નરેન્દ્ર મસરાણીનો ઈન્ટરવ્યૂ ભાગ- 4 (અંતિમ લેખ)

 

                                        નરેન્દ્ર મસરાણીની જીવનકથની…!

006.JPG                                     (નરેન્દ્ર મસરાણી એક વિશિષ્ટ ભાવમાં…)

        અમારી અંતિમ બેઠકમાં નરેન્દ્ર મસરાણી એવા ખીલ્યા કે અનેક નાટ્યવિભૂતિઓને એમણે યાદ કરી. શૈલેષ દવે, કાંતિ મડિયા, જગદીશ શાહ, સુરેશ રાજડા, અરવિંદ વૈદ્ય, તારક મહેતા, સિદ્ધાર્થ રાંદેરિયા, ભરત દવે, પ્રબોધ જોષી અને પ્રવિણ સોલંકીની એમણે વિગતે વાતો કરી. બહુવારથી અમારા દિલમાં કાસ્ટીંગ કાઉચનો મુદ્દો ઘોળાતો હતો. અમે જરા દૂરથી એ પ્રશ્નની શરુઆત કરતાં પૂછ્યું: ‘આ અમન વર્મા કેવો કલાકાર છે?’ નરેન્દ્ર મસરાણી અમારો ઈશારો સમજી ગયા. એમણે કહ્યું: ‘કલાકાર તરીકે સારો પણ કાસ્ટીંગ કાઉચમાં બદનામ થઇ ગયો. એણે જે કૌભાંડ ખુલ્લું કરવા ધાર્યું હતું તે સાબિત કરવાનું કઠિન હતું. જોકે કાસ્ટીંગ કાઉચ અંગે હું વધારે જાણતો નથી. પણ એટલું કહી શકાય કે સમાજમાં બધે જ ઘઉં ભેગા કાંકરા હોય છે તેમ ફિલ્મોમાં પણ એવું બનતું હોય તો નવાઈ નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સોનાનું ઝાડ છે. એને પાંદડે પાંદડે પૈસા છે. આજની યુવાપેઢીને ટીવી અને ફિલ્મની દુનિયાનું જબરજસ્ત આકર્ષણ છે. ધનવાનોના નબીરાઓ સામેથી પૈસા આપીને ફિલ્મી પરદે ચમકવાની મુરાદ રાખતા હોય છે. એવા લોભિયાઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. એથી ધૂતારાઓની દુકાન ચાલે છે. તેઓ અખબારોમાં મસમોટી જાહેરાતો આપે છે. તેમાં લખ્યું હોય છે: વિના ઈન્ટરવ્યૂએ ફિલ્મોમાં ડાયરેક્ટ પ્રવેશ મેળવો. તમે રૂપાળા ન હો તો અમારો મેકપમેન તમને રૂપાળા બનાવશે. તમને અભિનય ન આવડતો હોય તો અમારો ડાયરેક્ટર તમને તે શીખવશે. તમને ડાન્સ ન આવડતો હોય તેની  ચિંતા ના કરો. અમારો કોરિયોગ્રાફર તે શીખવશે.’ આવી બોગસ જાહેરાતો વાંચી યુવાપેઢી ગેર માર્ગે દોરવાય જાય છે. તેમને તો દોડવું હતું ને ઢાળ મળ્યા જેવો ઘાટ થાય છે. જેઓ એવા લેભાગુઓના ષડયંત્રમાં સપડાઈ જાય છે તેમની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થાય છે. આખા ગામને તેઓ એવું કહીને નીકળ્યા હોય છે કે – ‘એક્ટર બનવા બોમ્બે જઈ રહ્યો છું!’ સૌએ એને  અહોભાવપૂર્વક વિદાય કર્યો હોય  છે. પરંતુ મુંબઈમાં બેજ દિવસમાં તેમને ખ્યાલ આવી જાય છે કે તે લેભાગુઓના ફંદામાં ફસાઈ ગયો છે. એથી તેને માટે આગળ કૂવો ને પાછળ ખાઈ જેવી સ્થિતિ સર્જાય છે. ગામમાં વિલે મોઢે પાછા ફરવાનું તેમને માટે ભારે થઈ પડે છે. ડાહ્યા યુવાનો પોતાની નિષ્ફળતાનું પોટલું માથે મૂકીને બૅક ટુ પેવેલિયન થઈ જતાં હોય છે. પણ અહીં દુર્ભાગ્યે એવું બને છે કે સદબુદ્ધિને દુર્બુદ્ધિમાં ફેરવી નાખનારા ઘણા સમદુ:ખીયા યુવાનો એને પ્રોત્સાહન આપતાં કહે છે: ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો આ સ્ટ્રગલ પીરિયડ છે. એમાં શરુમાં બધાં સાથે આવું જ થતું હોય છે. પ્રેમ ચોપરા બસકન્ડક્ટર હતો. રાજકુમાર મામુલી પોલીસ ઈન્સ્પેક્ટર હતો. અક્ષયકુમાર ઓસ્ટ્રેલિયાના એક રેસ્ટોરન્ટમાં વેઈટર હતો. દીલીપકુમાર, દેવાનંદ અને રાજકપુરને પણ આંખના પલકારામાં સફળતા નહોતી મળી ગઈ. સૌએ કડો સંઘર્ષ કર્યો હતો. એથી આપણે પણ ધીરજ રાખી સ્ટ્રગલ ચાલુ રાખવી પડશે.’ આ પ્રકારના ફોલ્સ એનોલોજીના સાંત્વન વડે તેઓ એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયોના ચક્કરો મારતા રહે છે. પૈસા ખતમ થઈ ચૂક્યા હોય છે એથી ત્યાં ટકી રહેવા માટે તેઓ હોટલ કે રેસ્ટોરન્ટમાં કામ કરતા થઈ જાય છે. એવા સંજોગોમાં ખાસ તો યુવતીઓની હાલત બહુ બૂરી થઈ જાય છે. એમને માટે ‘આયધર સક્સેસ, સૂસાઈડ ઔર સેક્સ…!’ જેવી સ્થિતિ ઉદભવે છે. સંજોગનો શિકાર બનેલા એવા યુવાનો માટે કાસ્ટીંગ કાઉચનો શિકાર બની જવાનું આસાન હોય છે. જોકે પ્રત્યેક નવોદિતો સાથે અચૂકપણે એવું જ થાય એવું નથી હોતું. અમન વર્માએ  કાગનો વાઘ કર્યો હતો. કદાચ એકાદ બે છમકલા થયા હશે તેની ના નથી પણ આ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે. લોકોની આંખના કેમેરા સતત કલાકારો પર કાર્યરત રહેતા હોય છે. પ્રિન્ટ મિડિયાને પણ ઠંડા સત્ય કરતાં ગરમાગરમ ગોસીપથી વધારે કમાણી થાય છે. પરિણામે પવનની એકાદ લહેરખીને તેઓ વાવાઝોડાનું સ્વરૂપ આપી દઈને વાતને વધુ ચગાવે છે. એમ કહો કે પ્રિન્ટ મિડિયાવાળા અંગૂઠા પરથી રાવણ ચીતરતા હોય છે.’ એમ કહી તેમણે વધુ એક સુંદર ઉદાહરણ આપ્યું.           

      રાવણ સાથેનું યુદ્ધ જીતી રામચંદ્રજી સીતાજી સાથે અયોધ્યા આવ્યા. ત્યારબાદ એક દિવસ કૈકઈની દાસી મંથરાએ સીતાને પૂછ્યું: ‘રાવણ કેવો દેખાતો હતો?’ સીતાજીએ કહ્યું: ‘મેં તેનો ચહેરો નહીં માત્ર પગનો અંગૂઠો જોયો હતો.’ કહી સીતાજીએ ભીંત પર રાવણનો અંગૂઠો ચીતરી બતાવ્યો. મંથરાએ તે અંગૂઠા પર આખો રાવણ ચીતરી કાઢ્યો. અને રામને તે બતાવી કહ્યું: ‘જુઓ સીતાજી રાવણનું ચિત્ર દોરી તેની પૂજા કરે છે!’ ફિલ્મી પત્રકારો આ રીતે ઘણીવાર અંગૂઠા પરથી રાવણ ચીતરી કાઢતાં હોય છે. આપણે વિવેકબુદ્ધિથી એ વિચારવું જોઈએ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિશાળ પાયા પર કાસ્ટીંગ કાઉચ થતું હોત તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ક્યારની ખતમ થઈ ગઈ હોત. આજે સારા ઘરની ખૂબ ટેલન્ટેડ છોકરીઓને ખુદ તેમના પેરન્ટસ મુંબઈ મૂકવા આવે છે. અને તેઓ સફળ થઈને પૈસો અને પ્રતિષ્ઠા બન્ને કમાય છે.’

028.jpg                                         (નરેન્દ્ર મસરાણીની ફોટોગ્રાફી)

       એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની જે અંતરંગ માહિતિ જણાવી તે રસપ્રદ તો હતી જ પણ એમનો બોલીવુડ અને ટોલીવુડમાં પ્રવેશ કેવી રીતે થયેલો તે વાત વધુ મજેદાર હતી. એમણે કહ્યું: ‘૧૯૯૮માં ટીવી સીરિયલોમાં મારી એન્ટ્રી થયેલી. મારો ભાણેજ સંજય અભિનયનો જબરો રસિયો હતો.આજે પણ  એ અનેક સીરિયલોમાં વ્યસ્ત  છે. એની પ્રથમ એડવર્ટાઈઝમેન્ટ ‘જ્હોન્સન એન્ડ જ્હોન્સન’ બેન્ડેજની હતી. થયેલું એવું કે એક દિવસ હું એને સ્ટુડિયો પર મૂકવા ગયો, ત્યાં એક કલાકારને જોન્ડીસ થઈ ગયો હોવાથી ડાયરેક્ટરને તેનું રિપ્લેસમેન્ટ જોઈતું હતું. મને એકાએક તે રોલની ઓફર કરવામાં આવી. મેં ક્યારે ય એક્ટીંગ કરવાનું સ્વપ્ન જોયુ નહોતું. મારે માટે એ પ્રસ્તાવ ચાન્સ કરતાં ચિંતા જેવો વધુ હતો. શો જવાબ આપવો તે અંગે હું મુંઝાઈ ગયો. પણ ‘કમ વોટ મે…!’ કહી મેં ઝૂકાવ્યું. કદાચ એમ કહેવું વધુ  સાચું ગણાય કે ડાયરેક્ટરે મને ઓફર નહીં ઓર્ડર જ કર્યો હતો. હું આજે પણ જાણતો નથી કે તેને મારા વ્યક્તિત્વમાં અભિનયની કઈ શક્યતા દેખાઈ હશે પણ એ રીતે જાણ્યે અજાણ્યે મારે માટે મંઝિલના દ્વાર ખુલી ગયા હતા. અને એક પછી એક અનેક સીરિયલો કરતો હું આગળ વધતો ગયો. મારા ટીવી પ્રવેશ માટે આમ તો મારે કુદરતનો જ આભાર માનવો રહ્યો, કેમકે કુદરતે એવી સીચ્યુએશન ઊભી કરી ના હોત તો મારે માટે અભિનયના દ્વાર ખૂલ્યા ના હોત. એકતા કપુરની ખૂબ ચાલેલી બે સીરિયલો ‘કહાની ઘરઘર કી’ અને ‘સાસ ભી કભી બહુ થી’માં મને એટલી પ્રસિદ્ધિ મળી કે બહાર જવાનું થતું ત્યાં લોકો મને ઘેરી વળતા. થોડા અનુભવો બાદ હું મારી કારમાં જ બહાર નીકળતો.

       નરેન્દ્ર મસરાણીના અનુભવને સમર્થન મળે એવું વિધાન એકવાર સ્વામી સચ્ચિદાનંદજીએ કર્યું હતું. સચ્ચિદાનંદજીએ તેમના પ્રવચનમાં કહેલું: ‘મારા વ્યક્તવ્ય માટે  આયોજકો સાથે નક્કી થાય ત્યારે હું કહેતો કે ટીવી પર ‘રામાયણ’ કે ‘ઘરઘર કી કહાની’ સીરિયલો પૂરી થાય પછી જ મારા વ્યક્તવ્યનો સમય રાખજો. કેમકે લોકોને સચ્ચિદાનંદજી કરતાં ‘ઘરઘરકી કહાની’ માં વધુ મજા આવે છે!’

008.jpg                                        (નરેન્દ્ર મસરાણીની ફોટોગ્રાફી)

       તમને ડ્રામાના એક શો ના કેટલા પૈસા મળતા એવા પ્રશ્રના જવાબમાં એમણે કહ્યું: ‘ટીવી સીરિયલો કે રંગભૂમિના નાટકોમાં તમે કામ કરો છો ત્યારે દુનિયા સમક્ષ રજૂ થાઓ છો. પૈસા તો ધૂમ મળતા જ હોય છે. પણ બહારના લોકોને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઝાકમઝોળ દેખાતી હોય છે પણ તેમાં કેટલી ગરીબી છે તે દેખાતી નથી. મેં સ્ટુડિયોની અંદરની એ દુ:ખદ વાસ્તવિક્તા નજરે નિહાળી છે. ટીવી કલાકારોને પુષ્કળ રોયલ્ટી મળે છે. પણ બેકસ્ટેજમાં જેઓ લોરી ધકેલે છે અથવા કેમેરા લાઈટ વગેરે મેન્ટેન કરે છે, એવા ટેક્નિશિયનો ખૂબ ગરીબ હોય છે. તેમને ખૂબ જ ઓછું વળતર મળતું હોય છે. કલાકારોને તો કીર્તિ સાથે કલદાર મળે છે પણ આ ગરીબ ટેક્નિશિયનોને પૂરું મહેનતાણું મળતું નથી. એથી મેં હજારો રુપિયા ગરીબોને આપ્યા છે. સાચું કહું તો નાટકના પૈસા હું કદી ઘરે લઈ ગયો નથી. હું મારુ કવર ખોલ્યા વિના સીધું તેમને આપી દેતો!’

     નરેન્દ્ર મસરાણીએ એ પણ જણાવ્યું કે, ‘મારા ફેમેલીમાં કોઈ નાટક કરતું નહોતું. મારા પિતાજી બોલબેરિંગનો ધંધો કરતા હતા.એથી કુદરતની કોઈ અકળ વ્યવસ્થા મુજબ હું એ ફિલ્ડમાં જઈ શક્યો. હું ભગવાનમાં નથી માનતો પણ પેલી પંક્તિ મને બહુ સાચી લાગે છે. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે?’ ત્રણ કલાકના ઈન્ટરવ્યૂ દરમિયાન નરેન્દ્ર મસરાણીએ એક પરિપક્વ કલાકારની જેમ ખૂબ ગંભીરતાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને રંગભૂમિના પ્લસ માઈનસ વિશે વાતો કરી. પણ અમને એમનો અંતિમ જવાબ સાંભળી વધુ આનંદ થયો. અમે એમને એક ખાસ પ્રશ્ન પૂછ્યો કે આજકાલ દશમાંથી નવ ફિલ્મો ફેઈલ જાય છે. કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવતી ફિલ્મો થિયેટરોમાં બે જ દિવસમાં ઉતરી જાય એ સ્થિતિ નિર્માતાઓને શી રીતે પરવડતી હશે?

      એમણે જે જવાબ આપ્યો તે સાંભળો: ‘ફિલ્મ સફળ થવાના અનેક કારણો હોય છે, તેજ રીતે નિષ્ફળ જવાના પણ તેટલા જ કારણો હોય છે. આપણે અગાઉ જોઈ ગયા તેમ પૈસાથી પલંગ અને ગાદલુ ખરીદી શકાય… ઊંઘ વેચાતી ન મળે. પૈસાથી પુસ્તક ખરીદી શકાય… અંદરનું જ્ઞાન ન ખરીદી શકાય. પૈસાથી ફિલ્મ બનાવી શકાય પણ પ્રેક્ષકોનો રાજીપો મેળવવા માટે તનતોડ મહેનત કરવી પડે. પ્રેક્ષકોને ઉત્તમ ક્વોલીટી આપવા માટે  પ્રેક્ષકોની નાડ પારખવી પડે. ફિલ્મની સફળતા માટે કોઈ એક ફૅક્ટર ન ચાલે. બધાં જ ફૅક્ટરોની સહિયારી કામગીરીથી ફિલ્મ સફળ થાય છે. કોઈ ફિલ્મ ટિકિટબારી પર ટંકશાળ પાડે છે ત્યારે તે ફિલ્મની સફળતાને ‘ગ્રૂપસક્સેસ’ કહેવાય છે. મતલબ સ્ટોરી અત્યંત સુંદર હોય… ડાયલોગ્સ અને સ્ક્રીનપ્લે સુપર્બ હોય… મ્યુઝિક માર્વેલસ હોય… પ્રોડ્યુસરે પણ પુષ્કળ નાણા ખર્ચીને ફિલ્મને ચાર ચાંદ લગાવી દીધા હોય. આમ ક્વોલીટીની દષ્ટિએ ફિલ્મના બધાં જ પાસા ઉત્તમ હોય તે ફિલ્મ સફળ થાય છે. માત્ર એકલા કલાકારોથી અથવા માત્ર સારી સ્ટોરી કે સંગીતથી ફિલ્મ ચાલી ન શકે. ફિલ્મના બધાં જ પાસા સુપર્બ હોય તો ફિલ્મ ચાલે. નબળી ફિલ્મમાં સલમાન હોય તોય ન ચાલે. અને બધી રીતે ઉત્તમ હોય એવી ફિલ્મમાં કલાકારો નવા હોય તો પણ ચાલી જાય. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટેલન્ટનું બહું મોટું મૂલ્ય હોય છે. લકમાં લાગવગ ચાલતી નથી અને કળામાં કૂળ કામ આવતું નથી. અમિતાભ બચ્ચનની ફિલ્મો આજે પણ ચાલે છે. એના દીકરા અભિષેક બચ્ચનને એટલી સફળતા ના મળી. કિશોરકુમાર ચાલ્યો તેટલું તેનો દીકરો અમિતકુમાર ન ચાલ્યો. માલાસિંહા ચાલી તેટલી તેની દીકરી પ્રતિભાસિંહા ન ચાલી. રાજબબ્બરનો દીકરો અને સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી પણ એકાદ બે ફિલ્મો આપીને અદ્રશ્ય થઈ ગયા. આપણે ઉપર જોયું તેમ સચીન તેડૂલકરનો દીકરો બીજો સચીન તેંડૂલકર ન બની શકે. કુદરતે દુનિયામાં દરેકના રોલ નક્કી કર્યા હોય છે. એથી નરેન્દ્ર મસરાણી દિનેશ પાંચાલ ન બની શકે અને દિનેશ પાંચાલ નરેન્દ્ર મસરાણી ન બની શકે. આપણે ઈશ્વરમાં માનીએ કે ન માનીએ પણ નસીબનો ન્યાય અને કુદરતના ચૂકાદાઓ સ્વીકારવા પડે છે. તકદીર સાથે તકરાર કરી શકાતી નથી. ટેલન્ટ ન હોય તો તકદીર સાથે ટંટો કરનારા ફાવતા નથી.

       નરેન્દ્ર મસરાણીએ ફિલ્મો, નાટકો અને ટીવી સીરિયલો વિશેની અઢળક વાતો કરી. કોઈ ફિલ્મ જેટલી જ તે રોમાંચક રહી. એમણે ઘડિયાળમાં જોતાં  કહ્યું: ‘મારી પાસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના અનેક કડવા મીઠા અનુભવો છે. પણ સમયનો અભાવ છે. ક્યારેક ફરી મળીશું ત્યારે આથી ય વધુ રહસ્યભરી અને ચોટદાર વાતો કરીશું!’ નરેન્દ્ર મસરાણીએ મુંબઈની ટ્રેન પકડવાની હતી એથી એમણે વાતને વિરામ આપતા કહ્યું: ‘આપણે ફરીથી જરૂર મળીશું.’ નરેન્દ્ર મસરાણીએ વાતો બંધ કરી ત્યારે અમને એવું લાગ્યું; જાણે કોઈ માતા બાળકને આપવા ચોકલેટની બહુ મોટી બરણી ખોલે અને ઘણી ચોકલેટો મળશે એવી આશામાં બાળક પોતાનો ખોબો ધરે પણ માતા તેમાં માત્ર એક ચોકલેટ મૂકીને બરણી બંધ કરી દે તેવી અમારી સ્થિતિ થઈ.

          દોસ્તો, અમને આશા છે કે નરેન્દ્ર મસરાણીના દિલોદિમાગમાં ફિલ્મો, ડ્રામાઓ અને અભિનય અંગે અનેક અદભૂત વિચારો ભર્યાં છે; તેનો લાભ આપણે ફરી પ્રાપ્ત કરીશું. અંતે એમણે જણાવ્યું કે ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવેશવા ઈચ્છુક યુવાન યુવતીઓ ફોન અથવા ઈમેલથી મારો સંપર્ક કરશે તો હું ફોટોગ્રાફી, એડવર્ટાઈઝમેન્ટ, બોલીવૂડ કે ટોલીવૂડ અંગેની તમામ સત્ય માહિતી અને તેના ભયસ્થાનોની જાણકારી આપીને તેમને સાચું માર્ગદર્શન આપીશ, જેથી ગ્લેમરથી ઝાકમઝોળ થતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઉગતા કલાકારોની જિંદગી બરબાદ ન થાય. નરેન્દ્ર મસરાણીનું સરનામું તથા ઈમેલ આઈડી નીચે પ્રમાણે છે. વાચકો તેમને ફોન કરી શકે છે. અગાઉથી તેમની એપોઈન્ટમેન્ટ લઇને તેમને મળી શકે છે.

તેમનું સરનામું તથા ઈમેલ આઈડી નીચે પ્રમાણે છે.

(narendra_masrani@yahoo.in  Mobile : 98201 38943)

Narendra Masarani

10  ‘Ambar Vihar’ ,  Near Jain Temple,  Kanti Nagar – Behind J B Nagar,

Andheri- East,    Mumbai- 400059

                                             પ્રસન્નતાનો પ્રતિભાવ

Image0065.jpg                                                (લેખક દિનેશ પાંચાલ)

      ફેઈસબુક તથા બ્લોગના અમારા પ્રિય વાચકમિત્રોને જણાવવાનું કે નરેન્દ્ર મસરાણીનો ઈન્ટરવ્યૂ આજે સમાપ્ત કરીએ છીએ. અમને જણાવતાં આનંદ થાય છે કે આ પૂર્વે અમે અમેરિકાના બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક ડૉ. અરવિંદ લાપસીવાલાનો ઈન્ટરવ્યૂ રજૂ કર્યો હતો. એ પ્રયોગને વધાવી લેતા શુભેચ્છકોના અનેક પ્રતિભાવો મળ્યા હતાં.  અમે તેમાંથી થોડા પ્રતિભાવો રજૂ કર્યા હતાં. પરંતુ તે સામે કેટલાંક વાચકોએ ફરિયાદ કરી હતી કે તમે અમારો અભિપ્રાય કેમ સામેલ ન કર્યો? તેમની એ ફરિયાદમાં અમારા પ્રત્યેની લાગણી વ્યક્ત થતી હતી. એથી અમે થોડા દિવસો પછી તેમના અભિપ્રાયો રજૂ કરતો એક બીજો આર્ટિકલ રજૂ કર્યો હતો. જાણીને નવાઈ લાગશે કે હજી પણ વાચકોના પ્રતિભાવો મળી રહ્યાં છે. તે સર્વને સમાવી લેતો વધુ એક લેખ રજૂ કરવા ધાર્યું છે. એ અનુભવને નજરમાં રાખીને અમે નરેન્દ્ર મસરાણી અંગેના પ્રતિભાવોનો પણ એક વધુ લેખ રજૂ કરવાનું નક્કી કર્યું છે. કેટલાંક મિત્રોએ એમ પણ લખ્યું છે કે અમારો અભિપ્રાય અમારા ફોટા સાથે રજૂ કરો. વેલ, આ થોડું અઘરું છે. પણ છતાં એક નવતર પ્રયોગ તરીકે અમે એ પણ નક્કી કર્યું છે કે જે વાચકો તેમના ફોટા સાથે પ્રતિભાવો મોકલશે તેમનો પ્રતિભાવ ફોટા સહિત રજૂ કરવામાં આવશે. દોસ્તો, કારણ એટલું જ કે અમે સ્વીકારીએ છીએ કે અમને મળી રહેલી સિદ્ધિમાં વાચકોનો સિંહફાળો છે. (કેમકે વાચકોમાંથી ઘણા વાચકોએ ડૉ. અરવિંદ લાપસીવાલાના દશેદશ લેખો તેમના વિશાળમિત્ર વર્તુળમાં શૅર પણ કર્યા હતાં) એથી વાચકોના અભિપ્રાયો આ વિભાગમાં સહર્ષ અને સાભાર રજૂ કરવામાં આવશે. વાચકોની બીજી ફરિયાદ છે કે ડૉ. અરવિંદ લાપસીવાલાનો એમના ઈન્ટરવ્યૂ અંગેનો પોતાનો શો પ્રતિભાવ છે તે પણ પ્રગટ કરો. એથી ડૉ. અરવિંદ લાપસીવાલા અને નરેન્દ્ર મસરાણીના પત્રો પણ હવે પછી રજૂ કરવામાં આવશે. વાચકો તેમના પ્રતિભાવો સમયસર મોકલે તેવી વિનંતી. જેમની પાસે ઈન્ટરનેટની સુવિધા નથી તેઓ પોતાના પ્રતિભાવો મોબાઈલ અથવા  એસ.એમ.એસ. દ્વારા મોકલી શકે છે. (હવે પછી આ ઈન્ટરવ્યૂ વિભાગમા રજૂ થનારા મહાનુભાવોની યાદી રજૂ કરવામાં આવશે)

Email : dineshpanchal.249@gmail.com

Blog   : dineshpanchalblog.wordpress.com

Mobile  :  94281 60508

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s