લોકો દ્વારા લોકશાહીનું ખૂન

       લોકશાહીમાં જો લોકોને અનુકૂળ ન આવે તો તેઓ સરકારને પાંચ વર્ષમાં ઘરે બેસાડી દે છે. આમતો એ ઉચિત આયોજન છે પણ ખરી મુસિબત અહીંથી જ શરુ થાય છે. લોકો પૈસા લઈને વોટ આપે છે અને ચૂંટાયેલા સાંસદો લાંચ લઈને પાટલી બદલે છે. પહેલા તેઓ નાણાના જોરે વોટ ખરીદે છે પછી નાણાના જોરે ખુરશી ખરીદે છે. દરેક સારી વાતને બગાડવામાં માણસની માસ્ટરી હોય છે. તે સફરજનને આંથીને તેનું અથાણુ બનાવે છે. ગુલાબમાંથી ગુલકંદ બનાવે છે અને અત્તરમાંથી એસિડ બનાવે છે. અને ઊંટના ઢેકા પર માણસે કાંઠા ગોઠવીને કામ કાઢ્યું. ચૂંટણી માટે પહેલા એ નોટ પાથરે છે પછી તે નોટ પાછી મેળવવા માટે અધમ કક્ષાની લૂંટ આચરે છે. આ દેશમાં લોકશાહીની લોકો દ્વારા જ જે ભૂંડી દશા થઈ છે તેનો જોટો જડવો મુશ્કેલ છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

ટૂંકું કાપડ અને મેઝરટેપ

       ગાંધીજીએ કહેલું: ‘ગોવાળિયો પણ સમજી શકે એવું સાહિત્ય રચાવું જોઈએ. અમારે નમ્રભાવે કહેવું છે કે ગોવાળિયા સુધી સાહિત્યને નીચે ખેંચી લાવવાને બદલે ગોવાળિયાને સાહિત્યની ઊંચાઈએ લઈ જવો એ વધુ હિતાવહ ગણાય. સાચી વાત એ છે કે નબળા વિદ્યાર્થીઓને પાસ કરી દેવાના હેતુથી સહેલુ પેપર કાઢવાને બદલે તેઓ ખૂબ અઘરા પેપરમાં પણ ઊંચા દરજ્જે પાસ થઈ શકે એવા તેમને હોશિયાર બનાવવા એ સાચી રીત ગણાય. દોસ્તો, કપડું ટૂંકું હોય તેથી દરજી તેની મેઝરટેપમાં ફેરફાર કરતો નથી. અને સોનુ બનાવટી હોય તેથી સોની તેની ચકાસણીના પથ્થર સાથે ચેડાં કરતો નથી. દેશવાસીઓમાં સાચી દેશભક્તિનો વિકાસ થાય તેવા બુદ્ધિગમ્ય પ્રયાસો કરવાને બદલે આપણે તેમના પર રાષ્ટ્રગીત ફરજિયાત ગાવાનો નિયમ ઠોકી બેસાડીએ છીએ. એમ સમજો કે કોઈ પરિણિત સ્ત્રી પોતાના પતિને જાણ ન થાય તે રીતે દેહવિક્રયનો ધંધો કરતી હોય તો તે કડવાચોથનું વ્રત કરશે તેથી તેની પતિ તરફની બેવફાઈમાં કોઈ ફેર પડશે ખરો? દોસ્તો, ટોકીઝમાં રાષ્ટ્રગીત ભલે સદીઓ સુધી વાગતું રહેશે પણ જ્યાં સુધી દરેકના દિલમાં દેશભક્તિનો ભાવ ન જાગે ત્યાં સુધી એવા ઢંગધડા વિનાના નિયમોથી લોકોમાં રાષ્ટ્રભક્તિ વધી જવાની નથી. દેશભક્તિ દિલમાં હોય તોજ વ્યવહારમાં દેખાય… આપણા દેશના આતંકવાદીઓ રાષ્ટ્રગીત ગાશે પછી તેઓ બોમ્બબ્લાસ્ટ નહીં કરે તેની કોઈ ગેરન્ટી ખરી?? નેતાઓ ધ્વજવંદન કરશે અને માથે ખાદીની સફેદ ટોપી પહેરશે પછી ભ્રષ્ટાચાર નહીં કરે તેની ખાત્રી ખરી? વેપારીઓ રાષ્ટ્રગીત ગાશે પછી નફાખોરી નહી કરે તેની બાંહેધરી ખરી? શિક્ષકો જનગણમન ગાયા  પછી પણ ટ્યૂશનખોરી કરવાના છે તેની અમે ખાતરી આપીએ છીએ. ટોકીઝનો સ્ટાફ ફિલ્મ પૂરી થયા બાદ ભલે જનગણ વગાડશે પણ તે વખતે ડોરકીપરના ખિસામાં બ્લેકમાં વેચવા માટેની થોકબંધ ટિકિટો હશે તેનું શું…? ચાલો વિચારીએ.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

લ્યો સાંભળો… પાઠશાળામાં પારણા…?!

         અમેરિકનોને એરેન્જ મેરેજની ખાસ ટેવ નથી. ત્યાં બધાં ડેટીંગ કરે. છોકરીઓ નાની ઉમરે કુંવારી માતા બને. દોસ્તો, ભારતમાં સ્કૂલે જતી છોકરીના લંચબોક્ષમાં માતા શાક રોટલી મૂકી આપે છે તેવી સહજતાથી અમેરિકામાં દીકરીના લંચબોક્ષમાં માતા નિરોધ મૂકી આપે છે. અકાળે આવી પડતા માતૃત્વને કારણે દીકરીનો અભ્યાસ ના બગડે (અને તે પોતાના બાળકને પણ ઉછેરી શકે) તે માટે ત્યાં ઘણી સ્કૂલોમાં પારણાની પણ વ્યવસ્થા હોય છે. પંદર વર્ષની માતા ભણે અને તેની દીકરી તે જ સ્કૂલમાં ઘોડિયે ઝૂલે. આપણને આ બધું જાણીને તમ્મર આવી જાય. પણ ત્યાંની એ પ્રસ્થાપિત જીવનશૈલી સૌએ સ્વીકારી લીધી છે. એથી ત્યાં કોઈ મહિલા બીજી મહિલાને એવું મહેણુ મારતી નથી: ‘બેસ… બેસ… તારી દીકરી કોની સાથે ફરે છે તે કોઇથી અજાણુ નથી!’ બધાંની જ ફરતી હોય અને તે બધાં જ જાણતા હોય… અહીં કોઈ માટે કોઈનું સ્ખલન આશ્ચર્યકારક નથી. યુવાન છોકરા છોકરી છૂટથી હળેભળે… બે ત્રણ વર્ષ સુધી મૈત્રિ ચાલે… પરવડે તો લગ્ન કરે; નહીં તો તું તારા રસ્તે અને હું મારા રસ્તે…! લગ્ન પછી ય લાગે કે ઝામતું નથી તો છૂટાછેડા…! અમેરિકામાં છૂટાછેડા છીંક ખાવા જેવી સહજ ઘટના હોય છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

પાદરીના પાપ પાદરીને નડ્યા

        ક્યારેક ટૂંકા શબ્દોમાં વાત કરવાથી કેવી મુશ્કેલી ઉદભવે છે તેનું ઉદાહરણ એક પુસ્તકમાં વાંચવા મળ્યું. કોઈ સંસ્થામાં ઈન્ટરવ્યૂ આપવા ગયેલા એક પાદરીને પૂછવામાં આવ્યું: ‘તમને શાનો શોખ છે?’ પાદરીએ ભોળાભાવે કહ્યું: ‘નન…!’ (પાદરી એમ કહેવા માંગતો હતો કે એને કોઈ શોખ નથી. પણ ટ્રસ્ટીઓ કાંઈ જુદું જ સમજ્યા અને તેમણે પાદરીને તુરત જ કહ્યું: ‘ગેટ આઉટ…!’ પાદરી બિચારો કાંઈ સમજી શક્યો નહીં કે એને કેમ ગેટ આઉટ કરવામાં આવ્યો? તમે સમજ્યા…??

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

અમેરિકાનું સેક્સ સ્વાતંત્ર્ય

     એક મિત્રે તેમને થયેલો કડવો અનુભવ જણાવતા કહ્યું: ‘અમેરિકાથી પધારેલા એક પરિચિતની સોળ વર્ષની દીકરીને ઉલટીઓ થવા લાગી. ડૉક્ટરે તપાસીને કહ્યું: ‘શી ઈઝ પ્રેગ્નન્ટ’. અમે સૌ સ્તબ્ધ થઈ ગયા. પણ ખરું આશ્ચર્ય તો ત્યારબાદ જન્મ્યું. દીકરીનો બાપ મારા ખભે હાથ મૂકી મને સાઈડ પર લઈ ગયો અને (જાણે એની નહીં મારી કુંવારી દીકરી પ્રેગ્નન્ટ બની હોય એ રીતે મને સાંત્વન આપતો હોય એમ) બોલ્યો: ‘યુ સી… ધીઝ ઓલ થીંગ્સ આર વેરી કોમન ઈન એમરિકા…! યુ ડોન્ટવરી…! આગળ પણ એક બે વાર આવું બન્યું હતું. શી ઈઝ વેરી કેરલેસ…! બટ નો પ્રોબ્લેમ… શી વિલ બી ઓલરાઈટ…! અમારો ફેમેલી ડોક્ટર બધું ઓલરાઈટ કરી દેશે…!’ અમને એવું લાગ્યું જાણે એ વડીલ અમને નહીં પોતાની જાતને આશ્વાસન આપી રહ્યા હતાં: “આઈ વિલ બી ઓલરાઈટ…!”  દોસ્તો, અમેરિકાનો એટમબોમ્બ ભારતમાં ફૂટે તો એમાં અમેરિકાને તો શું નુકસાન થાય… જે થવાનું હોય તે ભારતને થાય..! એટલું નક્કી કે પશ્ચિમના દેશોમાં વસ્યા પછી ભારતીય સંસ્કૃતિની આચારસંહિતા જાળવી રાખવાનું કામ પાકિસ્તાનના નવાઝ શરીફને ભારતના વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢવા જેટલું અશક્ય  છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

અમેરિકામાં યુવાપેઢીનું પ્રેમસ્વાતંત્ર્ય

        અમેરિકાની વિચિત્રતા તો જુઓ. પોતાની યુવાન દીકરીને બોયફ્રેન્ડ ના હોય તો માબાપની ઊંઘ ઊડી જાય છે. એવું લાગે છે જાણે અમેરિકામાં કૌમાર્યભંગ એ યુવાપેઢીની મહામૂલી પ્રતિષ્ઠા ન હોય…!! ત્યાં ટીવી પર જાહેરાતો આવે, તમારા ટીનેજર બાળકોને વિજાતીય મિત્ર ન હોય તો તે નોર્મલ નથી. ઉપાય માટે અમારી પાસે આવો. આપણે આવું હજમ ના કરી શકીએ. અમેરિકાના માબાપોએ એ પ્રકારના યુવાવલણને સ્વીકારી લીધું છે. (ન સ્વીકારે તો ક્યાં જાય…?)

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

ખમીરવંતી નારીનો ખુમારી વૈભવ

    ભારતની મોટાભાગની પત્નીઓ અખંડસૌભાગ્યવતીની સ્થિતિમાં દેહત્યાગ કરવા ઈચ્છતી હોય છે. પરંતુ અમેરિકાની એક નવવધૂનો જવાબ સાંભળી આશ્ચર્ય થશે. તેણે કહ્યું: ‘ના, હું શું કામ પહેલા મરું…? હું ઓલરેડી મારા કૂટુંબની ખૂબ સારી રીતે કાળજી લઈ શકું એટલી કેપેબલ છું, એથી મને મરવાની કોઈ ઉતાવળ નથી. વળી અખંડસૌભાગ્યવતીપણામાં પણ મને કોઈ રસ નથી!’ દોસ્તો, યકીન માનજો આવો ખુમારીવૈભવ, વૈભવલક્ષ્મીનું વ્રત કરવાથી પેદા નથી થતો. અમેરિકાની કન્યાઓ પુરુષસમોવડી થઈને જન્મે છે. ધનના વૈભવ કરતાં ખુમારીનો વૈભવ માણસને આત્મસન્માનપૂર્વક જીવી જવાની પ્રેરણા આપે છે. દોસ્તો, એમ નથી લાગતું કે આપણી ગુજુ નારીઓએ હવે સંતોષી મા કે વૈભવલક્ષ્મીના ખભેથી માથુ ખસેડી ખુદ પર વધુ પડતો ભરોસો રાખવો જોઈએ?

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com