દિમાગમાં ડિમલાઇટ

જીવન સરિતાને તીરે…       “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર દિનેશ પાંચાલ 

(રવિ પૂર્તિ)                                          તા.  30-06-19  માટે                       મો : 94281 60508

                          દિમાગમાં ડિમલાઇટ

         એક સત્‍ય સાંભળો. માણસના મૂઠી સરખા મગજમાં ઉપરવાળા એન્‍જીનિયરે બુદ્ધિનો બલ્‍બ ગોઠવીને કમાલ કરી છે. એ બલ્‍બ ડિમ થઇ જાય ત્‍યારે દુઃખનો અંધકાર છવાઇ જાય છે. દોસ્‍તો, લંપટ માણસો સાધુના વેશમાં સ્ત્રીઓને છેતરી જતા હોય છે. રાવણે સીતાજીનું અપહરણ કરેલું ત્‍યારથી એ સિલસિલો ચાલુ છે. (દહેગામના સાધુઓનું સેક્‍સ કૌભાંડ યાદ છે?) થોડા વર્ષો પર દ્વારકાના સનાતન આશ્રમવાળા સ્‍વામી કેશવાનંદનું એથીય મોટું સેક્‍સ કૌભાંડ બહાર આવ્‍યું હતું. બિહારના એ  મુફલિસ માણસે સાધુનો ફરેબી આંચળો ઓઢી પૂરી બસો સ્‍ત્રીઓના શિયળ લૂંટયા હતાં. સ્ત્રીઓ ભલે શ્રદ્ધા રાખે પણ  સામે ઊભેલો ભગવાધારી માણસ સાચો  સંત છે કે  શેતાન.. તે ઓળખી લે તે જરૂરી છે.

        ખાસ તો સમાજના બૌદ્ધિકોએ એ વિચારવું જોઇએ કે જેઓ સંસાર છોડી દે છે તેઓ હિમાલય પર ચાલ્‍યા જવાને બદલે ભગવા ધારણ કરીને સમાજ વચ્‍ચે શું કામ પડી રહે છે? ગુજરાતના એક પ્રધાન અત્તરના ભારે શોખીન છે. તેઓ પ્રજા વચ્‍ચે આવે ત્‍યારે અત્તરથી મઘમઘતા થઇને આવે છે. (સંભવતઃ તેમને એવી ગેરસમજ છે કે અત્તરથી કુકર્મોની દુર્ગંધ ઢંકાઇ જાય છે. પણ કુકર્મોની દુર્ગંધ એવી પાવરફૂલ હોય છે કે ગમે તેવા સુગંધીદાર અત્તરો હારી જાય છે) દોસ્‍તો,  જેની સુગંધ લાંબા સમય સુધી જળવાઇ રહે એવુ કોઇ અત્તર હશે ખરું? જવાબ આસાન છે. વિજ્ઞાને નહીં કુદરતે માણસને એવા એક એવરગ્રીન અત્તરની ભેટ આપી છે– તે છે સારા વિચારોનું અત્તર..! સદ્‌વિચારો એવું પાવરફુલ પરફયુમ છે જેની સુગંધ સદીઓ સુધી મહેક્‍તી રહે છે. ગાંધીજી, વિવેકાનંદ, દયાનંદ સરસ્‍વતી, સરદાર વલ્લભભાઇ.. એ સૌ અત્તરના એવાં પુમડા છે, જેઓ યુગો સુધી મઘમઘતાં રહેશે.

        આપણે માણસની કૂટેવોની વાત કરી રહ્યા છીએ ત્‍યારે સ્‍વપ્રશંસા પણ એક કૂટેવ  છે. માણસને પોતાના વખાણ સાંભળવા ગમે છે પણ સામી વ્‍યક્‍તિ તેની પોતાની પ્રશંસા કર્યે રાખે તે સાંભળવી ગમતી નથી. વખાણની જેમ વ્‍યથાની વાત પણ માણસને ખાસ ગમતી નથી. કોઇ દુઃખી માણસ ખુદના દુઃખની  જેટલી પીડા અનુભવે છે તેટલી બીજો માણસ અનુભવી શકતો નથી. માણસનું દુઃખ તેના હોઠેથી સામાના દિલ સુધી પહોંચે ત્‍યાં સુધીમાં દુઃખના અડધો અડધ વોલ્‍ટેજ ઓછા થઇ જાય છે. (દાઝી જવાની વેદના, દાઝ્યાના સમાચાર સાંભળવાથી નથી આવી શકતી) માણસ તરેહ તરેહની કૂટેવો અને દુર્ગુણોથી ભરેલો હોય છે. કેટલાંક એવા હોય છે, જેમને મળવા તેમના ઘરે જઇએ અને તેઓ ના મળે તો હૈયે આનંદ આનંદ છવાઇ જાય છે. ‘હાશ બચ્‍યા!’નો હાશકારો મોમાંથી છૂટી જાય છે. તેઓ તેમની વૈચારિક દુર્ગંધથી છલકાતા હોય છે. (સમાજમાં રહીએ અને વળી માણસ મુઆ છીએ એથી ક્‍યારેક એવા પરસુખભંજકોનેય સામે ચાલીને મળવા જવું પડે, પણ ત્‍યારે એવું જરૂર લાગે કે આપણે સામે ચાલીને વાઘની બોડમાં  જઇ રહ્યા છીએ) કેટલાંક ચતુર સુજાણો એવા આતંકવાદીઓને સામેથી આવતાં જોઇને ફૂટપાથ બદલી નાખે  છે.

        દોસ્‍તો, તમને ય જરૂર એવો અનુભવ થયો હશે કે કોઇ મોટી સોસાયટીમાં કોઈનું ઘર શોધવામાં તમને ભારે તકલીફ પડી હોય. માણસ ઘરની  દીવાલ પર મોઘું પેઇન્‍ટીંગ ચીતરાવે છે પણ મકાનની બહાર દરવાજા પર  ઘરનો નંબર નથી ચીતરાવતો. (નામનું  બોર્ડ તો હોય જ ક્‍યાંથી..?) અજાણ્‍યા માણસે દશ લોકોને પૂછવું પડે છે. આવી તો કેટલીય અબૌદ્ધિક્‍તાથી માણસ માલામાલ છે. જેમકે દરવાજે ડોરબેલની સ્‍વીચ હોય પણ અંદર ડોરબેલ વાગતો ના હોય. આખું ઘર લાઇટ બંધ કરીને ટીવી જોતું હોય… એમાં વળી પાછું ટીવીની લાઇટ  આંખો બાળી નાખે એવી ફૂલ હોય. એક મિત્રે સ્‍વાનુભવ જણાવતાં કહ્યું: ‘મારા એક સગાને ત્‍યાં ભવ્‍ય શો રૂમ છે પણ વોશબેસિન (કે સીન્‍ક સુદ્ધાં) નથી. જમ્‍યા પછી હાથ મો ધોવા બાથરૂમમાં કે ચોકડીમાં જવું પડે. ઘણાં ઘરોમાં તો ઘરના સૌ સભ્‍યો ટીવી જોતાં હોય અને ઘરે કોક આવે અને તે કાંઇ પૂછે ત્‍યારે ઘરના માણસો બે પાંચ વાર  ‘હેં… શું કહો છો?’ એમ  પૂછે છે પણ ટીવીનું વોલ્‍યુમ ધીમુ ના કરે. ખૂબ મોટા અવાજે ટીવી  કે ટેપરેકોર્ડર વગાડવું એ આપણું સાંસ્‍કૃતિક કલંક છે. વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલતી હોય ત્‍યારે એ અવાજનો આતંક વિદ્યાર્થીઓને ખાસ્‍સી તકલીફ આપે છે. કેટલાંને સમજાતું હશે કે બહુ મોટા અવાજે લતાજીનું લગ્‍નગીત પણ મૈયતના મરશિયા જેવું લાગે છે??

                                             ધૂપછાંવ

     છ મહિનાની બાળકી અંગપ્રદર્શન ના કરે પણ વિકૃતોને વયનો બાધ નડતો નથી એટલી ઘણાને અક્કલ હોતી નથી.

કુદરત: ઈશ્વરની ઈન્ડસ્ટ્રીઝ

ભગવાન અને કુદરત વચ્ચે મુકેશ અંબાણી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવો સંબધ છે.

                                                     દિનેશ પાંચાલ

 સ્‍ત્રીની સાચી શોભાઃ સંસ્‍કારી પહેરવેશ 

જીવન સરિતાને તીરે…      “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર           ‑ દિનેશ પાંચાલ

(રવિ પૂર્તિ)                                 તા.   9-06-19  માટે                            મો : 94281 60508

                      સ્‍ત્રીની સાચી શોભાઃ સંસ્‍કારી પહેરવેશ 

      એક વાલીએ કોલેજના પ્રિન્‍સીપાલને ફરિયાદ કરીઃ ‘તમારી કોલેજના વિદ્યાર્થીઓ મારી દીકરીના કપડાં વિશે ગંદી કોમેન્‍ટ્‍સ કરે છે. તમે તેમને ટોકતા કેમ નથી?’ પ્રિન્‍સીપાલે કહ્યું: ‘માફ કરજો વડીલ, તમારી દીકરી એટલાં ટૂંકા વસ્‍ત્રો પહેરીને આવે છે કે આ ઉમરે મને પણ એની અસર થાય છે તો યુવાનોનો  શો વાંક? માણસ દૂધની તપેલી ખુલ્લી રાખે પછી બિલાડીનો વાંક કાઢે તે કેમ ચાલે? તમે દીકરીને જ કહો કે એટલાં ટૂંકા વસ્‍ત્રો પહેરીને કોલેજમાં ન આવે!’

        સ્‍ત્રીઓને કુદરતે ભરપુર દેહસૌંદર્ય આપ્‍યું છે પણ પુરુષો વિના સ્‍ત્રીઓને  એ અધૂરું લાગે છે. આમિરખાનની  ‘હમ હૈ રાહી પ્‍યારકે’ નામની એક ફિલ્‍મ આવી હતી, તેમાં નાયિકા (જૂહી ચાવલા) એક ગીત ગાય છે. ગીતના શબ્‍દો આ વિચારમાં સૂર પુરાવે છે. એ શબ્‍દો સાંભળોઃ ‘ઘૂંઘટ કી આડ મેં દિલબર કા દિદાર અધૂરા રહેતા હૈ… જબ તક ના પડે સાજન કી નજર… શિંગાર અધૂરા રહેતા હૈ!’  દોસ્‍તો,  સુરેશ દલાલે તેમના કોઇ પુસ્‍તકમાં એક સત્‍યઘટના લખી છે. એક ડોસો અને ડોસી વીશ વર્ષથી એક છત તળે રહેતા હતા પણ એકમેક જોડે બોલતા ન હતા, છતાં તેમને સંતાનો  હતાં. અમે 1967માં જનતા હાઇસ્‍કૂલ- ઉનાઇમાં ભણતા. તે વખતે છોકરા છોકરીનો એક જ ક્‍લાસ હતો. રિસેશમાં અમે છોકરાઓ, છોકરીઓની ખૂબ પજવણી કરતા. શાળાના આચાર્યને એ વાતની જાણ થતાં તેમણે  છોકરીઓનો અલગ ક્‍લાસ કરવાનું વિચાર્યું. થયું એવું કે એ વાતની  જાણ થઇ ત્‍યારે છોકરાઓ ખામોશ રહ્યાં, પણ છોકરીઓએ એનો વિરોધ કર્યો. તે કાચી ઉંમરે છોકરીઓના એ વિરોધનું મનોવિજ્ઞાન અમે સમજી શક્‍યા નહોતા. પણ વાસ્‍તવિક્‍તા એ હતી કે છોકરાઓ દ્વારા થતી પજવણીનો છોકરીઓ માત્ર હોઠોથી  વિરોધ કરતી હતી, હૈયામાં તેમને એનો આનંદ થતો હતો. સ્‍ત્રીની દરેક સુક્ષ્મ અનુભૂતિઓના શબ્‍દોમાં તરજુમા કરી શકાતા નથી કેમકે અનુભૂતિને સાબિતી નથી હોતી. પણ ભીતરમાં એ ભીંજાયા વિના રહેતી નથી. ફિલ્‍મ ‘મધર ઇન્‍ડિયા’ની એક ઘટના યાદ કરો. એમાં સુનિલ દત્ત ગિલોલ વડે ગામની છોકરીઓની મટકી ફોડી નાખતો હોય છે. એક દિવસ બધી છોકરીઓએ  સુનિલ દત્તની મા (નરગીસ)ને ફરિયાદ કરી. કોઇએ કહ્યું: ‘બિરજુને મેરી ચાર મટકી ફોડી..!’ કોઇએ કહ્યું: ‘બિરજુને મેરી પાંચ મટકી ફોડી..!’ પણ એક બેડોળ છોકરીએ એવી ફરિયાદ કરી કેઃ ‘મેરી તો ફોડતા હી નહીં..!’ મતલબ તે ઇચ્‍છતી હતી કે બિરજુ એની પણ છેડતી કરે. પુરુષો પ્રત્‍યેના સ્ત્રીઓના લગાવનું સુક્ષ્મ મનોવિજ્ઞાન અહીં સુંદર રીતે રજૂ થયું છે.

        સિંગાપોરમાં સૌથી વધુ બળાત્‍કારો થાય છે કારણ કે ત્‍યાંના સંવિધાન પ્રમાણે બળાત્‍કાર એ ગુનો બનતો નથી. જે દેશમાં સેક્‍સલિબર્ટી છે ત્‍યાં બળાત્‍કારોનું પ્રમાણ ઓછું રહ્યું છે. ત્‍યાં લોકોએ જાતીય ભૂખમરો વેઠવો પડતો નથી. વળી જ્‍યાં બળાત્‍કાર માટે આકરી સજાનું પ્રાવધાન છે ત્‍યાં પણ બળાત્‍કારો ઓછા થાય છે. પાકિસ્‍તાનમાં અને અરબ કન્‍ટ્રીઝમાં લોકો બળાત્‍કાર કરવાની હિંમત કરતાં નથી. ત્‍યાં બળાત્‍કાર કરનારને જાહેરમાં સંગસાર વિધિથી મારી નાખવામાં આવે છે. (સંગસાર એટલે જાહેરમાં ખાડો ખોદીને બળાત્‍કારીની ગરદન ઉપર રહે એ રીતે દાટી દેવામાં આવે છે. પછી જાહેર જનતા તેને પથ્‍થરો મારીને મારી નાખે છે)

        થોડા સમય પૂર્વે બળાત્‍કારોના વધી રહેલા બનાવો  સંદર્ભે ટીવી પર આધુનિક નારીના અશ્‍લિલ વસ્‍ત્રપરિધાન વિષે વિસ્‍તૃત ચર્ચા થઇ હતી. એમાં બહુધા કોલેજ કન્‍યાઓએ આક્રોશપૂર્વક એવો મત વ્‍યક્‍ત કર્યો હતો કે- જે વડીલો અમારા ટૂંકા વસ્‍ત્રો માટે પુરુષોની કામુક નજરનો ભય દર્શાવે છે તે વડીલો પુરુષોને જ તેમની નજર નિર્વિકારી રાખવાનું કેમ નથી કહેતા? પુરુષો ફેશન રૂપે ટૂંકી પેન્‍ટ, બરમૂડો વગેરે પહેરે છે ત્‍યારે મહિલાઓ વિરોધ કરતી નથી. પુરુષોની આસક્‍તિ તો ચિતામાં જ ખતમ થાય છે, તેથી અમારે શું જિંદગીભર અમારા દેહને ગળાથી પગની પાની સુધી કપડાંની કેદમાં જકડી રાખવો? સમાજમાં 80 વર્ષના બુઢ્ઢાની આંખોમાંય સુંદર સ્‍ત્રીને જોઇને સાપોલિયાં સળવળી ઊઠે છે  તેથી શું અમારે ચહેરા પર બુરખો પહેરીને બહાર નીકળવું?’ આ લાંબી ચર્ચા માગી લે એવો મુદ્દો છે. પણ સત્‍ય એ છે કે પુરૂષોના મસલ્‍સ પાવરની તુલનામાં સ્‍ત્રીની પ્રતિકારક શક્‍તિ ઓછી હોય છે. તેવા સંજોગોમાં સ્‍ત્રીઓનું બિભત્‍સ વસ્‍ત્રપરિધાન મર્કટને મદિરા પાવા સમુ જોખમી બની રહે છે. અમારા બચુભાઇ કહે છેઃ કોલેજની આધુનિક કન્‍યાએ સહેતુક રાખેલા બ્‍લાઉઝના ખુલ્લા ગળામાંથી દેખાતો તેમનો દેહ ઉંદરના છટકામાં લટકાવવામાં આવેલી રોટલી જેવી કામગીરી બજાવે છે. યુવાનોની  હવસખોરી અને કન્‍યાની  ફેશનખોરી વચ્‍ચે જંગ જામે છે. સદીઓથી ચાલતા આવેલા એ જંગમાં જીત હવસખોરીની થાય છે. ટોલ્‍સ્‍ટોયે કહેલું: ‘દારૂના નશા કરતાં ધર્મના નશાએ માણસોને વધુ બરબાદ કર્યા છે.  અહીં કહી શકાય કે, પુરુષો કરતાં સ્‍વયં સ્‍ત્રીઓએ અંગપ્રદર્શન દ્વારા ખુદનું વધારે અહિત કર્યું છે! તાત્‍પર્ય એટલું જ કે આપણે જે સમાજ અને સંસ્‍કૃતિ વચ્‍ચે રહીએ છીએ ત્‍યાં જાહેર સુરૂચિનો ભંગ થાય એવાં ટૂકાં વસ્‍ત્રો ના પહેરવા એ સમયની માંગ છે. ટૂકાં વસ્‍ત્રો ક્‍યારેક લાંબી ચિંતા ઊભી કરતાં હોય છે. સ્‍ત્રી ફેશન માટે જેટલી તત્‍પર હોય છે તેટલી તેના માઠા પરિણામ માટે તૈયાર હોતી નથી.

                                                       ધૂપછાંવ                                      

   મધુરજની મહોલ્લા વચ્‍ચે ઉજવાતી નથી તેમ ફેશનના નામે અંગપ્રદર્શન કરવું એ જાહેર અશિસ્‍તનો મામલો બની જાય છે. જે કપડાં શયનખંડમાં પહેરાય તે પહેરીને શેરીમાં ન નીકળાય. સ્‍ત્રીની સાચી શોભા સંસ્‍કારી પહેરવેશમાં છે.

દીકરીનું દૈવત

દીકરી વિષેના પુસ્તકો બજારમાં ચાલે છે, કેમકે દીકરી સંસારમાં ચાલે છે..!

                                                                             –દિનેશ પાંચાલ  

માનવતા

ઘડિયાળના સેકન્ડ કાંટાની ઝડપે બગડ્યે જતી આ દુનિયામાં ભગવાનના હોવા ન હોવા કરતાં માણસમાં માનવતાનું હોવું બહુ જરૂરી છે. –દિનેશ પાંચાલ