ચાલો, ધર્મની રક્ષા કરીએ

         દંભી શ્રદ્ધાળુઓ ધર્મની વાત આવતા છંછેડાઈ ઊઠે છે. પણ સત્ય એ છે કે ધર્મ અને ભગવાનના માથા પર સૌથી વધુ પ્રહારો આસ્તિકોએ કર્યા છે. ધર્મને રતિભાર ન સમજી શકેલા દંભી આસ્તિકો કરતાં નાસ્તિકો લાખ દરજ્જે સારા…! એક વાર એક ધર્મની ટીકા કરવા બદલ સ્વ. રમણ પાઠક સામે તે ધર્મના અનુયાયીઓએ મોટો હોબાળો મચાવ્યો હતો. યોગાનુયોગ તે દિવસે અમે સુરતમાં હતા. ફંક્શનમાં શ્રી પાઠક જોડે મુલાકાત થઈ એટલે પેલા હોબાળા વિષે વાત નીકળી. અમે પૂછ્યું: “એમને કોઈ જવાબ આપશોને…?” એમણે કહ્યું: “જવાબ આપવાની શી જરૂર…આપણને સમજાયેલું સત્ય આપણે સમાજ સમક્ષ મુક્યું. જેઓ સમજે છે તેઓ ટીકા કરતાં નથી અને જેઓ નથી સમજવાના તેઓ આપણો જવાબ માન્ય રાખવાના નથી…! દુ:ખની વાત એ છે કે મારી સાથે કદાચ તે ધર્મગુરૂ સંમત થઈ જાય પણ આ લોકો સંમત થવાના નથી…!” ખેર, માણસે ધર્મ અને ભગવાન, બન્નેને રાતા પાણીએ રોવડાવ્યો છે. એટલું યાદ રાખીએ કે જેમ શિક્ષણ મેળવ્યા પછી માણસ શું બની શકે છે તેમાં શિક્ષણની ઈજ્જત રહેલી છે. તે રીતે ધર્મનું પાલન કર્યા પછી માણસ સમાજમાં કેવો વ્યવહાર કરે છે તેમાં ધર્મની ઈજ્જત રહેલી છે. અમારી નમ્ર સમજ પ્રમાણે ધર્મ એટલે સ્થૂળ કર્મકાંડો નહીં, પણ ધર્મ એટલે સારુ જીવન જીવવાની નિયમાવલી…! માણસ ભલે ગમે તે ધર્મ પાળતો હોય પણ દિવસમાં દશ ખોટા કામો કરતો હોય તો એવા ધર્મનો શો ફાયદો?? નવાઝ શરીફ ચાર વાર નમાઝ પઢે છે પણ એની યુદ્ધખોરી માટે તે વિશ્ચભરમાં કુખ્યાત છે. કોઈ ફાયદો ખરો એવી નમાઝનો…??? ચાલો, આપણે બધાં જ પોથીધર્મને બદલે સાચા માનવધર્મ અંગેની ઉચિત સમજ કેળવીએ…! સબકો સન્મતિ દે ભગવાન..!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

ધર્મ અધર્મ: ગાડીના બે પાટા

        એક મુસ્લિમ સ્કૂટર મિકેનીકે તેના ગ્રાહકના સ્કૂટરમાંથી નવી કોઈલ કાઢી લીધી અને બગડેલી કોઈલ નાંખી આપી. સ્ટવ રીપેર કરનાર એક હિન્દુ માણસે પણ એવું જ કર્યુ. ગૃહિણીને– ‘થોડું તેલ લઈ આવો’ એવું કહીને રસોડામાં મોકલી અને તેના ગયા બાદ ચાલાકીપૂર્વક સ્ટવનો પંપ બદલી જૂનો નાખી આપ્યો. દોસ્તો, જરા વિચારો, માણસના ચારિત્ર્યની ચાદર પર પડેલા આવા બેઈમાનીના ડાઘ ધર્મના સાબુથી ધોઈ શકાતાં ના હોય તો એવા ધર્મનો શો ફાયદો…? રોજામાં થૂંક ગળાઈ જાય તો પણ પાપ લાગે એવું માનતો મુસ્લિમ મિકેનીક સ્કૂટરની આખેઆખી કોઈલ ગળી જાય છે તોય તેના રોજા અખંડ રહે છે. એક હિન્દુ માણસ નાગદેવતાનો ભક્ત હોવાનું ગૌરવ લે છે પણ ધંધામાં નાગની જેમ ગ્રાહકને ડંખ મારે છે ત્યારે તેનો ધર્મ ભંગ નથી થતો…? બધાં જ મુસ્લિમો કે હિન્દુઓ એવાં હોતાં નથી. પણ પ્રત્યેક કોમ અને ધર્મમાં ઘણાં લોકો સગવડિયો ધર્મ પાળે છે. તેઓ ધર્મ ય પાળે છે અને તક મળતાં બેઈમાની ય આચરી લે છે. જેમકે તેઓ નાગપાચમના દિને ઘરની દિવાલ પર નાગનું ચિત્ર દોરી નાગની પૂજા કરે છે પણ જીવતો નાગ ઘરમાં ઘુસી જાય તો લાકડી વડે તેની ‘પૂજા’ કરે છે. (એટલું જ નહીં મરી ગયેલા નાગને ફેંકી નથી દેતો, તેનો અગ્નિસંસ્કાર કરે છે. કેમ…? તો કહે– ‘નાગ તો દેવતા કહેવાય. તેને ફેંકી ન દેવાય. પાપ લાગે…!’) ધર્મ અને અધર્મના બે પાટા પર પગ રાખીને મુસાફરી કરવાનું માણસને ફાવી ગયું છે. તે બન્ને પાટાને ભેગાં થવા દેતો નથી. દોસ્તો, અમને રેશનાલિઝમ એ કારણે જ ગમે છે કે તે ખૂબ ઉત્સાહપૂર્વક રામના સો સદગુણોની પ્રશંસા કરે છે પણ બીજી તરફ તેનામાં એકાદ દુર્ગુણ જણાય તો તેની ટીકા કરવામાં પણ પાછી પાની કરતું નથી. રામના પિતૃપ્રેમની અમે સો વાર પ્રશંસા કરી છે પણ રામના સીતાત્યાગની કડી અલોચના કરતાં પણ અમે અચકાયા નથી. પા મિલિગ્રામનું પણ સત્ય કે અસત્ય પકડાઈ જાય તેનું નામ રેશનાલિઝમ…! એકવીશમી સદીમાં રેશનાલિઝમની હજી શરુઆત થઈ છે પણ લખી રાખજો; દોસ્તો, બાવીશમી સદીમાં ‘રેશનાલિઝમ’ એ પૂરા વિશ્વનો એક માત્ર સાચો ધર્મ બની રહેશે. ત્યાં સુધી ધર્મના ધતીંગો વેઠવાં જ રહ્યાં. કોઈ ઉપાય હોય તો બતાવો.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

નાદાનકી દોસ્તી ઔર શિવામ્બુમેં સ્નાન

         એકવાર એક બ્રાહ્મણના નાના છોકરાએ ધૂળનો ઢગલો કરીને તેમાં પેશાબ કર્યો અને (તપેલીમાં કડછીથી શાક હલાવે તેમ) પોતાની જનોઈ તેમાં બોળીને હલાવવા લાગ્યો. જનોઈની હાલત જોઈ અમને હસવુ આવેલું. માણસે ધર્મ જેવી પવિત્ર વસ્તુ જોડે આ નાદાન છોકરા જેવું અળવીતરું કર્યું છે. જનોઈ બાપડી સાવ પવિત્ર…પણ એનો પનારો નાદાન છોકરા જોડે પડ્યો. ધર્મ પણ પવિત્ર પણ… એમ સમજો કે ‘નાદાન કી દોસ્તી… ઔર શિવામ્બુમેં સ્નાન… માણસના હાથે ધર્મના પણ બૂરા હાલ…!’

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

કર્તવ્ય એજ શ્રેષ્ઠ પૂજા

        જરા વિચારો, એક પારસી ડૉક્ટર ઓપરેશન અધૂરું મૂકીને અગિયારીએ લોબાન ચઢાવવા જાય તો દરદીની શી દશા થાય…? એક હિન્દુ પાયલોટ ચાલુ વિમાને રામનામની માળા જપવા બેસે તો મુસાફરોની શી હાલત થાય…? (અગર અમે રામ હોઈએ તો એને ક્ષમા નહીં સજા કરીએ) કોઈ જૈન બંધુ બસડ્રાઈવર હોય અને માર્ગમાં જ્યાં જ્યાં દેરાસર નજરે પડે ત્યાં બસ થોભાવી દે તે પરવડે ખરું? વિકસિત દેશોની પ્રજા ધર્મ કે પ્રભુપૂજા પાછળ આટલો સમય બગાડતી નથી. આપણે વીજ વપરાશમાં કાપ મૂકીને વીજળી બચાવવાની કોશિષ કરીએ છીએ, તે રીતે કર્મકાંડો કે પૂજાપઠોમાંથી થોડો સમય બચાવીને આપણી ફરજના સમયમાં તેનો ઉમેરો કરવો જોઈએ. એક શિક્ષક સવારે એક કલાક માળા ભલે કરે પણ તેમાં અડધો કલાક કાપ મૂકીને બાળકોને તેટલું વધારે ન ભણાવી શકે…? પશ્ચિમના દેશોની જેમ આપણને ક્યારે સમજાશે ‘વર્ક ઈઝ વર્શિપ’. તેઓ પૂજાપાઠ અને ભક્તિમાં રમમાણ નથી રહેતા તો તેમના કયા કામો અટકી જાય છે? અને આપણી હિન્દુ સંસ્કૃતિને એ સર્વનું ઘેલુ લાગ્યું છે તો એમાં આપણા પર દેવોની કઈ વિશેષ કૃપા વરસે છે? બલકે ધ્યાનથી જોશો તો પશ્ચિમી દેશોએ ધરખમ પ્રગતિ કરી છે અને આપણે ત્યાં ગરીબો, વંચિતો કે ભિખારીઓની સંખ્યા વધુ છે. સમજો તો આંખ ઉઘડી જાય એવો આ મુદ્દો છે. પણ આંખ ઉઘડે તે આપણને મંજુર ક્યાં છે? આપણે આંખો બંધ કરીને માળા કરીએ છીએ એથી જીવનમાં બાઝેલા આવાં અબૌદ્ધિક્તાના જાળા આપણને દેખાતાં નથી અને દેખાશે પણ નહીં.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

માણસો મરે તે ભેગાં જંગલો પણ મરે…!

        આપણી સંસ્કૃતિ જ સર્વશ્રેષ્ઠ છે એવી મિથ્યા માન્યતાને કારણે આપણે દુનિયાની બે સારી વાતો અપનાવી શકતાં નથી. આપણે ત્યાં શબનો અગ્નિસંસ્કાર થાય છે. અમેરિકા સહિત ઘણાં દેશોમાં વિદ્યુતની મદદથી મિનિટોમાં શબનો નિકાલ થઈ જાય છે. (ત્યાં લોકો પાસે ખભે ટુવાલ નાંખીને સ્મશાનમાં ત્રણ કલાક ગપ્પાં મારવાનો સમય હોતો નથી) અહીં એક શબના અગ્નિસંસ્કાર પાછળ લગભગ ૧૦ મણ લાકડા બાળી દેવામાં આવે છે. માનવજીવનના અસ્તિત્વ માટે વૃક્ષો અત્યંત ઉપયોગી છે પરંતુ અગ્નિસંસ્કાર માટે આપણે એટલી વિપુલ માત્રામાં વૃક્ષો કાપીએ છીએ કે એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે અગ્નિસંસ્કાર પાછળ આ દેશ એક સપ્તાહમાં આખું જંગલ ફૂંકી મારે છે. અર્થાત્ માણસો પોતાના ભેગાં જંગલોને પણ મારતાં જાય છે. આ અંગે આપણે ‘વિદ્યુતચિતા’ જેવી કોઈ નવી વ્યવસ્થા ન વિચારી શકીએ? પણ તમે શું કહો છો, આપણો ધર્મ એવી વ્યવસ્થાને મંજુરી આપશે ખરો…?

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

સત્ય એટલે રેશનાલિઝમનો આત્મા!

        અમે વર્ષોથી કલમ દ્વારા મા સરસ્વતીની પૂજા કરતા આવ્યા છીએ. ક્યારેક અમે ખોટી દિશામાં ગાડી દોડાવી હોય એવું પણ બન્યું છે. અમારા સુજ્ઞ વાચકો ત્યારે અમારા દોર ખેંચી અમને સાચે રસ્તે મૂકી દે છે. ચિંતન પ્રક્રિયામાં અમને ખોટા પડ્યાના રંજ કરતાં સત્ય લાધ્યાનો આનંદ વિશેષ રહ્યો છે. આખરે આપણા સૌનો પ્રવાસ સત્યના શિખર તરફનો છે. એ પ્રવાસમાં અહંમની આડી તેડી ગલીઓ બહુ આવે છે. કોકની સાચી વાત સ્વીકારવામાં અને ખુદની ભૂલ સ્વીકારવામાં આપણી સમજદારી કે વિવેકબુદ્ધિની કસોટી થાય છે. ધૂરંધર વિજ્ઞાનીઓ પણ તેમના પ્રયોગો કે અવલોકનોમાં ખોટા ઠર્યા છે ત્યાં તેમણે તેમની ભૂલનો નમ્રભાવે સ્વીકાર કરીને છેવટના સત્યનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કર્યો છે. એજ સાચી રીત છે. સત્ય સામે શિર ઝૂકાવવું એટલે ઈગોઈઝમ છોડી રેશનાલિઝમ અપનાવેલું કહેવાય.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

સ્ત્રી: બત્રીશ દાંતો વચ્ચે રહેતી જીભ…!

      પુરુષોની પ્રકૃતિદત સ્ત્રીઆસક્તિ વિષે પુરુષો પોતે જાણે કે ન જાણે સ્ત્રીઓએ તે પિછાણી લેવી જોઈએ. પુરુષો સ્ત્રીઓ માટે ગૅસ સિલિન્ડર સમી ઉપયોગી અને જોખમી બન્ને શક્યતાઓ ધરાવે છે. ગૅસનો ઉપયોગ કરતાં આવડે તો સ્ત્રી રસોઈ કરીને આખા કુટૂંબની ઉદરતૃપ્તિ કરી શકે અને ઉપયોગ કરતાં ન આવડે તો આખા કુટૂંબનો જીવ જોખમમાં આવી શકે, દ્રૌપદીનું વસ્ત્રહરણ કરનાર (દુર્યોધન) પુરુષ હતો અને એના ચીર પૂરનાર(કૃષ્ણ) પણ પુરુષ હતો. સ્ત્રીને (સીતાજીને) ઘરમાંથી કાઢી મૂકનાર પણ પુરુષ હતો અને આશ્રય આપનાર (વિશ્વામિત્ર) પણ પુરુષ હતો. આમ સ્ત્રીની સ્થિતિ બત્રીશ દાંત વચ્ચે રહેતી જીભ જેવી છે. દાંતો વડે એ રક્ષાય છે. અને ક્યારેક દાંતો વડે જ એ કચરાઈ પણ જાય છે. તાત્પર્ય એટલું જ કે બત્રીશ દાંતો વચ્ચે જીભ પોતે કપાઈ ન જાય એવી કાળજી રાખીને જીવે છે તેમ સત્રીએ પણ  જીભ જેવી કાળજી રાખીને પુરૂષો વચ્ચે જીવવું જોઈએ.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

સ્ત્રીઓની અંગપ્રદર્શનની ઈચ્છા સામે વસ્ત્રો અને દરજી લાચાર

       સ્ત્રીઓ સ્વયં અંગપ્રદર્શન માટે વિવિધ તુક્કાઓ અજમાવતી હોય છે. એ સંજોગોમાં પુરુષની નજર પર ક્યાં સુધી અને કેટલા ચોકીપહેરા ગોઠવવા…? સ્ત્રીઓ દેહના દરવાજા ખુલ્લા રાખશે તો પુરુષોએ તેમના નજરના ખાડામાં કેટલા ડૂચા મારવા…? સૌને અનુભવ છે કે મેડિકલ સ્ટોરવાળા દવા આપે ત્યારે એક પતકડામાં તે દવા ક્યારે અને કેવી રીતે લેવી તેની સૂચના લખી આપે છે. પણ સાડીસ્ટોરવાળો તેના બીલમાં એવી સૂચના નથી લખી આપતો કે આ સાડી નાભી નીચેથી પહેરવી. છતાં સ્ત્રીઓ એ રીતે સાડી પહેરે છે, બલકે ક્યારેક તો એથી ય વધુ નીચી સાડી પહેરે છે? કહો જોઉં, સમાજનો કયો પુરૂષ તમને એવું અંગપ્રદર્શન કરવાનું કહે છે? બારીકાઈથી વિચારો તો જવાબ આપોઆપ જડી જશે. સ્ત્રીઓ આખરે કોને માટે  અંગપ્રદર્શન કરે છે? બેશક તેમના ખુદને માટે તો નહીં જ. ટૂંકા ફ્રોક કે બ્લાઉઝ પહેરતી કોઈ કોલેજ કન્યાને પૂછીએ કે તમારા વસ્ત્રોમાં તમે પ્રયોજન પૂર્વક મુકેલા છીંડા બાકોરામાંથી દેખાતો તમારો દેહ લોકો જુએ એવા તમારા સભાન પ્રયાસો નથી શું…? તમારા ખુદના દર્શનાર્થે તો તમે મીડી કે બ્લાઉઝ ટૂંકી બનાવડાવતા નથી. અર્થાત્ સાવ સભાન પણે પુરુષો માટે તમે અંગ પ્રદર્શન કરો છો ત્યારે તમારા પ્રયાસોમાં સંડોવાતા પુરુષો એ તો તમારા જ ઈરાદાઓનો સફળ અંજામ છે. તમારુ અંગ પ્રદર્શન ઉંદરના પાંજરામાં લટકાવવામાં આવતી રોટલી જેવી કામગીરી બજાવે છે. તેની સામે ગુસ્સો ઠાલવવો એટલે આગમાં કૂદયા પછી અગ્નીને ગાળ દેવા જેવી ભૂલ ગણાય. વસ્ત્રો ખુદ વેતરાઈ જઈને સ્ત્રીઓની ઈજ્જત ઢાંકવા પોતાનાથી બનતું બધુ કરી છૂટે છે. પણ અંગ પ્રદર્શન માટેની સ્ત્રીઓની એષ્ણા આગળ તે લાચાર બની જાય છે. બૌદ્ધિક સ્ત્રીઓ વિચારશે?

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com