વ્યસનોનો વ્યાસંગ..!

સિગારેટ એટલે ત્રણ ઈંચની નનામી, બીડી એટલે સ્વર્ગની સીડી, તમાકુ એટલે કેન્સરનું બિયારણ અને ગૂટકા એટલે મોતના વરલી મટકા!

                                          -દિનેશ પાંચાલ

ટ્યૂશનખોરી

શિક્ષકો હોશિયાર વિદ્યાર્થીઓને પણ ટ્યૂશન લેવા કહે છે. તંદુરસ્ત માણસને આઈ.સી.યુમાં દાખલ કરવા જેવી એ વાત ગણાય!

                                                                             –દિનેશ પાંચાલ

 સાયન્‍સ એટલે સંશોધનનું સ્‍વર્ગ

જીવન સરિતાને તીરે…            ગુજરાતમિત્રના સૌજન્યથી સાભાર                     ‑ દિનેશ પાંચાલ

(રવિ પૂર્તિ)                                   તા.   26-05-19  માટે                                         મો : 94281 60508

                              સાયન્‍સ એટલે સંશોધનનું સ્‍વર્ગ

   માણસ નિત્‍ય નવી શોધખોળો કેમ કરતો  રહે  છે? જવાબ છેઃ ‘નેસેસિટી ઇઝ ધી મધર ઑફ ઇન્‍વેન્‍શન!’ (‘જરૂરિયાત એ શોધખોળની જનેતા છે’) વાત ખોટી નથી. કહો જોઉં, ભૂખ ના જન્‍મી હોત તો ખેતીની શોધ થઇ હોત ખરી? વસ્‍તીવધારાથી માણસ પરેશાન ના થયો હોત તો એણે  કુટુંબનિયોજનની શોધ ના કરી હોત. મચ્‍છરો સખણાં રહ્યાં હોત તો ડીડીટી  છાંટવાની જરૂર ના પડતી હોત. માણસે વાહનોની ગતિ પર નિયંત્રણ રાખવા માટે બ્રેક બનાવી. પણ યુવાનો જીવલેણ ગતિની છંદે ચઢયા  એથી ડામરરોડ વચ્‍ચે માણસે ટેકરા ઊભા કરવા પડયા. (જોકે માણસ નામનું માકડું નાના ‘બમ્‍પ’ કુદાવી જાય છે) અમારા મિત્ર બચુભાઇ કહે છેઃ ‘એક્‍સીલેટર સાથેનો માણસનો અબૌદ્ધિક વ્‍યવહાર હદ ઓળંગી જાય છે  ત્‍યારે ઓર્થોપેડિક હૉસ્‍પિટલોના પાયા નંખાય છે!’

        ભાલા… ખંજર… છૂરા… ગુપ્‍તી… તલવાર એ બધાં હિંસાસંસ્‍કૃતિના પૂર્વજો ગણાય. ભાલાસંસ્‍કૃતિનું મોર્ડન કલ્‍ચર એટલે મશીનગન… રાઇફલ… હેન્‍ડગ્રેનેડ… અને અણુબોમ્‍બ.  ફાંસીના માચડાનો જન્‍મ તો બહુ પાછળથી થયો.  (છૂરા- ખંજરોનું કામ પતે પછી  ફાંસીના માચડાની જરૂર પડે)  ટૂંકમાં જુલ્‍મગાર… ગુનેગાર… અને સીતમગર સમાજમાં હાહાકાર મચાવે ત્‍યારે કાયદો… કારાગાર… અને ફાંસીગરની જરૂર પડે છે. તાત્‍પર્ય એટલું જ કે ચોરી ના થતી હોત તો માણસે તાળા ના બનાવ્‍યાં હોત… તાળા તૂટતાં ના હોત તો માણસ ઘરવખરીનો વીમો ના ઉતારાવતો હોત… અને વીમા કંપની અખાડા ના કરતી હોત તો ગ્રાહકસુરક્ષા કોર્ટ સ્‍થાપવાની જરૂર ના પડી હોત…! માણસની સમસ્‍યાઓ અને સમાધાનો એકમેક સાથે (દાંતાવાળા ચક્રોની જેમ) જોડાયેલાં છે. વિચારો, ઊંટને ઢેકા ના હોત તો માણસે કાંઠા કરવાની જરૂર  પડી હોત ખરી? જરૂરિયાત અને શોધખોળ એ જિંદગીના સમાન્‍તર પાટા પર હાથમાં હાથ નાખીને  દોડતી બે સગી બહેનો છે.

        માણસે જીવનમાં કાપકૂપ ભેગી સાંધસૂંધ પણ કરવી પડે છે. કાતર અને સોય બન્‍ને વિના એને ચાલતું નથી. મદારીના કરંડિયામાં સાપ અને નોળિયો સાથે રહે તેમ દરજીના ખાનામાં સોય અને કાતર સાથે રહે છે. સોય અને કાતરની કામગીરી શરુ થાય તે પહેલાં મેઝરટેપ પોતાનો ચૂકાદો સંભળાવે છે. ક્‍યાંથી કેટલું કાપીને દૂર કરવું… અને ક્‍યાં કેટલું સાંધવું તેનું સાચું માપ મેઝરટેપ બતાવે છે. મેઝરટેપની ભૂમિકા, સોય અને કાતર કરતાં વધુ મહત્વની છે. મેઝરટેપ એટલે સત્‍યનો ધરમકાંટો! (કાયદાનો ધરમકાંટો રંગ લાવે છે ત્‍યારે સંજય દત્તને છ વર્ષની જેલ થાય છે) દરજીની મેઝરટેપ સિવાય પણ સમાજ પાસે બીજી ઘણી મેઝરટેપો છે. ધર્મની મેઝરટેપ… શિક્ષણની મેઝરટેપ…!  સમાજની મેઝરટેપ…! પણ એ સૌમાં  એક મેઝરટેપ અનોખી છે, તે છે  વિજ્ઞાન અને સત્‍યની મેઝરટેપ… તેનું નામ છે રેશનલિઝમ! શ્રદ્ધાળુઓની મેઝરટેપ સાથે તેના આંકડા મળતાં નથી. એથી રેશનલિઝમનું નામ પડતાં જ તેમનું મો ચઢી જાય છે. આસ્‍તિકોની ફૂટપટ્ટીમાં દશ ઇંચ હોય છે. નાસ્‍તિકોની ફૂટપટ્ટીમાં 14 ઇંચ હોય છે. એક માત્ર વિજ્ઞાન પાસે બાર ઇંચની સાચી ફૂટપટ્ટી છે. દરેક વૈજ્ઞાનિક તારણો પર આઇ.એસ.આઇ.નો માર્ક લાગેલો હોય છે. થોડા વધુ નવા પ્રયોગો કરવાથી પોતાનું જૂનું તારણ જૂઠું સાબિત થાય તો વિજ્ઞાન કશીય નામોશી વગર નવા સત્‍યનો સ્‍વીકાર કરે છે. વિજ્ઞાનની એક ટેવ પર અમે આફરીન છીએ કે તે  સોનાને સોનુ અને કથીરને કથીર કહી દેવામાં કોઇની સાડાબારી રાખતું નથી. પણ માણસ એટલો ચોક્કસ નથી. પાકી ચકાસણી કર્યા પછી જ સોનુ કે ચાંદી ખરીદતો માણસ ભગવાનના મામલામાં જરાય ગંભીર નથી. તે જ્‍યાંથી જેવો મળ્‍યો તેવો ભગવાન હોલસેલના ભાવમાં ખરીદી લે છે. (કોઇ જોરદાર ચમત્‍કાર કરી બતાવે તો તે સત્‍યશોધકસભાના સભ્‍યોને પણ ભગવાન ગણી લેતાં અચકાતો નથી) વિજ્ઞાનના ઘડિયાળમાં સત્‍યના સાચા ટકોરા પડે છે. (વિજ્ઞાન પોતાના ટેસ્‍ટરથી ચકાસીને જાહેર કરે છે- ‘ના આ ગાંધીજી નથી બેનકીંગ્‍સલે છે!’) આસ્‍તિક નાસ્‍તિક વચ્‍ચે હંમેશા એક અદ્રશ્‍ય ગજગ્રાહ ચાલતો આવ્‍યો છે. બન્‍ને સંપૂર્ણ સાચા ના હોય શકે અને સંપૂર્ણ ખોટા પણ ના હોય શકે. પણ સત્‍ય તો એક જ હોય છે. અર્થાત્‌ બેમાંથી કોઇ એકની પાસે અસત્‍ય છે. દરેક જણ પોતાની વાત જ સાચી છે એવી જિદ્‌ પર અડી જાય છે ત્‍યારે વિજ્ઞાનની બાર ઇંચવાળી અસલી ફૂટપટ્ટીની જરૂર પડે છે. થાય છે એવું કે આસ્‍તિક સમક્ષ કોઇ અજાણ્‍યા બાળકને એમ કહીને રજૂ કરવામાં આવે કે આ તમારો નાનપણમાં ખોવાઇ ગયેલો દીકરો છે તો તે કોઇ પણ ચકાસણી વિના સ્‍વીકારી લે છે. નાસ્‍તિકોનું દુઃખ એ છે કે ખુદ તેમના માબાપ હાથ જોડીને કહે કે અમે જ તારા માબાપ છીએ તો પણ તેઓ ડી.એન.એ ટેસ્‍ટ કરાવવાની જિદ્‌ પકડે છે. બન્‍ને તરફનું આવું જડ વલણ નુકસાનકારક છે. દોસ્‍તો, બન્‍ને વચ્‍ચે કેવળ સત્‍યની જ લડાઇ હોત તો  સત્‍ય સાબિત થયા પછી હારજીતની નામોશી વિના સૌએ તે સ્‍વીકારી લીધું હોત. પણ બન્‍ને ઇચ્‍છે છે કે મારી પાસે જે છે તેને જ સામેવાળો સત્‍ય તરીકે સ્‍વીકારે.  ન્‍યાયનો તકાદો એ છે કે પ્રત્‍યેક બૌદ્ધિકોએ એવું વલણ રાખવું જોઇએ કે આસ્‍તિક નાસ્‍તિક જે માનતા હોય તે, પણ વિજ્ઞાન દ્વારા જે છેવટનું સત્‍ય બહાર આવે તેજ સાચું- ‘સત્‍ય’. પણ મુશ્‍કેલી એ છે કે વિશ્વભરના તમામ વૈજ્ઞાનિકોમાં પણ ઇશ્વર અંગે મતમતાંતરો  પ્રવર્તે છે એ સંજોગોમાં  શું કરવું? કંઇક એવું સમજાય છે કે થર્ડ અમ્‍પાયર પણ સત્‍ય વિશે અવઢવમાં હોય તો  એ આખો પ્રશ્ન  ભવિષ્‍ય પર છોડી દઇ સૌએ પૌતપૌતાનું કામ કરતાં રહેવું જોઇએ. આમેય ઇશ્વરની ચર્ચા કેવળ બૌદ્ધિક વ્‍યાયામ છે. ઇશ્વર હોય ન હોય માનવીની રોજીંદી જિંદગીમાં કશો ફરક પડતો નથી. ઇશ્વરનું અસ્‍તિત્‍વ સાબિત થવાથી આસ્‍તિકોના દુઃખદર્દો ઓછાં થઇ જવાનાં નથી. અને ઇશ્વર નથી એવું સાબિત થાય તો નાસ્‍તિકોનું કલ્‍યાણ થઇ જવાનું નથી.

                                                       ધૂપછાંવ

      વિજ્ઞાનના મંદિરમાં રેશનાલિઝમનો દીવડો જલે છે. એ દીવડાનું તેલ એટલે બુદ્ધિ..!

  ચારધામ યાત્રા કરતાં ચિંતનયાત્રા વધુ આવકાર્ય 

‘જીવન સરિતાને તીરે…’       ‘ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભાર          ‑ દિનેશ પાંચાલ

(રવિ પૂર્તિ)                                 તા.   19-05-19   માટે                     મો : 94281 60508

                ચારધામ યાત્રા કરતાં ચિંતનયાત્રા વધુ આવકાર્ય 

           હમણા અમારા ગામના થોડા શ્રદ્ધાળુઓ હરદ્વાર જવા નીકળ્‍યા પણ માર્ગમાં અનેક સંકટો આવ્‍યા તેથી પાછા ફરવું પડયું. એક સ્‍થળે ભૂસ્‍ખલન થયું તેમાં ત્રણ માણસો માર્યા ગયા. આખું ગામ દુઃખમાં ડૂબી ગયું. એ દિવસે અમને એવી જ એક જૂની દુર્ઘટનાનું સ્‍મરણ થયું. 1913ના જૂન મહિનામાં વરસતા મુશળધાર વરસાદ વચ્‍ચે હરદ્વારની યાત્રા કરવા ગયેલા તમામ શ્રદ્ધાળુઓ કુદરતી પ્રકોપને કારણે મુશ્‍કેલીમાં મૂકાઇ ગયા હતાં. એમાં અમારા એક સ્‍વજન પણ ભોગ બન્‍યા હતા. બધાંની લાશ શોધીને તેમના કુટુંબીઓને પહોંચાડવામાં પોલીસને ભારે પરેશાની થઇ હતી. રહી રહીને વિચાર આવે છે આ દેશનો માણસ કહેવાતા પોથીધર્મમાં એટલી હદે અંધશ્રદ્ધાળુ કેમ બની જાય છે કે તેનું કલ્‍યાણ થવાને બદલે તે રામશરણ થઇ જાય છે? ગંગાજળ પવિત્ર હોય તો  ભલે પીઓ પણ પીતા પહેલા ખાત્રી કરી લો કે એ ગંગાજળ છે કે ઝેર છે? શ્રદ્ધાના ગંગાજળને અબૌદ્ધિક્‍તાનો આથો ચડે છે ત્‍યારે તેમાંથી અંધશ્રદ્ધાનું ઝેર બને છે. નહીંતર જે ભગવાન તમારા હૈયામાં બેઠો છે તેને હરિદ્વારમાં શોધવાની ભૂલ શા માટે કરવી જોઇએ?  અમારા ભગવાનદાસકાકાએ હરદ્વારની યાત્રાએ જવાનો વિચાર કરેલો પણ ઘરમાં માંદગી આવી પડી એથી પેલી દુર્ઘટનામાંથી બચી ગયા. અમે સૌએ તેમને બચી જવાના અભિનંદન આપ્‍યા ત્‍યારે તેઓ નિસાસાભેર બોલી ઊઠયાઃ ‘અરે! સાચા અભિનંદન તો ભગવાનના ધામમાં જેઓ મર્યા તેમને અપાય… મંદિરમાં મર્યા તે સો ટકા સ્‍વર્ગમાં જવાના… હું અભાગિયો કે સ્‍વર્ગ મારાથી હાથવેંત છેટુ રહી ગયું!’ બચુભાઇ જવાબ આપવા જતા હતા પણ એકાએક અટકી ગયા. તેઓ ભગવાનદાસકાકાના ક્રોધથી વાકેફ હતા એથી અમારા કાનમાં કહ્યું: ‘આ ડોસાએ આખી જિંદગી તીર્થયાત્રાઓમાં દીકરાઓના પૈસાનું ફૂલેકુ ફેરવી દીધું છે. હજી પૂરા એંશી હજારનું દેવુ બાકી બોલે છે તે ચૂકવવાને બદલે હજી આવી ધાર્મિક યાત્રાઓ જ કર્યે રાખશે તો એમના લેણિયાતો હવે એટલા ગુસ્‍સે ભરાયા છે કે એમની સ્‍વર્ગની ઇચ્‍છા બહુ વહેલી પૂરી થઇ જાય એમ છે..!’

        હિમાલયની પર્વતમાળાઓમાં વસેલા રાજ્‍યો ત્‍યાંના તીર્થસ્‍થળોને કારણે પ્રવાસન ઉદ્યોગનું કેન્‍દ્ર બની રહ્યા છે. ઋષિકેશ, હરદ્વાર, કેદારનાથ જેવા અનેક સ્‍થળો ધાર્મિક સ્‍થળો તરીકે પૂરબહારમાં વિકસ્‍યા છે  તેથી ત્‍યાં શ્રદ્ધાળુઓનો બેફામ ધસારો રહેતો આવ્‍યો છે. વર્ષોથી એ સાબિત થતું આવ્‍યું છે કે એક જ સ્‍થળે કાબુબહારની જનમેદની ભેગી થાય ત્‍યારે જીવનનું સંતુલન ખોરવાય છે. માણસ પ્રભુને ભજે કે તિર્થયાત્રા કરે એ બધામાં એને શાંતિ મળતી હોય તો ભલે તેમ કરતો પણ શ્રદ્ધામાં બુદ્ધિની સંડોવણી હોવી બહુ જરૂરી છે. (કોઇ ગરીબ માણસ પોતાના ઝૂંપડામાં ભગવાનનો દીવો એવી રીતે સળગાવે કે ઝૂંપડું બળીને ખાખ થઇ જાય તેમાં ભગવાનને દોષ દઇ શકાય નહીં) મહોલ્લાના મહાદેવથી સંતોષ માનવાને બદલે કેદારનાથ સુધી લાંબા થવામાં ભલે શ્રદ્ધા હોય પણ શ્રદ્ધામાં સમજદારી ભળે તો જ માણસ સલામત રહી શકે. બાકી ભગવાન કોઇને બચાવવવા આવતો નથી. (ગમે તેટલો પરમ શ્રધ્‍ધાળુ પણ ઝેર પી જાય તો ભગનાનની કૃપાથી તે બચી જતો નથી) ધર્મસ્‍થળોએ માણસો મૃત્‍યુ પામ્‍યા હોય એવો આ પહેલો કિસ્‍સો નથી. હજયાત્રામાં શેતાનને કાંકરી મારવામાં થયેલી ધમાચકડીમાં આજપર્યંત સેંકડો હજયાત્રીઓ માર્યા ગયા છે. જગન્નાથની રથયાત્રામાં થયેલી ગિરદીમાં સેંકડો કચડાઇ મર્યા છે. કુંભમેળામાં દર વર્ષે  માણસો મરે  છે. અમરનાથની યાત્રામાં ભેખડ ધસી પડતા હજારો માણસો દબાઇ મર્યાના દાખલાઓ પણ છે. દર વર્ષે ગણેશવિસર્જનવેળા મૂર્તિ ડૂબડવામાં યુવાનો ડૂબી જાય છે. ધર્મ માણસને તારવાની કેટલી ક્ષમતા ધરાવે છે તેનું માપ હજી નીકળ્‍યું નથી પણ ધર્મયાત્રામાં આજપર્યંત લાખો માણસો મૃત્‍યુ પામ્‍યાના નક્કર આંકડાઓ અખબારોના પાને નોંધાયા છે. મેટાડોર ભરીને ધાર્મિકયાત્રાએ ગયેલા શ્રદ્ધાળઓની ગાડી ઉથલી પડી હોય અને ઘણાં માણસો મરી ગયા હોય એવું અનેકવાર બન્‍યું છે.

        આપણે તેમના આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરવાની સાથે એક કામ એ કરીએ કે આવું કેમ થયું તે વિચારીએ. કેમકે ચારધામ યાત્રા કરતા ચિંતનયાત્રા વધુ ફળદાયી હોય છે. એ વિચારવાની આ સાચી ઘડી છે કે જે કાંઇ થયું તેમાં શું કેવળ કુદરતનો જ પ્રકોપ હતો કે માણસની ય ક્‍યાંક ભૂલ થઇ હતી? (ચૂંટણીમાં હારી ગયેલો પક્ષ  ‘પરાજય પૃથ્‍થકરણ’ આરંભે તેમ આખા સમાજે શ્રદ્ધાનું સાચું પૃથ્‍થકરણ કરવાની આ યોગ્‍ય ઘડી છે) ઉત્તરાખંડમાં કુલ કેટલા મર્યા અને કેવી રીતે મર્યા તે દાટેલા મડદા ઉખાડવાનો હવે કોઇ અર્થ નથી. માણસ કેન્‍સરથી મર્યો હોય તો તેના મૃતદેહમાં કેન્‍સરના કુલ કેટલા જીવાણુઓ હતા તે જાણીને શો ફાયદો? ઉત્તમ તો એ જ કે બીજાને કેન્‍સર ન થાય તે માટે અન્‍ય લોકોએ કાળજી રાખવી.  આમાં એક ભૂલ પ્રશાસનની થઇ રહી છે તે એ કે દરેક  પ્રશાસને તેમના યાત્રાસ્‍થળોનો વધુને વધુ લાભ મેળવવા માટે તેનો ખૂબ વિકાસ કર્યો. પણ આયોજન કૂનેહના અભાવને કારણે ચોમેર પૂરાણ થતું ગયું એથી પાણી વહી જવાના માર્ગો પૂરાઇ ગયા. ત્‍યાં વાહનોની અવરજવરનું ભારણ પણ બેફામ વધી રહ્યું છે. (2005-06માં 83000 વાહનો રજિષ્ટર થયા હતા. આજે એ આંકડો વધીને 1,80,000 ને આંબી ગયો છે) વાહનવ્‍યવહારને પહોંચી વળવા વધુને વધુ નવા રસ્‍તાઓની જરૂર પડતી હોવાથી  પહાડોને કોતરીને કે તોડીને રસ્‍તાઓ બનાવવા પડે છે. નદીઓના કાંઠાઓમાં પણ પુરાણ કરી નદીઓને સાંકડી બનાવી દેવામાં આવે છે. સરકાર ભલે નદી સાંકડી કરી દે પણ પાણી પોતાનો રસ્‍તો શોધી લે છે. આવા અનેક માનવસર્જિત ઉધામાને કારણે પર્યાવરણીય સંતુલન ખોરવાતા હોનારતો સર્જાય છે. ખેર.. એ જે હોય એ પણ હવેથી આપણે  સૌએ યાદ રાખવું પડશે કે અમરનાથ સુધી લાંબા થવાને બદલે મહોલ્લાના મહાદેવથી સંતોષ માનીએ. કેમકે અસલી મહાદેવ માણસના મનમાં બિરાજે છે. કબીરજીએ એજ વાત (ધૂપછાંવમાં) આ રીતે કહી છેઃ

                                                ધૂપછાંવ

                                            કસ્‍તુરી  મૃગમેં  બસે,  મૃગ  ઢૂઢે  બન માંહી

વૈસે ઘટ ઘટ રામ બિરાજે દુનિયા દેખે નાંહી

સુખના છોતરામાં દુ:ખના દાણા..!

જીવન સરિતાને તીરે…     ‘ગુજરાતમિત્ર’ ના સૌજન્‍યથી સાભાર        ‑ દિનેશ પાંચાલ 

 (રવિ પૂર્તિ)          તા.   12-05-19  માટે             મો : 94281 60508

                 સુખના છોતરામાં દુઃખના દાણા

   વાત વિચિત્ર લાગશે પણ જેમને ઇશ્વર વિશેની સાચી સમજ ના હોય એવા આસ્‍તિકોની યાદી બનાવવામાં આવે તો આંખ પહોળી થઇ જાય એવો આંકડો આવી શકે. વધુ આશ્ચર્ય તો ત્‍યારે થાય જ્‍યારે  આપણાં ધર્મગુરુઓ પણ એ લિસ્‍ટમાં ‘ટોપ ટેન’માં ચમકે. દોસ્‍તો, માણસ આસ્‍તિક હોય કે નાસ્‍તિક પણ તેના જ્ઞાનને મર્યાદા હોય છે. માણસ સિમેન્‍ટ બનાવી શકે છે રેતી બનાવી શકતો નથી. પુલો બાંધે છે દરિયા બનાવી શકતો નથી. એણે પાણીનું બંધારણ (એચ.ટુ.ઓ) શોધી કાઢયું પણ એ સંશોધન આકાશમાં ઝબૂકતી વિજળી જેવું બની રહ્યું. (આકાશની વિજળીથી ઘરની ટયૂબલાઇટ સળગાવી શકાતી નથી)  ઘણાં વલખાં માર્યા પછી પણ માણસને ડાયાબિટીસનો નક્કર ઉપાય ના જડયો ત્‍યારે એણે સુગર ફ્રી ટેબ્‍લેટ બનાવીને સંતોષ માન્‍યો. માણસ અનાજ પકવી શકે છે પણ ભૂખને જડમૂળથી નાબુદ કરી શકતો નથી. ધરતીમાંથી પાણી કાઢીને એણે મિનરલ વોટર બનાવ્‍યું પણ તરસને નેસ્‍ત નાબુદ કરી શક્‍યો નહીં. લેબોરેટરીમાં લોહી બનાવવામાં સફળતા મળી પણ  તે હજી (એચ.ટુ.ઓ) જેવી જ ઘટના રહેવા પામી છે. આપણે અમેરિકામાં પણ એવું બનતા સાંભળ્‍યું નથી કે દુષ્‍કાળ વખતે ત્યાં (એચ.ટુ.ઓ)ની ફોર્મ્‍યુલા વડે લેબોરેટરીમાં પાણી બનાવીને તેઓએ ખેતી કરી હોય? રોજ હોસ્‍પિટલોમાં લાખો બોટલ લોહીની જરૂર પડે છે. વિજ્ઞાન એટલા લોહીનું ઉત્‍પાદન કરી શકે તો જ એ સિદ્ધિ લેખે લાગે. વિજ્ઞાન જેટલી સરળતાથી દૂધનો પૌડર બનાવી શકે છે તેટલી સરળતાથી લોહીના પાઉચ તૈયાર કરી શકતું નથી. એથી લખી રાખજો,  માણસ માણસ વચ્‍ચે લોહીનો ‘વાટકી વહેવાર’ હંમેશા ટકી રહેવાનો છે. સદ્‌ભાગ્‍યે લોહી પીનારાઓ કરતાં આપનારાઓની સંખ્‍યા વધારે રહી છે એથી કોઇએ લોહીના અભાવે મરવું પડતું નથી. માણસમાં માનવતા હજી ટકી રહી છે. કો-ઓપરેટીવ બેંક ફડચામાં જાય છે પણ હજી સુધી કોઇ બ્‍લડ બેંક ફડચામાં ગઇ હોય એવું સાંભળ્‍યું નથી. માણસ એવો દયાળુ છે કે તે રાવણને પણ લોહીના અભાવે મરવા ના દે.

        વિજ્ઞાન અને ટેક્‍નોલોજીનો અદ્‌ભૂત વિકાસ થઇ રહ્યો છે. સવારે થયેલી શોધ સાંજે વાસી થઇ જાય છે. મરવાનું ડોક્‍ટરોએ અઘરું બનાવી દીધું છે એથી સ્‍મશાનોના કર્મચારીઓનો વર્કલોડ ઓછો થઇ ગયો છે. સાયન્‍સ વડે શરીર જીવી જાય છે પણ મોંઘવારીને કારણે મન મરતાં જાય છે. દિનપ્રતિદિન આપઘાતોની સંખ્‍યા વધતી જાય છે. આ વર્ષે મનોરોગીઓની સંખ્‍યા ગયા વર્ષ કરતાં 67 ગણી વધી ગઇ. મોંઘવારી, ગરીબી, બેકારી, ભૂખમરો એ બધાં વચ્‍ચે માણસોના પોતાના મનમુટાવ, મનમુંઝારા કે મનદુઃખોનો પાર નથી. સુખો છે પણ તેમાં દુઃખોની બહોળી મિલાવટ છે. ઘરે ભેંશ બાંધો તો ચોખ્‍ખું દૂધ મળી શકે પણ ઘરે ભગવાન બેસાડો તોય ચોખ્‍ખું સુખ મળી શકે એવી સ્‍થિતિ રહી નથી. એથી જ વર્ષો પહેલા કવિ પ્રદીપજીએ ફરિયાદ કરવી પડેલીઃ ‘દેખ તેરે ઇન્‍સાન કી હાલત ક્‍યા હો ગઇ ભગવાન.. કિતના બદલ ગયા ઇન્‍સાન..!’ દોસ્‍તો, ઘઉંની ગુણમાં થોડાંક જ કાંકરા હોત તો ચિંતા નહોતી પણ વિણાટ ઘઉંની આખી ગુણ કાંકરાઓથી ભરેલી નીકળે છે. શું કરીએ..?

        કંઇક એવું સમજાય છે કે માણસના હોઠ લાલ રહે તેટલું પૂરતું નથી. હોઠ પર સ્‍મિત ટકી રહેવું જોઇએ. ગાલ ભરાયેલા હોય પણ મન ખાલી હોય છે. પરિવાર હોય છે પણ ભલીવાર હોતો નથી.  પૈસા અને જલસા બન્ને હોય છે પણ જીવન કૃત્રિમ બનતું જાય છે. અપાર ભૌત્તિક સુખો વચ્‍ચે મનની શાંતિ વિના માણસ પીડાય છે. ઊંઘની ગોળી લીધા પછી ય એને ઊંઘ આવતી નથી. ઘણીવાર પૂજા કરવા કરતાં પાચનવટી લેવાથી વધુ શાંતિ મળે છે. માણસને હવે સમજાય છે કે માત્ર શરીર નહીં મન પણ સુખી રહેવું જોઇએ. માત્ર પૈસા હોય તેટલું પૂરતું નથી,  જીવનમાં સુખ શાંતિ પણ હોવાં જોઇએ. ખરેખર ‘અચ્‍છે દિન’ ત્‍યારે આવેલા કહેવાશે કે ચિંતા, ટેન્‍શન અને તણાવ નષ્ટ થઈ જાય અને સુખ, શાંતિ અને સંતોષ માણસને કોઠે પડી જાય.. ગમે તેમ પણ વિજ્ઞાનવાદ અને બુદ્ધિવાદમાં માનવતાવાદ ભળે તો સ્‍વર્ગનો નકસો  તૈયાર થઇ શકે. પણ એમાં માણસના શુભ ઇરાદાઓ ભળે તો જ ધરતી પર સ્‍વર્ગનું નિર્માણ થઇ શકે. એક નાનકડા સ્‍વર્ગની વાત યાદ આવે છે. એક સમયે પોલિયોની રસીનો ધૂમ પ્રચાર થયો હતો.  પોલિયો નાબુદ થઇ ગયા પછી હવે એની જાહેરાત આપવામાં આવતી નથી. આપણે ઇચ્‍છીએ કે પ્રજા અને પ્રશાસનના સંયુક્‍ત પ્રયાસોથી એક દિવસ એવો આવશે કે સરકાર આનંદપૂર્વક જાહેર કરશેઃ ‘એક પણ ભ્રષ્‍ટાચાર શોધી લાવનારને સરકાર લાખ રૂપિયાનું ઇનામ આપશે!’ 

        મેડિકલ સંશોધનોની ઉપલબ્‍ધિઓ તો ચકિત કરી દે એવી છે. કૃત્રિમ માંસપેસીઓ, કૃત્રિમ ફેફસા, પેસમેકર, ઇયરફોન, મેનમેઇડ અંગો, ટેસ્‍ટટયૂબ બેબી, ચક્ષુદાન, રક્‍તદાન, કીડની અને લીવર જેવા અંગોનું પ્રત્‍યારોપણ.. એવાં સેંકડો સંશોધનો દ્વારા માણસના અડધો અડધ દુઃખો (શિતળાની જેમ) ગાયબ થઇ ગયા છે. વિજ્ઞાને માણસને સુખી કરવામાં કાંઇ બાકી નથી રાખ્‍યું. બોલો, ઓમ વિજ્ઞાન દેવતાય નમઃ

                                                  ધૂપછાંવ

     ચાલો, આપણે એક પ્રાર્થના કરીએઃ માણસ એઇડ્‍સ, કેન્‍સર, ડાયાબિટીસ કે થાઇરોઇડ જેવા અસાધ્‍ય રહેલા રોગોનો  ઉપાય વહેલો શોધી કાઢે. આવી એક પ્રાર્થનાનું મૂલ્‍ય સહસ્ત્ર કોટિ નવચંડી યજ્ઞો કરતાં અનેકગણુ વધારે છે.

 રતિરસિયા રાજકારણીઓની રાસલીલા

જીવન સરિતાને તીરે…      ‘ગુજરાતમિત્ર’ ના સૌજન્‍યથી સાભાર                 ‑ દિનેશ પાંચાલ

 (રવિ પૂર્તિ)                                તા.  05-05-19                                    મો : 94281 60508

                    રતિરસિયા રાજકારણીઓની રાસલીલા

    આપણે વ્‍યભિચારની ચર્ચા કરીએ  ત્‍યારે દુઃખપૂર્વક નોંધવું પડે છે કે સમાજના  ભટકી ગયેલા યુવાનો  અને  લગ્ન વંચિતો તો ‘સેક્‍સ પરબ’માં જાય જ છે પણ રાજકારણીઓ પણ એમાંથી બાકાત રહ્યાં નથી.  એક અહેવાલ અનુસાર એડલ્‍ટ કન્‍ટેન્‍ટ જોવાની બાબતમાં વિશ્વભરના 20 દેશોમાં ભારત ત્રીજા નંબરે આવે છે. હમણાં ‘પોર્ન હબ’ નામની સંસ્‍થાએ એક સરવે કર્યો તો જાણવા મળ્‍યું કે અશ્‍લિલ ફિલ્‍મોના પ્રસારણને કારણે મોબાઇલ તથા ઇન્‍ટરનેટ વાપરતા 33.5 અબજ લોકો તેની વિઝિટ લઇ ચૂક્‍યા છે. દોસ્‍તો, જેમની પ્રકૃતિ શરમાળ છે એવી મહિલાઓ પણ પોર્ન ફિલ્‍મો જોવામાં પાછળ રહી નથી. અમેરિકાની 38 ટકા મહિલાઓ, અને ઇંગ્‍લેન્‍ડમાં 27 ટકા મહિલાઓ એવી ફિલ્‍મો જુએ છે. સંતોષી માના શુક્રવાર કે સોળ સોમવાર કરનારી ગુજરાતણો પણ ભેગા મળી ખાનગીમાં  એવો ખાસ શો રાખતી હોય છે. મુંબઇમાં 1992માં પોલીસોએ એવી કીટી પાર્ટીઓમાં દરોડા પાડીને ચોંકાવનારા સેક્‍સકાંડનો પર્દાફાસ કર્યો હતો. ભારતની 30 ટકાથી ય વધુ મહિલાઓ પોર્ન ફિલ્‍મોની મજા માણે છે. પરંતુ એમાં રાજકારણીઓ સૌને ટપી જાય છે. એમના કૌભાંડો વખતો વખત અખબારોમાં પ્રગટતા રહે છે. ભૂતકાળના કેટલાંક રીઢા લોકોના કૃત્‍યો એવાં બોલકા હતાં કે જાહેરમાં તેમનો ભાંડો ફૂટી જતાં તેમણે રાજકારણ છોડવું પડયું હતું. એમાં ય ઘરડા બંદરોએ વધુ ગુંલાટ મારી હતી. કોંગ્રસના નેતા નારાયણ દત્ત તિવારી 87 વર્ષની ઉંમરે હેદ્રાબાદના રાજભવનમાં અઢાર વર્ષની યુવતી સાથે કેમેરામાં કેદ થઇ ગયા હતા. તેલુગુ ચેનલ પરથી  એમનો તે અશ્‍લિલ વિડિયો પ્રસારિત થતાં ત્રણ મહિલાઓ સાથેની તેમની રંગીન રાસલીલા રજૂ થઈ હતી. સમગ્ર તેલુગુમાં હાહાકાર મચી ગયો હતો. લોકોએ જાહેર હિતની અરજી કરી તે વિડિયોનું પ્રસારણ અટકાવ્‍યું હતું અને નારાયણ દત્ત તિવારીએ ખુરશી પણ છોડવી પડી હતી.

        હમણાં  ફિલ્‍મ નિર્માતા રાજકુમાર હિરાણીએ પત્રકારોને જણાવ્‍યું કે અમને સૌથી વધુ પ્‍લોટો રાજકારણીઓના સેક્‍સ સ્‍કેન્‍ડલોમાંથી મળ્‍યા છે. સેક્‍સ સ્‍કેન્‍ડલોનો ભોગ બનતી બધી સ્ત્રીઓ સાવ ભોળી હોતી નથી. કેટલીક સ્ત્રીઓ ભંવરીદેવી જેવી ચાલાક હોય છે. તેઓ પોતાની સાથે થયેલા દુષ્‍કૃત્‍યની ગુપ્ત રીતે  વિડિયો ક્‍લીપ બનાવી લે છે પછી પાછળથી તેમને બ્‍લેક મેઈલ કરીને તેમની પાસે ધાર્યુ કામ કરાવે છે. ભંવરીદેવી રાજસ્‍થાનની 36 વર્ષની ખૂબસૂરત  નર્સ હતી. રાજસ્‍થાનના ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રધાન મહિપાલ મદેરણાએ તેને ચૂંટણીની ટિકિટ આપવાનું વચન આપીને ફસાવી હતી. ભંવરીદેવીએ ગુપ્તતાપૂર્વક એ દુષ્કૃત્‍યની સીડી બનાવી હતી. પાછળથી મદેરણા ફરી જતા ભંવરીદેવીએ એ સીડી મિડિયામાં પ્રગટ કરવાની ધમકી આપી હતી. પણ એ સીડી તેને માટે મોતની સીડી બની ગઇ હતી. મહિપાલે બદનામી રોકવા ભંવરીદેવીની હત્‍યા કરાવી હતી. (મહિપાલ મદેરણા હાલ જેલમાં છે) તેમના  સેક્‍સકાંડ પરથી ‘ડર્ટી પોલિટીક્‍સ’નામની હિન્‍દી ફિલ્‍મ બની હતી. જેમાં ભંવરીદેવીની ભૂમિકા મલ્લિકા શેરાવતે અને મહિપાલની ભૂમિકા ઓમપૂરીએ કરી હતી. પ્રખ્‍યાત ડાકુરાણી ફૂલનદેવી પહેલા ડાકુ નહોતી પણ તેનું જાતીય શોષણ થયું હોવાથી બદલો લેવા તે ડાકુ રાણી બની હતી. તેના જીવન પરથી શેખર  કપુરે  ‘બેન્‍ડિટ ક્‍વીન’ નામની  ફિલ્‍મ બનાવી હતી. જેમાં ફૂલનદેવીનું પાત્ર સીમા વિશ્વાસે ભજવ્‍યું હતું. ફિલ્‍મમાં  થોડા વાંધાજનક દ્રશ્‍યો હોવાથી ફિલ્‍મ એસોસિએશને તેના પર પાબંધી મૂકી હતી. આજે તે ફિલ્‍મ ઉપલબ્‍ધ નથી.

         મૂળ વાત રતિરસિયા રાજકારણીઓની છે. તેમની રાસલીલા અતિ શરમજનક છે. ઉત્તર પ્રદેશના  ભૂતપૂર્વ પ્રધાન અમરમણિ ત્રિપાઠીએ મધુમિતા શુક્‍લાની હત્‍યા કરાવી હતી તે મામલો દિવસો સુધી ટીવી અને અખબારોમાં ગરમાતો રહ્યો હતો. અમરમણિ પરિણિત હતો. તેણે મધુમિતાને ગર્ભવતી બનાવી હતી. મધુમિતા અમરમણિ સાથે લગ્ન કરીને ઠરીઠામ થવા ઇચ્‍છતી હતી. (આપણે ત્‍યાં લોકબોલીમાં એક કહેવત છેઃ ‘મચ્‍છી ખાઇને કાંટા કોટે ન બાંધવાના હોય.’ એ કહેવત વ્‍યભિચારીઓને ખૂબ બંધબેસતી આવે છે. રાજકારણીઓ તેમના પૂર્વાનુભવોને કારણે જાણતા હોય છે કે ભવિષ્‍યમાં કદાચ તેમનું એ દુષ્‍કૃત્‍ય તેમની સામે ફેણ ફેલાવીને ખડુ થાય તો તેમની સમગ્ર કારકિર્દી ધૂળમાં મળી જશે. બાવળના જંગલમાં મુસાફરી કરનારો બુટ પહેરીને ચાલતો હોય છે. તેમ રાજનેતાઓ પોતાની ધોતીને દાગ ન લાગે તેની આગોતરી વ્‍યવસ્‍થા કરતાં હોય છે. તેમની સાથે ઇલ્લીગલ કનેક્‍શન ધરાવતી વ્‍યભિચારીસ્ત્રીઓએ જીવ ખોવો પડયો હોય એવું ઘણીવાર બન્‍યું છે. (જાણીતી ફિલ્‍મ અભિનેત્રી મંદાકીની ગેંગસ્‍ટર અબુ સાલેમ સાથે ભાગી ગઈ હતી. તે જીવે છે કે મરી ગઈ તેની કોઈ માહિતી નથી) આવા તો અનેક કિસ્‍સાઓ છે. મધ્‍યપ્રદેશના ભૂતપૂર્વ નાણામંત્રી રાઘવજી તો સજાતીય સેક્‍સનો શોખ ધરાવતા હતા. એ કિસ્‍સો પ્રગટયો ત્‍યારે સમાજમાં હાહાકાર મચી ગયો હતો. કહે છે કે તેમણે 29 વર્ષના ઘરના નોકરને સરકારી નોકરી આપવાની લાલચ આપીને તેનું ત્રણ વર્ષ સુધી શોષણ કર્યું હતું. પાછળથી એ કિસ્‍સો પ્રકાશમાં આવતા પોલીસે રાઘવજીની ધરપકડ કરી હતી. હરિયાણાના ગોપાલ કાંડા અને મનસિંઘની પણ એવી જ કુખ્‍યાત કહાણી છે. સંક્ષિપ્તમાં તાત્‍પર્ય એટલું જ કે સેક્‍સ ખૂબ અદ્‌ભૂત  એવી કુદરતી સોગાદ છે. પણ તેના ભોગવટામાં માણસે જે  વિવેકભાન રાખવું જોઇએ તે ન રાખતો હોવાને કારણે  જાતીયતા ખોટી રીતે બદનામ થાય છે. સેક્‍સ ખરાબ નથી પણ અસામાજિક સેક્‍સ સ્‍કેન્‍ડલોથી જીવનભરની ઇજ્જત આબરુ ધોવાઇ જાય છે. એના અનેક દાખલાઓ છે. યાદ છે..? આપણા સ્‍વ. અમરસિંહ ચૌધરી નિશાબેન ગામેતી સાથેના સંબંધમાં એવી જ રીતે બદનામ થયા હતા? દોસ્‍તો, કદાચ આ બધું ચાલતું  રહેવાનું છે. કેમકે એમાં ખુદ કુદરત સંડોવાયેલી છે.

                                           ધૂપછાંવ

       વ્‍યભિચાર આચરીને તું હત્‍યા ના કર.. હે માનવ,  તું અમૃત આથીને લઠ્ઠો ના કર..!

 સાયન્‍સ અને શ્રદ્ધાનો સમન્‍વય એટલે માનવ ધર્મ..

           

જીવન સરિતાને તીરે…         ‘ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભાર            ‑ દિનેશ પાંચાલ

(રવિ પૂર્તિ)                                                                                       મો : 94281 60508

               સાયન્‍સ અને શ્રદ્ધાનો સમન્‍વય એટલે માનવ ધર્મ..

     આસ્‍તિક્‍તાનો બહુ મોટો ફાયદો એ છે કે એમાં લાખો માણસો શ્રદ્ધાના છત તળે એકત્ર થાય છે એથી તેમની વચ્‍ચે સંવાદિતા રહે છે. નાસ્‍તિકો હજી એટલું મોટું સંઘબળ ઊભું કરી શક્‍યા નથી. સ્‍થિતિ એવી છે કે નાસ્તિકોએ અબ્રાહમ કૌવુરના નામનું ‘વિજ્ઞાનભવન’ બાંધવું હોય અથવા બર્ટ્રાન્‍ડ રસેલના નામનું ‘રિસર્ચ સેન્‍ટર’ સ્‍થાપવું હોય તો પૈસા ભેગા કરવા મોરારિબાપુની રામકથાનો જ આશરો લેવો પડે. (અગર તેઓ એમ કહી ફાળો ઉઘરાવવા નીકળે કે અમે ઇશ્વરમાં માનતા નથી તો લોકો ફાળો નહીં ગાળો આપે)

          વ્‍યવહારુ સત્‍ય એ છે કે કોઇને કશું જ નુકસાન ન થાય એ રીતે માણસ ઇશ્વરને થોડું ભજી લઇને રાજી રહેતો હોય તો ખાસ નુકસાન નથી. પરંતુ  શ્રદ્ધાને નામે અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓને ધર્મ માની લઇને તેનો પ્રચાર કરવામાં આવે છે, ત્‍યારે કાયદો અને વ્‍યવસ્‍થાના પ્રશ્નો ઊભાં થાય છે. કાબુ બહારની જનમેદની ભેગી થાય છે ત્‍યારે જાહેર સલામતિ જોખમાય છે. માણસ વિજ્ઞાનની પ્રયોગશાળામાં ઊભો હોય કે મંદિરમાં… પણ તે અબૌદ્ધિક રીતે વર્તે ત્‍યારે આખો સમાજ મુશ્‍કેલીમાં મૂકાય છે. થોડા દાખલા જોઇએ.

         શ્રદ્ધા સત્‍યનારાયણની કથાથી રામકથા સુધી વિસ્‍તરે તેનો વાંધો નથી, પણ રામકથાના મંડપમાં કોઇનું પાકિટ ગુમ થાય અને તેના પર ફોન નંબર વગેરે લખ્‍યા હોય તો પણ તે પાકિટ મૂળ માલિકને પરત કરવામાં આવતું નથી. (શ્રદ્ધાનું પોત હજી એટલું પાતળુ છે કે થોડાક રૂપિયાની લાલચથી તે ફસકી જાય છે) આપણી આસ્‍તિક્‍તાનું ઇમાનદારી સાથે ગઠબંધન થઇ શક્‍યું નથી. માણસની બેઇમાનીનો રોગ રામકથાને પણ ગાંઠતો નથી. બીજો દાખલો જોઇએ. નમાઝ મસ્‍જિદમાં પઢાતી હોય અને ભલે મક્કા સુધી વિસ્‍તરતી પણ ત્‍યાં લગભગ પ્રતિવર્ષ શેતાનને કાંકરી મારવામાં જીવલેણ દુર્ઘટનાઓ બને છે તે શ્રદ્ધાનું રોકડું નુકસાન છે. શ્રાવણમાં શ્રદ્ધાળુઓ એકત્ર થઇને કોઇના ઓટલા પર ભજનો ગાઇ છૂટે તેનો વાંધો નથી પરંતુ એ ભજનમંડળી વિરાટ રથયાત્રામાં ફેરવાઇને શહેરના બધા રસ્‍તા જામ કરી દે ત્‍યારે મુશ્‍કેલી સર્જાય છે. જગન્નાથની રથયાત્રામાં  કે મક્કા મદિનાની ભાગદોડમાં કચડાઇને માણસો મૃત્‍યુ પામ્‍યા હોય એવું ઘણીવાર બન્‍યું છે. રથયાત્રા કોઇની અંતિમયાત્રા શા માટે બનવી જોઇએ?  ઘરઘરમાં ગણપતિની પૂજા થાય તેમાં નુકસાન નથી. પણ ગલીગલીએ ગણપતિનો ઘોંઘાટ ફાટી નીકળે તેને ધર્મ શી રીતે કહેવાય?  નરી આંખે જોયેલી વાત સાંભળોઃ  એક ગમામાં  મંડપમાં  ગણપતિની મૂર્તિ હતી અને મંડપ પાછળ જુવાનિયાઓ ‘તીનપત્તી’ રમતા હતા. (બાજુમાં દારૂની બોટલ પણ હતી) ધર્મને નામે આવી અસામાજિક્‍તા પોષાય તે કેમ ચાલે? પ્રત્‍યેક ગણેશવિસર્જનવેળા ભરચક દારૂ પીને મૂર્તિ ડૂબાડવા જતા યુવાનો ડૂબી જાય છે. ધર્મ આવી અસંસ્‍કારીતાથી ક્રોધે ભરાવો જોઇએ. શાસ્ત્રોમાં ક્‍યાંય આવી અનીતિની સૂચનાઓ આપવામાં આવી નથી. એ બધું માણસો કરે છે એથી માણસે જ પોતાની ભૂલ સુધારવાની રહે છે. એ માટે ઉપરથી ભગવાન આવવાના નથી. સમાજના મોટાભાગના માણસો આ તમામ અનીતિને શ્રદ્ધા ગણી લે છે. પરંતુ એ શ્રદ્ધાના સ્‍વાંગમાં છૂપાયેલી અબૌદ્ધિક્‍તા છે. ધર્મને નામે ચાલતો અધર્મ છે. ઇશ્વરને વચ્‍ચે લાવ્‍યા વિના પણ એનો વિરોધ કરી શકાય. ગણપતિના મંડપ પાછળ દારૂ જુગારની બદી ના ચલાવો એમ કહેવામાં ગણપતિનો વિરોધ કરેલો ગણાતો નથી. ભગવાનને ભજવું તે શ્રદ્ધા હોઇ શકે. પરંતુ મોડી રાત સુધી માઇક વગાડી  સમાજની શાંતિ છિન્‍નભિન્‍ન કરી નાખવી તે  શ્રધ્‍ધાને નામે  થતો આતંકવાદ ગણાય. (અમેરિકામાં પાડોશી પોતાના ઘરમાં મોટેથી રેડિયો વગાડે તે પણ ગુનો બને છે) દોસ્તો, હજી ય સદીઓ સુધી આપણે મહાવીરપ્રભુની પૂજા કરતા રહીએ તેમાં કોઇ નુકસાન નથી પણ તે માટે સંસાર છોડીને સાધુ થઇ જવાની જરૂર નથી. અમે પ્રમુખ સ્‍વામીને સંપૂર્ણ આદરભાવથી જોઇએ છીએ, તેમજ સ્‍વામીનારાયણ ધર્મ માટે ભારોભાર આદર ધરાવીએ છીએ, પણ તે માટે અમારે સ્‍ત્રીઓનું મુખ ન જોવાનો નિયમ પાળવો પડે તેમાં કોઇ ઔચિત્‍ય નથી. શ્રી પ્રમુખ સ્‍વામી મહારાજે તથા શ્રી સત્‍ય સાંઇબાબાએ ડોક્‍ટરી સારવારથી માંડી શિક્ષણ અને સમાજસેવાના હજારો કામો કર્યા છે. શ્રી પ્રમુખ સ્‍વામી મહારાજે મેડિકલ કોલેજ પણ સ્થાપી છે. તેમના લાખો અનુયાયીઓ એ પંથે ચાલ્‍યા છે. આજે ઠેરઠેર ‘સત્‍યસાંઇ સેવા સમિતિ’ દ્વારા અનેક માનવસેવા થાય છે. ગરીબોના વિના મૂલ્‍યે ઓપરેશનો થાય છે. પાંડુરંગ શાસ્‍ત્રીના સ્‍વાધ્‍યાય પરિવારમાં પણ એટલા જ સુંદર કામો  થાય છે. તેઓ શિયાળામાં ગરીબોને ધાબળા વહેંચે છે. ધરતીકંપ, જળસંકટ કે કુદરતી હોનારતમાં ફસાઇ ગયેલા માણસોને મદદ કરવા પોતાનો કામધંધો છોડીને પણ દોડી જાય છે. શ્રદ્ધાની આવી સુભગ ફલશ્રુતિને નાસ્‍તિક્‍તાના  આંચળા હેઠળ શી રીતે અવગણી શકાય? એક વાત યાદ રાખવી પડશે. દુનિયા માત્ર સાયન્‍સથી નથી ચાલતી, શ્રદ્ધા, માનવતા અને સૌજન્‍યથી ચાલે છે. ચમત્‍કારોનો પર્દાફાશ જરૂરી છે અને અંધશ્રદ્ધાનો વિરોધ પણ જરૂરી છે પરંતુ શ્રદ્ધાના  સનાતન સત્‍યને શૂળીએ ચઢાવી દઇને કેવળ વિજ્ઞાનના વાવટા ફરકાવવાથી કદી માણસને શાંતિ મળવાની નથી. વિજ્ઞાનથી ક્રાંતિ થઇ શકે… શ્રદ્ધાથી શાંતિ પેદા થઇ શકે. તાત્‍પર્ય એટલું જ કે  સુખી થવા માટે દુનિયામાં ઇશ્વરના હોવા ન હોવા કરતાં માણસમાં માનવતાનું હોવું બહુ જરૂરી છે. શ્રદ્ધામાં બુદ્ધિની સંડોવણી અનિવાર્ય છે. દુનિયાની પ્રગતિ માટે શ્રદ્ધા કરતાં સાયન્‍સની અને પૂજાપાઠ કરતાં ટેકનોલોજીની વિશેષ જરૂર છે. ઘરમાં અગરબત્તી કે દીવો ભલે સળગાવીએ પણ તે અણઘડ રીતે સળગાવીશું તો ઘરને આગ લાગી જશે. ભક્‍તિમાં હાથ જોડવાથી ચાલી જાય. જીવનમાં બુદ્ધિ જોડવી પડે. ઇશ્વરને માનો કે ન માનો, પણ  માનવતામાં જરૂર માનો અને સૌ સુખી થાય એવી રીતે વર્તો તથા એવા કામ કરો જેથી સંસારમાં માનવતાનું સરક્‍યુલેશન ચાલુ રહે. બેસ્ટ ઓફ  લક..!!

                                              ધૂપછાંવ

            ધરમના ઢોલ અને નાસ્‍તિક્‍તાના નગારા.., સુખ  ન  આપે  તો  બે  ય  નકામા….!