શ્રી બિપીન લાપસીવાલાનો ઈન્ટરવ્યૂ (ભાગ – 3)

                           શ્રી બિપીનભાઈનો વાર્તા વૈભવ

IMG_1041 (1).JPG                                        (શ્રી બિપીનભાઈ ફંક્શનમાં )

       દોસ્તો, ગઈ કાલે અમે લખ્યું હતું કે આવતી કાલે અમારે પણ શ્રી બિપીનભાઈની જેમ અમારી એક ઉણપ કબુલવી છે. એ સંદર્ભે કહેવાનું એ છે કે  વાર્તા જોડે અમારા સંબંધો વણસ્યાને વીસથી ય વધુ વર્ષો વિતી ગયા છે. ખૂબ લાંબી વાત છે. (આ બ્લોગમાં અમે ‘અમારી સાહિત્યયાત્રાના સહયોગીઓ’ એ શિર્ષકથી અમારી પોતાની વાત પણ ક્યારેક કરવાના છીએ. અત્યારે વાર્તાની વાત નીકળી છે ત્યારે માત્ર એટલું જ કહીએ કે અમે પણ સાહિત્યના શ્રી ગણેશ વાર્તા લેખન દ્વારા જ કર્યા હતા. ‘ચાંદની’, ‘આરામ’, ‘રોહિણી’, ‘સવિતા’ જેવા અમારા જમાનાના ધૂરંધર વાર્તા માસિકોમાં અમારી વાર્તાઓ છપાતી પણ ખરી. બલકે ત્યારે ‘સવિતા’ વાર્તા માસિક દ્વારા યોજાતી વાર્તા હરિફાઈમાં અમને બે વાર ઈનામો પણ પ્રાપ્ત થયા હતા. પણ પછી અમદાવાદના સાહિત્યકાર મિત્ર શ્રી રજનીકુમાર પંડ્યા નવસારીની વિજીયા બેંકમાં ટ્રાંસફર થઈને આવ્યા. એમની જોડે પરિચય થયો, અને દેશી આંબાને હાફૂસ કેરીની કલમ કરવામાં આવે તેવી સુક્ષ્મ ઘટના બની. શ્રી રજનીકુમાર પંડ્યા ત્યારે ‘સંદેશ’માં ‘ઝબકાર’ નામની મજાની કોલમ લખતા. અમને તે જમાનામાં એવી અખબારીય કોલમ વાંચવાની આદત નહોતી. અમે માત્ર ટૂંકી વાર્તાઓ જ લખતા. પણ એમની સાથે મૈત્રિ થતાં અમે એમની કોલમ વાંચવા લાગ્યા. અને પછી કોલમના રવાડે એવા ચઢ્યા કે આજનો દિવસ અને કાલની ઘડી…! તે જમાનાના ધૂરંધર વાર્તાકારોની વાર્તાઓ પણ અમે વાંચતા. મિત્રોમાં ક્યારેક તે અંગે ‘હૉટ ડિસ્કશન’ પણ થતું. પણ તે દિવસો પાછળ રહી ગયા. આજે આટલા વર્ષો પછી અમે ‘શૂન્ય’ પાલનપૂરીના શબ્દોમાં વાર્તા સાહિત્યને (અને શ્રી રજનીકુમાર પંડ્યાને પણ) ફરિયાદ કરી શકીએ: ‘હતો હુંય સૂર્ય કિંતુ તમારો સાથ ન્હોતો… ઘણીવાર ભર બપોરે હું આથમી ગયો છું…!’  આજે આટલા વર્ષો બાદ શ્રી બિપીનભાઈની વાર્તાઓ વાંચવાનું બન્યું ત્યારે એ જૂની વાતો યાદ આવી ગઈ.

        આટલી પ્રાસ્તાવિક્તા બાદ મૂળ એ કહેવાનું કે વાર્તા સાહિત્ય સાથે અમારો કોઈ ઘનિષ્ઠ સંબંધ નહોતો. એની સમીક્ષા કરી શકવાની અમારી પાત્રતા નહોતી. એથી બિપીનભાઈએ વાર્તા વિશે લખવા માટે કહ્યું તે એવું લાગ્યું જાણે ઘુવડને સૂરજના પ્રકાશનું પૃથક્કરણ કરવાની જવાબદારી સોંપવામાં આવી હોય…! છતાં એક સાધારણ કક્ષાના વાચક તરીકે અમારા ગમા અણગમા જણાવી શકાય એમ હતું. એથી અમે એમની બધી વાર્તાઓ વાંચી ગયા. મજા આવી.

IMG_0580.JPG                            (શ્રી બિપીનભાઈના હસ્તે દોરાયેલું પ્રકૃતિનું ચિત્ર)

             અમે ભૂલતા ના હોઈએ તો ‘બાવર્ચી’ નામની એક ફિલ્મ  આવી હતી. એમાં રાજેશ ખન્ના એક ડાયલોગ બોલે છે: ‘હર અચ્છે ખાનેવાલે કો રસોઈયા બનને કી જરૂરત નહીં હૈ…!’ મતલબ ભલે વાર્તા લખતા ન આવડતું હોય પણ જો તે હ્રદયસ્પર્શી હોય તો આપણે હ્રદય ક્યાં નથી ધરાવતા…?? અમારા મિત્ર બચુભાઈએ પણ એ વાર્તાઓ વાંચી. (એક જમાનામાં એ પણ વાર્તાઓ લખતા) એમણે કહ્યું: ‘મજા આવી ગઈ. આને વાર્તા કહેવાય…! સાત જન્મેય હું આવી વાર્તા લખી શકવાનો નથી. પણ વાર્તા સારી હોય તો તે માણી તો જરૂર શકું…!’ એમની વાત સાચી છે. આપણને અભિનય ન આવડતો હોય તો પણ દીલીપકુમારનો અભિનય સુંદર છે એવું આપણે કહી શકીએ છીએ…!’

            વેલ, દોસ્તો, હવે આપણે બિપીનભાઈની વાર્તાઓ વિશે થોડું વિહંગાવલોકન કરી લઈએ. ‘જ્યોતિર્ધર’ નામનું જ્ઞાતિનું મેગેઝીન પ્રગટ થાય છે. તેમાં એમની નીચે પ્રમાણેની વાર્તાઓ પ્રગટ થઈ છે. (૧) ‘કાંદબરી’ (૨) ‘સુચરિતા’ (૩) ‘સત્યકામ’ (૪) ‘કલ્યાણી’ (૫) ‘મંજરી’ (૬) ‘સિધ્ધેશ્વરી’ (૭) ‘વિભાજિતા’ (૮) ‘વૃંદા’ (૯) ‘સંસ્કાર’ (૧૧) ‘શૂન્ય’ અને (૧૨) ‘પુનરાવર્તન’

            ખાસ તો વાર્તાઓના ટાઈટલોએ અમારુ વિશેષ ધ્યાન ખેંચ્યું. બધાં શિર્ષકો  ટૂંકા છે અને બધી જ વાર્તાઓ નારી સંવેદનાઓથી ભરપુર છે. બારમાંથી આઠ શિર્ષક નારીના નામો પર આધારિત છે એ જોઈને દિલમાં ઊગ્યો તેવો જ એક પ્રશ્ન વાક્યમાં વ્યવસ્થિત ગોઠવાયા વિના મુખમાંથી નીકળી પડ્યો: ‘બિપીનભાઈ, તમે ક્યારેક પ્રેમમાં પડ્યા હતા?’ બિપીનભાઈ ક્ષણ માટે અટક્યા. એમના  હોઠો પર ખૂબ ધીમે ધીમે એક સ્મિત ઊપસી આવ્યું. એમણે કહ્યું: ‘થોડાક અંદરના ઈતિહાસને અંદર જ રહેવા દો… કેમકે ‘બાત નીકલેગી તો બહોત દૂર તલક જાયેગી…!’ પછી કદાચ એમના કોઈ ભૂતકાળમાં ખોવાઈ જતા એ ગણગણ્યા: ‘ઉનકો યે શિકાયત હૈ કિ હમ કુછ નહીં કહેતે…! અપની તો યે આદત હૈ કિ હમ કુછ નહીં કહેતે…!’ અમને પણ લાગ્યું કે કોઈના દિલના પ્રાઈવેટ ઈલાકામાં તેમની ઈજાજત વિના પ્રવેશ ના કરવો જોઈએ.

IMG_0511.JPG

                                    (શ્રી બિપીનભાઈ ભાઈ ભાભીઓ સાથે)

         દોસ્તો, એમની બધી જ વાર્તાઓ સુંદર અને તાજગીસભર છે. હા, એટલું કહી શકાય કે બધી વાર્તાઓ જૂની પેઢીના લેખકોની લઢણ પ્રમાણે લખાયેલી ઘટનાપ્રધાન વાર્તાઓ છે. એનું ભાષાકર્મ ધ્યાનાકર્ષક છે. પ્રેઝન્ટેશન અને સંવાદો જકડી રાખે છે. જેમણે એ વાંચવી હોય તેમણે ‘જ્યોતિર્ધર’ના અંકો મેળવવા પડે. થોડું મુશ્કેલ જરૂર છે, પણ અત્રે અમે એ વાર્તાઓને વર્ણનથી સમજાવવાની ભૂલ નથી કરવાના. કેમકે બાસુંદી કેવી બની છે તે જાણવા માટે તે ચાખવી પડ.  તેના સ્વાદનું કોઈ વર્ણન કરે તે સાંભળીને બાસુંદીની મજા માણી શકાતી નથી. છતાં વાર્તાઓના અમને ગમેલા વાક્યો ટૂંકાણમાં અત્રે રજૂ કરીએ છીએ.

       ‘વૃંદા’ : વાર્તામાં રાજેશ બોલે છે: ‘આ જિંદગીમાં તો નજીક નહીં જઈએ. હવે મારા મૃત્યુ બાદ તો મારા અસ્થિફૂલ તે નજર સમક્ષ (અને મારી સ્મૃતિ હ્રદય સમક્ષ) જરૂર રાખશે. મને વિશ્વાસ છે.’ એમણે કહ્યું, ‘દોઢેક વર્ષ પૂર્વે હું નવસારીમાં આવેલો  ત્યારે મને ‘વૃંદા’નું સ્મરણ થયેલુ. કેમકે એ વાર્તામાં મેં નવસારીના ફૂવારા તથા બાગ વગેરેનું વર્ણન કર્યું છે.

       ‘સિદ્ધેશ્વરી’ : વાર્તામાં પ્રારંભમાં કરાયેલું પ્રકૃતિનું વર્ણન અદભૂત છે. વાર્તાનો અંત પણ સુંદર. લેખકની રસાળ શૈલીનું પ્રમાણ આપતું એક વાક્ય આ રહ્યું: વરસતા વરસાદના ઘૂંધળા વાતાવરણમાં સિદ્ધેશ્વરી ધીરે ધીરે અદ્રશ્ય થઈ ગઈ. અને આ વાક્ય પણ જુઓ: ‘હું સિદ્ધેશ્વરી તમારા જીવનમાં મેનકા નહીં બનું એ જ મારા ત્યાગની સિદ્ધિ હશે!’

       ‘સત્યકામ’ : વાર્તા ઘણી લાંબી પણ સુંદર મેસેજવાળી હોવાથી ગમી જાય એવી છે. અંતિમ વાક્ય: ‘અંતે તેની છાયા દૂર દૂર ક્ષિતિજમાં વિલીન થઈ ગઈ.’ વર્ષોપૂર્વે અમે નવસારીના વસંત ટૉકીઝમાં ‘સત્યકામ અને જાબાલ’ નામની એક ફિલ્મ જોઈ હતી. તે ટોકીઝ હવે નથી રહી અને ફિલ્મમાં શું આવતુ હતું તે પણ આટલા વર્ષે ક્યાંથી યાદ હોય? પણ આ ‘સત્યકામ’ સુંદર છે.

       ‘મંજરી’ : દમણના દારૂડિયા માહોલવાળી આ વાર્તા સૌથી હ્રદયસ્પર્શી વાર્તા છે. અમને થયું કે જો અમારી પાસે કરોડ રૂપિયા હોય તો અમે એના પરથી એક ફિલ્મ જરૂર બનાવીએ. અંતનું એક વાક્ય: ‘હું આ એકરારનામુ કાગળ પર અંકિત કરી માનસિક શાંતિ અનુભવું છું.’ પ્રાણવાન વાર્તા.

       ‘કાદંબરી’ : દોસ્તો, આ વાર્તા કોઈ સામાજિક ફિલ્મ જેટલી જ રસપ્રદ છે. અંતમાં દામીની દ્વારા બોલાતું વાક્ય: ‘પરિતોષ હું જ એ કાદંબરી છું…!’ ચમત્કૃતિપૂર્ણ રહ્યું. અમે વાર્તા બે વાર વાંચી.

        ‘સુચરિતા’ : નવા જ અંતવાળી આ વાર્તામાં વાચક સંડોવાયા વિના રહેતો નથી. લેખક અંતે પૂછે પણ છે: ‘વાચક તમને શું લાગે છે?’ ખૂબ રસાળ શૈલી એ આ વાર્તાનું જમા પાસુ છે.

       ‘કલ્યાણી’ : સરળ અને સહજ એવી આ વર્ણનાત્મક વાર્તા હ્રદયસ્પર્શી છે. કશ્યપ કલ્યાણીના દુ:ખદ અંત વાળી પ્રસ્તુત વાર્તામાં રાત્રિના અંધકારમાં શેરીના કૂતરાનો રડવાનો અવાજ સંભળાતો હતો. ખૂબ અર્થસૂચક વાક્ય છે.

       ‘વિભાજિતા’ અન્ય વાર્તાની જેમ આ પણ કરુણાંત વાળી વાર્તા છે. વિભાજિતા શબ્દ અર્થસૂચક હોવાથી વાર્તાને તે એક નોખી ખૂબસૂરતી બક્ષે છે.

       ‘સંસ્કાર’ કદાચ બીજી વાર્તાઓ કરતાં આ સૌથી ટૂંકી વાર્તા છે. ‘સંસ્કાર’માં પરિમલ અને બિન્દુના મનોસંઘર્ષનું સુંદર વિશ્લેષણ છે. એને કારણે વાર્તા વધુ અપિલીંગ બની છે.

           ‘જન્મકુંડળી’ : જન્માક્ષરોની પોકળતા પર વેધક વ્યંગ કરતી પ્રેરણાદાયક કથા. 

       ‘શૂન્ય’ શૂન્યની સાચી કિંમત કલાત્મક રીતે સમજાવતી ચિંતનાત્મક વાર્તા: ‘શૂન્યની કિંમત શૂન્ય જ રહેશે, નાનુ ચીતરીએ કે મોટું…?’ અદભૂત ફિલોસોફી. મોટાભાગની વાર્તાઓમાં દુ:ખદ કરૂણાભર્યો અંત છે. વાચકોને તે ગમે છે.

           અમારી દ્રષ્ટિએ એકાદ વાર્તા સિવાય બધી વાર્તાઓ થોડી વધુ લાંબી છે. તેને થોડી ટૂંકી કરી શકાઈ હોત. સુંદર શૈલીને કારણે વર્ણનો ગમે પણ લંબાણને કારણે ક્યાંક તે થીંગડા જેવા લાગવા સંભવ છે. આકાશમાં પતંગને બેલેન્સ રાખવા માટે તેને કાગળની પૂંછડી ચીપકાવવામાં આવે છે. પણ જો પતંગ કરતાં પૂંછડીની લંબાઈ વધી જાય તો  એ પૂછડી જ પતંગના પતનનું કારણ બની જાય છે. વાર્તાઓ પણ જો વધુ લાંબી હોય તો શક્ય છે તેનું લંબાણ વાર્તાને  જોખમમાં મુકી શકે. જોકે સામા છેડાનું સત્ય એ છે કે વાર્તા રસિયાઓને લાંબી વાર્તાઓ જરૂર ગમશે. કૂલ્ફીની લંબાઈ થોડી વધુ હોય તો કયા બાળકને તે ન ગમે…? છતાં આજના સમયના અભાવવાળા માહોલમાં લોકોને લાંબું વાંચવું ગમતુ નથી. લાઘવતા એ આજના વાર્તા સાહિત્યની પ્રથમ શરત છે. બિપીનભાઈએ તેમની વાર્તાઓ વિષે કહ્યું હતું કે, ‘તમે  પ્લીઝ… ‘મૈત્રિ વિવેચન’ કરવાને બદલે દિલનો સાચો પ્રતિભાવ આપજો. મને તે વધુ ગમશે!’ એથી પ્રેરાઈને અમે આટલી નિખાલસતા દાખવી શક્યા છીએ. પણ સત્ય એ છે કે અમે વાર્તા કલાના કસબી નથી. એથી એક સાધારણ કક્ષાના વાચકની મર્યાદાઓમાં રહીને આ તારણો કાઢ્યા છે. શક્ય છે તે ખોટા પણ હોય. કોઈ તજજ્ઞનો અભિપ્રાય જ વધુ આધારભૂત ગણાય. એથી અમે ખોટા પડીએ તો સૌથી વધુ આનંદ અમને થશે. બાકી બધી જ વાર્તાઓ ગમી એટલું તો નક્કી…! ભાષાકર્મમાં ક્યાંય શૈલીનો આડંબર નથી. ઘડાયેલા લેખક જેવી ખૂબ પરિપક્વ શૈલીને કારણે આ બધી વાર્તાઓ તેમને એક ખૂબ સારા વાર્તાકાર તરીકે સમાજ સમક્ષ મૂકે છે.

         અંતે અમે એક પ્રશ્ન પૂછ્યો: ‘તમે પુસ્તકો કેમ છપાવતા નથી?’ અને  જવાબમાં એમણે થોડી રોકડી વાત કરી. એમના તે અત્યંત રસપ્રદ જવાબ સાથે કાલે સવારે જરૂર મળીએ છીએ.  (ક્રમશ:)

-Dinesh Panchal    dineshpanchal.249@gmail.com                            Mo: 94281 60508  dineshpanchalblog.wordpress.com

Bipin Lapsiwala       vesupatel@yahoo.com

Mo: 93767 o1199   (આપના કોઈ પણ સૂચનો કે પ્રતિભાવો મોકલી શકો છો)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s