સ્ત્રી સંસારની જણસ છે પણ શિક્ષણ સ્ત્રીની સાચી જણસ છે..!

          દોસ્તો, એકવીસમી સદીમાં પણ સ્ત્રીઓનું શોષણ થાય છે એ વાત નિર્વિવાદ છે. ભારતમાં જ નહીં, વિશ્વભરના દેશોમાં વધતે ઓછે અંશે સ્ત્રીઓનું શોષણ થાય છે. ક્યારેક તો ઘરનો સ્ત્રીવર્ગ જ છોકરીઓને વધુ ભણાવવાનો વિરોધ કરે છે. સ્ત્રીઓના આવા અબૌદ્ધિક ઉધામાઓ તેમની સ્થિતિને વધુ શોષણક્ષમ બનાવે છે. એવી સ્ત્રીઓને ક્યારે સમજાશે કે અલૂણા કરવાથી સારો પતિ મળી જતો નથી. પોતાની સામે પચાસ ખૂબ સારા એજ્યુકેટેડ મુરતિયાઓ લાઈન લગાવીને બેઠા હોય અને કોઈ તેજસ્વી કન્યા તેમના ઈન્ટરવ્યૂ લઈ ધડાધડ તેમને રિજેક્ટ કરતી હોય એવા દ્રશ્યની કલ્પના થઈ શકે ખરી? એ વાત સાવ અશક્ય નથી પણ એવી સ્થિતિ અલૂણા, કે જયાપાર્વતીનું વ્રત કરવાથી પ્રાપ્ત થઈ શકતી નથી. (અમેરિકાની કન્યાઓ ક્યાં વૈભવલક્ષ્મી કે સોળસોમવારનું વ્રત કરે છે…? પણ સમગ્ર વિશ્વ સાક્ષી છે કે તેમણે ગજબનો વિકાસ કર્યો છે. એવી અમેરિકાની એક કન્યાએ લગ્ન કર્યા પછી પત્રકારોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું: ‘મને અખંડ સૌભાગ્યપણામાં લગીરે રસ નથી… હું શું કામ મારા પતિથી પહેલા મૃત્યુ પામુ…? હું મારા બાળકો સહિત મારા સંસારનો સઘળો કારોબાર ખૂબ સારી રીતે ચલાવી શકું એટલી કેપેબલ છું એથી અનિવાર્યતા ઊભી થાય તો મને અખંડસૌભાગ્યવતી રહેવા કરતાં વિધવા બનવાનું જરૂર ગમે…!’) આવી ખુમારી માટે કન્યાએ સિદ્ધિના સર્વ શિખરો સર કર્યા હોવા જોઈએ. એવી સર્વગુણસંપન્ન કન્યા સિંહણ જેવી ગણાય. સિંહણને રીઝવવા માટે સસલુ ન ચાલે… ભરાવદાર કેશવાળીવાળો જંગલનો રાજા (સિંહ) જોઈએ. સિંહણ કદી ગલીના કૂતરા પર પસંદગી ઉતારતી નથી. સારી કન્યાએ જો ‘કન્યારત્ન’ના તમામ એવોર્ડ અંકે કર્યા હશે તો તેના ઘર આગળ મુરતિયાઓની લાઈન લાગી જશે. એવી સિદ્ધિ માટે ઉચ્ચ શિક્ષણનો કોઈ વિકલ્પ નથી. અમેરિકા ટોચનો વિકસિત દેશ છે; પરંતુ ત્યાં પણ  સ્ત્રી જો ઉચ્ચ શિક્ષણ મેળવતી ના હોત તો તે ચંદ્ર પર પહોંચી ના શકી હોત. સ્ત્રીઓ માટે શિક્ષણ વસ્ત્રો પહેરવા જેટલું જરૂરી છે. કાગળ વાંચી શકતી ગામડાની ‘ગગી’ ય તેના પતિ પર લખાતા કોઈ પરસ્ત્રીના પ્રેમપત્રો વાંચી સવેળા ચેતી જઈ શકે છે. જો વધુ ભણીને એણે દિમાગી તેજસ્વીતા હાંસલ કરી હશે તો એનામાં એક સ્પેશિયલ ખુમારીનો વિકાસ થયો હશે. અને તેમ થયું હશે તો કડવાચોથને દિવસે પતિના પગ ધોઈને પી જવાનો ‘પતિધર્મ’ પાળવાને બદલે તે પતિની પ્રકૃતિથી એ રગેરગ વાકેફ રહેશે. પતિ જોડે જો કોઈ સાંસારિક મનમુટાવ થશે તો તે ખૂબ બુદ્ધિપૂર્વક સમસ્યાનો ઉકેલ લાવશે. પરંતુ પોતાના તમામ પ્રમાણિક પ્રયાસો પછી પણ પતિ ‘અડિયલ ટટ્ટુ’ બની પોતાની જીદ પર અડી જશે તો તે સ્ત્રી ગરીબ ગાય બની પતિની આશ્રિત બની રહેવાને બદલે સ્વયં નોકરી કરીને પોતાના સંસારનું સ્ટીયરિંગ ખુદ સંભાળી શકશે. ઘરના બારીબારણા બંધ કરીને રૂમને એક ખૂણે બેસી આંસુઓનો ધોધ વહાવવાને બદલે તેના લંપટ પતિનો કાન ઝાલી તેને કોર્ટમાં ખેંચી જશે. દોસ્તો, એવી ખણખણતી ખુમારી તેનામાં શિક્ષણ દ્વારા જ પ્રગટશે. એથી ભારતની પરિણિત સ્ત્રી ભલે સંતોષીમાનું કે વૈભવલક્ષ્મીનું વ્રત કરતી રહે, પણ તેનો સાચો ઉદ્ધાર ઉચ્ચ શિક્ષણ અને તેમના બૌદ્ધિક તથા રેશનલ વિકાસથી જ થશે. સ્ત્રી મંગળસૂત્ર દ્વારા પોતાને કોકની અમાનત ગણાવે છે પણ પ્રત્યેક પરિણિત સ્ત્રીનું સાચું સૌભાગ્યત્વ સ્ત્રી હોવાની પોતીકી ખુમારીમાં હોય છે. અરે…! ગુજરાતની દીકરીઓએ ઝનૂનપૂર્વક ઝઝૂમી બહારવટિયાઓને પણ ભગાડ્યા હોય એવી ઘટના બની છે. દોસ્તો, એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે આ સંસારની રિયાસત પર પુરૂષ કરતા સ્ત્રીનો વધુ સાચો અધિકાર છે. કેમકે સ્ત્રી સંસારની જનેતા છે. આ દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું તેમની ફેક્ટરીમાં જેટલું અને જેવું મહત્વ છે તેટલું આ સંસારમાં સ્ત્રીઓનું છે. એથી સ્ત્રીને ‘જગતજનની’નું જે બિરૂદ મળ્યું છે તે કોઈ રીતે અયોગ્ય નથી. પ્રત્યેક સ્ત્રી પોતાની શક્તિને પિછાણે અને દુનિયાના વિકાસ માટે પોતાને કુદરતે બક્ષેલા સ્ત્રીત્વનો સમુચિત વિનિયોગ કરે તેમાં જ સાચું ‘સ્ત્રીસશક્તિકરણ’ સમાયેલું છે. પ્રત્યેક નારીવાદી સ્ત્રી આટલું સમજે તે જરૂરી છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s