ઈન્‍સાન કી ઔલાદ હૈ તું ઈન્‍સાન બનેગા..!                          

જીવન સરિતાને તીરે…   ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભાર         ‑ દિનેશ પાંચાલ

 (રવિ પૂર્તિ)                            તા.  11-08-19  માટે                    મો : 94281 60508

               ઈન્‍સાન કી ઔલાદ હૈ તું ઈન્‍સાન બનેગા..!                          

       હમણાં એક સુંદર વ્‍યંગકથા વાંચવા મળી. અયોધ્‍યામાં મંદિર બાંધવા માટે રામભક્‍તો સંઘર્ષ કરી રહ્યા હતા. ઉપરથી રામ-સીતા એ પ્રવૃત્તિ જોઇ રહ્યા હતાં. સીતાજીએ રામચંદ્રજીને હરખભેર કહ્યું: ‘સ્‍વામીદેવ, મારે અયોધ્‍યા જઇ મંદિરનું નિર્માણ જોવું છે!’ રામસીતા અયોધ્‍યા આવ્‍યા. બન્‍ને એક વૃક્ષ નીચે ઊભા હતાં ત્‍યાં એકાએક કોમી રમખાણ ફાટી નીકળ્‍યા. એક ટોળુ ત્‍યાં ધસી આવ્‍યું. તેમણે રામચંદ્રજી પર કેરોસીન છાંટી દીવાસળી ચાંપી. પરંતુ આગ પ્રગટી નહીં. સીતાજી ચીલ્લાઇ ઉઠયાઃ ‘અરે.. આ શું કરો છો? આ તો સ્‍વયં રામચંદ્રજી છે!’ તોફાનીઓએ તેમના હાથમાંની મૂર્તિ બતાવતાં કહ્યું: ‘અમારા રામચંદ્રજી તો આ રહ્યા. તમે કોઇ રામલીલાવાળા લાગો છો. અથવા અમારા દુશ્‍મનોની સાજિશ પ્રમાણે વેશ બદલીને અમને ઉલ્લુ બનાવવા આવ્‍યા છો. અમારા રામચંદ્રજીનું આવું અપમાન..?’ કહી એમણે બીજી દીવાસળી સળગાવી પણ તોય આગ પ્રગટી શકી નહીં.

        સીતાજી બોલ્‍યાઃ ‘અરે ભાઇઓ! જરા સમજો, તમારી પાસે રામચંદ્રજીની મૂર્તિ છે. આ તો જીવતા જાગતા રામચંદ્રજી છે!’ પરંતુ તોફાનીઓ ન માન્‍યા. સમય વરતી જઇ રામ-સીતા ત્‍યાંથી અદ્રશ્‍ય થઇ ગયા. સીતાજીના શ્વાસ માંડ હેઠા બેઠાં. સીતાજીએ કહ્યું: ‘સ્‍વામીજી, આપના પ્રભાવે કેરોસિન છાંટવા છતાં  આગ ન પ્રગટી શકી તો પણ ભક્‍તો આપને ઓળખી ના શક્‍યા!’ રામચંદ્રજીએ ચોખવટ કરતાં કહ્યું: ‘હે સીતે, મારા પ્રભાવની એ કમાલ નહોતી. કેરોસિન ભેળસેળિયુ હતું. અન્‍યથા એ પથભૂલ્‍યા ભક્‍તો પથ્‍થરની પ્રાણપ્રતિષ્ઠા કરે અને જીવતાને જલાવી દેતાં અચકાઇ એવાં નથી. માણસો છે.. બધું કરી શકે! ગોધરામાં ટ્રેનનો આખો ડબ્‍બો સળગાવ્‍યો હતો. એમના મંદિર મસ્‍જિદના ઝઘડામાં હવે આપણી ય સલામતિ રહી નથી!’

        ‘પરંતુ સ્‍વામીદેવ, આપના ભક્‍તો આટલા ક્રૂર કેમ બની ગયા?’ રામે જવાબ આપ્‍યો. ‘હે સીતે, આ બધાં કળિયુગના ભાનભૂલેલા હનુમાનો છે. તેઓ લંકાને બદલે અયોધ્‍યામાં આગ ચાંપે છે. રાવણને બદલે રામને જલાવે છે. આપણે સુખથી જીવવું હોય તો મૃત્‍યુલોકના માનવીઓને તેમના હાલ પર છોડી દેવા રહ્યાં. નહીંતર એઓ આપણા વૈકુંટધામમાં ય આગ ચાંપ્‍યા વિના નહીં રહે!’

        પાકિસ્‍તાનમાં બનેલી ઘટના પર એક વ્‍યંગકથા જોઇએ. પાકિસ્‍તાનના તમામ સંસદસભ્‍યો  પ્રવાસે નીકળ્‍યા. તેમના ભોજનના પ્રબંધ માટે એક રસોઇયો પણ સાથે હતો. એક ઊંચા પર્વત પર  એક ફકીર  બેઠા હતા. તેમને એક સંસદસભ્‍યોએ પૂછયું: ‘ફકીરબાબા,  અમારા દેશ પર વારંવાર આતંકી હુમલાઓ થાય છે. ભારત અમને હેરાન કરે છે. એમાંથી દેશને ઉગારવાનો કોઇ ઉપાય બતાવો!’ ફકીરે કહ્યું: ‘તમારામાં ઘણાં માણસો દુષ્ટ, મહા પાપી અને ભ્રષ્ટાચારી છે. તેમનો દેશનિકાલ નહીં કરવામાં આવે ત્‍યાં સુધી દેશની સ્‍થિતિ સુધરશે નહીં!’ ઉપાયરૂપે ફકીરે સૌને એક ગૂફામાં આવેલી મસ્‍જિદથી થોડે દૂર ભેગા કર્યા અને કહ્યું: ‘તમારે દરેક જણે વારાફરતી બહાર ઉભેલા વૃક્ષ પાસે જઇને તેને હાથ અડાડવાનો છે. જે પાપી હશે તે વૃક્ષને હાથ અડાડશે કે તુરત તેના પર વીજળી પડશે અને તે મૃત્‍યુ પામશે.  નિર્દોષ હશે તે બચી જશે!’ શરત સાંભળી સૌ ટેન્‍શનમાં આવી ગયા. પણ ડરતા ડરતા બધાં વારાફરતી બહાર જઇ વૃક્ષને  હાથ અડાડી આવ્‍યા. પરંતુ કોઇ પર વીજળી પડી નહીં. સૌને ‘હાશ’ થઇ. અંતે બાકી રહેલા રસોઇયાને પણ ફકીરે વૃક્ષ પાસે મોકલ્‍યો. રસોઇયાએ વૃક્ષને હાથ અડાડયો અને ચમત્‍કાર થયો. વીજળી એના પર નહીં, બહાર સંસદસભ્‍યો બેઠા હતાં તેમના પર પડી અને તમામ સાંસદો મૃત્‍યુ પામ્‍યા.

                                                  ધૂપછાંવ

        બચુભાઇએ એકવાર પોતાના સુકલકડી શરીર પર વ્‍યંગ કરતાં કહેલું: ‘મારી દેહસમૃદ્ધિ નાનપણથી જ સૂકા દાતણ જેવી હતી. એકવાર ચોરી કરવાના આરોપસર મને પરીક્ષામાંથી ઉઠાડી મૂકવામાં આવ્‍યો હતો. થયેલું એવું કે આરોગ્‍યશાસાસ્ત્રના પેપરમાં પૂછવામાં આવ્‍યું હતું-માણસની છાતીમાં કુલ કેટલી પાંસળીઓ હોય છે? દરમિયાન મારી છાતી પર કીડી ફરતી હોય એવું લાગતા મેં હાથ અંદર નાખ્‍યો. સુપરવાઇઝરને શક ગયો કે હું મારી પાંસળીઓ ગણી રહ્યો છું. અને એમણે મને ચોરી કરવાના આરોપસર પરીક્ષામાંથી ઉઠાડી મૂક્‍યો..!’

ડોબા વિદ્યાર્થીઓ અને આળસુ શિક્ષક

      ડોબા વિદ્યાર્થીઓ હોય ત્યાં ઠોઠ શિક્ષક ભૂખે ના મરે..!

                                                                    –દિનેશ પાંચાલ

પુસ્‍તક વાંચનના ફાયદા શરતી હોય છે

જીવન સરિતાને તીરે…     ‘ગુજરાતમિત્ર‘ના સૌજન્યથી સાભાર       ‑ દિનેશ પાંચાલ

 (રવિ પૂર્તિ)                      તા.  04-08-19  માટે                        મો : 94281 60508

                     પુસ્‍તક વાંચનના ફાયદા શરતી હોય છે

            પુસ્‍તકો વિષે કહેવાય છે કે પુસ્‍તકો જીવનનું ઘડતર કરે છે. દોસ્‍તો, આ કથન થોડી વિચારણા માગી લે એવું છે. માણસમાં પ્રાકૃતિક રીતે જે દુર્ગુણો ઇનબિલ્‍ટ થયેલા હશે તો તે માણસ પોતાની નબળાઇ પ્રમાણે જ વર્તશે. કહે છે જગ્‍ગા ડાકુ પુસ્‍તકોનો શોખીન હતો પણ તે અંત સુધી ડાકુ જ રહ્યો હતો. બિલાડીને ટ્રેઈન કરો તો તે બે પગ વડે મહેમાનોને  પ્રણામ કરશે, પણ ગમે તેટલી ટ્રેનીંગ આપશો તોય  ઉંદર જોઇને તરાપ મારવાનું  ચૂકશે નહીં. પુસ્‍તકો નિષ્‍ફળ જતાં નથી-માણસો નિષ્‍ફળ જાય છે. રામચરિત માનસ વાંચવાથી હનુમાનજીનું કલ્‍યાણ થઇ શકે રાવણનું નહીં. ગીતાથી અર્જુનનો ઉદ્ધાર થઇ શકે દુર્યોધનનો નહીં. ગાંધીજીને વાંચ્‍યા પછી ય માણસ ગુંડો બની રહે એમાં ગાંધીજીનો વાંક નથી. એક સત્‍ય સમજી લેવા જેવું છે. દેવોની મૂર્તિ આગળ દીવા કરવા કરતાં કોક દુઃખીયાના જીવનમાં સુખના છાંયડા કરવા જેવું પુણ્‍ય બીજું એકે નથી. રોજ ઇશ્વરની મૂર્તિને લૂછવા કરતાં કોક હતભાગીના આંસુ લૂછવા એ સાચો માનવ ધર્મ છે. ઇશ્વર  ક્ષુલ્લક ભક્‍તિ કરતાં માનવસેવાથી વધુ રાજી થાય છે. યાદ રહે, માણસ પોતે ઊંચ કે નીચ નથી હોતો. તેના સારા નરસા કર્મો તેને તે કક્ષામાં મૂકે છે. રામ અને રાવણની રાશિ એક જ હતી, પરંતુ રાશિથી નહીં સારા નરસા કર્મોની ત્રિરાશિથી તેઓ રામ અને રાવણ કહેવાયા.

        એવા જ એક બીજા પ્રશ્ન પર વિચારો- સોના કરતાં  વધુ મૂલ્‍યવાન શું? જવાબ છે સદ્‌ગુણો.  એક માણસ પાસે ફક્‍ત દશ ગ્રામ સોનાનો સુવર્ણચંદ્રક છે. બીજો માણસ સ્‍મગ્‍લર છે. તેની પાસે સોનાની પાટો છે, જેનું વજન કિલોમાં છે. છતાં સમાજના ત્રાજવામાં સોનાની પાટોને બદલે દશ ગ્રામ સુવર્ણચંદ્રકનું પલ્લુ નમતું રહે છે. ઉજળી સિદ્ધિથી મેળવેલું દશ ગ્રામ સોનુ માણસને ગોલ્‍ડમેડાલિસ્‍ટ તરીકે કિર્તી અપાવે છે. દાણચોર અને ગોલ્‍ડમેડાલિસ્‍ટ, બન્નેના અખબારમાં ફોટા છપાય છે. પણ દાણચોરના હાથમાં હાથકડી હોય  અને બાજુમાં પોલીસ ઊભો હોય છે. ગોલ્‍ડમેડાલિસ્‍ટના ગળામાં સુવર્ણચંદ્રક હોય અને બાજુમાં શાળાનો સ્‍ટાફ ઊભો હોય છે. સોનામાં સુગંધ નહીં સદ્‌ગુણો ભળવા જોઇએ. દેવોની મૂર્તિને માથે નિરર્થક પડી રહેતા સુવર્ણ મુગટ કરતાં ગરીબ મજૂરની લારીમાં વપરાયેલું લોખંડ વધુ ઉપયોગી ગણાય.

        એક બીજો મુ઼દ્દો પણ સમજી લેવા જેવો છે. મનુષ્‍યદેહ માત્ર પંચમહાભૂતોમાંથી નથી બન્‍યો, એમાં પંચમહાભૂલોનું પણ યોગદાન છે. એ પંચમહાભૂલો એટલે દગો, બેઇમાની, વિશ્વાસઘાત, છળકપટ  અને  પ્રપંચ. રસ્‍તાઓ પર ઊંડા ખાડા હોય છે તેમ માણસના મનમાં પણ નાની મોટી ખરાબીના ખાડા હોય છે,  તે ચહેરા પર  દેખાતા નથી. રસ્‍તા પરના ખાડામાં વરસાદનું પાણી ફરી વળ્‍યું હોય  ત્‍યારે તે ખાડો કેટલો ઊંડો છે તે જાણી શકાતું નથી. માણસના ચહેરાનું  પણ એવું જ હોય છે. કયા માણસમાં કેટલા હોર્સપાવર લુચ્‍ચાઇ ભરેલી છે તેનો અંદાજ ચહેરા પરથી આવી શકતો નથી. માણસના ચહેરા ખાળકૂવાના ઢાકણ જેવા અપારદર્શક હોય છે. અંદર કેટલો ગંદવાડ છે તે બહારથી જોઇ શકાતું નથી. એથી કહેવાયું છે કે ‘સોનુ જોઇએ કસીને અને માણસ જોઇએ વસીને..!’

        અંતે એક બોધકથા સાંભળો. એક ઉંદર પાછળ બિલાડી દોડી. ઉંદર  ભાગવા જતાં શરાબના શીશામાં પડયું. ઉંદરથી થોડો દારૂ પીવાઇ ગયો. બિલાડીથી શીશામાં જઇ શકાય એમ નહોતું એથી એ નિરાશ થઇને પાછી વળવા જતી હતી ત્‍યાં ઉંદર બહાર ધસી આવ્‍યુ અને બિલાડીને પડકારતાં બોલ્‍યું:  ‘હરામખોર, બિલાડી ભાગે છે કયાં? આવી જા મેદાનમાં… મને ય જીવવાનો અધિકાર છે. આજે કયાં તું નહીં કયાં હું નહીં!’ બિલાડીએ વળતી જ ક્ષણે તરાપ મારીને ઉંદરને પકડી લીધું. દોસ્‍તો, ઉંદરને ય જીવવાનો અધિકાર હતો  પરંતુ તે માટેનો તેનો જંગ ખોટો હતો, એથી તેનું જીવન જ નષ્ટ થઇ ગયું. નશાથી વિવેકબુદ્ધિ ખતમ થઇ જાય છે. સુખી અને સલામત જીવન માટે ડગલે ને પગલે પવન જોઇને સૂપડું મૂકવાની સમજ કેળવવી પડે. દુશ્‍મનની તાકાત અને પોતાની ઓકાત  ઓળખવી પડે. જો એ બે વચ્‍ચે હાથી અને કીડી જેટલો તફાવત હોય તો  યુદ્ધ ન વહોરવું એ જ અકલમંદી ગણાય. (આ વાત પાકિસ્‍તાન કયારે સમજશે?

                                        ધૂપછાંવ

હિંસા અને પ્રેમ વચ્‍ચે લાઠી અને વાંસળી જેવો તફાવત છે. દુર્યોધનના હાથમાં વાંસળી નહીં લાઠી હોય અને કૃષ્‍ણના હાથમાં હેન્‍ડગ્રેનેડ નહીં બાંસુરી શોભે!