કંકુ અને કમ્પ્યુટર

જીવન સરિતાને તીરે…             ‘ગુજરાતમિત્ર’ના સૌજન્‍યથી સાભાર              ‑દિનેશ પાંચાલ

(રવિ પૂર્તિ)                                     તા.  29-04-18  માટે                                   મો : 94281 60508

                                                          કંકુ અને કમ્પ્યુટર

         

        સમાજમાં બે કોમ વચ્‍ચે ધાર્મિક અથડામણો થાય છે ત્‍યારે દિલ બોલી ઊઠે છે- આને ધર્મ શી રીતે કહેવાય? ધર્મની વ્‍યાખ્‍યા તો કંઇક એવી હોઇ શકેઃ માણસનું કલ્‍યાણ કરે તે ધર્મ અને લોહીલૂહાણ કરે તે અધર્મ! આપણા ધધુપપુઓએ ધર્મના મૂળ કલ્‍યાણકારી સ્‍વરૂપમાં તેમની સાચીજૂઠી માન્‍યતાઓના અનેક પૂછડાં ચોંટાડયા છે. તે કારણે ધર્મનું મૂળ કલ્‍યાણકારી સ્‍વરૂપ બાજુએ રહી ગયું છે અને ધર્મને નામે જે પૂજાય છે તે ધર્મ નહીં તેનું પૂછડું પૂજાય છે. થોડા સમયપૂર્વે પૂરીના શંકરાચાર્યજીએ કલકત્તાના એક મહિલાના વેદપઠન સામે વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે મહિલાઓને વેદ વાંચવાનો અધિકાર નથી. એમના કથન સામે ખાસ્‍સો વિવાદ સર્જાયો હતો. સત્‍ય એ છે કે શાસ્ત્રોમાંથી મળતી સાબિતી અનુસાર સ્‍ત્રીઓને વેદ પઠનનો અધિકાર નથી એ વાત વૈદિક સમયની નહીં પણ પાછળથી રૂઢિચૂસ્‍તોએ મનસ્‍વીપણે ઘુસાડી છે.

        અમારું નમ્રપણે માનવું છે કે કોઇ પણ દેવની મૂર્તિ સમક્ષ બેસી કલાકો સુધી મંજીરા વગાડયા કરવાથી ભૂજેલો પાપડ ભાંગી શકાતો નથી. એવી અનુત્‍પાદક ભક્‍તિ કોઇ ભગવાને પ્રબોધી હોય તોય તેનો વિરોધ જ કરવો રહ્યો. યોગેશ્વરની મૂર્તિ સ્‍વાધ્‍યાયીઓના હાથમાં પકડાવીને શ્રી પાંડુરંગજીએ ઉપદેશ આપ્‍યો હોત કે ‘બસ હવે મરો ત્‍યાં સુધી ઘરમાં આ મૂર્તિ સામે મંજીરા વગાડયા કરો!’ તો બેશક તે ખોટું થયું હોત. પરંતુ યોગેશ્વરને આરાધ્‍ય દેવ માની તેમણે અનુયાયીઓને  સેંકડો માનવ ઉપયોગી કામો કરવા પ્રેર્યાં. એટલું જ નહીં વખતો વખત રેલસંકટ, ભૂકંપ પિડિતો કે દુષ્‍કાળ પિડિતોની સહાય માટે તેઓ દોડી ગયા છે. પ્રશ્ન થાય છે શું ધર્મના એ સદ્‌પરિણામોને કેવળ એટલા માટે અવગણીશું કે એ કામો ધર્મ દ્વારા સંપન્‍ન થયાં છે?? એવું કરીશું તો અવશ્‍ય આપણું રેશનાલિઝમ લાજશે. બુદ્ધિવાદીઓનો તો ધર્મ જ એ કે બુદ્ધિની સરાણ પર જેની સાબિતી મળે તેમાં જ વિશ્વાસ કરવો. અને શ્રી પાંડુરંગજીની સ્‍વાધ્‍યાયપ્રવૃત્તિના સારા પરિણામોની  સમાજમાંથી સેંકડો સાબિતી મળી રહે છે. સમાજમાં બે વાદ પ્રચલિત છે. આસ્‍તિકવાદ અને નાસ્‍તિકવાદ. છેક પ્રહ્‌લાદ અને હિરણ્‍યકશ્‍યપના જમાનાથી બન્‍ને વચ્‍ચે ગજગ્રાહ ચાલતો આવ્‍યો છે. આસ્‍તિકોનો અભ્‍યાસક્રમ એટલે આધ્‍યાત્‍મિક્‍તા… અને નાસ્‍તિકોનો અભ્‍યાસક્રમ એટલે વિજ્ઞાન. આજે દુનિયા બે છાવણીમાં વહેંચાઇ ગઇ છે- કંકુ અને કોમ્‍પ્‍યુટર! પરંતુ સત્‍ય એ છે કે  ધર્મ અને વિજ્ઞાન બન્‍ને એક  દાખલો ગણવાની બે જુદી જુદી રીતો છે. પ્રથમ નાસ્‍તિકોની વાત લઇએ. ઇશ્વરનું અસ્‍તિત્‍વ છે જ નહીં અને આ દુનિયાનો જે કાંઇ વિકાસ કરવાનો છે તે માણસે પોતાની બળબુદ્ધિથી કરવાનો છે એમ માની નાસ્‍તિકો સખત પરિશ્રમ કરશે તો પヘમિી પ્રજાની જેમ તેઓ પણ વિજ્ઞાનની મદદથી સુખશાંતિનું સ્‍વર્ગ સ્‍થાપી શકશે. બીજી તરફ આસ્‍તિકો એમ માનશે કે દુષ્ટતા આચરીશું તો ભગવાન નર્કમાં નાખશે અને સદ્‌કર્મો કરીશું તો સ્‍વર્ગ મળશે તો એવી વચારધારા વડે પણ માનવજાતનું કલ્‍યાણ થઇ શકશે. આમ ધર્મ અને વિજ્ઞાન ઉભયનો હેતુ સર્વથા માનવકલ્‍યાણનો જ છે. બે અલગ અલગ મેથડ વડે દાખલાનો એક જ સાચો જવાબ મેળવી શકાય છે. એ જવાબનું નામ છે માનવકલ્‍યાણ.. સહુ કોઇએ એવા હઠાગ્રહથી અલિપ્‍ત રહેવું જોઇએ કે અમારો વિજ્ઞાવાદીઓનો જ દાખલો સાચો અને ધર્મવાદીઓનો દાખલો જૂઠ્ઠો..! ધર્મ અને વિજ્ઞાન 180 અંશના ખૂણે સામસામે આવેલા છે એવું એક વિદ્વાને કહ્યું છે. એ કથન જરા જુદી રીતે સાચું જણાય છે. અર્થાત્‌ ધર્મ અને વિજ્ઞાન બન્‍ને એક જ સીધી લીટી પર આવેલા છે. ધર્મસ્‍થળેથી માણસ બુદ્ધિપૂર્વકનું પ્રયાણ આદરે તો વિજ્ઞાન સુધી પહોંચી શકે છે અને વિજ્ઞાનના સ્‍ટેશનેથી પ્રવાસ આરંભો તો માર્ગમાં ધર્મનું જંક્‍શન અચૂક આવે જ છે!

        આપણે જરા વિગતે એ મુદ્દો સમજીએ. ધર્મ અને વિજ્ઞાન બન્‍ને માનવજાત માટેની ઉત્તમ ઉર્જા સિદ્ધ થયાં છે. પરંતુ એ બન્‍ને પેટ્રોલ જેવા છે. પેટ્રોલનો  બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો માણસ ગતિ અને પ્રગતિ બન્‍ને કરી શકે. પણ અગ્‍નિથી પેટ્રોલને દૂર રાખવાની વિવેકબુદ્ધિ ન દાખવીએ તો એનાથી ઘોર વિનાશ પણ સર્જાય શકે. માણસ દારૂગોળાથી (સુરંગ) વડે પહાડ વગેરે ખોદી વિજ્ઞાનનો સદુપયોગ કરી શકે, પણ બોમ્‍બવિસ્‍ફોટ કરીને હજારો માણસોનો જીવ પણ લઇ શકે છે. વિજ્ઞાન અને ધર્મ કેવા માણસોના હાથમાં છે તેના પર એના ફાયદા નુકસાનનો આધાર રહેલો છે. એક વાત ભૂલવા જેવી નથી. વિજ્ઞાનની સિદ્ધિઓ પણ ત્‍યારે જ ફળદાયી નીવડે જ્‍યારે તેમાં માનવધર્મ ભળે. વિજ્ઞાનમાંથી માનવતાની બાદબાકી એટલે હિરોશિમાની દુર્ઘટના. હમણા ટીવી પર એક વાઇલ્‍ડ લાઇફની વિડીયો કેસેટ જોવા મળી, તેમાં ધર્મ અને વિજ્ઞાનને ખભેખભા મિલાવી કામ કરતા જોયા. આફ્રિકાના જંગલોમાં કેટલાંક ફોરેસ્‍ટ અધિકારીઓ રાયફલમાંથી એવી ગોળી છોડતા હતા જે વાઘના શરીરમાં પ્રવેશતા જ તે બે ત્રણ કલાક માટે મૂર્છિત થઇ જતો. ત્‍યારબાદ તેના રોગની સારવાર કરીને  તેને જંગલમાં છોડી મૂકવામાં આવતો. પરંતુ એ જ કેસેટમાં એવું પણ જોવા મળ્‍યું કે કેટલાંક જંગલી આદિવાસીઓ વાઘ પર ગોળી છોડી તેને મારી નાખતા. ત્‍યારબાદ તેનું ચામડુ, દાંત, માંસ અને હાડકાં વગેરે વેચી પૈસા ઉપજાવતા હતાં. ટૂંકમાં મામલો એવો ગણાય કે છરીથી ઓપરેશન કરીને ડોક્‍ટરો માણસનો જીવ બચાવી શકે પણ ખૂની માણસ તે જ છરી વડે કોઇનો જીવ પણ લઇ શકે.

        માણસના મૃત્‍યુ પછી તેના અંગો જીવિત વ્‍યક્‍તિ માટે ઉપયોગમાં લઇ શકાય છે. એક જણનું લોહી બીજાને કામ આવે છે. એકની આંખથી બીજો દેખતો થાય છે. પણ ધર્મની રજા વિના એ શક્‍ય બનતું નથી. જેમકે  આપણી એક કોમમાં લોકો મૃત્‍યુ પછી ચક્ષુદાન નથી કરતા કારણ કે તેમના ધર્મમાં અંગદાનનો નિષેધ છે. એ કારણે લાખો મૃતદેહોની સાથે જ તેમની આંખો પણ નાશ પામે છે. જોકે આજે હવે મોરારિબાપુ પણ રક્‍તદાન કરે છે એથી તેમના લાખો અનુયાયીઓ તેમને અનુસરે છે. ધર્મ અને વિજ્ઞાન હાથ મેળવે તો માનવજીવન સુખદાયી બની શકે. માણસ મંદિરમાં દીવડો સળગાવવા માટે દીવાસળી સળગાવે તે ક્ષણથી જ ધર્મમાં વિજ્ઞાનનો પ્રવેશ થઇ જાય છે. જરા વિચારો, તિરૂપતિની યાત્રાએ જવું હોય અથવા મક્કા હજ કરવા જવું હોય તો વિજ્ઞાન (અર્થાત્‌ એરોપ્‍લેન) વિના એ શક્‍ય છે? આજે લગભગ પ્રત્‍યેક મોટા મંદિરોમાં આરતી કરતીવેળા ઢોલ નગારા યંત્રથી વગાડવામાં આવે છે. ઘણા ઘરોમાં ભગવાનના મંદિરમાં હંમેશા ઇલેક્‍ટ્રિક દીવડો ટમટમતો હોય છે તે જોઇને એવું પ્રતીત થાય છે  કે ધર્મ અને વિજ્ઞાન એક એપાર્ટમેન્‍ટમાં સામસામે રહેતા બે ભાડૂતો જેવા છે. કલકત્તાના એક મંદિરમાં ભગવાનની પૂજા રોબોટ દ્વારા થાય છે. મદ્રાસમાં ‘હલો શંકરા’ નામની ટેલિફોનની ધાર્મિક પ્રસારણ સેવા અમલી બની છે. જેમાં ટેલિફોન દ્વારા માણસ કલાકો સુધી ધર્મપ્રવચનો સાંભળી શકે છે. અરે! એક પ્રખ્‍યાત મંદિરમાં તો શ્રાવણ માસમાં ટેક્ષન બેલ્‍ટ જેવા અદ્યતન યંત્ર વડે શ્રદ્ધાળુઓની ઢગલેબંધ પુષ્‍પમાળાઓ શંકરભગવાનના ચરણોમાં સમર્પિત થાય છે. ધર્મ વિજ્ઞાન સાથે હાથ મિલાવે તો જ આવું થઇ શકે.

         

                                                       ધૂપછાંવ

 

                     ‘ધર્મ વિનાનું વિજ્ઞાન લૂલું છે અને વિજ્ઞાન વિનાનો ધર્મ અંધ છે!’

                                                                               – આલ્‍બર્ટ આઇનસ્‍ટાઇન