તટસ્થતા

     રામ જૂઠું બોલે તેનો વિરોધ કરો અને રાવણ સાચું  બોલે તેની તરફેણ કરો તેને તટસ્થતા કહેવાય!

             –દિનેશ પાંચાલ

    રૂપિયા ઘડપણના રખવૈયા

જીવન સરિતાને તીરે…         ‘ગુજરાતમિત્ર’ના સૌજન્‍યથી સાભાર          ‑ દિનેશ પાંચાલ

(રવિ પૂર્તિ)                                  તા.   24-02-19  માટે                   મો : 94281 60508

                                          રૂપિયા ઘડપણના રખવૈયા

           માનો યા ના માનો પણ એક વાત સર્વવિદિત છે. દરેક ઘરોમાં વૃદ્ધો આજે વધતે ઓછે અંશે પીડાય છે. હમણાં એક ચિંતકે યુવાનો માટે કહ્યું: ‘તમારા ઘરડા માબાપને પગે નહીં લાગો તો ચાલશે,  પણ તેમની સાથે એવો ત્રાસદાયક વર્તાવ કરશો નહીં કે તેમણે તમને પગે લાગવું પડે!’ મંદિરમાં રોજ ભગવાન આગળ અગરબત્તી સળગાવવા કરતાં ઘરડા માબાપના રૂમમાં કાચબાછાપ અગરબત્તી સળગાવવાથી વધુ પુણ્‍ય મળે છે. રોજ ભગવાનનો ફોટો લૂછવા કરતાં ઘરડા માબાપના ચશ્‍મા લૂછી આપશો તો ઈશ્વર વધુ રાજી રહેશે. માવતરના મર્યા બાદ જ્ઞાતિને ભોજન ન જમાડો તો ચાલશે પણ જિંદગીભર માબાપને સ્‍નેહથી  સારુ ભોજન જમાડશો તો તેઓ તૃપ્ત થશે. આટલું કર્યા પછી તમારે કાશી- મથુરા જઈને શ્રાદ્ધ કરવાની જરૂર રહેશે નહીં. આજે 90 ટકા  યુવાનો  સમાજની બીકે માબાપના મૃત્‍યુ બાદ આવા કર્મકાંડો કરાવે છે. તેમણે એ યાદ રાખવાનું છે કે જ્ઞાતિને જમાડશો તો તે ખોટી જગ્‍યાએ પહોંચશે. માબાપને જમાડશો તો તેમના આશીર્વાદની એન્‍ટ્રી સીધી તમારા ખાતામાં થશે. માબાપના મર્યા બાદ તેમના ફોટાને ફૂલનો હાર ચઢાવવાને બદલે ક્‍યારેક જીવતા માબાપને તેમની વર્ષગાંઠ નિમિત્તે એકાદ ગુલાબનું ફૂલ આપશો તો એ ફૂલને પણ જીવ્‍યું સાર્થક લાગશે.

         સત્‍ય એ છે કે માબાપને જીવતાજીવત જે સુખ આપો તેના જેવું ઉત્તમ શ્રાદ્ધ બીજું એકે નથી. તેમના મર્યા બાદ ગાય કાગડાને ખવડાવશો તે કદી ઉપર પહોંચવાનું નથી. ચાર્વાકે સરસ વાત કહેલી. તેણે કંઈક એ મતલબનું કહેલું કે, ‘દીકરો સુરત ગયો હોય અને તેની મા ઘરના ધાબા પર કાગડાને શાક રોટલી ખવડાવે તો તે સુરત (દીકરાના પેટમાં) પહોંચે ખરું?’ ભોજન જો સુરત સુધી પહોંચી ન શકતું હોય તો સ્‍વર્ગ સુધી શી રીતે પહોંચી શકે? મુદ્દાની વાત એ છે કે માણસ આ પૃથ્‍વી પર જે  જિંદગી જીવે છે તે જ સાચું જીવન છે. તેવું જીવન ત્‍યારબાદ તેને કદી માણવા મળવાનું નથી. કેમકે બીજો જન્‍મ હોતો જ નથી. અવકાશયાત્રી સુનિતા વિલિયમે કહેલું કે, ‘હું ઉપર બધું નજરે જોઈને આવી છું. ઉપર મને  સ્‍વર્ગ કે નર્કના ઈલાકાઓ ક્‍યાંય જોવા મળ્‍યા નથી!’ માબાપને અડસઠ તિરથની યાત્રા નહીં કરાવો તો કોઈ નુકસાન નથી. પણ ઘરડા માબાપનો હાથ ઝાલીને તેમને કાળજીપૂર્વક સંડાસ સુધી દોરી જશો તો અડસઠ તિર્થનું પુણ્‍ય મળશે. માણસે બદલાતા સમય અનુસાર શ્રદ્ધામાં થોડું બૌદ્ધિક્‍તાનું મોણ નાખવું જોઈએ. દૂધની જેટલી ધારા શંકરભગવાનના લીંગ પર રેડવામાં આવે છે તેમાંનું પા ભાગનું દૂધ પણ ઝૂપડપટ્ટીના ભૂખ્‍યાં બાળકોના મુખમાં રેડશો તો શંકરભગવાન રાજીના રેડ થઇ જશે. સમજદારી ભરેલી શ્રદ્ધા વધુ કલ્‍યાણકારી બની રહે છે.

         એથી જ વિદ્વાનો કહે છેઃ ‘દેવ આગળ દીવા કરવા કરતાં કોક દુઃખિયાના જીવનમાં સુખના છાંયડા કરવા જેવું પુણ્‍ય બીજું એકે નથી. ભગવાનની મૂર્તિને લૂછવા કરતાં કોક હતભાગીના આંસુ લૂછવામાં વધારે પુણ્‍ય મળે છે. એક શ્રધ્‍ધાળુ રોજ મંદિરની ફરતે ફેરા ફરે છે. બીજો માણસ ગરીબો માટે ધર્માદા હોસ્‍પિટલ બાંધવા માટે ફાળો ઉઘરાવવા માટે ગામે ગામના ચક્કર લગાવે છે. મંદિર ફરતેના ફેરા કરતાં હોસ્‍પિટલ માટેના ચક્કર વધુ પવિત્ર ગણાય. મંદિર ફરતે આંટા મારવા એ અનુત્‍પાદક પ્રવૃત્તિ છે. એક બીજી પણ વાત યુવાનોએ યાદ રાખવી જોઇએ. સમાજમાં કોઈ માણસ કદી  ઉંચ કે નીચ હોતો નથી. તેના સારા નરસા કર્મો તેને તે કક્ષામાં મૂકે છે. રામ અને રાવણની એક જ રાશિ હતી. કદાચ બ્‍લડગ્રૂપ  પણ એક હોઈ શકે પણ બન્નેના ચારિત્ર્યના ગ્રૂપ જુદાં જુદાં હતા. બન્નેના કર્મો અલગ હતાં એથી તેઓ રામ અને રાવણ કહેવાયા. એથી મંદિર-મસ્‍જિદના વ્‍યર્થ ઝઘડા છોડીને ઈશ્વર અને અલ્લાહ બન્ને  રાજી થાય તેવા સારા કામો કરીએ અને હેવાનિયતનું કામ  પાકિસ્‍તાન પર છોડીએ.

         એક વૃદ્ધને ઈન્‍ટરવ્‍યૂમાં પત્રકારોએ પૂછ્‍યું: ‘તમારા ચારે દીકરા વૃદ્ધાવસ્‍થામાં તમારી દેખભાળ તો રાખે છે ને ? વૃદ્ધે કહ્યું: ‘હા, તેઓ ખૂબ ક્‍હ્યાગરા છે.. હું ખૂબ નસીબદાર છું કે ભગવાને મને એવા દીકરાઓ આપ્‍યા. તેમના થકી જ મારું ઘડપણ સુખમાં વિતે છે!’ પાછળથી પત્રકારોને જાણ થઈ કે એ વૃદ્ધને એક જ દીકરો છે. પત્રકારો ફરી તેમની પાસે ગયા અને પૂછ્‍યું: ‘તમે જૂઠું કેમ બોલ્‍યા? તમારે તો એક જ દીકરો છે, તમે ચાર કેમ કહ્યા?’ જવાબમાં વૃદ્ધે કહ્યું: ‘હા, મારે એક જ દીકરો છે. તે વહુને લઈને કલકત્તા ચાલ્‍યો ગયો છે. એને સસરાની મિલકત મળી છે. એથી તે પત્‍ની સાથે ત્‍યાં ખૂબ એશ કરે છે. આટલા વર્ષોમાં એકાદ વાર પણ તેણે મારી ખબર પૂછી નથી કે મળવા આવ્‍યો નથી. પણ બેંકમાં મારી બચતના ચાર લાખ રૂપિયા જમા છે. તે (ડાહ્યા દીકરાની જેમ) મારું ભરણપોષણ કરે છે. તેઓ મિલકતમાં ભાગ માગતા નથી. મારે તેમના પર કદી ખાધાખોરાકીનો દાવો માંડવો પડયો નથી. શ્રવણે તેના ઘરડા માબાપને કાવડમાં બેસાડીને જાત્રા કરાવી હતી તેમ મારા એ ચાર દીકરાઓ મને ઘરબેઠાં જિંદગીની જાત્રા કરાવે છે. સગા દીકરાએ મો ફેરવી લીધું છે પરંતુ આ દીકરાઓ કદી બેવફાઇ કરતાં નથી. હું દરેક વૃદ્ધોને કહું છું કે ઘડપણમાં બેંકબેલેન્‍સથી ચડિયાતા દીકરાઓ બીજા કોઈ નથી. એથી તમારા સંતાનોને સ્‍નેહ આપજો પણ સિક્કા તમારા ઘડપણ માટે સાચવી રાખજો. દીકરાઓ નિરાધાર છોડી દેશે ત્‍યારે એ રૂપિયા જોઈને પણ કોઈ તમારી સેવા ચાકરી કરશે!’

         એક બીજા વૃદ્ધની વાત સાંભળો. તેની પત્‍ની મૃત્‍યુ પામી છે. તેઓ કહે છેઃ ‘દીકરા- વહુઓ અને પૌત્રોથી મારું ઘર ભરેલું છે, પણ ઘરમાં હું એકલો પડી ગયો છું. ક્‍યારેક પત્‍નીની યાદ આવતાં આંખમાં આંસુ આવી જાય છે. પૌત્ર તે જોઇ કહે છેઃ ‘દાદાની આંખમાંથી આંસુ ઝરે છે.’ વહુ છણકાભેર કહે છેઃ ‘આંસુ નહીં એ તો એમની આંખ ઝરે છે!’ હું શી રીતે સમજાવું કે આંખ ઝરતી નથી હૃદય ઝૂરે છે!’ માણસ પાસે નોકર, ચાકર, બંગલા ગાડી.. બધું જ હોય પણ પોતાનું કહી શકાય એવું આપ્તજન ના હોય ત્‍યારે બધાં સુખો એકડા વિનાના મીંડા જેવા લાગે છે!’

                                                            ધૂપછાંવ

                                 ઘડપણમાં ધનની અને મનની, બન્ને શાંતિ જોઇએ!

 

 

તમને કેવી પુત્રવધૂ ગમે…?

જીવન સરિતાને તીરે…       ‘ગુજરાતમિત્ર’ના સૌજન્‍યથી સાભાર              ‑ દિનેશ પાંચાલ

(રવિ પૂર્તિ)                                           તા.10-02-19  માટે                                     મો : 94281 60508

                                   તમને કેવી પુત્રવધૂ ગમે..?

 આજે વસંત પંચમી છે. દરેક વસંત પંચમીના દિને લગ્નની બધી વાડીઓ  ફૂલ હોય છે.  એમ કહેવાય છે કે લગ્ન માટે વસંત પંચમી જેવું શ્રેષ્‍ઠ મૂહુર્ત બીજું એકે નથી. પણ અમારા બચુભાઇના લગ્ન વસંત પંચમીના દિને  થયેલા. તેમના બન્ને વચ્‍ચે હંમેશાં સાપ-નોળિયા જેવા ‘હિંસક’ સંબંધ રહ્યા હતા. બચુભાઇ કહે છેઃ ‘હું  કૂતુબમિનારની ટોચ પર ચઢીને એલાન કરવા માંગું છું કે વસંત પંચમી ‘શુભ’ નહીં ‘અશુભ’ મૂહુર્ત છે. એ દિવસે તમે સીતા જેવી સુલક્ષણાને પરણશો તોય તે ફૂલનદેવી જેવી નીકળશે..!’ દોસ્‍તો, આપણે એમના વૈમનસ્‍યની નહીં લગ્નના ઉદેશ્‍યની ચર્ચા કરવી છે. માણસ લગ્ન શા માટે કરે છે એનો યોગ્‍ય જવાબ તો કોઇ પંડિત જ આપી શકે, પણ કહેવાય છે કે હસ્‍તમેળાપ પાંચ મિનિટમાં થઇ જાય છે પણ મનમેળાપ માટે આખી જિંદગી ઓછી પડે છે. પાનેતર ઓઢીને પતિગૃહે પધારેલી પરણેતર પાનેતર ઓઢીને સ્‍મશાને સીધાવે છે, તોય મનમેળાપ બાકી રહી જાય છે. બ્રાહ્મણો માટે લગ્ન કરાવવાનું જેટલું આસાન છે તેટલું પરણ્‍યા પછી સંસાર ચલાવવાનું આસાન નથી.

        એક તાજી ઘટના સાંભળો. એક રેશનલ મિત્રને અમે પૂછ્‍યું: ‘તારા પુત્ર માટે તું કેવી કન્‍યા પસંદ કરશે?’ તેનો જવાબ સાંભળો. તેણે કહ્યું:  ‘નોટબુકમાં દિવસમાં 500 ‘રામનામ’ લખતી ધાર્મિક પુત્રવધૂ કરતાં પી.એચ.ડી.નો થીસીસ લખતી દીકરી મને વધુ ગમે. ‘વૈભવ લક્ષ્મી’નું વ્રત કરતી વહુ કરતાં બિઝનેસ મેનેજમેન્‍ટનો અભ્‍યાસ કરતી દીકરી ને હું પહેલી પસંદગી આપું. તુલસીક્‍યારા સામે બેસીને સંતોષીમાની ચોપડી વાંચતી દીકરી કરતાં લાયબ્રેરીમાં જઇને ‘ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા’ વાંચતી દીકરી તમારા ધ્‍યાનમાં હોય તો બતાવજો. કેમકે આજે  સંસારની સફળતાનો સાચો આધાર વ્રત ઉપવાસ કરતી કન્‍યાઓ કરતાં ઉચ્‍ચ કક્ષાની, જાગરૂક અને  બૌદ્ધિક ટાઇપની રેશનલસ્ત્રીઓ પર વધુ રહેલો છે. એથી કડવાચોથને દિવસે પતિના પગ ધોઇને પી જતી ધાર્મિક કન્‍યા કરતાં પતિની ભૂલો બદલ વહાલથી તેના કાન આમળતી મોડર્ન દીકરીને હું જરૂર પસંદ કરું. એકાદ સાડી અથવા હાર-કંગનની ખરીદી કરવા માટે પતિદેવ ખુશમિજાજમાં હોય તે ક્ષણની રાહ જોતી  ‘હાઉસ હોલ્‍ડ’ ગૃહિણી કરતાં પોતાના પગારમાંથી પતિને મોંઘો શૂટ ખરીદી આપી તેને ખુશ કરી દેતી કમાઉ  જીવનસાથી  હવે દરેક પુરુષોને વિશેષ ગમે છે. બાકી સંતોષી મા કે વટસાવિત્રીનું વ્રત કરતી કન્‍યા (વ્રતની કૃપાથી) આપોઆપ શ્રેષ્‍ઠ પત્‍ની બની જતી નથી!’

        સાવિત્રીબેન હયાત હતા ત્‍યારે વટસાવિત્રી વ્રત અચૂક કરતાં. બચુભાઇએ તેને વટસાવિત્રીના દિને કહેલું: ‘તું વર્ષોથી વટસાવિત્રીનું વ્રત કરે છે. તેં આજ સુધીમાં મારા દીર્ઘાયુષ્‍ય માટે વડની ફરતે જેટલું સૂતર વિંટાળ્‍યું છે તેટલા સૂતરમાંથી મારી ચાર ચડ્ડી બની ગઇ હોત!’ ખાસ તો સ્ત્રીઓએ એક પ્રશ્ન અંગે વિચારવું જોઇએ કે જેસ્ત્રીઓ વ્રત નથી કરતી તેમના પતિદેવો પણ અલમસ્‍ત તંદુરસ્‍તી ધરાવતા હોય છે ત્‍યારે આવી અતાર્કિક વડપ્રદક્ષિણાનો કોઇ અર્થ ખરો? સાચી વાત એટલી જ, જિંદગીભર જે પુરુષો દારૂ, ડ્રગ્‍સ, ચૂનો, બીડી, તમાકુ, સિગારેટ, ગૂટકા કે માવા-મસાલામાં અથાયેલા રહે છે તેમની તે કૂટેવો સામે સખત મોરચો માંડવાને બદલે વડ ફરતે દોરા વિંટાળવાથી કદી કોઇ પતિને દીર્ઘાયુષ્‍ય મળી  શકતું નથી. એવા વ્‍યસની ‘વરરાજાઓ’ વસંતપંચમીના દિને લગ્ન કરે તોય જીવનમાં કદી વસંત આવતી નથી.

        દોસ્‍તો, પતિ-પત્‍ની શર્ટના બે ફાલકા જેવાં, અને તેમનો સ્‍નેહ  શર્ટના બટન જેવો હોય છે. શર્ટ નવુ હોય ત્‍યારે બટન વડે તેના બન્‍ને ફાલકા જોડાયેલા રહે છે. પરંતુ અમુક વર્ષો બાદ બટન તૂટી જતાં જેપીન મારીને બે ફાલકાં ભેગાં કરી રાખવા પડે છે. આપણી  લગ્નવ્‍યવસ્‍થા હવે ધીમેધીમે નિષ્‍ફળ જઇ રહી છે તેથી સમાજમાં ઠેર ઠેર એવાં જેપીન મારેલા ફાલકાં જોવા મળે છે. હવે કોલેજની  રાધા અને કનૈયાઓને ઇન્‍સ્‍ટન્‍ટ પ્રેમ થઇ જાય છે. એક ફિલ્‍મી ગીતના શબ્‍દો સાંભળોઃ ‘દો બજે આંખ લડી.. તીન બજે પ્‍યાર હુઆ.. ચાર બજે થોડા થોડા દિલ બેકરાર હુઆ..!’ (ત્‍યારબાદ લગ્ન તથા છૂટાછેડા કેટલા વાગ્‍યા સુધીમાં પત્‍યા તેનો ઉલ્લેખ ગીતમાં નથી) દોસ્‍તો, આને લવ નહીં લફરું કહેવાય. કોલેજ એવો એરિયા છે જ્‍યાં વિદ્યાર્થીઓને બહુ ઝડપથી લવેરિયા થઇ જાય છે. કોલેજમાં દાખલ થતા પ્રત્‍યેક યુવકને માબાપે બે વાત ભાર દઇને સમજાવવી જોઇએ. કોલેજમાં ગયા પછી લવમાં ન પડવાથી તારી ઇજ્જતને બટ્ટો લાગશે એવું તને લાગે તો લવ કરજે પણ બે વાત ધ્‍યાનમાં રાખજે.  કોલેજની અત્‍યંત રૂપાળી યુવતીએ પણ ફરજિયાત તારી નોંધ લેવી પડે એવી અભ્‍યાસિક શ્રેષ્‍ઠતા સિદ્ધ કરજે. તારા લવના  માર્ગમાં તારી નબળી માર્કશીટ બહું મોટું રોડું ના બની જાય તે માટે અભ્‍યાસકાળ દરમિયાન પુસ્‍તકને જ પૂરો લવ કરજે. પણ લવ પીરિયોડિકલી નહીં પરમેનન્‍ટલી કરજે. અર્થાત્‌ લવ કરજે લફરું નહીં!’ તા. 12-01-77ના દિને બચુભાઇના લગ્ન સાવિત્રીબેન સાથે થયા હતા. એક દિવસ થયું એવું કે શાકભાજીવાળાના ‘દાંડી દબાવ.. ત્રાજવુ ઝુકાવ’ પ્રોગ્રામ હેઠળ છેતરાઇ આવેલા સાવિત્રીબેનને ઠપકો આપતાં બચુભાઇએ ક્‍હ્યું: ‘નહીં નહીં તોય શેર પોણો શેર રિંગણા ઓછા છે. તું એટલી મૂર્ખ છે કે હર કોઇ તને આસાનીથી છેતરીને સાવ થર્ડ ક્‍લાસ વસ્‍તુ વળગાડી જાય છે..!’ સાવિત્રીબેનને ગુસ્‍સો ચઢયો. તેમણે કહ્યું: ‘12-01-77ના દિનથી છેતરાતી આવી છું. હવે થર્ડક્‍લાસ વસ્‍તુથી ટેવાઇ ગઇ છું. લગ્ન પછી મારી એક સહેલીએ તમને જોઇ મને કહેલું: ‘નસીબમાં હોય કાગડો તો ક્‍યાંથી મળે કબુતરો..?’ બચુભાઇને સાવિત્રીબેનની એ- ‘રિટર્ન ગિફટ’ આકરી લાગી પણ સમસમીને બેસી રહ્યા.

                                              ધૂપછાંવ

        લગ્નજીવનની સફળતાનો આધાર જન્‍માક્ષરોના મેળ પર નહીં મનના મેળ પર રહેલો છે.

કુંવારી કન્યાની જાતીય ભ્રષ્ટતા..!

    કોઈ કુંવારી કન્યાને જાતીયજ્ઞાનની માહિતી હોય તો તે બાબત તેની ચારિત્ર્યભ્રષ્ટતાની નહીં, પણ જનરલ નોલેજની નિશાની ગણાય.
                                                                         -દિનેશ પાંચાલ