ઘડપણ એટલે ફાટેલો વોલીબોલ

          કોઈ વૃદ્ધ કવિએ આયનામાં જોઈને શબ્દો ઉચ્ચાર્યા હશે: “ગાલે પડી કરચલીઓ અને આંખો થઈ અંધેર… જુવાનીનો બંગલો જુવો કેવો બન્યો ખંડેર…!” ઘડપણ જિંદગીની કષ્ટદાયક અવસ્થા છે. ઈશ્વરની ગમે તેટલી ભક્તિથી તેમાં ઈંચ જેટલો ય ફેર પડી શકતો નથી. હા, એક વાત સ્વીકારવી પડશે. કસરત, યોગા, પૌષ્ટિક ખોરાક વગેરેથી ઘડપણની ગાડીમાં થોડું પેટ્રોલ પૂરી શકાય છે. અમારા બચુભાઈ કહેછે: “આખી જિંદગી માણસ ઘર અને દફતર વચ્ચે વોલીબોલની જેમ ફંગોળાતો રહે છે. પણ ફાટેલો બોલ ખૂણામાં ફંગોળાઈ જાય છે તેમ નિવૃત્ત થયેલા માણસની સ્થિતિ પણ એવી થાય છે..!” છતાં ઘડપણ પુરાણા સિક્કાઓ જેવું ગણાય. તે ભલે ચલણમાં ન હોય પણ તેની પણ એક ચોક્કસ વેલ્યુ હોય છે. સમાજમાં ઘરડાઓને ખાસ આદર આપવામાં આવે છે. સરકાર પણ સીનિયર સીટીઝનનોને રેલ્વે, બસ, ઈન્કમટેક્ષ તથા બીજી ઘણી બાબતોમાં રાહત આપે છે. શરત એટલી કે પોતાના ઘડપણને ઓળખીને માણસને જીવતાં આવડવું જોઈએ.

dineshpanchal.249@gmail.com   dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

એ ફોજદારી ગુનો ગણાવો જોઈએ

         કોઈ ગુંડાને મકાન ભાડે આપવું અને ગધેડા જેવો સ્વર ધરાવતા માણસને માઈક આપવું એ બન્ને ઘટનામાં ફેર એટલો કે ગુંડો મહોલ્લાના એકાદ માણસને હેરાન કરે છે. જ્યારે પેલા નબળા ગાયકની ન્યુસન્સ વેલ્યું માઈકના ઘોડે ચઢીને આખા મહોલ્લાને બાનમાં રાખે છે. ગાતા ન આવડે તે ગુનો નથી પણ એ જાણતા હોવા છતાં માઈક હાથમાં લઈને શક્ય એટલા મોટા અવાજે રાગડા તાણવા એ ફોજદારી ગુનો ગણાવો જોઈએ. જેમના કાન પાસે ઊંચી કલાસૂઝ હશે તેમણે દરેક નવરાત્રિ ટાણે સંગીતનો ભૂખમરો વેઠવો પડે છે. અમૃતની અપેક્ષા હોય તેવે ટાણે કોઈ ગ્લાસભરીને લઠ્ઠો ધરે તેવી હાલત થાય છે. બચુભાઈ હંમેશા કહે છે: “તમારો ટેસ્ટ બહુ ઊંચો હશે તો તે દુ:ખી થવાની પૂરી ગેરન્ટી બની રહેશે. ભૂખ લાગે અને તમે કાજુ બદામ કે પિસ્તા સિવાય બીજું કશું ખાઈ જ ના શકતા હો તો ભૂખે મરવાનો વારો આવે…!”

માણસને મરણોત્તર સજા કેમ ન કરી શકાય…? એકવાર લારી પર તળાતા ભજીયા જોઈ અમે ઉમળકાભેર તે તરફ ફંટાતા હતા, ત્યાં અમારુ બાવડું ઝાલીને બચુભાઈએ અમને મુખ્ય માર્ગ પર વાળતાં કહ્યું: “એ ભજીયામાં હનુમાનજીના આશીર્વાદ ભળ્યા છે. એથી એવા ભજીયા હનુમાનભક્તોના ગળે જ ઉતરે આપણા ગળે નહીં…!” એમની વાત ન સમજી શક્યાનો ભાવ અમારા ચહેરા પર આવી ગયો એટલે બચુભાઈએ સ્પષ્ટતા કરી: ‘વાત સાંભળો. હનુમાનજીના મંદિરમાં મૂર્તિ પર લોકો જે તેલ ચઢાવે છે તે બધું તેલ પૂજારી નીક વાટે બહાર એક બરણીમાં એકઠું કરી લે છે પછી પાછલે બારણેથી ભજીયાની લારીવાળાને વેચી દે છે. એવા સીંદુરિયા ભજીયાથી હનુમાનજીના ભક્તો બચી જાય પણ આપણું તો ગળુ પકડાય…! કદાચ હનુમાનજી ધરતી પર અવતરે અને તેમને ભજીયા ખાવાની ઈચ્છા થાય તો તેઓ પણ આ ‘મહાન’ ભારતમાં એવા સીંદુરિયા ભજીયાથી બચી ના શકે. વિચાર આવે છે માણસને મરણોત્તર એવોર્ડ આપી શકાતો હોય તો મરણોત્તર સજા કેમ ન થવી જોઈએ. અર્થાત સમાજમાં જૂઠાણુ ફેલાવવા બદલ કલમ ૪૨૦ લાગુ પડતી હોય તો સ્વ. રાજીવ ગાંધીને ‘મેરા ભારત મહાન’ની અફવા ફેલાવવા બદલ દફા ૪૨૦ લાગુ પાડવી જોઈએ. dineshpanchal.249@gmail.com dineshpanchalblog.wordpress.com Mo:9428160508

માણસ એ સ્ત્રી જેવી ભૂલ કરે છે.

      થોડા સમયપૂર્વે એક જૈન દંપતિએ સજોડે દીક્ષા ગ્રહણ કરી હતી. પણ દીક્ષા ગ્રહણ કર્યા બાદ તેમને જાતીયસુખની ઝંખના જાગી હતી એથી તેમણે પુન: સંસારપ્રવેશ કર્યો હતો. એ ઘટનાને કારણે દંપતિ બદનામ થઈ ગયું હતું. તેઓ સંસાર છોડીને સાધુ બન્યા ત્યારે આખા સમાજે તેમનું સન્માન કર્યું હતું પણ તેઓ ફરી સંસારમાં પ્રવેશ્યા ત્યારે તેમના નામ પર સઘળા સંસારીઓએ ફિટકાર વરસાવ્યો. કોઈને એવો વિચાર ન આવ્યો કે એઓ સંસારી બન્યા તેમાં કયો મોટો અપરાધ થઈ ગયો? આપણે લાખો માણસો પણ સંસારી જ છીએને…? શું સંસારી હોવું એ અપરાધ  છે? મનુષ્યનો અવતાર ધારણ કર્યા પછી સંસારવિમૂખ બનીને બાકીનું આયખુ મન મારીને જીવવુ એ વહેણની વિરૂદ્ધ દિશામાં તરીને સામે કાંઠે પહોંચવા જેવી જીદ ગણાય. પ્રશ્ન થાય છે એ તે કેવી વિચિત્રતા કે ભગવાનને પામવા નીકળેલો માણસ ભગવાને જ આપેલી જાતીયતાને ઓળખી શકતો નથી? કોઈ સ્ત્રીને માતા બનવાની અદમ્ય ઈચ્છા હોય પણ તે ગર્ભાશય કાઢી નાખવાની ભૂલ કરે તો માતા નહીં બની શકે. ભગવાને સર્જેલા અદભૂત સંસારનો ત્યાગ કરીને માણસ ભગવાનની શોધમાં નીકળી પડે છે ત્યારે માણસ એ સ્ત્રી જેવી ભૂલ કરે છે.

dineshpanchal.249@gmail.com   dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

ઈશ્વર: માણસની પૈતૃક સંપદા

          મદ્રાસીઓ પેન્ટને બદલે લૂંગી પહેરે છે એનું કોઈ ઠોસ કારણ હોય તો એટલું જ કે તેમના પિતા અને દાદા પરદાદાઓ લૂંગી પહેરતા આવ્યા છે. ઈશ્વરપૂજા પણ માણસો માટે મદ્રાસીની લૂંગી જેવો મામલો ગણાય. ઈશ્વર છે કે નહીં…? છે તો ક્યાં છે…. ? કેવો છે….? શું કરે છે….? માણસ કશું જ જાણતો નથી. તે ઈશ્વર વિશે ફક્ત એટલું જ જાણે છે કે તે દેખાતો નથી પણ સદીઓથી બાપદાદાઓ તેને પૂજતા આવ્યા હોવાથી માણસ તેની પૂજા કરે છે. ઈશ્વર માણસ માટે તેની બાપુકી મિલકત ગણાય. માણસની આસ્તિક્તા એ તેનો આધ્યાત્મિક વારસો છે. સોનાનો બંગલો બંધાવી શકે એવા ધનકુબેરને પણ પોતાની બાપુકી ઝૂંપડી વહાલી લાગે છે.  માણસ અને ઈશ્વર વચ્ચે આવો સંબંધ રહ્યો છે.

dineshpanchal.249@gmail.com   dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

ઈશ્વરભક્તિ એટલે અંધારામાં છોડાતું તીર

          ઈશ્વરભક્તિ એવી પરીક્ષા છે જેનું કોઈ રીઝલ્ટ હોતું નથી. એ એવો પ્રેમપત્ર છે જ્યાંથી કોઈ વળતો જવાબ મળતો નથી. ઈશ્વરને ચૂંટણીનાં ઉમેદવાર તરીકે કલ્પી લઈએ તો દુનિયાના સઘળા આસ્તિકોને મતદાતાઓ ગણવા રહ્યા. દુર્ભાગ્યે માણસ એવો મતદાતા છે જેનો મત કેન્સલ થઈ જાય છે તો તેને ઝટ જાણ થતી નથી. ભારતના કોઈ ગ્રામિણ ઈલાકાનો ખેડૂત આફ્રિકાની કોઈ બેંકમાં અબજો રૂપિયાની ફિક્સ કરાવે અને તે બેંક ઊઠી જાય તો તેને તેની ઝટ જાણ ન થાય એવું બનવા જેવો ઈશ્વરનો મામલો છે. ઈશ્વરની ભક્તિ કરવી એટલે ઊઠી ગયેલી બેંકની ફિક્સ ડિપોઝીટ સાચવી રાખવા જેવી બાબત છે. ટૂંકમાં ઈશ્વરભક્તિ એટલે અંધારામાં છોડાતું તીર… એ તીર ક્યાં જાય છે… કોને વાગે છે…. કે નથી વાગતું તેની કોઈને ખબર પડતી નથી.

dineshpanchal.249@gmail.com   dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

મજૂરો મેથીપાક ખાતા નથી પણ…

      શિયાળો શક્તિસંચયની ઋતુ ગણાય છે. શિયાળામાં મેથીપાક, અડદિયું વગેરે ખાવાથી શક્તિ વધે એવી એક માન્યતા છે. પણ બચુભાઈ એને “શિયાળુ જૂઠ” ગણાવે છે. તેઓ કહે છે: “શું ટાયસન મેથીપાક ખાતો હતો…? મજૂરો મેથીપાક ખાતા નથી છતાં પાંચ મણ ઘઉંની ગુણ પાંચમા માળે ચઢાવી શકે છે. અને આપણે આખી જિંદગી અડદિયું ખાઈએ છીએ છતાં અધમણની ગુણ લઈ અડધે પહોંચીએ ત્યાં અધમૂઆ થઈ જઈએ છીએ. મગજતરી, બદામપાક વગેરે ખાવાથી બુદ્ધિ વધે એવી પણ એક લોકવાયકા છે. આપણા રાજકારણીઓ પ્રજાના પૈસે બારેમાસ બદામપાક ઉડાવે છે. છતાં બુદ્ધિને બદલે દુર્બુદ્ધિ જ વધે છે. શિયાળામાં સિંહ સાલમપાક ખાતો નથી અને ચિત્તો ચ્યવનપ્રાસ નથી ખાતો છતાં તે હાથીનો શિકાર કરી શકે છે. કુદરતે દરેક જીવને તેમની પ્રકૃતિ પ્રમાણે શક્તિ આપી છે. સિંહ માંદો હોય તોય હાથી પર હુમલો કરી શકે છે. શિયાળ તગડુ હોય તો પણ હાથી પર હુમલો કરવાનું તેનુ ગજુ નથી હોતું.

dineshpanchal.249@gmail.com   dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

કસાબ પણ ખાલી પેટે ન મરવો જોઈએ

         માણસ માત્રની કોઈ પણ વ્યથા કદી આવકાર્ય બાબત ન ગણાય. માનવતાની આચારસંહિતા પ્રબોધે છે કે દુર્યોધન પણ દુ:ખી ના હોવો જોઈએ. રાવણ પણ જો નિર્દોષ હોય તો તેને તુરત સજામુક્ત કરવો જોઈએ. દાઉદ ઈબ્રાહિમ માનવતાનો કોઈ સુંદર કાર્યક્રમ લઈને આગળ આવે તો તેના બોમ્બબ્લાસ્ટને ક્ષણ માટે ભૂલી જઈને તેની દરખાસ્ત પર વિચાર કરવો જોઈએ. તેને ય ભૂખ લાગે ત્યારે રોટી અને ઠંડી લાગે ત્યારે ધાબળો પ્રાપ્ત થવો જોઈએ. મધર ટેરેસાએ કહેલું: “કોઈ ખૂની મારી પાસે તેનું દર્દ લઈને આવે તો હું તેની સેવા કરવાનો ઈનકાર નહીં કરું…!” માણસની ભૂલોને ભૂલવાની કોશિષ જ નહીં કરીશું તો શુદ્ધિના શ્રીગણેશ નહીં થાય. સત્ય એ છે કે દુષ્ટોની દુષ્ટતા પર હજારો ફિટકારો વરસાવીએ પણ માનવતાના નાતે તેને જીવનના સઘળા અધિકારો પ્રાપ્ત થાય તે સામે વિરોધ ન કરવો જોઈએ. પાકિસ્તાનના આતંકવાદી કસાબને ફાંસીએ લટકાવો ત્યારે તેનુ ય પેટ ખાલી ન હોવું જોઈએ. બધાં જ ધર્મો આવું જ કહે છે એથી માનવધર્મ એ સૃષ્ટિનો સર્વશ્રેષ્ઠ ધર્મ ગણાય છે.

dineshpanchal.249@gmail.com   dineshpanchalblog.wordpress.com      Mo:9428160508