યુદ્ધવિવેક

          એક ઉંદર પાછળ બિલાડી દોડી. ઉંદર ભાગવા ગયું પણ શરાબના મોટા શીશામાં જઈ પડ્યું. ઉંદરથી થોડો દારુ પીવાઈ ગયો. બિલાડીથી શીશામાં જઈ શકાય એમ નહોતું, એથી એ નિરાશ થઈ પાછી વળવા જતી હતી ત્યાં ઉંદર બહાર ધસી આવ્યું અને બિલાડીને પડકારતાં મોટેથી ઘાંટો પાડી બોલ્યું, ‘હરામખોર બિલાડી… ભાગે છે ક્યાં…? આવી જા મેદાનમાં… મને પણ જીવવાનો અધિકાર છે. આજે ક્યાં તું નહીં ક્યાં હું નહીં…!’ બિલાડીએ વળતી જ ક્ષણે તરાપ મારીને ઉંદરને પકડી લીધું. ઉંદરની વાત ખોટી ન હતી. તેને પણ જીવવાનો અધિકાર હતો પણ તે માટે તેનો જંગ એવો અબોદ્ધિક હતો કે જીવન જ ન ટકી શક્યું. યાદ રાખવું પડશે, બુદ્ધિ ન હોય તો મોત આસાન થઈ જાય છે. સુખી અને સલામત જીવન માટે ડગલે ને પગલે પવન જોઈને સૂપડું મૂકવાની સમજ કેળવવી પડે. દુશ્મનની તાકાત અને પોતાની ઓકાત ઓળખવી પડે. જો એ બે વચ્ચે બહુ મોટો તફાવત હોય તો યુદ્ધ ન વહોરવામાં જ કલ્યાણ ગણાય. પાકિસ્તાન આ વાત નહીં સમજશે તો એની હાલત ઉંદર જેવી થશે.

dineshpanchal.249@gmail.com  dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

વડીલોની સલાહ માનવી કે નહીં…??

        એક પ્રખર રેશનાલિસ્ટ મિત્ર યુવાનોને, વડીલોની સલાહ ન માનવાની સલાહ આપે છે. પ્ર­શ્ન થાય છે, કોઈ છકેલો યુવાન ચોરી કરતો હોય, જુગાર રમતો હોય, ડ્રગ લેતો હોય અને વડીલો તેને એ બધું છોડી દેવાની સલાહ આપે તો તેણ શું એ સલાહ ન માનવી…? માણસ યુવાન હોય કે વડીલ…, પ્રત્યેક બાબતમાં વિવેકબુદ્ધિથી વિચારીને નિર્ણય લેવો રહ્યો. વડીલો વાંકડો લેવાની સલાહ આપે તો કોઈએ તે માનવાની ન  હોય અને ચોરી, જુગાર કે ડ્રગ્સ જેવા વ્યસનોમાં ફસાયેલા યુવાનોએ (વડીલોની સલાહની રાહ જોયા વિના) સત્વરે તેમાંથી મુક્ત થઈ જવું જોઈએ. મૂળ સત્ય એ છે કે સલાહ કોણ આપે છે તેનું મહત્વ  નથી, તે કેટલી યોગ્ય છે તે બાબત મહત્વની છે. દાઉદ ઈબ્રાહિમ હિંસા ન આચરવાની સલાહ આપે તો તેનું પણ સ્વાગત કરીએ અને મોરારજી દેસાઈ દારુ પીવાની સલાહ આપે તો તેનો વિરોધ જ કરવાનો હોય.

dineshpanchal.249@gmail.com  dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

 ઓહ…! વૉટ એ ફૉલ…?

એક અમેરિકન ભારતના પ્રવાસે આવ્યો. એક દિવસ તે પોતાનું કામ લઈને એક ઓફિસમાં ગયો. ઓફિસનો સ્ટાફ પોર્ટેબલ ટીવી પર ક્રિકેટમેચ જોવામાં મશગુલ હતો. અમેરિકને તેને પોતાના કાગળો જોવાની વિનંતી કરી. પેલી વ્યક્તિએ કાગળો પેન્ડિંગ બોર્ડ પર ચઢાવતાં કહ્યું,  ‘પ્લીઝ… યુ કમ ટુમોરો… આજ મેચ ચલ રહા હૈ!’ અમેરિકનને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું: ‘મારે મેનેજરને મળવું છે. ક્યાં છે મેનેજર?’ પેલી વ્યક્તિએ કહ્યું: ‘હું જ મેનેજર છું…!’ અમેરિકન સ્તબ્ધ થઈ ગયો. તેના હોઠ પરથી શબ્દો સરી પડયા– ‘ઓહ…વૉટ એ ફૉલ…!’ શોધવા નીકળીએ તો દેશની દર ત્રીજી ઓફિસમાંથી એવો એકાદ ડિફેક્ટીવ પીસ (ડેમેજર…) મળી રહે, જે મેચ દરમિયાન ઓફિસઅવર્સને લંચઅવર્સમાં ફેરવી નાખે છે. એવા નસીબદાર નમૂનાઓ ક્યારેક તો બે ત્રણ લાખનો પગાર મેળવતા હોય છે. (એ હિસાબે તેમનું એકાદ બગાસું ય ઓફિસને ચાળીશ પચાસ રૂપિયાનું પડતું હોય છે) દેશની એકાદ ઓફિસ પણ એવી નહીં હોય, જે સચીન તેંડુલકરની સિક્સર પર (ચાલુ પગારે) ઝૂમી નહીં ઊઠતી હોય…! ક્રિકેટના આવા જોખમી આકર્ષણથી નવી પેઢીને બચાવીશું તો જ આવતીકાલનું હિન્દુસ્તાન ફોલોન થતાં બચી શકશે.

dineshpanchal.249@gmail.com  dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

વિજ્ઞાન એટલે વિશ્વકક્ષાની સત્યશોધક સભા

 

        ઈશ્વરનું અસ્તિત્વ એ દુનિયાનું સૌથી અઘરુ ઉખાણુ છે. સેકડો ચર્ચા વિચારણા પછી પણ માણસની એ દ્વિધા હજી અકબંધ રહી છે. દુનિયાભરના વિદ્વાનો અને સંતો વિચારયજ્ઞ યોજે તોય તે પાણી વલોવવા જેવો વૃથા વ્યાયામ સિદ્ધ થાય કેમકે અદ્રશ્ય રહેવાનું પસંદ કરીને ઈશ્વરે પોતેજ તેના અસ્તિત્વ વિષે માણસને દ્વિધામાં રાખ્યો છે. અમારા બચુભાઈ કહે છે ઈશ્વરે ઉપર ચઢી જઈને નિસરણી ખેંચી લીધી છે. પ્રશ્ન થાય છે– માણસે ઈશ્વરના દર્શન કરવા હોય તો મંદિર સિવાય બીજે ક્યાં જવું? પ્રભુનું કોઈ પરમેનન્ટ પોસ્ટલ એડ્રેસ તો છે નહીં… ભગવાન વિષેની સાચી જાણકારી કઈ ઈન્ક્વાયરી ઓફિસમાંથી મળી શકે– સાયન્સની કે સંતોની…? સંતો તો મંદિરની મૂર્તિ બતાવીને કહી દેશે: આ રહ્યો ભગવાન..! કવિ ગૌરાંગ ઠાકરને એજ પ્રશ્ન થયો અને એણે ઈશ્વરને ફરિયાદ કરી: ‘તું બસ હવે… તારું પાકુ સરનામુ આપ મને… મંદિરનો રોજ મને ધક્કો થાય છે! ’ દોસ્તો, વિજ્ઞાન એટલે વિશ્વકક્ષાની સત્યશોધક સભા. વિજ્ઞાન જે કહે તે સવા વીશ…! દોસ્તો, અગમ નિગમના અનેક ગૂઢ રહસ્યો શોધી શકનાર વિજ્ઞાનની લેબોરેટરીમાંથી જ મોડુ વહેલું ઈશ્વરનું પાકું સરનામુ પ્રાપ્ત થશે. ત્યાં સુધી વેઈટ એન્ડ વૉચ…!

dineshpanchal.249@gmail.com  dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

તે વાતમાં તમારા શિક્ષણની ઈજ્જત રહેલી છે.

        દોસ્તો, નિરક્ષર લોકો અંદ્ધશ્રદ્ધાળુ હોય તે સમજી શકાય પણ ડિસ્ટીંક્શન સાથે એમ.એસ.સી થયેલો માણસ ગળામાં મંત્રેલુ માદળિયું પહેરીને ફરે તે વાતમાં શિક્ષણનો વિનિપાત દેખાય છે. ભણ્યા પછી પણ માણસની ભીતરની તમામ અંદ્ધશ્રદ્ધા અકબંધ રહી જાય ત્યારે તેને મળેલું ડિગ્રીનું સર્ટિફિકેટ ખાળકૂવાના ઢાંકણ જેવું બની રહે છે. અમે બે અભણ ગ્રેજ્યુએટોને ઓળખીએ છીએ જેઓ નોકરી મળી જશે એવી આશામાં અમુક તમુક બાપુએ મંતરી આપેલા માદળિયાં બાંધીને ફરે છે. કોઈ એવો સાયન્સ ગ્રેજ્યુએટ (કે જે અભિમંત્રિત જળ વડે પોતાને થયેલું ખરજવું દૂર કરવાની કોશિષમાં લાગ્યો હોય તે અમારી નજરમાં અંગૂઠાછાપ ગણાય. એની તૂલનામાં સ્મશાનના કોઈ ડાઘુને અમે ડબલ ગ્રેજ્યુએટનો દરજ્જો આપીએ જે, સળગતો મૃતદેહ ચિતા પર ક્યારેક અડધો બેઠો કેમ થઈ જાય છે તેનું વૈજ્ઞાનિક રહસ્ય જાણતો હોય…!) શનિવારે દાઢી કરાવવામાં પાપ સમજતા શિક્ષકને અમે લોકલાજે શિક્ષિત ગણીએ… બાકી અમને તો એ સ્કૂલનો ચોથી ચોપડી ભણેલો ચપરાસી જ વધુ શિક્ષિત લાગે જે પોતાના દીકરાને  સાપ કરડે ત્યારે ભગતને ત્યાં લઈ જવાને બદલે સત્વરે હૉસ્પિટલમાં લઈ જાય. કેમિકલની ડિગ્રીમાં સુવર્ણચંદ્રક મેળવનાર કોઈ વ્યક્તિ પોતાની ફેક્ટરીના મોભ પર લીંબુ અને મરચું લટકાવે છે ત્યારે લિંબુ ભેગી તેની ડિગ્રી પણ ઊંધે માથે લટકતી થઈ જાય છે. (છતાં આપણી લાચારી તો જુઓ… એને શિક્ષિત કહેવા સિવાય આપણા પિતાજીનો છૂટકો નથી) શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તમે જીવનમાં કેવી બૌદ્ધિક્તાથી જીવો છો તે વાતમાં તમારા શિક્ષણની ઈજ્જત રહેલી છે.

dineshpanchal.249@gmail.com  dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

મોતનો સામાન મોંઘો થવો જોઈએ.

 

        અમારા એક સ્નેહીને ધૂમ્રપાનની જીવલેણ આદત હતી. ઉપરથી તેઓ તમાકુ પણ ખાતા હતા.  તેમને કેન્સર થયું. તેમના સ્વજનોની આંખોમાં આંસુઓનો દરિયો હિલોળાતો જોઈ વિચાર આવે છે સિગારેટ પર તે– ‘સ્વાસ્થ્ય માટે હાનીકારક છે’  એવી ચેતવણી છાપવાને બદલે સળગતી ચિતાનું દ્રશ્ય છાપવું જોઈએ. બીડીના બંડલ પર કેન્સરની ટાટા હૉસ્પિટલનું ચિત્ર વધુ ચેતવણીયુક્ત ગણાય. સામાન્ય રીતે નનામી માણસ કરતાં લાંબી હોય છે, પણ બીડી અને સિગારેટ ત્રણ ઈંચની નનામી ગણાય. એ એવી ડોમેસ્ટિક નનામી છે જેને માણસ ખિસામાં લઈને ફરી શકે છે. મિત્રો વચ્ચે આ ચર્ચા ચાલતી હતી ત્યારે અમારા બચુભાઈએ બીડી અને સિગારેટની સંહારકશૈલી વચ્ચેનો તફાવત સમજાવતાં કહ્યું: ‘બીડી અને સિગારેટ બન્ને ફાંસીની દોરી ગણાય… પણ એક કાથાની દોરી છે બીજી રેશમની દોરી છે…! આપણે નક્કી કરવાનું છે કે કઈ રસ્સી વડે આત્મહત્યા કરવી છે? દોસ્તો, એક બીડી પીવાય રહે એટલા ઓછા સમય માટે મને સત્તા આપવામાં આવે તો હું બીડી અને તમાકુ એટલાં મોંઘા બનાવી દઉં કે માણસ તે ખરીદી જ ના શકે. મતલબ એવી વ્યવસ્થા કરું કે તમાકુની બનાવટો માણસનું કાળજુ કાણુ કરે તે પહેલા તેનું ગજવું કાણુ થઈ જાય..!’ એટલું કહી બચુભાઈએ બીડી સળગાવી.

dineshpanchal.249@gmail.com  dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

પરમેશ્વર તરફથી પ્રાપ્ત થતો પાવર ઓફ એટર્ની

 

        આજની યુવાપેઢી દિનપ્રતિદિન તેજસ્વી બનતી જાય છે. જોકે કેટલાંક છેલબટાઉ યુવાનો પોતાના દોષનો ટોપલો વડીલોને માથે ઠાલવે છે. તેમનું કહેવું છે કે વડીલોની વધુ પડતી દરમિયાનગીરીને કારણે અમારી સ્વતંત્ર નિર્ણયશક્તિ વિકસી શકતી નથી. વડીલો અમને દરેક બાબતમાં સલાહ આપ્યે રાખે છે. એવા યુવાનોએ થોડા પ્રશ્નો પર વિચારવું જોઈએ. જેમકે પ્રેમમાં પડવાની બાબતમાં તમે કેવી સ્વતંત્ર નિર્ણયશક્તિ ધરાવો છો…? છોકરીઓની છેડતી કરવાની બાબતે તમે કેવા આત્મનિર્ભર છો…? કૉલેજમાં મારામારી કરવાની કે પરીક્ષામાં ચોરી કરવાના મામલામાં તમને કેમ કોઈ વડીલની સલાહની જરૂર નથી પડતી? પ્રોફેસરોની ફીરકી ઉડાવવામાં તમારી પ્રેરણા કેવી સ્વયંભૂ હોય છે? પ્રશ્નપત્ર ફોડવાની બાબતમાં તમે કેવા સ્વાવલંબી છો…? તમારુ પેપર સારુ જાય તે કરતાં કોની પાસે જાય તે શોધી કાઢવામાં તમે કેવા પાવરધા છો?  યાદ રહે ન ભણવું અને ન ભણાવવું બન્ને બાબતો ખૂબ સહેલી છે, પણ એ બે સહેલી બાબતો ભેગી થઈ જાય છે ત્યારે જીવન અત્યંત અઘરું બની જાય છે. એ ભૂલવા જેવું નથી કે અભ્યાસકાળ જ એવો તબક્કો છે જ્યાં આપણું ભાગ્ય લખવાનો પાવર ઓફ એટર્ની ભગવાન આપણને આપી દે છે. યાદ રાખો ઈશ્વર એટલો ઉદાર નથી કે તે વારંવાર તમને એ તક આપ્યે રાખે.

dineshpanchal.249@gmail.com  dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

ભૂખ્યાનો ભગવાન રોટી

        આજના સંક્રાન્તિકાળમાં દિનપ્રતિદિન માનવજીવન અતિ દુષ્કર બનતું જાય છે. મોંઘવારીએ માઝા મૂકી છે. ગરીબોએ ક્યારેક ભૂખ્યા સૂવું પડે છે. આજની અનેક આસમાની સુલતાની વચ્ચે કરોડપતિઓને પણ રાત્રે ઊંઘની ગોળી લીધા વિના ઊંઘ નથી આવતી.  સ્થિતિ એવી હોય ત્યારે ભગવાનની છબી આગળ દીવો બળે તે કરતાં સંસારમાં સૌના ચૂલે દાળ ચઢે તે જરૂરી છે. શિવાલય બંધાય તે કરતાં ભોજનાલય બને તે વધુ જરૂરી છે. મંદિરની મૂર્તિને પિતાંબર પહેરવા મળે તે પહેલાં કોઈ જીવતો જાગતો પશલો પાંચવારના પોતિયાથી વંચિત ન રહી જાય તે જોવાવું જોઈએ. એવું નહીં થાય તો પોતિયાથી વંચિત રહી ગયેલા પશલાનું કાળક્રમે ચડ્ડીબનીયનધારીમાં રૂપાંતર થઈ શકે છે. દેવસ્થાનકમાં પડી રહેતી ગીતામાં પાંચ પાના ઓછા હશે તે ચાલશે પણ બેંકની પાસબુકમાં બેલેન્સ ઓછું હોય તો આ મોંઘવારીમાં કોઈ અર્જુનનો રથ આગળ નહીં વધી શકે. ઘરમાં જપમાળા હોય પણ અન્નના દાણા નહીં હશે તો ધર્મમાં તમારુ ધ્યાન નહીં લાગે, કેમકે ભૂખ્યાનો ભગવાન રોટી હોય છે. ધર્મ કેવળ પોથીલક્ષી નહીં જીવનલક્ષી હોવો જોઈએ.

dineshpanchal.249@gmail.com  dineshpanchalblog.wordpress.com      Mo:9428160508