શ્રી બિપીનભાઈ લાપસીવાલાનો ઈન્ટરવ્યૂ– 1

IMG_1039 (2).JPG                                          (શ્રી બિપીનભાઈ લાપસીવાલા)

                              (1)

      બિપીનભાઈ:ચિત્રકાર અનુભૂતિને                 આકાર આપે છે ત્યારે…!’

         મારા વહાલા ઈન્ટરનેટ દોસ્તો…! આજે અમે એક નવો ઈન્ટરવ્યૂ લઈને ઉપસ્થિત થયા છીએ. કહેવાય છે કે, ‘સુથારનું ચિત બાવળીયે હોય છે’ પણ ઈન્ટરનેટ સાથે આત્મિયતા વધ્યા પછી અમને લાગે છે કે સુથાર બાવળથી રાજી રહેતો હોય કે ન હોય પણ અમે બિપીનભાઈને મળીને જરૂર રાજી થયા છીએ. કારણ એ નથી કે અમને એક ઈન્ટરવ્યૂ મળ્યો, ખરું કારણ એ છે કે માનવતાને અમે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ધર્મ ગણીએ છીએ. અને એ ધર્મને જેણે અંગીકાર કર્યો હોય તેને અમારા સ્વજન ગણીએ છીએ. દોસ્તો, સુરતના  બિપીનભાઈ લાપસીવાલા વિષે બહુ વખતથી ઘણી વાતો સાંભળી હતી, પણ એમને નજીકથી જાણ્યા ત્યારે લાગ્યું કે દુનિયામાં સુખનું સામ્રાજ્ય સ્થાપવું હોય તો માત્ર પોતાનો જ નહીં સામી વ્યક્તિના સુખદુ:ખનો પણ વિચાર કરવો જોઈએ. દરેક માણસ જ્યાં ઊભો હોય ત્યાંથી પોતાનાથી બનતા બધા માનવતાના કામો કરી છૂટે તો સુખી થવા માટે વારંવાર મંદિરમાં જઈને ઘંટડી વગાડવાની જરૂર રહેતી નથી. સંસારમાં સુખ માટેના સૈનિકોની એક બટાલિયન તૈયાર થવી જોઈએ. અમને લાગે છે કે સુખી થવા માટે એક માનવતાવાદી માણસની જેટલી જરૂર પડે છે તેટલી ભગવાનની પણ પડતી નથી. ચાલો, મૂળ વાત પર આવીએ.

      દોસ્તો, નવસારીમાં અમે વર્ષોથી સાધારણ કક્ષાના મકાનમાં રહીએ છીએ. પરંતુ આજપર્યંત કદી એવી ઈચ્છા જન્મી નથી કે અમારો એક ભવ્ય બંગલો હોય…! પણ સુરતના એ ઉદ્યોગપતિ શ્રી બિપીનભાઈ લાપસીવાલાના ઘરે એમને મળવાનું બન્યું ત્યારે એમનો ભવ્ય મહેલ જોઈને પહેલી વાર થયું કે ‘કાશ અમારે પણ આવો એક મહેલ હોય…!’ સાયગલ સાહેબનું પેલું ગીત યાદ આવી ગયું: ‘એક બંગલા બને ન્યારા…!’ દરઅસલ અમે શ્રી બિપીનભાઈના ‘ઈન્ટરવ્યૂ’ માટેની એપોઈન્ટમેન્ટ લેવા માટે ગયા હતા. એઓ બીઝી હતા. એથી ઊઠતી વેળા અમે એમને કહ્યું: ‘ઈન્ટરવ્યૂ માટે હું આપ જણાવશો તે તારીખે ફરી આવીશ.’ એમણે કહ્યું:  ‘ના, હુંજ તમારે ત્યાં આવીશ. બહુ વખતથી નવસારી આવવાની ઈચ્છા છે. નવસારીમાં ભણ્યો છું. મિત્રો સાથે ગલીકૂચીઓમાં ઘુમ્યો છું. એ મધુરા સંસ્મરણો ભૂલી શકાતાં નથી. જેમ કૃષ્ણ મથુરામાં જન્મેલા અને ગોકુળમાં મોટા થયેલા એથી મથુરા કરતાંય તેમને ગોકુળ સાથે વધુ માયા હતી. તેમ મને ય સુરત ગમે ખરુ પણ નવસારી પ્રત્યે વધુ લગાવ છે. હું નવસારી આવવાના બહાના શોધતો હોઉં છું…!’

LATE NIRMALABEN BIPINBHAI LAPSIWALA.JPG                  (શ્રી બિપીનભાઈએ દોરેલું તેમના પત્ની સ્વ. નિર્મળાબેનનું ચિત્ર)

          અને એક દિવસ બિપીનભાઈ અમારે ત્યાં આવ્યા. એમને આવકારતા સહજભાવે મુખમાંથી શબ્દો સરી પડ્યા: ‘આ ગરીબ સુદામાની ઝૂપડીમાં આપનું સ્વાગત છે…!’ એમણે જવાબ આપ્યો: ‘અરે યાર તમે મને કૃષ્ણ ગણો છો અને ખુદને સુદામા, કદાચ તે વધારે પડતું છે…! સત્ય એ છે કે કૃષ્ણ મહાન હતા. તેમની પાસે વિદુર, સુદામા અને પાંડવો જેવા સ્વજનો હતા. મારી પાસે કશું નથી. પણ તેનો કોઈ રંજ પણ નથી. હું ખૂબ સુખી છું. કૃષ્ણ પાસે એક જ અર્જુન હતો. મારા આ બબ્બે અર્જુનો મારી જીવનયાત્રાનો રથ હાંકે છે. એમ કહી એમણે સામે બેઠેલાં શ્રી પરિમલ પારેખ અને શ્રી અમ્રત ભટ્ટ તરફ આંગળી ચીંધી કહ્યું: ‘મારી જીવનસાથી નિર્મળા તો સાથ છોડી ગઈ પણ આ મારા બે મિત્રો સુખદુ:ખમાં હંમેશા મારી સાથે રહે છે. એ સિવાય જો તમે સ્વજનની વાત કરતા હો તો જૂઠું નહીં બોલું મારે એક પ્રેમિકા પણ છે…!’ ‘પ્રેમિકા’ શબ્દ સાંભળી અમે જરા ચમક્યા. અમારો ચમકારો એ પામી ગયા અને અમે વધુ આશ્ચર્યમાં ડૂબીએ તે પહેલા હસીને બોલ્યા: ‘ચિત્રો દોરવાની પીછી એ મારી પ્રેમિકા છે. એની સમક્ષ હું મારા દિલની બધી લાગણીઓ વ્યક્ત કરુ છું. પીછી દ્વારા મેં અંતરની અનેક અનુભૂતિઓને ચિત્રોમાં કંડારી છે. હું ચિત્રો દોરુ છું ત્યારે પીછી, રંગો અને કેનવાસની દુનિયામાં પૂરો ડૂબી જાઉં છું. સમયનું ભાન રહેતું નથી. મને તમારા જેવી ઉપમાઓ નથી આવડતી કેમકે હું લેખક નથી પણ ચિત્રકામ કરતીવેળા એવું લાગે છે કે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કરતીવેળા જે તન્મયતા દાખવી હશે તેવી તન્મયતા મને ચિત્ર દોરતીવેળા આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે!’

          શ્રી બિપીનભાઈએ ચિત્રોની વાત કરી અને અમને અમેરિકા સ્થિત એમના નાનાભાઈ ડૉ. અરવિંદભાઈ લાપસીવાલાનું સ્મરણ થયું. તેઓ પણ કમાલના ચિત્રકાર છે. એક વૃક્ષને લાગેલા બે ફળોનો સ્વાદ સરખો હોય છે. તેમ મા સરસ્વતીના આ બન્ને સંતાનોની કલા પ્રતિભા પણ સરખી છે. અને છતાં કોણ જાણે કેમ અમને એક વિચિત્ર પ્રશ્ન થયો: બન્નેમાંથી કોના ચિત્રો વધુ ઉત્તમ ગણાય? અમારા લેપટોપમાં અરવિંદભાઈના પણ અનેક ચિત્રો છે. એ ચિત્રોમાં સંસારના સેંકડો રંગોની અદભૂત અભિવ્યક્તિ થઈ છે. દોસ્તો, દિલીપકુમાર અને અમિતાભ બચ્ચનની ‘શક્તિ’ નામની એક ફિલ્મ આવી હતી. એમાં બન્ને અભિનય દિગ્ગજોએ તેમની કારકિર્દીનો શિરમોર અભિનય કર્યો હતો. કોઈને બીજાથી અડધો માર્ક પણ ઓછો આપી શકાય એમ નહોતું. ચિત્રો જોતી વેળા અમને એ ફિલ્મ યાદ આવી ગઈ.

             અમારા એક મિત્રને અમારે એ ચિત્રો મોકલવાના હતા. મિત્રએ લખ્યું હતું તને જે ખૂબ ગમ્યા હોય તેવા ચિત્રોની ફોટોકોપી મને મોકલજે. અહીં અમારી સ્થિતિ સાડી સ્ટોરમાં બેઠેલી સ્ત્રી જેવી થઈ. એ સ્ત્રી સામે વીશ પચ્ચીસ સાડીઓ ખોલીને પાથરી દેવામાં આવી હોય અને એને મુંઝવણ થતી હોય કે બધી જ સાડીઓ સુંદર છે… કઈ લઉં અને કઈ છોડી દઉં…?? અમારી પણ એવી જ હાલત થઈ. પછી મનમાં એક અજવાળુ થયું. આ બન્ને એક માતાના સંતાનો છે. બન્ને ખૂબ સુંદર ચિત્રો દોરે છે. એમની સરખામણી ના થઈ શકે. દરેકનું મૂલ્ય ચિત્રના વિષય પ્રમાણે નોખું છે. જેમકે બન્નેએ સ્ત્રીના ચિત્રો દોર્યા હોય પણ એક સ્ત્રી મંદિરમાં દેવ સમક્ષ ઊભી હોય, બીજી પોતાના પ્રેમી સમક્ષ બેડરૂમમાં બેઠી હોય… બન્નેના ચહેરાના ભાવો અલગ હોય. મતલબ ચિત્રો બધાં જ સુંદર… પણ સંજોગ પ્રમાણે દરેકનું સ્વરૂપ અને મિજાજ અલગ…!

LATE TARABEN CHIMANLAL LAPSIWALA(BAA).JPG      (શ્રી બિપીનભાઈના હસ્તે દોરાયેલું તેમના  માતુશ્રી સ્વ. તારાબેનનું ચિત્ર)

        દોસ્તો, ચિત્રોની થોડી વધારે વાતો એટલા માટે કરી કે સુંદર ચિત્રો પ્રત્યે અમને નાનપણથી લગાવ રહ્યો છે. અમે ભણતા ત્યારે જે. એન. પાવાગઢી સાહેબ નામના એક ડ્રોઈંગ ટીચર અમને કહેતા: ‘દિનેશ, તારું ડ્રોઈંગ સરસ છે. તું ‘એલિમેન્ટરી’ અને ‘ઈન્ટરમિડિયેટ’ બન્ને પરીક્ષાઓ આપજે…!’ આ વાત સાંભળી બિપીનભાઈએ જરા જુદો અભિપ્રાય આપ્યો: ‘દિનેશભાઈ, પરીક્ષા એટલે એક પ્રકારનો રિયાઝ કહેવાય. હા, કોઈ પણ કળાના વિકાસ માટે રિયાઝ બહુ જરૂરી છે, પણ તમે કોઈ શૈક્ષણિક સર્ટિફીકેટની વાત કરતા હો તો મારા વિચારો જરા અલગ છે. મને લાગે છે કે કોઈ પણ ચિત્રકારની અંદર કુદરતી રીતે જ એવી કલા ઈનબિલ્ટ હોય છે. જ્યાં કુદરત પોતે સર્ટિફિકેટ આપે છે ત્યારે તે દુન્યવી ન્યાયથી  આગળ નીકળી જાય છે. વળી અંદરની સાચી સાત્વિક્તાને સર્ટિફિકેટથી મૂલવી ન શકાય. એકલવ્ય પાસે દ્રોણ ગુરુનું કોઈ સર્ટિફિકેટ નહોતું છતાં તે અર્જુન કરતાં આગળ રહ્યો હતો. અમેરિકાના ઓબામા અને આપણાં મોદીજી બન્ને ધૂરંધર પોલિટીશિયનો છે. પણ બન્ને પાસે પોતાની મૌલિક પ્રતિભા છે. બન્નેની શાસનશૈલી નોખી છે. તેમને સરખાવી જ ના શકાય. સરખાવીએ તો એક તળાવમાં ખીલેલા બે કમળને સરખાવવા જેવી ભૂલ ગણાય. મૂળ વાત એ છે કે દરેક ચિત્રકારો પોતાની અનુભૂતિ પ્રમાણે જુદા જુદા ચિત્રો દોરતા હોય છે. હું મારી કલ્પનાને સાકાર કરવા હાથમાં પીછી લઉં છું ત્યારે સ્વીચ પડે અને લાઈટ ચાલુ થાય તેમ દિલોદિમાગમાં મા સરસ્વતીની પ્રેરણાનો કરંટ ચાલુ થાય છે. પછી ત્યાં કોઈ શૈક્ષણિક સર્ટિફિકેટની જરૂર પડતી નથી.

         બિપીનભાઈએ ચિત્રો દોરતા પૂર્વે ચિત્રકારના દિલોદિમાગનો આંતરિક માહોલ કેવો હોય છે તેનો આબેહૂબ ચિતાર આપતા આગળ કહ્યું: ‘અત્યારે પૂરું  યાદ નથી પણ કદાચ આનંદ બક્ષી સાહેબે કહેલું: ‘ગીતો દીમાગથી લખાતા હોય છે પણ દિલથી ગવાતા હોય છે. ગીતકારે જે દર્દ શબ્દોમાં ઠાલવ્યું હોય તેમાં ગાયકે પોતાના હ્રદયનો ભાવ ઉમેરવો પડે છે. સફેદ કરોટીથી પૂરાયેલા સાંથિયામાં રંગો ન પૂરવામાં આવે ત્યાં સુધી સાથિયો ફીક્કો લાગે છે. કેટલાક ગાયકો ગાવા માટે કેવળ કંઠનો ઉપયોગ કરે છે; દિલના ભાવો તેમાં ઉમેરતા નથી. એવા ગીતો ચાસણી વિનાના મોળા ગુલાબજાંબુ જેવા ફીક્કા લાગે છે. જ્યાં સુધી શબ્દોમાં લાગણીની ચાસણી નહીં ભળે ત્યાં સુધી મધુરતા ઉત્પન્ન થઈ શકતી નથી.’ બિપીનભાઈએ આગળ કહ્યું: ‘આ જ વાત ચિત્રોને પણ લાગુ પડે છે. જે રીતે કવિના દિલમાં સંવેદનાનો વાયરો વહેતો થાય અને દિલમાં કવિતાનો માહોલ તૈયાર થાય છે તેમ ચિત્રકારના દિલમાં  ચિત્રની પૂર્વભૂમિકા તૈયાર થાય છે. સંવેદનાની એ પૂર્વભૂમિકા જેટલી પાવરફૂલ હોય તેટલું પેઈન્ટીંગ સારું બને છે. ગર્ભવતી સ્ત્રીના પેટમાં બાળક ઠીક રીતે પોષાયું નહી હોય તો કસૂવાવડ થઈ જવાનો ભય રહે છે તેમ ચિત્રકારના દિલમાં ચિત્ર દોરવાની પાકી ભૂમિકા બંધાઈ ન હોય તો એ ચિત્ર પણ અધૂરે અવતરેલા બાળક જેવું માંદલુ અવતરે છે!’ દોસ્તો, શ્રી બિપીનભાઈના ચિત્રપ્રેમની વધુ રોચક વાતો કાલે કરીશું. લગભગ પાંચેક એપિસોડના આ ઈન્ટરવ્યૂના અંતે બિપીનભાઈનો ઈમેલ, ફોન વગેરે જણાવીશું. 

                                                                                                             (ક્રમશ:)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s