શ્રી બિપીન લાપસીવાલાનો ઈન્ટરવ્યૂ (ભાગ–5) (અંતિમ)

IMG_1039 (2).JPG          શ્રી બિપીનભાઈ લાપસીવાલા એવા વિરલા કોક…!

        દોસ્તો, સુરતના કર્મઠ શ્રી બિપીનભાઈ લાપસીવાલાની અનેકવિધ પ્રવૃતિઓનું વિહંગાવલોકન કરતી આ લેખમાળા આજે અંતિમ તબક્કામાં પ્રવેશી છે ત્યારે જણાવતા આનંદ થાય છે કે અમને શ્રી બિપીનભાઈ માટેના અનેક પ્રશસ્તિપત્રો,  એસ.એમ.એસ, ઈમેલ, વૉટસેપ, મેસેજ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ક્ષણે અમને સુરતના કવિશ્રી રતિલાલ–‘અનિલ’ની એક પંક્તિનું સ્મરણ થઈ રહ્યું છે: ‘તાજનું શિલ્પકાવ્ય નીરખી હર્ષના અશ્રુ હર કોઈ લૂછે છે…! દાદ આપે છે સૌ શાહજહાંને…એના શિલ્પીને કોણ પૂછે છે…?’

           શ્રી ‘અનિલ’ની વાત ઉદાહરણ દ્વારા સમજાવવી હોય તો કહી શકાય કે ફરસાણની દુકાનના માલિકને સૌ હરખભેર કહે છે: ‘ભાઈ, આખા પંથકમાં તમારું ફરસાણ વખણાય છે. અને પેટીશ તો તમારી એટલી સ્વાદીષ્ટ હોય છે કે આખા ઈન્ડિયાના ફરસાણવાળા ‘મામાની પેટીશ’ આગળ પાણી ભરે…!’ તાત્પર્ય  એટલું જ કે  ખરી કમાલ દુકાનમાં ફરસાણ બનાવતા કારીગરની હોય છે… પણ તેની પીઠ કોઈ થાબડતું નથી. અનિલે એ જ પ્રકારના ઉદાહરણ  દ્વારા કહ્યું છે કે તાજમહાલની અદભૂત કલાકારીગરી માટે યશનો ખરો અધિકારી તો પેલો શિલ્પી છે. શાહજહાંની ભૂમિકા તો પેટીશની દુકાનના માલિક જેવી હોય છે. ટૂંકમાં અત્રે અમારે સ્વીકારવું છે કે જેમ મહાદેવ ભેગો પોઠિયો પૂજાતો હોય છે તેમ બિપીનભાઈ ભેગો આ પોઠિયો (દિનેશ પાંચાલ) પણ પૂજાયો. મતલબ આ ઈન્ટરવ્યૂ માટે શાહજહાં ભેગા આ શિલ્પીની પણ એટલીજ પીઠ થાબડવામાં આવી છે. અમારા મહોલ્લાના માર્કટ્વેન ગણાતા બચુભાઈએ અમારું હસતુ મોઢુ જોઈને એક વ્યંગબાણ છોડ્યું: ‘મારે મોગલ અને ફૂલાય પિંઢારા!’ મતલબ રામ ભેગો રાવણ પણ પૂજાઈ રહ્યો છે!’ (બચુભાઈ જોડે આજકાલ અમારે જરા બગડ્યું છે. અમને એની ચિંતા નથી. એમણે જે માનવું હોય તે માને) પણ એટલું તો સમજાયું કે શ્રી બિપીનભાઈના ઈન્ટરવ્યૂથી અમારી કલમની ય થોડી પ્રશંસા અવશ્ય થઈ. (અમે તે સૌ મિત્રોના પ્રતિભાવોના એક અલગ એપિસોડ  ગુરુવાર તા. 2o-10-16 ના દિને આ સ્થળેથી રજૂ થશે) અમારા તમામ ઈન્ટરનેટ મિત્રોને જણાવીએ કે આપનો પ્રતિભાવ ફોન, એસ.એમ.એસ કે ઈમેલ દ્વારા મોકલી આપવા  વિનંતી.

          શ્રી બિપિનભાઈની કર્મયાત્રાનું વિહંગાવલોકન આગળ વધારીએ. અત્રે રજૂ થયેલા ચિત્રો જોઈને આપને એ વાતનો ખ્યાલ આવશે કે એમની ચિત્રકળા કાબિલે તારીફ છે. આજે પણ એઓ નિયમિત ચિત્રો દોરે છે. પેઈન્ટિંગ એ એમની નિજાનંદની પ્રવૃત્તિ છે. દોસ્તો, રંગ અને પીછી વડે એમના જીવનનો ખાલીપો પૂરાય છે. એમણે એ પણ જણાવ્યું કે, ‘મારા બધા ભાઈઓ તથા મારા દીકરા– દીકરી વેલસેટ છે. મારે હવે નિજાનંદ માટે જીવવાનું છે અને તે પ્રમાણે હું લાઈફનું પ્લાનીંગ કરું છું. એમની જોડે થયેલી ચર્ચા પરથી લાગ્યું કે ચિત્રકલા માટે એમની પાસે આગવી દષ્ટિ અને મૌલિક વિચારો છે. એઓ કહે છે: ‘પેઈન્ટીંગ્સમાં માત્ર આર્ટિસ્ટની કલા નથી વપરાતી; હ્રદયની ઋજુતા પણ ભળે છે. ફક્ત   પીછી નથી વપરાતી, દિલ અને દષ્ટિ બન્ને ભળે છે. કેનવાસ પર ઉતરતા પૂર્વે ચિત્રની આઉટલાઈન ચિત્રકારના દિલમાં તૈયાર થાય છે.  એથી કહી શકાય કે કલામાં માત્ર હાથ નથી વપરાતા; હૈયુ પણ વપરાય છે. કેવળ રંગો નથી વપરાતા;  અંતરનો ઉમંગ પણ ઉમેરાય છે. પીછી હાથમાં પકડાય છે પણ તેનું સ્ટિયરીંગ દિલ પાસે હોય છે. કઈ દિશામાં કેટલી ઘુમાવવી..?. ક્યાં કેટલો શૅડ આપવો…? કઈ કલ્પનાને મૂર્ત કરવી…? ચહેરા પર કેવા ભાવ લાવવા…? એ બધા માટે  હાથ અને હૈયા ભેગી કલાકારની આંતરિક પ્રકૃતિ પણ મહત્વનો ભાગ ભજવે છે.  એ કારણે કહેવાય છે કે કોઈ ખૂની ચિત્રકાર ન હોઈ શકે. આતંકવાદીઓ આક્રંદ આપી શકે પણ તેઓ  કલાકાર ન બની શકે. ચિત્રકાર પર સંજોગના ગમે તેવા સિતમો ગૂજરે તોય તે કદી આતંકવાદી ન બની જાય. મા સરસ્વતીની કૃપા કદી કોઈ બહારવટિયા, ખૂની કે હિંસક આદમી પર ઉતરી શકતી નથી. કોઈ ‘પીકપૉકેટિયર’  પિકાસો બની શકે ખરો..? કલાની પહેલી શરત એ હોય છે કે કલાકાર દિલનો દિલદાર હોવો જોઈએ. હ્રદિયાથી ઋજુ હોવો જોઈએ. તેના દિલમાં ચિતા નહીં જ્યોત જલતી હોવી જોઈએ. જે  લાગણીઓનો લખપતિ હોય… સૌજન્ય અને સૌહાર્દથી ભરપુર હોય તે જ ચિત્રકાર બની શકે. આપને થશે તો વાલિયો લૂટારો વાલ્મિકી શી રીતે બની શક્યો?  અહીં એ સ્પષ્ટતા કરીએ કે તે ઓરિજનલી લૂટારો હતો જ નહીં; એક પ્રેમાળ ઈન્સાન હતો. સંજોગોવસાત તે વાલિયો બન્યો હતો. અટલ વિહારી બાજપેયીજી કે મોદીજી કવિતા લખી શકે પણ વિરપ્પન, હાફિઝ સઈદ, ઔવેસી કે નવાઝ શરીફની એવી ઓકાત નથી. કેમકે તેમને કુદરત તરફથી  એવી મૃદુ પ્રકૃતિ પ્રાપ્ત થઈ નથી. સાપની ફેણમાંથી અમૃતની આશા ન રાખી શકાય.

IMG_0585.JPG                          (શ્રી બિપીનભાઈની, રાધા કૃષ્ણ અંગેની રંગીન કલ્પના)

          શ્રી બિપીનભાઈની શ્રી બિપીનભાઈની ગીન કલ્પનારાધા કૃષ્ણની રંગીન કલ્પના દોસ્તો, કહેવાય છે કે દુનિયા દુર્જનો વડે જેટલા દુ:ખો નથી પામતી તેનાથી અધિક સુખો સજ્જનોની સહ્રદયતાથી પામે છે. હજી ય જ્યાં સુધી ધરતી પર કલાકારો, ચિત્રકારો, સંગીતકારો જેવા સૌજન્યશીલ માણસોની વસ્તી જળવાઈ રહેશે ત્યાં સુધી દુનિયા જીવવા જેવી બની રહેશે. બિપીનભાઈને તેમની તમામ સમાજસેવા તથા જ્ઞાતિસેવા માટે અભિનંદન આપીએ. તેઓ ખૂબ સારા વાર્તાકાર અને  ચિત્રકાર હોવા ઉપરાંત ખૂબ સારા હ્યુયુમનબીઈંગ  છે. અમેરિકામાં રહેતા ડૉ. અરવિંદ લાપસીવાલા પણ એવી જ  બહુમુખી  પ્રતિભા  ધરાવે છે. સાંભળ્યું છે કે એમના બીજા ભાઈ અશોકભાઈ લાપસીવાલા  ખૂબ સારુ ગાઈ શકે છે. એમનો પણ ઈન્ટરવ્યૂ રજૂ કરવાની તક મળશે તો આનંદ થશે. એક જ પરિવારમાં મા સરસ્વતીની ખાસ્સી કૃપા થઈ છે. 

       લાપસીવાલા પરિવારના એ કલાપ્રેમી પરિવારને વિનંતી કરીએ કે આજે પણ સમાજમાં ચિત્રકારોની ખાસ કદર થતી નથી. ચિત્રકારોનું ભાવિ ધૂંધળુ છે. કોઈ દીકરો ખૂબ સુંદર ચિત્રો દોરતો હોય તો તેના માબાપને ખાસ ખુશી થતી નથી. નોકરીના બજારમાં પણ તેનું કોઈ માર્કેટ ન હોવાથી સમાજમાં ચિત્રકલાનું કોઈ ઉજળુ ભવિષ્ય નથી. જૂના જમાનાના રેશનાલિસ્ટ એવા નર્મદે કલમને ખોળે માથુ મૂક્યું હતું. પણ કલમની કમાણીથી એક ટંકના ભોજનનો પ્રબંધ પણ થઈ શકયો ન હતો. અંતે હારી થાકીને એમણે નોકરી શોધવી પડી હતી.

            દોસ્તો, કવિઓને મળતા સાવ ઓછા પુરસ્કાર અંગે એકવાર હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટે સરસ વ્યંગ કર્યો હતો. એમણે વિદ્યાર્થીને પરીક્ષામાં પૂછાતા પ્રશ્નના સ્વરૂપમાં કહ્યું હતું: ‘મને એક કવિતાનો પાંચ રૂપિયા પુરસ્કાર મળતો હોય તો મારો ઘરસંસાર ચલાવવા માટે મારે રોજની કેટલી કવિતાઓ લખવી પડે?’ તાત્પર્ય એટલું જ કે કલાને સમાજમાં ઈજ્જતભર્યું સ્થાન મળે તથા ભાવિ ચિત્રકારોનો વિકાસ થઈ શકે તે માટે પ્રતિ વર્ષ ઉગતા ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન યોજવું જોઈએ. તેમને પ્રોત્સાહન મળે તે માટે તેમને પ્રતિ વર્ષ એવોર્ડ વગેરેની પણ જાહેરાત કરવી જોઈએ. વાત એવોર્ડની નીકળી છે ત્યારે સમગ્ર લાપસીવાલા પરિવાર પર મા સરસ્વતી ભેગી લક્ષ્મીદેવીની પણ અઢળક કૃપા થઈ છે ત્યારે એમની પાસે એવી અપેક્ષા રાખવાનું અનુચિત ન લેખાશે  કે એઓ સાહિત્ય અંગેના પણ એવોર્ડ આપવાની જાહેરાત કરે. મતલબ પ્રતિ વર્ષ ગુજરાતના પ્રથમ હરોળના અખબારોમાં પ્રગટતી શ્રેષ્ઠ કોલમોને તેઓ તેમના પરિવારના નામે એવોર્ડ આપી શકે. શ્રી રમણ પાઠકના નામથી દર વર્ષે ‘રમણભ્રમણ’ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે તેમ શ્રી બિપીનભાઈ લાપસીવાલાના સ્વર્ગસ્થ પત્ની નિર્મળાબેનના નામે જરૂર એવું પારિતોષિક આપી શકાય.  

IMG_0590.JPG                                        (કોમળ કામીનીના હાથમાં કમળ)

            ડૉ. અરવિંદભાઈ તથા શ્રી બિપીનભાઈ સહિત સમગ્ર લાપસીવાલા પરિવારને તેમની અનેકવિધ સુંદર પ્રવૃત્તિઓ માટે હાર્દિક અભિનંદન આપીએ તથા તેમને જીવનની તમામ સુખશાંતિ પ્રાપ્ત થાય એવી હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. સમાજમાં સજ્જનતાનું સરક્યુલેશન ચાલુ રહે તે માટે આવા સાયલન્ટ વર્કર્સ હોવા બહુ જરૂરી છે. (બિપીનભાઈને 93767 01199 અભિનંદન આપી શકાય)

       ત્યારબાદ એમણે પોતાની અન્ય સાહિત્યિક ગતિવિધી જણાવતા કહ્યું કે સુરતના સાહિત્યકારો સાથે ખૂબ સારા સંબંધો રહ્યા છે. તેઓ સાહિત્યનો કોઈ પ્રોગ્રામ રાખવા માગતા હોય તો એમને મદદ કરવાનું મને ગમે છે. કદાચ એમાં સુક્ષ્મ રીતે એવું બને છે કે મારા દિલનો કોઈ ખૂણો એ રીતે તૃપ્ત થાય છે.’

         એમણે ભૂતકાળની થોડી વધુ વાતો કરતા જણાવ્યું કે અમારા સમયમાં નવસારીથી સુરતનું ભાડુ ૫૦ પૈસા હતું. હું તે જમાનામાં ૨૫ રૂપિયા લઈને સુરત આવ્યો હતો. અમે સુરત ૧૯૪૨ની સાલમાં બિઝનેસ માટે આવેલા. નવસારીમાં રેડીમેઈડનો બિઝનેસ ચાલુ કર્યો હતો. ભાષણ કરવાનો તો દૂર દૂર સુધી કોઈ શોખ કે હરખ હતો નહીં પણ કહેવાય છે ને કે ‘બાવા બન્યા હે તો હિન્દી બોલ્યા વિના છૂટકા હૈ…?’ મારે જ્ઞાતિના પ્રમુખ તરીકે બોલવું જ પડે છે એથી ભાષણ કરતાં આવડી ગયેલું. પ્રમુખ પાસેથી અમુક અપેક્ષાઓ તો ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ હોય છે. એમણે ભૂતકાળ વાગોળતા એક બીજી વાત કહી: ‘૧૯૬૨માં હું બી.કોમ. થયેલો. ૧૯૬૪માં એમ.એ. કરેલું. પછી બોમ્બે ચાર્ટડ એકાઉન્ટનું કરવા ગયેલો. ત્યાં તે જમાનામાં સવાસો રૂપિયામાં રહેવા સાથે જમવાનું પણ મળતું. સોંઘવારીનો તે સુવર્ણ યુગ હતો. મુંબઈના વેપારીઓ ઉદ્યોગમાં પુષ્કળ કમાતા હતા. તેમને જોઈને એ ઉદ્યોગમાં પડવાની પ્રેરણા મળેલી.

             આજે મારી પાસે કોઈ પણ જવાબદારી નથી. મારી નવરાશને મેં સમાજસેવા જેવા મનગમતા કામોમાં ઈન્વેસ્ટ કરી છે. અમારી જ્ઞાતિના કામો કરવાનો ખાસ આનંદ રહે છે. અમારું ‘જ્યોતિર્ધર’ વિદેશોમાં પણ જાય છે. સુરતના પ્રખ્યાત ડૉ. બિપીન દેસાઈની હૉસ્પિટલને અમે ટેઈક ઓવર કરી છે. તે હવે અમે ચલાવીએ છીએ. એમાં અમે ખાસ તો કૉલેજમાં ભણતા જરૂરતમંદ વિદ્યાર્થીઓને ભણવા માટે ફ્રી ઈન્ટરેસ્ટ લોન આપીએ છીએ.’

           બિપીનભાઈના લગ્ન ૧૯૬૬માં થયેલા એમણે કહ્યું: ‘અમારી જ્ઞાતિમાં ત્યારે લગ્નપૂર્વે છોકરા છોકરીને હળવા મળવાની છૂટ આપવામાં આવતી. નિર્મળાના ફાધરે અમને નિખાલસભાવે કહેલું કે, ‘અમારે દીકરીને ખૂબ ભણાવવી છે પણ સારુ ઘર મળી રહ્યું છે એથી વિચારીએ છીએ કે એણે ભણવુ હશે તો મૅરેજ પછી પણ ભણી શકશે!’ નિર્મળાને મારી જેમ ચિત્રકળામાં ખાસ રસ નહોતો, પણ ચિત્રકામ મારો શોખ હોવાથી તે ખૂબ રસ દાખવતી. તા. 7-09-2012 ના રોજ તેણે મારો સાથ છોડી દીધો હતો. તેના જવાથી જીવનમાં શૂનકાર વ્યાપી ગયો હતો. એ આઘાત જીરવી જવાનું કઠિન તો હતું જ, પણ હું જીવનની ફિલોસોફી જાણું છું. એથી મેં મારી જાતને સમજાવીને તૈયાર કરી કે મારે હવે એકલાએ જ બાકીની સફર તય કરવાની છે. તકદીર જોડે તકરાર થઈ શકતી નથી. રામ અને કૃષ્ણએ પણ નસીબનો ન્યાય સ્વીકારવો પડ્યો હતો. આજે મને સમજાય છે કે હું તેના વિરહમાં મુડદા જેવું જીવ્યો હોત તો તેને પણ તે ના ગમ્યું હોત. એથી મેં સમાજસેવાના અનેક કામોમાં મારી જાતને સમર્પિત કરી. બાકીના સમયમાં કલાને મેં મારી જીવનસંગીની બનાવી લીધી, તેથી નિર્મળાની જૂદાઈ જીરવી શકાઈ છે!’

IMG_0591.JPG                                            (વાલમની વાટ જોતી વિરહણી)

             ‘મારી સંવેદનાઓને હું મારી જાત પર હાવી થવા દેતો નથી. છતાં ક્દી દુ:ખી થતો નથી એમ ન કહી શકાય. પણ જીવનમાં લાગણીપ્રધાન બની રહેવાને બદલે કર્મપ્રધાન બનવાનું મને વધારે ગમ્યું છે. અનુભવે મને સમજાયું છે કે  વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા દુ:ખ અને આપણી વચ્ચે એક વિધાયક અંત્રાય ઊભો કરી શકાય છે. બાકી દુ:ખો તો દરેકના જીવનમાં આવે છે. રામ અને સીતાને પણ દુ:ખ પડ્યા હતા. માણસ દુ:ખો સાથેનું પોતાનું માનસિક કનેક્શન કાપવાની કોશિષ જ ના કરે તો દુ:ખનો વિજય થાય છે અને જીવન બરબાદ થઈ જાય છે.

          દિપીકા અને હસમુખ વાંકાવાળા એ અમને બહુ મોટું (આઠ કરોડનું) ડોનેશન આપેલું. તેમની સ્મૃતિરૂપે અમે તેમનું નામ રાખ્યું છે. આમ તો તેઓ સગા પણ થાય. પરંતુ સાચું સગપણ માનવતાનું હતું. તેઓ પણ પુરા માનવતાવાદી હતા. બર્માંમાં તેઓ રહેતા હોવાથી ત્યાંના ગરીબો માટે તેઓ કંઈક કરવા વિચારી રહ્યા હતા. અમે તેમને સમજાવ્યા કે આ દેશના ગરીબોને સહાયની વધુ જરૂર છે. અને તેમણે અમને આઠ કરોડનો ચૅક મોકલી આપ્યો, તેમાંથી આ બધું થયું.

           અત્યારે અમે સૌ જ્ઞાતિજનો ભેગા મળી એક નવું સાહસ કરી રહ્યા છીએ. ૧૯૮૭માં અમે એક કોમ્યુનિટી હૉલ તૈયાર કર્યો હતો. એને અમે ખૂબ ડેવલપ કરીને એરકન્ડિશન્ડ વગેરેથી સુસજ્જ કર્યો છે. હવે તેનું લગભગ ત્રીશ હજાર જેટલું ભાડુ મળે છે. એને કારણે આવક વધી છે. તે પૈસા અમને વિકાસના બીજા કામોમાં  કામ આવે છે. અમે એક બીજી પણ વાડી તૈયાર કરવા જઈ રહ્યા છીએ. તે ખૂબ જ ભવ્ય હશે. તેમાં ગાડી પાર્કિંગ વગેરે પણ થશે. એ બનાવવા માટેનો લગભગ ૪૦ કરોડ જેટલો જાયજેન્ટિક ખર્ચ છે. અને ડોનેશન દ્વારા એ કામ કરવાનું છે. પ્રોજેક્ટ અઘરો અને ખૂબ મોટો છે. પણ અમારી જ્ઞાતિ માટે મને ગૌરવ અને ગર્વ બન્ને છે. અમારી જ્ઞાતિમાં એટલા સારા અને કો–ઓપરેટિવ જ્ઞાતિબંધુઓ છે કે પૈસાને વાંકે અમારા કોઈ કામ અટક્યા નથી. મેં હમણા કહ્યું તેમ અમારા જ્ઞાતિબંધુઓ એટલા પ્રોગ્રેસિવ માઈન્ડના છે કે તે સૌના સહકારથી ગમે તેવા કઠિન પ્રોજેક્ટો પણ પાર પડે છે. સૌ ઉદાર હાથે જ્ઞાતિ માટે ડોનેશન આપે છે. તેમણે મારા પર વિશ્વાસ મૂક્યો છે એથી મારી જવાબદારી થોડી વધી ગઈ છે. હું તેમના વિશ્વાસને લાયક બની રહેવા મથુ છું. અમે મંદિર વગેરે બનાવતા નથી, પણ કર્મચારીઓમાં  અંદરોઅંદર યુનિટી રહે તે માટે એક મંદિર બનાવ્યું હતું. માણસો નવરા પડે તો આ ધાર્મિક સ્થળે બધાં ભેગા મળી શકે અને એમની એકતા વધે તથા તેઓ વિચારોનું આદાનપ્રદાન પણ કરી શકે. કોઈ પણ જ્ઞાતિના વિકાસ માટે વિચારવિનિમય અને આપસનો સંપ બહુ જરુરી હોય છે.

          અમારી હૉસ્પિટલમાં અમે કૃષ્ણની મૂર્તિ મૂકી છે. દવા કરતા ક્યારેક દુઆ વધુ સારુ કામ આપી જાય છે. હવે તો મેડિકલ સાયન્સ પણ એ વાતનો સ્વીકાર કરે છે કે શ્રદ્ધાની સાયકોલોજીથી રોગ ઝડપથી સાજા થાય છે. એ સિવાય અમે ‘એડમિશન વિધાઉટ ડોનેશન’ નામની એક સ્કીમ રાખી છે. જેઓ સહાયને પાત્ર છે એવા ગરીબ વિદ્યાર્થીઓને ફીથી માંડીને બધું જ માફ કરી દઈએ છે. વર્ષે લગભગ પચ્ચીશ ત્રીસ હજાર થાય તેને બદલે તેમણે માત્ર ત્રણ હજાર જેવી મામુલી રકમ ભરવાની રહે છે. બદલામાં તેનો આખા વર્ષનો બધોજ ખર્ચ અમે  ઉઠાવીએ છીએ. છોકરાઓ માટે અમે ૫૦ હજારનો મૅડિકલ ઈન્સ્યુરન્સ લઈએ છીએ. તેનું પ્રિમીયમ અમે ભરીએ છીએ. છોકરાઓને સ્કૂલની બધી જ ફી માફ કરીએ છીએ. બસ ફી, ટયૂશન ફી અને કોમ્પ્યુટર ફી જેવી સ્કૂલની તમામ ફી માફ કરી દઈએ છીએ. એ સિવાય દરેક ટીચરને મૅડિકલ ઈન્સ્યુરન્સ અને આવવા જવાની સગવડ ફ્રીમાં આપીએ છીએ. શિક્ષકને ૫૦ હજાર અને પ્રિન્સીપાલને એક લાખનો વિમો ફ્રીમાં ઉતરાવી આપીએ છીએ.

         અમારી હૉસ્પિટલમાં અમે ભગવાનની મૂર્તિ રાખી છે. તમે આને એન્ટીરેશનલ એક્ટીવિટી કહી શકો. પણ જેની કોઈ નક્કર ફલશ્રુતિ નથી એવી નાસ્તિક્તા કરતા મને માનવતાભરી આસ્તિક્તા વધુ વ્યવહારુ જણાય છે. જેમકે કોઈ દવા આપણને ન લાગતી હોય પણ ઘરમાં બીજા માટે તે ઉપયોગી હોય તો આપણે તે ઘરમાં રાખીએ છીએ, તે રીતે જીવનમાં થોડી ધાર્મિક્તા હોય તો તેનો સામૂહિક સદુપયોગ કરી શકાય છે. જોકે અંધશ્રદ્ધામાં તો અમે ય માનતા નથી પણ શ્રદ્ધાના સાયકોલોજિકલ ફાયદાઓ થાય છે તેને હવે અમેરિકાના સાયન્ટીસ્ટો પણ સ્વીકારે છે.

       બિપીનભાઈએ ખાસ તો પરીક્ષા અંગેની એમની માન્યતા જણાવતા સુંદર મનોવેજ્ઞાનિક સત્ય રજૂ કર્યું: ‘આજે સ્કૂલોમાં જે પરીક્ષાઓ લેવાય છે તે વિદ્યાર્થીની ઈન્ટેલિજન્સીની પરીક્ષા નથી હોતી. તે તેમની મેમરી માપવાનું સાધન માત્ર છે. આજના છોકરાઓને જીવનલક્ષી શિક્ષણ મળતું નથી. શિક્ષણનો એ બહુ મોટો ડ્રૉબૅક છે. સંજોગોવસાત ક્યારેક તેમણે ગૅસનું સિલીન્ડર બદલવાનું આવે અથવા લાઈટનો ફયૂઝ બદલવાનો આવે તો  તેઓ નથી કરી શકતા. માબાપની ફરિયાદ હોય છે કે તેઓ મિત્રો અને રેસ્ટોરન્ટમાં મશગુલ રહે છે. માબાપના સગાંને ઓળખવામાં તેમને કોઈ રસ હોતો નથી. ક્યારેક સંજોગોવસાત્ ઘરના કામો કરવાના આવે તો તેમાં પણ તેમને નાનમ લાગે છે. ૨૧મી સદીમાં ધીમેધીમે યુવા પેઢીમાં અજ્ઞાનની સીમા વધતી જાય છે. ભૂગોળમાં ૯૯ ટકા લાવનાર વિદ્યાર્થીને ભરૂચ કઈ દિશામાં આવ્યું તેની જાણ હોતી નથી. ચોવીસમાં ચોવીસ ઉમેરવાના હોય તેમાં ય તેઓ કૅલ્ક્યૂલેટર શોધે છે. મૅકોલેના સમયની આપણી જૂની શિક્ષણ પ્રણાલીને કારણે આજે શિક્ષણ ‘એક્સ્પાયરી  ડેઈટ’ વિતાવી ચુકેલી દવા જેવું બની ગયું છે.  તેમાં ધરમૂળથી ફેરફાર કરવાની જરૂરી છે!’

            ઉદ્યોગો એમને  ગમે છે તેના કારણમાં પણ રોકડું સત્ય ઉચ્ચારતા એમણે કહ્યું: ‘ઉદ્યોગો મને એટલા માટે ગમે છે કે લાખો લોકોને તેનાથી રોજી મળે છે. અને અમારો ય એનાથી ઉદ્ધાર થયો છે. જનરલી ન ભણી શકતા માણસો કોઈ ધંધામાં લાગી જતા હોય છે. સદભાગ્યે હું ભણ્યો પણ છું… ઉદ્યોગ પણ કર્યો છે… અને અનેક લોકોને રોજીરોટી પણ આપી શકાઈ છે. મા સરસ્વતીનો હું આરાધક છું. તમને ખબર હશે સરસ્વતીનું એક નામ પૌલોમી પણ હતું. મારી ‘મંજરી’ વાર્તા બધાંને ગમેલી. લોકો કહે છે કે પૈસાને કૂતરાં પણ સુંઘતા નથી. આ જૂઠી વાત છે. પૈસા કુતરાના ખપની ચીજ છે જ નહીં. પૈસા વગર આ દુનિયાનો વ્યવહાર અટકી પડે છે. કૂતરાં દુનિયા ચલાવતા નથી. હવા, પાણી અને ખોરાક પછી આવતી ચીજ પૈસો છે. પૈસા વિના માણસની દશા પાણી વિનાની માછલી જેવી થઈ જાય છે. પણ લોકો આવા છળ ચિંતન ચલાવતા રહે છે. કેટલાંક જૂનવાણી લોકોને બોલતા સાંભળ્યા છે કે, ‘ચટણી અને સૂકા રોટલામાં જે મજા છે તે બાસુંદી કે શ્રીખંડમાં નથી…!’ ગરીબોએ ઊભી કરેલી આ પણ એવી જ એક જૂઠી ફિલોસોફી છે…!’

            અંતમાં બિપીનભાઈએ એમની વાર્તા માટે કહ્યું કે, ‘મને વાર્તાઓ લખવાનું ગમે છે પણ મારી વાર્તાઓ દ્વારા સમાજમાં ખોટો મેસેજ ન જાય તેની હું કાળજી રાખું છું. હું નમ્રપણે માનું છું કે જે સમાજ અને સંસ્કૃતિમાં આપણે જીવીએ છીએ તે પ્રત્યે લેખકોની પણ કંઈક જવાબદારી રહેલી છે!’

            દોસ્તો, શ્રી બિપીનભાઈનો ઈન્ટરવ્યૂ અત્રે પૂરો થાય છે. નજીકના ભવિષ્યમાં એવી જ કોઈ બીજી હસ્તીના ઈન્ટરવ્યૂ સાથે હાજર થઈશું. ઘણા વાચકોના પ્રતિભાવો મળ્યા છે. તેમના પ્રતિભાવોનો એક વધુ અપિસોડ ગુરુવાર તા. 2o-10-16 ના દિને રજૂ કરવામાં આવશે. વાચકો ફેઈસબુક, ઈમેલ, વૉટસેપ, ફોન કે એસ.એમ.એસ. અથવા પત્રો દ્વારા પણ પોતાના પ્રતિભાવો મોકલી શકે છે. જો તેઓ ઈચ્છશે તો તેમના અભિપ્રાયો તેમના ફોટા સાથે પ્રસારિત કરવામાં આવશે.Image0207.jpg

                     લેખકશ્રી દિનેશ પાંચાલ

    -Dinesh Panchal  (Mo: 94281 60508)

      Email ID : dineshpanchal.249@gmail.com

………………………………………………………………………..

      Blog : dineshpanchalblog.wordpress.com

      Bipin Lapsiwala – (Surat)  Mo9376701199

      શ્રી બિપીનભાઈનું ઈમેલ આઈ.ડી vesupatel@yahoo.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s