ફૂલ નહીં, ફૂલની પાંખડી..!

જીવન સરિતાને તીરે..“ગુજરાતમિત્ર”નાસૌજન્યથી સાભારદિનેશ પાંચાલ MO: 94281 60508

                                               ફૂલ નહીં, ફૂલની પાંખડી..!

આજના ચિંતનચોતરામાં  ફૂલ નહીં ફૂલની પાંખડી પ્રસ્‍તુત છે. દોસ્‍તો, માણસ ઇશ્વરને પ્રેમ કરે છે એ સપાટી પરનું સત્‍ય છે. પણ ઇશ્વર કરતાં એને  જીવ વધુ વહાલો છે એ પ્રકૃતિદત્ત સત્‍ય છે. પૈસા કરતાં ઇશ્વર મહાન છે એ સપાટી પરનું બીજું સત્‍ય છે. પરંતુ પરમેશ્વર વિના માણસ જીવી શકે, પૈસા વિના જીવવું મુશ્‍કેલ બની જાય છે. એથી મંદિરમાં પ્રસાદની થાળીમાં પડેલા તુલસીપત્ર કરતાં જાજરૂમાં પડેલી 1000 રૂપિયાની નોટ માણસને વધુ પવિત્ર લાગે છે. (2) મંત્રની નોટબુકમાં એક દિવસમાં સો રામનામ લખવા કરતાં સો દિવસમાં એક સારુ કામ કરવામાં આવે તો રામ વધુ રાજી થાય અને સમાજને પણ ફાયદો થાય. (3) પ્રેમ લગ્ન કરનાર એક મહિલા કહે છેઃ ‘પંદર વર્ષના લગ્નજીવન બાદ થાય છે એવું કે ઓફિસેથી થાકીને આવેલી મહિલા નવેસરથી સાડીનો છેડો ખોસી રસોડામાં ઢસરડો કરવામાં પ્રવૃત્ત થઇ હોય ત્‍યારે તેને પતિના- ‘આઇ લવ યુ’ કરતાં ‘મે આઇ હેલ્‍પ યુ’ શબ્‍દથી વિશેષ આનંદ થાય છે.

        (4) સ્‍ત્રી અને પુરુષ વચ્‍ચે ઘડો અને પાણી ખેંચવાના દોરડા જેવો ટેમ્‍પરરી સંબંધ નથી, પણ વાળ અને કાંસકી જેવો ગાઢ સંબંધ છે. વાળ અને કાંસકી બન્‍ને સહસ્‍ત્ર તાતણે જોડાયેલાં છે. સ્‍ત્રી અને પુરુષ પણ નરી આંખે ન દેખાય એવી સેંકડો લાગણીઓ વડે જોડાયેલા છે. લગ્ન એટલે સ્‍ત્રી પુરુષની જાતીય જરૂરિયાત માટે સમાજે આપેલું- એન.ઓ.સી.(નો ઓબ્‍જેક્‍શન સર્ટિફિકેટ) અને મધુરજની એટલે સેંક્‍શન્‍ડ સેક્‍સ! અર્થાત પરમિટવાળો દારૂ..! (5) આધ્‍યાત્‍મની  અગમનિગમની વાતોને બદલે નક્કર ફલશ્રૂતિવાળા પરિશ્રમથી જ માનવીને વધુ ફાયદો થઇ શકે છે. ઉપવાસ કરનારા શ્રદ્ધાળુઓ કરતાં ખેતરમાં અન્‍ન પકવતા ખેડૂતોમાં દુનિયાનું વિશેષ કલ્‍યાણ છૂપાયેલું છે. લાખ અજ્ઞાનીઓ કરતાં એક વૈજ્ઞાનિકથી સમાજને વધુ ફાયદો થાય છે. (વૈજ્ઞાનિક એટલે ઈશ્વરનો મેનેજર અને સુખનગરનો સેક્રેટરી!) (6) રાજકારણીઓ પત્રકારોથી દૂર રહેવાનું કેમ વિશેષ પસંદ કરે છે? એવા પ્રશ્નના જવાબમાં અરૂણ શૌરીએ એકવાર રામજેઠમલાણીને કહેલું: ‘નગ્ન માણસને ફોટોગ્રાફરની બીક લાગે છે તેમ કુખ્‍યાત રાજકારણીઓ પત્રકારોથી દૂર ભાગે છે!’ (7) બચુભાઇ કહે છેઃ ‘હું ભગવાન હોઉં તો દુનિયાના દરેક દેશોનો અબજો રૂપિયાનો શસ્‍ત્રસરંજામ ભાંગીને તેમાંથી દાળરોટી બનાવું જેથી દુનિયાના કોઇ માણસે રાત્રે ભૂખ્‍યા ના સુવું પડે. ભગવાન બનવા કરતાં માનવતાથી મઘમઘતા ઇન્‍સાન બનવાનું મને વિશેષ ગમે. ભગવાનનો તોટો નથી આ દેશમાં… પણ એકસો પાંત્રીસ કરોડની વસ્‍તીમાં માનવ કેટલાં..?’ (8)  જ્‍યાં સુધી પુરુષના મસલ્‍સ અને મૂછના આંકડા પરથી તેની મર્દાનગી મપાતી રહેશે ત્‍યાં સુધી બીમાર પત્‍નીનું માથુ દબાવી આપતા સમજદાર પતિની ગણના ‘જોરૂકા ગુલામ’માં થતી રહેશે!’ અર્થાત્‌ પુરુષની કહેવાતી મર્દાનગીને ક્‍યારેક બુદ્ધિ જોડે બાર ગાઉનું અને લાગણી જોડે તેર ગાઉનું છેટુ હોય છે.

        (9) લીફટ અને દાદર વચ્‍ચે સામસામે રહેતી બે વેશ્‍યા જેવો સ્‍પર્ધાત્‍મક સંબંધ નહીં, પણ ટપાલસેવા અને આંગડિયા સેવા જેવો પૂરક સંબંધ હોય છે. (10) ગુસ્‍સો આવ્‍યા પછી ચીખવા ચીલ્લાવા સમુ સહેલુ કામ બીજું એકે નથી. અને ભૂલ સમજાયા પછી ક્ષમાયાચના સમુ મર્દાનગીનું કામ બીજું એકે નથી! (11) આ દેશને મોદી સાહેબ જેવા નિષ્‍ઠાવાન અને પ્રમાણિક વડાપ્રધાન પ્રાપ્‍ત થયાં છે તે દેશનું અહોભાગ્‍ય છે. પરંતુ દુર્જનોના મેળામાં એકાદ બે સજ્જનોનું હોવું એટલે ગંધાતા ખાળકૂવામાં બે ટીપાં અત્તર નાખવા જેવી ઘટના ગણાય. સૂપડું ભરીને શીંગદાણામાં બેપાંચ દાણા ચોખ્‍ખા હોય અને બાકીના બધાં કોહેલા હોય તો તેની ગોળપાપડી બેસ્‍વાદ લાગે છે. વર્ષોથી આ દેશની પ્રજા બેસ્‍વાદ ગોળપાપડી ગળે ઉતારતી આવી છે. (12) સોનુ શરીરનો બાહ્ય શણગાર બની રહે છે. પરંતુ હિમોગ્‍લોબીન, કેલ્‍સિયમ, કોલેસ્‍ટોરોલ વગેરે શરીરના સાચા ઘરેણા ગણાય. ક્‍યારેક કંગન, નેક્‍લેસ કે બંગડીના બીલ કરતાં કાર્ડિયોગ્રામ, એન્‍ડોસ્‍કોપી કે બાયોપ્‍સીનું બીલ વધી જતું હોય છે. દેહની કાળજી નહીં રાખો તો બંગડી વેચી બાયોપ્‍સી કરાવવી પડે એવી સ્‍થિતિ સર્જાય છે.

                                                             ધૂપછાંવ

        રોજ સવારે એક હરણ જાગે છે. એને ખબર છે કે એણે સિંહ કરતાં વધારે ઝડપથી દોડવાનું છે, નહીં તો એ મરી જશે. રોજ સવારે એક સિંહ જાગે છે. એને ખબર છે કે એણે હરણ કરતાં વધારે ઝડપથી દોડવાનું છે, નહીં તો એ ભૂખે મરશે. તમે સિંહ હો કે હરણ.. બસ, સવાર થાય એટલે અસ્‍તિત્‍વ ટકાવવા માટે દોડવું અનિવાર્ય છે. આ વાત સાંભળી બચુભાઇ બોલ્‍યાઃ ‘રોજ સવારે એક સ્ત્રી જાગે છે. એને ખબર છે કે રસોઇમાં કાંઇ ચૂક થશે તો પતિ ખીજાશે. રોજ સવારે એક પતિ ઓફિસે જાય છે. એને ખબર છે કે એ કામ ઠીક રીતે નહીં કરશે તો બોસ એને ઠપકો આપશે. તમે બાયડી હો કે બોસ.., સંસારમાં ઠપકાની તલવાર હંમેશા તમારે માથે લટકતી રહે છે! (ઉપાય એ જ કે ‘સમજોતા ગમો સે કર લો..!’)

 સત્‍યનો સંગ્રામ, જૂઠની જીત..!

જીવન સરિતાને તીરે..  (‘ગુજરાતમિત્ર’નાસૌજન્યથી સાભાર)   –દિનેશ પાંચાલ    MO:94281 60508                           

                                   સત્‍યનો સંગ્રામ, જૂઠની જીત..!

        દોસ્‍તો, દુનિયાની નિશાળમાં સજ્જનો અને દુર્જનો એક સરખું યુનિફોર્મ પહેરીને બેઠાં છે એથી તેમની વચ્‍ચેનો ભેદ પારખવાનું કઠિન બની ગયું છે. માનવ જીવનનું પ્રકૃતિદત્ત સત્‍ય એ છે કે માણસને પોતાની નબળાઇ છૂપાવીને સારા દેખાવાનું ગમે છે. વર્ષો પૂર્વે ‘દામીની’ નામની એક ફિલ્‍મ આવી હતી. એની હીરોઇન (મીનાક્ષી શૈષાદ્રી)ને મુરતિયો (રિશી કપુર) જોવા આવે છે. ચા પીતી વેળા રિશી કપુરના હાથમાંની રકાબી જરા હાલી જાય છે, તે જોઇ મીનાક્ષી અધ્‍ધર શ્વાસે બોલી ઊઠે છેઃ ‘અરે અરે… જરા સંભાલ કે… બાવન રૂપિયા જોડી હૈ…! પડોશમેં સે માંગકે લાયે હૈં!’ હોય તેવા દેખાવાના આગ્રહમાં માણસની નિખાલસતા અને ખાસ તો તેની ઇમાનદારી વ્‍યક્‍ત થતી હોય છે. પણ એવી જીદ જારી રાખવામાં આવે તો માધુરી દિક્ષિતે ફિલ્‍મોમાં મેકપ કરવાનો ના રહે… મુરતિયો જોવા આવે ત્‍યારે કન્‍યાઓએ  પોતાના ગોરા ચહેરા પર પૌડર લગાડવાનો ના રહે… અને ઇન્‍ટરવ્‍યૂ આપવા જનાર વિદ્યાર્થીએ પણ  સુંદર વસ્‍ત્રોમાં ક્‍લીનશેવ્ડ બનીને જવાની જરૂર ના રહે. કદાચ એ સારુ છે કે માણસને સારા દેખાવાનું ગમે છે. આપણે પ્રતીક્ષા કરીએ કે માણસને સારા હોવાનું પણ ગમે.

         દોસ્‍તો, કુદરતે બક્ષેલું સૌંદર્ય માટીના લોંદા જેવું છે. કુંભારની જેમ માણસે તેને ફાઇનલ ટચ આપવો પડે છે. જીવનના સેંકડો સત્‍યો  કાચા હીરા જેવા હોય છે. તેને વ્‍યવહારુ બુદ્ધિથી તરાશીને  જીવનની વાસ્‍તવિક્‍તા જોડે તેનો મેળ પાડવો પડે છે. લગ્નમાં મુરતિયાને હળદર ચોળવામાં આવે છે જેથી લગ્ન ટાણે તે થોડો ગોરો લાગે. મુરતિયો કાળો હોય ત્‍યારે તેની કાળી ત્‍વચા પર હળદરનો લેપ લગાવી કાળા ‘સત્‍ય’ પર ગોરો ઢાંકપિછોડો કરવામાં આવે છે. એક મજૂરને અમે ફોટોસ્‍ટુડિયોમાં શુટ પહેરીને (પરદા પર ચીતરેલી) કારનું ડ્રાઇવીંગ કરતો હોય એવો ફોટો પડાવતાં જોયો છે. દરેક માણસની સારા દેખાવાની મનોવૃત્તિ એ મજૂર  જેવી હોય છે. પ્‍યોર સોનુ ન મળે તો બગસરાથી પણ સ્ત્રીઓ સંતોષ માને છે. એથી અમારા બચુભાઈ ઘણીવાર કહેતા હોય છેઃ ‘સોને કા મૂંહ હૂઆ કાલા… બગસરાને મોરચા સંભાલા..!’ થોડા દિવસ પર સ્‍વચ્‍છતા અભિયાનનો વાયરો ચાલ્‍યો હતો. કેટલાંક મોટા માથાઓ હાથમાં ઝાડુ લઈ રોડ સાફ કરતાં જોવા મળ્‍યા. (ઘણા રાજકારણીઓએ તો પ્રેસ ફોટોગ્રાફરો ન આવ્‍યા ત્‍યાં સુધી હાથમાંથી ઝાડુ છોડ્યું નહીં)  માણસ અંદરથી ખરાબ હોય તો પણ એને બહાર તો સારા દેખાવાનું જ ગમે છે. કદાચ એ ખોટું નથી. પરંતુ એમાં સુરુચિ જળવાવી જોઇએ.

         ઘણી યુવાન સ્‍ત્રીઓને કમરમાં દુખાવાની તકલીફને કારણે ડોક્‍ટરે તેમને હાથમાં ઘોડી લઇને ચાલવાની સલાહ આપી હોય છે, પણ તે તેમને ગમતું નથી. માણસ પોતાના હાથમાં મોંઘો મોબાઇલ હોય તેનું ગૌરવ અનુભવે છે પણ કાનમાં ઇયરફોન હોય તેની શરમ અનુભવે છે. અમારા મિત્રની ઓફિસમાં એક માણસ કામ કરે છે તેના હાથ દાતણ જેવા સુકલકડી છે. એ કારણે તે હંમેશા ફૂલ બાંયનું શર્ટ પહેરે છે. (એ રીતે એ  પોતાની ‘હસ્‍તનજાકત’ પર ઢાંકપિછોડો કરે છે) માણસે જિંદગીમાં એવા કંઇ કેટલાં ઢાંકપિછોડા કરવા પડે છે. ટાલિયો માણસ વીગ પહેરે તે શું છે‑ એવો જ એક ઢાંકપિછોડો ને…? અમારા બચુભાઇ પંચોતેર વટાવી ગયા છે પણ માથા પર બચેલા ત્રીશ ચાળીશ વાળ પર (દર પંદર દિવસે) હેરડાઈ કરે છે. એ પણ એક પ્રકારની સત્‍ય છૂપામણી જ કહેવાય. જિંદગીના રંગમંચ પર બહુ ઓછી વાર માણસ હોય તેવો દેખાય છે. કહેવાય છે કે બાળકોની જીભ પર હરિશ્ચંદ્ર વસે છે. તેઓ કદી જૂઠું બોલતા નથી. એવો એક ત્રણ ફૂટનો ટચૂકડો હરિશ્ચંદ્ર પાડોશમાં કાતર માંગવા ગયો. પાડોશણે કાતર આપતાં કહ્યું: ‘તારે ત્‍યાં પણ કાતર છે ને… અમારી કાતર કેમ મંગાવવી  પડી?’ બાળકે જવાબ આપ્‍યોઃ  ‘અમારે ત્‍યાં કાતર છે પણ મારા મમ્‍મીએ કહ્યું કે જાડું પતરું કાપવાનું છે એથી આપણી કાતર બૂઠી થઇ જશે… જા, બાજુમાંથી ચંપા ચીબાવલીની કાતર લઇ આવ..!’ ચંપા બેનની આંખો પહોળી થઈ ગઈ. બાળકો ક્‍યારેક તેમની નિખાલસતાની કાતરથી મોટેરાઓની ઇજ્જતનો તાકો કેવી રીતે વેતરી નાખે છે તેનો એક બીજો કિસ્‍સો સાંભળો. થયેલું એવું કે એ બાળકે તેની મમ્‍મી આગળ એક રહસ્‍ય છતું કરતા કહ્યું: ‘મમ્‍મી, તને ખબર છે આપણી કામવાળીને તો અંધારામાં પણ દેખાય છે?’ મમ્‍મીએ કહ્યું: ‘બેટા, અંધારું હોય તો કોઇને ના દેખાય! તું શા પરથી એવું કહે છે?’ પેલા ટાબરિયાએ ભોળાભાવે સ્‍પષ્‍ટતા કરીઃ ‘મમ્‍મી, તું જ્‍યારે બજાર ગઇ હતી ત્‍યારે કામવાળી કામ કરતી હતી તે વખતે અચાનક લાઇટ ચાલી ગઇ!’ અને ત્‍યારે કામવાળીએ પપ્‍પાને કહ્યું: ‘આજે તમે દાઢી ઠીક નથી કરી…!’

                                            ધૂપછાંવ

             ‘લક્ષ્મણરેખા’ એ સૃષ્‍ટિનું કદાચ પ્રથમ તાળુ હતું. સીતાજીએ સ્‍વયં એ ના તોડયું હોત તો રાવણ પાસે તે ખોલવાની કોઇ ચાવી નહોતી. અલબત્‌ આજના ભ્રષ્‍ટાચારી યુગમાં ‘લાંચ’ એ ગમે તેટલા લીવરનું મજબુત તાળુ તોડી શકવાની ડુપ્‍લીકેટ ચાવી બની ચૂક્‍યું છે. પણ ‘સુસંસ્‍કાર’ના તાળા વધુ ટકાઉ હોય છે. ક્‍યારેક તે લાંચના ગમે તેટલા મોટા ઘણથી પણ તૂટતાં નથી.

પ્રપંચતંત્રની ત્રણ વાર્તા   

જીવન સરિતાને તીરે…       “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર                 ‑ દિનેશ પાંચાલ

(રવિ પૂર્તિ)                                 તા.  01-09-19  માટે                            મો : 94281 60508

                                           પ્રપંચતંત્રની ત્રણ વાર્તા   

       નાનપણમાં બે બિલાડી અને એક વાંદરાની વાર્તા સાંભળી હતી. બે બિલાડીના ઝઘડામાં વાંદરો બિલાડીની રોટલી ખાઇ ગયો હતો. એ જૂની બોધકથામાં બચુભાઇએ સુધારો કરી આગળ કહ્યું: ‘બન્ને બિલાડીઓએ પરાજય પૃથ્‍થકરણ કર્યું અને એક યુક્‍તિ રચી. તેમને ફરી બીજી રોટલી મળી. બન્‍ને બિલાડીઓ ઝઘડવા લાગી. વાંદરાએ ઝાડ ઉપરથી જોયું અને પોતાના ‘જહાંગીરી ત્રાજવા’ લઇને હાજર થઇ ગયો. ઝઘડતી બિલાડીઓ સમક્ષ તેણે દરખાસ્‍ત મૂકી- ‘આવો.. હું તમારી મદદ કરું…?’ બિલાડીઓએ કહ્યું: ‘અમે તને બરાબર ઓળખીએ છીએ. તું અમારી રોટલી ખાઇ જાય છે!’ વાંદરાએ બચાવ કર્યોઃ ‘નારે ના… હવે હું સુધરી ગયો છું. હું હવે કોઇનું કશું ખાતો નથી!’

        બિલાડીએ વાંદરાને રોટલી આપી. વાંદરાએ રોટલીના બે ટુકડા કરી ત્રાજવામાં મૂક્‍યા. જે પલ્લુ નમ્‍યુ તેમાંથી એક મોટું બચકું ભરી લીધું. અને એ રીતે વાંદરો આખી રોટલી ખાઇ ગયો. બન્‍ને બિલાડી એકમેક તરફ જોઇ મૂછમાં હસવા લાગી. વાંદરો કંઇ સમજે તે પહેલાં ઢળી પડયો. બન્ને બિલાડીઓએ હાથ મિલાવતાં કહ્યું: ‘બેવકૂફ બંદર..! અમે રોટલી પર પોટેશીયમ સાઇનાઇડ (ઝેર) લગાડયું હતું.. અમારી આપસની લડાઇનો તને વારંવાર લાભ નહી લેવા દઇએ!’ દોસ્‍તો, એમ નથી લાગતું કે દેશની પ્રત્‍યેક ચૂંટણીટાણે હિન્‍દુ અને મુસ્‍લિમ બિલાડીઓએ ભેગા મળી રાજકીય વાંદરાઓને આવો પાઠ ભણાવવો જોઇએ..? હવે એવી જ બીજી (કાગડા અને શિયાળની) બોધકથા સાંભળો. કાગડાને પૂરી મળતી અને શિયાળ તે પડાવી લેવા તેના વખાણ કરતું. કાગડો શિયાળની પ્રશંસાથી પોરસાઇ કા…કા…કા કરી ઉઠતો તેથી ચાંચમાંની પૂરી શિયાળના મોઢામાં આવી પડતી. પરંતુ આ કાગડો શિયાળ કરતાં વધુ ચાલાક હતો. શિયાળે કાગડાના કંઠની પ્રશંસા કરવા માંડીઃ ‘કાગડાભાઇ, તમારો કંઠ કેટલો મધુર છે. મને એક ગીત સંભળાવોને!’ કાગડાએ પૂરી ચાંચમાંથી લઇ પગ તળે દબાવી અને શિયાળને કહ્યું: ‘હે ના(પાક) શિયાળ.., તું મારી પૂરી ચ્‍યાઉં કરી જવા માંગે છે, પણ બેવકૂફ.., પૂરી પડાવવાનો તારો દુષ્ટ ઇરાદો પડતો મૂક!’ છતાં શિયાળને પોતાની લુચ્‍ચાઇમાં વિશ્વાસ હતો, એથી એણે કાગડાનો કેડો ન મૂક્‍યો.

        કાગડાને મજાક સૂઝી. એણે કહ્યું: ‘તારે પૂરી જોઇએ છેને…? તો એક કામ કર… આંખો મીંચી ભગવાનનું સ્‍મરણ કર… પૂરી તારા મુખમાં પડશે…!’ ગરજવાન શિયાળે આંખો બંધ કરી. કાગડાએ મોઢું બીજી દિશામાં ફેરવી નાંખ્‍યું અને શિયાળના મોઢામાં હગાર કરી. શિયાળના ગુસ્‍સાનો પાર ન રહ્યો. એણે જંગલ આખામાં ચિસાચીસ કરી મૂકીઃ ‘કાગડાની ચાંચમાં પૂરી (કાશ્‍મીર) છે તે મારી છે. કાગડાએ મારી પૂરી પડાવી લીધી છે… પ્‍લીઝ કોઇ મને મારી પૂરી પાછી અપાવો…!’ પણ કોઇએ એની વાત સાંભળી નહીં. અંતે કાગડાએ  શિયાળને હસીને કહ્યું: ‘હે બુદ્ધિના બળદ…! હે શેતાનના શિરોમણી…! અક્કલ વગરના ઈમરાન..! તેં  પેલી કહેવત સાંભળી છે…? સો સોનાર કી ઔર એક લોહાર કી..! લુચ્‍ચાઇ છોડી દે નહીંતર હરામની પૂરી પડાવવામાં ક્‍યાંક તારી આખી બત્રીસી બહાર આવી જશે. પૂરી પર પૂરો અધિકાર મારો છે તે હવે આખુ જંગલ જાણે છે સમજ્‍યો?’ હજી સુધી પૂરી (કાશ્‍મીર) કાગડાની ચાંચમાં ટકી રહી છે. ના(પાક) શિયાળ કોણ જાણે કઇ આશામાં ઝાડ નીચેથી ખસતું નથી.

                                                                             ધૂપછાંવ

         એક અમેરિકન પ્રવાસી ભારતની ઓફિસમાં ગયો. ઓફિસનો સ્‍ટાફ પોર્ટેબલ ટીવી પર ક્રિકેટની મેચ જોવામાં મશગુલ હતો. એણે એક કર્મચારીને પોતાના કાગળો જોવાની વિનંતી કરી. કર્મચારીએ એ કાગળો પેન્‍ડીગ બોર્ડ પર ચઢાવતાં કહ્યું, ‘યુ કમ ટુમોરો… આજ મેચ ચલ રહા હૈ!’ અમેરિકન પ્રવાસીને ગુસ્‍સો આવ્‍યો. તેણે કહ્યું: ‘મારે અત્‍યારે જ મેનેજરને મળવું છે. ક્‍યાં છે મેનેજર?’ પેલા કર્મચારીએ જવાબ આપ્‍યોઃ ‘હું જ મેનેજર છું!’ અમેરિકન સ્‍તબ્‍ધ થઇ ગયો. તેના હોઠો પરથી શબ્‍દો સરી પડયાઃ ‘ઓહ… વોટ એ ફૉલ..!’ દોસ્‍તો, શોધવા નીકળીએ તો દેશની દર પાંચમી ઓફિસમાંથી આવો એક ડિફેક્‍ટીવ પીસ (ડેમેજર) મળી રહે, જે મેચ વખતે ઓફિસ અવર્સને લંચ અવર્સમાં ફેરવી નાખે છે. ક્‍યારેક તો આવા નસીબદાર નમુનાઓ પાંચ છ લાખનો પગાર મેળવતા હોય છે. (એ હિસાબે તેમનું એક બગાસુ ય ઓફિસને  સો દોઢસો રૂપિયાનું પડતું હોય છે) દેશની એકાદ ઓફિસ પણ એવી નથી,  જે ધોનીની સીક્‍સ પર (ચાલુ પગારે) ઝૂમી નહીં ઉઠતી હોય! ક્રિકેટના આવા જોખમી ક્રેઝથી નવી પેઢીને નહીં બચાવીશું તો આવતી કાલનું ઇન્‍ડિયા જરૂર ફોલોન થશે.