મધ્યમ વર્ગના માણસોને ભારત પાકિસ્તાનનું યુદ્ધ પરવડે ખરું?

        દોસ્તો, યુદ્ધની મૂળ વાત પર આવતા પહેલા માણસની મનોભૂમિ પર ચાલતા અંદ્ધશ્રદ્ધાના યુદ્ધની વાત કરી લઈએ. એક વાર અમે જાજરૂની દીવાલની પૂજા કરતાં શ્રદ્ધાળુ લોકોને જોયા હતાં. કારણ શું…? તો કહે દીવાલનું પ્લાસ્ટર ઉખડી જવાથી તેના પર કૃષ્ણ ભગવાનનો આકાર દેખાયો હતો. અમે દીવાલ નજીક જઈને ધ્યાનથી એ નવજાત કૃષ્ણને જોયા. પૂરી વાત જાણ્યા બાદ સમજાયું કે કોન્ટ્રાક્ટરની ગેરરીતિમાંથી કૃષ્ણનો જન્મ થયો હતો. મતલબ કોન્ટ્રાક્ટરે તકલાદી સિમેન્ટ વાપરી હોવાથી દીવાલ પરનું પ્લાસ્ટર ઉખડી ગયું હતું. અને તેમાં આકસ્મિકપણે કૃષ્ણનો આકાર ઉપસી આવ્યો હતો. એ જોઈ કોઈ ભક્તિખોર માણસને લાગ્યું કે આ તો સાક્ષાત કૃષ્ણ છે…! અને તેણે તિકડમ ચલાવ્યું: ‘જાજરૂની દીવાલ પર કૃષ્ણ અવતર્યા…!’ ને બસ… લોકો કંકુ, ફૂલ, અને અગરબત્તી લઈને તૂટી પડ્યા. મ્યુનિસીપાલિટીના સંડાસની બહાર લોકોની લાઈન લાગી ગઈ. શું કહીએ આવા અબૌદ્ધિક લોકોને…? ભલા માણસ, એટલો તો વિચાર કરો કૃષ્ણ મથુરા છોડીને સીધા જાજરાની દીવાલ પર શું કામ અવતરે…? અરે…! મ્યુનિસિપાલીટીના જાજરાની દીવાલ પર અવતરવા કરતાં તો કુરુક્ષેત્રે કૌરવોના હાથે હણાઈ જવામાં વધુ પ્રતિષ્ઠા હતી. પણ આંધળી ભક્તિ અને અક્કલ વિનાની આસ્તિક્તા હોય ત્યાં  ભક્તિને નામે ભવાઈ અને આસ્થાના નામે અવળચંડાઈ થઈને જ રહે છે. આજે વહેલી સવારે અખબારમાં વાંચ્યું કે લાંબા સમયથી સરહદ પર કાંકરીચાળો કરી રહેલા પાકિસ્તાનના અંદરના એરિયામાં જઈને ભારતના સૈનિકોએ પાકિસ્તાનના ૪૦ ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવ્યો. દોસ્તો, કૃષ્ણની જેમ આપણા મોદી સાહેબ પણ ૧૨૫ કરોડ દેશબંધુઓની જીવનયાત્રાનો રથ હાંકી રહ્યા છે. એમને શુભેચ્છા પાઠવીએ. પણ દિલની સાચી વાત કહીએ તો માણસ ભારતનો મરે કે પાકિસ્તાનનો… કદી કોઈને આનંદ ન થવો જોઈએ. ભારત પાકિસ્તાનનો કોઈ માણસ મરશે ત્યારે તે સાથે પાકિસ્તાન લઈ જવાનો નથી. તો પછી જેટલું જીવીએ તેટલું બધાં પ્રેમથી કેમ ન જીવી લઈએ? વારંવાર પ્રશ્ન થાય છે કે ભારત પાકિસ્તાનના મધ્યમ વર્ગના માણસોને આવા યુદ્ધો ખપે છે ખરા…? તો કોને કારણે થાય છે આ યુદ્ધો…??? ચાલો, વિચારીએ.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

–તો બાળકો માટે બીજું દૂધ ક્યાંથી લાવીશું?

        થોડા સમયપૂર્વે ગણપતિજી દૂધ પીતા હોવાની ઘટના બની હતી. બૌદ્ધિકોએ સંશોધન કરીને શોધી કાઢ્યું કે મૂર્તિ પથ્થરની હોય તો કેશાકર્ષણના સિદ્ધાંત અનુસાર તે દૂધ શોષી લે છે. આમાં ગણેશજીનો કોઈ ચમત્કાર નથી. દોસ્તો,  આટલું જાહેર થયા પછી એ બંધ થઈ જવું જોઈતું હતું છતાં થોડા વધુ દિવસો એ ‘પયપાન’ ચાલુ રહ્યું હતું. ગામડાના અલ્પશિક્ષિત લોકો કદાચ ન સમજી શકે પણ શહેરના ડબલ ગ્રેજ્યુએટ થયેલા લોકોએ પણ ગણપતિની સૂંઢને દૂધમાં ઝબોળી હતી. અમારા પ્રોફેસર મિત્રે કહેલું: ‘મૂર્તિ પથ્થરની હોય તો તે રાવણની હોય તો પણ દૂધ પીએ એમાં કોઈ નવી વાત નથી.  હિંમત હોય તો ગણપતિની ધાતુની મૂર્તિને દૂધ પીવડાવીને બતાવો…?’ અમારા બચુભાઈએ પણ કહ્યું હતું: ‘જરા વિચારો કે પથ્થરની મૂર્તિ ફોગટમાં દૂધ પી જાય અને બદલામાં માણસને કાંઈ ન મળે તો એનો ફાયદો શો…? સારું થયું કે પછી ગણપતિએ દૂધ પીવાનું બંધ કર્યું. જો દેશની કરોડો મૂર્તિઓ લાખો ગેલન દૂધ પીતી રહેતી હોત તો બાળકો માટે આપણે બીજું દૂધ ક્યાંથી લાવ્યા હોત?’

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

પાખંડી સ્વામીઓ સામે સંતોનું ગુનાઈત મૌન

          થોડા સમયપૂર્વે આનંદજનક સમાચાર વાંચ્યા હતાં. પાકિસ્તાની આતંકવાદના વિરોધમાં ભારતના હજારો મુસ્લિમબંધુઓએ રેલી કાઢી હતી. ભારત પ્રત્યેની મુસ્લિમોની વફાદારીનું એ સુંદર સર્ટિફીકેટ હતું. અહીં થોડા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જેમ કે મુસ્લિમોએ આતંકવાદના વિરોધમાં રેલી કાઢી તે રીતે આપણાં સંતો અને કથાકારો ભેગાં મળી પાખંડી સ્વામીઓની વિરૂદ્ધમાં રેલી કેમ નથી કાઢતા? (તમે કથામાં રાવણની ભલે સેંકડો ટીકા કરો. પણ આજના રાવણો પ્રત્યે કેમ આંખ આડા કાન કરો છો?) છાસવારે જેમના કરોડોના કૌભાંડો અખબારોમાં છપાય છે તેમને પડકારવાનું ગજુ સાધારણ માણસનું નથી, પણ જેમને સૌ સન્માનપૂર્વક સાંભળે છે, એવા કથાકારો તેમનો વિરોધ કેમ નથી કરતા? એજ રીતે પત્નીની આસક્તિભરી ગુરુભક્તિનો વિરોધ પતિઓ કેમ નથી કરતા? એવી સ્ત્રીઓ બાપુની આરતી ઉતારે છે ત્યારે બાપુઓ તેનો વિરોધ કેમ નથી કરતા? સ્ત્રીઓની આ ઊડીને આંખે વળગે એવી મોટી ભૂલો બદલ નારીવાદી સંગઠનો તેમની ટીકા કેમ નથી કરતા? સ્વામી બની બેઠેલા હવસખોરોના ચરણોમાં આળોટતી મહિલાઓને તેમની ભૂલોનું ભાન સમાજના વડીલો કેમ નથી કરાવતા? કોઈ ચૂકતું નથી. બધાં લોકો જ્યાં ઊભા છે ત્યાંથી પોતાનાથી થાય તેટલી ભૂલો કરી છૂટે છે. સ્ત્રીઓએ ખાસ યાદ રાખવું પડશે કે મહિલાઓને સંસદમાં અનામત મળે તે કરતાં સમાજમાં તે સલામત રહે તે વધુ જરૂરી છે. સ્ત્રીઓની ભક્તિમાં જો સમજદારી ભળે તો તેમણે બાપુને ગુરૂ માનવાને બદલે મનમંદિરમાં બેઠેલા માહ્યલાને જ સાચો ગુરુ માનવો જોઈએ. સ્વામીઓ પાસે જવાને બદલે પોતાના કુટુંબ સાથે બેસીને ઘરમાં જ ભક્તિ કરવી જોઈએ. પરંતુ સમાજમાં પરંપરાગતતા વધુ અને બૌદ્ધિક્તા ઓછી છે. મતલબ આંધળી ધાર્મિક્તા વધારે અને વિવેકબુદ્ધિવાદી વિચારધારા ઓછી છે. એ કારણે થાય છે એવું કે ઘણી ધાર્મિક સ્ત્રીઓ પતિને હડધૂત કરે છે અને ઢોંગી બાવાઓના પગ પૂજે છે. આ હિમાલય જેવો દંભ સત્વરે છોડવો જોઈએ.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

એમાં કોણ જવાબદાર?

            કેટલાંક દુ:ખો દેખાતાં નથી માત્ર દુખાતા હોય છે. દેશમાં લાખો વેશ્યાગૃહો અને કરોડો કૂટણખાનાઓ ચાલે છે. તે દ્વારા એઈડ્સના જીવાણુઓ ફેલાતા રહે છે. એ જ રીતે કહેવાતા ધર્મને નામે વ્યભિચારો ફેલાતા રહે છે. માણસને પાણીની ગંદકી પરવડતી નથી પણ સમાજની આવી અદ્રશ્ય ગંદકી પરવડે છે. આજપર્યંત મંદિરના કેટલાં ય સંત મહંતે સંસારી સ્ત્રીઓ પર નજર મેલી કરી હોય એવું અનેકવાર બન્યું છે. સમાજના અન્ય નીવડેલા સંતોને એની ચિંતા કેમ થતી નથી? શું સમાજ પ્રત્યે તેમની કોઈ ફરજ નથી? મોરારિબાપુને જેલના કેદીઓ સમક્ષ કથા કરવાનો વિચાર આવતો હોય તો સમાજમાં ભગવા ભોગીઓ તો એથી ય મોટા ગુનેગારો છે. તેઓ ખૂલ્લા ઘૂમી રહેલા દીપડા જેટલા જોખમી છે. તેમને માટે બાપુ પાસે કેમ કોઈ આયોજન નથી? સમાજમાં સૌને રામ ભલે ન બનાવી શકાય પણ જેઓ દુશાસન બની ધોળે દહાડે સ્ત્રીઓની ઈજ્જત લૂંટે છે તેમના દુશાનત્વ સામે પડકાર ફેંકવો એ કથાકારોની સાચી ફરજ ગણાય. ગમે તેમ, પણ શુદ્ધ ચારિત્ર્યવાન સાધુને પણ ભગવા પહેરવાની બીક લાગે એટલી હદે ભગવા વસ્ત્રો હવસખોરીનું સર્ટિફિકેટ બની ગયા છે. વિચારો, એમાં કોણ જવાબદાર…? અને તેમને સુધારવાની ફરજ કે જવાબદારી શું માત્ર સરકારની છે?

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

ભક્તિ સાથે ભોગમાં માનતી એ સ્ત્રીઓને…

         કુદરતે સ્ત્રીઓને પોતાના શિયળની રક્ષા માટે કદાચ શક્તિ ઓછી આપી હશે પણ સમજણ જરૂર આપી છે. પોતાની સીક્થસેન્સ વડે સ્ત્રીઓ પુરૂષોની નજરમાં સળવળતા સાપોલિયાં તુરત પારખી જાય છે અને તોય તેઓ ફસાય એવું કેમ બને છે? પાખંડી સાધુબાવાઓ, સ્વામીઓ કે ગુરૂઓના સેક્સકૌભાંડોમાં સપડાયેલી સ્ત્રીઓની સંખ્યા આપણી આંખ પહોળી કરી દે એવી મોટી છે. સમાજના તમામ નારીસંગઠનોએ તટસ્થતાથી વિચારવું જોઈએ કે તાળી એક હાથે પડતી નથી. એવી અબૌદ્ધિક સ્ત્રીઓના પતિઓની લાપરવાહી તો અક્ષમ્ય ગણાય જ પણ સંતાનોવાળી પરિણિત ગૃહિણીઓ પણ બે ત્રણ વાર શિયળ લૂંટાઈ ત્યાં સુધી મૌન સેવે એ ઘટનામાં લુહારનો પણ વાંક છે અને લોઢાનો પણ વાંક છે. ઊંઘતાને જગાડવો સહેલો છે પણ જાગતો માણસ આંખો મીંચી રાખે તો તેની બનાવટી ઊંઘ આખા સમાજની ઊંઘ ઉડાડી દે છે. બળાત્કાર અને સંભોગ વચ્ચેનો તફાવત ડાંગના જંગલોની આદિવાસી સ્ત્રીઓ પણ સમજે છે. શહેરના વિકસિત વિસ્તારમાં રહેતી બૌદ્ધિક સ્ત્રીઓ એ કામકૌભાંડને મૂગી સંમતિ આપે છે અને પકડાઈ ગયા પછી પોલીસચૉકીમાં જૂઠાણુ ચલાવે છે: ‘મને ફસાવવામાં આવી છે. મારા પર બળાત્કાર થયો છે…!’આવા બિનપાયેદાર આક્ષેપો પર સમગ્ર નારી સમાજે ગંભીરતાથી વિચારવું જોઈએ. આજે આ લખાય છે ત્યારે અખબારોમાં એવા સમાચાર પ્રગટ્યા કે આસારામે એક નર્સને કહ્યું: ‘તું તો માખણ જેવી મુલાયમ છે…!’ આપણા કાયદાની કરૂણતા એ છે કે આવા હવસી બાબાઓ પકડાયા પછી પોલીસની નિગરાનીમાં હોય ત્યારે પણ તેમને કેદીના કપડાં પહેરાવવાને બદલે સાધુનો ગણવેશ પહેરવા દેવામાં આવે છે. વળી જેમની ચારિત્ર્યભ્રષ્ટતા પુરવાર થઈ ચૂકી છે તેમની હવસી નજર પોલીસની હાજરીમાં પણ સખણી ના રહે તે વાત કાયદાને ભલે ના ખટકે પણ આખા સમાજે એવી લાપરવાહી ચલાવી ન લેવી જોઈએ. કોઈ લંપટ સાધુબાવો સ્ત્રી સાથે આવી ગુસ્તાખી કરે ત્યારે નારી સંગઠનોએ પણ શા માટે ચૂપ બેસવું જોઈએ? દોસ્તો, જૂઠા ધરમકરમ અને ધાર્મિક કર્મકાંડોએ દેશની પત્તર ઝીંકી છે. નહીંતર વિચારો કે કોઈ પણ વ્યભિચારી સાધુ સ્ત્રીઓની ઈચ્છા વિરુદ્ધ તેમના દેહનો સ્પર્શ પણ કરી શકે ખરો? જે યુવતીએ આસારામ અને નારાયણ સાંઈ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી તે સ્ત્રીની હિંમતને જરૂર દાદ દઈએ પણ સાથે એ પણ જરૂર પૂછવું પડે છે કે– ‘બહેનજી…! તમારે ભક્તિ જ કરવી હતી તો પતિ સાથે મળીને ઘર આંગણે કરવી હતી તમે ત્યાં ગયા જ શું કામ??? મુશ્કેલી એ છે કે દેશની લાખો અંદ્ધશ્રદ્ધાળુ સ્ત્રીઓ આજે પણ આસારામ અને નારાયણ સાંઈને તેમના ભગવાન માને છે અને એવો બચાવ કરે છે કે અમારા ‘બાપુ’ એવા છે જ નહીં. વિરોધીઓ એમને બદનામ કરી રહ્યા છે!’ દોસ્તો, આપણી ધાર્મિક કમનસીબી અજરાઅમર છે. સમાજની બધી સ્ત્રીઓ એવી નથી હોતી પણ થોડીક ગંદી માછલીઓ આખા તળાવને ગંદુ કરે છે. ભક્તિ સાથે ભોગમાં માનતી એવી સ્ત્રીઓ જ્યાં જીવતી હોય તે સમાજમાં લંપટોનું ભવિષ્ય ઘણું ઉજળું છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

સ્ત્રીઓની ભક્તિ અને સમજશક્તિ

      થોડા સમયપૂર્વે આસારામ અને નારાયણ સાંઇની જેમ ઈચ્છાધારી સંત સ્વામી ભીમાનંદજી મહારાજ ચિત્રકૂટવાલેનું આખું સેક્સ રેકેટ પકડાયું હતું. ત્યારબાદ તેજ અઠવાડિયે તામિલનાડુના નિત્યાનંદજીના સેક્સકૌભાંડે ચકચાર જગાવી હતી. બે તમિલ અભિનેત્રીઓ સાથેની તેમના ‘સેક્સકાંડ’ની સીડી બજારમાં ફરતી થઈ ગઈ હતી. ધરમની આસ્તિનમાં સ્વામીઓરૂપી સાપ છૂપાયા હોય છે. કિંતુ અંદ્ધશ્રદ્ધાળુઓની આંખો પર અબૌદ્ધિક્તાના ચશ્મા લાગેલા હોવાથી તેઓ પાપીઓને ઝટ પકડી શકતા નથી. દળેલી ખાંડ અને દળેલુ મીઠુ સ્ત્રીઓ ચાખ્યા વિના પારખી શકે છે; તેવી જ પરખશક્તિ વડે સ્ત્રીઓએ સામે સાધુ ઊભો છે કે શેતાન તે પારખવાનું હોય છે. પણ સ્ત્રીઓ બહુધા નિષ્ફળ રહે છે. કોણ જાણે અમે સાચા હોઈશું કે ખોટા…? પણ અમને લાગે છે કે સ્ત્રીઓને ભક્તિ કરતાં સમજશક્તિની વિશેષ જરૂર હોય છે? અગર ખુદ પોતાનો પતિ પત્નીને એવા લંપટાનંદની સેવા કરવાનું કહેતો હોય તો પત્નીએ તેનો ધોળી ધજાએ વિરોધ કરવો જોઈએ. પણ એવું ક્યાં થાય છે? બલકે ખુદ પુરુષો પણ પોતાની પત્નીને એવા લંપટાનંદોની સેવામાં સમર્પિત કરતા હોવાના દાખલાઓ પોલીસચૉકીમાં નોંધાયા છે. બોલો, કોને દોષ દઈશું?

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

કાળાબજારની કામલીલા

         કરોડો સ્ત્રીઓની આંધળી શ્રદ્ધા દ્વારા એક લંપટ સ્વામી પેદા થાય છે. વાસનાભૂખ્યા સાધુઓ કાળાબજારની કામલીલા માણવા કટીબદ્ધ થાય ત્યારે તે સ્વામી મટી કામી બની જાય છે. શ્રદ્ધાળુ સ્ત્રીઓ ચેતે નહી તો તેમના દેવો પણ તેમની રક્ષા કરી શકવાના નથી. ભગવાનનો વેશ ધારણ કરીને કોઈ હેવાન દેહ પર હાથ નાખે ત્યારે તે શેતાનને બુદ્ધિના બાયફોકલ ગ્લાસ વડે ઓળખી કાઢવાની સમજ સ્ત્રીઓમાં હોવી જોઈએ. સ્ત્રીઓ તેમને મળેલી પ્રજ્ઞા કામે લગાડે તો વાત ખાસ અઘરી રહેતી નથી. યાદ રહે સ્વામીઓના સ્વાંગમાં છૂપાયેલા સેક્સાનંદો કરતાં એક સડકછાપ રોમિયો ઓછો ખતરનાક હોય છે. ટપોરી આંખ મારે છે અને ‘આતી ક્યા ખંડાલા’ કહીને ચાલ્યો જાય છે. લંપટ સ્વામીઓ આંખ નહીં ગરદન મારે છે. તેઓ ખિસામાં છૂપાયેલા ઝેરી વિંછુ જેવા હોય છે.  યુવાન સાધુના માથા પર હાથ મૂકી તેઓ બેટી કહે છે પણ તેમની હવસભરી નજર  બેટીની ‘બ્યૂટી’ પર, ગોળ પર મંકોડો ચોંટે એમ ચોંટી જાય છે. એવા બાપુઓની સેવા કે પૂજા કરવી તે નર્યું ધાર્મિક ગાંડપણ ગણાય.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

બર્ટ્રાન્ડ રસેલની રસોળી અને રેશનાલિઝમ

 યુરીપિડિસ કહે છે: ‘ધનવાન હોવું સારી વાત છે પણ ઘણા મિત્રોના પ્રીતિપાત્ર હોવું એ સૌથી વધુ સારી વાત છે.’ જોકે આ વાત કંઈક અધૂરી લાગે છે. કેવળ ધનવાન કે બળવાન હોવું એ પર્યાપ્ત નથી. કંસ અને રાવણ બન્ને ધનવાન હતાં અને બળવાન પણ હતાં. ધનથી પ્રીતિ મેળવી શકાતી હોત તો તેઓ સૌના પ્રીતિપાત્ર બની શક્યા હોત. પણ તે ભયની પ્રીતિ હતી.. સાચી વાત એ છે કે પૈસા અને બળથી પ્રીતિપાત્ર બનવા કરતાં જ્ઞાન અને વિદ્વતાથી પ્રીતિપાત્ર બનવું વધુ ઉચિત ગણાય. દાઉદ ઈબ્રાહિમ જેવા ગૅંગસ્ટરો ધનવાન પણ છે અને બળવાન પણ છે. પરંતુ મોરારિબાપુ જેટલા પ્રીતિપાત્ર નથી. સત્ય એ છે કે ચિંતનની પ્રસિદ્ધિનું નહીં, તેમાં રહેલા સત્યનું સાચું મૂલ્ય અંકાય છે. બર્ટ્રાન્ડ રસેલને રસોળી થઈ હોય તો તે રસોળી કીમતી બની જતી નથી. ખરું મૂલ્ય રસોળીનું નહીં, રેશનાલિઝમનું હોય છે. સત્ય રેશનાલિઝમનો આત્મા છે. બર્ટ્રાન્ડ રસેલ જ્યાં સુધી સત્ય ઉચ્ચારે છે ત્યાં સુધી તેને દુનિયા સાંભળે છે. મોરારિબાપુ પણ જે દિવસે તેમની રામકથામાં સત્યની અવગણના કરશે તે દિવસે તેમને સાંભળનારાઓની સંખ્યા ઓછી થઈ જશે. હવે આની વિરૂદ્ધનું એક વદતોવ્યાઘ્યાત (કોન્ટ્રાડિકટરી) સ્ટેટમેન્ટ એ છે કે હજાર જૂઠાણા કરતાં પણ એક સત્યની કિંમત વધારે હોય છે. તો એની સામેનું બીજું સત્ય એ છે કે એક જૂઠાણુ હજાર વાર બોલવામાં આવે તો એ જ સત્ય બની જાય છે. આપણા જૂના પુરાણા ધર્મશાસ્ત્રોમાં પાને પાને એવાં જૂઠાણા ભરેલાં છે. પણ તે કથાકારો દ્વારા વારંવાર ઉચ્ચારાય છે એથી તે હવે સત્ય બની ગયા છે. લોકોની આંધળી ધાર્મિક્તાને કારણે એવા જૂઠાણાને જીવતદાન મળે છે. એ જૂઠાણાના જંગ માટે જે મશીનગન તૈયાર થઈ છે તેનું નામ છે રેશનાલિઝમ. એકવીશમી સદીમાં પ્રયોગ અને પૃથ્થકરણ વિનાનું વિજ્ઞાન પણ અંધશ્રદ્ધા બની રહે છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

એ નિષ્ફળતાનો ફાયદો કેટલો મોટો?

       દોસ્તો, આજે જીવનનના કેટલાંક વિચિત્ર સત્યોની વાત કરવી છે. તમારો કોઇ મિત્ર તમને તમારી રજા વિના સુખી કે દુ:ખી કરી શકતો નથી. દરેક માણસ પાસે સજ્જનતા કે દુર્જનતાની પોતાની પ્રાઈવેટ પ્રોપર્ટી હોય છે. માણસ પોતે જેવો હોય તેવો જ વર્તાવ તે દુનિયા સાથે કરે છે. રામ અને કૃષ્ણે રાવણ અને દુર્યોધનને માર્યા પણ વિભિષણ અને અર્જુનને તાર્યા હતા; એમાં આજ બાબતે ભાગ ભજવ્યો હતો. પ્રત્યેક માણસે દુનિયાની સજ્જનતા કે દુર્જનતાનો સામનો કરતા કરતા જ આગળ વધવું પડે છે. એક બીજું સત્ય એ છે કે અબજોપતિ માણસ પણ ચોવીસ કલાક ફૂલટાઈમ ખુશ રહી શકતો નથી. કારણ કદાચ એનું એ હશે કે માણસ જે કાંઈ કરે છે તેમાં ૯૦ ટકા ફાળો તેનો પોતાનો હોય છે. આજપર્યંત એક પણ વાર એવું બન્યું નથી કે ડ્રાઈવરની ઈચ્છા વિરુદ્ધ જઈને કાર મનસ્વીપણે કોઈ સ્થળે પહોંચી ગઈ હોય…! તમને લખતા ન આવડે તેમાં પેનનો દોષ નથી. અને વાંચતા ન આવડે તેમાં ચોપડીનો વાંક કાઢી ન શકાય. જરા વિચારો, રૂપાળી બંદૂક બહારવટીયા આવે ત્યારે જ ન ફૂટે તો તેના રૂપનો કોઈ ફાયદો ખરો…? ક્યારેક એવું પણ બને છે કે હજારો માણસોની વસતિ વચ્ચે કોઈ આતંકવાદીએ મૂકેલો બોંબ ન ફૂટી શકે તો એ નિષ્ફળતાનો ફાયદો કેટલો મોટો ગણાય…? જીવનની ઘણી ઘટનાઓ સાપેક્ષ હોય છે. સફળતાથી જ નહીં ક્યારેક નિષ્ફળતાથી પણ હજારો માણસોનો જીવ બચી જાય છે. વિવેકબુદ્ધિવાળા મિત્રો બંદૂક અને બોમ્બ જેવા હોય છે. તેમને ક્યારે અને ક્યાં કેટલી માત્રામાં ફૂટવું કે ન ફૂટવું તેની સમજ હોય છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com