પૂજા ચૌહાણને મુકેશ અંબાણીનો જવાબ              

 ‘જીવન સરિતાને તીરે..‘ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભારદિનેશ પાંચાલ MO: 94281 60508

                      પૂજા ચૌહાણને મુકેશ અંબાણીનો જવાબ              

       ‘જનકલ્યાણ’માં શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ એક ચિંતનતુલ્ય વાત રજૂ કરી છે. એ ચિંતન આજની કન્યાઓની ભોગવાદી માનસિક્તા પ્રતિ અંગુલીનિર્દેશ કરે છે. વાત લાંબી છે એથી એનો ટૂંકસાર જોઈએ. પૂજા ચૌહાણ નામની એક ખૂબસૂરત યુવતીએ એક ફોરમમાં પ્રશ્ન પૂછ્યો કે, ‘મુકેશ અંબાણી જેવા ધનવાન માણસને પોતાના તરફ કેવી રીતે આકર્ષિત કરી શકાય? હું આ વર્ષે ૨૫ વર્ષની થઈ છું. હું ખૂબ જ સ્વરૂપવાન છું. મારે એવા યુવક સાથે લગ્ન કરવા છે જેનો વાર્ષિક પગાર ૧૦૦ કરોડ (કે એથી વધારે) હોય. તમને કદાચ લાગશે કે હું સ્વાર્થી છું. પણ સાહેબ, બે કરોડની આવક તો આજે મધ્યમ વર્ગની મામુલી આવક ગણાય, એથી મારી  અપેક્ષા જરાય વધારે પડતી નથી. શું આપની જાણમાં એવો કોઈ યુવક છે જેનો વાર્ષિક પગાર ૧૦૦ કરોડ (કે એથી વધારે) હોય? તમારામાંથી એટલો પગાર ધરાવનાર કોઈ અપરિણિત છે જે મારી સાથે લગ્ન કરે? મારે જાણવું છે કે એટલા ધનિક યુવાનને પરણવા મારે શું કરવું જોઈએ? મને અત્યાર સુધીમાં જે લગ્નોત્સુકોનો ભેટો થયો છે તેમાં વધુમાં વધુ ધનવાન ૫૦ કરોડનો પગારદાર હતો, જે એમ માનતો હતો કે તેની આવક અધધધ છે. પણ હું સમજું છું કે જો કોઈએ ન્યૂ યોર્ક સીટી ગાર્ડનના પશ્ચિમમાં ભવ્ય બંગલામાં રહેવું હોય તો ૫૦ કરોડની આવક પૂરતી ન ગણાય. એથી હું વિનમ્રતાપૂર્વક કેટલાંક પ્રશ્નો પૂછવા માગું છું. (૧) ધનાઢ્ય યુવકને મળવું હોય તો કયા ‘બાર’, ‘રેસ્ટોરાં’ કે ‘જીમ’માં તેનો સંપર્ક સાધી શકાય? મને તેમના નામ, સરનામા જણાવશો? (૨) કેટલી ઉંમરના યુવાનને મળવાનું મારે લક્ષ્ય રાખવું જોઈએ? (૩) મોટા ભાગના ધનવાનોની પત્ની દેખાવે કેમ બિલકુલ સામાન્ય દેખાતી હોય છે? (૪) હું કેટલીક એવી યુવતીઓને જાણું છું જે દેખાવડી ન હોવા છતાં ધનાઢ્ય યુવાનોને પરણવામાં સફળ રહી છે. (૫) મને એ પણ જણાવશો કે તમે કેવી રીતે એ જાણી શકો છો કે કઈ યુવતી તમારી પત્ની બનવાને લાયક છે, અને કોણ માત્ર ‘સ્ત્રી–મિત્ર’ બનવા યોગ્ય છે?

 દોસ્તો, આખા ચેપ્ટરમાં આશ્ચર્ય ઉપજે એવી વાત એ બની કે મુકેશ અંબાણી જેવા ભારતના સૌથી ધનવાન માણસે આ (છીછરી માનસિક્તા ધરાવતી) છોકરીને સુંદર જવાબ આપ્યો.

 વહાલી પૂજા, મેં (રિલાયન્સ ગ્રૂપના) મુકેશ અંબાણીએ તારી ‘પોસ્ટ’ રસપૂર્વક વાંચી. તારા જેવી જ અપેક્ષાઓ અને મૂંઝવણ ઘણી યુવતીઓની હોય શકે, એથી એક વ્યવસાયી રોકાણકાર (ઈન્વેસ્ટર) તરીકે એ પ્રશ્નોની નિખાલસતાપૂર્વક છણાવટ કરવા માગું છું. મારી વાર્ષિક આવક ૧૦૦ કરોડથી વધુ છે, તે તારા ધોરણ સાથે બંધ બેસે છે. પણ એક વેપારીના દ્રષ્ટિકોણથી હું તને સ્પષ્ટ જણાવું કે તારી સાથે લગ્ન કરવા એ ‘ખોટનો સોદો’ છે. તને પ્રશ્ન થશે કે ‘ખોટનો સોદો’ કેમ? જવાબમાં જણાવું કે તારી વાત પરથી સમજાય છે કે તું તારા ‘સૌદર્ય’ને એન્કેશ કરીને સુખ ભોગવી લેવા માંગે છે. (‘ક’ નામની વ્યક્તિ સૌંદર્ય આપે અને ‘બ’ નામની વ્યક્તિ એની કિંમત ચૂકવે એવો આ સ્પષ્ટ અને રોકડો વ્યવહાર (કે વેપાર) છે) પણ પ્રથમ નજરે દેખાય એટલું આ સહેલું નથી. તારું સૌંદર્ય ઓસરી જશે પરંતુ મારું, ધન અને મારી સંપત્તિ (વાજબી કારણ વગર) જતાં નહીં રહે. બલકે હકીકત એ છે કે મારી આમદની વર્ષે વર્ષે વધતી જાય છે જ્યારે તારું સૌંદર્ય સમય જતાં, ઉત્તરોત્તર ઓસરતું જ જવાનું. એટલે અર્થશાસ્ત્રીની પરિભાષામાં કહું તો હું–મુકેશ અંબાણી, મૂલ્યવૃદ્ધિ પામતી મિલકત છું અને તું અવમૂલ્યન પામતી અસ્ક્યામત છે. આ ઘસારો સામાન્ય પ્રકારનો ઘસારો નથી. એ મૂડીનું નર્યું ધોવાણ છે. સૌંદર્ય, જે આજે તારી મિલકત છે તેનું દશ વર્ષ પછી વાસ્તવિક મૂલ્ય નગણ્ય હશે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. અમે વૉલસ્ટ્રીટમાં એમ કહીએ છીએ કે પ્રત્યેક ટ્રેડીંગની એક પોઝિશન હોય છે. તારી સાથે કોઈ ડેટીંગ કરે તો એ પણ ‘ટ્રેડીંગ પોઝિશન’ જ ગણાય. જો ‘ટ્રેડીંગ વેલ્યૂ’ નીચી જાય તો અમે ‘કોમોડિટિ’ વેચી મારીએ છીએ. કેમકે એવા રોકાણને લાંબો સમય સુધી પકડી રાખવામાં ડહાપણ નથી. તું જે રીતે લગ્ન કરવા માંગે છે તેમાં આવું જ થઈ શકે. તને કદાચ હું ‘કડવા બોલો’ લાગું, પણ હું તને ચેતવવા માગું છું કે, જે મૂડી અથવા મિલકતની ડેપ્રિશિએટીવ વેલ્યૂ ઝડપથી તૂટતી હોય તેને તેના ધારકો ક્યાં તો વેચી નાખે છે અથવા તેનું ‘લિઝ’ કરી હાશકારો અનુભવે છે. અંતે મુકેશ અંબાણી લખે છે.

                                         ધૂપછાંવ

       પૂજા, વાર્ષિક ૧૦૦ કરોડ આવક મેળવનારો માણસ મૂર્ખ તો ન હોય. એટલે બધાં તારી સાથે હરશે–ફરશે, પણ પરણશે નહીં. મારી તને સલાહ છે કે તું ધનવાનને પરણવાના ઉધામા છોડ. કોશિષ કરતાં તું પણ વાર્ષિક ૧૦૦ કરોડ કમાતી હસ્તી બની શકે. એમાં સાફલ્યની સંભાવના વધુ છે. કોઈ મૂર્ખ ધનવાન શોધવાની બાલિશ કોશિષ કરતાં એ અવશ્ય બહેતર રહેશે.

                                                                                            –મુકેશ અંબાણી

   સ્વામી નારાયણ સંપ્રદાયની વૈચારિક વિદ્વતા

  જીવન સરિતાને તીરે..‘ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભાર –દિનેશ પાંચાલ Mo: 94281 60508 

                     સ્વામી નારાયણ સંપ્રદાયની વૈચારિક વિદ્વતા

       થોડા સમયપૂર્વે નવસારીમાં સ્વામીશ્રી જ્ઞાનવત્સલજીનું વક્તવ્ય સાંભળવાનું બન્યું. એમના અદભૂત વિચારોથી મન પુલકિત થઈ ગયું. (નવસારીમાં સમયાંતરે ડૉ. શ્રોફના સૌજન્યથી લોકોને એમના ધર્મચિંતનનો લાભ મળતો રહે છે) જો કે વક્તવ્ય સાંભળીને થોડા પ્રશ્નો થયા. પણ એની વે.. સ્વામીનારાયણ સંપ્રદાયના ઘણાં સ્વામીજીઓને સાંભળ્યા બાદ એવા તારણ પર આવી શકાય કે પરિપક્વ ચિંતન અને જકડી રાખે એવી અભિવ્યક્તિ એ સ્વામીઓની આગવી ઓળખ છે. પ્રમુખ સ્વામી મહારાજને સાંભળવાનો મોકો મળ્યો ન હતો, પણ સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રત્યેક સ્વામીજીઓ ચિંતનસમૃદ્ધ વિચારો ધરાવે છે. પ્રવચન સાંભળતીવેળા વિચાર આવ્યો કે પોતાનું કુટુંબ અને સ્વજનોને છોડીને સન્યાસી બનેલા સ્વામીજીઓ પાસે સંસારની જેટલી સમજ છે તેટલી સંસારીઓ પાસે હોત તો આ સંસાર દુ:ખનો દરિયો નહીં, પણ સુખનો સાગર બની રહ્યો હોત. આજે અનેક આસમાની સુલતાની આફતો વચ્ચે જીવી રહેલા માણસને ક્ષણે ક્ષણે ક્રોધ ઉપજે છે. વાત વાતમાં મનદુ:ખ થાય છે. બે પાડોશીઓના દિમાગમાં વેરનો વંટોળિયો ફૂંકાય છે ત્યારે તેઓ ચિલ્લાઈને કહે છે: ‘તને તો હું સાત જન્મે ય માફ નહીં કરું..!’ આવું સતત થતું રહે છે. ગરીબો જ ઝઘડે છે એવું નથી, મુકેશ અંબાણી અને અનિલ અંબાણી જેવા કરોડપતિઓ પણ લડે છે અને ત્યારે મોરારિબાપુએ તેમના મધ્યસ્થી બનવું પડે છે. દોસ્તો, સરવાળે સ્થિતિ એવી થઈ છે કે ધનના ઢગલા પર બેઠેલા શેઠિયાઓએ પણ ખાધા પછી પાચનવટી લેવી પડે છે. ઊંઘવા માટે ટાંક્વિલાઈઝર લેવી પડે છે, અને જુલાબ માટે હરડે પર આધાર રાખવો પડે છે. એવા સંજોગોમાં સ્વામીજીએ કહ્યું કે, મન શાંત રાખવું, ક્રોધ કરવો નહીં, ક્ષમાભાવ રાખવો, હિંસા આચરવી નહીં.. વગેરે વગેરે. પ્રથમ દષ્ટિએ એમની કોઈ વાત અવગણી શકાય એવી નથી, પણ ઊંડાણથી વિચારતાં સમજાય છે કે આ બધી વાતો સત્ય ભલે હોય પણ શક્ય નથી. દુનિયાનો દરેક દેશ શાંતિ ઝંખે છે, પણ જાસુસો તરફથી જાણવા મળે છે કે દરેક દેશનું વલણ ‘મુખ મેં રામ ઔર બગલ મેં છૂરી’ જેવું છે. તેઓ યુનોમાં ભેગા થાય ત્યારે શાંતિની ગુલબાંગો પોકારે છે, પણ હથિયારો ખરીદવા માટે દરેક રાષ્ટ્રો તેમના બજેટમાં આગલા વર્ષ કરતાં ડબલ નાણા ફાળવે છે. (કેમ કે દરેક દેશ મનને છાને ખૂણે માને છે કે ‘ઈફ યુ વોન્ટ પીસ… પ્રિપેર ફોર વોર..!’) સ્વામીજીએ કંઈક એવા સંદર્ભે ગાંધીજીને યાદ કરતાં કહ્યું હતું; ‘ગાંધીજીને લાધેલા અહિંસાના સત્યનો તેમના પર એવો પ્રબળ પ્રભાવ હતો કે આજે વિદેશોમાં પણ ગાંધીજીના પૂતળા મૂકવામાં આવ્યા છે. ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’નો સંદેશાવાળું એ વક્તવ્ય અમે અંતે તાળીઓના ગડગડાટથી વધાવી લીધું, પણ હૉલની બહાર નીકળ્યા ત્યારે પ્રશ્ન થયો: શાસ્ત્રોમાં કહેવાયું છે કે, દાન પણ સુપાત્રને કરાય, કુપાત્રને નહીં. તે રીતે ક્ષમા પણ સુપાત્રને આપી શકાય– કુપાત્રને નહીં. જરા વિચારો, આતંકવાદને પોષનારા પાકિસ્તાનને શી રીતે માફ કરી શકાય? (જો માફ કરીએ તો સાપને ઝેરવૃદ્ધિના ઈંજેક્શનો આપવા જેવી વાત ગણાય) વિદ્વાનો કહે છે: ‘કોઈને ડંખ ન મારો પણ જરૂર પડ્યે ફેણ માંડવાનું સામર્થ્ય જાળવી રાખો. હિંસાને મનમાં પાળી પોષીને ઉછેરવાની જરૂર નથી પણ એટલી બધી નમ્રતા (ઓવર પોલાઈટનેસ) પણ ન હોવી જોઈએ કે લોકો આપણી નમ્રતાને કાયરતા ગણીને હુમલો કરે. ગાંધીજીના વિચારો તેમના નિધન પછીના પૂરા બોતેર વર્ષે પણ એટલાં જ પ્રસ્તુત છે. એઓ સાચેજ વિશ્વવંદનીય મહાત્મા હતા. એમણે અહિંસાના માર્ગે દેશને આઝાદી અપાવી એ ગજબની કમાલ હતી. કવિ પ્રદીપજીએ એમને બીરદાવતાં લખ્યું છે: ‘દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ.. સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ..!’ દોસ્તો, આજે આતંકવાદીઓના પાલનહાર તરીકે પાકિસ્તાન વિશ્વભરમા કુખ્યાત બની ચૂક્યું છે. (ભારત સાથે ઈમરાનની શાંતિમંત્રણા ચાલતી હોય ત્યારે પણ સરહદ પર એમનો ગોળીબાર ચાલુ હોય છે) અમેરિકા, જાપાન, રશિયા અને ઓસ્ટ્રેલિયા સહિતના સઘળા દેશો પાકિસ્તાનને આતંકવાદીઓના મસિહા તરીકે ઓળખી ચૂક્યા છે. સ્વામીજીએ એમના ‘ફરગેટ અને ફરગીવનેસ’ના મુદ્દાને આ બધાં દુષ્ટો સાથે સાંકળીને, નવેસરથી વિચારવું જોઈએ. જેની નસેનસમાં હિંસક્તા અને બદલાની ભાવના હોય તેવા લોકોને કેવી રીતે ક્ષમા કરી શકાય? ગાંધીજીએ પણ સ્વરક્ષણ માટે ગુપ્તી રાખવી પડે એટલી હદે દેશમાં હિંસક્તા ફેલાયેલી છે એ સંજોગોમાં ‘ભૂલી જાઓ અને ક્ષમા કરો’ વાળી વાત પ્રવચનરૂપે સાંભળવાની જેટલી મજા આવે છે તેટલી પ્રેક્ટિકલમાં શક્ય જણાતી નથી. (ભૂલચૂક લેવીદેવી..!)

                                                ધૂપછાંવ

 ક્ષમા વીરસ્ય ભૂષણમ્ એમ ભલે કહેવાયું હોય પણ દાઉદ ઈબ્રાહિમ, હાફિઝ સૈયદ, ઔવેસી કે મેમણ બ્રધર્સને શી રીતે માફ કરી શકાય? બલકે ઓસામાબિન–લાદેનને તો મરણોત્તર ફાંસી આપવી પડે એવા એના દુષ્કૃત્યો હતાં.

બમ્પના લાભાલાભ

ઊંટના ઢેકા જેવા વધુ મોટા બમ્પ હાડવૈદ્યના લાભાર્થે બનાવવામાં આવે છે.

                                                                                                                                                                     –દિનેશ પાંચાલ

   ઉત્‍સવો આ રીતે ન ઉજવાય…! 

જીવન સરિતાને તીરે.. ‘ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભાર દિનેશ પાંચાલ  MO: 94281 60508                                                      ઉત્‍સવો આ રીતે ન ઉજવાય…! 

          આજે ઈદનો પવિત્ર તહેવાર હોઈ દેશના તમામ મુસ્લિમ બંધુઓને ઈદની મુબારકબાદી પાઠવીએ. દરેક ધર્મની કમનસીબી એ છે કે આપણા દેશમાં નિત્‍ય જાહેર શાંતિનો ભંગ થાય એવા અનેક શોર શરાબાઓને આપણે કાન પર હાથ દાબીને સહી લેવા પડે છે. દીવાળીમાં ફટાકડાનો જુલ્‍મ અસહ્ય બને છે. માથુ સખત દુઃખતું હોય તો ય મહોલ્લાના કોઇ લબરમૂછિયાના હાથમાંથી આપણે એટમબોમ્‍બ છીનવી શકતા નથી. ફટાકડા આપણી શ્રવણેન્દ્રિય પર થતો સરકારમાન્‍ય સિતમ છે. પોલીસચોકીમાં એનો એફ.આઇ.આર નોંધાવી શકાતો નથી. આપણા ઘણા ખરા કાયદાઓ અધકચરાં અને ક્ષતિયુક્‍ત રહ્યાં છે. જેમકે વસ્‍તી વચ્‍ચે આગ લાગી શકે એવી શક્‍યતા હોવાને કારણે ફટાકડાની દુકાનો ખુલ્લા એરિયામાં રાખવી એવું કાયદાકીય પ્રાવધાન છે, પરંતુ બીજી તરફ એ ફટાકડા ભરચક ટ્રાફિકવાળા રોડ પર ફોડવામાં આવે છે તે સામે કોઇ પાબંદી નથી. હજારો માણસોની અવરજવરવાળા માર્ગો પર જુવાનિયાઓ બિન્‍ધાસ્‍ત એટમબોમ્‍બ સળગાવે છે. વર્ષોથી આ સમાજસ્‍વીકૃત અરાજક્‍તા આપણે સહન કરતા આવ્‍યા છીએ. એનો  એક જ ઉપાય છે. વર્તનમાં વિવેકબુદ્ધિ ભળે તો ઉત્‍સવો દ્વારા થતી આવી પજવણી દૂર થઇ શકે. (કાયદો ફરજ પાડે તેના કરતાં દિલમાં એ સમજ ઉગે તો જરૂર સફળતા મળે)

       દોસ્‍તો, અમે રેશનાલિઝમના હિમાયતી છીએ પણ અમારા વિચારોને અમારી સમજણની સરહદોની અંદર સિમિત રાખીએ છીએ.  સમાજ પર તે બળજબરીથી ઠોપી દેવામાં માનતા નથી. કોઇના ગુરુ થવાનું લગીરે ગમ્‍યું  નથી. અને કોઇના ચેલા બનવાનુંય ફાવતું નથી. હંમેશાં ખુલ્લી આંખો રાખીને જગતની પાઠશાળામાંથી  શિષ્‍યભાવે કશુંક શીખવાની નમ્ર કોશિષ કરતા રહ્યા છીએ. એકત્રીશ વર્ષ સુધી બરોડા બેંકના ચીફ કેશિયર રહ્યા હોવાથી  સ્‍પોંજમાં આંગળી  ભીની  કરીને નોટો ગણવાની આદત પડી ગઇ છે.  બેંકમાં પૈસાની લેવડદેવડ કરનારા લોકો જાણે છે કે બંડલમાં સો નોટ પૂરી જ હોય પણ ઘણી વાર એવુ બને છે કે ગણતીવેળા ક્‍યારેક 99 થાય. ફરીથી ગણીએ તો 100 થઇ જાય. (એથી માત્ર એક જ વારની ગણતરીને આધારે– “કેશિયર ઓછી નોટ આપે છે” – એવો આરોપ ન લગાવી શકાય) ઘસાઇ ગયેલી કે નંબર પરથી બે ટુકડા થઇ ગયેલી નોટોને કેશિયરની ભાષામાં ‘સોઇલ્‍ડ’ અને ‘મિચ્‍યુલેટેડ’ નોટ કહેવામાં આવે છે. રિઝર્વ બેંક એવી નોટોને ડિસ્‍ટ્રોય કરીને તેને સ્‍થાને નવી નોટો બહાર પાડે છે. આ લખનારે જીવનમાં રેશનાલિઝમના સ્‍પોંજ વડે સોઇલ્‍ડ અને મિચ્‍યુલેટેડ વિચારોને અલગ કરવાની ટેવ રાખી છે. જૂના વિચારો ડિસ્‍ટ્રોય થાય, અને  નવા વિચારો અમલમાં મૂકાય. સમાજની બેંકમાંથી પ્રાપ્‍ત થતા જૂના નવા વિચારોનું શોર્ટિંગ કરીને સારા નરસા વિચારોને અલગ તારવવા પડે છે. ઘસાઇને જર્જરિત થઇ ગયેલા વિચારોને ડિસ્‍ટ્રોય કરીને જીવનમાં નવા વિચારોને અપનાવવાના હોય છે. માણસ નવી  નોટોના બંડલો હોંશેહોંશે સ્‍વીકારે છે પણ તેટલા ઉમળકાથી નવા વિચારો સ્‍વીકારી શકતો નથી.  માણસને નવી નોટ ગમે… નવા થોટ ના ગમે!  જનતાના સામૂહિક અજ્ઞાનને કારણે વર્ષો સુધી બનાવટી કાગળિયાં નોટ તરીકે ચલણમાં ચાલતા રહે છે. અંધશ્રદ્ધા બનાવટી નોટ જેવી છે. તે સદીઓથી સમાજના સરક્‍યૂલેશનમાં ચાલતી આવી છે. માણસના હાથમાં મોબાઇલ આવ્‍યો પણ ગળામાંથી માદળિયું હઠવાનું નામ નથી લેતું. ઘરમાં લેપટોપ આવ્‍યું પણ બારસાખેથી લીંબુ અને મરચું ના ઉતર્યું. શ્રદ્ધાની સાચી નોટ અને અંધશ્રદ્ધાની ‘ફોર્જ’ નોટ વચ્‍ચેનો ભેદ પારખવાની વિદ્યાને રેશનાલિઝમ કહે છે. આદિકાળથી બાધા આખડી જેવા અનેક વહેમોની બનાવટી નોટ સમાજના ચલણમાં ચાલતી આવી છે. રેશનાલિઝમની રિઝર્વ બેંક વિવેકબુદ્ધિની નવી નોટો બહાર પાડે છે. લોકો તેને ઝટ સ્‍વીકારતા નથી. પરંતુ દોસ્તો, રેશનાલિઝમના ટેસ્ટર વિના નરેન્‍દ્ર મોદી અને નારાયણ સાંઇ વચ્‍ચેનો ભેદ પારખી શકાતો નથી. (આજે પણ આસારામ અને ઓશો રજનીશને દાઢીને કારણે એક સમજનારા લોકોને અમે જોયા છે)

                                                                        ધૂપછાંવ

        નવાઇ લાગશે પણ સ્‍ત્રીઓને મારવા સંબંધે ઇ.સ.1400ની સાલમાં યુરોપમાં એક વિચિત્ર કાયદો અમલમાં હતો. એ કાયદો આ પ્રમાણે હતો. કોઇ પુરુષ પોતાની પત્‍નીને લાકડી વડે ઝૂડી નાખે તો વાંધો  નહીં  પરંતુ એ લાકડી પેલા પુરુષના અંગૂઠાથી વધારે જાડી હોય તો ગુનો ગણાય. (આવા વિચિત્ર કાયદાનું શું લોજિક હશે તે સમજાતું નથી.  પણ એ કાયદા પરથી ‘રૂલ ઓફ થમ્‍બ’ શબ્‍દ અંગ્રેજીમાં પ્રચલિત થયો હતો, જે આજે પણ ચાલુ છે) ડોમેસ્‍ટિક વાયોલન્‍સ (ઘરેલું હિંસા) અનેક રીતે થઇ શકે. તલવાર વિના પણ ખૂન થઇ શકે. (કેમકે જીભથી મોટી તલવાર બીજી એકે નથી) એક વાત સ્‍વીકારવી પડશે. આમ તો સ્‍ત્રી પુરુષ બન્‍ને પરસ્‍પરને પીડે છે. પણ ઘણીવાર શબ્‍દો કે વર્તન દ્વારા સ્‍ત્રીઓ જે પીડા આપે છે તે પીડા તમાચા કરતાં વધુ કષ્ટદાયક હોય છે. તમાચાથી  તમાશો થાય, તે સૌને દેખાય… પણ શબ્‍દોના ડામ દિલમાં ચંપાય, તે દુનિયાને દેખાતા નથી. એથી જ જીભને ત્રણ ઇંચની તલવાર કહેવામાં આવે છે.  

 દિલ મિલે ન મિલે, હાથ મિલાતે રહીએ

 ‘જીવન સરિતાને તીરે..  ગુજરાતમિત્રના સૌજન્યથી    દિનેશ પાંચાલ      MO: 94281 60508

                       દિલ મિલે ન મિલે, હાથ મિલાતે રહીએ

        આજે જલારામ જયંતિના પવિત્ર તહેવાર નિમિત્તે થોડું ધર્મચિંતન કરીએ. આપણી ધર્મપ્રધાન સંસ્‍કૃતિમાં એવું બનતું આવ્‍યું છે કે લોકો ધરમકરમમાં બહુ ડૂબેલા રહે છે. તેમની એવી ભક્‍તિ સામે વાંધો નથી. તેઓ સવારે થોડા પૂજાપાઠ કરી લે ત્‍યાં સુધી ઠીક છે, પણ પુરાણો કે ધર્મશાસ્‍ત્રોમાં આલેખાયેલી દેવીદેવતાઓની ચમત્‍કારોથી ભરેલી વાતોને બુદ્ધિના બારણા બંધ કરીને સ્‍વીકારી લે છે તે ઉચિત ન ગણાય. એવું સાંભળવા મળ્‍યું હતું કે રામાયણના યુદ્ધનો આરંભ રામચંદ્રજીએ રાવણ પાસે પૂજા કરાવીને કર્યો હતો. (લ્‍યો સાંભળો..! સોનિયા ગાંધી ચૂંટણીપ્રચારના શ્રીગણેશ નરેન્‍દ્ર મોદી પાસે નારિયેળ ફોડાવીને કરાવે તેવી આ વાત થઇ કહેવાય..!!) પુરાણ કથાઓ એકવીસમી સદીમાં ખાસ્‍સી અપ્રસ્‍તુત બની છે. આપણે એ બદલી શકવાના નથી, એથી એમાં વર્ણવેલી અતાર્કિક વાતોની ટીકા કરવાને બદલે તે તરફ આંખ આડા કાન કરવા એ ઉત્તમ માર્ગ ગણાય. પણ ખરી મુશ્‍કેલી એ છે કે જૂની પેઢીના વડીલો એ બધુ સાચું માની લે છે અને તેઓ (‘મોમ’ અને ‘ડેડ’ બોલતાં) તેમના કોન્‍વેટિયા કનૈયાઓને એવી અતાર્કિક વાતોનો વારસો આપે છે. એકવીસમી સદીમાં આવી ગાડરિયા જીવનશૈલીનો ત્‍યાગ કરી બાળકોને અદ્યતન સંસ્‍કાર આપવા જોઈએ. આજના કોન્‍વેન્‍ટિયા બાળકો રામાયણ વિશે કેવી રીતે વાતો કરે છે તે જાણવા જેવું છે. (સગા કાને એ શબ્દો સાંભળ્યા છે) તેઓ રામ રાવણના યુદ્ધ વિષે બોલે છેઃ ‘રાવણા કિડનેપ્‍ડ રામાઝ વાઇફ એન્‍ડ રામા ફોટ વિથ રાવણા ટુ ગેટ બેક હીઝ વાઇફ..!’ હનુમાનજીને તેઓ ‘રામાઝ પેટ મંકી’ કહે છે. આપણા  હિન્‍દુ ધર્મના આદરણીય દેવતાઓનું આવું અંગ્રેજીકરણ સાંભળીને એવી લાગણી જન્મે છે કે તેઓ આવું વિકૃત બોલવાના હોય તો તેમના મુખેથી રામ અને સીતાના નામો ન નીકળે એમાં જ આપણી સંસ્‍કૃતિની ભલાઇ છે.

       હવે એક અન્ય મુદ્દાની વાત કરીએ. ખાસ તો આપણા વાલીઓએ સંતાનોને સમજાવવું જોઈએ કે હવે એકવીસમી સદીમાં નાત- જાત અને હિન્‍દુ મુસ્‍લિમના ભેદભાવથી મુક્‍ત રહેવું જોઇએ. કોમી એકતા માટે હિન્‍દુઓ અને મુસ્‍લિમોના (હાથની સાથોસાથ) હૈયા પણ મળવા જોઇએ.  બન્‍ને એકમેક તરફ ભયથી જુએ તેને બદલે પ્રેમ અને વિશ્વાસની નજરે જુએ તે જરૂરી છે. બન્‍ને કોમની યુવા પેઢી વચ્‍ચે નયનોના નિકાહ અને હૈયાનો હસ્‍તમેળાપ થાય તે જરૂરી છે. શાહરૂખ ખાન એક પંજાબી છોકરી (ગૌરીને) પરણ્‍યો છે. એમના સંતાનોને આપણે મુસલમાન ગણીશું કે પંજાબી?  સુનિલ દત્ત હિન્‍દુ હતા અને નરગિસ મુસ્‍લિમ… તો સંજય દત્તને હિન્‍દુ ગણીશું કે મુસ્‍લિમ? સલમાન ખાનના પિતા (સલીમ ખાન) એક મહારાષ્ટ્રિયન હિન્‍દુ સ્‍ત્રીને પરણ્‍યા છે. અર્થાત્‌ સલમાન ખાન અડધો હિન્‍દુ છે અડધો મુસલમાન. તમે એની કોઇ એક ચોક્કસ જ્ઞાતિ નક્કી કરી શકશો ખરા? (અને તેમ ન થઇ શકે તો તેનું કોઇ નુકસાન છે ખરું?) શોધવા નીકળશો તો આ દુનિયાની વસાહતમાં કરોડો એવાં કપલો જડી આવશે જેમની બન્‍નેની જાતિ અને ધર્મ અલગ હશે છતાં તેમના દિલ વચ્‍ચે પ્રેમનો સમાન સિવિલ કોડ રંગ લાવે છે તેથી તેઓ પૂરી જિંદગી સુખથી સાથે જીવી જાય છે. માનો યા ના માનો પણ જ્ઞાતિ, જાતિ અને ધર્મ કોમના વાડા મિટાવવા હોય તો બન્‍ને કોમે આંતરજ્ઞાતિ લગ્‍નો સત્‍વરે અપનાવી લેવા જોઇએ. જો કે એ ઘણી અઘરી અને લગભગ અશક્‍ય જણાતી બાબત છે. પણ અત્રે એ વિચારવું રહ્યું કે બન્‍ને કોમના પાત્રો ઘરથી નાસીને લગ્‍ન કરી લે છે ત્‍યારે બન્‍ને કોમનું ધર્મ ઝનૂન કેવું સમસમીને બેસી રહે છે? ધર્મ,  કે કોમ કરતાં ય વાત્‍સલ્‍યપ્રેમ બળવત્તર હોય છે. દા.ત. એક ગ્‍લાસમાં ગંગાનું પાણી લો અને બીજામાં જમનાનું પાણી લો. ત્‍યારબાદ ત્રીજા ગ્‍લાસમાં એ બન્‍ને પાણીને ભેગું કરી દઇશું તો તે ન  ગંગાનું પાણી રહેશે ન જમનાનું… બલકે ગંગા જમનાનો સમન્‍વય થવાથી એ પાણી વધુ પવિત્ર બનશે.

                                                                        ધૂપછાંવ

      જેમને કારણે દેશના કરોડો નિર્દોષ મુસ્‍લિમોએ નાહક બદનામ થવું પડે છે એવા આતંકવાદીઓનો વિરોધ કરવો એ શેતાનને પથ્‍થર મારવા જેવી પવિત્ર રસમ ગણાય. સત્‍ય એ છે કે ગલી મહોલ્લામાં સેંકડો શેતાનો સક્રિય છે, તે શેતાનોનો નાશ કરો તો મક્કા સુધી લંબાઇને ત્‍યાંના શેતાનને કાંકરી મારવાની જરૂર નહીં પડે. મક્કા મદિનાનું પુણ્‍ય ઘરબેઠાં પ્રાપ્‍ત કરી શકાય. હિન્‍દુઓએ પણ રાવણના પુતળા જલાવવા કરતાં પોતાના મહોલ્લામાં કોઇ રાવણ રહેતો હોય તો તેને પોલીસને હવાલે કરવો જોઇએ. ચેરિટી બિગીન્‍સ એટ હોમ…!