દુર્જનતાના ડુંગરોમાં સજ્જનતાની સુરંગ ચંપાય છે.

      દુનિયા જરૂર બગડી છે પણ હજી વર્ષો સુધી એને વાંધો આવવાનો નથી. કેમકે એક સરસ વાત એ બને છે કે દુર્જનતાના ડુંગરોમાં સજ્જનતાની સુરંગ ચંપાય છે. દુર્જનતા નાશ પામે છે અને સજ્જનતાના રસ્તાઓ ડગલેને પગલે સાથ આપે છે. માનવતા ઓછી થયેલી જણાય છે પણ તેનું સાવ નિકંદન નીકળી જવાની શક્યતા નથી. પાંચસો ખરાબ માણસો મરે છે ત્યારે તેની સામે બે સારા માણસો જરૂર પેદા થાય છે. એ રીતે દુનિયાના ત્રાજવામાં સજ્જનતા દુર્જનતાનું બેલેન્સ જળવાઈ રહે છે. પરિણામે દાઉદ ઈબ્રાહિમ, મેમણ કે લતિફ જેવાનું સાટુ ખેરનાર જેવા માણસો વાળી આપે છે. નથ્થુરામ ગોડસેની સંખ્યા અંત સુધી એક જ રહેવા પામી હતી. એની સામે ગાંધી, સુભાષ, જવાહર, લોકમાન્ય તિલક. સાવરકર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવા ઘણા સુશોભિત પુષ્પો દેશની ધરતી પર ખીલ્યા હતાં. એથી આપણે દુનિયા વિષે સાવ નિરાશ થઈ જવાની જરૂર નથી.

 dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

માણસને માપવાની મેઝરટેપ

       અંગ્રેજીમાં કહેવત છે: ‘એ મેન ઈઝ નોન બાય ધી કંપની હી કીપ્સ…!’ (માણસ તેના મિત્રોથી ઓળખાય છે) માણસ કોની સાથે રહે છે તે પરથી તેની ઓળખ નક્કી થાય છે. મોરારિબાપુનો નોકર ખૂની કે બળાત્કારી હોય એવું બનતું નથી. નરેન્દ મોદીજીનો ભાઈ દાણચોર છે એવું કોઈ કહે તો પણ આપણે માનવા ઈન્કાર કરી દઈએ છીએ. તમે આખો દેશ ખુંદી વળો તો પણ તમને ઉકરડા પર ગુલાબનો છોડ ઊગેલો જોવા નહીં મળે. સોબત પ્રમાણે વસ્તુની કિંમત અંકાય છે. છસો રૂપિયે કિલોની કાજુકતરીમાં સરતચૂકથી એકાદ ચણાનો દાણો આવી ગયો હોય તો તે પણ છસો રૂપિયાના ભાવે તોલાય છે. મીઠાઈનું ખાલી બોક્ષ બે પાંચ રૂપિયાનું હોય પણ તેમાં કાજુકતરી મૂકાય ત્યારે તે છ રૂપિયાનું બોક્ષ છસો રૂપિયાના ભાવે તોલાય છે. બીજી તરફ લોખંડના ભંગોરમાં એકાદ હીરો જઈ પડે તો તે પણ મીઠાના ભારોભાર જાય છે. માહોલ પ્રમાણે માણસની અને હીરાની કિંમત થાય છે. રૂપજીવીનીના ઘરમાં કોઈ પવિત્ર સાધવી રહેતી હોય તો તેની ગણના રૂપજીવીનીમાં થઈ જવાની શક્યતા રહે છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

સો ગ્રામ સુખ… દોઢ મણ દુ:ખ

      ક્યારેક ૧૦૦ ગ્રામ સુખ ખાતર દોઢ મણ દુ:ખી થતા લોકોને અમે જોયા છે. એવા લોકો મૃત્યુ પછીના કહેવાતા સ્વર્ગ ખાતર હોંશેહોંશે દેહદમન કરે છે. મતલબ આવતા જન્મે ડાયાબિટીશ ન થાય તે માટે આ જન્મે મીઠાઈ ખાવાનું છોડી દે છે. અર્થાત્ એક ટીપું અમૃતની અપેક્ષામાં જિંદગીભર ઝેરનો દરિયો પીતા રહે છે. સ્વર્ગ તો મળ્યું ત્યારે ખરુ… પણ વાસ્તવિક જીવનમાં દુ:ખના ડેરાતંબુ લાગી જાય છે. જીવનભર માણસ સુખ પાછળની દોડ છોડતો નથી. સુખ, દુ:ખ અને માણસ વચ્ચે પ્રણયત્રિકોણ જેવો સંબંધ હોય છે. સુખ સૂરજ જેવું છે. આનંદ તેના કિરણો છે. માણસ આભ જેવડું દુ:ખ એકલો પચાવી જાય છે. પણ આનંદ ભોગવવા માટે એને ઘણા માણસોની જરૂર પડે છે. દીકરાનો વિવાહ ફોક થાય તે સમાચારને એ ઘરની ચાર દીવાલની બહાર જવા દેતો નથી. પણ દીકરાને ત્યાં દીકરો અવતરે ત્યારે મહોલ્લામાં પેંડા વહેંચી એ આનંદની એડવર્ટાઈઝમેન્ટ કરે છે. દીકરાના લગ્ન થાય ત્યારે તે મહોલ્લામાં કંકોતરી વહેંચી પોતાના આનંદમાં સૌને સહભાગી બનાવે છે પણ દીકરાના છૂટાછેડા થાય ત્યારે તે બંધબારણે કોઈને જાણ ન થાય તે રીતે ચૂપચાપ મામલો થાળે પાડે છે. દીકરીને ગોલ્ડમૅડલ મળે ત્યારે પિતા બધાં છાપાઓમાં તેનો ફોટો છપાવે છે. પણ તે કુંવારી માતા બને ત્યારે ચૂપચાપ ગર્ભપાત કરાવી લે છે. માણસ પોતાના કેટલાંક આનંદોને સૌ જોડે શૅર કરે છે પણ જહેર જેવા દુ:ખો તે એકલો ચૂપચાપ પચાવી જવાની કોશિષ કરે છે. મતલબ સુખ સબ કે સાથ બાંટો… દુ:ખ અકેલે ભૂગતો…!! દોસ્તો, કેવી છે આ જિંદગી…?  કોઈકે સાચું જ લખ્યું છે: ‘જિંદગી કી યહી રીત હૈ… હાર કે બાદ હી જીત હૈ…!!’

 dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

સો ગ્રામ શ્રીખંડમાં કિલો કાજુ

        કેટલીક સ્ત્રીઓ પોતાના સૌંદર્યથી દુનિયાને આંજી દેવા માગતી હોય એવી સભાનતાથી લાલી લિપસ્ટીકના લપેડા કરે છે. તેઓ પોતાની પાસે હોય તેટલા હાર, કંગન અને બંગડીઓ એક સાથે પહેરે છે ત્યારે એવું લાગે છે માનો સો ગ્રામ શ્રીખંડમાં કિલો કાજુ નાખ્યા હોય. અંબોડામાં એક ફૂલ નાંખ્યું હોય એ શોભે તેને બદલે વાળ પણ ન દેખાય એ રીતે આખું માથુ ફૂલોથી ભરી દીધું હોય તો અંબોડો ઓછો અને ગુલાબનો ગુલદસ્તો વધુ લાગે છે. (એને અંબોડા સાથેનો ગુલાબી અન્યાય કહી શકાય) જરા વિચારો, સ્ત્રીના ગાલ ન દેખાય અને માત્ર તેના પરના લાલી લિપસ્ટીકના લપેડા જ દેખાતા હોય તો સ્ત્રીને બદલે બહુરૂપીને જોતા હોઈએ એવું લાગ્યા વિના રહે ખરૂં? હું ખોટું કહું છું? (જવાબ માત્ર પુરૂષોએ જ આપવાનો છે)

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

તડકામાં કિલ્લા પડે ખરાં…?

            ઘણીવાર માનવી હૉલસેલમાં સુખ ખરીદે છે. માણસ આખા વર્ષ માટે તેલ ઘીના ડબ્બા ભરે છે, ઘઉં ચોખા ભરે છે, અને હવે તો કેરીના રસના બાટલા પણ ભરી લે છે. માણસનું ચાલે તો સૂરજનો તડકો ભરી લે… શિયાળાની ઠંડી ભરી લે… અને ઉનાળામાં ગરમીના ડબ્બા ય ભરી લે. બાવીશમી સદીમાં કદાચ તડકાને ટીનમાં પૅક કરી શકાય એવી સુવિધા ઉપલબ્ધ થશે. જો એમ થઈ શકશે તો બાવીશમી સદીની બે ગૃહિણીઓ વચ્ચેનો એક સંવાદ કંઈક આવો હશે: ‘અમારે ત્યાં આ વખતે તડકાના દશ ડબ્બા ભર્યા હતા પણ અડધો શિયાળો ય ન ચાલ્યા…!’ અન્ય ગૃહિણી જવાબ આપશે: ‘તું દશ ડબ્બાની વાત કરે છે, અમારે ત્યાં તો દર ઉનાળામાં અઢાર ડબ્બા તડકો અને શિયાળામાં પૂરા બાવીશ ડબ્બા ઠંડી ભરી લઈએ છીએ, પણ તોય ઉનાળામાં એસી ચલાવવું પડે છે. અને શિયાળામાં હિટર વાપરવું પડે છે. જવા દો ને વાત…! ઘરમાં બધાનાં જ હાથ છૂટા છે. ગયે વર્ષે તો બોરિક પૌડર ખરાબ આવી ગયો હશે કે શું તે તડકામાં કિલ્લા પડી આવ્યા હતાં…!’ દોસ્તો, તડકામાં કિલ્લા પડતા નથી. ઠંડી તવાઈને પીગળી જતી નથી, અને માણસના મોજશોખને ય કદી ઉધઈ લાગતી નથી. પણ આ બધી વાતનો કુલ સરવાળો એટલો જ કે છીટલી હોય કે છગન અને મૈયત હોય કે લગન…, માણસના પ્રયાસો હંમાશા સુખ પામવાના હોય છે. નહીંતર સ્મશાનમાં માઈક અને મૈયતમાં જમણ હોય ખરું…?

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

શ્રદ્ધાના શૉટસર્કિટથી બચીએ

      સ્વ. જવાહરલાલ નહેરુએ તેમના પુસ્તક ‘ડીસ્કવરી ઓફ ઈન્ડિયા’માં લખ્યું છે: ‘કોઈ પણ ધર્મપુસ્તકો ઈશ્વરે લખ્યાં નથી. બધાં માણસો દ્વારા જ લખાયાં છે.’ નહેરુજીની વાત સાચી છે. પરંતુ શ્રદ્ધાળુઓને આવી વાત નથી ગમતી. તેઓ આને ધર્મ પરનું આક્રમણ સમજે છે. તેમના દિલમાં ભક્તિ કે શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધાનો થ્રી ફેશ કરંટ વહેતો હોય છે. કોઈના પણ વિવેકબુદ્ધિવાદી વિધાનથી તેમના તે કરંટમાં ફક્ચ્યુએશન આવે છે. અને શ્રદ્ધાના શૉટસર્કિટ થાય છે. આપણે જાણીએ છીએ કે શૉટસર્કિટ એ વિદ્યતનું તોફાની સ્વરૂપ છે. એની સંહારક શક્તિ ગાંડા હાથી જેવી વિનાશક હોય છે. ગાંડો હાથી તોફાને ચઢે ત્યારે તેની આડફેટમાં કોણ કચડાઈ રહ્યું છે તેની તે દરકાર રાખતો નથી. શૉટસર્કિટથી આગ લાગે છે ત્યારે ઘરમાં રામ બેઠા હોય કે રાવણ… આગ તે  સૌને એક સરખી રીતે બાળીને ભસ્મ કરી દે છે. એથી શ્રદ્ધાનો કરન્ટ શૉટસર્કિટમાં ન ફેરવાઈ જાય તેની શ્રદ્ધાળુઓએ કાળજી રાખવી જોઈએ.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

લક્ષ્મી લોકરમાં નહીં પુસ્તકમાં હોય છે.

     એક વાણિયાના બે દીકરા હતાં. બન્ને ખરાબ સોબતમાં ફટોર થઈ ગયેલા. પોતાના ઘરમાંથી ય ચોરી કરતા. તેમની ત્રાંસી નજર હંમેશા તિજોરી પર રહેતી. વાણિયાએ યુક્તિ કરી. ઘરની તિજોરીમાં તેણે ફક્ત મિલકતના દસ્તાવેજો રાખ્યાં. અને ઘરેણા માળિયામાં મૂકેલી પસ્તી અને પુસ્તકોના ઢગલા વચ્ચે સંતાડી રાખ્યાં. બન્ને દીકરા અંત સુધી તિજોરી ફંફોસતા રહ્યા પણ ઘરેણા તેમને હાથ લાગ્યા નહીં. વાણિયાની અંતઘડી નજીક આવતાં તેણે બન્ને દીકરાઓને કહ્યું: ‘દીકરાઓ, હું આખી જિંદગી કહેતો રહ્યો, લક્ષ્મી લોકરમાં નહીં, પુસ્તકોમાં હોય છે… પણ તમે ન સમજી શક્યાં. મારી બધી મિલકત અંતે તો તમારી જ હતી. પણ  તમને ધીરજ ના રહી. કાશ… તમે ઘરેણાને બદલે મારી બુદ્ધિ, મારો પુસ્તક પ્રેમ, મારા સંસ્કાર પામવાની કોશિષ કરી હોત. ખેર, તમારા માટે ઘરેણા સહિતની બધી મિલકત છોડતો જાઉં છું. પણ તમારા બન્ને માટે એક અલગ ડબ્બામાં બે કીમતી હીરા મૂક્યા છે. દીકરાઓ મોટા થાય ત્યારે તે એમને આપી દેશો. કહી વાણિયો મૃત્યુ પામ્યો. દીકરાઓ હીરાની વાત સાંભળી રાજીના રેડ થઈ ગયા. સ્મશાનેથી પાછા આવી એમણે તુરત પેલો ડબ્બો ખોલ્યો. જોયું તો અંદર બે મહાપુરુષોના જીવનચરિત્રોના પુસ્તકો હતા. દીકરાઓના મોઢામાંથી ફળફળતો નિશ્વાસ સરી પડ્યો. ‘ડોસો ફરી ઉલ્લુ બનાવી ગયો…!’

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

બેંક પાસબુક: માણસનું પ્રિય પુસ્તક

      પુસ્તક વાંચનાર માણસ આ દુનિયાની એસેટસ છે. પુસ્તકો ખરીદીને વાંચનારાઓ તો લેખક અને પ્રકાશક બન્નેની જીવાદોરી ગણાય. પુસ્તકનું આટલું મૂલ્ય હોવા છતાં માણસને પુસ્તક કરતાં પાસબુક વધુ વહાલી છે. માણસ ફિલ્મોની સો રૂપિયાની ટિકિટ હોંશે હોંશે ખરીદે છે. પણ પચ્ચીશ રૂપિયાની એકાદ પુસ્તિકા એને મોંઘી લાગે છે. મોંઘવારીની સતત કાગારોળ કરતો માણસ ૧૦૦૦ રૂપિયે મણના ભાવની કેસર કેરી મેળવવા અહીંથી તહીં દોડાદોડી કરે છે. પણ પુસ્તક મેળામાંથી પચ્ચીશ રૂપિયાની એકાદ પુસ્તિકા ખરીદવામાં એ ખાસ્સો કંજૂસ બની રહે છે. પુસ્તકોની ઉપયોગીતા ગમે તેટલી વધારે હોય તો પણ ગુજરાતીઓ વચ્ચે તેની આવી દશા છે. સ્વ. જયન્ત પાઠકે કહેલું: ‘ગુજરાતીઓને ચોપડી કરતાં ચોપડાઓ (હિશાબના ચોપડાઓ) માં વધુ રસ પડે છે!’ સ્વ. ચંદ્રકાન્ત બક્ષીએ પણ બળાપો વ્યક્ત કરેલો: ‘ગુજરાતી સ્ત્રીઓને બાયોગ્રાફી કરતાં બાજુબંધમાં અને નવલકથા કરતાં નેક્લેસમાં વધુ રસ હોય છે! એમને મન મંગળસૂત્ર તો જાણે માહાનવલ ગણાય!’

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com