ફટાકડા: જીવલેણ આનંદથી આઘા રહીએ..!

        ‘જીવન સરિતાને તીરે..’ “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભારદિનેશ પાંચાલ MO: 94281 60508

                      ફટાકડા: જીવલેણ આનંદથી આઘા રહીએ..!

        દોસ્‍તો, સત્તર વર્ષે ફટાકડા ફોડવાની જે મજા આવતી તે સીત્તેરમે વર્ષે નથી આવતી. બલકે મહોલ્લામાં બાળકો ફટાકડા ફોડે તો વૃદ્ધો કાન દબાવી દે છે. સંસારના અનેક કોલાહલથી ત્રસ્ત બનેલો માણસ ઘડપણમાં  શાંતિ ઝંખતો હોય છે. લગભગ દરેકના જીવનમાં– “દુનિયામાં દીવાળી અને હૈયામાં હોળી” – જેવી સ્‍થિતિ હોય છે. એક કૂતરીની પાછળ આઠ દશ કૂરકુરિયાં દોડતાં હોય તેમ માણસની પાછળ સુગર, પ્રેસર, વા, દમ, એટેક, ડિપ્રેશન જેવી અનેક સમસ્યાઓ પાછળ પડી હોય છે. એ સિવાય અન્ય સાંસારિક ઉપાધીઓ તો વળી જુદી. જેમકે વહુ કડવા શબ્દો બોલતી હોય. દીકરાને ફરિયાદ કરો તો તે વાત કાને ધરતો ના હોય. ઘરમાં રોજ ઝઘડા થતાં હોય. સંતાનોને નવા જમાનાની હવા લાગી ચૂકી હોય. તેઓ દર વર્ષે નાપાસ થતાં હોય. તેમને માવા, મસાલા  ગૂટકા કે દારૂની લત લાગી ચૂકી હોય..   ઘરનું ચાર મહિનાનું ભાડુ ભરવાનું બાકી હોય, માથે દેવુ ચાલતુ હોય  અને નાના દીકરાઓ જીદ લઇ બેસે કે- ‘ના, અમને દીવાળીમાં ખૂબ બધાં ફટાકડા લઇ આપો!’ તો માણસની હાલત બૂરી થઇ જાય છે. દોસ્‍તો, ફટાકડા બાળપણમાં મારા આનંદનું કેન્‍દ્રસ્‍થાન રહ્યાં હતાં. ત્‍યારબાદ વયવૃદ્ધિની સાથે એ આનંદ ઓસરતો ગયો. થોડા વર્ષો પર ફટાકડાથી મહોલ્લાની એક દીકરીની બન્‍ને આંખો દાઝી ગઇ હતી. આજપર્યંત કોઇ ડૉક્‍ટર તેને પુનઃ ચક્ષુજ્‍યોતિ બક્ષી શક્‍યો નથી. એને જોઉં છું ત્‍યારે વિચાર આવે છે, ફટાકડાએ એની એવી હાલત કરી છે કે એ હવે કદી કોઇની નવવધૂ બની એના સાસરે દિવાળીના દીવડા મૂકી નહીં શકે. ફટાકડાઓ ક્‍યારેક માનવબોમ્‍બ જેવો વિનાશ સર્જે છે. પોતે ખતમ થઇ જઇને કોઇનું આખું જીવન ખતમ કરી નાખે છે. ફટાકડાને માણસની શ્રવણેન્‍દ્રિય માટેનો અણુબોમ્‍બ કહી શકાય. મારે સ્‍વીકારવું રહ્યું કે આજના ધ્‍વનિપ્રદુષણના યુગમાં મારા જેવા વધુ પડતાં શાંતિચાહક માણસો દુઃખી થઇ શકે છે. લોકો ઇશ્વરની આરતી પણ ઘાંટા પાડીને ગાય છે. અને મને ટીવી પર સિંહની ગર્જના પણ મૃદુ સ્‍વરમાં સાંભળવાની ગમે છે.

       હવે ફટાકડાઓ કેવળ દિવાળીના ઓશિયાળા રહ્યાં નથી. દિવાળીથી અધિક તે લગ્નોમાં, જનોઇમાં, ક્રિકેટમેચ વખતે, ચૂંટણીના રીઝલ્‍ટવેળા, સ્‍વામીઓના સામૈયામાં અને ધાર્મિક જૂલુસો વગેરેમાં ફૂટે છે. દશ હજાર ફટાકડાની લૂમ જાહેર માર્ગો પર સળગાવવામાં આવે  છે ત્‍યારે બન્‍ને બાજુએ થોડી મિનિટો માટે ટ્રાફિક જામ થઇ જાય છે. એવું લાગે છે જાણે કોઇ બહારવટિયાએ અમુક લત્તો બાનમાં ના લીધો હોય?

       ફટાકડાની શોધ ચીનમાં થઇ હતી, પણ ત્‍યાં ફટાકડાનું  આવું ગાંડપણ નથી. આપણે ત્‍યાં બુટ શુટ અને ટાઇથી શોભતો કોઇ વરઘોડિયો વાહનોની કશીજ ચિંતા કર્યા વિના રસ્‍તાની વચ્‍ચે એટમબોમ્‍બ સળગાવે છે તે જોઇને દંગ રહી જવાય છે. (આ દેશમાં બેવકૂફી પણ કેવી બુટેડ શુટેડ હોય છે!’) ફટાકડાની જીવલેણતા સેંકડોવાર સાબિત થઇ ચૂકી છે. ફટાકડા  નિર્વિવાદપણે શાંતિભક્ષક, જ્‍વલનશીલ અને જોખમી પદાર્થ છે. એક સર્વે અનુસાર આજપર્યંત ફટાકડાથી પૂરા સાડા ચાર અબજનું નુકસાન થઇ ચૂક્‍યું છે. દોસ્તો, કેવળ આતશબાજી નહીં, મનુષ્‍ય જીવનની પ્રત્‍યેક એવી બાબતો જે વિશાળ જનસમુદાયને કષ્ટરૂપ નીવડતી હોય તે અંગે માણસે બૌદ્ધિક વલણ અપનાવી તેનો સત્‍વરે ત્‍યાગ કરવો જોઇએ. ખોટા રીતિરિવાજો, અંધશ્રધ્‍ધા, પછાત વિચારસરણી કે ખોટી જીવનશૈલી ભારતમાં જ નહીં અમેરિકામાં ય પ્રવર્તતી હોય તો તેનો અવશ્‍ય વિરોધ થવો ઘટે. યાદ રહે, જીવનના કોઇપણ આનંદનું મૂલ્‍ય જીવનથી અધિક ના હોય શકે.

       થોડા સમય પૂર્વે ભારતના એક લાખ બાળકોએ ફટાકડા ન ફોડવાની પ્રતિજ્ઞા લીધી હતી. ‘બચપન બચાઓ’ નામની એક સંસ્‍થાએ ફટાકડાના જોખમી ઉદ્યોગ સાથે સંકળાયેલા દોઢ કરોડ જેટલા બાળકોને એ વ્‍યવસાયમાંથી ઉગારવા ઝુંબેશ ચલાવી હતી. આમ છતાં આજેય હજારો બાળકો ફટાકડા ઉદ્યોગમાં બાળમજૂરી કરે છે. ફટાકડાઓની ફેક્‍ટરીઓમાં આગ લાગે છે ત્‍યારે હજારો કુમળા બાળકો ફટાકડાની જેમ ફૂટી જાય છે. આ નુકસાનના આંકડા પ્રતિ વર્ષ વધતાં જ રહ્યાં છે. સરકાર ખુદ એ અંગે ચિંતિત છે. પરંતુ પ્રજાના સહકાર વિના તે લાચાર છે. ફટાકડાનું નુકસાન આવું બોલકું હોય ત્‍યારે માનવકલ્યાણના શુભ હેતુને વરેલા કોઇ પણ સંપ્રદાયે તેના વેચાણથી દૂર રહેવું જોઇએ. ખુદ કૃષ્‍ણએ ગીતામાં કહ્યું છે- ‘જે હજારોની હત્‍યા કરે છે તેનો નાશ કરવો એ સાચો ધર્મ છે. કૃષ્‍ણભક્‍તોએ ફટાકડાની હાનીકારકતાના પરિપ્રેક્ષ્યમાં એ વાત વિચારવી જોઇએ. દોસ્તો, આપ સૌને દીવાળીની હાર્દિક શુભકામના..!

                                                           ધૂપછાંવ

       ફટાકડાથી વસ્તીમાં આગ લાગી શકે એ ભયે સરકાર ફટાકડાની દુકાન શહેરથી દૂર રાખવાનું કહે છે. પણ લોકો ભર ટ્રાફિકમાં રસ્તા વચ્ચે દશ હજાર ફટાકડાની લૂમ સળગાવે છે તેના પર કોઈ પ્રતિબંધ નથી.

 

 

 

 

 

 

 

દિવાળીની શુભેચ્છા

                                           દોસ્તો, દિવાળીમાં સૌને દિલપૂર્વક હેતથી મળીએ

                                           ચાલો, દુશ્મનને પણ પ્રેમથી ક્ષમા કરી દઈએ…

                                           કોણે દીઠી કાલ..? આજને ઉમંગે વધાવી લઈએ,

                                           દીવડા મીણના નહીં, માનવતાના જલાવીએ…!!

                                                                   –દિનેશ પાંચાલ

લગ્નેતર સંબંધ

લગ્નેતર સંબંધ એટલે લાગણીના લૂમખાઓનો આડેધડ વિકાસ. એ લૂમખાઓ બાગને જંગલ બનાવી દે છે. સમાજની શોભા બાગમાં છે, જંગલમાં નહીં.–દિનેશ પાંચાલ

અંધશ્રધ્‍ધા: ઘરઘર કી કહાની

     ‘જીવન સરિતાને તીરે..’ ‘ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભાર  દિનેશ પાંચાલ   MO: 94281 60508

                                         અંધશ્રધ્‍ધા: ઘરઘર કી કહાની

           શરીર વિજ્ઞાન કહે છે માણસને સારો નરસો બનાવવામાં તેના ‘જીન્‍સ’ મોટો ભાગ ભજવે છે. (જીન્‍સનો પેન્‍ટ પહેરવાથી માણસ યુવાન દેખાઇ શકે પણ શરીરની અંદર રહેલા ‘જીન્‍સ’ તેને સંત અથવા શેતાન બનાવી શકે છે) ‘જીન્‍સ’ના પ્રતાપે માણસ સિદ્ધિના શિખરે પહોંચી શકે અને જીન્‍સના અભાવે નિષ્‍ફળ પણ જઇ શકે છે. દોસ્‍તો, શોધવા નીકળીએ તો એવા અનેક ઉદાહરણો મળી આવે જેમાં મા બાપ મહાન બની શક્‍યા હોય પણ દીકરાઓ શેતાન બની ગયા હોય. એક માતાને ખોળે જન્‍મેલા બે બાળકોમાંથી એક વિભીષણ બને અને બીજો રાવણ બની જાય. કૃષ્‍ણ દેવકીનું આઠમુ સંતાન હતા. બાકીના સાત સંતાનો (કૃષ્‍ણ નહીં તો) કૃષ્‍ણની નજીક પણ કેમ ન પહોંચી શક્‍યા? ગૃહત્‍યાગ કરનારા બધા સ્‍વામી સચ્‍ચિદાનંદજી કેમ નથી બની શકતા? વાલિયો લૂંટારો વાલ્‍મિકી ઋષિ બની શક્‍યો હતો  પણ એવી કલ્‍પના થઇ શકે ખરી કે લાલુ પ્રસાદ લાલબહાદુર શાસ્‍ત્રી બની શકે? હિરણ્‍યકશ્‍યપ નાસ્‍તિક હતો. એનો દીકરો પ્રહ્‌લાદ કેમ આસ્‍તિક બની શક્‍યો? સઘળા અંધ માણસો સંત સૂરદાસ કેમ નથી બની શકતા?  કુંતીના બધા પુત્રો અર્જુન કેમ ન બની શક્‍યા?  દોસ્‍તો, આ બધાં કુદરતના કમાલના કરતબો છે.

         ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાંથી ‘જીન્‍સ’ની અદ્રશ્‍ય લીલાના ઘણા દાખલાઓ મળી શકે છે. સુનિલ દત્ત અને નરગિસ જેવા સંસ્‍કારી માબાપ હોવા છતાં સંજય દત્ત પહેલા ડ્રગ્‍સમાં, ત્‍યારબાદ માફિયા સાથેના કનેક્‍શનમાં અને છેલ્લે રાયફલ એકે-47 રાખવાના ગુનાસર પકડાયો. એને જેલની સજા થઇ. (સુનિલ દત્તનો દીકરો જેલમાં અન્‍ય કેદીઓની સાથે સુથારી કામ કરે એ વિધિની કેવી વિટંબણાં?)  ફિરોઝ ખાનનો દીકરો ફરદીન ખાન પણ ડ્રગ્‍સ વગેરેમાં બદનામ થયો હતો. સલમાન ખાનના અનેક છમકલાઓ છે, જે તેના પિતા સલીમ ખાનને નીચું જોવડાવે એવા છે. જરા વિચારો,  કુદરતે કેવા કરતબ કર્યા? પિતા સારા અને દીકરા નઠારા કેમ બન્‍યા? ઘણા લોકો અહીં પરભવના સારા નરસા કર્મોના દાખલા આપે છે. કોણજાણે એ કેટલું સાચું હશે પણ કર્મનો સિદ્ધાંત કદાચ આવી સેંકડો ઘટનાઓમાંથી જ જન્‍મ્‍યો હશે. પરભવના ખરાબ કર્મોનું ફળ આ જન્‍મે ભોગવવું પડે  એમ કહેવાય છે. અમે કર્મના ફળમાં માનીએ છીએ પણ અમારી આસ્‍થા રેશનલછે. દરેક માણસે કર્મોના ફળ અચૂક ભોગવવા પડે છે પણ તે  આવતા જન્‍મે નહીં, આ જન્‍મે જ.. મતલબ  તમે કોઇનું ખૂન કરો તો સજા આ જન્‍મે જ થાય. ઝેર પી જાઓ તો મૃત્‍યુ આ જન્‍મે જ થાય. આગમાં કૂદી પડો તો આ જન્‍મે જ દાઝી જવાય. વિદ્યાર્થી  આખું વર્ષ ભણવાને બદલે રખડી ખાય તો નાપાસ થાય અને ખૂબ મહેનત કરે તો ફર્સ્‍ટ ક્‍લાસમાં પાસ થઇ શકે. એ બન્‍ને આ જન્‍મે જ થઇ શકે. આ કર્મનું ફળ ગણાય. તમારી પાસે ફળદ્રૂપ જમીન હોય, સારુ બિયારણ હોય અને પૂરતો વરસાદ પણ પડે તો ખેતી પણ તમારે જ કરવી પડે. અર્જુનનો રથ કૃષ્‍ણએ હાંક્‍યો હતો. પણ તમારુ હળ ચલાવવા કૃષ્‍ણ નથી આવવાના..  અર્થાત્‌  તમે વાવણી જ નહીં કરો તો પાક નહીં પાકે. તમારું ખાલી ખેતર (નસીબનું નહીં) તમારી અકર્મણ્‍યતાનું ફળ ગણાય.

       દોસ્‍તો, મોટેભાગે આજે પણ આપણે પુરાણોમાં વર્ણવેલા દેવયુગના ચમત્‍કારોને સાચા માનીને દેવોનું યશોગાન કરતા રહીએ છીએ. પણ બૌધ્‍ધિકોને તે વાંચી  અનેક શંકાઓ ઉપજે  છે. સમાજમાં શ્રદ્ધાના સ્‍વાંગમાં અંધશ્રદ્ધાના ઇલાકાઓ વિસ્‍તરતા જાય છે. ધર્મને નામે અધર્મની બાઉન્‍ડ્રીઓ પહોળી થતી જાય છે. ભગવાનનું  ભગવાકરણ થઇ રહ્યું છે. ભગવું જોયું નથી કે લોકોએ મૂડી ઝૂકાવી નથી. જૂઠાં કાટલાં સો વર્ષ સુધી ચલણમાં ચાલે તો વખત જતાં તે  સાચા કાટલા તરીકે પ્રસ્‍થાપિત થઇ જાય છે. (આજે ગણપતિ તેમના મૂળ ચહેરા સાથે હાજર થાય તો આપણે તેને ઓળખી શકીએ ખરા?) ભગવાધારીઓ ભગવાન તરીકે પૂજાઇ રહ્યા છે.  ટીવીએ અંધશ્રદ્ધાના સામ્રાજ્‍યમાં એકહથ્‍થુ સ્‍થાન મેળવ્‍યું છે. અંધશ્રદ્ધાના સળગતા દાવાનળમાં સીરિયલોનું ઘી રેડી ટીવીએ ઘરે ઘરે ભડકા કર્યા છે. અંધશ્રદ્ધા જાણે ‘ઘર ઘર કી કહાની’ બની ગઇ છે.                                                                              ધૂપછાંવ

             એક મિત્રે કહ્યું: ‘એકવીસ વર્ષથી ભાડે આપેલું મારુ મકાન મારા ભાડુતે પચાવી પાડયું છે. આપણું પોતાનું મકાન એકવીસ વર્ષની દીકરી જેવું ‘પારકું ધન’ શા માટે બની જવું જોઇએ? ભાડુતની એવી  બેઇમાનીને સરકારે પણ શા માટે મંજુરી આપવી જોઇએ? શું રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રિઝમાં સાંઠ વર્ષ સુધી નોકરી કર્યા પછી તેનો કામદાર પોતે તેનો માલિક બની જવો જોઇએ? અન્‍ય કશામાં નહીં તો કમ સે કમ ઘરના મામલામાં તો એવું જ બને છે. ‘રણછોડ ભૂવન’માં ભાડે રહેતો માણસ કાળક્રમે ખુદ રણછોડ બની જાય છે. ઘરમાલિકની હાલત ધોતી ફાડીને રૂમાલ કરવા જેવી થાય છે. એ કારણે થયું છે એવું કે લોકો લાખોના બંગલાઓ ખાલી પડી રહેવા દે છે પણ કોઇને ભાડે આપતાં નથી.

જીવન સરિતાને તીરે..‘ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભાર  –દિનેશ પાંચાલ  MO: 94281 60508

                             પત્‍નીઓએ પતિને એમાં સાથ ન આપવો જોઇએ

        હમણાં અખબારોમાં એવો કિસ્‍સો પ્રગટ્યો જેમાં સાસુ–સસરો અને જેઠ–જેઠાણીએ ભેગાં મળી વહુને કડવાચોથને દિવસે જ સળગાવી મૂકી. દોસ્‍તો, કડવાચોથ કે વટસાવિત્રિ કરતી ગૃહિણીઓના પતિપ્રેમનો આદર કરીએ, પણ સ્ત્રીઓએ  એક સમજ કેળવવી પડશે. પતિને જિંદગીભર દેવતુલ્‍ય માનવાની છૂટ છે, પરંતુ તેના સુખદુઃખમાં જ ભાગીદાર થવાનું હોય- પાપમાં નહીં. અંગૂલિમાલ લૂંટારાની પત્‍નીએ પતિને કહી દીધું હતું: ‘તમે ભલે મારા પતિ છો પણ હું તમારા પાપમાં ભાગીદાર નથી!’ સ્‍ત્રીઓએ નારીની સામાજિક અવદશા સુધારવી હશે તો એણે  સૌ પ્રથમ જુલ્‍મગારની ભૂમિકામાંથી બહાર નીકળી સ્‍ત્રીના હમદર્દ બનવું પડશે. સમાજની દરેક સાસુઓ પુરુષરચિત લાક્ષાગૃહમાંથી પોતાની વહુને બચાવી લેવાનો સંકલ્પ કરશે તો ઇશ્વરની અદાલતમાં તેના સાત ખૂન માફ થઇ જશે. અને સૌથી મોટો ફાયદો એ થશે કે કોકની વહુ બનીને પારકા ઘરે ગયેલી પોતાની દીકરી પણ બચી જશે.

                                   સારા થવા કરતાં માંદા ન પડવું વધુ સારુ..!

        કેટલાંક લોકો હઠીલી કબજિયાતના રોગી હોય છે. પણ તેઓ સાવ સસ્‍તામાં મળતી  ભાજી ખાવાનું છોડી રોજ મૂઠો ભરીને હરડે ફાકે છે. (કારેલાનો વેપારી પોતાનો ડાયાબિટીસ દૂર  કરવા ડૉક્‍ટરના પગથિયાં ઘસે તે એવું લાગે છે જાણે ગેસ એજન્‍સીનો માલિક ઘરના ચૂલા માટે કેરોસિનની લાઇનમાં ઊભો હોય..!) દોસ્‍તો, દરેકના ઘરખર્ચની ડાયરી તપાસશો તો જાણી શકાશે કે ડૉક્‍ટરી સારવાર પાછળ પાંચ છ હજાર રમતવાતમાં ખર્ચી કાઢતો માણસ ફળો કે વિટામીનયુક્‍ત આહાર પાછળ પચાસ રૂપિયા ય ખર્ચતો નથી. વર્ષોથી આપણે એવું સાંભળતા આવ્‍યા છીએ કે ‘પ્રીવેન્‍શન ઇઝ બેટર ધેન ક્‍યોર’. (સારા થવા કરતાં માંદા ન પડવું વધુ સારું) આ વાત એટલા માટે સાચી છે કે  ભરચક વિટામીનવાળા ફળફળાદિ એટલાં મોંઘા નથી પડતાં જેટલાં હોસ્‍પિટલના ઇંજેક્‍શનો પડે છે. એક સફરજનનો વીશ રૂપિયાનો ભાવ પૂછીને મૂકી આવતો માણસ જરૂર પડયે હજાર રૂપિયાનું ઇંજેક્‍શન લે છે. અહીં એવી દલીલો કરવામાં આવે છે કે દવા તો માંદા પડીએ એટલે ન છૂટકે કરાવવી પડે, પણ એટલાં મોંઘા ફળો શી રીતે ખાઇ શકાય? ભલા માણસ.., દવા માંદા પડીએ તેથી કરાવવાની હોય છે, પણ પૌષ્ટિક આહાર માંદા ન પડાય તે માટે લેવાનો હોય છે. સારો ખોરાક ન ખાવાની ભૂલ (કરીને ડૉક્‍ટરો માટે પૈસા બચાવવા) કરતાં પૌષ્ટિકઆહાર આરોગીને ડૉક્‍ટરોથી દૂર રહેવું વધારે સલાહ ભરેલું છે.

                                                   વનવે ટ્રાફિક

       દોસ્‍તો, એ પણ વિચારવા જેવું છે કે આજપર્યંત માણસે ઇશ્વર સમક્ષ કેટલાંય ટન લોબાનનો ધૂમાડો કર્યો હશે. ઘાંસડીઓની ઘાંસડી ફૂલો ચઢાવ્‍યા હશે. અબજો ટન અબીલ, ગુલાલ  અને કંકુ વાપર્યું હશે. લાખો કલાકો સુધી ધર્મગ્રંથો વાંચ્‍યા હશે. મંદિરોમાં સળગાવવામાં આવતી અગરબત્તીઓની રાખનો ઢગલો કરવામાં આવે તો હિમાલયને આંબી જાય એટલો ઊંચો થાય.. નારિયેળો ફૂટયાં ને માથા ય ફૂટયાં..! પણ એક ભગવાન કયાંયથી ના ફૂટયા! એકવીશમી સદી ઝડપથી વિતી રહી છે. હવે શું કરવું છે? ઇશ્વર જોડેનો આ વનવે ટ્રાફિક હજી કયાં સુધી ચાલુ રાખવો છે? યાદ રહે સતીયુગ કે સંતયુગ કરતાં વિજ્ઞાનયુગે માણસને સુખી કરવામાં કાંઇ બાકી રાખ્‍યુ નથી. ઇશ્વરનું અસ્‍તિત્‍વ શંકાસ્‍પદ છે પણ માણસના અસ્‍તિત્‍વ વિષે બે મત નથી. એથી ચાલો, એ ન દેખાતા ઇશ્વર પાછળ ગાંડી દોટ બંધ કરીને માનવજાતની સુખશાંતિની જ વાતો વિચારીએ!

       હમણા એક બીજી વાત જાણવા મળી. પરીક્ષા ચાલતી હતી ત્‍યારે એક કોલેજના કેટલાંક  વિદ્યાર્થીઓએ  પ્રોફેસરોને ધમકી આપીઃ ‘અમને ચોરી નહીં કરવા દો તો તમને બહાર જોઇ લઇશું…!’ દોસ્‍તો, ગુજરાતની કોલેજોમાં સમ ખાવા પૂરતી એકાદ ઘટના પણ એવી બનતી નથી જ્‍યાં વિદ્યાર્થીઓએ શિક્ષકોને એવી પવિત્ર ધમકી આપી હોય કે, ‘તમે ક્‍લાસમાં ઠીક રીતે નહીં ભણાવશો તો કોલેજની બહાર નહીં, કોલેજની અંદર જ જોઇ લઇશું!’ આજે શિક્ષણ કથળ્‍યું છે ત્‍યારે ચડ્ડિબનિયનવાળાની જેમ ચપ્‍પુની અણીએ શિક્ષકોને ભણાવવાની ફરજ પાડવામાં આવશે તે ‘દિ ગર્વપૂર્વક કહી શકાશેઃ ‘ભારતનું ઉજ્જવળ ભવિષ્‍ય વર્ગખંડોમાં આકાર લઇ રહ્યું છે!’

                                                                  ધૂપછાંવ

                                        આળસુ શિક્ષક હોય ત્‍યાં ઠોઠ વિદ્યાર્થીને શાળામાં સ્‍વર્ગ હોય!

     ‘જીવન સરિતાને તીરે..’ “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર  દિનેશ પાંચાલ MO: 94281 60508

                                 નવરાત્રિ: યૌવનની આનંદરાત્રિ

        નવરાત્રિ અંત તરફ આગળ વધી રહી છે. મા શક્તિની ઉપાસનાનો એ પવિત્ર તહેવાર છે. યુવા પેઢીએ એ તહેવારનું નવીનીકરણ કર્યું છે. નવરાત્રિ હવે ભવાનીનો ઓછો અને યુવાનીનો ઉત્સવ વધારે બની ગયો છે. અસલના તાળી ગરબાને સ્થાને ડિસ્કો આવ્યો. પ્રેમી પંખીડાઓ માટે તો નવરાત્રિ એટલે પ્રેમની વસંત ઋતુ..! મોટા શહેરોમાં મોડી રાત સુધી માઈકો વાગતા રહે છે અને યુવાનોના બાઈકો ઘુમતા રહે છે. બાઈકની પાછલી સીટ પર કોકના ઘરની કુંવારી દીકરી બેઠી હોય ત્યારે પેલા ગરબાની કડી સાચી પડુ પડુ થઈ જાય છે. યુવાન દીકરીની ઘરે બેઠેલી  મા મનોમન માતાજીને પ્રાર્થના કરે છે: ‘માડી, દીકરી દીધી તેં ડાહી, પણ રાખજે લાજ તું માડી..! દલડાના શા થાય ભરોસા..? એ ક્યાં જઈ નંદવાઈ માડી..!’  દોસ્તો, ઉમરલાયક દીકરીના માવતરની ચિંતા જીભ કરતાં આંખો દ્વારા વધુ વ્યક્ત થાય છે. પ્રત્યેક નવરાત્રિમાં યુવાન દીકરીના માબાપના મનમાં ઝીણા તાવ જેવી એક ચિંતા રહે છે. એ ચિંતાનો તરજુમો કંઈક આવો હોઈ શકે: ‘દલડાના શા થાય ભરોસા..? એ ક્યાં જઈ નંદવાઈ માડી..!’

        અમારા બચુભાઈની દીકરીના દિલમાં પ્રેમના અંકુર નવરાત્રિમાં જ ફૂટ્યા હતાં. ત્યારથી તેઓ માને છે કે દીકરીને સંસ્કાર આપણે આપ્યા હોય પણ દેહ કુદરત આપે છે, એથી દીકરી પર ભરોસો થાય પણ તેની જુવાની પર ન થાય!’ ડોક્ટરો તેમના અનુભવના આધારે કહે છે કે, ‘નવરાત્રિ પછી અમારી પાસે અનમેરિડ છોકરીઓના ગર્ભપાતના કેસો ખૂબ આવે છે. યુવાન દીકરી ગરબા ગાવા જાય પછી તે ક્યાં જાય, તે કોણ જોવા જાય? ગરબાનો હૉલ છોડી તે બોયફ્રેન્ડ સાથે હોટેલમાં જાય ત્યાંથી માબાપની કમબખ્તી શરુ થાય. છોકરા છોકરીનું અજવાળામાં થયેલું ‘નયનમિલન’ અંધારામાં ‘દેહમિલન’ સુધી પહોંચી જાય છે. એ કારણે નવરાત્રિની મજા નવ મહિનામાં ફેરવાઈ જાય છે. પુરૂષપ્રધાન સમાજમાં છોકરાઓને ખાસ નુકસાન થતું નથી, પણ છોકરીના કપાળે એકવાર કલંકનું કાળુ ટીકું લાગી ગયું તો તે છુંદણું બની તેના જીવનમાં હંમેશને માટે કોતરાઈ જાય છે. જોકે સમાજની બધી દીકરીઓ એવી નથી હોતી. ૯૯ ટકા દીકરીઓ સંસ્કારી હોય છે. તેમના દિમાગમાં સંયમની બ્રેક હીરો હોન્ડાની બ્રેક જેટલી પાવરફૂલ હોય છે. એવી દીકરીઓ બોયફ્રેન્ડ સાથે મૈત્રિભંગ થાય તો થવા દે છે પણ શિયળભંગ થવા દેતી નથી. રાત્રે હોટલમાં ગાળેલો એક કલાક સમાજને દેખાતો નથી પણ તેને કારણે દીકરીના ભાવિ દાંપત્યનો દરેક કલાક જોખમમાં મૂકાઈ જાય છે. કેમકે દીકરી સાથે એક કલાક ‘રાસલીલા’ રમનાર પેલો ‘કનૈયો’ પણ એના ખુદના જીવનમાં એવી “હોટલછાપ બીબી” પસંદ કરતો નથી. સમાજની સર્વ દીકરીઓ આ વાત ગાંઠે બાંધી લે તો સમજો મા અંબામાની સાચી કૃપા થઈ. સમાજમાં ૯૦ ટકા શ્રદ્ધાળુઓ વસે છે. તેમને નવરાત્રિમાં થતો ઘોંઘાટ અને ગિરદી પણ પવિત્ર લાગે છે, કેમકે તે માતાને નામે થાય છે. ધાર્મિક સ્થળોની ગંદકી સામે તેમને ખાસ વાંધો નથી કેમકે ત્યાં ભગવાન વસેલો છે. નાસ્તિક ઈમાનદાર હોય તોય તે નથી ખપતો, પરંતુ ભગવા વસ્ત્રોમાં છૂપાયેલો ઠગ ગમી જાય છે. કેમકે તેના (બગલમાં ભલે છૂરી હોય પણ) મુખમાં રામ હોય છે.

         ગઈ કાલે રાત્રે યુવાનોને ડિસ્કો કરતાં જોઈ ભગવાનદાસકાકા બોલ્યા: ‘ભાઈ, અમારોય એક જમાનો હતો. અમારો કોઈ નાચણિયો દશ ફૂટથી નાની છલાંગ લગાવતો ન હતો!’ યુવાનો આંખોની ફૂટપટ્ટીથી માપી લે કે દશ ફૂટ એટલે ઓરડાની આ દીવાલથી પેલી દીવાલ સુધીનું અંતર..! પેલા વડીલ આઘાપાછા થાય એટલે તેઓ ખડખડાટ હસતા કહે: ‘કાકા નવરાત્રિમાં પણ છાંટોપાણી કરે છે કે શું? દશ ફૂટનો કૂદકો મારીને હનુમાનજીએ ગરબા ગાવા હોય તો તેને માટે પણ મુશ્કેલ બની રહે..!’ ખેર, આપણે ત્યાં ઉત્સવોની સુરુચિપૂર્ણ ઉજવણી થતી નથી તેથી સમાજને આનંદ ઓછો અને અશાંતિ વધુ મળે છે. કાયદો હોવા છતાં મોડી રાત સુધી માઈકનો ઘોંઘાટ ચાલુ રહે છે. દોસ્તો, તહેવાર હોય કે વ્યવહાર, સાધનશુદ્ધિ અને વિવેકબુદ્ધિ વિના ઉત્સવો સફળ થતાં નથી. આધિ વ્યાધિ અને ઉપાધીના આ યુગમાં ઉત્સવો ઓક્સિજન જેટલાં જરૂરી છે. બે આંસુ વચ્ચે માણસે એક સ્મિત ગોઠવી દીધું છે. બે ડૂંસકા વચ્ચે એણે એક હાસ્ય ગોઠવી દીધું છે. એ સ્મિત અને હાસ્ય એટલે તહેવારો અને ઉત્સવો..! પ્રત્યેક તહેવારો સાથે તેના અનિષ્ટો ભળેલા હોય છે. બહુધા તે માનવપ્રેરિત હોય છે. વિવેકબુદ્ધિની ચાળણીથી તેને ગાળીને શુદ્ધ કરીશું તો ઉત્સવોની મધુરતા માણી શકાશે. ખેર.. સૌને નવરાત્રિની  હાર્દિક શુભકામના.!’                                             

                                                      ધૂપછાંવ

          તહેવારો એટલે જીવનપથ પર આવતા ઘટાદાર વૃક્ષો, જેની શિતળ છાયામાં થાકેલો મુસાફર ઘડીક વિસામો લઈ શકે છે.

       

ચર્ચાપત્ર–”ગુજરાતમિત્ર”

                               ચર્ચાપત્ર   “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર  –દિનેશ પાંચાલ        

                                                    ‘ગુજરાતમિત્ર’ની અનોખી અખબારી આરાધના

        ‘ગુજરાતમિત્ર’ એની અખબારીયાત્રાના ૧૫૭ વર્ષો પૂરા કરી ચૂક્યું છે ત્યારે એક બે પ્રસંગોનું સ્મરણ થાય છે. વર્ષોપૂર્વે સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં મુંબઈ અમદાવાદના મોટા સાહિત્યકારો ભેગા થયા હતાં. તેમની ચર્ચામાં સાંભળવા મળ્યું હતું, અખબારોથી ઉભરાતા પ્રિન્ટ મિડિયામાં ‘ગુજરાતમિત્ર’એ ધ્રૂવતારક જેવું અવિચળ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખાસ કરીને સત્યનિષ્ઠા માટે એ છાપુ વર્ષોથી પંકાયેલું છે. એમાં ચર્ચાપત્ર વિભાગનું સુંદર સંવર્ધન થયું હોવાથી એ વિશેષ ધ્યાન ખેંચે છે. એમાં હાઈકોર્ટના વકીલો, કોલેજના પ્રિન્સીપાલો અને અનેક સંસ્થાઓના ટ્રસ્ટીઓ વગેરે ચર્ચાપત્રો લખે છે. એકત્રીશ વર્ષોથી અમે ‘ગુજરાતમિત્ર’ સાથે કટાર લેખક તરીકે જોડાયેલા છીએ. તે પૂર્વે અમદાવાદના એક અન્ય અખબારમાં કટારની સાથોસાથ રિપોર્ટીંગ પણ કરતા હતા. તે સમયની એક ઘટનાનું સ્મરણ થાય છે. અમને એક માહિતી મળી કે વલસાડમાં કોલેજ હોસ્ટેલની છોકરીઓએ છાપાના ફેરીયાને રૂમમાં બોલાવી બળાત્કાર કર્યો. સમાચારનું રિપોર્ટીંગ કરતા પૂર્વે તેની સત્યતા અંગેની ખાતરી કરવાની ટેવ રાખી હતી. તે અરસામાં વલસાડના એક પોલીસ ઈન્સ્પેક્ટરનો દીકરો અમારી સાથે નોકરી કરતો હતો તેને પૂછતાં તેણે કહ્યું, ‘એ વાત સાચી છે. મારા ફાધર ઈન્વેસ્ટિગેશનમાં પણ ગયા હતા.’ અમે એ સમાચાર પ્રેસને મોકલી આપ્યા. બીજે દિવસે તે ન્યૂઝ મોટી હેડલાઈનોમાં અખબારે પ્રગટ કર્યા. પછી તો અમદાવાદના બીજા બે મોટા અખબારોએ પણ એથી વધુ મોટી હેડલાઈનોમાં એ સમાચાર છાપ્યા. એથી આગની જેમ એ વાત સમાજમાં ફેલાઈ ગઈ. ત્યારબાદ ખરી ઘટના એ બની કે ‘ગુજરાતમિત્ર’એ લખ્યું કે કોઈએ સનસનાટી ફેલાવવા એ અફવા ફેલાવી છે. અમારા પ્રતિનિધીએ ઊંડીતપાસ કરતાં જાણવા મળ્યું કે વલસાડમાં એવી કોઈ ઘટના બની નથી. અમે પેલા પોલીસકર્મીના દીકરાને પુછ્યું. એણે ગેંગેંફેંફેં થતાં જણાવ્યું કે મારા ફાધર ઈન્વેસ્ટીગેશનમાં ગયા હતા, એથી વાત સાચી હશે એમ મેં માન્યું હતું. રિપોર્ટર તરીકે અમે ખોટા પડ્યા તેનું દુ:ખ થયેલું પણ ‘ગુજરાતમિત્ર’એ નિર્ભિકપણે સત્ય છાપવાનો જે અખબારી ધર્મ બજાવ્યો હતો તેનો છૂપો આનંદ થયો હતો.

         કોઈ અખબારને આવી સિદ્ધિ રમતવાતમાં મળી જતી નથી. એ માટે તેના માલિક, તંત્રી, સંપાદક સહિતના તમામ સ્ટાફે નિષ્ઠાપૂર્વક તનતોડ મહેનત કરવી પડે છે. અમારા વિકાસમાં ‘ગુજરાતમિત્ર’નો સિંહફાળો છે. અમને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા સાહિત્ય અકાદમી સહિતના પાંચ એવોર્ડ મળી ચૂક્યા છે. તાજેતરમાં સુરતની જાણીતી પ્રકાશન સંસ્થા ‘સાહિત્ય સંગમ’ના ઉપક્રમે અમને ‘જનક નાયક સ્મૃતિ ચંદ્રક’ એનાયત થયો ત્યારે પ્રતિભાવમાં અમે ‘ગુજરાતમિત્ર’નો ઋણસ્વીકાર કરતાં કહ્યું હતું, ‘૧૯૯૫માં ‘વિજ્ઞાન મંચ’ તરફથી મને અને શ્રી રમણ પાઠકને રેશનાલિઝમ માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારે મેં તે એવોર્ડ ન સ્વીકારતાં જણાવ્યું હતું કે, ‘સમાજમાં રેશનલ અને બોલ્ડ વિચારો ધરાવનારા ઘણાં ચિંતકો મળી રહે છે પણ એ વિચારોને પોતાની સલામતીના ભોગે છાપનારુ એક માત્ર નિડર છાપુ ‘ગુજરાતમિત્ર’ છે, માટે આ એવોર્ડ મને નહીં, ‘ગુજરાતમિત્ર’ને આપો. આજે ઈન્ટરનેટ અને મોબાઈલના જમાનામાં વાયુવેગે સમાચારો વહેતા થઈ જાય છે ત્યારે આજની સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં ‘ગુજરાતમિત્ર’એ અખબારી ધર્મ સાથે બાંધછોડ કર્યા વિના પોતાની સફળ આગેકૂચ જારી રાખી છે તે માટે એના માલિક, તંત્રી, વાચકો અને ગ્રાહકો સહિત સૌને હાર્દિક અભિનંદન આપીએ અને ‘ગુજરાતમિત્ર’ને શુભેચ્છા પાઠવીએ કે: ‘અક્ષયંમ્ તે ભવિષ્યતિ..!’ (અર્થાત્ જેના ભવિષ્યનો કોઈ ક્ષય નથી તે)   

            –દિનેશ પાંચાલ (જમાલપોર–નવસારી) તા. ૪–૧૦–૧૯