લાઇસન્‍સ પાકુ ડ્રાઇવીંગ કાચુ            

“જીવન સરિતાને તીરે…”             ‘ગુજરાતમિત્ર’ ના સૌજન્‍યથી સાભાર             –દિનેશ પાંચાલ

(રવિ પૂર્તિ)                                           તા.  30-12-18  માટે                          મો : 94281 60508

                                  લાઇસન્‍સ પાકુ ડ્રાઇવીંગ કાચુ            

           અમારા બચુભાઈના એક સગાએ નવી કાર ખરીદી. ડ્રાઈવીંગ સ્‍કૂલમાં જઈને ડ્રાઈવીંગ શીખ્‍યા અને થોડા જ દિવસોમાં એમને પાકું લાઈસન્‍સ મળી ગયું, પણ સો ટકા સાચી વાત એ છે કે આજે પણ એમને કાર હંકારતા આવડતું નથી. એમને ડ્રાઈવીંગ લાઈસન્‍સ આપવું એટલે જેના બન્‍ને પગ કપાયા હોય એવા માણસને શ્રેષ્‍ઠ દોડવીરનો ચંદ્રક આપવા જેવી ભૂલ હતી. પહેલે જ દિવસે એમણે એક મોટો અકસ્‍માત કર્યો. બચુભાઈ પણ એમની સાથે કારમાં હતા. તેમણે (છોલાયેલું ઘુટણીયું સાફ કરતાં તત્કાળ) પ્રતિજ્ઞા લીધી કે આપણી આયુષ્‍ય રેખાની આમન્‍યા જળવાય તે માટે હવે પછી કદી એમની સાથે કારમાં બેસવું નહીં. સાંજે અમારી મિત્રમંડળીમાં થોડી કાને ધરવા જેવી વાત કહેતા એમણે કહ્યું: ‘ડ્રાઈવીંગ કરો ત્‍યારે એક વાત ખાસ ધ્‍યાનમાં રાખશો. જે અણઘડ વાહન ચાલકો ખરાબ રીતે ઓવરટેઈક કરે, હાથ બતાવ્‍યા વિના વળી જાય અથવા રોંગ સાઇડેથી સામે ધસી આવે છે તેઓ તે રીતે જ વર્તશે. તેઓ આપણને આડફેટમાં ન લઈ લે તેની કાળજી આપણે જ રાખવી. શ્રેષ્‍ઠ ડ્રાઈવીંગની સાબિતી ફક્‍ત એમાં નથી કે તમને વાહન ચલાવતાં આવડે છે. પણ એ વાતમાં છે કે સામેની વ્‍યક્‍તિ ભૂલ કરે તો પણ તમે તમારા વાહનને હેમખેમ બચાવીને સલામત નીકળી જઈ શકો. સામેવાળો સમયસર બ્રેક ન મારી શકે તે તેની ભૂલ ગણાય તેવા સંજોગોમાં તમે તમારી શિઘ્ર નિર્ણયાત્મક્તાથી બચી જાઓ તે તમારી કુશળતા ગણાય. (કોઈની લાપરવાહીને કારણે તમારા મોમાં ઝેર પડે ત્‍યારે તે ગળી જવાની ભૂલ કરો તો તેમાં વાંક તમારો. પગ ભાંગ્યા પછી જ ખાડો દેખાય તેનો શો ફાયદો? તમને નુકસાન થયા પછી એવું સાબિત થાય કે ભૂલ સામી વ્‍યક્‍તિની હતી તો પણ નુકસાનની માત્રામાં કોઈ ફરક પડતો નથી) તમે સમયસર ઝેર થૂંકી નાખીને જિંદગી બચાવી લો તે સાચી સમજદારી બાકી બીજી વ્‍યર્થ ભેજામારી.!’

         ‘એક બીજો મુદ્દો પણ ખાસ ધ્‍યાનમાં રાખશો’ કહી બચુભાઈએ ઉમેર્યું: ‘આખી દુનિયા શીખાઉ છે. એક માત્ર તમે જ કુશળ ડ્રાઈવર છો એવો પૂર્વગ્રહ દિમાગમાં રોપીને ડ્રાઈવીંગ સીટ પર બેસવું. સામેવાળાને કાંઈ જ આવડતું નથી એમ માની લેવામાં ફાયદો એ થશે કે વાહન ચલાવતી વેળા તમે સતત સાવધાન રહી શકશો. (જેમકે માર્ગમાં ચારે કોર કાંટા પથરાયેલા છે તેવું જાણ્‍યા બાદ માણસ દરેક ડગલું સાવધાનીથી મૂકે છે તેમ) ગમે ત્‍યારે કોઈ પણ માણસ અથડાઈ શકે છે એવી સભાનતા રાખશો તો તમે કોન્‍સન્‍ટ્રેશન સાથે ગાડી ચલાવી શકશો.

         એવી જ બીજી વાત ધ્‍યાનમાં રાખવા જેવી એ છે કે કોઈ અચાનક સામે ધસી આવે કે હાથ બતાવ્‍યા વિના વળી જાય ત્‍યારે કદી ગુસ્‍સે થશો નહીં. લોકોના ખરાબ વ્‍યવહારને પીડાતાં પીડાતાં સહન કરવાને બદલે શરુથી જ માની લેવું કે આ દેશમાં લોકો ખરાબ વ્‍યવહાર કરવા જ સર્જાયા છે. આપણી ખાતર તેઓ સુધરી જવાના નથી. દિમાગ ઠંડુ રાખશો તો તમારું દિમાગી સંતુલન જળવાઈ રહેશે. જો ગુસ્સે થયા તો શક્ય છે તમે પોતે કોઈ અકસ્માત કરી બેસશો. ડ્રાઈવીંગ કરતીવેળા ક્રોધે ભરાવું એટલે ધ્‍યાનમાં બેઠા હોઈએ ત્‍યારે દાંત ભીંસવા જેવી ભૂલ ગણાય. ધ્‍યાન ધરવું અને ડ્રાઈવીંગ કરવું એ બન્‍ને વચ્‍ચે ઘણું સામ્‍ય છે. બન્‍નેમાં એકાગ્રતા અને મનની સ્‍વસ્‍થતા બહુ જરૂરી છે. જાહેર માર્ગ પર દરેક માણસ તેની કુટેવ મુજબ ભૂલ કરતો હોય છે. તમે દરેક વખતે ક્રોધે ભરાતા રહેશો તો તેને કોઈ ફરક નહીં પડે, પણ તમે ડિસ્‍ટર્બ થઈને કોઈ ભૂલ જરૂર કરી બેસશો. (શક્‍ય છે એ માણસે કરેલી ભૂલને કારણે તમને એટલું મોટું નુકસાન ન થાય જેટલું તમારા ક્રોધને કારણે થાય!)

         દોસ્‍તો, ઉંડાણથી વિચારીએ તો આપણી કહેવાતી ટ્રાફિક સમસ્‍યાઓ સાચા અર્થમાં ટ્રાફિક સમસ્‍યા કદી હોતી નથી. માણસ ડ્રાઈવીંગમાં પાવરધો ન થયો હોય છતાં લાઈસન્‍સ આપી દેવામાં આવે તે ટ્રાફિક સમસ્‍યા નથી, આર.ટી.ઓ. તરફથી મળતી ટેરેફિક સમસ્‍યા છે. અમેરિકામાં ડ્રાઈવીંગ લાઈસન્‍સ માટે છ મહિના સુધી ટ્રાયલ લેવામાં આવે છે તથા ટ્રાફિક નિયમોની જાણકારી માટે લેખિત પરીક્ષા પણ લેવામાં આવે છે. જરા વિચારો, ટ્રાફિક નિયમોનો કક્કો ન જાણતા માણસો બેફામ રીતે વાહનો હંકારી અકસ્‍માત નોતરતા હોય તો રસ્‍તાઓ સાંકડાને બદલે પહોળા હોય તો પણ શો ફરક પડે? પોતાની ભૂલ હોય તો પણ વાહનચાલકો બીજા સાથે ગાળાગાળી પર ઉતરી જાય એ ટ્રાફિકની નહીં, અબૌદ્ધિક્‍તાની સમસ્‍યા ગણાય. જાહેર માર્ગો પર રાહદારીઓનું અજ્ઞાન, ઉતાવળ, બેદરકારી, અણઆવડત, લાપરવાહી વગેરેમાં તેમની થોડીક અબૌદ્ધિક્‍તા ઉમેરાય પછી જે સ્‍થિતિનું નિર્માણ થાય તેને આપણે ટ્રાફિક સમસ્‍યા કહીએ છીએ. (એમાં માણસનું થોડુંક લોહી, કાચની કરચો કે હાડકાની કચ્‍ચરો ભળે તેને આપણે અકસ્‍માતના નામથી ઓળખીએ છીએ) આપણે ત્‍યાં જાહેર માર્ગો પર વાહનચાલકો જે અણઘડ રીતે વાહનો ચલાવે છે તેનો  જોટો જડવો મુશ્‍કેલ છે. મોટાભાગના વાહનચાલકો કોઈ ગલીમાં વળે ત્‍યારે હાથ બતાવતા જ નથી અથવા તો અગાઉથી વહેલો હાથ બતાવ્યા પછી વળવાને બદલે બીજી જ સેકન્‍ડે વળી જાય છે. જેથી પાછળવાળા સાથે અકસ્માત થઈ જાય છે.  કોઈકે સાચું કહ્યું છેઃ ‘માણસ કેવી રમૂજ પર હસે છે તે પરથી તેનું ધોરણ નક્કી કરી શકાય છે.’ એમાં એટલું ઉમેરી શકાયઃ માણસ જાહેર માર્ગો પર કેવી રીતે વાહનો ચલાવે છે તે પરથી દેશની સંસ્‍કૃતિનું માપ નીકળે છે. જરા વિચારો, અમેરિકા ચંદ્ર કે મંગળ પર વસાહતો સ્‍થાપવાની વાતો કરે છે અને આ દેશના રાહદારીઓને હજી ધરતી પર ચાલતાં કે વાહનો ચલાવતાં પણ પૂરું ન આવડે એનાથી મોટી શરમ બીજી કઈ હોઈ શકે? તાત્પર્ય એટલું જ, “કાર હો યા સંસાર.. બનો કુશળ અસવાર…!”

ઈશ્વરનું અસ્તિત્વ

     ઈશ્વરનું અસ્તિત્વ શંકાસ્પદ છે પણ માણસના અસ્તિત્વ વિશે શંકા નથી. તો ઈશ્વરને છોડી માણસને સુખી કરવા માટે કંઈક કરીએ.

                                                                             –દિનેશ પાંચાલ

 હિપ્‍નોટિઝમ કેવી રીતે કરી શકાય ?

જીવન સરિતાને તીરે…          ગુજરાતમિત્ર ના સૌજન્‍યથી સાભાર              ‑ દિનેશ પાંચાલ

(રવિ પૂર્તિ)                      તા.   23-12-18  માટે                                         મો : 94281 60508

                        હિપ્‍નોટિઝમ કેવી રીતે કરી શકાય ?

        હિપ્‍નોટિઝમ વિશે જાણકારી મેળવવી હોય તો ડૉ. પ્રશાંત ભિમાણી લિખીત પુસ્‍તક ‘ઈઝી હિપ્‍નોટિઝમ’ વાંચવું પડે. હિપ્‍નોટિઝમ પ્રાચિન વિદ્યા છે. દરદીઓને સાજા કરવા માટે તેનો સૌથી પહેલો પ્રયોગ સીગ્‍મંડ ફ્રોઈડે કર્યો હતો. પરંતુ હિપ્‍નોટિઝમની શોધ ફ્રેન્‍ઝ એન્‍ટન મેસ્‍મર નામના તબીબ વિજ્ઞાનીએ કરી હતી. અઢારમી સદીમાં વિયેનામાં જન્‍મેલો મેસ્‍મર પોતાના દરદીઓને વશીકરણ દ્વારા સંમોહિત કરીને ગાઢ નિદ્રામાં નાખી દેતો. (‘મેસ્‍મર’ નામ પરથી એ વિદ્યાને ‘મેસ્‍મેરિઝમ’ના નામથી પણ ઓળખવામાં આવે છે) ‘હિપ્‍નોટિઝમ’ મૂળ ‘હિપ્‍નોસ’ શબ્‍દ ઉપરથી બનેલો છે. ‘હિપ્‍નોસ’ શબ્‍દ સંસ્‍કૃત શબ્‍દ ‘સ્‍વપ્‍ન’ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. હિપ્‍નોટિઝમ એટલે માણસની જાગ્રત અવસ્‍થા અને નિંદ્રાવસ્‍થા વચ્‍ચેની એક તંદ્રાવસ્‍થા. આ વિદ્યા માણસના અચેતન મન (સબકોન્‍સિયસ માઈન્‍ડ) દ્વારા પાર પડે છે. એમાં હુકમો કે આદેશો દ્વારા માણસને એવી માનસિક અવસ્‍થામાં મૂકી દેવામાં આવે છે કે તે જાગ્રત અવસ્‍થામાં હોતો નથી અને ઊંઘમાં ય પડી જતો નથી. જેમ ચોર કોકના ઘરમાં ઘુસવા માગતો હોય તો તે સૌ પ્રથમ ચોકીદારને બેહોશ કરી દે છે, તેમ અચેતન મન પાસે કામ લેવાનું હોય ત્‍યારે તેના જાગ્રત મનને નિષ્‍ક્રિય કરવાની જરૂર પડે છે. એથી અનેક સૂચનો દ્વારા વ્‍યક્‍તિના જાગ્રત મનને નિશ્ચિત કરી દેવામાં આવે છે. દોસ્‍તો, હિપ્‍નોટિઝમ ગમે ત્‍યારે ગમે તેને કરી શકાતું નથી. એ આખી પ્રક્રિયા મન સાથે સંકળાયેલી હોવાથી મનની સ્‍થિતિ પર ઘણો આધાર રહે છે. ડૉક્‍ટરો એનેસ્‍થેસિયાનું ઈંજેકશન આપે પછી જ દરદી બેહોશ થાય છે તે રીતે માણસના અંતર્મન પર પ્રભુત્‍વ મેળવ્‍યા પછી જ તેની પાસે પોતાની સૂચનાઓનો અમલ કરાવી શકાય છે.

        હિપ્‍નોટિઝમ કેવી રીતે કરી શકાય તે વિશે થોડી ચર્ચા કરીએ. હિપ્‍નોટિઝમ કોઈ હાથચાલાકી કે ચમત્‍કાર નથી. એ મનની શક્‍તિઓ પર પ્રભુત્‍વ મેળવવાની અદ્‌ભૂત કળા છે. એમાં આદેશો કે સૂચનાઓ દ્વારા વ્‍યક્‍તિને તંદ્રાવસ્‍થામાં નાખી દેવામાં આવે છે. ત્‍યારબાદ તે વ્‍યક્‍તિ હિપ્‍નોટિસ્‍ટ સિવાય બીજા કોઈની આજ્ઞાનો સ્‍વીકાર કરતી નથી. વળી તે કશો જ વિચાર કર્યા વિના હિપ્નોટિસ્‍ટ જે કહે તે કરવા તૈયાર થઈ જાય છે. તેની પાસે રમૂજ ઉપજે એવી ક્રિયાઓ પણ કરાવી શકાય છે. અહીં વ્‍યક્‍તિ પોતાની વિવેકબુદ્ધિ વાપરવાનું બંધ કરી દે છે. એથી ચાલાક ધૂતારાઓ ક્‍યારેક માણસને હિપ્‍નોટિઝમ કરીને લૂંટવામાં સફળ નીવડે છે.

         એક મહત્ત્વની બાબત એ છે કે બધા લોકો પર હિપ્‍નોટિઝમ સફળ થઇ શકતું નથી. જેમના મનમાં હિપ્‍નોટિઝમ વિશે હકારાત્મક વિચારો હોય તેમને જ હિપ્‍નોટાઈઝડ કરી શકાય છે. જેઓ એમ માનતા હોય કે આ એક ઠગવિદ્યા સિવાય કશું જ નથી તેમને હિપ્‍નોટાઈઝડ કરી શકાતાં નથી. હિપ્‍નોટિઝમ માટે તૈયાર થતી વ્‍યક્‍તિએ પણ તેની અસર પામવા માટે મન બનાવવું પડે છે. અત્રે એક બાબત ખાસ નોંધવા જેવી છે. હિપ્‍નોટિઝમ દ્વારા વ્‍યક્‍તિ પાસે ધાર્યું કામ કરાવી શકાય છે પરંતુ એની કેટલીક મર્યાદાઓ છે. મનમાં જે વાત દ્રઢપણે સંસ્‍કારિત થયેલી હોય તેનાથી વિરૂદ્ધ જઈને વ્‍યક્‍તિ પાસે કાંઇ કરાવી શકાતું નથી. જેમકે પુરુષો સ્‍ટેજ પર શર્ટ ઉતારે છે પણ સ્‍ત્રીઓની પ્રકૃતિ બાળપણથી (કુદરતી રીતે જ) લજ્‍જાશીલ હોય છે. તેમને જાહેરમાં વસ્‍ત્રો ઉતારવાનું કહેવામાં આવે તોસ્ત્રી તેમ કરતી નથી. કેમકે એવું ન કરવાના સંસ્‍કાર તેની પ્રકૃતિમાં ગાઢ રીતે દ્રઢ થયેલા છે. એ જ રીતે બે માણસોને ઝઘડવાનો આદેશ આપો તો તેઓ ઝઘડે છે. પણ હિપ્‍નોટાઈઝડ વ્‍યક્‍તિ પાસે કોઈનું ખૂન કરાવી શકાતું નથી. કેમકે ખૂન કરવું એ પાપ છે  અને એની બહુ આકરી સજા થઈ શકે છે એ બાબત તેના મનમાં દ્રઢપણે રોપાયેલી છે. યોગાચાર્ય શ્રી શાંતિકુમાર ભટ્ટે એક વાત લખી છે. કેટલાંક રોગો ડૉક્‍ટરોથી પણ પકડી શકાતાં નથી ‘તબીબી’ વિજ્ઞાનના પુસ્‍તકોનો અભ્‍યાસ કરીશું તો સમજાશે કે 80 ટકા જેટલા રોગો કયા કારણોસર થાય છે તેની સ્‍પષ્ટતા હોતી નથી. તેમાં માત્ર એટલું લખેલું હોય છે- ‘ઈટીઓલોજી અનનોન’– અર્થાત્‌ ‘કારણ જણાતું નથી’. એ દર્શાવે છે કે 80 ટકા રોગોનું કારણ અંતર્મનની અવ્‍યવસ્‍થા જ હોય છે. અંતર્મનની માંદગી તનની બિમારીનું મુખ્‍ય કારણ હોય છે. જે રીતે દેશનું વહીવટી તંત્ર બિનકાર્યક્ષમ હોય તો પ્રજા દુઃખી થાય છે તેમ અંતર્મન માંદુ હોય તો આખા દેહ પર તેની માઠી અસર થાય છે.’

         હિપ્‍નોટિઝમ દ્વારા કેન્‍સર, બ્‍લડપ્રેસર, ડાયાબિટીસ, દમ, હૃદયરોગ, સંધિવા તથા અનેક માનસિક રોગો મટાડી શકાય છે. ત્‍યાં સુધી કે ખુદ ડૉ. ભિમાણી કહે છે કે એનેસ્થેસિયા આપ્‍યા વિના દરદીનું ઓપરેશન પણ થઇ શકે છે પરંતુ એ અંગે સાચી વાત એ છે કે હિપ્‍નોટિઝમ હજી અવિકસિત દશામાં છે. ખરેખર તેનાથી ઓપરેશનો થઈ શકતાં હોય તો પણ જેમ બે ભાગ હાઇડ્રોજન અને એક ભાગ ઓક્‍સિજન મેળવવાથી પાણી બની શકે  એવું વિજ્ઞાન દ્વારા સિદ્ધ થયું હોવા છતાં આજે  પાણી માટે વરસાદ પર જ આધાર રાખવો પડે છે. મતલબ દુષ્‍કાળ પડે ત્‍યારે એચ.ટુ.ઓ.ની ફોર્મ્‍યુલા વડે દેશની 130 કરોડ જનતા માટે પાણી ઉત્‍પન્‍ન કરી શકાતું નથી. તે રીતે વિશ્વમાં કરોડો દરદીઓના રોજેરોજ ઓપરેશનો થાય છે, તે સૌ માટે એનેસ્‍થેસિયા પર જ આધાર રાખવો પડે છે. હિપ્‍નોટિઝમ જેવા નિઃશૂલ્‍ક ઉપાય દ્વારા એ શક્‍ય હોત તો લાખો દરદીઓને ફાયદો થઇ શકતો હોત.

                                                                      ધૂપછાંવ

           હિપ્‍નોટિઝમ શક્‍ય  છે પરંતુ સહજસાધ્‍ય નથી. હિપ્‍નોટિઝમને સરળ, અને સહજસાધ્‍ય બનાવી શકાય તો જ તેનો માનવકલ્‍યાણાર્થે ઉપયોગ થઈ શકે. હાલ તો તે સ્‍ટેજ શો કરીને માણસનું મનોરંજન કરવાની એક કળા માત્ર બની રહી છે.

લોક લાગણી

                             ચાલ, કમળને થોડું પાંસરુ કરીએ,
                             પંજા જોડે ફરી નાતરુ કરીએ….!
                                                        –લોક લાગણી

ઝનૂન કે કાનૂનથી નહીં, પણ સમજદારીથી સંસાર સ્વીટહોમ બની શકે

જીવન સરિતાને તીરે…          ગુજરાતમિત્ર ના સૌજન્‍યથી સાભાર              ‑ દિનેશ પાંચાલ 

 (રવિ પૂર્તિ)                           તા. 16-12-18  માટે                                        મો : 94281 60508

       ઝનૂન કે કાનૂનથી નહીં, પણ સમજદારીથી સંસાર સ્‍વીટહોમ બની શકે

         થોડા સમય પહેલા જાતિય શોષણનો ભોગ બનેલી સ્‍ત્રીઓએ ‘મી ટુ’ની ચળવળ હેઠળ સમગ્ર દેશનું ધ્‍યાન ખેંચ્‍યું હતું. ત્‍યારબાદ સ્‍ત્રી શોષણના એવા ઘણા કિસ્‍સાઓ પ્રકાશમાં આવ્‍યા હતા. દોસ્‍તો, ઘરેલું હિંસાનો કાયદો આવ્‍યો ત્‍યારે પુરુષો ખળભળી ઊઠયા હતા. એ કાયદાનો દુરુપયોગ કરીને સ્‍ત્રીઓ નિર્દોષ પુરુષોને રંજાડશે એવી વ્‍યાપક ફરિયાદો ઊઠી હતી. પરંતુ જરા એ વિચારો કે વિદ્યુતકરન્‍ટથી ક્‍યારેક જાનહાની પણ થાય તેથી આખેઆખી ઇલેક્‍ટ્રીસીટીનો વિરોધ કરાય ખરો?? પ્‍લેનક્રેશ થાય કે ટ્રેન અકસ્‍માત થાય ત્‍યારે પણ સેંકડો માણસો મૃત્‍યુ પામે છે, તેથી પ્‍લેન કે ટ્રેનની શોધ નુકસાનકારક ગણાતી નથી. જે દેશમાં દર 12 મિનિટે સ્‍ત્રીઓ સાથે છેડછાડ થતી હોય, દર 29 મિનિટે એક બળાત્‍કાર થતો હોય અને 77 મિનિટે વાંકડાને કારણે સ્‍ત્રીને મારી નાખવામાં આવતી હોય તે દેશમાં સ્‍ત્રીને સંસદમાં સ્‍થાન મળે તે કરતાં સમાજમાં સલામતિ મળે તે વધુ જરૂરી છે. પરાપૂર્વથી સ્‍ત્રીઓનું શોષણ થતું આવ્‍યું છે. હવે એનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. સ્‍ત્રીઓનું આટલું શોષણ કદાચ પંદરમી સદીમાં પણ થતું નહીં હોય. એકવીશમી સદીની સ્‍ત્રી વધુ અસલામત જણાય છે. હેડંબા, પુતના, કૈકયી, મંથરા કે હોલિકા પર કદી બળાત્‍કાર થયો ન હતો. એકવીશમી સદીમાં પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર  બનેલી મહિલા પર પણ બળાત્‍કાર થયાના કિસ્‍સા બન્‍યા છે. જેસિકાલાલ હત્‍યાકાંડ તથા પ્રિયદર્શિની હત્‍યાકાંડ પર નજર કરીશું તો સ્‍ત્રીની દયનીય સ્‍થિતિનો સાચો ખ્‍યાલ આવશે.

         વિશ્વઆરોગ્‍ય સંસ્‍થા- ‘હુ’ (Who) ના અહેવાલ અનુસાર 15 દેશોની 29000 મહિલાઓમાંથી 75 ટકાથીય વધુ સ્‍ત્રીઓએ જણાવ્‍યું છે કે તેમણે જાતીયશોષણ, શારીરિક પીડાઓ, કે માનસિક યાતનાઓ તથા વિવિધ પ્રકારે કરવામાં આવતું ટૉર્ચરિંગ વેઠવું પડયું છે. દોસ્‍તો, ચોંકી જવાય એવું રિઝલ્‍ટ એ આવ્‍યું છે કે સૌથી વધુ ત્રાસ બહારના લોકોએ નહીં પણ પતિએ, પરિવારના વડીલોએ, કે નજીકના સગાંઓએ જ ગુજાર્યો છે. એ રિપોર્ટમાં એવું તારણ રજૂ થયું છે કે સમગ્ર વિશ્વમાં 15 થી 44 વર્ષની સ્‍ત્રીઓના મૃત્‍યુમાં (રોગો કરતાં) શારીરિક અને માનસિક અત્‍યાચારો જ વધુ કારણભૂત રહ્યાં છે. સદીઓથી પુરુષપ્રધાન સમાજમાં આ સમસ્‍યાની હેતુપુરઃસરની અવગણના થતી આવી છે. ન્‍યાયખાતર સ્‍વીકારવું રહ્યું કે આ કાયદો પુરુષોએ જ ઘડયો છે. (પરંતુ એ કાયદો કુતુબમિનારની ટોચ પર મૂકેલી જલેબી જેવો છે, જે માત્ર જોઈ શકાય છે- આરોગી શકાતો નથી) સ્‍ત્રી સંસારની અણમોલ જણસ છે. પુરુષોને મળેલો એ ખૂબસૂરત આશીર્વાદ છે. પરંતુ કોણ જાણે કેમ, પુરુષના માનસિક બંધારણમાં જ કોઈ એવું વિચિત્ર ફૅક્‍ટર રહ્યું છે કે તે સુંદરતાને ભોગવવા કરતાં ચૂંથવાનું વધુ પસંદ કરે છે. તા.26-10-06થી અમલમાં આવેલા એ ‘ઘરેલુ હિંસા નિવારણ કાનૂન’ મુજબ કોઈ પણ સ્‍ત્રી પર અત્‍યાચાર ગુજારનાર પુરુષને 20,000નો દંડ અને એક વર્ષ સુધીની સજા થઈ શકે છે. એ કાયદો જરૂરી અને ઉપયોગી છે પણ આપણી વિલંબીત ન્‍યાયનીતિને કારણે એનો ૧૦૦ ટકા ફાયદો સ્‍ત્રીઓને મળી શકતો નથી.

         એ સિવાય સ્ત્રીઓની બીજી પણ એક પાયાની મુંઝવણ છે. એક દષ્ટાંતકથા વડે તે સમજવાની કોશિષ કરીએ. એક જંગલમાં વાઘ અને હરણ વચ્‍ચે ઝઘડો થયો. ઝઘડાનો ન્‍યાય કરવાનું કામ માણસને સોંપવામાં આવ્‍યું.  માણસે જોયું  કે વાઘ ગુનામાં છે, એથી તેણે હરણને ફરમાવ્‍યું: ‘વાઘ દોષિત છે.. તું વાઘના મોઢા પર દશ તમાચા મારીને તેને સજા કરી શકે છે.’ હરણે તેમ કર્યું. ન્‍યાય પૂરો થયો. વાઘ જંગલમાં ચાલ્‍યો ગયો. હરણે માણસને પ્રશ્ન કર્યોઃ ‘હવે હું ક્‍યાં જાઉં? જંગલમાં જઈશ તો વાઘ મને ફાડી ખાશે. તમે મને તમારી પાસે રાખશો?’ માણસે કહ્યું: ‘મારું કામ ન્‍યાય આપવાનું છે, તને આશરો આપવાનું નથી!’ અદાલતે ચઢતી સ્‍ત્રીઓની હાલત આ હરણ જેવી થાય છે. કાયદો ન્‍યાય આપે છે રક્ષણ નથી આપતો. એ કારણે સમાજની 80 ટકા સ્‍ત્રીઓ તેમની સમસ્‍યાઓ ઘરઆંગણે ઉકેલવાની કોશિષ કરે છે. એમ થવાથી પતિપત્‍નીના નાજુક સંબંધોનું માધુર્ય જળવાઈ રહે છે. બાકી જો સ્‍ત્રી અદાલતમાં ગઈ તો જીતી ગયા બાદ તેની સામે હરણની જેમ પ્રશ્ન ઉદ્‌ભવે છે- ‘હવે હું ક્‍યાં જાઉં?’ મતલબ તેણે પેલા પરાજિત પુરુષ જોડે જ બાકીનું જીવન ગુજારવું પડે છે. સ્‍વાભાવિક જ તે પુરુષ પોતાના પ્રતિષ્‍ઠાહનનનો બદલો લેવાનું ચૂકતો નથી. કૉર્ટનો આશરો લેવા માગતી પીડિત મહિલાની આ પેચીદી સમસ્‍યા છે, ન્‍યાયતંત્રે અને સમાજે તે અંગે ખાસ ગંભીરતાથી વિચારવું જોઈએ.

         શાણી સ્‍ત્રીઓ આ તમામ ભયસ્‍થાનો જાણે છે તેથી તે અદાલતે ચઢીને કાયદાનો ફાયદો ઉઠાવી શકતી નથી. એક વાત સમજી લેવા જેવી છે. કોઈ પણ પરણિતા કાયદાની મદદથી કૉર્ટમાં જીતી શકે છે ખરી પણ સંસારના સ્‍વીટહોમમાં પુરુષના પ્રેમ અને સહકાર વિના તે જીતી શકતી નથી- (અને જીવી પણ શકતી નથી) યાદ રહે, સ્‍ત્રીઓને માત્ર પતિ નથી જોઈતો, પતિનો પ્રેમ પણ જોઈએ છે. માત્ર સંતાનો નથી જોઈતા, સંતાનોનો સ્‍નેહ પણ જોઈએ છે. મકાન નથી જોઈતું સ્‍નેહનું સાચું “સ્‍વીટહોમ” જોઈએ છે. સ્‍ત્રીઓ સમાજમાં બિનશોષિત સ્‍થિતિમાં જીવી શકે તે માટે તેના માર્ગમાં આવતી તમામ તકલીફો, મુંઝવણો અને તેની લાચારીના વ્‍યવહારુ ઉપાયો શોધવામાં આવે તે જરૂરી છે. આજે ઘણી રીતે એ કાયદાની જરૂરિયાત સમજાય છે પણ કોઈ પણ કાયદો લોકોને સરળતાપૂર્વક ઉપયોગી ન બની શકતો હોય તો એ પોથીમાંના રિંગણા જેવો બની રહે છે.

                                                   ધૂપછાંવ

           સ્‍ત્રીઓએ પણ ઘરેલું હિંસાના કાયદાનો સદુપયોગ બંદૂક તરીકે નહીં, પણ ઢાલ તરીકે કરવો જોઈએ.

સુપુત્ર

      દરેક માતાને પુત્ર જન્મે છે. તેને યોગ્ય કેળવણી અને સુસંસ્કાર આપી “સુપુત્ર” બનાવવાની જવાબદારી માબાપની ગણાય!                       

                                                                      –દિનેશ પાંચાલ

સંધીવાના સણકા

       સાસુને પરેજી હોય અને રોજ આમલી વિનાની દાળ જુદી બનાવવી પડતી હોય ત્યારે સંધીવાના સણકા કરતા વહુના મહેણા વધુ પીડા આપેછે                 

                                                         –દિનેશ પંચાલ