વાસ્તુ નહીં પણ વસ્તુશાસ્ત્રથી સુખી થવાય

જીવન સરિતાને તીરે…          ગુજરાતમિત્રના સૌજન્‍યથી સાભાર                 ‑ દિનેશ પાંચાલ

 (રવિ પૂર્તિ)                                  તા.     9-12-18   માટે                                 મો : 94281 60508

                                        વાસ્‍તુ નહીં પણ વસ્‍તુશાસ્‍ત્રથી સુખી થવાય

         વાસ્‍તુશાસ્‍ત્રમાં ‘પોઝિટિવ એનર્જી’ અને ‘નેગેટિવ એનર્જી’ આ બે શબ્‍દો વારંવાર સાંભળવા મળે છે. ‘પોઝિટિવ એનર્જી’ અને ‘નેગેટિવ એનર્જી’નો અર્થ શો થાય?’ જવાબમાં બચુભાઈ જરા રમૂજમાં બોલ્‍યાઃ ‘જાજરુનું ટબ દક્ષિણ દિશામાં હોય તો ઘરમાં બધાંને કબજિયાત રહે એમ માનવું તે નેગેટિવ એનર્જી કહેવાય, અને આહારમાં ફળ, દૂધ, લીલા શાકભાજી વગેરે વધારે લેવાથી કબજિયાત ન થાય એમ માનવું તે પોઝિટિવ એનર્જી ગણાય.’ તેમણે ઉમેર્યું : ‘સત્‍ય એ છે કે કબજિયાત દૂર કરવા માટે નબળા આંતરડાની દવા કરવાને બદલે સંડાસના ટબની દિશા બદલવી તે એવી નાદાની છે, માનો હૃદયરોગ આવતો અટકાવવા માટે માણસ પલંગ નીચે કાર્ડિયોગ્રામનું મશીન રાખીને સુએ!’ બચુભાઇની રમૂજને બાદ કરી ગંભીરપણે વિચારીશું તો સમજાશે કે પોઝિટિવ- નેગેટીવ જેવું ખરેખર કાંઈ હોય તો તે બહાર નથી હોતું, માણસની અંદર હોય છે. કરવો જ હોય તો એનો એવો અર્થ કરી શકાય- પોઝિટિવ એનર્જી એટલે સદ્‌બુદ્ધિ અને નેગેટિવ એનર્જી એટલે દૂર્બુદ્ધિ..! વાસ્‍તુશાસ્‍ત્ર કરતાં ‘વસ્તુ’શાસ્‍ત્ર’માં માનવીનું વિશેષ કલ્‍યાણ રહેલું છે. વસ્‍તુશાસ્‍ત્ર એટલે ભૌત્તિકસુખો. અર્થાત્‌ માણસને રહેવા માટે ઘર મળે તે જરૂરી છે. પછી એ ઘરમાં પૂર્વ તરફ રસોડું હોય કે પશ્ચિમ તરફ.. કોઈ ફરક પડતો નથી. પગમાં પહેરવા માટે પગરખાં મળી રહે તેટલું પૂરતું છે. એ પગરખાને દરવાજાની ડાબી બાજુએ મૂકો કે જમણી બાજુએ.. કોઈ ફરક પડતો નથી. દોસ્‍તો, ઘરમાં તિજોરી ગમે તે ખૂણામાં રાખી હોય પણ પૈસા કમાવાનો પુરુષાર્થ સાચી દિશામાં નહીં થાય ત્‍યાં સુધી લક્ષ્મીદેવીને તમારા ઘરનો રસ્‍તો મળશે નહીં.

         નક્કર સત્‍ય એ છે કે માથુ પૂર્વમાં રાખીને સુઓ કે પશ્ચિમમાં પણ માથામાં ભંડોળ હોય તોજ સુખી થવાય છે. શયનખંડ ઈશાનમાં હોય કે અગ્નિમાં પણ નોકરી ધંધા વિનાનો માણસ આળસુ બની ઘરમાં પડી રહેતો હોય તો પત્‍નીના દિલમાં બારે દહાડા અગ્નિ સળગતો રહેશે. સુવાની દિશા બદલવાથી નહીં પણ વિચારોની દિશા બદલવાથી અવદશા બદલી શકાય છે. તમે ઉત્તરમાં કે (દક્ષિણમાં) પગ રાખીને  બરાબર સુતા હો પણ એ પગ સવારે નોકરી ધંધાની દિશામાં જવાને બદલે દારૂ જુગારના અડ્ડા પર જતા હોય, તો વાસ્‍તુશાસ્‍ત્ર તમને બચાવી શકશે નહીં. દોસ્‍તો, દિમાગની ડાયરીમાં લખી રાખજો કે ઈશાન- અગ્નિ- નૈઋત્‍ય કે વાયવ્‍યથી નહીં પણ બુદ્ધિ, પરિશ્રમ, પ્‍લાનીંગ અને કૌશલ્‍યથી સુખી થઈ શકાય છે. જે વાસ્‍તુશાસ્ત્રીએ પોતાનું ઘર વાસ્‍તુશાસ્‍ત્ર પ્રમાણે બનાવ્‍યું હોય તેમના જીવનની તમામ ઘટનાઓ બારીકાઈથી તપાસશો તો જાણવા મળશે કે તેમના જીવનમાં પણ અનેક દુઃખો આવતાં જ હોય છે. તેમનું જીવન ચોવીસ કલાક સુખશાંતિમાં પસાર થતું નથી. જાતને એક પ્રશ્ન પૂછો- શું વાસ્‍તુશાસ્ર કરાવનારા  હંમેશાં ફર્સ્‍ટ ક્‍લાસમાં જ પાસ થાય છે? તેને ત્‍યાં ડૉક્‍ટરોના ખર્ચા નથી થતા? ઝઘડા નથી થતા? ઈન્‍કમટેક્ષ ન ભર્યો હોય તો વાસ્‍તુશાસ્ત્રની કૃપાથી તે પેનલ્‍ટીથી બચી જાય છે?

         માણસ ગેરકાનુની ધંધા કરતો હોય, દારુ જુગારના અડ્ડા ચલાવતો હોય, આતંકવાદીઓ સાથે મળેલો હોય અને વ્‍યસનોમાં ગળાડૂબ રહેતો હોય તો દશે દિશાઓમાંની કોઈ દિશા તેની અવદશા અટકાવી શકશે નહીં. માણસની જબાન કડવી હોય, વર્તણૂક ખરાબ હોય, બુદ્ધિ ના હોય અને મહેનત કરવાની વૃત્તિ ના હોય, વધારામાં દેવુ કરીને જલસા કરવાની  ઉડાઉગીરી કરતો હોય તો એવા સત્‍યવાનોને કોઈ સાવિત્રી બચાવી શકતી નથી. શોધવા નીકળશો તો વાસ્‍તુશાસ્‍ત્ર વિના પણ સુખી થયેલા લોકો મોટી સંખ્‍યામાં મળી આવશે. તેમના જીવન પર દષ્ટિપાત કરીશું તો સમજાશે કે અમુક તમુક દિશામાં સુવા બેસવાથી નહીં પણ સાચી દિશામાં પરિશ્રમ કરવાથી તેઓ સુખી થઇ શક્‍યા છે. અઝીમ પ્રેમજી, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, બીલ ગેટ્‍સ વગેરેએ શું વાસ્‍તુશાસ્‍ત્ર પ્રમાણે ઘર બાંધ્‍યા છે..?

         સુખી થવા માટે થોડાક મુદ્દાઓ અંગે વિચાર કરવા જેવો છે. તમે ભલે પૂર્વમાં (એટલે કે ભારતમાં) રહો પણ પશ્ચિમી દેશોની જેમ કઠોર પરિશ્રમ કરશો તો વાસ્‍તુશાસ્‍ત્ર વિના પણ સમૃદ્ધિની દેવી તમારા ઘરમાં પ્રવેશી શકશે. આજે અનેક વિટંબણાઓથી ભરેલા જીવનમાં પાર વિનાના પ્રશ્નો છે. તે સૌનો ઉકેલ ઘરનું ફર્નિચર, તિજોરી, કે મંદિર અમુક ખૂણામાં ગોઠવી દેવાથી આવી જતો નથી. સંસારની સમસ્‍યાઓ ઉકેલવાની તમારામાં સૂઝ સમજ કેટલી છે તેના પર આધાર રહે છે. ગમે તે દિશામાં સુઓ પણ ભીતરથી જાગતા રહો તો સારા નરસાનો ભેદ પારખીને અવળે માર્ગે જતા અટકશો. યાદ રહે, જીવનની સમસ્‍યાઓ એટલી આસાન હોતી નથી કે અમુક તમુક દિશામાં પગ રાખીને સુવાથી તેનો ઉકેલ મળી જાય. માણસ કઈ દિશામાં સુએ તેનાથી નહીં પણ ઊઠયા પછી કઈ દિશામાં જાય તે પર તેની સુખ સમૃદ્ધિનો આધાર રહેલો છે. સવારે ઊઠીને માણસ નોકરીની દિશામાં જવાને બદલે દારૂના પીઠાની દિશામાં જશે તો વાસ્‍તુશાસ્‍ત્ર પણ તેને બરબાદીથી બચાવી નહીં શકે. નવી સોસાયટીનું બાંધકામ ચાલતું હોય ત્‍યાં ઘણે ઠેકાણે મેં બોર્ડ વાંચ્‍યાં છેઃ આ સોસાયટીના તમામ બંગલાઓનું બાંધકામ વાસ્‍તુશાસ્‍ત્ર પ્રમાણે કરવામાં આવ્‍યું છે. આમ જ ચાલ્‍યું તો ભવિષ્‍યમાં સ્‍મશાનો પણ વાસ્‍તુશાસ્‍ત્રના નિયમો પ્રમાણે બનાવાશે. (મૃતદેહને અમુક તમુક દિશામાં પગ કે માથુ રાખીને બાળશો તો મરનારને સ્‍વર્ગ મળશે એવો પ્રચાર શરુ થશે) બલકે અમુક તમુક દિશામાં માથુ રાખીને મડદાને બાળવાથી તેને અપાર માનસિક શાંતિ મળે છે- એવું કહેનારાઓ પણ નીકળશે.

                                                                               ધૂપછાંવ

             વાસ્‍તુશાસ્‍ત્રથી જીવનમાં સુખશાંતિ, સમૃદ્ધિ, અને આર્થિક ઉન્‍નતિ થઈ શકતી હોત તો આપણે ત્‍યાં દર દશમુ ઘર વાસ્‍તુશાસ્‍ત્ર પ્રમાણે હોય છે છતાં અહીં આટલા દુઃખો કેમ છે? અને અમેરિકામાં વાસ્તુશાસ્‍ત્રનું નામોનિશાન નથી છતાં તેઓ આટલા સુખી કેમ છે? દોસ્‍તો, ગંભીરતાથી વિચારો.. તમારે અંધશ્રદ્ધા સિવાય (અને વાસ્‍તુશાસ્‍ત્રીઓએ ધંધા સિવાય) કશું ગુમાવવાનું રહેતું નથી.

Advertisements

One thought on “વાસ્તુ નહીં પણ વસ્તુશાસ્ત્રથી સુખી થવાય

  1. “સુવાની દિશા બદલવાથી નહીં પણ વિચારોની દિશા બદલવાથી અવદશા બદલી શકાય છે.”

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s