–તો બાપે મહોલ્લામાં પેંડા વહેંચવા જોઈએ

          પ્રેમમાં પડવાના મામલે આજની યુવાપેઢી ભારે ઉત્સાહી હોય છે. તેમને બારમામાં નાપાસ થવા કરતા પ્રેમમાં નાપાસ થવાનું વધુ દુ:ખ થતું હોય છે. પ્રેમને તેઓ યૌવનની યુનિવર્સીટીનો કમ્પલ્સરી સબ્જેક્ટ સમજી દિલ દઈને મહેનત કરે છે. એકવાર પ્રેમ અંગેના કાઉન્સેલીંગમાં એક મોટા વક્તાએ યુવાનોને કહેલું: ‘છોકરીની બ્યૂટી કરતાં બુદ્ધિના વધુ માર્ક્સ મૂકજો. તેની આઈબ્રો પર ભલે ફિદા થઈ જજો પરંતુ તેનો આઈક્યૂ પણ ચકાસજો. છોકરીની ઈન્ટેલિજન્સીને તેની સાચી બ્યૂટી સમજજો. તે બુદ્ધિશાળી હોય તો તે થોડી ઓછી સુંદર હોય તો પણ ચલાવી લેજો. એવી એક છોકરીને હું ઓળખું છું જે બિલકુલ રૂપાળી નથી પણ સદગુણોમાં ડિસ્ટીંક્શન સાથે પાસ થાય એવી છે. તે ભણવામાં હંમેશા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ વિથ ડિસ્ટીંક્શન આવે છે. પરંતુ તેનો પ્રેમી ડફોળ છે. તે તેને લખે છે: ‘પ્રિયે…, પરીક્ષા નજીક આવી રહી છે. હવે તું પ્રેમપત્ર લખવાનું બંધ કરીને પ્રશ્નપત્રની તૈયારી કર. આ વર્ષે પણ તું નાપાસ થઈશ તો આપણા પ્રેમને તું તારા હાથે જ બદનામ કરી બેસીશ. પણ જો ફર્સ્ટ ક્લાસ લાવી શકીશ તો તારા પપ્પા સમક્ષ તું આપણા પ્રેમને ઈજ્જતભેર ઊભો રાખી શકીશ. આપણા પ્રેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તું એટલું ન કરે?”  દોસ્તો, જે પ્રેમપત્રમાંથી સમજદારીની આવી સુંદર સુગંધ આવતી હોય તે પ્રેમપત્ર પર અત્તર છાંટવાની જરૂર રહે ખરી…?? બલકે એમ કહી શકાય કે સદગુણોની આવી સુગંધથી મઘમઘતો પ્રેમપત્ર છોકરાના બાપના હાથે ચઢી જાય તો તે બાપે ગુસ્સે થવાને બદલે મહોલ્લામાં પેંડા વહેંચવા જોઈએ…!’ એવી સદગુણી કન્યામાં શ્રેષ્ઠ પુત્રવધૂ બનવાની શક્યતાઓ રહેલી હોય છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

દિલના દસ્તાવેજમાં લાગણીના સહીસિક્કા એટલે પ્રેમપત્ર…!

          પ્રેમપત્ર લખવો એ ધારીએ તેટલું સહેલું નથી. દિલને વિજાતીય પાત્ર સમક્ષ શબ્દોના હાથ વડે નિર્વસ્ત્ર કરવાનું કામ એટલે પ્રેમપત્ર લખવો તે ઘટના…! બાળકની પ્રસૂતિવેળા નર્સ જેટલી કાળજી લે છે તેટલી કાળજી પ્રેમપત્ર લખતીવેળા લેવાવી જોઈએ. શબ્દોમાં પ્રેમનો કરન્ટ નહીં હોય તો એ પ્રેમપત્ર લવની લાશ સમો બની રહે છે. ટપાલીના થેલામાં આજકાલ એવી રંગબેરંગી લાશોની સંખ્યા વધતી જાય છે. પ્રેમપત્રોમાંથી યુવાનોના પ્રેમનું જ નહીં, તેમના આંતરિક સત્વનું ય માપ નીકળે છે. દોસ્તો, પ્રેમ કરવા કરતાં પ્રેમપત્ર લખવાનું કામ ઘણું અઘરુ  છે. કેમકે પ્રેમ કુદરતી લાગણી હોવાથી આપણે તેમાં (અદ્રશ્યપણે સંડોવાવા સિવાય) બીજી કશી મહેનત કરવી પડતી નથી. એથી પ્રેમ સહેલાયથી થઈ જાય છે. જ્યારે પત્ર લખવામાં લાગણીની નહીં લેખનકળાની જરૂર પડે છે. પ્રેમ ગામડાનો અભણ ગોવાળિયો પણ કરી શકે… પણ એક સુંદર અને હ્રદયસ્પર્શી પ્રેમપત્ર લખવાનું કામ ગજબના કલમલસબી માટે જ શક્ય છે. એથી કોઈ એમ કહે કે લયલા–મજનુ કે શિરી– ફરહાદને પણ પ્રેમપત્ર લખતા આવડતું ન હતું તો તે માની લેવું પડે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

સૌંથી ટૂંકો પ્રેમપત્ર કયો…?

          પ્રેમપત્ર લખવો એટલે કાગળ પર લાગણીનો નકસો ચીતરવવા જેવી વાત ગણાય. પ્રેમપત્ર લખતી યુવતી કાગળના કેનવાસ પર પોતાના દિલનો સ્કેચ દોરે છે. એ સ્કેચ ગમે તેટલો ખરાબ હોય તો પણ પ્રેમીને તે તાજમહેલ જેટલો સુંદર લાગે છે. કૂલ્ફીની લંબાઈ બાળકોને કઠતી નથી અને ભૂખ્યાને કાચી રોટલી કનડતી નથી તેમ લાંબા પ્રેમપત્રો પણ પ્રેમીઓને આકરા નથી લાગતા. જોકે સત્ય એ છે કે ટૂંકા પ્રેમપત્રની લાઘવતા વિશેષ અસરકારક નીવડે છે. પંદર પાના ભરીને લખાયેલા લાંબા પ્રેમપત્ર કરતા પંદર વાર વાંચવાનું મન થાય એવો એક પાનાનો ટૂંકો પ્રેમપત્ર વિશેષ અસરકારક નીવડે છે. જાણો છો દુનિયાનો સૌથી ટૂંકો પ્રેમપત્ર કયો છે…? કદાચ ‘આઈ લવ યૂ’ થી ટૂંકો પ્રેમપત્ર બીજો હશે નહીં. આંખો પાસેથી ટપાલીનું કામ લઈ શકાય તો આ ત્રણ શબ્દના પ્રેમપત્રને કલમ, કાગળ કે ટિકિટની જરૂર રહેતી નથી. એક આંખ ‘આઈ લવ યૂ’ નો એસ.અમ.એસ. મોકલે છે…. બીજી આંખ ક્ષણમાં એ ઝીલી લે છે અને વળતી જ ક્ષણે દિલના અણુએ અણુમાં એ લાગણી ફરી વડે છે. અમે આનાથી ઝડપી સંદેશા વ્યવહાર બીજે જોયો નથી.  

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

દોઢ લાખની વાત…!

          દોસ્તો, એક વાત સમજાય છે. છેલ્લી એક સદીમાં સ્ત્રીઓએ ધરખમ પ્રગતિ કરી છે. તે હવે પુરૂષ સમોવડી બની ચૂકી છે. જો એ જિંદગીભર પુરૂષના ખભે મસ્તક ઢાળીને જીવી જવાની જીદ છોડી દે તો એનું મસ્તક કાંઈ એટલું ભારે નથી કે પોતાની ગરદન પર ટટ્ટાર ઊભું ન રહી શકે. સ્ત્રી સંસારનું ચાલકબળ છે. પૃથ્વીનું એપિસેન્ટર છે. પુરૂષોનો પ્રાણવાયુ છે. સ્ત્રીઓને અન્ડરએસ્ટિમેટ કરવાનું હવે પુરૂષોને પરવડતું નથી. સ્ત્રી ઘરમાં રસોડુ સંભાળે છે. બાળકોને સંભાળે છે. ઘરનો ઢસરડો કરીને ઓફિસે જાય છે, ત્યાં નોકરી સંભાળે છે. દાંપત્યજીવનમાં પતિ અને સંસારનો કારોબાર સંભાળે છે. શોધવા નીકળો તો સમાજમાંથી એવા અસંખ્ય કિસ્સાઓ મળી આવે જેમાં પુરૂષો કરતાં સ્ત્રીનો પગાર વધુ હોય. છતાં બહુધા પરિવારોમાં ખર્ચનો સઘળો પાવર ઓફ એટર્ની પુરૂષના હાથમાં હોય છે. કેટલાંક ઘરોમાં તો સ્થિતિ એવી હોય છે કે છ આંકડાનો પગાર લાવતી કમાઉ પત્નીએ એકાદ સાડી ખરીદવી હોય તો ય પતિદેવ ખુશમિજાજમાં હોય તેવી ઘડીની પ્રતીક્ષા કરવી પડે છે. એવી કમાઉ પત્નીને છૂટાછેડા આપવાનું પતિને ખાસ પરવડતું નથી. અમારા એક મિત્રની પત્નીનો પગાર દોઢ લાખ છે. મિત્ર ક્રોધી સ્વભાવના છે. ઘણીવાર આક્રોશ ઠાલવતા એ કહે છે: ‘મારું ઘર એના પગારમાંથી ચાલે છે. પણ ક્યારેક તો એ ઘરમાં એવો ત્રાસ આપે છે કે એને લાત મારી ઘરમાંથી કાઢી મૂકવાની ઈચ્છા થાય છે. પણ એ લાત મને દોઢ લાખની પડે. હું એટલી મોંઘી લાત એફોર્ડ કરી શકું એવી સ્થિતિમાં નથી…!” દોસ્તો, અહીં કલ્પના એ કરો કે એ સ્ત્રી માત્ર હાઉસવાઈફ હોય અને એની કોઈ કમાણી ના હોય તો એની શી દશા થાય…? સ્ત્રીઓનું સાચું સશક્તિકરણ તેમના વિકાસ અને પ્રગતિમાં સમાયેલું છે, અને તે માટે સ્ત્રીશિક્ષણ અનિવાર્ય છે. હવે દરેક દીકરી ભણે તે સંસાર, સમાજ અને સમગ્ર સૃષ્ટિ માટે જરૂરી છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

સ્ત્રી સંસારની જણસ છે પણ શિક્ષણ સ્ત્રીની સાચી જણસ છે..!

          દોસ્તો, એકવીસમી સદીમાં પણ સ્ત્રીઓનું શોષણ થાય છે એ વાત નિર્વિવાદ છે. ભારતમાં જ નહીં, વિશ્વભરના દેશોમાં વધતે ઓછે અંશે સ્ત્રીઓનું શોષણ થાય છે. ક્યારેક તો ઘરનો સ્ત્રીવર્ગ જ છોકરીઓને વધુ ભણાવવાનો વિરોધ કરે છે. સ્ત્રીઓના આવા અબૌદ્ધિક ઉધામાઓ તેમની સ્થિતિને વધુ શોષણક્ષમ બનાવે છે. એવી સ્ત્રીઓને ક્યારે સમજાશે કે અલૂણા કરવાથી સારો પતિ મળી જતો નથી. પોતાની સામે પચાસ ખૂબ સારા એજ્યુકેટેડ મુરતિયાઓ લાઈન લગાવીને બેઠા હોય અને કોઈ તેજસ્વી કન્યા તેમના ઈન્ટરવ્યૂ લઈ ધડાધડ તેમને રિજેક્ટ કરતી હોય એવા દ્રશ્યની કલ્પના થઈ શકે ખરી? એ વાત સાવ અશક્ય નથી પણ એવી સ્થિતિ અલૂણા, કે જયાપાર્વતીનું વ્રત કરવાથી પ્રાપ્ત થઈ શકતી નથી. (અમેરિકાની કન્યાઓ ક્યાં વૈભવલક્ષ્મી કે સોળસોમવારનું વ્રત કરે છે…? પણ સમગ્ર વિશ્વ સાક્ષી છે કે તેમણે ગજબનો વિકાસ કર્યો છે. એવી અમેરિકાની એક કન્યાએ લગ્ન કર્યા પછી પત્રકારોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું: ‘મને અખંડ સૌભાગ્યપણામાં લગીરે રસ નથી… હું શું કામ મારા પતિથી પહેલા મૃત્યુ પામુ…? હું મારા બાળકો સહિત મારા સંસારનો સઘળો કારોબાર ખૂબ સારી રીતે ચલાવી શકું એટલી કેપેબલ છું એથી અનિવાર્યતા ઊભી થાય તો મને અખંડસૌભાગ્યવતી રહેવા કરતાં વિધવા બનવાનું જરૂર ગમે…!’) આવી ખુમારી માટે કન્યાએ સિદ્ધિના સર્વ શિખરો સર કર્યા હોવા જોઈએ. એવી સર્વગુણસંપન્ન કન્યા સિંહણ જેવી ગણાય. સિંહણને રીઝવવા માટે સસલુ ન ચાલે… ભરાવદાર કેશવાળીવાળો જંગલનો રાજા (સિંહ) જોઈએ. સિંહણ કદી ગલીના કૂતરા પર પસંદગી ઉતારતી નથી. સારી કન્યાએ જો ‘કન્યારત્ન’ના તમામ એવોર્ડ અંકે કર્યા હશે તો તેના ઘર આગળ મુરતિયાઓની લાઈન લાગી જશે. એવી સિદ્ધિ માટે ઉચ્ચ શિક્ષણનો કોઈ વિકલ્પ નથી. અમેરિકા ટોચનો વિકસિત દેશ છે; પરંતુ ત્યાં પણ  સ્ત્રી જો ઉચ્ચ શિક્ષણ મેળવતી ના હોત તો તે ચંદ્ર પર પહોંચી ના શકી હોત. સ્ત્રીઓ માટે શિક્ષણ વસ્ત્રો પહેરવા જેટલું જરૂરી છે. કાગળ વાંચી શકતી ગામડાની ‘ગગી’ ય તેના પતિ પર લખાતા કોઈ પરસ્ત્રીના પ્રેમપત્રો વાંચી સવેળા ચેતી જઈ શકે છે. જો વધુ ભણીને એણે દિમાગી તેજસ્વીતા હાંસલ કરી હશે તો એનામાં એક સ્પેશિયલ ખુમારીનો વિકાસ થયો હશે. અને તેમ થયું હશે તો કડવાચોથને દિવસે પતિના પગ ધોઈને પી જવાનો ‘પતિધર્મ’ પાળવાને બદલે તે પતિની પ્રકૃતિથી એ રગેરગ વાકેફ રહેશે. પતિ જોડે જો કોઈ સાંસારિક મનમુટાવ થશે તો તે ખૂબ બુદ્ધિપૂર્વક સમસ્યાનો ઉકેલ લાવશે. પરંતુ પોતાના તમામ પ્રમાણિક પ્રયાસો પછી પણ પતિ ‘અડિયલ ટટ્ટુ’ બની પોતાની જીદ પર અડી જશે તો તે સ્ત્રી ગરીબ ગાય બની પતિની આશ્રિત બની રહેવાને બદલે સ્વયં નોકરી કરીને પોતાના સંસારનું સ્ટીયરિંગ ખુદ સંભાળી શકશે. ઘરના બારીબારણા બંધ કરીને રૂમને એક ખૂણે બેસી આંસુઓનો ધોધ વહાવવાને બદલે તેના લંપટ પતિનો કાન ઝાલી તેને કોર્ટમાં ખેંચી જશે. દોસ્તો, એવી ખણખણતી ખુમારી તેનામાં શિક્ષણ દ્વારા જ પ્રગટશે. એથી ભારતની પરિણિત સ્ત્રી ભલે સંતોષીમાનું કે વૈભવલક્ષ્મીનું વ્રત કરતી રહે, પણ તેનો સાચો ઉદ્ધાર ઉચ્ચ શિક્ષણ અને તેમના બૌદ્ધિક તથા રેશનલ વિકાસથી જ થશે. સ્ત્રી મંગળસૂત્ર દ્વારા પોતાને કોકની અમાનત ગણાવે છે પણ પ્રત્યેક પરિણિત સ્ત્રીનું સાચું સૌભાગ્યત્વ સ્ત્રી હોવાની પોતીકી ખુમારીમાં હોય છે. અરે…! ગુજરાતની દીકરીઓએ ઝનૂનપૂર્વક ઝઝૂમી બહારવટિયાઓને પણ ભગાડ્યા હોય એવી ઘટના બની છે. દોસ્તો, એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે આ સંસારની રિયાસત પર પુરૂષ કરતા સ્ત્રીનો વધુ સાચો અધિકાર છે. કેમકે સ્ત્રી સંસારની જનેતા છે. આ દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું તેમની ફેક્ટરીમાં જેટલું અને જેવું મહત્વ છે તેટલું આ સંસારમાં સ્ત્રીઓનું છે. એથી સ્ત્રીને ‘જગતજનની’નું જે બિરૂદ મળ્યું છે તે કોઈ રીતે અયોગ્ય નથી. પ્રત્યેક સ્ત્રી પોતાની શક્તિને પિછાણે અને દુનિયાના વિકાસ માટે પોતાને કુદરતે બક્ષેલા સ્ત્રીત્વનો સમુચિત વિનિયોગ કરે તેમાં જ સાચું ‘સ્ત્રીસશક્તિકરણ’ સમાયેલું છે. પ્રત્યેક નારીવાદી સ્ત્રી આટલું સમજે તે જરૂરી છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

કાચી ઈંટોને દીવાલમાં ના ચણીએ

     છોકરી વીસ બાવીસની થાય એટલે માબાપ તેના લગ્ન કરી દેવાની ઉતાવળ કરે છે. તેને કહેવામાં આવે છે, ‘તારે ડિગ્રી મેળવીને શું કરવું છે? ભણ્યા પછી અંતે તો ચૂલો જ ફૂંકવાનો છે ને…?’ પ્રશ્ન થાય છે – શું સ્ત્રીઓ દુનિયામાં ચૂલાચૌકી સંભાળવા જ જન્મે છે? સ્ત્રીને પુરૂષોની જેમ ઉચ્ચ શિક્ષણ મેળવીને આગળ વધવાનો કોઈ અધિકાર નથી? જોકે સમાજમાં હવે કન્યાઓને ભણાવવાનું વલણ વધતું જાય છે. છોકરીઓ પણ ભણવામાં છોકરાઓ કરતાં આગળ રહે છે. છતાં ગ્રામીણ ઈલાકાઓના પછાત લોકોમાં હજી ય છોકરીઓને ઉચ્ચ શિક્ષણની શી જરૂર એવી વાતો થાય છે.  દોસ્તો, સ્ત્રીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવવું જોઈએ કે નહીં એ પ્રશ્ન સ્ત્રીઓએ શ્વાસ લેવા જોઈએ કે નહીં એમ પૂછવા જેવી ભૂલ ગણાય. ભલે સ્ત્રીએ ભણ્યા પછી ચૂલો જ સંભાળવાનો હોય પણ ભણવાથી જાગૃતિ આવે છે અને સ્ત્રીઓનો ચૈતસિક સ્તરે વિકાસ થાય છે. રસોડામાં કામ કરતી ભણેલી સ્ત્રી જાણે છે કે ફ્રીઝનો દરવાજો વધુવાર ખુલ્લો રાખવાથી લાઈટ વધુ વપરાય છે. કૂકરનો વાલ્વ ઊડી જાય ત્યારે અભણ સ્ત્રી તેમાં સીસુ પુરાવીને (અથવા લાકડાનો બૂચ મારીને) કામ ચલાવે છે. જ્યારે એવું કરવાથી શું નુકસાન થાય છે તેની ભણેલી સ્ત્રીને ખબર હોય છે. ભણેલી સ્ત્રી ગળામાં એપ્રોન પહેરીને રસોડામાં કામ કરે છે અને હાથ લૂછવા માટે એક અલગ કટકો રાખે છે. અભણ સ્ત્રી પોતાના સાડલાથી હાથ લૂછે છે. ભણેલી સ્ત્રી દીવાલે બાઝેલાં જાળા પાડે ત્યારે ઝાડુ બલ્બને અડી ન જાય તેની કાળજી રાખે છે કેમકે તેને ખબર હોય છે કે બલ્બની નાજુક ફિલામેન્ટ ઝાડુ અથડાવાથી તૂટી જઈ શકે છે. જ્યારે અભણ સ્ત્રી ઝાડુ બલ્બને અથડાવીને  બલ્બ ઉડાડી દે છે. આમ ભણેલી સ્ત્રી અને અભણ સ્ત્રીના કારભાર વચ્ચે બહુ મોટો તફાવત હોય છે. તાત્પર્ય એટલું જ કે કન્યાઓને પૂરેપૂરું ઊચ્ચ શિક્ષણ આપવું એ જરૂરી જ નહીં અનિવાર્ય છે. દોસ્તો, પૂરું ભણ્યા વિનાની કન્યાને કાચી ઉમરે સંસારમાં જોતરી દેવી એટલે કાચી ઈંટને દીવાલમાં ચણવા સમી ભૂલ ગણાય. જો તમારે ત્યાં દીકરી હોય તો આટલું જરૂર વિચારજો. કેમકે એ દીકરી પરણીને પારકા ઘરે જવાની છે. તમે આજે તેને ભણાવી ગણાવીને જેટલી કાબેલ બનાવશો તેટલી તે સાસરામાં સુખી થશે અને બીજાને પણ સુખી કરશે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

સુવર્ણ મુકુટ અને કટાયેલું લોખંડ…!

          દોસ્તો, દુનિયાની પ્રત્યેક એવી વ્યક્તિ સરાહનીય છે જેમના પ્રયાસો માનવજાતને સુખી કરવાની દિશામાં હોય. એ કારણે એક સાધુ કરતાં સાયન્ટિસ્ટ દુનિયાને વધુ ઉપયોગી છે. સાયન્ટિસ્ટ નિત્ય નવી શોધો કરીને માનવજીવનને વધુ ને વધુ સુખસુવિધાઓ આપે છે. જ્યારે સાધુઓ અહીં તહીં ભટકીને લોકોની ભીક્ષા મેળવી આયખુ પૂરું કરે છે. આ દુનિયામાં સર્જાયેલાં સુખ સુવિધાઓમાં સાધુઓનો રજ માત્ર ફાળો હોતો નથી. દુનિયાભરના દુષ્ટો ભેગાં મળીને કોઈ નદી પર પૂલ બાંધવાનું કામ કરે તો એ કામ મંદિરમાં બેસીને ઘંટનાદ કરવા કરતા વધુ ચડિયાતુ ગણાય. એક ખિસ્સાકાતરૂ પોતાની કમાણીમાંથી કોઈ ગરીબ વિદ્યાર્થીને નોટબુક કે પુસ્તકો ખરીદી આપે તો તેની ઈજ્જત અમારી નજરમાં, (ધનવાનોની એસી કારમાં મહાલતા) કથાકારો કરતાં વિશેષ અંકાય છે. આપણે તિરૂપતિ કે શિરડીના સાંઈબાબાને ચરણે લાખો રુપિયાનું સોનુ ચઢાવીએ છીએ. પણ એ આપણી શ્રદ્ધા દ્વારા જન્મેલો આંધળો અભિષેક છે. આપણે અગર આપણી શ્રદ્ધામાં થોડી સમજદારીનું મોણ નાખીશું તો જરૂર સમજાશે કે  દેશના હજારો મંદિરોમાં દેવોને માથા પર નિરર્થક પડી રહેતા સોનાના મુકુટ કરતાં ગરીબ મજૂરની લારીમાં વપરાયેલું કટાયેલું લોખંડ ઘણું ઉપયોગી ગણાય.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

યાતનાઓ સામે ઉપાયોનો રેશિયો

             લાયન્સ ક્લબ, રોટરી ક્લબ જેવી શહેરની અનેક ક્લબો માનવસેવાના ખૂબ સારા કામો કરે છે. મોટેભાગે એમાં શહેરના શ્રીમંત લોકો મોંઘી ફી ભરીને સભ્ય બનતા હોય છે. તેઓ દર વર્ષે ડોનેશન આપે છે. એઓ ગામડામાં જઈને ત્યાંના ગરીબો માટે જે કાંઈ જરૂરી હોય તે મદદ કરે છે. તમે વહેલી સવારે મંદિરે જળનો અભિષેક કરવા નીકળો અને માર્ગમાં એવી કોઈ ક્લબના મકાન આગળ અભિષેક કરી આવશો તો તે સીધો દેવતાના દરબારમાં પહોંચશે. અમારા મિત્ર બચુભાઈ કહે છે: “સત્યનારાયણની કથા થાય છે ત્યારે તેમાં શ્રીફળ મૂકવામાં આવે છે. એ શ્રીફળ કરતાં ય અમે પેલી ક્લબોના મકાનની ઈંટને વધુ પવિત્ર ગણીએ છીએ. નવસારીમાં રોટરી ક્લબે આંખની હોસ્પિટલ સ્થાપી છે તેમાં વર્ષોથી ગરીબો માટે નિયમિત મોતિયા વગેરેના કેમ્પ યોજાય છે. એ કેમ્પોમાં ગરીબોના મફત ઓપરેશનો કરવામાં આવે છે. એવી વિવિધ ક્લબોની નામાવલી એટલે શહેરમાં વસતા સજ્જનોની વસતીગણતરી…! દરેક શહેરોના સમજુ નાગરિકોએ હવે મંદિરના મોહમાંથી બહાર નીકળી માનવસેવાના કામો કરતી આવી ક્લબોના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. માણસોની વસાહતોમાં દુ:ખ દર્દોનું પ્રમાણ એટલું વધારે છે કે પ્રત્યેક શહેરમાં એક મંદિર સામે ત્રણ ક્લબો અને ચાર હૉસ્પિટલો હોવી જોઈએ. એવું થઈ શકશે તો યાતનાઓ સામે ઉપાયોનો રેશિયો જળવાયેલો રહેશે. આપણે દુનિયાની દુર્જનતા ની સામે સજ્જનતાનું પ્રમાણ જાળવી રાખવું પડશે, મતલબ સમાજમાં એક દાઉદ ઈબ્રાહિમની સામે બે રવિશંકર મહારાજ હોવા જોઈશે. નહીંતર આજે આતંકવાદી માહોલમાં સ્થિતિ એવી છે કે રોજ રાવણો જન્મતા રહે છે… મતલબ પેલા ગુજરાતી ગીતમાં કહેવાયું છે તે મુજબ: “હવે પ્રભુ અવતાર લો તો જાણુ… અહીં રાવણો છે સોમાંથી નવ્વાણુ…!!”

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

લલ્લુ લેખક ન ચાલે…!

         અખબરો માત્ર સમાચારોથી નથી ચાલતા. ફિલ્મોની ગોસીપ અને સાહિત્યના લેખો પણ લોકો રસપૂર્વક વાંચે છે. શેરબજારમાં ભલે આપણને રસ ના હોય પણ લાખો લોકો શેરબજારના સમાચાર માટે વહેલા ઊઠીને અખબારની રાહ જોતા હોય છે. અખબારોની વિવિધ પૂર્તિઓ બૂફે ડિનરના સ્ટોલ જેવી હોય છે. એમાં એક જ ટેબલ પર પંદર વીસ વાનગીઓના કમન્ડળો ગોઠવવામાં આવ્યા હોય છે તે રીતે અખબારોની પૂર્તિઓમાં પણ ચિંતનલેખો, હાસ્યલેખો, બાળલેખો, રાજકીય લેખો કે ફિલ્મી લેખો વગેરેના અનેક વિભાગો રજૂ કરવામાં આવે છે. જે અખબારો પાસે બુદ્ધિશાળી વાચકો હોય તે અખબારની જવાબદારી (તેજસ્વી વિદ્યાર્થીઓના પ્રોફેસર જેવી) જટીલ બની રહે છે. ક્યારેક પ્રોફેસર કરતાં વિદ્યાર્થીઓ વધુ હોશિયાર હોય છે. એથી બ્રિલિયન્ટ સ્ટુડન્ટના પ્રોફેસરોને ડફોળ રહેવાનું પરવડતું નથી. એવા તેજસ્વી વિદ્યાર્થીઓને કારણે પ્રોફેસરોની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લાગી જાય છે. અમેરિકા જેવા વિકસિત દેશના નાગરિકોને રોજ સવારે ધર્મપુસ્તકોમાં કે માળા ફેરવવામાં બે કલાક વેડફવાનું પરવડતું નથી તેમ હોશિયાર અને બુદ્ધિશાળી વાચકો ધરાવતા અખબારોના લેખકોને પણ ‘લલ્લુ’ રહેવાનું પરવડતું નથી.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com