લાઇસન્‍સ પાકુ ડ્રાઇવીંગ કાચુ            

“જીવન સરિતાને તીરે…”             ‘ગુજરાતમિત્ર’ ના સૌજન્‍યથી સાભાર             –દિનેશ પાંચાલ

(રવિ પૂર્તિ)                                           તા.  30-12-18  માટે                          મો : 94281 60508

                                  લાઇસન્‍સ પાકુ ડ્રાઇવીંગ કાચુ            

           અમારા બચુભાઈના એક સગાએ નવી કાર ખરીદી. ડ્રાઈવીંગ સ્‍કૂલમાં જઈને ડ્રાઈવીંગ શીખ્‍યા અને થોડા જ દિવસોમાં એમને પાકું લાઈસન્‍સ મળી ગયું, પણ સો ટકા સાચી વાત એ છે કે આજે પણ એમને કાર હંકારતા આવડતું નથી. એમને ડ્રાઈવીંગ લાઈસન્‍સ આપવું એટલે જેના બન્‍ને પગ કપાયા હોય એવા માણસને શ્રેષ્‍ઠ દોડવીરનો ચંદ્રક આપવા જેવી ભૂલ હતી. પહેલે જ દિવસે એમણે એક મોટો અકસ્‍માત કર્યો. બચુભાઈ પણ એમની સાથે કારમાં હતા. તેમણે (છોલાયેલું ઘુટણીયું સાફ કરતાં તત્કાળ) પ્રતિજ્ઞા લીધી કે આપણી આયુષ્‍ય રેખાની આમન્‍યા જળવાય તે માટે હવે પછી કદી એમની સાથે કારમાં બેસવું નહીં. સાંજે અમારી મિત્રમંડળીમાં થોડી કાને ધરવા જેવી વાત કહેતા એમણે કહ્યું: ‘ડ્રાઈવીંગ કરો ત્‍યારે એક વાત ખાસ ધ્‍યાનમાં રાખશો. જે અણઘડ વાહન ચાલકો ખરાબ રીતે ઓવરટેઈક કરે, હાથ બતાવ્‍યા વિના વળી જાય અથવા રોંગ સાઇડેથી સામે ધસી આવે છે તેઓ તે રીતે જ વર્તશે. તેઓ આપણને આડફેટમાં ન લઈ લે તેની કાળજી આપણે જ રાખવી. શ્રેષ્‍ઠ ડ્રાઈવીંગની સાબિતી ફક્‍ત એમાં નથી કે તમને વાહન ચલાવતાં આવડે છે. પણ એ વાતમાં છે કે સામેની વ્‍યક્‍તિ ભૂલ કરે તો પણ તમે તમારા વાહનને હેમખેમ બચાવીને સલામત નીકળી જઈ શકો. સામેવાળો સમયસર બ્રેક ન મારી શકે તે તેની ભૂલ ગણાય તેવા સંજોગોમાં તમે તમારી શિઘ્ર નિર્ણયાત્મક્તાથી બચી જાઓ તે તમારી કુશળતા ગણાય. (કોઈની લાપરવાહીને કારણે તમારા મોમાં ઝેર પડે ત્‍યારે તે ગળી જવાની ભૂલ કરો તો તેમાં વાંક તમારો. પગ ભાંગ્યા પછી જ ખાડો દેખાય તેનો શો ફાયદો? તમને નુકસાન થયા પછી એવું સાબિત થાય કે ભૂલ સામી વ્‍યક્‍તિની હતી તો પણ નુકસાનની માત્રામાં કોઈ ફરક પડતો નથી) તમે સમયસર ઝેર થૂંકી નાખીને જિંદગી બચાવી લો તે સાચી સમજદારી બાકી બીજી વ્‍યર્થ ભેજામારી.!’

         ‘એક બીજો મુદ્દો પણ ખાસ ધ્‍યાનમાં રાખશો’ કહી બચુભાઈએ ઉમેર્યું: ‘આખી દુનિયા શીખાઉ છે. એક માત્ર તમે જ કુશળ ડ્રાઈવર છો એવો પૂર્વગ્રહ દિમાગમાં રોપીને ડ્રાઈવીંગ સીટ પર બેસવું. સામેવાળાને કાંઈ જ આવડતું નથી એમ માની લેવામાં ફાયદો એ થશે કે વાહન ચલાવતી વેળા તમે સતત સાવધાન રહી શકશો. (જેમકે માર્ગમાં ચારે કોર કાંટા પથરાયેલા છે તેવું જાણ્‍યા બાદ માણસ દરેક ડગલું સાવધાનીથી મૂકે છે તેમ) ગમે ત્‍યારે કોઈ પણ માણસ અથડાઈ શકે છે એવી સભાનતા રાખશો તો તમે કોન્‍સન્‍ટ્રેશન સાથે ગાડી ચલાવી શકશો.

         એવી જ બીજી વાત ધ્‍યાનમાં રાખવા જેવી એ છે કે કોઈ અચાનક સામે ધસી આવે કે હાથ બતાવ્‍યા વિના વળી જાય ત્‍યારે કદી ગુસ્‍સે થશો નહીં. લોકોના ખરાબ વ્‍યવહારને પીડાતાં પીડાતાં સહન કરવાને બદલે શરુથી જ માની લેવું કે આ દેશમાં લોકો ખરાબ વ્‍યવહાર કરવા જ સર્જાયા છે. આપણી ખાતર તેઓ સુધરી જવાના નથી. દિમાગ ઠંડુ રાખશો તો તમારું દિમાગી સંતુલન જળવાઈ રહેશે. જો ગુસ્સે થયા તો શક્ય છે તમે પોતે કોઈ અકસ્માત કરી બેસશો. ડ્રાઈવીંગ કરતીવેળા ક્રોધે ભરાવું એટલે ધ્‍યાનમાં બેઠા હોઈએ ત્‍યારે દાંત ભીંસવા જેવી ભૂલ ગણાય. ધ્‍યાન ધરવું અને ડ્રાઈવીંગ કરવું એ બન્‍ને વચ્‍ચે ઘણું સામ્‍ય છે. બન્‍નેમાં એકાગ્રતા અને મનની સ્‍વસ્‍થતા બહુ જરૂરી છે. જાહેર માર્ગ પર દરેક માણસ તેની કુટેવ મુજબ ભૂલ કરતો હોય છે. તમે દરેક વખતે ક્રોધે ભરાતા રહેશો તો તેને કોઈ ફરક નહીં પડે, પણ તમે ડિસ્‍ટર્બ થઈને કોઈ ભૂલ જરૂર કરી બેસશો. (શક્‍ય છે એ માણસે કરેલી ભૂલને કારણે તમને એટલું મોટું નુકસાન ન થાય જેટલું તમારા ક્રોધને કારણે થાય!)

         દોસ્‍તો, ઉંડાણથી વિચારીએ તો આપણી કહેવાતી ટ્રાફિક સમસ્‍યાઓ સાચા અર્થમાં ટ્રાફિક સમસ્‍યા કદી હોતી નથી. માણસ ડ્રાઈવીંગમાં પાવરધો ન થયો હોય છતાં લાઈસન્‍સ આપી દેવામાં આવે તે ટ્રાફિક સમસ્‍યા નથી, આર.ટી.ઓ. તરફથી મળતી ટેરેફિક સમસ્‍યા છે. અમેરિકામાં ડ્રાઈવીંગ લાઈસન્‍સ માટે છ મહિના સુધી ટ્રાયલ લેવામાં આવે છે તથા ટ્રાફિક નિયમોની જાણકારી માટે લેખિત પરીક્ષા પણ લેવામાં આવે છે. જરા વિચારો, ટ્રાફિક નિયમોનો કક્કો ન જાણતા માણસો બેફામ રીતે વાહનો હંકારી અકસ્‍માત નોતરતા હોય તો રસ્‍તાઓ સાંકડાને બદલે પહોળા હોય તો પણ શો ફરક પડે? પોતાની ભૂલ હોય તો પણ વાહનચાલકો બીજા સાથે ગાળાગાળી પર ઉતરી જાય એ ટ્રાફિકની નહીં, અબૌદ્ધિક્‍તાની સમસ્‍યા ગણાય. જાહેર માર્ગો પર રાહદારીઓનું અજ્ઞાન, ઉતાવળ, બેદરકારી, અણઆવડત, લાપરવાહી વગેરેમાં તેમની થોડીક અબૌદ્ધિક્‍તા ઉમેરાય પછી જે સ્‍થિતિનું નિર્માણ થાય તેને આપણે ટ્રાફિક સમસ્‍યા કહીએ છીએ. (એમાં માણસનું થોડુંક લોહી, કાચની કરચો કે હાડકાની કચ્‍ચરો ભળે તેને આપણે અકસ્‍માતના નામથી ઓળખીએ છીએ) આપણે ત્‍યાં જાહેર માર્ગો પર વાહનચાલકો જે અણઘડ રીતે વાહનો ચલાવે છે તેનો  જોટો જડવો મુશ્‍કેલ છે. મોટાભાગના વાહનચાલકો કોઈ ગલીમાં વળે ત્‍યારે હાથ બતાવતા જ નથી અથવા તો અગાઉથી વહેલો હાથ બતાવ્યા પછી વળવાને બદલે બીજી જ સેકન્‍ડે વળી જાય છે. જેથી પાછળવાળા સાથે અકસ્માત થઈ જાય છે.  કોઈકે સાચું કહ્યું છેઃ ‘માણસ કેવી રમૂજ પર હસે છે તે પરથી તેનું ધોરણ નક્કી કરી શકાય છે.’ એમાં એટલું ઉમેરી શકાયઃ માણસ જાહેર માર્ગો પર કેવી રીતે વાહનો ચલાવે છે તે પરથી દેશની સંસ્‍કૃતિનું માપ નીકળે છે. જરા વિચારો, અમેરિકા ચંદ્ર કે મંગળ પર વસાહતો સ્‍થાપવાની વાતો કરે છે અને આ દેશના રાહદારીઓને હજી ધરતી પર ચાલતાં કે વાહનો ચલાવતાં પણ પૂરું ન આવડે એનાથી મોટી શરમ બીજી કઈ હોઈ શકે? તાત્પર્ય એટલું જ, “કાર હો યા સંસાર.. બનો કુશળ અસવાર…!”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s