મગન અને મહમદની મારામારી

            રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદનો મુદ્દો ચર્ચાય છે ત્યારે વિચાર આવે છે કે બે ખેડૂતો જમીનની તકરાર માટે કોર્ટે ચઢ્યા હોત તો આટલા વર્ષોમાં નીવેડો આવી ગયો હોત. પણ ૨૩ વર્ષો પછી પણ ઈશ્વર અને અલ્લાહના ઘરનું હજી ઠેકાણું પડ્યું નથી. કારણ એટલું જ કે બન્નેના જજ જુંદા. એક જજનું નામ “જીદ”  અને બીજા જજનું નામ “મમત”. બેફામે સાચી ફરિયાદ કરી છે: “એક ઈશ્વરને માટે મમત કેટલો… એક શ્રદ્ધાને માટે ધરમ કેટલાં…?” માણસના કેટલાંક મમત મધ વિનાના મધપૂડા જેવાં હોય છે. એને છંછેડો તો મધમાખીઓના ડંખ મળે પણ મધ ના મળે. કહેવાતી શ્રદ્ધા હાથમાંથી છટકેલા વજનદાર હથોડા જેવી ગણાય. તે ક્યારેક માથા ભાંગી નાંખે છે પણ કશું કલ્યાણ કરતી નથી. સત્ય એ છે કે બન્ને કોમના શાણા માણસોને હજીય ભાન થતું નથી કે રાજકારણીઓ નામના વાંદરાઓએ ઈશ્વર અને અલ્લાહના નામે મગન અને મહમદને લડાવી માર્યા છે. બન્ને કોમનો અહમ્ એ આપણી રાષ્ટ્રીય કમનસીબી છે.

dineshpanchal.249@gmail.com   dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

અંધશ્રદ્ધાનું ઔધોગિકરણ

          હવે પ્લાસ્ટિકના લીંબુ અને મરચાં તૈયાર મળે છે. (એનો અર્થ એ થયો કે પ્લાસ્ટિકના લીંબુ અને મરચાં મોટાપાયે– ધંધાકીય રીતે બનાવવામાં આવે છે) દોસ્તો, ફેકટરીમાં પ્લાસ્ટિકના લીંબુ અને મરચાનું ઉત્પાદન થાય એટલે અંધશ્રદ્ધાનું ઔધોગિકરણ કરેલું કહેવાય. આપણે સમાજ બદલવાની બૂમરેંગ  મચાવીએ છીએ પણ જાતને બદલવાની આપણી તૈયારી નથી. ફેશન પ્રમાણે વસ્ત્રો બદલીએ છીએ પણ વખત પ્રમાણે વિચારો બદલતા નથી. એક તરફ કમ્પ્યુટરની મદદ વડે હ્રદયમાં પેસમેકર બેસાડીએ છીએ તો બીજી તરફ એજ કમ્પ્યુટરથી જન્મકુંડળી કાઢીએ છીએ અને ઈન્ટરનેટ દ્વારા ગ્રહોના નંગોવાળી વીંટીઓ મંગાવીએ છીએ. આળસુ ભિખારી અબજોપતિ બની જાય તો કારમાં ભીખ માંગવા નીકળે તેવો આ મામલો છે. જરા એ વિચારીએ કે અમેરિકા, જાપાન અને જર્મનમાં પ્લાસ્ટિકના લીંબુ અને મરચાં ઘરની બારસાખે ટીંગાડ્યા હોય એવી કલ્પના થઈ શકે ખરી? આપણી પ્રજા અંદ્ધશ્રદ્ધાનું પણ ઔદ્યોગિકરણ કરી રહી છે તે જોયા પછી ‘મેરા ભારત મહાન’વાળી વાત શી રીતે સાચી માની શકાય?  દોસ્તો, હજી ઘણું ઘણું કરવાનું બાકી છે. Miles to go before I sleep…!

dineshpanchal.249@gmail.com   dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

હોય નહીં વ્યક્તિ અને લાગે એની તકતી…!

         જે માણસ પોતાના સમગ્ર જીવન દરમિયાન માનવસેવા દ્વારા જાત ઘસી નાખે છે તેનું માત્ર દેહાવસાન થાય છે. તેના કર્મો દ્વારા તે અમર થઈ જાય છે. તેની પત્નીનું સૌભાગ્ય આજીવન અખંડ રહે છે. રામચંદ્રજીના પત્નીના નામ આગળ કદી ગં.સ્વ.(ગંગા સ્વરૂપ) શબ્દ લગાડી શકાય ખરો…? ‘ગંગા સ્વરૂપ કસ્તુરબા’ એમ બોલવાનું ગમે ખરુ…? જેઓ જીવતાજીવત તેમના સદ્કર્મો દ્વારા અમર થઈ જાય છે તેઓ લોકહ્રદયમાં હંમેશને માટે અમર બની જાય છે. આજે કૃષ્ણ નથી, રામ નથી અને ગાંધીજી પણ નથી છતાં આપણે એમને યુગો યુગો સુધી યાદ કરતા રહીશું. ગની દહીંવાળા સાચું જ કહી ગયા છે: “હોય નહીં વ્યક્તિ અને એનું નામ બોલાયા કરે…!”

dineshpanchal.249@gmail.com   dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

માણસ તારા રૂપ હજાર…

            માણસની આંખની કીકીનું કદ કેટલું…? બોરના ઠળિયા જેટલું… પણ તેમાં આખું આકાશ સમાઈ શકે છે. ઈશ્વરે માણસને કેવળ આંખો નથી આપી દષ્ટિ પણ આપી છે. આજપર્યંત માણસે પોતાની દષ્ટિ મુજબ અનેક આવિષ્કારો કર્યા છે. માણસ ક્યારેક મશીનગન અને બોમ્બ બનાવે છે. તો બીજી તરફ હૉસ્પિટલો અને ડૉક્ટરો પણ પેદા કરે છે. ઈશ્વર કદાચ બધું સારુ કરવા ધારે છે પણ માણસને વિકાસના ઓઠા હેઠળ ટીખળ કરવાની કૂમતિ સૂઝે છે. એથી એ કેન્સરની હૉસ્પિટલ પણ બનાવે છે. અને તમાકુની ખેતી પણ કરે છે. ગાયને માતા પણ ગણે છે અને તેને કતલખાને પણ મોકલે છે. માણસને દેવની જેમ પૂજે ય ખરો અને ક્યારેક પથ્થર વડે તેનું માથુ પણ ફોડી નાખે છે. દારૂથી કંટાળીને એ લઠ્ઠો બનાવે અને પત્નીથી કંટાળીને એ લગ્નેતર સંબંધો વિકસાવે છે. માણસ તારા રૂપ હજાર…!

dineshpanchal.249@gmail.com   dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

ડૉક્ટરોની વ્હાઈટ કોલર મેડિકલ રોબરી

          માનવ સમાજ એટલે સજ્જનો અને દુર્જનોથી ઉભરાતી મસ મોટી કોલોની. ડૉક્ટરો બધાં જ દુર્યોધનો હોતાં નથી. (પરંતુ યુધિષ્ઠિર જ હોય એવું આશ્વાસન પણ લઈ શકાતું નથી) પ્રત્યેક ડૉક્ટરના ચારિત્ર્યનો કાર્ડિયોગ્રામ જુદો જુદો નીકળે. આપણે દરદી તરીકે કેટલા ભાગ્યશાળી છે તેનો આધાર આપણી છાતી પર કોનું સ્થેટેસ્કોપ મૂકાય છે– દેવદૂતનું કે યમદૂતનું…?– તેના પર રહેલો છે. દરદીઓને રોગો વિષે સ્વાભાવિક જ ડૉક્ટરો જેટલું જ્ઞાન નથી હોતું. દરદીઓનું એ અજ્ઞાન ડૉક્ટરો માટે શક્તિશાળી ઢાલ બની રહે છે. એ કારણે ડૉક્ટરોની મેડિકલ રોબરી મૂઢમાર જેવી બની રહે છે. અમારા બચુભાઈ કહે છે: ‘મલ્ટિનેશનલ કંપનીઓ કુહાડી બનાવે છે. અને ઘણા ડૉક્ટરો એ કૂહાડીનો હાથો બની જાય છે. આ વ્હાઈટ કોલર મેડિકલ રોબરી વર્ષોથી ચાલી આવી છે. બધાં એવું નથી કરતાં પણ કેટલાંકની એવી “લૂંટ” અખબારોના પાને ચઢી છે તે સત્ય છે. દોસ્તો, જાણ્યે અજાણ્યે એવું બને છે કે દેશના કરોડો દર્દીઓ ડૉક્ટરો માટેનું બિઝનેસ માર્કેટ બની રહે છે. કૅન્સર જેવો અસાધ્ય રોગ થાય એ કુદરતનો કેર ગણાય… આપણે સૌ પ્રાર્થના કરીએ કે એવી આઘાતજનક અવસ્થામાં ડૉક્ટરો દરદીઓની કૅર કરશે તો તે ઈશ્વરની “મહેર” ગણાશે.

dineshpanchal.249@gmail.com   dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

રાવણના અખબારમાં સીતાહરણની ઘટના છપાય ખરી?

        લંકાના રાજા રાવણનું અખબાર નીકળતું હોય તો તેમાં સીતાહરણનો કિસ્સો સેન્સર થઈ જાય. મનમોહનસિંઘ, રાહુલ ગાંધીના સો સદગુણો હોંશેહોંશે વર્ણવી શકે પણ તેમના એકાદ બે દુર્ગુણો બતાવવાની હિંમત કરી શકતા નથી. સમાજમાં બહુ ઓછા લોકો રાજમોહન ગાંધી જેવા હોય છે જે પોતાના દાદા–ગાંધીજીની મર્યાદાઓને પુસ્તક સ્વરૂપે જગજાહેર કરે. પત્રકાર હોવું અને સત્યનિષ્ઠ પત્રકાર સાબિત થવું એ બેમાં ફેર છે. (એ ફરક ફિલ્મમાં માતાનું પાત્ર ભજવવાનો અભિનય કરતી અભિનેત્રી અને ખુદના જીવનમાં પોતાના બાળકને જન્મ આપતી હીરોઈન જેવો હોય છે) જીવનમાં જે દેખાય, અને અનુભવાય છે તેવા નક્કર સત્યને સાબિત કરવાની જરૂર હોતી નથી. વિપક્ષોમાં સોનિયા કે રાહુલની ટીકા કરવાની હિંમત નથી તે વાત લોકોને દેખાય છે…. લોકોએ તેને સાબિત કરવાની જરૂર પડતી નથી. વિપક્ષો પણ મનને છાને ખૂણે પોતાની એ નબળાઈનો સ્વીકાર કરે છે. તાત્પર્ય એટલું જ : ‘ગૂંગે કો સપનો ભયો… સમજ સમજ પછતાય….!!!’
dineshpanchal.249@gmail.com dineshpanchalblog.wordpress.com Mo:9428160508

ચિંતનની કિંમત હજારથી નહીં વિચારથી મપાય

              અમારી દ્રષ્ટિએ આસ્તિકો અને નાસ્તિકો બન્ને ન ઝામી શકેલી કૂલ્ફી જેવાં અધૂરાં છે. ઘણીવાર ફ્રિઝનું કુલિંગ ઓછું હોય તો ડિપ ફ્રિઝમાં મૂક્યા પછી પણ કૂલ્ફી કાચી રહી જાય છે. અર્થાત્ નિભાડામાં ગરમી ઓછી હોય તો ઈંટ કાચી રહી જાય છે તે રીતે ગુરૂનું ગણિત કાચુ હોય તો ચેલા ઢીલા રહી જાય છે. સમગ્ર માનવજાત પાસે ઈશ્વર વિષે જાણવા માટે અટકળો અને અનુમાન સિવાય બીજી કોઈ સુવિધા નથી. અજ્ઞેયવાદીઓ કહે છે, ઈશ્વર હોઈ પણ શકે ન પણ હોય…! તેના હોવા ન હોવાથી કે તેને ભજવા ન ભજવાથી માણસના અંગત જીવનમાં રતિભાર ફરક પડતો નથી તો તેની પાછળની પરિણામશૂન્ય દોડ છોડી માણસે જ એકમેકને સુખી કરવા નક્કર પ્રયત્નો કરવા જોઈએ. એક વાત સમજી લેવા જેવી છે. દિલ ડોલી ઊઠે એવું ચિત્ર એ માત્ર પીંછીની કમાલ હોતી નથી. ચિત્રકારના દિમાગમાં પણ દમ હોવો જોઈએ. કોઈ લેખક પચાસ હજાર રૂપિયાવાળી પેનથી લખતો હોય પણ એના ચિંતનમાં ચોટ ના હોય, લેખનમાં સત્યનો રણકો ના હોય અને દષ્ટિમાં સાત્વિક જીવનદર્શન ના હોય તો પેન પચાસ હજારની હોય કે લાખની… કોઈ ફાયદો થતો  નથી. ચિંતનની કિંમત હજારથી નહીં વિચારથી મપાય છે. ઈશ્વર વિષે પણ સંપૂર્ણ તટસ્થતાથી એ વિચારવાનું રહે છે કે ઈશ્વરની માત્ર અનુભૂતિ થાય તો તે કદાચ આપણા મનની અવસ્થા પણ હોય શકે છે. અસલી ‘રેશનલ’ સત્ય તો એ ગણાય જે સૌને સમજાય, અનુભવાય, દેખાય અને સાબિત પણ થાય. જ્યાં સુધી અનુભૂતિને સાબિતીમાં કન્વર્ટ ના કરી શકાય ત્યાં સુધી રેશનાલિઝમની નજરમાં તે એક વિચાર માત્ર છે. અને આપણે સૌ જાણીએ છીએ કે વિચાર અને સત્ય વચ્ચે સ્વપ્ન અને હકીકત જેટલો તફાવત છે.

dineshpanchal.249@gmail.com   dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

સિદ્ધિના કોઈ શોર્ટકટ હોતા નથી.

        વિશિષ્ઠ જ્ઞાન અને કુનેહ પ્રાપ્ત કર્યા વિના માણસ મહાન બની શકતો નથી. જેઓ મહાન બની શક્યા છે તેમણે શિખરે પહોંચવા માટે ખાસ્સી સાધના કરી છે. સિદ્ધિના કોઈ શોર્ટકટ હોતા નથી. મહાજ્ઞાની કે આત્મજ્ઞાની બનવા માટે ઈંજેકશનોનો ખાસ કોર્સ આવતો નથી. જ્યાં સાચા મોતીનું બજાર ચાલતું હોય ત્યાં જૂઠા મોતીઓ પણ વેચાતા હોય છે. કોઈ અજ્ઞાની પર મહાજ્ઞાનીનું લેબલ લાગી જાય તે ઘટના બે હજારની બનાવટી નોટ બજારમાં ફરતી થઈ જાય તેવી ગણાય. એ નોટમાં દેખાતા ગાંધીજી આબેહુબ હોય છે. એવી નોટ બેંક કેશિયરથી ના પકડી શકાય ત્યારે તેણે તેની મોટી કિંમત ચૂકવવી પડે છે. (તે ક્ષણે બેંકના કેશિયરો પણ એવી કલ્પના કરી શકતા નથી કે અત્યારે સાક્ષાત ગોડસે ગાંધીજીનું સ્વરૂપ ધારણ કરીને એના હાથમાં આવી પડ્યો છે) સમાજમાં એવું ઘણીવાર બને છે. બિહારના બળાત્કારી સાધુ કેશવાનંદને લોકો “ગુરુ” માની પૂજતા હતા. થોડીક સામૂહિક અંદ્ધશ્રદ્ધા આખા સમાજને છેતરવા માટે પૂરતી હોય છે. એવા ગુરુ ઘંટાલો ભગવા વસ્ત્રો પહેરે એટલે તેમના પર આઈ. એસ. આઈ.નો માર્કો લાગી જાય છે. લોકો એકવાર તેમને આત્મજ્ઞાની માની લે પછી તેમના મોઢેથી નીકળતા હળહળતા જુઠાણા પણ બે હજારની બનાવટી નોટની જેમ સમાજમાં ચાલતા રહે છે. દોસ્તો, સમાજમાં સર્વ લોકો હરિશ્ચન્દ્ર ન બની શકે તેનું નુકસાન નથી પણ તેઓ જૂઠાણાને ન પકડી શકે તેનું નુકસાન આખા સમાજે ભોગવવું પડે છે.

dineshpanchal.249@gmail.com   dineshpanchalblog.wordpress.com      Mo:9428160508