સામૂહિક આભાર..!

          મારા વહાલા વાચકમિત્રો, સુરતની “નર્મદ સાહિત્ય સભા” તરફથી જીવનલક્ષી સાહિત્ય માટે પ્રથમ વાર “જનક નાયક સ્મૃતિ ચંદ્રક” શરુ કરવામાં આવ્યો છે. એ ચંદ્રક માટે મારા પુસ્તક “મનના માયાબજારમાં” ને પસંદ કરવામાં આવ્યું છે. તે અંગેની જાહેરાત ફેઈસ બુક, વૉટસેપ વગેરે પર વાંચીને મને અનેક નામી અનામી મિત્રોએ અભિનંદન પાઠવ્યા છે. મિત્રો, વ્યક્તિગત આભાર માનવાનું થોડું મુશ્કેલ હોય અત્રે હું તે માટે આપ સૌનો ખરા અંત:કરણપૂર્વક સામૂહિક આભાર માનુ છું.  “અહેસાન મેરે દિલ પે તુમ્હારા હૈ દોસ્તો, યે દિલ તુમ્હારે પ્યાર કા મારા હૈ દોસ્તો..!”

                                                         –દિનેશ પાંચાલ

  લગ્ન પૂર્વે દાંપત્‍યનો કોર્સ હોવો જોઈએ    

              

             જીવન સરિતાને તીરે..    “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર          –દિનેશ પાંચાલ 

                (રવિ પૂર્તિ)                                 તા.  28-07-19  માટે               મો : 94281 60508

                                   લગ્ન પૂર્વે દાંપત્‍યનો કોર્સ હોવો જોઈએ                                     

         દોસ્‍તો, આપણે યુવાપેઢી અને દાંપત્‍યજીવન અંગે ચર્ચા કરી રહ્યા છીએ ત્‍યારે પ્રશ્ન થાય છે- શું આજની પેઢી દાંપત્‍ય અંગે ગંભીર હોય છે ખરી..? જવાબ ‘ના’માં આવે છે. તેઓ લગ્‍નને પાંચ મિનિટની રમત  સમજે છે. પરંતુ સત્‍ય એ છે કે હસ્‍તમેળાપ પાંચ મિનિટમાં થઈ જાય છે પણ  મનમેળાપ માટે આખી જિંદગી ઓછી પડે છે! કયારેક તો પાનેતર ઓઢીને પતિગૃહે પધારેલી પરણેતર પાનેતર ઓઢીને સ્‍મશાને  સીધાવે તોય મનમેળાપ બાકી રહી જાય છે. બ્રાહ્મણ માટે ‘સમય વરતે સાવધાન’ બોલવાનું સહેલું છે પણ માણસ માટે સમયને વરતવાનું અઘરું છે. લગ્ન સહેલાં છે. સંસાર અઘરો છે. રોડ પરથી સજોડે પસાર થતાં કપલને જોઈને સમાજ બોલી ઊઠે છેઃ ‘અહો… કેવું સુખી જોડું કર્તાએ નિર્મ્‍યુ દિસે..!’ પરંતુ પ્રત્‍યેક દંપતિ સમાજ વચ્‍ચે નીકળે છે ત્‍યારે ચહેરા પર મનમેળનો મેકપ કરીને નીકળે છે તેથી લોકોને મેકપ પાછળની અસલિયત દેખાતી નથી. પતિ પત્‍ની શર્ટના બે ફાલકાં જેવાં (અને પ્રેમ શર્ટના બટન જેવો) હોય છે. શર્ટ નવુ હોય ત્‍યારે બટન વડે તેના બે ફાલકાં જોડાયેલાં રહે છે. પરંતુ અમુક વર્ષો બાદ બટન તૂટી જતાં જેપીન મારીને બે ફાલકાં ભેગાં કરી રાખવા પડે છે. લગ્નપ્રથા ધીમે ધીમે નિષ્‍ફળ જઇ રહી છે તેથી એવા જેપીન મારેલા ફાલકાં સમાજમાં ઠેર ઠેર જોવા મળે છે.

        હમણાં એક પરિચિત કન્‍યાએ કહ્યું: ‘મુરતિયો  ઠીક હતો પણ એની આંખો માંજરી હતી એથી મારે ના પાડવી પડેલી. માંજરા માણસો લુચ્‍ચા હોય છે!’ બચુભાઇ બોલ્‍યાઃ ‘માણસની લુચ્‍ચાઇ આંખ પરથી નહીં, શાખ પરથી મપાય છે. આંખની કીકી લુચ્‍ચાઇ માપવાનું બેરોમિટર નથી. મારી આંખો જો. હું માંજરો નથી, છતાં મારા વિશે સાવિત્રીને પૂછ!’ દુર્યોધન, શકુની, રાવણ, કંસ એ બધાં માંજરા ન હતા છતાં કેવાં હતાં? અજમલ કસાબની આંખ પણ માંજરી નહોતી. દાઉદ ઈબ્રાહિમ પણ માંજરો નથી. લાલુપ્રસાદ યાદવ ક્‍યાં માંજરા છે? છતાં બિહારમાં ભ્રષ્ટાચારના તમામ એવોર્ડ એમણે અંકે કરી લીધાં છે. આજે એ જેલમાં છે. સમાજમાં હજારો ગુનેગારો ગિરના સિંહની જેમ ખુલ્લેઆમ ફરે છે.

        બચુભાઈએ આગળ કહ્યું: ‘દાંપત્‍યની સફળતાનો આધાર સ્‍નેહ, સમર્પણ અને સમજદારી પર રહેલો છે. વર્ષો પૂર્વે મારા લગ્ન સાવિત્રી સાથે થયેલા ત્‍યારે વરઘોડામાં દશ હજાર ફટાકડાની લૂમ ફોડવાનો રિવાજ નહોતો. (એવા ધડાકાઓ માટે પતિ-પત્‍નીને તેમના દાંપત્‍યજીવનમાં આખી જિંદગીનો સમય આપવામાં આવતો. તેઓ  તેમના પ્રાઇવેટ પ્રીમાઇસીસમાં આજીવન એવી આતશબાજી કરી શકતા)

        દોસ્‍તો, દરેક કિસ્‍સામાં ભલે ન બનતું હોય પણ મોટેભાગે બે સંતાનો થઇ ગયા પછી  સ્‍ત્રીઓનું દૈહિક સૌંદર્ય બરફની જેમ ઓગળવા માંડે છે. આ કુદરતી છે. એમાં સ્‍ત્રીનો વાંક નથી પરંતુ અંગમરોડ લાચાર બને છે ત્‍યાંથી મનના મરોડની કામગીરી શરુ થાય છે. મનના મરોડ એટલે આંતરિક સૌંદર્ય. આઇબ્રોના સૌંદર્ય કરતાં ‘આઇક્‍યુ’નો પ્રભાવ વધી જાય છે. હોઠોના સૌંદર્ય કરતાં હૈયાનું સૌંદર્ય મેદાન મારી જાય છે. દિલ પીગળી જાય એવા બે શબ્‍દો હોઠોની લીપસ્‍ટિક કરતાં હજાર ગણા પ્રભાવક સિદ્ધ થાય છે. નજરના કામણ પળ બે પળના કીમિયાગર હોય છે. શબ્‍દોના કામણ  હૈયું આરપાર વીંધી નાખે છે. શરીરના સૌંદર્ય કરતાં સ્‍વભાવનું સૌંદર્ય ચિરંજીવી બની રહે છે. દેહસૌંદર્યની હદ બ્‍યુટીપાર્લરથી શરુ થઇ વોશબેસીનમાં ખતમ થઇ જાય છે. મનના સૌંદર્યની હદ દિલથી શરુ થઇ આખી જિંદગી કવર કરી લે છે. દેહસૌંદર્યનો બુખાર દારૂના નશાની જેમ ઉતરી જાય છે. દિલનો બુખાર ઝટ ઉતરતો નથી. દેહના સૌંદર્યને સેક્‍સની ગરજ રહે છે. મનનું સૌંદર્ય સેક્‍સનું ઓશિયાળું હોતું નથી! મેલેરિયા અને લવેરિયા વચ્‍ચે એટલો જ ફેર.. એકની દવા હોય છે… બીજાની નથી હોતી.

            અમારા મિત્રની પત્‍નીને એવો અસંતોષ હતો કે પતિ એને દિલથી ચાહે છે પણ પ્રેમ શબ્‍દોમાં વ્‍યક્‍ત કરતો નથી. આવી ફરિયાદ ઘણાંને હોય છે. પતિ-પત્‍ની સંસારરથના બે પૈંડા કહેવાય છે. એ રથના ઇઝી રોલીંગ માટે પ્રશંસા લૂબ્રીકેટીંગ ઓઇલ જેવી ગરજ સારે છે. ચાલીસી વટાવી ગયેલા દંપતિઓ માટે પ્રેમનો ‘વાટકી વ્‍યવહાર’ અત્‍યંત આવશ્‍યક હોય છે. ઘણાનો પ્રેમ કંજુસના ધન જેવો હોય છે. તેમણે પ્રેમનો ગુણધર્મ જાણી રાખવા જેવો છે. પ્રેમ વિદ્યાની જેમ વાપરતાં વધે છે. તે નદી ઝરણાની જેમ હંમેશા વહેતો રહે તે જરૂરી છે. પરંતુ કેટલાંક માણસોના દિલ એરટાઇટ ડબ્‍બાની જેમ ‘લવટાઇટ’ હોય છે. તેમની આંખોની બારીએથી પ્રેમની એકાદ નાની લહેરખી ય  બહાર ડોકાઇ શકતી નથી. દોસ્‍તો, જે દિલ પોતાના પ્રેમપ્રોડક્‍ટની નિકાસ નથી કરતું તે દિલ સિમેન્‍ટના ગોડાઉન જેવું ગણાય. એમાં પ્રેમ નામની સિમેન્‍ટ લાંબા સમય સુધી વપરાયા વિના પડી રહે તો ગઠ્ઠા થઇ જાય છે. એ સિમેન્‍ટ પોતાનું ‘સિમેન્‍ટત્‍વ’ ગુમાવી દે તે પહેલાં ડાહ્યા પતિઓ એમાંથી પ્રેમનો સુંદર તાજમહાલ બાંધી દે છે. પણ સંસારમાં એવાં સમજુ શાહજહાં કેટલાં?

                                                                       ધૂપછાંવ

          સ્‍ટેજ પર એક માઇક પરથી ડયુએટ સોંગ ગાતા મેઇલ- ફીમેઇલ કલાકારોના સ્‍વર જુદાં હોવા છતાં તેમના અવાજનું મધુરુ સંમિશ્રણ શ્રોતાઓને મંત્રમુગ્‍ધ બનાવી દે છે. પતિ પત્‍ની સંસારના સ્‍ટેજ પર દાંપત્‍યનું ડયુએટ  ગાતા બે કલાકારો છે. બન્‍નેની  રુચિ, પ્રકૃતિ ભિન્‍ન હોય છે  છતાં જેમને સંસારની  રાગરાગીણી આવડતી હશે તો તેઓ સંસારની સરગમને મધુર બનાવી શકશે.

 

 

એક સાયન્ટીસ્ટ અને ધર્મગુરુ

એક વિજ્ઞાનમેળાની તોલે કરોડ કુંભમેળા ન આવી શકે અને એક સાયન્ટીસ્ટની તોલે લાખ ધર્મગુરૂઓ પણ ન આવી શકે.

                                                                       –દિનેશ પાંચાલ

વિચારીશું તો વગોવાતા બચીશું

જીવન સરિતાને તીરે…      ‘ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભાર     ‑ દિનેશ પાંચાલ 

 (રવિ પૂર્તિ)                           તા.  21-07-19  માટે                મો : 94281 60508

                               વિચારીશું તો વગોવાતા બચીશું

        દોસ્‍તો, આજકાલ એવું જોવા મળે છે કે કોઇ કોલેજકન્‍યાને એકાદ છેલબટાઉ યુવક માધુરી દિક્ષિત કહીને બોલાવે છે ત્‍યારે તેના દિલમાં લવેરિયાનું ખાતમુહૂર્ત થઈ જાય છે. અમારા બચુભાઇ કહે છેઃ ‘યુવાપેઢીએ એક વાત સમજી રાખવા જેવી છે. કોલેજમાં ગયા પછી પ્રેમમાં ન પડવાથી તમારા બારે વહાણ ડૂબી રહ્યા છે એવું તમને લાગે તો પ્રેમમાં પડો, પરંતુ ‘લૂક બીફોર યુ લીપ… એન્‍ડ થીન્‍ક બીફોર યુ સ્‍પીક!’ અર્થાત્‌ બોલતા પહેલાં વિચારો (કે શું બોલી રહયા છો?) અને કૂદતા પહેલાં જુઓ (કે કયાં કૂદી રહયા છો?) પગ ભાંગ્‍યા પછી જ ખાડો દેખાય તે ખાડાનો નહીં, માણસનો વાંક ગણાય.

        દોસ્‍તો, બેશક સમગ્ર યુવા પેઢી એવી નથી જ, પણ કેટલાંક છેલબટાઉ યુવાનોએ પ્રેમને બદનામ કર્યો છે. તેમનો પ્રેમ પ્રત્‍યેનો  અભિગમ સાત્‍વિક નથી. દાંપત્‍ય અંગે તેઓ જરાય ગંભીર નથી. પોતાના મિત્રને પસંદ ન પડવાને કારણે પણ તેઓ તેની પ્રેમિકાને છોડી નવા શિકારની શોધમાં પ્રવૃત્ત બને છે. આને પ્રેમ નહી છટકું કહેવાય.. લવ નહીં લફરું કહેવાય!  આંખે ગોગલ્‍સ, ખભા સુધીના લાંબા વાળ અને શર્ટના ઉપલા ત્રણ બટન ખુલ્લા રાખી દિવસમાં પંદર વીસ માવાના પડીકાં મોમાં ઓરતા આવા ‘છટકાંછાપ’ છછુંદરોને કદી શિકારની ખોટ  સાલતી નથી. કહે છે કે ઉંદરો એવા ચાલાક હોય છે કે એક ઉંદરને છટકામાં સપડાયેલો નિહાળી  અન્‍ય ઉંદરો ત્‍યાંથી ભાગી જાય છે. કાશ… આજની માધુરી દિક્ષિતો કે ઐશ્વર્યા રાયો ઉંદર જેટલી ય અક્કલમંદી દાખવે. પરંતુ અફસોસ  પ્રેમમાં અંધ બનેલી યુવતીઓ એવી રીતે આંખો મીંચી રાખે છે કે મોડી મોડી આંખો ખુલે ત્‍યારે કયાં તો એ પ્રસુતિગૃહમાં કણસતી હોય… કયાં નારી સંરક્ષણ ગૃહમાં! સમાજનું સદ્‌ભાગ્‍ય છે કે બધી છોકરીઓ એવી નથી.

         દોસ્‍તો, પ્રેમ આંધળો નહીં, આંધળી વાનીના પોંક જેવો મજેદાર હોય છે. દિલના કણસલા પર લાગેલા લાગણીના દૂધાળા દાણા એટલે પ્રેમ! એકવીશ વર્ષે દિલના ડૂંડા પર પ્રેમના કૂમળા દાણા ફૂટે છે એની મજા કંઇક ઓર હોય છે. એકાવનમાં વર્ષે એ દાણા પાકી જુવાર બની જાય છે. એકવીશનો પ્રેમ અને એકાવનના પ્રેમ વચ્‍ચે પોંક અને જુવાર જેટલું છેટુ પડી જાય છે. પોંકના વડા થઇ શકે અને જુવારના રોટલા..! માણસને પોંકવડા વિના ચાલી શકે પણ રોટલા વિના નહીં. એથી માણસ જુવારના પીપડા ભરે છે પોંકના નહીં. દોસ્‍તો, નજરે જોયું છે કે આધુનિક યુવતીઓ પણ વટસાવિત્રીનું વ્રત ખૂબ ઉમંગભેર કરે છે. એક વટસાવિત્રીના દિને બચુભાઇએ સાવિત્રીબેનને કહેલું: ‘તું મારા દીર્ઘાયુષ્‍ય માટે વર્ષોથી વટસાવિત્રીનું વ્રત કરે છે પણ તેં કદી મારા ગૂટકા છોડાવવા માટે હઠ પકડી છે? કદી મારા મોઢામાંથી બીડી ખેંચીને ફેંકી દીધી છે? તેં મારા દીર્ઘાયુષ્‍ય માટે આજ સુધીમાં વડની ફરતે જેટલું સુતર વીંટાળ્‍યું છે તેટલા સુતરમાંથી મારી ચાર ચડ્ડી બની ગઇ હોત!’ એક પ્રશ્ન અંગે વિચારવું જોઇએ. વ્રત ઉપવાસો ખોટાં નથી પણ જેઓ વ્રત નથી કરતાં તેમના પતિદેવો ય સાવ તંદુરસ્‍ત છે ત્‍યારે આવી અતાર્કિક વડપ્રદક્ષિણાનો કોઇ અર્થ ખરો? સાચી વાત એટલી જ, જિંદગીભર જે પુરુષો દારૂ, તાડી, ડ્રગ્‍સ, ચુનો, બીડી, તમાકુ, સિગારેટ, ગુટકા કે માવા મસાલામાં અથાયેલા રહે છે તેની સામે સખત મોરચો માંડવાને બદલે વડ ફરતે દોરા વીંટાળવાથી કદી કોઇ પતિને દીર્ઘાયુષ્‍ય પ્રાપ્‍ત થઇ શકતું નથી.

        હવે જરા નવાઇ લાગે એવી વાત સાંભળો. હમણા એક પ્રોગ્રામમાં વિચિત્ર પ્રકારની ચર્ચા થઇ-પુરુષોને કેવી પત્‍ની વધુ ગમે એ વિષય પર દરેકે પોતપોતાના વિચારો રજૂ કર્યા. એક રેશનાલિસ્‍ટ મિત્રે કહ્યું: મને ફર્સ પર પોતું મારતી વહુ કરતાં પી.એચ.ડી.નો થીસીસ લખતી પુત્રવધૂ  વધુ ગમે. વૈભવલક્ષ્મીનું વ્રત કરતી કન્‍યા કરતાં બીઝનેસ મેનેજમેન્‍ટનો અભ્‍યાસ કરતી યુવતી વિશેષ આવકાર્ય. મંદિરમાં બેસી સંતોષીમાની ચોપડી વાંચતી યુવતી કરતાં લાઇબ્રેરીમાં બેસી ‘ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા’ વાંચતી યુવતીને થોડાં વધુ માર્ક્‍સ આપું. કડવાચોથને દિવસે પતિના પગ ધોઇ પી જતી ધાર્મિક સન્‍નારી કરતાં પતિની ભૂલો બદલ પ્રેમથી તેના કાન આમળતી મોડર્ન સન્‍નારી પ્રત્‍યે દિલમાં ખાસ માન જન્‍મે.  એકાદ  સાડીની માંગણી કરવા માટે પતિદેવ ખુશમિજાજમાં હોય તેની પ્રતીક્ષા કરતી હાઉસહોલ્‍ડ ગૃહિણી કરતાં પોતાના પગારમાંથી પતિને મનગમતું પેન્‍ટ ખરીદી આપતી કમાઉ પત્‍ની પુરુષોને ખાસ ગમે. મારા લગ્ન હજી થયા નથી. તમારા ધ્‍યાનમાં આવી કોઇ કન્‍યા હોય તો જોજો..!’ બીજા મિત્રે જવાબ આપ્‍યોઃ ‘મને લાગે છે કે તમારે કદાચ આજીવન કુંવારા રહેવું પડશે..!’

                                                 ધૂપછાંવ

                  રાવણની પત્‍ની બનવા કરતાં રામની વિધવા બનવુ લાખ દરજ્જે સારુ..!

જીભ અને દાંત

દાંત વડે જીભનું રક્ષણ થાય છે અને દાંત વડે જ જીભ કચરાઈ પણ જાય છે. સ્ત્રી પુરૂષનું પણ એવું જ..!

                                                                                                                    –દિનેશ પાંચાલ

 ચિંતનના ચાબુક.. સબકના સોળ

 જીવન સરિતાને તીરે…                 ‘ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભાર               ‑ દિનેશ પાંચાલ                (રવિ પૂર્તિ)                                             તા.  14-07-19  માટે                          મો : 94281 60508

                          ચિંતનના ચાબુક.. સબકના સોળ

         દોસ્‍તો, માણસે માણસે  કિસ્‍મત જુદા હોય છે. સીતાજીના પતિ ભગવાન હતા  છતાં તેમણે જંગલમાં સુવુ પડયું હતું. મંદોદરીનો પતિ રાવણ (રાક્ષસ) હતો છતાં તે મહેલમાં સુતી હતી. મંદોદરીએ અગ્નિપરીક્ષા નહોતી આપવી પડી. ચૌદ વર્ષનો વનવાસ નહોતો વેઠવો પડયો, અને તેની ગર્ભાવસ્‍થામાં રાવણે તેનો ત્‍યાગ પણ નહોતો કર્યો. સીતાજીએ એ બધાં જ દુઃખો વેઠયા હતા. મતલબ સીતાજી કરતાં મંદોદરી ઘણી સુખી હતી પણ મંદોદરીને આજે કોઇ યાદ કરતું નથી. અને સીતાજીની પૂજા થાય છે. રાવણનું પૂતળુ બાળવામાં આવે છે જ્‍યારે રામચંદ્રજીની ઘરે ઘરે આરતી ઉતારવામાં આવે છે. અર્થાત્‌  એટલું સ્સ્‍વીકારવું રહ્વીયું કે  સોનાની ગીની જાજરૂમાં પડી હોય તો પણ તેની કિંંમત ઘટી જતી નથી, અને પથરો તિજોરીમાં જઇ પડે તો ય તેની કિંમત પથ્‍થરતૂલ્‍ય જ રહે છે. માણસ જંગલમાં રહે કે મહેલમાં, તેનું ચારિત્ર્ય કેવું છે તે પરથી તેની કિંમત અંકાતી હોય છે.

             આજે રાજકારણમાં જે ચાલે છે તેવું જ ધર્મમાં પણ ચાલે છે. એક વ્‍યંગ કથા સાંભળો. એક દિવસ ઘરની અભરાઇ પર ગોઠવાયેલા ધાર્મિક પુસ્‍તકોએ બળવો પોકાર્યો. ‘ભાગવદ્‌ ગીતા’એ ઘરમાલિકનું ગળુ પકડયું. ‘રામાયણે’ માલિકના ટાંટિયા ખેંચ્‍યા. ‘વેદ પુરાણો’ માલિકની છાતી પર સવાર થઇ ગયા અને પ્રશ્ન કર્યોઃ ‘તું રોજ સવાર સાંજ બે કલાક અમારું પઠન કરે છે પણ બીજી તરફ લાઇટના મિટર જોડે ચેડાં કરે છે.  ત્રાજવામાં ગોલમાલ કરે છે. અનાજમાં ભેળસેળ કરે છે. વાંકડા માટે પત્‍ની પર જુલમ ગુજારે છે… બોલ,  તને શી રીતે માફ કરી શકાય?’ માલિકે કરગરી પડતાં કહ્યું: ‘આટલી વાર માફ કરો, હવેથી હું એવું નહીં કરું!’ ધર્મગ્રંથોને દયા આવી. તેમણે માણસને માફ કરી દીધો. પણ તે રાત્રે માણસે કર્યું એવું કે  તમામ ધર્મગ્રંથોનો રોડ પર ઢગલો કર્યો અને તેના પર કેરોસિન છાંટી સળગાવી મૂક્‍યા. આજની ઘડી અને કાલનો દિવસ! એ ઘટનાને વર્ષો વિતી ગયા. હવે આ દેશમાં ધાર્મિક દંગલો થાય છે, પણ ધર્મગ્રંથોના દંગલો થતાં નથી. માણસે આખી પોલીસચોકી સળગાવી મૂકી એથી હાથકડીનો ભય ના રહ્યો. હવે સૌ સવારે પૂજાપાઠ કરે છે અને ધંધામાં ત્રાજવાં ડોલાવે છે. ભક્‍તિ કરે છે અને ભેળસેળ પણ કરે છે. માળા કરે છે અને મિટર જોડે ચેડાં પણ કરે છે. સૌ પોતપોતાની  રીતે સુખી છે. નેતાઓ કહે છેઃ ‘સારે જહાંસે અચ્‍છા હિન્‍દોસ્‍તાં હમારા…!’ પ્રજા કહે છેઃ ‘તું ભી હેરાન મૈ ભી પરેશાન ફિર ભી મેરા ભારત મહાન..!’

        હવે એક ઝટ ગળે ન ઉતરે એવી વાત સાંભળો.  ઘણીવાર માણસના સુખનો આધાર બીજાના દુઃખ પર રહેલો હોય છે. ધરતીકંપમાં બધાંના ઘરો ભાંગી પડે અને આપણુું ઘર સલામત રહે ત્‍યારે ઇશ્વરની કૃપાનું લેબલ લગાવી આપણે  તેનો  છૂપો હરખ મનાવીએ છીએ. આપણે સીઝનના તેલના ડબ્‍બા ખરીદી લઇએ અને ત્યાર પછી એક ડબ્‍બે 400 રૂપિયા વધી જાય ત્‍યારે આપણે આપણી જાતને નસીબદાર માન્‍યા વિના રહી શકતા નથી. પાડોશીનું અને આપણુ ઘર એક જ કોન્‍ટ્રાકટરે બાંધ્‍યુ હોય પણ આપણું ધાબુ બિલકુલ ના ગળે અને પાડોશીને ત્‍યાં ઘરમાં તળાવ છલકાતું હોય ત્‍યારે આપણા હરખનો પાર રહેતો નથી. તમારો દીકરો ડિંસ્‍ટીંક્‍શન સાથે નાપાસ થાય એવો રીઢો ડફોળ હોય, પણ એવું બને કે બોર્ડના છબરડાને કારણે બધાંના જ દીકરા નાપાસ થયા હોય તેવા સંજોગોમાં ખૂબ પ્રમાણિક પિતા પણ એવું જાહેર કરતો નથી કે બીજાની વાત બીજા જાણે, પણ મારા દીકરાનું આ સાચું પરિણામ છે!’

        દોસ્‍તો, કેટલીક વાતો ધર્મગ્રંથોમાં ન લખી હોય તો પણ દિલમાં કોતરી રાખવા જેવી છે. જેમકે મંદિરમાં ભગવાન આગળ અગરબત્તી સળગાવવા કરતાં ઘરડા માબાપના રૂમમાં કાચબા છાપ અગરબત્તી સળગાવવાથી વધુ પુણ્‍ય મળે છે. રોજ ભગવાનનો ફોટો લૂછવા કરતાં ઘરડા માબાપના ચશ્‍મા લૂછી આપશો તો ઇશ્વર વધુ રાજી રહેશે. માવતરના મર્યા બાદ જ્ઞાતિને લાડુને દૂધપાક જમાડવાને બદલે માબાપને  જિંદગીભર  ભાવથી ભોજન જમાડશો તો તેઓ સંપૂર્ણ તૃપ્‍ત થઇને ઉપર જશે, પછી શ્રાદ્ધના કર્મકાંડો કરવાની જરૂર નહીં રહે. યાદ રહે,  જ્ઞાતિને જમાડશો તો તે ખોટી જગ્‍યાએ પહોંચશે. માબાપને જમાડશો તો તેમના આશીર્વાદની એન્‍ટ્રી સીધી તમારા ખાતામાં થશે. માબાપના મૃત્‍યુ બાદ ફોટાને ફૂલનો હાર ચઢાવવાને બદલે ક્‍યારેક જીવતા  માબાપને તેમની વર્ષગાંઠ  નિમિત્તે એકાદ ગુલાબનું ફૂલ આપશો તો એ ફૂલને પણ જીવ્‍યું સાર્થક લાગશે. સત્‍ય એ છે કે માબાપને જીવતા જીવત જે સુખ આપો તેનાથી ઉત્તમ શ્રાદ્ધ બીજું એકે નથી. તેમના મર્યા બાદ ગાય કાગડાને જે ખવડાવશો તે કદી ઉપર પહોંચતું નથી. મર્યા પછીના કાલ્‍પનિક સ્‍વર્ગ નર્ક એ નરી  ભ્રાંતિ છે. માબાપને અડસઠ તીર્થની યાત્રા નહીં કરાવો તો કોઇ નુકસાન નથી, પણ હાથ પકડીને તેમને જાજરૂ સુધી  લઇ જશો તો અડસઠ તીર્થનું પુણ્‍ય મળશે. દોસ્‍તો, યાદ રહે દૂધની જેટલી ધારા શંકરભગવાનના લિંગ પર પાડવામાં આવે છે તે ધારાને મોડ આપીને ગરીબોના ભૂખ્‍યાં બાળકોના મુખ તરફ વાળશો તો શંકરજી જરૂર રાજી થશે. પ્રોમિસ..!!

                                               ધૂપછાંવ

          અવકાશયાત્રી સુનિતા વિલિયમ્‍સે કહેલું: ‘હું આકાશનો ખૂણે ખૂણો જોઇ આવી છું પણ મને ઉપર સ્‍વર્ગ નર્કના કોઇ ઇલાકાઓ દેખાયા નથી!’