નરેન્દ્ર મસરાણીનો ઈન્ટરવ્યૂ – 2

                003.JPG

     (‘મીસ્ટર પાટીલ એન્ડ મીસ્ટર પાંડે’  ફિલ્મમાં  પાંડેના  રોલમાં  નરેન્દ્ર મસરાણી) 

              નરેન્દ્ર મસરાણી… નાટકના બંધાણી

       દોસ્તો, નરેન્દ્ર મસરાણી સાથેની ચર્ચામાંથી અમને એ વાતનું પ્રમાણ મળ્યું કે એક સાચો રેશનાલિસ્ટ જીવન વ્યવહારમાં કેવું માનવતાપૂર્ણ જીવન જીવતો હોય છે? તેમનો મુખ્ય શોખ નાટકનો… પણ એમની માનવતા એ નાટક નથી. એક ઈમાનદાર બૌદ્ધિક સજ્જન તરીકેના સર્વ લક્ષણો એમની પ્રકૃતિમાં દષ્ટિગોચર થાય છે. ટૅક્ષ કન્સલ્ટન્ટ હોવા છતાં દેશ સાથે ગદ્દારી કરનારા ટૅક્ષચોરોના કેસો એ હાથમાં લેતા નથી. પોતાના ધંધાના ભોગે આવી દેશભક્તિ દાખવવાનું કામ છાતીના પાટિયા બેસાડી દે એવું હોય છે. કોઈ દીનદુ:ખીયા, ગરીબો કે વિધવાઓ પાસેથી એ ફી નથી લેતા. અમે નોંધ્યું છે કે ઋજુ પ્રકૃતિ ધરાવતા બહુધા કલાકારો લગભગ માનવતાવાદી હોતા હોય છે. દયા, કરુણા કે માનવતા દાખવવા માટે ભગવાનમાં માનવાની જરૂર હોતી નથી. બલકે ભગવાનની મદદ વિના એભગવાનના માણસ બની રહે છે. એમનું જીવન આદર્શ રેશનાલિઝમનું પ્રતિનિધિત્વ કરે છે. અભિનયક્ષેત્રે એમણે કેવી સિદ્ધિ હાંસલ કરી તે માટે એમની કારકિર્દીનો સ્કોર જોઈ લઈએ. ૧૯૬૦ના શાળાકીય દિવસોથી એમણે અભિનયની શરુઆત કરી હતી. એમણે કહ્યું: ‘બાળપણમાં હું ખૂબ શરમાળ હતો. સ્ટેજ પર જવાનું તો દૂર રહ્યું, ઝાઝા માણસો સાથે હળવા ભળવાનું પણ મને ગમતું નહીં. મારી ઈન્ટ્રોવર્ડ પર્સનાલીટી હતી. એક દિવસ શાળાના આચાર્યએ મને હુકમના સૂરમાં કહ્યું, ‘તારે આ રોલ કરવાનો છે!’ અભિનયની ત્યારે કોઈ સૂઝ સમજ નહીં. અૅક્ટીંગ કરવાની કોઈ તમન્ના પણ નહોતી. વળી સ્વભાવ ખૂબ શરમાળ… એથી દિલમાં સો ટકા અનિચ્છા હતી, પણ પ્રિન્સીપાલને ના કહેવાની હિંમત નહોતી. એથી હતી તેટલી તાકાત ભેગી કરીને સ્ટેજ પર ગયો. પ્રારંભમાં થોડી તકલીફ થઈ પણ સ્ટેજફિયર  નીકળી ગયો. એ નાટકમાં મને ઈનામ તો નહોતું મળ્યું પણ મારી નોંધ લેવાઈ તેથી પ્રોત્સાહન જરૂર મળ્યું. અને પછી મારી અંદર એક નવી દિશાના દ્વાર ખૂલી ગયા. અભિનયમાં એવી મજા આવતી ગઈ કે પછી તો મેં સામે ચાલીને નાટકમાં રોલ સ્વીકારવા માંડ્યા. મને લાગ્યું કે બસ… મને મારી મંઝિલ મળી ગઈ.  પછી તો ખૂબ નાટકો કર્યા. જિંદગી નાટકમય બનાવી દીધી. તમે જાણો છો કલાના ફિલ્ડમાં ખાસ કરીને ટીવી કે ફિલ્મોમાં પુષ્કળ પૈસા મળે છે. પણ હું પૈસા માટે અભિનયમાં પ્રવેશ્યો નહોતો. બાળવયે અમારી સ્કૂલના પ્રિન્સીપાલે મને જાણ્યે અજાણ્યે એવી કેડી પકડાવી દીધી હતી કે આજપર્યંત હું એમાં રમમાણ રહું છું. અભિનય દ્વારા મેં રંગદેવતાની આરાધના કરી છે. મારા સ્વજનોએ અને ખુદ અમારા પ્રિન્સીપાલે કલ્પ્યું નહોતું એક શરમાળ છોકરો વખત જતાં અભિનયમાં એવી તરક્કી કરશે કે ટીવી ફિલ્મો વગેરેમાં ખૂબ નામ કમાશે.

IMG_6862.JPG     (સેંકડો સીરિયલોમાં ખૂબ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર નરેન્દ્ર મસરાણીનો ભાણેજ સંજય)

     તમે કેટલી ટીવી ફિલ્મો કે સીરિયલો કરી એવા પ્રશ્નોના જવાબમાં એમણે કહ્યું: ‘તમારા આ પ્રશ્નોનો જવાબ આપું તે પૂર્વે મેં પહેલું નાટક કયું જોયેલું તે જણાવું. કેમકે એ નાટકથી મારામાં અભિનયમાં ઊંચાઈ સર કરવાની મહત્વાકાંક્ષા જન્મી હતી. વર્ષો પહેલાં નાનાલાલનું એક નાટક આવ્યું હતું. નામ હતું ‘સો ટચનું સોનું’ એ નાટક સાચે જ સો ટચનું સોનુ હતું. એ નાટકે ત્યારે ધૂમ મચાવી હતી. લગભગ પચ્ચીસેક વાર તો મેં એ નાટક જોયું હતું. એનો એન્ડ એટલો કરુણ અને આઘાતજનક હતો કે નાટક જોતીવેળા મારા મિત્રના પિતા ખુરશી પર જ ઢળી પડ્યા હતા. એ નાટક જોયા બાદ મને, જીવંત અભિનય કેવો હોઈ શકે તેનો ખ્યાલ આવેલો. હવે મારી સીરિયલો વગેરે વિશે જણાવું તો એકતાકપુરની બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા રજૂ થયેલી ઘણી સીરિયલોમાં મેં કામ કર્યું છે. જેવી કે (૧) ‘ક્યું કી સાસ ભી કભી બહુ થી’ (૨) ‘કહાની ઘરઘરકી’ (૩) ‘ક્યા હાદસા ક્યા હકીકત’ (૪) ‘કહીં તો હોગા’ (૫) ‘કહીં કીસી રોજ’ (૬) ‘સંજીવની’ અને એ સિવાય પણ ઘણી સીરિયલો કરી હતી જેના નામો યાદ કરવા પડે. ગુજરાતીમાં મેં (૧) ‘સ્વપ્નના કિનારે’ (૨) ‘નારી તું ન હારી’ (૩) ‘મંઝિલ’ અને (૪) ‘કંકુના સૂરજ’ એમ ચારેક સીરિયલો કરી હતી. તે બધી જ સીરિયલો ખૂબ ચાલી હતી. હિન્દી નાટકો ‘અષાઢ કા એક દિન’ અને ‘જાંચ પરતાલ’ કર્યા હતાં. ‘જાંચ પરતાલ’માં મારો લીડ રોલ હતો.  એ સિવાય બે હિન્દી શોર્ટ ફિલ્મો પણ કરી હતી. પહેલી હતી, ‘મીસ્ટર પાટીલ એન્ડ મીસ્ટર પાંડે’ અને બીજી ‘ટેરરિસ્ટ’ જેમાં હૉટલ મેનેજર તરીકે મારો સેકન્ડ લીડ રોલ હતો. નાટકો જોરદાર હતા. દમદાર અભિનય કરવાનો એમાં સ્કોપ હતો એથી ખૂબ મજા આવી હતી. હું જાન્યુઆરી–૧૯૬૮થી ટૅક્ષેશન વિભાગમાં કામ કરું છું. અને ૧૯૬૮થી જ મેં હિન્દી, ગુજરાતી સ્ટેજ તથા ટીવી સીરિયલોમાં અભિનયના શ્રગણેશ કર્યા હતા. ૧૯૬૩થી મને ફોટોગ્રાફીનો શોખ…! મેં હજારો ફોટાઓ પાડ્યા છે. ૧૯૯૫થી મેં ફોટોગ્રાફીને વ્યવસાય તરીકે સ્વીકાર્યો હતો. એક્ટિંગનો વ્યવસાય ખૂબ સમય માગી લે એવો હતો. મારા ટૅક્ષેશનના વ્યવસાયને એ ડિસ્ટર્બ કરતો હતો. એથી મારે થોડા સમય પૂરતી એક્ટિંગને અટકાવી પણ દેવી પડી હતી. જોકે દિલની સાચી વાત કહું તો અભિનયને કારણે ધંધો ડિસ્ટર્બ થતો હતો એમ કહેવાને બદલે  ધંધાને કારણે મારો અભિનય ડિસ્ટર્બ થતો હતો એમ કહેવું વધુ વાજબી લેખાય. કહેવાય છે કે નોકરીમાં નિવૃત્તિ હોય છે. કલા કદી ઘરડી થતી નથી. ‘આર્ટિસ્ટ કેન રિટાયર્ડ ઓર ડાય… બટ આર્ટ કેન નોટ…!’ સ્ટેજ પર કાર્યરત ના હોય તો પણ કલાકાર હંમેશાં અંતરના ઓડિટોરિયમ પર મનથી સક્રિય રહેતો હોય છે. સંજોગોવસાત્ એ સ્ટેજ પર pause કરી શકે. પણ એની અંદર કળાનો કરન્ટ ડિસકનેક્ટ થતો નથી. મૃત્યુપર્યંત એ કલાકાર જ રહેતો હોય છે!’

Bhootwala.jpg                          (‘ભૂતવાલા’ સીરિયલમાં ભૂતના  વિશિષ્ટ  રોલમાં સંજય)

   રેશનાલિઝમની વાત કરતાં નરેન્દ્ર મસરાણીએ કહ્યું, ‘હું ૧૯૮૦ સુધી પરમ ધાર્મિક માણસ હતો. કર્મકાંડો, જપ–તપ, માળા વગેરે બધું જ કરતો. પણ પછી કોણ જાણે કેમ મને લાગ્યું કે લાઈફની એ સાવ નકામી અને અનપ્રોડક્ટીવ રીત છે. એનો કોઈ ફાયદો નથી. એથી ધાર્મિક્તાનું ધતીંગ છૂટી ગયું અને રેશનાલિઝમની કેડીએ ચાલી નીકળ્યો. હવે સમય મળતો નથી. સાહિત્ય સર્જનમાં પણ રસ ખરો. ‘સત્યાન્વેષણ’ કે ‘વિવેકપંથી’ જેવા કેટલાંક ખૂબ સારા રેશનલ મેગેઝીનોમાં ક્યારેક લખું છું. જો તમે અભ્યાસિક ડિગ્રીઓની વાત કરતા હો તો મારે કહેવું જોઈએ કે હું અભ્યાસમાં ‘અભણ’ કહેવાઉં એવો અલ્પશિક્ષિત છું. કેમકે બી.કોમ. થવું એ કાંઈ ભણતર ના કહેવાય. ૨૦૦૭માં ‘ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર એન્ડ હાર્ડવેર’ કર્યું એ પણ એક વિધિ કહેવાય. મારે અભ્યાસમાં ખૂબ આગળ વધવું હતું. શિક્ષણની સર્વશ્રેષ્ઠ અને મહત્તમ ડિગ્રીઓ હાંસલ કરવી હતી. દુનિયાભરના સાહિત્ય, સંગીત અને કલાને મારી અંદર ભરી દેવા હતાં… પણ જિંદગીના સ્ટેજ પર સંજોગ પ્રમાણે વારંવાર મારી ભૂમિકાઓ બદલાતી રહી. ‘એકશન અને કટ’ થતાં રહ્યાં. ક્યારેક ન ગમતા રોલ પણ કરવા પડ્યા. ક્યારેક બહારથી મોઢું મલકતું રાખીને અંદરથી રડવું પડ્યું. કોઈ શાયરે કહ્યું છે તેમ: ‘કોઈ ક્યા જાને કૈસે હમ જિતે હૈ…? મેહફિલ મેં હસતે હૈ ઔર તનહાઈ મેં રોતે હૈ…!’   બહુ મુશ્કેલીથી અંદરના આંસુઓને બહાર ધસી આવતા અટકાવ્યાં છે. જોકે તો ય મને જિંદગી સામે કોઈ ફરિયાદ નથી. દીલીપકુમારથી શાહરૂખ ખાન સુધી અને આમીરખાનથી અમિતાભ બચ્ચન સુધી દરેકને જિંદગી દુ:ખો આપે છે અને ચાન્સ પણ આપે છે. જીવનમાં ક્યારેક નિરાશ થાંઉ છું ત્યારે ફિલ્મ ‘દોસ્તી’નું પેલું ગીત યાદ આવે છે: ‘રાહી મનવા દુ:ખ કી ચિંતા ક્યૂં સતાતી હૈ… દુ:ખ તો અપના સાથી હૈ…!’

         આજકાલ તમારો મૂખ્ય વ્યવસાય કયો એવા પ્રશ્નના જવાબમાં નરેન્દ્ર મસરાણીએ કહ્યું, ‘મેં જણાવ્યું તેમ અભિનય હવે વ્યવસાય નથી રહ્યો, પણ આજે ય કોઈ સારી સ્ક્રીપ્ટ હોય તો સીરિયલો કરવા તૈયાર હોઉં છું. નાટક સાથેનો મારો નાતો અંત સુધી જળવાય રહેશે. આથમતી અવસ્થામાં નાટક કરી નહીં શકાય પણ પૃથ્વી થિયેટરમાં પ્રેક્ષક તરીકે પ્રવેશતાં કોણ રોકવાનું છે?’ અભિનય સિવાય તમારા બીજા કોઇ ખાસ શોખ ખરા? જવાબમાં એમણે કહ્યું: ‘મને ફિલ્મી ગીતો સાંભળવાનો ઘણો શોખ છે. તમે માનશો નહીં પણ મારી પાસે ફિલ્મી અને નોનફિલ્મી સોંગ્સનું લગભગ એક લાખથી ય વધુ ગીતોનું કલેક્શન છે. એમાં ૧૯૪૦ થી ૧૯૮૦ના જૂની હિન્દી ફિલ્મોના ગીતો છે. પિયાનો, ઈલેક્ટ્રિક ગીટાર, તબલાં, સંતુર, ફ્લ્યૂટ, સિતાર, શહેનાઈ જેવા અનેક વાદ્યો પરના ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકનો સંગ્રહ છે. બંગાળી, ગુજરાતી અને મરાઠીના ફિલ્મી તથા નોનફિલ્મી ગીતો છે. વેસ્ટર્ન સોંગ્સ અને ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક પણ છે. એ સિવાય Music of Arabic, Lebanese, African & Pakistani (Urdu) લેંગ્વેજના ગીતો પણ છે.’

Copy of IMG_20160716_101817.jpg                                      (લેખક  દિનેશ પાંચાલ  ઓમપૂરી સાથે)

      દોસ્તો, નરેન્દ્ર મસરાણી સાથે  ખાસ મજા તો એ આવી કે અમે જોઇ શક્યા કે સફળ કલાકારોમાં હોય છે તેવી પ્રકૃતિ નરેન્દ્ર મસરાણીમાં પણ હતી. અમે ‘ચિત્કાર ફેઈમ સુજાતા મહેતા, દીપ્તિ નવલ, ઓમ પૂરી વગેરેનો ઈન્ટરવ્યૂ લીધો હતો. સાડા ચાર કલાકના ઈન્ટરવ્યૂમાં અમે મનને છાને ખૂણે નોંધ્યું કે વાતો દરમિયાન ક્યારેક એ ઈમોશનલ થઈ જાય… ક્યારેક આનંદનો આખો અરબી સમુદ્ર એમના ચહેરા પર છલકાય… ક્યારેક ગંભીર બની જાય… ક્યારેક એકલા જ બેઠા હોય એમ વિચારોમાં ગરકાવ થઈ જાય…! પણ એ જે કાંઈ કરે તેમાં કોઈ નાટક નહીં, બધું નેચરલ…! નાટકના એ નટશિરોમણી એવા નરેન્દ્ર મસરાણી વિશે આવતી કાલે  ત્રીજા એપિસોડમાં વધુ વાતો કરીશું, જેમાં આજે દશ ફિલ્મોમાંથી પોણા દશ ફિલ્મો  કેમ નિષ્ફળ જાય છે તથા ફિલ્મોને કેવી રીતે સફળ બનાવી શકાય તે વિષેના એમના અત્યંત રસપ્રદ વિચારો  જોઈશું. (nrendra_masrani@yahoo.in      Mobile : 98201 38943)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s