિવિધ કલાકારોનો આભારી છું. મારો ફોન વગેરે જણાવ્યો છે. તમારા પ્રતિભાવો સાંભળવા માટે હું ઉત્સુક છું!’

       દોસ્તો, ડૉ. અરવિંદભાઈ લાપસીવાલા જેવી સફળ હસ્તિ પાસેથી સફળતાનો ઈતિહાસ જાણવો તે ગાંધીજી પાસે આઝાદીનો ઈતિહાસ જાણવા જેવી ઉપયોગી બાબત ગણાય. એમનો ઈન્ટરવ્યૂ રજુ કરતીવેળા અમને વારંવાર એવો વિચાર આવ્યો હતો કે સમાજના આવા મૂઠીઊંચેરા માનવીએ પોતાની આત્મકથા લખવી જોઈએ…! એ આત્મકથા લોકો માટે હાઈવે પર લટકાવવામાં આવતા દિશાસૂચક બોર્ડ જેવી ઉપયોગી બની રહે. તે દ્વારા નવી પેઢીને એક મેસેજ મળી શકે કે ‘મહેનત કરે ઈન્સાન તો ક્યા હો નહીં સકતા…?’

IMG-20160522-WA0016.jpg

                              (ડૉ. અરવિંદભાઈ શ્રીમતી ભારતીબેન સાથે)

             પત્રમાં તેમણે સફળતાની જે ફોર્મ્યુલા બતાવી તે એમના જીવનમાંથી જડેલી જડીબુટ્ટી છે. શાયર દુષ્યંતકુમારે લખ્યું છે: ‘કૈસે આસમાંમેં સૂરાગ હો નહીં સકતા…? એક પથ્થર તો તબયતસે ઉછાલો યારો…!’ ડૉ. અરવિંદભાઈએ અમેરિકાના ઔદ્યોગિક આકાશમાં પથ્થર ઉછાળીને સૂરાગ કરી બતાવ્યો છે. એક પણ શબ્દ બોલ્યા વિના ડૉ. અરવિંદભાઈ દુનિયાને જાણે મોઘમ રીતે કહે છે:  ખુદી કો કર બૂલંદ ઈતના કિ, હર તકદીર લિખનેસે પહેલે ખુદા તુઝસે પૂછે, બતા તેરી રઝા ક્યા હૈ…? દોસ્તો, એઓ જેવું માને છે તેવું જીવે છે. સફળ થવા માટે એમને સમય સમયે જે સૂઝ્યું તે એમણે કર્યું. આજે આપણાથી હજારો માઈલ દૂર અમેરિકામાં એમણે પોતાનું પ્રાઈવેટ સ્વર્ગ ઊભું કર્યું છે. એ સ્વર્ગના છાંયડામાં એમણે સર્વ સ્વજનો તથા કુટુંબીજનોને પણ પ્રેમથી આવકાર્યા છે. એ રીતે દુનિયાને એમણે એક સુંદર દાખલો પૂરો પાડ્યો કે માત્ર ગરીબો જ અડધીમાંથી અડધી વહેંચીને ખાય છે એવું નથી. અમીરો પણ તેમના સ્વનિર્મિત સ્વર્ગને સ્વજનોમાં વહેંચીને સ્વાર્પણનો આનંદ માણે છે. એમની સિદ્ધિને સો સલામો કરીને અંતમાં એટલું જ કહીએ, કદાચ એમને કુદરતે સફળ થવા માટે જ મોકલ્યા હતા. એક  વાત યાદ આવે છે: અમેરિકામાં નહીં પણ ઈન્ડિયામાં એવા દ્રશ્યો ખાસ જોવા મળે છે, કે સવારે ટ્રેનની ગિર્દીમાં પંદર વીસ માણસો ગાડીના દરવાજે લટકીને મુસાફરી કરતા હોય છે. આગલા સ્ટેશને ગાડી ઊભી રહે છે. નવા મુસાફરો ધસારો કરે છે. જેનામાં કૌવત હોય તે કોણી મારીને અંદર જઈને બારીવાળી સીટ મેળવે છે. અહિં એમ કહી શકાય કે ઈન્ડિયાના અરવિંદે બૂલેટ ટ્રેનમાં બારીવાળી સીટ મેળવી છે. દોસ્તો, જેમની ઝળહળતી જિંદગીને ઈશ્વરના આશીર્વાદ મળ્યા છે એવા અરવિંદભાઈને આપણે ઈશ્વરથી વધીને અધિક શુભેચ્છાઓ શી આપી શકીએ…? બસ, એટલું જ કહીએ કે:

ઐસા સૂરજ હૈ તુ…! કભી તુ બૂઝ ન પાયેગા…!’

તેરી રોશની સે તુ…. કઈ દિયે જલાયેગા….!!

તેરી જિંદગી કી કિતાબ કિસી ઔરને લીખી હૈ,

લેકિન…  તેરી તકદીર તુને ખુદ લીખી  હૈ…!

    ડૉ. અરવિંદભાઈના પરિવારના પ્રેમભર્યા પત્રો મળ્યા છે. એમાં સર્વશ્રી સુરેશ લાપસીવાલા(અમેરિકા), શ્રી બીપીન લાપસીવાલા (સુરત), શ્રી અશોક લાપસીવાલા (સુરત) તથા સૌથી નાના ભાઈ શ્રી પ્રફુલ લાપસીવાલા (સુરત) રહે છે. એ સૌ વિશે પણ એવી જ સુંદર રોચક અને પ્રેરણાત્મક વાતો લઈને ટૂંક સમયમાં આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. લાપસીવાલા પરિવાર સહિત આપ સૌ વાચક મિત્રોના સ્નેહભર્યા સહકાર બદલ હાર્દિક આભાર…! May God bless to all of us….!!!

          ડૉ. અરવિંદભાઈ લાપસીવાલાનું ઈમેલ: alapsimd@yahoo.com  

           સરનામુ : ડૉ. અરવિંદ લાપસીવાલા, કૉવિના, કૅલિફોર્નિયા

            Phone : +1(626)975-5645

– (દિનેશ પાંચાલ) મોબાઈલ : 94281 60508

20160426_193620

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com   

                                              *************

Advertisements

One thought on “(10) ડૉ. અરવિંદ લાપસીવાલા આ રીતે સફળ થયા…! (29.05.16)

 1. શ્રી અરવિંદભાઈ
  જય સચ્ચિદાનંદ.
  આપશ્રીનો પ્રેરણાદાયક ઉત્સ્ક્રુત ઇન્ટરવ્યુ વાંચ્યો. ઘણો જ આનંદ થયો. ખરેખર ભવિષ્યની પેઢી માટે એક અનોખુ માર્ગદર્શન આપે એવો છે.
  આ રીતે આપ જીવનમા ખૂબ આગળ પ્રગતિ કરતા રહો એવી અમ સૌ હાર્દિક શુભેચ્છાઓ પાઠવવીએ છીએ.
  કિરીટ (કિશોર ) બચુભાઈ જીનવાલા

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s