મચ્છરદાની: સુતરાઉ દિવાલ

   મચ્છરદાની અમને ગમે છે (કેમકે અમે દક્ષિણ ગુજરાતના નવસારીના જમાલપોર ગામમાં રહીએ છીએ) અમે એને સુતરનો સફેદ કિલ્લો કહીએ છીએ. એમાં છુપાઈ જવાથી માણસ પોતાની ઊંઘ નામની પ્રેમિકાનું મચ્છર નામના રાક્ષસથી રક્ષણ કરી શકે છે. મચ્છરો જોડે સીધા સંઘર્ષમાં ઉતર્યા વિના તેનાથી બચવાની અહિંસક તરકીબ એટલે મચ્છરદાની…! બીજા શબ્દોમાં કહીએ તો માણસની નિદ્રાપિપાસા અને મચ્છરોની રક્તપિપાસા વચ્ચેની સુતરાઉ દિવાલ એટલે મચ્છરદાની…! જ્યોતિષોની ભાષામાં કહીએ તો મચ્છરોની સુતરના પાયે બેઠેલી પનોતી એટલે મચ્છરદાની…! તમારે ત્યાં થૂંકદાની, ધૂપદાની, ફૂલદાની કે અત્તરદાની હોય કે ન હોય પણ તમે દક્ષિણ ગુજરાતમાં રહેતા હો તો અમે ખાત્રીથી કહી શકીએ કે તમારે ત્યાં મચ્છરદાની જરૂર હશે! Am I wrong…?

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

પ્રભુ, તારાથી એક મચ્છર પણ મારી શકાતો નથી…?

      એક ગરીબ વિદ્યાર્થીને તેની ઝૂંપડીમાં મચ્છરો ખૂબ કરડતા હોવાથી તે અભ્યાસ કરી શકતો ન હતો. તેણે પ્રભુને ફરિયાદ કરી: ‘હે પ્રભુ, હું એક વાત સમજી શકતો નથી. માત્ર એક રાતમાં સૃષ્ટિના બધાં મચ્છરો માણસોનું જેટલું લોહી પી જાય છે તે સઘળું ભેગું કરવામાં આવે તો એક આખી બ્લડબેંક છલકાઈ જાય. તું મને એ જણાવ કે તેં ધરતી પર પેદા કરેલા આ મચ્છરોનો એક પણ સદુઉપયોગ છે ખરો? તો તેં એને પેદા શા માટે કર્યા? હજી ય મોડું થયું નથી. અમે ખાતરી આપીએ કે ‘કાચબાછાપ’ અગરબત્તી કે મચ્છરદાનીના વેપારીઓને ભૂખે નહીં મરવા દઈએ પણ તું આ મચ્છરોનું નામોનિશાન મિટાવી દે. નહીં તો અમારે માની લેવું પડશે કે તારાથી મચ્છર પણ મારી શકાતો નથી તો તેં ગીતામાં મારેલી ડિંગ પ્રમાણે દુષ્ટોનો સંહાર તું શું ખાક કરી શકવાનો છે….?’

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

નાગાઓની વસતિમાં લંગોટીવાળો ઈજ્જતદાર ગણાય.

      મત કોને આપવો તે– આપણે કોના હાથે મરવા માંગીએ છીએ તે નક્કી કરવા જેવું કામ છે. આપણે આગળ જોઈ ગયા કે આ દેશમાં લોકશાહી અને મતદાનની વ્યાખ્યા હવે બહુ સ્પષ્ટ થઈ ગઈ છે. તમે કોની સરકાર વડે દુ:ખી થવા માંગો છો તે નક્કી કરવાનો તમને હક અપવામાં આવે તેને લોકશાહી કહેવાય અને તમારા દુર્ભાગ્યને વધુ પાંચ વર્ષ માટે રિન્યૂ કરવાની સરકારી વ્યવસ્થાને ચૂંટણી કહેવામાં આવે છે. ચૂંટણી ટાણે મતદારોએ પોતાના આત્માનો અવાજ સાંભળીને મત આપવો જોઈએ. એ અવાજ કંઈક આવો હોઈ શકે…? હે મતદાતા, તું ઈજ્જતદાર ઉમેદવારને મત આપજે. તારી સામે નિર્વસ્ત્ર નેતાઓની લાઈન લાગી ગઈ છે. એમાં સાવ નગ્ન નેતાઓ પણ ઊભા છે. અને થોડાંક એવાં છે જેમના દેહ પર લંગોટી બચી છે. પેલી કહેવત યાદ કર… નાગાઓની વસ્તીમાં લંગોટીવાળો ઈજ્જતદાર ગણાય…! એથી તું લંગોટીવાળાને મત આપજે. શક્ય છે આગામી પાંચ વર્ષમાં તારી લંગોટીની લાજ રહી જાય…!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

મત આપો મોત વહોરો

બચુભાઈ કહે છે: ‘સ્મશાનેથી લાશ બાળીને ઘરે પાછો ફરેલો માણસ સ્નાન કર્યા પછી ઘરમાં પ્રવેશે છે. તેમ મતદાન કર્યા પછી સ્નાન કરીને પવિત્ર થયા પછી જ ગૃહપ્રવેશ કરવો જોઈએ. મતદાનની પ્રક્રિયા અને સ્મશાને ચિતા સળગાવવાની પ્રક્રિયામાં ફરક એટલો જ કે માણસ કદી પોતાના હાથે પોતાની ચિતાને આગ ચાંપી શકતો નથી. પણ ચૂંટણી વડે માણસને એ સુવિધા પ્રાપ્ત થાય છે. મત આપો અને આગ લગાડો…! અર્થાત્ જે હારશે તેમના અરમાનોની ચિતામાં તમે આગ લગાડેલી ગણાશે. અને જેઓ જીતશે તેઓ તમારા અરમાનોમાં આગ લગાડશે…!’

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

ઈમાનદારી: જીવનના ચલણમાંથી નાબૂદ થયેલી નોટ

અત્તરની ફેકટરીમાં એકાદ ગંધાતો માણસ નભી જાય પણ આખું ગામ સંડાસના ખાળકૂવાની જેમ ગંધ મારતું હોય ત્યારે અત્તરની એકાદ શીશીનો ગજ વાગતો નથી. આપણો દેશ ભ્રષ્ટાચારનો ખાળકૂવો છે. એમાં નેતારૂપી જીવડાઓ વલવલે છે. તેઓ દુર્ગંધમાં જન્મે છે, દુર્ગંધ પેદા કરે છે અને દુર્ગંધમાં મરે છે.  દુર્ગંધ જ તેમનો જીવન સંદેશ છે. તેમની પાસેથી સુગંધની આશા ન રાખી શકાય. પંચાયતથી પાર્લામેન્ટ સુધી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી બેઈમાનીની બોલબાલા પ્રવર્તે છે. એથી એમ કહી શકાય કે ઈમાનદારી કે દેશભક્તિ એ ચલણમાંથી નાબૂદ થઈ ગયેલી હજારની ચલણી નોટ જેવા બની ગયા છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

પ્રજાની સુખાકારીના પ્રચાર માટે જાહેરાત

અમારા બચુભાઈ કહે છે: ‘મોસાળે જમણ હોય, બાપ રસોડાનો ઈનચાર્જ હોય, અને મા પીરસનારી હોય તો કયો ભાણિયો ઉપવાસ કરવાનું પસંદ કરે? માણસ નગરપાલિકાનો પ્રમુખ બને એટલામાં પોતાના બારણામાં સ્ટ્રીટ લાઈટનો થાંભલો રોપાવે તો સત્તાના સર્વોચ્ચ શિખરે બેઠેલો માણસ તકનો લાભ ન લે એવું બને ખરું…? તે વિચારે છે કે ભલે લાખોનો ધુમાડો થતો પણ અખબારોમાં દેશના વિકાસની જાહેરાતો ન આપીશું તો દેશની પ્રજાને શી રીતે ખબર પડશે કે દેશનો કેટલો વિકાસ થઈ શક્યો છે…? પ્રજાને એ તો જાણ થવી જોઈએ ને કે તેમની ગરીબી કેટલી હદે નાબૂદ થઈ છે તથા તેઓ કેટલા સુખી થઈ ગયા છે….?? કેમકે એ બધું જ અમે કર્યું છે. તો અમારી વાહવાહી ન થાય તો ધૂળ પડે આવી સત્તામાં….!!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

સુખી સંસારનો કુંભઘડો

      સંતો યોગ્ય જ કહે છે, ‘ચાર દિવસની ચાંદની જેવા આ સંસારમાં સૌને પોતાની રીતે સુખશાંતિભર્યું જીવન જીવવાનો હક છે. એથી સુખી થવાને આડે નડતા જૂના વિચારોને ત્યજો. હવે દીકરીને નહીં દીકરાને પારકું ધન ગણો. એને સામે ચાલીને અલગ ઘર વસાવી આપો. પરસ્પરના મોઢા જોવાનું ય ના રહે એ રીતે ખૂબ લડીવઢીને દીકરા વહુ અલગ થાય… મહોલ્લો આખો આપણા ઘરમાં ભેગો થાય, એના કરતાં માબાપ સામે ચાલીને, રાજીખુશીથી દીકરાના ઘરમાં સ્વહસ્તે કુંભઘડો મૂકી આપે એના જેવી રૂડી વાત બીજી એકે નથી. એક વાત સમજો. તમારી પાસે દૂધ છે. તે દહીં બની જાય તો તેમાંથી શ્રીખંડ બનાવી શકાય. તમે થોડું વધારે મોડું કરો તો થાય એવું કે દહીં કોહી જાય… પછી તેમાંથી ન શ્રીખંડ બનાવી શકાય, ન દહીંની કઢી બનાવી શકાય… એને ફેંકી જ દેવું પડે. એથી ઉત્તમ તો એજ કે દૂધ બગડે તે પૂર્વે તેમાંથી ઉત્તમ બાસૂંદી બનાવીને આખું કુટૂંબ મોજથી માણે. યુવાન દીકરા વહુ પાસે તેમના પોતાના ગમા અણગમા હોતા હોય છે. વડીલો સાથે તેમનો મેળ ખાતો નથી. પંદર વીસ કુટૂંબીજનોનો આખો કાફલો એક છત તળે સાથે રહેતો હોય તો કાળક્રમે મીઠા દૂધ જેવા સંબંધોમાં દહીં જેવી ખટાશ અને ત્યારબાદ સબંધોનું દહીં એટલી હદે બગડી જાય છે કે તેને ફેંકી દેવા સિવાય બીજો કોઈ ઉપાય રહેતો નથી. દોસ્તો, કોઈના સંયુક્ત પરિવારમાં ખૂબ ઝઘડા થાય અને પછી પરિવારના લોકો જૂદાં રહી જાય તે બગડેલા દહીંને ફેંકી દેવા જેવી ઘટના ગણાય. તમે સમજદાર માબાપ હો તો દીકરા જોડે ના લડો. બલકે ખુશીથી મૂકી આપો તેને કુંભઘડો…!  

બુદ્ધિ વિના સુખી ન થવાય

        સંયુક્ત પરિવારમાં રાત્રે સુતા સુધીમાં ત્રણ ચાર વાર ઝઘડા થાય છે. રોજ રાંધ્યા ધાન રખડી જાય છે. મહોલ્લામાં સૌને પ્રશ્ન થાય છે આ લોકો આ રીતે કેમ જીવી શતા હશે? બચુભાઈ કહે છે, ‘હું એવી કલહભરી જિંદગી જીવવા કરતાં પૂલના ગરનાળા નીચે જીવવાનું વધુ પસંદ કરું. જે કુટુંબમાં રોજ દેરાણી જેઠાણીના ઝઘટા થતાં હોય, સાસુ વહુ વચ્ચે તુતુમેંમેં થતી હોય, ભાઈઓ વચ્ચે મનદુ:ખો રહેતા હોય એવા ઘરમાં સૌએ રીબાતાં રીબાતાં સાથે જીવ્યા કરવાને બદલે ઘરના વડીલે દીકરાઓને તેમની અલગ વ્યવસ્થા કરી લેવા સમજાવવા જોઈએ. સંસારમાં માત્ર પ્રેમથી સુખી થઈ શકાતું નથી. સુસંસ્કાર અને સમજદારી ભેગી બુદ્ધિ પણ જરૂરી હોય છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

તે સંસ્કાર તેને બીજું કોણ આપશે…?

          અમારા એક પરિચિતને પાંચ દીકરાઓ હતા પણ બાપની મિલકત માટે પાંચે જણ ખૂબ ઝઘડતા હતા. બાપ મર્યો ત્યારે કોઈ આવ્યું નહીં, એથી ગામલોકોએ તેનો અગ્નિસંસ્કાર કરવો પડ્યો. દોસ્તો, દીકરાઓ દિલમાં રહે છે કે ‘વિલ’માં રહેવા માંગે છે તે પરથી તેમના વાત્સલ્યનું સાચું માપ નીકળે છે. દીકરો વારસદાર તરીકે જન્મે છે પણ તેને મિલકતનો વારસો આપતા પૂર્વે સારા સંસ્કાર આપીને સુપુત્ર બનાવવાની જવાબદારી માવતરની હોય છે. ઘણા વડીલો  “માવતરની પરીક્ષા”માં ડિસ્ટીંક્શન સાથે નાપાસ થાય છે. માબાપ જો બુદ્ધિશાળી હશે તો તેઓ એવું ઈચ્છશે કે પુત્ર પગભર થાય કે તુરત તે પોતાનો અલગ સંસાર માંડે. દીકરાને અલગ કરવો એટલે ઘરમાંથી કાઢી મૂકવો એમ નહીં પણ તેના પ્રત્યેનો પૂરો પ્રેમ અકબંધ રાખીને તેને પોતાના અલગ ઘરમાં કુંભઘડો મૂકી આપવો, જેથી તે સંસારની તમામ આંટીઘૂટીઓમાંથી કેમ પસાર થવું તે શીખી શકે. યાદ રહે, તમારી પ્રોપર્ટી તમે સાથે લઈ જવાના નથી. તે દીકરાને જ મળવાની છે, પણ દીકરાને તમે સંપત્તિ પૂર્વે સારા સંસ્કાર નહીં આપશો, તો તે સંસ્કાર તેને બીજું કોણ આપશે…? દીકરાને આ દુનિયામાં સ્વતંત્ર રીતે જીવવાની તક નહીં આપશો તો તે દુનિયાના દાવપેચ ક્યાંથી શીખશે? કેટલે વીશે સો થાય તેનું જ્ઞાન તેને ત્યારે જ મળશે જ્યારે તે પોતાના પગારમાંથી દાળ ચોખા લાવીને પોતાના સંસારનું ગાડુ ખુદ ચલાવશે. અમારા બચુભાઈ કહે છે: ‘ધારોકે તમે પતંગ ચગાવવા માગો છો. આકાશમાં પવન અનુકૂળ હોય અને તમારી ફિરકી પણ ફૂલ હોય… પણ તમે દોરો જ ના છોડો તો એ પતંગ કેટલો ઊંચો જઈ શકશે? ઘણા માબાપ વાત્સલ્યપ્રેમમાં આવી જઈ દીકરાને પોતાનાથી દૂર નથી કરતા તેથી દીકરાઓનો પતંગ પ્રગતિનું પૂરું આકાશ આંબી શકતો નથી. વહાલના ઓઠા હેઠળ વેરી બની રહેતા દરેક માવતરે વિચારવું જોઈએ કે તમે ફિરકીનો દોરો છોડશો તો જ પતંગ આકાશમાં ઊંચે જઈ શકશે…! દીકરાઓએ પણ માબાપનો પાડ માનવો જોઈએ. અલબત્ તે માટે માબાપનું જાહેરમાં સન્માન કરવાની જરૂર નથી પણ તેમણે મનને છાને ખૂણે એટલું યાદ રાખવું જોઈએ કે હું કારકિર્દીના આકાશમાં જોજનો માઈલ ઊંચે ઊડી શક્યો તે માટે મારા માબાપનો ફાળો મોટો છે. તેમણે તેમના ઘડપણના રખેવાળ તરીકે મને પોતાના ઘરના ખૂંટે બાંધી રાખ્યો હોત તો હું જીવનમાં આટલી તરક્કી ના કરી શક્યો હોત.’ દીકરાઓ દિલપૂર્વક આ સત્યનો સ્વીકાર કરશે તો તેઓ પછી ‘પેરન્ટસ્ ડે’ના દિવસે માબાપને એકાદ ગુલાબનું ફૂલ આપવાની ઔપચારિક્તા નહીં દાખવશે તો પણ ચાલશે…!’

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com