અંધશ્રદ્ધાળુઓનું મનોવિજ્ઞાન

         ધાર્મિક લોકોનું મનોવિજ્ઞાન સમજી લેવા જેવું છે. ચોથા ધોરણમાં ચાર વાર નાપાસ થયેલા ડફોળને પણ એવું સાંભળવાનું જ વધુ ગમે છે કે, ‘તું ડફોળ નથી ખૂબ હોંશિયાર છે… પણ તારી ગ્રહદશા ખરાબ છે.  એથી નસીબ તને યારી નથી આપતું…!’ આવી વાત તેના ગળે શીરાના કોળિયાની જેમ ઉતરી જાય છે. અને તે ગુરુનો પરમ ભક્ત બની જાય છે. આવી માનસિક્તા પાછળનું મનોવિજ્ઞાન એ છે કે ભણવા કરતાં ગુરુની ભક્તિ કરવામાં ઓછી મહેનત પડે છે. ‘તું મહેનત કરીશ તો પાસ થઈ જઈશ…!’ એવો આશીર્વાદ ખુદ ભગવાન આપે તો પણ માણસને તેમાં મજા આવતી નથી. (મહેનત કરવાથી જ પાસ થઈ શકાવાનું હોય તો એમાં ભગવાનની દિવ્ય શક્તિનો આપણને શો ફાયદો…?) આપણને તો વિના મહેનતનું જોઈએ છે જે ચમત્કારોથી જ પ્રાપ્ત થઈ શકે. દેશના અબજો લોકોની કરોડો ટન અંધશ્રદ્ધા ખભેખભા મિલાવીને કામે લાગે છે ત્યારે સમાજમાં અંધશ્રદ્ધાનું અભ્યારણ્ય રચાય છે. એ અભ્યારણ્યમાં આસારામ બાપુ, નારાયણ સાંઈ, રામપાલ અને નિર્મલબાબા જેવા સેંકડો બનાવટી બાવટાઓ ભોગવિલાસમાં જીવન વિતાવતા હતા. પણ એમના પાપનો ઘડો ફૂટી ગયો. તેમની અંધશ્રદ્ધાની એસ્ટેટ પર હવે તેમના વારસદારો રાજ કરે છે. દોસ્તો, અંધશ્રદ્ધાની દુકાન બંધ નથી થઈ… માલિકની ટ્રાંસફર થઈ છે. (જેલમાં…!) ચાલો, જવા દો એ વાત… આજે હું આપ સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આપ સૌને તંદુરસ્તીભર્યું દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય એવી મંગળ કામના..!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

સૌને દીવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ…!

       જાણીને આશ્ચર્ય થશે પણ બિહારમાં ગાજર મૂળાની જેમ દીકરીઓ વેચાય છે. આ ગપ્પુ નથી સત્ય છે. ગુજરાતમાં દીકરીના જન્મની લોકોને ખાસ ખુશી થતી નથી. બિહારમાં જે માણસને ત્યાં દીકરી જન્મે તેનો બાપ માલામાલ થઈ જાય છે. ત્યાં ડોસીઓ બોલે છે: ‘એના તો ભાગ્ય ખુલી ગયા… કાલે મોટી થઈને બાપને પચ્ચીસ ત્રીશ હજાર કમાવી આપશે. નસીબનો બળિયો છે. ચાર ચાર દીકરીઓની કમાણી ખાવાનું કોના નસીબમાં…? આપણા નિષ્ણાંતો દેશના વિકાસનો દર કાઢે છે ત્યારે બળાત્કારો, ભ્રષ્ટાચાર, દેહવિક્રય સ્ત્રીઓનું જાતીય શોષણ તથા દીકરીના વેચાણને પણ એમાં સમાવી લેતા લાગે છે તેથી વિકાસનો દર વધુ આવે છે. પરંતુ એ વિકાસ દર નહીં અધ:પતન દર કહેવાય…! રાજીવ ગાંધીએ પણ ‘મેરા ભારત મહાન’નો નારો લગાવ્યો હતો તેમાં એ અધ:પતનના દરને ધ્યાનમાં રાખીને જ દેશને એવું અર્થસૂચક સૂત્ર આપ્યું હશે. આ દેશના લોકોને તહેવારોની શુભેચ્છા પાઠવવી એટલે ફાંસીની કોટડીના બધા કેદીઓને ‘શતમ્ શરદ જીવમ્’ ની શુભેચ્છા આપવા જેવું ગણાય… છતાં આપણે સૌ પરંપરાગત શૈલીથી જીવવા ટેવાયેલા છીએ એથી આજના કાળીચૌદશના શુભ દિને સૌ વાચકોને અમારી દિલી શુભેચ્છા પાઠવીએ છીએ. આવતી કાલે દીવાળી અને પરમ દિવસે નવુ વર્ષ… પણ આજની કાતિલ મોંઘવારી વચ્ચે કેવો આનંદ અને કેવો હર્ષ…? છતાં આપને દીવાળી અને નૂતન વર્ષની શુભકામના પણ એવું માનીને પાઠવી દઈએ છીએ કે કદાચ ક્યારેક એ સાચી પણ પડી જતી હોય છે.  

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

ચૂંટણી એટલે બે પિંઢારા વચ્ચેની સાઠમારી

       પ્રતિ રોજ અખબારના આયનામાં જોવાથી ખબર પડે છે કે આ દેશનો ચહેરો કાળો પડતો જાય છે. રોજ સવારે અખબારો એક નવું કૌભાંડ લઈને ઘરના ઓટલા પર પડે છે. અખબારોના પાનાઓ રાજકારણીઓના દેહ પરથી ઉતરી ગયેલા વસ્ત્રો જેવા લાગે છે. ૧૯૪૭થી દેશના પતનનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ચૂક્યું હતું. હમણાં અખબારમાં વાંચ્યું કે હવે પોસ્ટઓફિસોમાં કઠોળ અને શેમ્પુ બ્લેડ વગેરે મળશે. કોના ભેજામાં આવી વાહિયાત વાત આવી હશે? (ભવિષ્યમાં કદાચ એવું બનશે કે પોસ્ટકાર્ડ, ટિકિટો કે પરબીડિયા જોઈતા હોય તા આપણે કરિયાણાની દુકાને જવું પડશે) એક અંગ્રેજે સાચી આગાહી કરી હતી: ‘આપણે આ દેશને પિંઢારાઓના હાથમાં સોંપી રહ્યાં છીએ. (ચૂંટણી એટલે પિંઢારાઓના બે જૂથો વચ્ચે ખેલાતી સાઠમારી…!) એક ઉંદર માટે બે બિલાડીઓ લડે તે રીતે નેતાઓ ખુરશી માટે લડે છે. પ્રજાની દશા દ્રૌપદી જેવી છે. એને કોઈ ફરક પડતો નથી વસ્ત્રાહરણ દુશાસન દ્વારા થાય કે દુર્યોધન દ્વારા…?’ કાળા વાદળની રૂપેરી કિનાર જેવા મોદીજી આ દેશ માટે એક નવી આશા લઈને આવ્યા છે. એમને સમય આપવો પડશે. (સમય ન આપીને ક્યાં જઈશું? આપણી પાસે બીજું કોણ છે? કદાચ આપણાં ભાગ્યના ગંજીફામાં એક માત્ર અંતિમ પત્તું રહ્યું હતું જે આપણે ઉતરી ચૂક્યા છીએ)

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

દુર્જન ડૉક્ટરોને ધીક્કાર… સજ્જનને આવકાર

      પીઠ પર ગૉળ નીકળે એના કરતાં દીકરો ડફોળ નીકળે એની વેદના વધી જાય છે. સસરાને દમ હોય અને જમાઈ જમ હોય તો આખું કુટુંબ ટેન્શનમાં રહે છે. ટૂથપેસ્ટ મોંઘી થઈ જાય તો માણસ દાંતે મીઠું ઘસીને ચલાવે છે. પણ પેટમાં એપેન્ડીક્સનો દુખાવો નીકળ્યો હોય તો પેટ પર મીઠું ઘસી શકાતું નથી. પેટ્રોલના ભાવ વધે અને પગાર ન વધે ત્યારે મધ્યમ વર્ગની દશા કફોડી થઈ જાય છે. ગરીબોનું જીવન સેલમાં મળેલી સ્લીપર જેવું તકલાદી હોય છે. તેના દેહ કરતાં દિમાગમાં અને મન કરતાં જીવનમાં વધુ પીડા હોય છે. એથી માનવતાના નાતે ડૉક્ટરોએ તેમના સ્થેટેસ્કોપમાં ફક્ત નાડીના ધબકારા જ નહીં હ્રદયના લબકારા અને મનના મુંઝારા પણ સાંભળવા જોઈએ. હા, એ સાચું કે દુનિયાના તમામ ડૉક્ટરો દુર્જનો નથી હોતા, તેમ બધાં સજ્જન પણ હોતા નથી. આપણે દુર્જન ડૉક્ટરોને ભલે ધીક્કારીએ પણ સજ્જન ડૉક્ટરોના સૌજન્યને એકાદ નાનકડી સલામ મારવાનું ન ચૂકીએ…! આફ્ટરઓલ… ડૉક્ટરો દરદીઓના ભગવાન હોય છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

સ્નેહના સ્ટેથેસ્કોપ

         સ્ટેથોસ્કોપ (stethoscope) એ ટેલિફોનના ગોત્રનું એક ઉપયોગી સાધન છે. ડૉક્ટરો તે વડે દરદીના હ્રદયના ધબકારા સાંભળે છે. એકવાર અમારા ડૉક્ટર મિત્રે કહેલું: ‘મેં મારી પત્નીની છાતી પર સ્ટેથેસ્કોપ મૂકી ગમ્મત કરતાં કહેલું: ‘કોઈ પારકી વ્યક્તિનું નામ સંભળાય છે એવું કેમ…?’ પત્ની હાજરજવાબી હતી. તેણે તરત કહેલું: ‘જરા ખાતરી કરી લો ક્યાંક તમારી છાતી પર તો સ્ટેથોસ્કોપ નથી મૂકાઈ ગયું ને…?’ કહેવાય છે કે આપણે કોઈ બીજા તરફ આંગળી ચીંધીને ટીકા કરીએ છીએ ત્યારે બાકીની ત્રણ આંગળીઓ આપણા તરફ વળેલી હોય છે. પત્ની હંમેશાં નિર્દોષ જ હોય એવું નથી પણ પતિઓ ખુદના સ્ખલનોની તુલનામાં તેને તેજાબી સજા કરતા હોય છે. જરા વિચારો, પત્નીની કોઈ ખામીને કારણે તેને બાળક ન થાય એવું નિદાન થાય છે ત્યારે પતિ બીજા લગ્ન કરી શકે છે. પણ જો પતિમાં ખામી હોય તો પત્ની તેને એમ નથી કહી શકતી કે મારે બાળક માટે બીજા લગ્ન કરવા છે. (તેનો પતિ તેને એવી છૂટ આપશે ખરો?) અયોધ્યાના ધોબીએ સીતા ને બદલે રામ પર એવો કોઈ આરોપ લગાવ્યો હોત તો સીતાજીએ રામને સજારૂપે જંગલમાં જવાનો હુકમ કર્યો હોત ખરો? આજે પણ આડા સંબંધોની કાલ્પનિક શંકાથી પ્રેરાયને પતિઓ પત્નીને મોતને ઘાટ ઉતારી દે છે. પણ પતિ બબ્બે રખાતો સાથે ઐયાશી કરતો હોય છતાં સ્ત્રી લાચાર બની રહે છે. મોદી સાહેબને એટલું જ કહેવાનું કે સ્ત્રીસશક્તિકરણથી સ્ત્રીઓની સ્થિતિમાં કેટલો સુધારો થઈ શક્યો છે તે પણ ચેક કરતા રહેજો.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

અને મજનુને ખ્યાલ આવે છે કે લયલા રડી રહી છે

      એક છોકરાએ બચુભાઈને ‘કોડલેસ’ એટલે શું એવો પ્રશ્ન કર્યો. બચુભાઈએ કહ્યુ: ‘તું નાનો છે એથી અત્યારે એ તને નહીં સમજાય… પણ જુવાન થઈને તું કોઈ કૉલેજકન્યાના પ્રેમમાં પડશે ત્યારે એનો અર્થ તને સમજાય જશે. બલકે ત્યારે તું ઈલેકટ્રોનિક્સ ‘કોડલેસ’ કરતાંય વધુ શક્તિશાળી એવા નજરના ‘કોડલેસ’થી માહિતગાર થઈશ.’ બે પ્રેમી પાત્રો બસ, ગાડી કે બજારની ભીડ વચ્ચે દૂર ઊભા હોય છતાં તેમને દૂરી નડતી નથી. તેમની આંખો વડે ‘કોડલેસ’ ફોન જેવી કામગીરી સંપન્ન થાય છે. ‘કોડલેસ’ એટલે વાયર વિનાનો સંદેશા વ્યવહાર…! પ્રેમ મનના છાને ખૂણે જન્મતી અદભૂત અનુભૂતિ છે. કુદરતના અદ્રશ્ય આશીર્વાદને કારણે બન્ને પાત્રો કવરેજ એરિયાની બહાર હોય તો પણ પરસ્પરના ચહેરા વિઝ્યુલાઈઝ કરી શકે છે. સ્નેહના સ્પંદનો વિના વાયરે દિલના એક ટાવરથી બીજા ટાવર સુધી પહોંચી જાય છે. મોબાઈલ માણસને કાનોકાન સંભળાઈ શકે… પણ અંતરના આંગણે ઉદભવેલી ઊર્મિઓના અદ્રશ્ય તરંગો વિના વાયરે એક દિલથી બીજા દિલ સુધી પહોંચી શકે છે. આંસુનું પ્રસારણ ફોન દ્વારા થઈ શકતું નથી. પણ આંસુના મોજા ભાવસ્પંદનોમાં પરિવર્તિત થઈને સામે છેડે પહોંચે છે, એથી મજનુને ખ્યાલ આવી જાય છે કે લયલા રડી રહી છે…! કુદરતે માણસને એ અદ્રશ્ય આશીર્વાદ આપીને કમાલ કરી છે. તાત્પર્ય એટલું જ કે પ્રેમ અને પીડાના પ્રસારણને મોબાઈલની કે ટાવરની જરૂર પડતી નથી.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

દિલોના ડિવોર્સ

        રોજ પ્રભાતે છાપુ દુ:ખદ સમાચાર લઈને આવે છે, કોક પતિ ચાહતો ન હોવાને કારણે પત્નીએ આત્મહત્યા કરી લીધી હોય તો ક્યાંક વળી પત્ની કોઈ પરાયાને ચાહતી હોવાથી પતિએ તેનું ખૂન કર્યું હોય. દોસ્તો, દીર્ઘ દાંપત્યજીવન બાદ પતિપત્ની વચ્ચે થોડું અપાકર્ષણ જન્મે છે. બન્ને પાત્રો સદગુણોથી હર્યાભર્યા હોય તો પણ બે વચ્ચે ‘અતિપરિચયાદ અવજ્ઞા’ જેવી સ્થિતિ ઉદભવે છે. દાંપત્યનો આ અદ્રશ્ય મેનાપોઝ ગણાય જે દેખાતો નથી કેવળ અનુભવાતો હોય છે. બાળકો, સમાજ, કાયદો અને પ્રતિષ્ઠા જેવી બાબતોનો ખ્યાલ કરીને અસંતુષ્ઠ દંપતિઓ કમને સાથે જીવ્યે રાખે છે. પરંતુ તેમના મન ક્યારના અલગ થઈ ગયા હોય છે. દિલ વચ્ચે ડિવોર્સ થઈ જાય પછી સંબંધો પિલાયેલી શેરડીના કૂચા જેવા રસહીન થઈ જાય છે. સેક્સલાઈફ ચ્યુઈંગમ જેવી થઈ જાય છે. કેટલાક દંપતિઓ ઝઘડવાના હોય ત્યારે જ પરસ્પર સાથે બોલે છે. તે પહેલાં દિલમાં મૌનનો કરફ્યુ લદાયેલો રહે છે… તેમના પલંગો વચ્ચે પણ દૂરી થઈ જાય છે. હાથમાં ફેકચર થાય અને હાડકાના બે ટૂકડા થઈ જાય પણ બહારથી ચામડીને કારણે હાથ આખો દેખાય એવી સ્થિતિ ઉદભવે છે. સંસાર જેલની કોટડી જેવો ગણાય. જેલમાં દરેક કેદીના ગુણ અવગુણ અને ગુનાઓ અલગ અલગ હોય પણ સૌ એક છત તળે જાણે જીવનની સજા ભોગવતા આયખુ પૂરું કરતા હોય છે. એવા અદ્રશ્ય દુ:ખોથી ભરેલા સંસારને જીવનની જાત્રા કહેવામાં આવે છે. સુખે દુ:ખે દરેકનો સંઘ કાશીએ પહોંચે છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

હૈ દિયા હી બહોત રોશની કે લિયે…!

        એક હાસ્યકવિએ કહેલું: એસીની ઠંડક મને પ્રિયતમાની માદક નજર જેવી વહાલી લાગે છે પણ એસીનું બિલ મને કર્કશા પત્નીની આંખના અગનતણખા જેવું આકરુ લાગે છે. ઘરમાં એસી હોવું જોઈએ એવો વિચાર મને દર ઉનાળામાં આવે છે. ક્યારેક ગરમી ન સહન થતાં હું એસી. ખરીદવા નીકળી પડું છું પણ પગથિયા ઉતરું તે પહેલાં શ્રીમતીજી સમયસૂચક્તા વાપરીને મારી સામે અમારા એસીવાળા પાડોશીનું લાઈટ બિલ ધરી દે છે. અને હું બૂટ કાઢી સોફા પર બેસી જાઉં છું. શ્રીમતીજી પંખો ચાલુ કરી આપે છે. હું શર્ટના બધાં બટન ખોલી દઉં છું. અને મનોમન ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ના ગીતની પંક્તિ ગણગણું છું: ‘ચાંદ મિલતા નહીં સબકો સંસારમેં…. હૈ દિયા હી બહોત રોશની કે લિયે…!’ દોસ્તો, સ્કૂટર ખરીદવાનું તામારુ સ્વપ્ન સાકાર ન થાય ત્યારે આ ગીત યાદ કરજો… સાયકલના પૈંડા બહુ ભારે નહીં લાગે…!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com