માછલીને પાણીમાં શરદી થાય ખરી?

          અમેરિકામાં વાસી, ફૂગવાળી કે બગડેલી ચીજવસ્તુઓ વેચાતી જોવા મળે તો ત્યાંનું આરોગ્યખાતુ વેપારીઓને લાખોનો દંડ કરે છે. એક વાર સુરતની હૉટલમાંથી હજારો કિલો ગંધાતો માવો અને સડેલા ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતાં. પરંતુ તે નિહાળીને આ દેશની ગંદકીપ્રૂફ પ્રજાનું રૂંવાડુ ય ફરક્યું નહોતું. એક પણ માણસને એવો આઘાત ન લાગ્યો કે અરેરે… આપણે આજસુધી આવી સડેલી વસ્તુઓ ખાતા હતાં? (ખાનગીમાં સાંભળો… હજીય સડેલો માલ બેરોકટોક વેચાય છે. અને લોકો લાઈન લગાવે છે. ખાયે રાખો ને જીવ્યે રાખો… આજ સુધી કાંઇ ન થયું તો હવે શું થવાનું હતું? આપણાં તન મન ગંદકીથી ટેવાઈ ગયા છે. જરા વિચારો, માછલીને પાણીમાં શરદી થાય ખરી? ડુક્કર મળ ખાવાથી અપવિત્ર થાય ખરૂં? ખાળકૂવાના જીવડા ક્યારેક ચેંઈજ ખાતર ‘સ્વચ્છતા સપ્તાહ’ ઉજવે એ જુદી વાત પણ આખરે તો ખાળકૂવો એજ તેમનું ‘સ્વીટ હોમ’ અને ગંદકી એ તેમની સંસ્કૃતિ…!) આપણી સ્થિતિ એવી છે કે એક સરકાર જાય ને બીજી આવે… ફાવે કે ન ફાવે પણ આપણે જ ગુનેગાર અને આપણે જ ફરિયાદી…!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

હિન્દુસ્તાન કી બીક્રી

સુરતમાં વર્ષોપૂર્વે મ્યુનિસીપલ કમિશ્નર શ્રી રાવે સફાઈ ઝૂંબેશ ચલાવેલી તે સમયની વાત છે. એક વ્યંગકારે ત્યારે કહેલું: ‘આ દેશમાં વ્યાપકપણે ચાલી રહેલા ભ્રષ્ટાચારના સાર્વત્રિકરણથી હું ખુશ છું. અહીં બેઈમાનીના જબરજસ્ત સેલ લાગ્યા છે. હું ખાત્રીપૂર્વક કહી શકું કે એકાદ ખેરનારડુ હિન્દુસ્તાનની હરાજી અટકાવી શકવાનું નથી. કારણ એ છે કે:

‘હર આદમી બિકાઉ હૈ યહાં, હર એક કી કિંમત હોતી હૈ…,

ઝૂકાનેવાલેમેં દમ હો તો પૂરી દુનિયા ઝૂક સકતી હૈ…!

ક્યા ગાંધીનગર ક્યા દિલ્લી… હર તરફ બેઈમાની કા મેલા હૈ…!

ખરીદ પાઓ તો ખરીદ લો, યહાં હિન્દુસ્તાન કી બિક્રી હોતી હૈ…!’

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

વિદ્વાન બનવા કરતા સાધુ બનવુ સહેલુ છે

         અખબારોમાં છાસવારે સાધુઓના ભગવા ભોપાળાઓ છપાય છે. તેમના સેક્સસ્કેન્ડલો પકડાય ત્યારે સમાજ થોડા સમય માટે હચમચી જાય છે. આપણી ધાર્મિક સંસ્કૃતિમાં ભગવું યુનિફોર્મ સાધુઓ માટે બહુ આદરપાત્ર હોય છે. એ કારણે ભિખારી પ્રકારના બાવટાઓ પણ સિંદુરિયા રંગની ધોતી પહેરે એટલે તેને સાધુ ગણી લેવામા આવે છે. વિદ્વાનો ઘણીવાર કહે છે, ‘યોગી બનવા કરતા ઉપયોગી બનવું મહત્વનું છે અને સાધુ બનવા કરતા સીધા બનવાનું જરુરી છે!’ પણ જે. કૃષ્ણમૂર્તિએ બહુ બારિક વાત કહી છે. તેમણે કહેલું: ‘વિદ્વાન બનવા કરતાં સાધુ બનવુ સહેલું છે. કેમકે વિદ્વાનની વિદ્વતા તેના પોષાક પરથી નહીં તેના જ્ઞાન પરથી નક્કી કરવામાં આવે છે. પણ સાધુઓની કોઇ ચકાસણી થતી નથી. ભગવા વસ્ત્રો જ તેમની ઓળખ બની રહે છે. એથી વાઘના ચામડા હેઠળ શિયાળ છૂપાયું હોય તોય ઝટ ખ્યાલ આવતો નથી. લોકો તો ભગવું જોયું નથી કે હારતોરા લઇ તેમના ચરણોમાં આળોટ્યા નથી…! લોકોની લાખ ટન અંધશ્રદ્ધા ભેગી થાય ત્યારે સમાજમાં આસારામો કે નારાયણસાંઇઓ પેદા થઇ શકે છે…!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

એમણે અમેરિકાની બનાવટનું ઝેર પીધું હોત તો…?

    સ્વામી સચ્ચિદાનંદજીએ લખ્યું છે કે એકવીસમે વર્ષે મને એક છોકરી જોડે પ્રેમ થઇ ગયેલો. તેણે અસ્વીકાર કરેલો તેથી મેં ઝેર પી લીધું હતું પણ બચી ગયેલો. એ વાત સાંભળીને બચુભાઈ બોલ્યા, ‘આ કિસસામાં બે વ્યક્તિનો ખાસ આભાર માનવો જોઈએ. પહેલો આભાર પેલી સ્ત્રીનો જેણે સ્વામીજીને ઠુકરાવ્યા, પરિણામે સ્વામીજી એક વિદ્વાન કક્ષાના સંત બની શક્યા. બીજો પેલા ઝેર બનાવનારનો… જેના નબળી ક્વોલિટીના ઝેરને કારણે સ્વામીજી બચી ગયા. (સ્વામીજી ઘણીવાર તેમના પ્રવચનમાં અમેરિકા જાપાન જેવા પરિશ્રમી દેશોની ઉત્તમ ક્વોલિટીની પ્રશંસા કરે છે. પણ ક્યારેક નબળી ક્વોલિટી પણ ફાયદો કરાવી જાય છે. એમણે ભારતને બદલે અમેરિકાની બનાવટનું ઝેર પીધું હોત તો એમનો ક્યારનો મોક્ષ થઈ ગયો હોત)

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

ગુજરાતનું કલ્યાણ અનશનથી નહીં ડિસિપ્લીનથી થાય

        એક સત્ય સ્વીકારવું રહ્યું. કેવળ નેતાઓ કે પ્રધાનોનો જ વાંક નથી, શહેરથી માંડી ગામડાઓની નાની મોટી ગલીકૂચીઓમાં ભ્રષ્ટાચારના રાફડા ફાટ્યા છે. એમાં પ્રજા અને નેતા બન્નેની પૂરી સામેલગીરી છે. મોદી સાહેબ, એ રાફડાઓ પર ડી.ડી.ટી છાંટવાનું કામ તમારું છે. પણ જે ઘરમાં બિલાડી નિષ્ક્રિય હોય તે ઘરમાં ઉંદરોની દોડાદોડી વધી જાય છે. અમે માત્ર અંગૂલિનિર્દેશ કરી શકીએ. તમારા જેવા, આધુનિક ભારતના નવા સરદાર વલ્લભભાઈ સાચી દિશામાં પ્રયાણ આદરશે તો સુખનો સૂરજ જરૂર ઉગશે.  મોદી સાહેબ, તમારી નિષ્ઠા અને સામર્થ્ય માટે કોઈ શક નથી. માત્ર પરંતુ તમારી દિશા ખોટી છે. તમે સાપને બદલે તેના પડછાયા પર લાકડી ફટકારો છે. કોંગ્રેસીઓ તમારા દુશ્મન છે જ નહીં. ભ્રષ્ટાચાર તમારો સાચો દુશ્મન છે. તમને શુભેચ્છા સાથે એટલું જ કહીએ, ‘તુમ આગે બઢો હમ ૧૨૫ કરોડ જનતા તુમ્હારે સાથ હૈ…!’ શરત એટલી કે ભ્રષ્ટાચાર ઉપવાસ કરવાથી નહીં તપાસ કરવાથી દૂર થાય…! ગુનો સદભાવનાથી નહીં સજા કરવાથી દૂર થાય. પ્રગતિ પ્રવચનથી નહીં પરિશ્રમ કરવાથી થાય અને ગુજરાતનું કલ્યાણ અનશનથી નહીં ડિસિપ્લીનથી થાય…!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

સદભાવના મિશન… ગલત એક્શન…

      થોડા સમયપૂર્વે નરેન્દ્ર મોદીજીએ સદભાવના મિશન નિમિત્તે ઉપવાસ કરેલા ત્યારે અમારા બચુભાઈએ તેમને પત્ર લખીને ગામઠી ભાષામાં રોકડી વાત જણાવેલી: ‘મોદી સાહેબ, તમે સદભાવના નિમિત્તે ઉપવાસ કરો તેમાં ગુજરાતની પ્રજાનો કોઈ શુક્કરવાર વળવાનો નથી. એને બદલે કંન્ટ્રોલમાં અનાજના કાળાબજાર કરનારાઓને નાથી શકશો તો તેમાં ગરીબોનું વિશેષ કલ્યાણ થશે. સાહેબ, જરા કડક થાઓ. ખુદ ભૂખ્યા રહેવાને બદલે ખાઈ જનારાઓના પૂઠિયાં ભાંગી નાખો તો ગરીબો સાથેનો અન્યાય દૂર થશે. માણસ એક ટાઈમ ન જમે તો અનાજ બચે અને આંતરડા, જઠર વગેરેને થોડો આરામ મળે; એ સિવાય ઉપવાસથી કંટોલા પણ પાકતાં નથી. દેશના કરોડો ગરીબો ક્યાં તો નકોરડા કરીને મરી જાય છે અથવા માંડ એક ટાઈમ જમીને હપતે હપતે મરે છે. તમે કહ્યું છે કે ‘હું ખાતો નથીને ખાવા દેતો પણ નથી’ સાહેબ, તમારા ગુપ્તચરો દ્વારા તપાસ કરાવો તો જાણવા મળશે કે ‘ખાવાના ખેલ’ તો હજી બેરોકટોક ચાલે છે. સાહેબ, ભૂખ્યાઓ પ્રત્યેનું સાચું સદભાવના મિશન ભોજનનો પ્રબંધ જ હોઇ શકે, અનશન તો કદી નહીં…! સાહેબ, માફ કરજો પણ અમને લાગે છે કે ઉપવાસ એ નર્યો દંભ છે. એવો દંભ…, જાણે કોઈ સંત માણસ વાંઢાને બ્રહ્મચર્યનું માહત્મ્ય સમજાવતો હોય!’

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

તો પાણી માટે પાણીપત શા માટે…?

         કેટલાંક ભાષાપ્રેમીઓ ગુજરાતી ભાષા મરી રહી છે એવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. માતૃભાષાને જીવાડવાની એમની લાગણીને લાખો સલામ, પણ તેના દેહ પર જૂની જોડણીની કાંટાળી વાડ છે તે નાબુદ કરવાનું તેમને સૂઝતું નથી. કહેવાતા મોટા સાહિત્યકારો પણ છાસવારે ખોટી જોડણી લખે છે. પણ તેમને એક જ ‘ઉ’ (હસ્વ ઉ) અને એક જ ‘ઈ’ (દીર્ઘ ઈ) વાળી ઉંઝા જોડણી સ્વીકાર્ય નથી.  પ્રશ્ન થાય છે, શું આપણે સેંકડો ક્ષતિઓવાળી ગુજરાતી ભાષાને એવા જ દુષિત સ્વરુપમાં આગળ લઇ જવી છે? હવે પછીની નવી પેઢી અઘરા દાખલા જેવી ગુજરાતી જોડણી શીખવાનો ઉમળકો બતાવશે ખરી? આપણે માત્ર એટલું કરવાનું છે કે જૂના કંગનમાં વપરાયેલા ચોવીસ કૅરેટના સોનાને જાળવી રાખવાનું છે. માત્ર કંગનની ડિઝાઇન બદલવાની છે. મતલબ ભાષા સાચવી રાખવાની છે પણ તેમાં જરૂરિયાત પ્રમાણે સમયલક્ષી સુધારો કરવાનો છે. સમજો તો વાત સાવ સરળ છે. માતૃભાષાને જરૂર પ્રેમ કરવો જોઈએ. પણ તેમાં વિવેકબુદ્ધિ હોવી જોઈએ. અર્થાત્ માતાને માથામાં પડેલા ચાંદાનો ઇલાજ કરવાને બદલે તેને માથે તાજ પહેરાવીએ તો તે અધૂરો માતૃપ્રેમ ગણાય. આજે પાર વિનાની અશુદ્ધિઓથી ભરેલી જોડણી અભ્યાસમાં ચાલે છે. ભાવિ પેઢી તે શીખે છે. પણ કૉલેજના પ્રોફેસરો, શાળાના શિક્ષકો કે ખુદ આચાર્યો ખોટી જોડણી લખે છે. અને વ્યવહારમાં પણ સૌ સામૂહિક અજ્ઞાન વડે ખોટી જોડણી જ દીધે રાખે છે. અને તે કારણે કોઈના કામ અટકતાં નથી તો જેને ઠીક રીતે નિભાવી શકાતી નથી એવી જૂની જોડણી માટે આટલો દુરાગ્રહ શા માટે? (અમારી વાત ખોટી જણાય તો મારો શરત અને પ્રયોગરૂપે શાળામાં ભાષા શીખવતા કોઈ શિક્ષકને માત્ર પંદર શબ્દો લખાવી જુઓ… એમાંથી બે ત્રણની જોડણી તો તે અચૂક ખોટી લખશે) દોસ્તો, જરા વિચારો ‘રૂપિયા’ શબ્દની જોડણીમાં કોઈ ‘રૂપીયા’ને બદલે ‘રૂપીયા’ લખે તો સમજવામાં કોઈને મુશ્કેલી પડે ખરી? અને તેને કારણે રૂપિયાની કિંમતમાં પણ કોઈ ફેર પડે ખરો? ‘પાણી’ એટલે પીવાનું પાણી… પણ તમે ભૂલથી ‘પાણિ’ લખો તો તમારી તરસમાં કે પાણીની શુદ્ધતામાં કોઈ ફરક પડવાનો નથી. તો પાણી માટે પાણીપત શા માટે? અત્રે નામોલ્લેખ કર્યા વિના ચાલે એમ નથી; પણ ઈન્ટરનેટ પર ‘સન્ડે ઈ–મેહફિલ’ ચલાવતા સુરતના શ્રી ઉત્તમ ગજ્જર અને ‘અભિવ્યક્તિ’  બ્લોગ ચલાવતા નવસારીના શ્રી ગોવિંદ મારૂ બન્ને મિત્રો વર્ષોથી ઉંઝા જોડણીમાં પોતાના લખાણો રજૂ કરે છે. એમના બન્નેના પ્રયત્નોને વિશાળવાચક વર્ગે પ્રેમથી આવકાર્યો છે. એમના બ્લોગના વાચકોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

 ચૂંટણીનો પંચવર્ષિય ચાબૂક

   આજકાલ દેશમાં– ‘ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે’ એવી લોકો બુમરાણ મચાવી રહ્યા છે. (પણ લોકો કરતાં વિરોધપક્ષો એવી બુમરાણ વધુ મચાવી રહ્યા છે) સત્ય એ છે કે બન્ને પક્ષો ભ્રષ્ટાચારના ભંવરથી મુક્ત રહી શક્યાં નથી. (ખુદ પ્રજા પણ હાથવગો ભ્રષ્ટાચાર કરી છૂટે છે) સૌએ ખભેખભા મિલાવીને  ભ્રષ્ટાચારને ‘નાગરિકધર્મ’ બનાવી દીધો છે. પારધીની જાળમાં ફસાયેલા સેંકડો પક્ષીઓ સામૂહિક જોર લગાવી આખી જાળ લઈને ઊડી ગયા હતાં એવી વાર્તા બાળપણમાં વાંચી હતી. આજે આખો દેશ ભ્રષ્ટાચારની જાળ લઈને ઊડી રહ્યો છે.  ફરક માત્ર એટલો છે કે પક્ષીઓએ પોતાનો જીવ બચાવવા માટે તેમ કરવું પડ્યું હતું; જ્યારે લોકો એવું કરીને પોતાના પગ પર કૂહાડી મારી રહ્યા છે. આ કારણે એવી સ્થિતિ ઉદભવે છે કે ભાજપના ભ્રષ્ટાચારની કિંમત પરોક્ષ રીતે કોંગ્રેસે પણ ચૂકવવી પડે છે. જેમકે ચૂંટણીટાણે ભાજપે તેલિયા રાજાઓને કરોડો રૂપિયાનું ‘ચૂંટણીફંડ’ આપવું પડ્યું હોય તો સ્વાભાવિક જ વેપારીઓ તેલના એક ડબ્બે પાંચસો રૂપિયા વધારી દે છે. (સોનિયા ગાંધીનું તેલ ઇટાલીથી આવતું નથી. તેઓ બજારમાંથી જ તેલ ખરીદે છે. તેમણે પેલા વધારાના પાંચસો રુપિયા ભાજપના ભ્રષ્ટાચાર પેટે ચૂકવવા પડે છે) દોસ્તો, ‘કમળ’ના કપટની પીડામાં ‘પંજા’એ પણ પીડાવું પડતું હોય તો પ્રજા શી રીતે બચી શકે? ભ્રષ્ટાચાર કોંગ્રેસ કરે કે ભાજપ… પ્રજાએ ભ્રષ્ટાચારના ચાબૂકો માટે પોતાની પીઠો ફાળવવી જ પડે છે. દર પાંચ વર્ષે ચાબુક મારનારાઓ બદલાય છે આપણી પીઠો એજ રહે છે. સ્થિતિ એવી છે કે અયોધ્યાની ગાદી પર રામ આવે કે ભરત… મંથરા તો દાસીની દાસી! અને સત્તા ભાજપ સંભાળે કે કોંગ્રેસ પ્રજાના દિલમાં સદા ઉદાસી!’ ચૂંટણી એટલે પ્રજાના દુર્ભાગ્યને વધુ પાંચ વર્ષ માટે રિન્યૂ કરવાનો સરકારી કૅમ્પ…! દરેક સરકાર એવા કૅમ્પો યોજે છે. આપણે કોની સરકાર વડે દુ:ખી થવા માગીએ છીએ તેની પસંદગી કરવાનો આપણને હક આપવામાં આવે છે તેને આપણે લોકશાહી કહીએ છીએ.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

ગાંધીના ગુજરાતમાં ગલી ગલીએ ગોડસે

      આ ધરમકરમવાળા દેશમાં દંભ, જૂઠાણું, અપ્રમાણિક્તા, લુચ્ચાઈ અને ઠગાઈનું રોજનું અબજો રૂપિયાનું ટર્ન વર થાય છે. જ્યાં ગાંધી, સુભાષ અને રામ કૃષ્ણ જન્મ્યાં હતાં તે સમાજ ચંબલની ખીણ જેવો બની ચૂક્યો છે. કોઈના ચશ્મા કે ઘડિયાળ આમ તો મામુલી ચીજ ગણાય, પણ ગાંધીની ઘડિયાળ કે તેના ચશ્મા ચોરાઈ શકે છે કેમકે તેને લાખોમાં વેચીને રોકડી કરી શકાય છે. પણ ગાંધીજીના આદર્શોની કિંમત કેટલી? કોણ તે ખરીદે? દેશની અંદરના અને બહારના આતંકવાદીઓને કારણે માહોલ એવો અસલામત બની ચૂક્યો છે કે આજે ગાંધીજી ફરી અહીં જન્મે તો એમણે પણ ગુપ્તી રાખવી પડે. (નહીંતર સ્વામી સચ્ચિદાનંદજીએ શા માટે પિસ્તોલ રાખવી પડી હોત?) દેશને ખૂણે ખૂણે આતંકવાદી છવાયેલા છે. ગલ્લા પર બેઠેલા લાયસન્સધારી આતંકવાદીઓ શાંત લૂંટ (સાયલન્ટ રોબરી) ચલાવે છે. ઓફિસમાં બેઠેલા શૂટેડબુટેડ આતંકાવદીઓ કલમની કાતર વડે ગજવું ચીરે છે અને ખાદીધારી આતંકવાદીઓ બજેટની બંદૂક વડે તિજોરી પર તરાપ મારે છે. આજે ગાંધીના ગુજરાતમાં ગલી ગલીએ ગોડસે જીવે છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com