સમાજને સંતો કરતાં સંસારીઓ વધુ ઉપયોગી

જીવન સરિતાને તીરે…              ‘ગુજરાતમિત્ર’ના સૌજન્‍યથી સાભાર             – દિનેશ પાંચાલ

(રવિ પૂર્તિ)                                    તા.    20-01-19  માટે                             મો : 94281 60508

 

                    સમાજને સંતો કરતાં સંસારીઓ વધુ ઉપયોગી

               એક ક્રાંતિકારી જૈન વિચારક કહે છેઃ ‘આપણા ઘરે કોઇ સાધુ મહાત્‍મા ન પધારે તો આપણું કોઈ કામ અટકી પડતું નથી. પરંતુ જે દિવસે રસ્‍તો કે મહોલ્લો સાફ કરનારો માણસ ન આવે તે દિવસે હેરાન થઇ જવાય છે. એક બાલબ્રહ્મચારી કરતાં પાણીનો નળ સમારનારો પ્‍લમ્‍બર વધુ કામનો છે. સમાજને એક ગચ્‍છાધિપતિના દર્શન ન થાય તો કશું ખૂટી પડતું નથી. પણ લાઇટનો ફયુઝ ઊડી ગયો હોય અને ઇલેક્‍ટ્રિશિયન ના મળે ત્‍યારે ખાસ્‍સી તકલીફ પડે છે. ગટર ઉભરાઇ હોય ત્‍યારે તે સાફ કરનારો માણસ ન મળે ત્‍યારે જીવતેજીવત નરકનો અનુભવ થઇ જાય છે. સંસાર છોડવાનું કામ સહેલું છે. સંસાર ચલાવવાનું અને નભાવવાનું કામ કપરું છે!’ અમારા બચુભાઇ એમની સાથે સંમત થતાં કહે છેઃ ‘સંસાર છોડવાની ફિલોસોફી અમારા મનમાં બેસતી નથી. સંસાર જેમણે છોડી દીધો છે એ લોકોને પહેરવા વસ્‍ત્રો જોઇએ છે. ખાવા માટે ભોજન જોઇએ છે. અને પીવા માટે પાણી ય જોઇએ છે. રહેવા માટે ‘ઘર’ નહીં તો મઠ, આશ્રમ કે ઉપાશ્રયની પણ એમને જરૂર પડે જ છે. જે રીતે સંસારીઓને વારસદાર તરીકે દીકરો જોઇતો હોય છે, તેમ એ વૈરાગીઓને પણ શિષ્‍યોની અપેક્ષા રહે છે. કોઇ વ્‍યક્‍તિ સંસારમાં રહે છે ત્‍યારે એ સ્‍વાવલંબી અને પુરુષાર્થી જીવન જીવે છે. પણ તે સંસાર છોડે છે ત્‍યારે નર્યું પરાવલંબી જીવન જીવે છે. તે અગર બીજા લોકોની મદદ વગર જીવી જ ના શકતો હોય, તો સમાજ છોડવાનો હેતુ શો? વળી સમાજ છોડનારા  સાધુઓ દુનિયાને રજમાત્ર પણ ઉપયોગી ખરાં?’

         પેલા ચિંતકશ્રી આગળ લખે છેઃ ‘એકવાર એક સંત સાથે મારો વિવાદ થયો હતો ત્‍યારે તેમણે ક્રોધે ભરાઇને કહ્યું હતું: ‘શું થાય ભાઇ, અમે તમારી પાપની- બે નંબરની કમાણીમાંથી મળેલું ખાઇએ છીએ એટલે અમેય ભ્રષ્ટ થઇ રહ્યા છીએ!’ ‘જોયું..? કૂતરુંય આપણો રોટલો ખાય ને આપણને વફાદાર રહે છે. આ ગુરુજી તો કૂતરા કરતાંય અધમ નીકળ્‍યા. મેં તેમને કહ્યું: ‘ગુરુજી, અમારી પાપની કમાણી તમારા ચારિત્ર્યને અભડાવતી હોય  તો એ ખાવાનું જ બંધ કરી દોને? તમે પ્રતિજ્ઞા કરો કે હું મરી જવાનું પસંદ કરીશ પરંતુ હવેથી આ પાપની કમાણીથી પેટ નહીં ભરું!’

         ‘વિવેકપંથી’માં શ્રી ગુણવંત શાહ લખે છેઃ મારું કુટુંબ આર્યસમાજી હતું. મારા દાદી કબીરપંથી હતાં. બાળકોને મંદિરમાં જવાનું કહેવામાં આવતું ન હતું. મારો દીકરો મુંબઇમાં 13મે માળે રહે છે. એણે અપશુકનિયાળ 13નો આગ્રહ રાખેલો. મારી દીકરીએ જાણી જોઇને કમૂરતાંમાં લગ્ન કરેલાં. ચમત્‍કારમાં મને લગીરે શ્રદ્ધા નથી પણ હું સમગ્ર સર્જનને વિરાટ ચમત્‍કાર માનું છું. મને પ્રભુમાં અપાર શ્રદ્ધા છે. તેના અસ્‍તિત્‍વમાં કોઇ શંકા નથી. આઇન રેન્‍ડ જેવી નાસ્‍તિક વિદુષી કહેતીઃ ‘એકિસસ્‍ટન્‍સ એક્‍સિટ’ (‘Existance Exist’) આ થયું રેશનલિઝમ. 20-22 વર્ષો પહેલાં 10 કરોડ રૂપિયાનો મુગટ તિરૂપતીના વેંકટેશ્વરને ચડાવવાનો હતો ત્‍યારે મેં લખેલું કે એ પૈસા આંધ્રપ્રદેશમાં  શૌચાલયો માટે વાપરવા જોઇએ. મને અંધશ્રદ્ધા પ્રત્‍યે નફરત છે પણ શ્રદ્ધાને હું જરૂરી પરિબળ માનું છું. અમિતાભે તિરૂપતીમાં કરોડના હીરા ધર્યા તે સામે મારો સખત વિરોધ છે!’

         આ બન્‍ને ચિંતકોના વિચારો આજના શ્રદ્ધાળુઓ માટે દીવાદાંડી સમાન છે.  શ્રદ્ધાળુઓને કહેવાનું પ્રાપ્‍ત થાય છે કે તમે ક્‍યારેક મંદિર જાઓ ત્‍યારે ઇશ્વરને એક સવાલ જરૂર પૂછજોઃ ‘પ્રભુ, તમને કઇ વાતમાં આ દુનિયાનું કલ્‍યાણ દેખાય છે? લોકો દિનરાત તારા ચરણોમાં મંજીરા વગાડતા રહે તેમાં કે સખત પુરુષાર્થ કરી દેશના વિકાસ માટે પ્રયત્‍નશીલ રહે તેમાં…? અમારા બચુભાઇ કહે છેઃ ‘જો હું ભગવાન હોઉં તો મર્યા બાદ મારી પાસે આવનારને એમ નહીં પૂછું કે તમે રોજ કેટલી માળા કરતા? કેટલીવાર મંદિરે જતા? હું તેમને પૂછીશ, તમે કેટલા દુઃખીઓના આંસુ લૂછયા? કેટલા ડૂબતાને તાર્યા? કેટલા પીડિતોની વહારે ધાયા? માનવતાનો પાસપોર્ટ અને સદ્‌કર્મોના સર્ટીફિકેટ વિના હું સ્‍વર્ગનો ‘વિઝા’ કોઈ મોટા સંતને પણ નહીં આપું. મને દુનિયાનો એકાદ તો એવો દેશ બતાવો જે કેવળ ધર્મમાં ગળાડૂબ રહીને ચંદ્ર પર પહોંચી શક્‍યો હોય? મને એકાદ તો એવો વિજ્ઞાની બતાવો, જેણે વિજ્ઞાનને બદલે ધર્મ અને કર્મકાંડોની મદદથી ઇલેક્‍ટ્રીસીટી, ટીવી, કૉમ્‍પ્‍યુટર, ઇન્‍ટરનેટ, એરોપ્‍લેન કે મોબાઇલની શોધ કરી હોય? હા, જીવનમાં ક્‍યારેક ધર્મ, આધ્‍યાત્‍મિક્‍તા અને કર્મકાંડો દ્વારા ચિત્તને થોડીક શાંતિ જરૂર મળતી હશે, પરંતુ તે માટે  પ્રમાણભાન જરૂરી છે. જગતના બધાં લોકો પોતાના ચિત્તની શાંતિ માટે સમાધિ લગાવીને બેસી ગયા હોત તો આ દુનિયાનો આટલો વિકાસ થઇ શક્‍યો હોત ખરો?’

         બચુભાઇ આગળ કહે  છેઃ ‘આજપર્યંત એકાદ સંત એવો પેદા નથી થયો, જે પોતાના હજારો અનુયાયીઓ સમક્ષ એમ કહીને છૂટી પડયો હોય કે ‘આ અનંત સૃષ્ટિમાં હું ય તમારા જેવો સાધારણ મનુષ્‍ય છું. મારામાં કોઇ દૈવી શક્‍તિ નથી. મારા ચરણસ્‍પર્શ કરશો નહીં. મારી આરતી ઉતારી મને શરમમાં નાખશો નહીં. મારી શોભાયાત્રા કાઢી મારી વર્ષગાંઠ ઉજવશો નહીં. ભગવાન દિવ્‍ય શક્‍તિ છે. તમે ભગવાનને સાચી રીતે સમજ્‍યા હો તો મારો ફોટો તમારા ઘરના મંદિરમાં મૂકી ભગવાનનું અપમાન કરશો નહીં!’ માણસને પોતાની અધૂરપો કે ઉણપો જાહેર કરવા માટે ખાસ્‍સી આંતરિક તાકાતની જરૂર પડે છે. નિખાલસપણે હોઇએ તેવા દેખાવાનું કામ ધારીએ તેટલું સહેલું નથી. તેમાંય લોકો એકવાર ખભે ઉંચકી લે પછી- ‘હું તમારા જેવો સાધારણ માણસ છું’ એમ કહેવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું મુશ્‍કેલ બની જાય છે. આસારામ અને નારાયણ સાંઈ સહિત લગભગ 150 જેટલા કહેવાતા સંતો જ્‍યારે લોકોના ખભેથી ફેંકાઇને સીધા જેલની કોટડીમાં જઈ પડયા ત્‍યારે તેમને ખ્‍યાલ આવ્‍યો કે આપણે ભગવાનના ખભે બંદૂક મૂકી ઈન્‍સાનો પર ચલાવતાં હતા તે ખોટું કરતાં હતા.

                                                                        ધૂપછાંવ

                                               દોસ્‍ત, તારે બેઠો જ કરવો હોય તો માણસને બેઠો કર,

                                               ઇશ્વર બેઘર નથી, તું નિત નવા મંદિરો ઊભા ન કર..!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s