બળ અને બુદ્ધિનું મિલન જરૂરી છે.

                                    રામ  હનુમાનનું  મિલન  જરૂરી  છે

                                    બુદ્ધિ  અને  બળનું  મિલન  જરૂરી  છે

                                    સંસારનો  સંગ્રામ  જીતવા   માટે… 

                                     માણસનો  મનમેળાપ જરૂરી   છે…!

20160630_111311.jpg  

આજનો લ્હાવો લીજીયે

       આપણા અખબારો રેલ વખતે કાદવ કીચડની, જળહોનારતની, તબાહીની કે માનવલાશોની તસવીરો પ્રગટ કરે છે. થોડા સમય પછી તેજ છાપાઓમાં પોંકનગરમાં ઉમટેલા નગરજનોની તસવીરો પ્રગટે છે. ચંદની પડવા વખતે હારબંધ ઘારીઓની લાઇન લગાવીને બેઠેલા દુકાનદારોની તસવીરો પ્રગટે છે. ગુજરાતીઓ સુખમાં છકી જતાં નથી અને દુ:ખમાં હિંમત હારતા નથી. ઘારી અને બરબાદીને આપણે સરખો ન્યાય આપીએ છીએ. દુ:ખમાં પોક મૂકવી એ કુદરતી બાબત છે અને સીઝનમાં પોંકની મજા માણવી એ પણ ખોટું નથી. ચિંતકો કહે છે: જે ક્ષણ વિતી જાય છે તે પાછી આવતી નથી. ચોમાસુ અનેકવાર આવે છે અને ભજીયા પણ બારે માસ મળે છે; પણ જે પળ તમે માણી શક્યા તે તમારી… બીજું બધું વ્યર્થ…! જીવનની કેસેટમાં ઇશ્વરે ‘ફાસ્ટ ફોરવર્ડ’ની સુવિધા રાખી નથી. જિંદગી માત્ર ‘પ્લે’ થાય છે અને ‘ઓટોસ્ટોપ’ થાય છે. વિતી ગયેલી જિંદગીને પાછી માણવી હોય તો તેને બૅકફોરવર્ડ કરી શકાતી નથી. આયુષ્યનો ઓક્સિજન પૂરો થાય એટલે આપમેળે હ્રદયની ઘડિયાળ બંધ થઇ જાય છે. કવિઓ એથી જ કહે છે: ‘આજનો લ્હાવો લીજિયે… કાલ કોણે દીઠી છે…?’ અમે ભૂલતા ન હોઇએ તો જાવેદ અખ્તર સાહેબે ફિલ્મ ‘કલ હો ન હો’માં એક ગીત આ પ્રમાણે લખ્યું છે: ‘હર ઘડી બદલ રહી હૈ રૂપ જિંદગી, છાંવ હૈ કભી… કભી હૈ ધૂપ જિંદગી…! હર પલ યહાં જીભર જિયો… જો હૈ સમા કલ હો ન હો…!’

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

દેશદ્રોહ

         યુવાનો પર આક્ષેપ થાય છે કે તેઓ આ દેશની ધરતી પર શિક્ષણ અને તાલીમ મેળવ્યા પછી પૈસા કમાવા વિદેશ ચાલ્યા જાય છે. એ આક્ષેપ સાવ ખોટો નથી. બહુધા યુવાનો દેશમાં શિક્ષણ મેળવીને કાબેલ બને છે પછી પરિવાર સહિત ત્યાંજ કાયમી વસવાટ કરી લે છે. તેમની સર્વ દીમાગી તેજસ્વીતાનો લાભ વિદેશોને મળે છે. આ એવી કમનસીબી છે માનો જેને શ્રેષ્ઠ લશ્કરી સેવાનો એવોર્ડ મળ્યો હોય એવો આપણો આર્મી ઓફિસર પૈસાની લાલચમાં પાકિસ્તાની લશ્કરનો સેનાપતિ થઇ જાય. વિદેશમાં જવું એ ગુનો નથી પણ એવા માણસો ખૂબ ડોલર પાઉન્ડ કમાઇને દેશમાં આવે છે ત્યારે અહીં આવીને  આપણી સાથે જે રીતે વાતો કરે છે તેમાં તેઓ વારંવાર બોલે છે: ‘તમારા દેશમાં તો આવું હોય છે જ્યારે અમારા અમેરિકામાં તો આવું હોય છે.’ દુ:ખ એ વાતનું થાય છે કે આ દેશની ધરતીની ધૂળમાં રમીને ઉછરેલો માણસ આ દેશને માટે ‘તમારો દેશ’ એવો શબ્દ વાપરે છે.  એવા માણસોને દેશદ્રોહી ભલે ન કહી શકાય પણ એમની આંખોમાં વિદેશીઓ પ્રત્યે જે પ્રેમ અને આ દેશ પ્રત્યે જે ધિક્કાર વર્તાય છે તેને અમે હળહળતો દેશદ્રોહ જ ગણીએ છીએ. ગુજરાતમાં એક કહેવત બોલાય છે. ‘ઊંટ મરે તો પણ મારવાડ તરફ જુએ…!’ ઈશ્વર આપણા સૌ વિદેશી ભારતીયોને ઊંટ જેટલી અક્કલ આપે!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

હવસનો હાથી શ્રદ્ધાનું શિયળ લૂંટે છે

        ધર્મ ખરાબ નથી. માણસ તેને ખરાબ બનાવે છે. સફરજનનું અથાણુ કરીને ખાનારો માણસ ધર્મનું પણ અથાણુ કરી નાખે છે. જેઓ ભરયુવાનીમાં સંસાર છોડી દેવાની ભૂલ કરે છે તેવા યુવાન સાધુઓ તેમની શિષ્યાઓ સાથે સેક્સલીલા આચરી બેસે છે. સંસારમાં રહીને પણ ઇશ્વરની ભક્તિ કરી શકાય છે, પણ એ દીવા જેવી ચોખ્ખી વાત આપણા ધર્મગુરુઓ સમજતા નથી. એથી સમાજના લાખો લોકોને તેઓ ગેરમાર્ગે દોરે છે. બાળપણમાં તેમનામાં જાતીયતાનો આવિર્ભાવ થવાનો બાકી હોય ત્યારે સાધુ બની જવામાં તકલીફ પડતી નથી. પણ તેઓ યુવાન થાય છે ત્યારે સાધુ બનવાના તેમના મેનમેઇડ ધર્મ કરતાં યુવાન બનવાનો કુદરતી ધર્મ પ્રબળ બની જાય છે. એવા સાધુઓનું ભગવુ બ્રહ્મચર્ય બંડ પોકારે ત્યારે તેમના હવસનો હાથી સ્ત્રીઓની શ્રદ્ધાનું શિયળ લૂંટે છે. એમ કહેવાય છે કે સાધુ થવા કરતાં સીધા થવું ઉત્તમ છે. પણ યુવાન વયે સાધુ બનનારાઓ માટે સીધા રહેવાનું મુશ્કેલ બની જાય છે. યુવાનીમાં જાતીય આનંદથી દૂર રહેવું એ ભૂખ્યાને ભાખરીથી દૂર રાખવા બરાબર છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

ધરતી પર સ્વર્ગ નહીં શાંતિ સ્થપાવી જોઈએ

 ધરતી પર સ્વર્ગ નહીં શાંતિ સ્થપાવી જોઈએ

         પ્રશ્ન થાય છે કુદરતે દરેકની શરીર રચના સરખી બનાવી. લોહીનો રંગ પણ સરખો બનાવ્યો તો લોહીના ગ્રૂપ કેમ અલગ અલગ રાખ્યા હશે…? બાપ દીકરાના કે મા દીકરીના બ્લડગ્રૂપ પણ જુદાં જુદાં હોય છે. એક લુચ્ચા માણસનું લોહી બીજા લુચ્ચા માણસ સાથે મૅચ થઈ જાય એવું બનતું નથી. એક સજ્જન માણસનું લોહી બીજા સજ્જન સાથે મળતું નથી. રામ રાવણની રાશિ એક હતી… બ્લડગ્રૂપ પણ એક હોઈ શકે પણ બન્નેના ચારિત્ર્યના ગ્રૂપ જુદાં હતા. માનવજીવનની એ ખાસિયત છે કે દરેકના વિચારો જુદાં હોય શકે, લોહી જુદું હોય શકે પણ સૌની જીવનલક્ષી સમસ્યાઓ સરખી હોય છે. દરેકના ધર્મો, ભાષાઓ, કે ભગવાનો જુદાં હોય શકે પણ દરેકના આઘાતો, ટેન્શનો કે મનદુ:ખો સરખા હોય છે. તાત્પર્ય એજ કે સંસારમાં સૌ જોડે ભાઈચારાથી જીવીશું તો ધરતી પર સ્વર્ગ સ્થપાય કે ન સ્થપાય શાંતિ જરૂર સ્થપાશે. માણસને સ્વર્ગ કરતાં સુખશાંતિની વિશેષ જરૂર છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

લોહીનો વાટકી વ્યવહાર

        કુદરતે સૌના હાથ પગ સરખા બનાવ્યા પણ લોહી દરેકને જુદાજુદા ગ્રૂપનું આપ્યું છે. વિજ્ઞાનના ઘણા વિકાસ પછી પણ માણસ હજી લોહી બનાવી શક્યો નથી. એનો સૂચિતાર્થ એ છે કે માણસે લોહી માટે પણ બીજા માણસ જોડે પ્રેમનો સંબંધ ટકાવી રાખવો પડશે. એક માના બે દીકરાઓ વચ્ચે જ નહીં, પ્રત્યેક માણસો વચ્ચે લોહીનો સંબંધ છે. પરમ શ્રદ્ધાળુને પણ માંદગીમાં લોહીની જરૂર પડે છે ત્યારે તે મંદિરમાં નહીં, બ્લડબેંકના પગથિયાં ચઢે છે. ઈશ્વર પાસેથી થોડીક શાંતિ મળી શકે. લોહી તો માણસ પાસેથી જ મળી શકે. એથી માણસ માણસ વચ્ચે લોહીનો વાટકી વ્યવહાર ટકી રહે તે જરૂરી છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

ભગવાન ઈન્સાન અને વિજ્ઞાન

        એક વાત વિસરવા જેવી નથી. આપણો પારંપરિક પોથીધર્મ બ્રાહ્મણોને વસ્ત્રો, અનાજ વગેરેનું દાન કરવા કહે છે. બ્રાહ્મણોને દાન ભલે મળતું પણ એ પ્રકારના દાનથી દાનદાતાને કોઈ ફાયદો થતો નથી. એની તુલનામાં માનવધર્મ મુજબ રક્તદાન, ચક્ષુદાન, અંગદાન કીડની વગેરેનું દાન કરવાથી માનવજાતની ઉત્તમ સેવા થઈ શકે છે. અનાજથી કોકની એકાદ ટંકની ભૂખ ભાંગી શકે, પણ રક્તદાન, ચક્ષુદાન કે કીડનીદાનથી કોકની જિંદગી બચે છે. માણસે વિજ્ઞાનની ફેકટરી વડે સેંકડો ચીજવસ્તુઓનું ઉત્પાદન કર્યું છે, પણ હજી સુધી એ કોઈ એવી ફેકટરી બનાવી શક્યો નથી જેમાં લોહી કીડની, આંખ, ફેફસા, લિવર વગેરે બની શકે. પહેલી નજરે સાચી ન લાગે એવી વાત એ છે કે માંદગીમાં માણસને જીવાડવા માટે ભગવાન કરતાં ઈન્સાન વધુ ઉપયોગી નીવડે છે.  

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

પોથીધર્મ કરતાં માનવધર્મ શ્રેષ્ઠ

      રક્તદાન એટલે જીવનદાન એવું બહુવાર સાભળ્યું હતું પણ જ્યારે મને એક્સીડન્ટ થયેલો અને બીજાના લોહીથી મારો જીવ બચેલો ત્યારે એ સત્યનો અહેસાસ થયેલો. કોઈ પણ ધાર્મિક દાન કરતાં એનું મહત્વ અનેકગણું વધારે છે. ક્યારેક ‘સમજોતા એક્સપ્રેસ’ જેવી આતંકવાદી દુર્ઘટના બને છે ત્યારે ગણતરીની મિનિટોમાં આખી બ્લડબેંક ખાલી થઈ જાય છે. બ્લડબેંકનું મહત્વ મનીબેંક કરતાં વધારે છે. માણસ વચ્ચે બ્લડગ્રૂપ ભલે જુદું હોય પણ મનગ્રૂપ એક હોવું જોઈએ. પોથીધર્મ ભલે જુદો હોય જીવનધર્મ એક હોવો જોઈએ. ધર્મસંપ્રદાયો ભલે જુદાં હોય સજ્જનતા, માનવતા, અને ઈમાનદારીના ગ્રૂપ એક હોવા જોઈએ. પોથીધર્મ કરતાં માનવધર્મનો ફેલાવો વધશે તે દિવસે ધરતી પર લોહી પીનારાઓ કરતાં લોહી આપનારાઓની સંખ્યા વધી જશે. તાત્પર્ય એટલું જ કે સમગ્ર પૃથ્વીલોકમાં માનવતાનો સમાન સિવીલ કોડ લાગુ પાડવો જોઈએ. સુખી થવાનો આનાથી ઉત્તમ બીજો કોઈ રસ્તો હોય તો બતાવો?

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

હ્રદયની વીજળીક હડતાળ એટલે હાર્ટએટેક

         હ્રદય શબ્દનો બીજો સમાનાર્થી શબ્દ છે– “હૈયુ” એ હૈયાની હાલત બગડે ત્યારે હ્રદયરોગનો હુમલો થાય છે. માનવીનું હ્રદય ઓટો રિસ્ટવૉચ જેવું છે. તે માણસના હલનચલનથી ચાલે છે એથી તેમાં ચાવી આપવી પડતી નથી અને સેલ પણ નાખવો પડતો નથી. પરંતુ ટેન્શન, તણાવ, આઘાત વગેરે હ્રદય માટે આતંકવાદી જેવા સિદ્ધ થાય છે. આજના તણાવભર્યા જનજીવનમાં ગમે તેવા ધેર્યવાન પુરૂષને પણ હાર્ટએટેક આવી શકે છે. હ્રદય માનવદેહનું એન્જીન છે. ફ્રીઝમાં કોમ્પ્રેસરનું અને બલ્બમાં ફિલામેન્ટનું જેટલું મહત્વ છે તેવું શરીરમાં હ્રદયનું છે. હ્રદયની વીજળીક હડતાળ એટલે હાર્ટએટેક…!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com