રેશનાલિઝમ..??

યે રેશનાલિઝમ નહીં આસાં… બસ ઈતના સમજ લિજીયે, કાંટોભરા શહર હૈ ઔર નંગે પેર જાના હૈ..!’

                                         –દિનેશ પાંચાલ

    દેશની ટેકનોલોજીકલ તરક્કીમાં સૌની ખુશનસીબી

જીવન સરિતાને તીરે.. “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર–દિનેશ પાંચાલ Mo: 94281 60508

             દેશની ટેકનોલોજીકલ તરક્કીમાં સૌની ખુશનસીબી

      આજની નવી પેઢીના બાળકો કોમ્પ્યુટરના ‘ક’થી લઈને હાર્ડ ડિસ્કના ‘હ’ સુધીનું બધું જ્ઞાન ધરાવે છે, પણ બહુ ઓછા એ જાણતા હશે કે દર વર્ષના ડિસેમ્બરની ૩૦મી તારીખે ‘કોમ્પ્યુટર સિક્યુરીટી ડે’ તરીકે અને ડિસેમ્બરની બીજી તારીખ (અર્થાત્ ૨–૧૨–૧૯ના દિને) આપણે  કોમ્પ્યુટર દિવસ ઉજવ્યો હતો. (અને આવતી કાલે ૩૦–૧૨–૧૯ના દિને ‘કોમ્પ્યુટર સિક્યુરીટી ડે’ મનાવીશું) આપણે ત્યાં ૧૯૫૨માં કોમ્પ્યુટરનો પ્રવેશ થયો હતો. લગભગ ૬૯ વર્ષો પૂર્વે આપણે જે પ્રથમ કોમ્પ્યુટર બનાવ્યું હતું તેનું નામ ‘સિદ્ધાર્થ’ હતું. દોસ્તો, આપને થશે આજે અમે કોમ્પ્યુટરની કહાણી શીદ લઈ બેઠા છીએ..? કારણ સાંભળો.  હમણા અમારુ લેપટોપ બગડ્યું. એથી અમારે એવા પરેશાન થવું પડ્યું, માનો કામવાળી ન આવવાથી ઘરવાળી પરેશાન થઈ જાય. જોકે કોમ્પ્યુટર કરતાંય મોબાઈલ આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ચૂક્યો છે. (ઘણી છોકરીઓ તો બાથરૂમમાં ન્હાવા જાય ત્યારે પણ મોબાઈલ લઈ જાય છે. કેમ..? તો કહે –‘ડોલ ભરાય રહે ત્યાં સુધી શું કરુ..?’)

       હમણાં એક નવ વર્ષની દીકરીએ પૂછ્યું: ‘અંકલ, હેલિકોપ્ટર હવામાં સ્થિર કેવી રીતે રહી શકે છે…? આવા પ્રશ્નો મોટેરાઓને ભાગ્યે જ થાય છે. (તેઓ આજની મોંઘવારીના વાવાઝોડામાં પોતાનું ઘર સ્થિર રાખવાની ચિંતામાં ડૂબેલા હોય છે) દોસ્તો, વાત હેલિકોપ્ટરની નીકળી છે તો આજે આપણે થોડી ટેકનોલોજી અને સાયન્સની વાત કરીએ. હેલિકોપ્ટરની શોધ ૧૯૧૦માં રશિયાના આઈગોર સિકોસ્કીએ કરેલી. વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ હેલિકોપ્ટરને હવામાં સ્થિર રાખવા માટે તેના મથાળે મૂકેલો વિશાળકાય પંખો મદદરૂપ થાય છે. એ પંખાની પાંખો સહેજ મરોડીને ત્રાંસી કરવામાં આવી હોવાથી તે હવાને ઉપરની દિશામાં ફેંકે છે તેથી નીચે હવાનું પ્રચંડ દબાણ સર્જાય છે, જે હેલિકોપ્ટરને ઊંચે લઈ જાય છે. પાંખોની ગતિ વધતી ઓછી કરીને પાયલોટ એને ઈચ્છીત દિશામાં હંકારી શકે છે. દોસ્તો, જો કોઈ એમ કહે કે વિશ્વનું પહેલું કોમ્પ્યુટર ૧૮૨૨માં ચાર્લ્સ બેબ્જે બનાવ્યું હતું તો નવાઈ ના લાગે, પણ તે એમ કહે કે એનું માઉસ લાકડામાંથી બનાવવામાં આવ્યું હતું તો આશ્ચર્ય થયા વિના ના રહે. લાકડામાંથી વેલણ કે અખરિયો બની શકે, માઉસ કેવી રીતે બની શકે..? આપણી નવી પેઢીને ખબર છે કે હાર્ડ ડિસ્ક કોમ્પ્યુટરનો જીવ ગણાય. ૧૯૭૯માં પ્રથમ હાર્ડ ડિસ્ક બની હતી. જેની ક્ષમતા પાંચ એમ.બી.ની હતી. (૧૯૮૦માં પહેલી વાર એક જી.બી.ની હાર્ડ ડિસ્ક બની હતી. કોમ્પ્યુટર વિશે પ્રોસેસર, સોફ્ટવેર, મધર બોર્ડ, કી બોર્ડ જેવા અનેક શબ્દો યુવાપેઢીના હોઠ પર રમતા હોય છે)

       દોસ્તો, લેન્ડલાઈનના ફોનના ડબલા હવે લગભગ અદ્ર્શ્ય થઈ ચૂક્યા છે. ૧૮૭૬માં ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી હતી. અમે બપોરે સૂઈએ ત્યારે બારણું અને મોબાઈલ બન્ને સાથે બંધ કરી દઈએ છીએ. (કેટલાંક તો પોતાના વિઝીટીંગ કાર્ડમાં જ છપાવી દે છે: ‘ડોન્ટ ટ્રીન ટ્રીન ડ્યુરીંગ વન ટુ ફોર’) ૧૮૭૬થી ૨૦૧૯સુધીમાં મોબાઈલમાં અનેક સુધારાઓ થતા ગયા. ૧૯૭૬માં માર્ટિન કૂપરે મોબાઈલ ફોન પર પોતાની પ્રેમિકા સાથે પ્રથમ વાર વાત કરી હતી ત્યારે તે આનંદથી ગદ્ ગદ્ થઈ ગયો હતો. આપણે મહાભારત વગેરે સિરિયલોમાં આકાશવાણી થતાં સાંભળી હતી. આજે વિશ્વભરમાં મોબાઈલો દ્વારા ઘરેઘરે આકાશવાણીઓ થતી રહે છે.

       દોસ્તો, એકવીસમી સદીના ઘણા સુખો હવે વાસી થઈ રહ્યા છે. પહેલાં રેડિયો સાંભળવામાં જેટલી મજા આવતી તેટલી હવે એલ.ઈ.ડી ટીવીમાં નથી આવતી. ગ્રેહામ બેલે ૧૯૯૫માં ન્યૂ યોર્કથી સાન ફ્રાન્સીસ્કો સુધીની ટેલિફોન લાઈન સ્થાપી હતી. વિશ્વની એ સૌથી પહેલી લાંબી લાઈનમાં ૧.૩૦.૦૦૦ થાંભલા અને ૨૫૦૦ ટન તાંબાનો તાર વપરાયો હતો. આજે વિશ્વભરમાં ટોઈલેટ કરતાં મોબાઈલો વધી ગયા છે. રોજ પ્રભાતે એક નવો મોબાઈલ બજારમાં આવે છે. મોબાઈલની કંપનીઓ વચ્ચે ‘ટ્રેડ વોર’ ચાલે છે. જાણીને નવાઈ લાગશે પણ ૧૮૮૧માં અમેરિકાના પ્રમુખ જેમ્સ ગારફિલ્ડ પર ગોળીબાર થયેલો. એક ગોળી તેમના શરીરમાં ઉંડે ઉતરી ગઈ હતી. એ ગોળી ન મળવાથી ડૉક્ટરો મુંઝાઈ ગયા હતા. તેમણે અંતે ગ્રેહામ બેલને બોલાવ્યો. એણે તાત્કાલિક ધાતુને ડિટેક્ટ કરી શકે એવું એક સાધન બનાવી કાઢ્યું; અને પ્રેસિડેન્ટના દેહમાંથી ગોળી શોધી કાઢી. (ગ્રેહામની એ શોધને પગલે જ પછી મેટલ ડિટેક્ટરની શોધ થઈ હતી) ખાસ તો ફોનની શોધ એ ગ્રેહામ બેલનો, આ દુનિયા પરનો બહુ મોટો ઉપકાર છે. આજે ઘરમાં કોઈને એટેક આવે અને એમ્બ્યુલન્સ તથા ડૉક્ટરની જરૂર પડે ત્યારે મોબાઈલ ખૂબ ઉપયોગી નીવડે છે. ડૉક્ટર, નર્સ વગેરે સમયસર આવી જઈ દરદીને બચાવી લે છે. દોસ્તો, આનંદની વાત એ છે કે દુનિયાની હરણફાળ પ્રગતિમાં આપણે પણ છેક પાછળ રહી ગયા નથી. ધરમ કરમ અને નવચંડી યજ્ઞોની સાથોસાથ આપણો દેશ સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે પણ સતત આગળ વધતો રહ્યો છે. બચુભાઈ કહે છે કે, ‘આપણી એ તરક્કીથી માત્ર ભાજપે જ નહીં કોંગ્રેસે પણ ખુશી મનાવવી જોઈએ!’

                                                    ધૂપછાંવ

       નર્કના પાડાઓને યમરાજાએ પૂછયું: ‘હવે મૃતકોની સંખ્યા કેમ ઓછી થઈ ગઈ છે. ?’ પાડાએ જવાબ આપ્યો: ‘મહારાજ, ધરતી પર ૧૦૮ની સેવા ચાલુ થઈ છે. અમે પહોંચીએ તે પહેલા ૧૦૮ ત્યાં પહોંચીને માણસને બચાવી લે છે.’

    તો કદાચ સુખી થવાય..!

જીવન સરિતાને તીરે..‘ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભાર દિનેશ પાંચાલ MO: 94281 60508

                                     તો કદાચ સુખી થવાય..!

       હમણાં ચારેક વિદ્યાર્થીઓ રોડ પર એકમેકના ખભે હાથ મૂકીને સ્કૂટી ચલાવતાં હતાં. થયું એવું કે માર્ગમાં એક મોટો ખાડો આવ્યો તેમાં એક જણનું સ્કૂટી પડ્યું અને તેણે બેલેન્સ ગુમાવ્યું એટલે ત્રણે જણ પટકાયા. અમારા બચુભાઈ ત્યાં ઊભા હતાં, તેઓ બોલ્યા: “આમાં વિદ્યાર્થીઓનો વાંક જ નથી..! તેઓ તો બાપડા સમાજને મેસેજ આપી રહ્યાં હતાં કે આ રીતે સૌએ ખભેખભા મિલાવીને ટ્રાફિકનો સામનો કરવો જોઈએ. રોડ બનાવનારાઓની ખરાબ કામગીરી માટે આપણે બિચારા વિદ્યાર્થીઓને ભાંડીશું તો – “ગોળ ખાય ગલબો ને માર ખાય મંગલો” – જેવો ઘાટ થશે!”

       દોસ્તો, સરવે કરવામાં આવે તો એકલા ગુજરાતમાં જ એક દિવસમાં સ્કૂલ વિદ્યાર્થીઓના સેંકડો અકસ્માતો થાય છે. બધી વખતે રોડમાં ખાડા પડેલા હોતા નથી. (પણ ભેજામાં કમઅક્કલના “ભૂવા” પડ્યા હોય તેનો કોઈ ઉપાય ખરો..??) આજનું કોન્વેન્ટિયું કલ્ચર વાહનો ખૂબ રફ રીતે હાંકે છે. તેમને ટ્રાફિક નોલેજના કક્કાની પણ જાણ હોતી નથી. આ સમસ્યાનું મૂળ એ વાતમાં રહેલું છે કે આપણી ધર્મપ્રધાન સંસ્કૃતિમાં બાળકોને પૂજા–પાઠ કે ધરમ કરમના સંસ્કાર આપવામાં આવે છે પણ વ્યવહારુ જ્ઞાન આપવામાં આવતું નથી. (જોકે આજના સંતાનોને થોડી ધર્મની સમજ હોય તે અનુચિત નથી, પણ તેમાં પ્રમાણભાન હોવું જોઈએ) આપણે ત્યાં બાળકોને નાનપણથી  ભગવાનના ફોટા આગળ હાથ જોડતાં શીખવવામાં આવે છે. રામ–સીતા, રાધા–કૃષ્ણ કે ગણેશજીના ફોટા જોઈને બાળકો ફટ દઈને કહી દે છે કે આ ફલાણા દેવનો ફોટો છે. પણ રોડ પર લગાવેલા ટ્રાફિકના સિગ્નલો અંગે તેમને પૂછીએ કે આ સિગ્નલનો અર્થ શો થાય, તો તેઓ જવાબ આપી શકતા નથી. એમાં તેમનો નહીં, આપણી જૂનવાણી પ્રથાનો વાંક છે. વિદ્વાનો ભારપૂર્વક કહે છે કે પશ્ચિમના લોકો ચંદ્ર પર દોડવા લાગ્યા અને આપણી પ્રજાને રોડ પર કેમ ચાલવું તે હજી પૂરું આવડતું નથી. (સાચી અને યોગ્ય રીતે વાહન ચલાવવામાં તો મોટેરાઓ પણ ડિસ્ટીંક્શન સાથે નાપાસ થાય છે) ખાટલાની મોટી ખોડ એ ગણાય કે એને એક પાયો જ ના હોય..! વિદેશોમાં બાળકોને પાયામાં જ ટ્રાફિક નોલેજ આપવામાં આવે છે, અને પાકું લાયસન્સ આપતાં પહેલાં આર.ટી.ઓ. દ્વારા તેની કડક લેખિત પરીક્ષા લેવામાં આવે છે. આપણે ત્યાં લાયસન્સ પાકું મળી જાય છે અને ડ્રાઈવીંગ કાચુ રહી જાય છે.

 પશ્ચિમના દેશોએ વિજ્ઞાન અને ટેક્નોલોજીના માધ્યમથી સિદ્ધિના સેંકડો શિખરો સર કર્યા છે. આપણે ધર્મચિંધ્યા કાલ્પનિક સ્વર્ગ નર્કમાં રાચીએ છીએ. તેમને ત્યાં શિક્ષણમાં જ ટ્રાફિક નોલેજના પાઠ સમાવી લેવામાં આવ્યા હોવાથી રોડ પર વાહનો કેમ ચલાવવા તેનું કોઈને અલગથી જ્ઞાન આપવામાં આવતું નથી. આપણે ત્યાં રાજકારણીઓ દ્વારા ભગત અને ભૂવાઓનું સન્માન કરવામાં આવે છે પણ ટ્રાફિક નોલેજને શિક્ષણમાં સમાવી લેવા જેવી ઉપયોગી બાબતનો રાજકારણીઓને વિચાર આવતો નથી.

 એક વિદ્વાન ચિંતકે હમણા ટીવી પર કહ્યું: “આપણે ધારીએ તો ૧૩૦ કરોડ દેશવાસીઓ બુદ્ધિ, પરિશ્રમ અને વિજ્ઞાન તથા ટેક્નોલોજી દ્વારા (અમેરિકાની જેમ) દેશની ધરતી પર જ સાચું સ્વર્ગ સ્થાપી શકીએ એમ છીએ. પણ તે માટે સૌથી પહેલા આપણો દિમાગી તોર પર બૌદ્ધિક અને રેશનલ વિકાસ થવો જરુરી છે.

       દોસ્તો, એક સંતે ધર્મની જે વ્યાખ્યા કરી છે તે ધ્યાન ખેંચે એવી છે. તેમણે કહ્યું: “સારુ જીવન જીવી જવાની તર્કશુદ્ધ નિયમાવલી એટલે ધર્મ! એમાં માત્ર “ટ્રાફિક સેન્સ” જ નહી સમગ્ર “લાઈફ સેન્સ” આવી જાય છે. આપણા મોટાભાગના લોકો જીવનમાં ધર્મ સમજીને જે પાળે ખે તે અધર્મ હોય છે. રેશનલ સત્યને શરણે જવાને બદલે તેઓ અંધશ્રદ્ધાના ભક્તો બની રહે છે. આપણી પછાત સ્થિતિનું સાચું કારણ એ છે કે એકવીસમી સદી ચાલતી હોવા છતાં આપણી અંધશ્રદ્ધા ફાટીને ધૂમાડે ગઈ છે. પરિણામ એ આવ્યું છે કે ગાંધીનગરના ધનજી ઓડ નામના માણસે– ‘હું “ઢબુડી” માતા છું” કહી માથે ચુંદડી ઓઢી ધૂણવાનો ઢોંગ કર્યો ત્યારે તેના ધતીંગને ખુલ્લુ પાડવાને બદલે તેને લોકો શ્રધ્ધાભાવે નમન કરવા લાગ્યા. શહેરનો કોઈ તેજસ્વી વિદ્યાર્થી વિજ્ઞાનમેળામાં ફર્સ્ટ આવ્યો હોય તો તેની સિદ્ધિનું સમાજને કોઈ ગૌરવ હોતું નથી. બલકે એ જાણવાની પણ જિજ્ઞાસા હોતી નથી કે કઈ સિદ્ધિ બદલ તેને ઈનામ મળ્યું?

       સમાજ આખો ચર્ચાસૂરો છે. આપણે જરૂર પડ્યે ગલી નુક્કડની ચર્ચામાં પોલીસોના, નેતાઓના કે સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારના “પરચા” વાગોળતા રહીએ છીએ પણ એ ભૂલવા જેવું નથી કે આપણે પોતે પણ ભ્રષ્ટાચારની એ ચેઈનનો એક મજબુત આંકડો છીએ. સત્યના ધરમકાંટા પર આપણા ખુદના ભ્રષ્ટાચારની તોલણી કરવામાં આવે તો કદાચ (જેની આપણે ટીકા કરતા હોઈએ તેના કરતાં પણ) આપણો આંકડો મોટો નીકળે એવું બને..!

                                           ધૂપછાંવ

 તમે રોજ સવારે દાંતણની ચીરી પાડોશીને ત્યાં ફેંકશો તો તેને ત્યાં મરેલો ઉંદર આપણા વાડામાં ફેંકવાની તેને પ્રેરણા મળશે.

                             

દાઉદ ઈબ્રાહિમો કે હાફિઝ સઈદની ગેંગ હોય છે. મધર ટેરેસા કે વિનોબા ભાવેની ગેંગ હોતી નથી.

                                                                                                       –દિનેશ પાંચાલ

   કાના, તારી ગાય.. પ્લાસ્ટિકના ડૂચા ખાય..!

‘જીવન સરિતાને તીરે..’ “ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભાર  –દિનેશ પાંચાલ     Mo: 94281 60508

                     કાના, તારી ગાય.. પ્લાસ્ટિકના ડૂચા ખાય..!

       દોસ્તો, હવે સૌને સમજાઈ રહ્યું છે કે દેશનો વિકાસ માત્ર કાગળ પર કે ભાષણમાં નહીં પણ સૌને નજરો નજર દેખાવો જોઈએ. પાર્લામેન્ટમાં લેવાયેલા નિર્ણયોનો અમલ શેરીમાં થવો જોઈએ. આપણે ત્યાં વિકાસની વાતો પાર્લામેન્ટના દરવાજેથી નીકળી અખબારોના ઉંબર સુધીનો રસ્તો કાપીને અટકી જાય છે. એ કારણે થાય છે એવું કે કૂવા તળાવ બન્યાની જાહેરાતો આવે છે પણ કૂવા માત્ર કાગળ પર ખોદાય છે – ગામમાં ખોદાતા નથી. ભેંસની લોન દફતરમાં દેખાય છે પણ ગભાણમાં ભેંસ દેખાતી નથી. ગામમાં ટાંકી બંધાય છે પણ નળમાં પાણી આવતું નથી. આપણાં મહાન ભારતની આવી તો ઘણી વિશિષ્ટતાઓ છે. આપણે કૃષ્ણભક્ત હોવાને કારણે ગાયને માતા તરીકે પૂજીએ છીએ. અમેરિકનો નિત્ય પ્રભાતે ઉઠીને ગાયને માથે તીલક નથી કરતા, પણ ભારતની ગાયો કરતાં અમેરિકાની ગાયો વધુ સુખી અને તંદુરસ્ત છે. ત્યાં ગાયોને વ્યવસ્થિત ખોરાક આપવામાં આવે છે. આપણે ત્યાં કૃષ્ણએ ગાયો ચરાવી હતી એથી ગાયને પવિત્ર ગણી લેવામાં આવી, પણ આજે આપણે સૌ કાનાને એકી અવાજે એવી ફરિયાદ કરી શકીએ એવી સ્થિતિમાં છીએ કે – ‘કાના, તારી ગાય.. પ્લાસ્ટિકના ડૂચા ખાય..!’ જો હું હિન્દુ પરિષદનો મંત્રી હોઉં તો કરોડો હિન્દુઓને વિનંતી કરું કે મંદિરમાં જઈ કૃષ્ણની પૂજા નહીં કરો તો ચાલશે, પણ દેશની એક પણ ગાય રસ્તા વચ્ચે બેઠેલી ના હોવી જોઈએ. પ્લાસ્ટિકના ડૂચા ખાતી ગાય આપણું બહુ મોટું કલંક ગણાવું જોઈએ.

 એક અન્ય મુદ્દા પર વિચારીએ. હમણા એક કન્યાની લગ્નવિષયક સમસ્યા જાણવા મળી. અખબારોમાં લગ્નજીવનની સમસ્યાઓ અંગે સુંદર પ્રશ્નોત્તરી આવે છે. ચિંતાજનક મુદ્દો એ છે કે લગ્ન કરવામાં યુવા પેઢી અનિર્ણયની કેદી બની રહેતી જોવા મળે છે. વડીલો પણ પોતાના સંતાનોની હોય તેના કરતાં વધારે કિંમત આંકી બેસે છે. યુવા પેઢી અને વડીલો થોડા વધુ જવાબદાર બને તો તેમની પસંદગીનો ગ્રાફ વધુ વાસ્તવિક બને. મુરતિયાની પાત્રતા, હેસિયત તથા દેખાવ વગેરે ધ્યાનમાં રાખીને જ વડીલોએ કન્યા ગોતવી જોઈએ. ખૂબ મોટી ઉમર થઈ ગયા પછી બને છે એવું કે ટ્રેન ચાલુ થઈ જાય પછી દોડતી ગાડીએ જે ડબ્બો હાથ લાગે તે પકડી લેવો પડે છે. ખાસ કરીને કન્યાઓ માટે એક ચોક્કસ લગ્નકાળ હોય છે. તે સમયગાળામાં તમે પસંદગીની ટ્રેન ચૂકી જાઓ તો જિંદગીભર દરવાજે લટકીને મુસાફરી કરવી પડે છે. તમારી ઉમરના પચ્ચીસમા વર્ષે તમારી પાસે (બીજાને પસંદ કે નાપસંદ કરવાની) તક હોય છે. (પરંતુ ૪૦ વર્ષે તમને કોઈ પસંદ કરે તે માટે તમારે રજૂ થવાનું હોય છે) આવું ન થાય તે માટે જિંદગીના દરેક કાર્યક્રમનો સમય ચૂકવો ન જોઈએ. એક ચિંતકે કહ્યું છે: ‘ટ્રેનના સમય કરતાં વહેલા સ્ટેશને પહોંચી જનાર મુસાફરે હજી સુધી પસ્તાવું પડ્યું નથી.’

 હમણાં હાસ્ય અભિનેતા જ્હોની લિવરનો ઈન્ટરવ્યૂ જોવા મળ્યો. તેણે એક પંક્તિ કહી: ‘આદમી તૂટ જાતા હૈ એક ઘર બસાનેમેં.. ક્યૂં લોગ લગે રહેતે હૈં બસ્તિયાં ઉજાડનેમેં..?’ એ વાત પરથી સ્મરણ થયું. એકવાર એક ગરીબ લારીવાળાએ કહેલું: ‘સાહેબ, પેટ ખાલી હોય અને લારી ભરેલી હોય ત્યારે લારી ધકેલવાનું જોર પગમાં નથી હોતું, પણ પેટનો પોકાર સાંભળી પગ આગળ વધે છે!’ આપણું રાષ્ટ્ર હળપતિ અને ઉદ્યોગપતિના ખભે ઊભું છે. ખેતીથી રોટી પેદા થાય છે અને ઉદ્યોગથી રોટી પકવવાની તવી પેદા થાય છે. પણ ગરીબી સામે ટકી રહેવાની હિંમત આપમેળે પેદા થતી નથી– પેદા કરવી પડે છે.

       મહત્વની વાત એ છે કે આજે સાયન્સની સેંકડો સિદ્ધિઓનો સૂરજ મધ્યાન્હે તપી રહ્યો છે. મેડિકલ સાયન્સે તરેહ તરેહની શોધો કરી છે. દિનપ્રતિદિન મરણ પ્રમાણ ઘટતું જાય છે. હવે મરવું એ રમતની વાત રહી નથી. કેન્સરવાળા પણ કેન્સલ થતાં પહેલાં પૂરું આયુષ્ય ભોગવીને મરે છે. એને સુખ ગણો કે દુ:ખ.. પણ દુનિયાના દરબારમાં માણસ પવનવેગે પ્રવેશે છે અને કીડીવેગે જાય છે. વસ્તીવધારો ધરતીનો ઘસારો વધારી રહ્યો છે. બે સેકન્ડમાં ચાર બાળકો જન્મે છે, પણ એટલી ઝડપથી નવી ફેક્ટરીઓ, સ્કૂલો, કોલેજો ખૂલતાં નથી. શ્વાસ લેવા માટે હવા ખૂટતી નથી પણ જીવવા માટે ધન અને રોટી માટે અન્ન ખૂટી રહ્યું છે. આપણી પ્રગતિની તસવીર ગરીબીની ફ્રેમમાં મઢાયેલી છે.

                                                   ધૂપછાંવ

       કોઈનું ઘર ભાંગવા કરતાં તેની જિંદગી આબાદ કરવાનું કામ કઠિન હોય છે. (રોટલો ઘડવા કરતાં રળવાનું કામ અઘરું છે)

       

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 કોર્ટે કરી કેવી આ ભૂલ..!

         જીવન સરિતાને તીરે.. તા. 8-12-19 “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર દિનેશ પાંચાલ

                             કોર્ટે કરી કેવી આ ભૂલ..!

       જી, દોસ્તો, અંગ્રેજોએ 1860 માં એક વિવાદાસ્પદ કાયદો બનાવ્યો હતો. તે કાયદાનુસાર કોઈ પણ મહિલાનો પતિ પારકી સ્ત્રી સાથે વ્યભિચાર કરે તો તે ગુનો ગણાતો નહોતો, તેથી તે પોતાના પતિને સજા નહોતી અપાવી શકતી. તે સમયે પત્નીને પતિ સામે કોર્ટમાં જવાનો અધિકાર જ નહોતો. (ભારતીય દંડ સંહિતા 497 અનુસાર માત્ર વ્યભિચાર કરનારી મહિલાનો પતિ જ પત્નીના વ્યભિચારી પ્રેમી સામે કેસ દાખલ કરી શકતો) એ અન્યાયી કાયદા સામે મહિલાઓ ઈચ્છે તોય કાંઈ કરી શકતી નહોતી. હવે આજની લેટેસ્ટ સ્થિતિ જુઓ. સુપ્રિમ કોર્ટનો દાવો છે કે તેના પાંચે જજોએ મહિલાના સન્માનની રક્ષા કરી છે. કેમકે હવેથી મહિલાના અનૈતિક જાતીય સંબંધોને ગુનો ગણવામાં આવશે નહીં. (અર્થાત્ કોઈ પણ સ્ત્રી, પર પુરુષ સાથે વ્યભિચાર કરશે તો કાયદાની નજરમાં હવે તે ગુનો ગણાશે નહીં) દોસ્તો, ભેજુ ભમી જાય એવો આ કાયદો છે. એમાં સાંસારિક સ્થિરતા અને સલામતીનાં લીરેલીરાં ઉડાડી દેવામાં આવ્યા છે. કાયદો એમ કહે છે કે લાગણીની કોઈ કમજોર ક્ષણે પારકો પતિ અને પારકી પત્ની વચ્ચે સહમતિ સધાય અને તેઓ સ્વેચ્છાએ હોટલમાં જઈ વ્યભિચારનો ફાગ ખેલી આવે તો તે હવેથી ગુનો ગણાશે નહીં. હા, એટલું ખરું કે મૂળ (અસલી પતિ) તેની પત્નીના પરપુરૂષ સાથેના અનૈતિક સંબંધનું કારણ આગળ કરીને છૂટાછેડા માટે કોર્ટને અરજી કરી શકે છે. (મતલબ તમને ખૂન કરવાની છૂટ અને સામી વ્યક્તિને કોર્ટમાં જવાની છૂટ..!) આ ખૂબ વિવાદાસ્પદ અને અસામાજિક કહી શકાય એવો અતાર્કિક કાયદો છે. એમ કહી શકાય કે સુપ્રિમ કોર્ટે છીનાળાની છૂટ આપી અને સતીત્વને સજા ફરમાવી છે. આવો કાયદો કરનારા પાંચે જજો પ્રત્યે પૂરું રિસ્પેક્ટ જાળવીને તેમને પૂછવાનું મન થાય કે, ‘સાહેબો, કાલ ઊઠીને તમારી પત્નીને કોઈ પરપુરુષ જોડે મૈત્રિ થઈ જાય અને તે ધોળે દહાડે હોટલમાં જઈને સહપોઢણનો ખેલ ખેલી આવે તો તમે ચલાવી લેશો..? કદાચ “હાથના કર્યા હૈયે વાગ્યા” એવું વિચારીને તમે ન છૂટકે ચૂપ રહો પણ શું તમારા દિલને દુ:ખ નહીં થાય..? અને એ સંજોગોમાં તમારી સામાજિક પ્રતિષ્ઠાનું શું..?” સાહેબ, આતો એવી ભૂલ થઈ કહેવાય કે દુનિયાભરની તમામ જેલના ગુનેગારોને મુક્ત કરી દઈને તેમને કહેવું કે– ‘જાઓ.. હવે તમે સમાજમાં જે કાંઈ વ્યભિચાર, શિનાજોરી, બળાત્કાર કરશો તે ગુનો ગણાશે નહીં.’ આવી જીવલેણ ‘છૂટ’ આપવાથી સમાજની સલામતી જોખમાશે એવો ખ્યાલ તેમને કેમ ન આવી શક્યો.? આવા કાયદાથી કોનું શું ભલુ થઈ શકશે તે વિચારવાનું તેઓ કેમ ચૂકી ગયા?

 દોસ્તો, માણસના બે પ્રાકૃતિક લક્ષણો હોય છે. પહેલું લક્ષણ– પ્રત્યેક નોર્મલ સ્ત્રી પુરુષોને પરસ્પર માટે વિજાતીય આકર્ષણ હોય છે. અને બીજું એ કે યુવાન વયે માણસના મનને ધર્મ, નિયમ કે કાયદાની ગમે તેટલી મજબૂત બેડીમાં જકડી રાખવાની કોશિષ કરશો તોય તે બેડી તોડ્યા વિના રહેતું નથી. (ખરેખર તો આ– ઉલટી વોમીટ (વમન) જેવી ઘટના છે. માણસ પ્રયત્ન કરતો નથી, છતાં તે બીમાર હોઈ ત્યારે ઉલટી થઈ જાય છે) સવાલનો સવાલ એ છે કે વ્યભિચારને કાયદેસરની છૂટ આપી દેવાથી મહિલાની સુરક્ષા શી રીતે થઈ શકશે..? વળી શું આજની સંસ્કારી મહિલાઓ એ પ્રકારનો કાયદો ઈચ્છે છે ખરી? પ્રથમ તો વ્યભિચારને ગુનો ન ગણવાનો કાયદો બનાવતા પહેલા એ વિચારો કે વ્યભિચાર કોઈ પણ એંગલથી સમાજના હિતમાં ક્યારેય હોય શકે ખરો? હા, સદીઓ પૂર્વે આદિ માનવોમાં “બહુ પતિત્વ” અને “બહુ પત્નીત્વ” જેવી પ્રથા ચાલતી હતી. (આજે ય આફ્રિકાના જંગલોમાં એવી જાતિઓ વસે છે. તેમના વચ્ચેના વ્યભિચારને સમાજે સામૂહિક રીતે સ્વીકારી લીધો હોવાથી તેમનો વ્યભિચાર પતિ પત્નીના જાતીય સંબંધ જેટલો જ નિર્દોષ ગણાય છે) પણ એકવીસમી સદીમાં આપણે આફ્રિકાના આદિવાસીઓની જીવનશૈલી અપનાવવાની નથી. દેશમાં ‘અચ્છે દિન’નું નિર્માણ કરવાનું છે એથી આવી અતાર્કિક વિચારધારાનો વિરોધ જ કરવાનો હોય.

       દોસ્તો, ખાસ સંજોગોમાં સમાજ એ અંગે થોડો ઉદાર પણ બન્યો છે. મતલબ લગ્નેતર જાતીય સંબંધો ત્યારે ક્ષમાપાત્ર ગણી શકાય, જ્યારે બન્નેમાંથી કોઈ એક પ્રજોત્પત્તિ માટે અક્ષમ હોય, અને તેઓ એ ચોક્કસ કારણોસર અન્ય જોડે શારીરિક સંબંધ બાંધે. (જોકે તો પણ સમાજે એવો અંકુશ તો રાખ્યો જ છે કે કોઈ પણ સ્ત્રી કે પુરુષ મનસ્વીપણે એવું કરી શકે નહીં. વારસદાર માટે સમાજ તેને બીજા લગ્ન કરવાની છૂટ આપે છે. દોસ્તો, અત્રે એક ધ્યાન ખેંચે એવો ઈતર મુદ્દો એ છે કે.. (જૂઓ ‘ધૂપછાંવ’)

                                              ધૂપછાંવ

 શોધવા નીકળો તો સમાજમાં એવા અનેક કિસ્સાઓ મળી આવશે, જેમાં સ્ત્રી બાળક પેદા કરી શકવા સક્ષમ ન હોય ત્યારે તે રાજીખુશીથી પોતાના પતિને બીજા લગ્ન કરવાની છૂટ આપે છે. પરંતુ એવો એક પણ કિસ્સો જાણમાં નથી કે પતિમાં ખામી હોય તો પત્ની (તેનાથી છૂટી થયા વિના એક છત તળે) બીજા પુરુષ સાથે રહી શકે. (આજે એકવીસમી સદીમાં પણ સમાજ પુરુષપ્રધાન રહ્યો હોવાથી રામ કરે તે લીલા અને બીજા કરે તે ભવાઈ ગણાય છે..!)

 આપણે ટેકનીકલ ક્ષેત્રે સિદ્ધિઓ કેમ ન મેળવી શક્યા..?

 ‘જીવન સરિતાને તીરે.. ‘ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભાર દિનેશ પાંચાલ MO: 94281 60508

                આપણે ટેકનીકલ ક્ષેત્રે સિદ્ધિઓ કેમ ન મેળવી શક્યા..?

       દોસ્તો, કોઈ ગંભીર માંદગીમાં રાત્રે બે વાગ્યે તમને પૈસાની જરૂર પડે તો પહેલા પાડોશીઓને જગાડવા પડતા. પણ હવે ATM તમારી વ્હારે ધાઈ છે. આ ATM ની શોધ મૂળ તો લ્યૂથર સિમઝિયાએ કરેલી, પણ તેમાં રહી ગયેલી ઉણપો દૂર કરીને જ્હોન વ્હાઈટ નામના એન્જિનિયરે એક નવું મશીન બનાવ્યું. તે આજે દુનિયાભરમાં કાર્યરત છે. આપણે ત્યાં યુરોપ, અમેરિકા, કેનેડા, ફ્રાંસ અને જાપાન જેટલાં ATM મશીનો નથી. એનું કારણ એ છે કે પ્રાચિન કાળથી જ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ટોળામાં છેલ્લે ચાલતા ઘેટા જેવા રહ્યાં છીએ. જે શોધ દુનિયામાં વાસી થઈ જાય તે મોડી મોડી આપણે ત્યાં આવે છે. આપણે વિજ્ઞાન અને ટેકનીકલ ક્ષેત્રે પાછળ રહી ગયા તેનું મુખ્ય કારણ આપણી સરકાર નહીં– આપણો જૂનવાણી સમાજ છે. લગભગ દરેક ધાર્મિક દેશોમાં ભક્તિના ભૂંગળો વાગતા રહ્યાં છે અને વિજ્ઞાનવાદને ગળે ટૂંપો દેવાતો રહ્યો છે.

       સદીઓથી આપણે મંદિર–મસ્જિદ, પૂજા–પાઠ, હોમ–હવન, ક્રિયાકાંડ, સાલગિરા, પાટોત્સવ, સ્વર્ગ–નર્ક, પાપ–પુણ્ય, શ્રદ્ધા–અંધશ્રદ્ધા, ભગત–ભૂવા, બાધા–આખડી, યજ્ઞો.. વગેરેમાં રચ્યા પચ્યા રહેતા હોવાથી આજે એકવીશમી સદીમાં પણ સ્થિતિ એ છે કે ગામડામાં કોઈને સાપ કરડે તો હોસ્પિટલમાં લઈ જવાને બદલે ભગત પાસે લઈ જવામાં આવે છે. સ્ત્રીને ડાકણ સમજીને મારી નાખવાના કિસ્સાઓ બને છે. મેલી વિદ્યાની સિદ્ધિ પ્રાપ્ત કરવા બાપે તેના સગા દીકરાનો બલિ ચઢાવ્યો હોય એવું ઘણીવાર બન્યું છે. દોસ્તો, એક વાત તાંબ્રપત્ર પર લખી રાખજો. પ્રજા તરીકે આપણે પોતે ‘અચ્છે’ નહીં બનીશું તો મોદીજી એકલે હાથે ‘અચ્છે દિન’ લાવી શકવાના નથી. આપણે જેટલી ઝડપથી આધુનિક જગતના નવા સંશોધનો અપનાવીશું તેટલી વહેલી પ્રગતિ થઈ શકશે. આજની અદ્યતન અને ખૂબ ઉપયોગી શોધ રોબોટની છે. એનો ઈતિહાસ બહુ જૂનો છે. 1990 માં ‘આઈ રોબોટ’ કંપનીએ અદ્યતન રોબોટ બનાવ્યો હતો. તે હવે વિશ્વભરમાં કાર્યરત છે. ઈ.સ.2014માં અમેરિકાએ પોતાના સૈન્ય માટે જંગલમાં ગતિ કરી શકે તેવા ‘રોબોટિક હોર્સ’ બનાવ્યા હતા, જે 200 કિલો વજન લઈ ઉબડ ખાબડ રસ્તાઓ પર આસાનીથી ચાલી શકે છે. આજે અમેરિકાની હોસ્પિટલોમાં ‘રોબેર’ નામનો રોબોટ વૃદ્ધો કે અશક્ત માણસોને ઉઠવા બેસવામાં ટેકો આપે છે, અને જરૂર પડ્યે તેમને લેટરિન સુધી ઊંચકીને પણ લઈ જાય છે. (આપણી હોસ્પિટલોમાં આપણે અપંગ દરદીઓને બેડ પર ‘સ્ટૂલ પોટ’ કે ‘યુરિન પોટ’ આપીને કામ ચલાવીએ છીએ) સંશોધકો કહે છે કે વિતેલા 500 વર્ષોમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ભારતે નહીંવત પ્રગતિ કરી છે. જોકે ન્યાયખાતર સ્વીકારીએ કે આપણે ત્યાં પણ પ્રાચિનકાળમાં નોંધપાત્ર પ્રદાન આપનારા સંશોધકો થયા હતાં. જેમકે સદીઓ પૂર્વે અણુવિજ્ઞાનના પ્રણેતા મહર્ષિ કાનાડા હતા. સર્જરી ક્ષેત્રના પિતા કહેવાતા આચાર્ય સુશ્રૃત હતા. ખૂબ જાણીતા થયેલા મહર્ષિ ભારદ્વાજ હતા. યોગ વિજ્ઞાનના પિતામહ આચાર્ય પતંજલિ હતા. આયુર્વેદિક દવાઓના વપરાશકારો ચરકના નામથી ખાસ પરિચિત છે. ખગોળવિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ હતા. (જેમના નામનો ઉપગ્રહ ભારતે બનાવ્યો હતો તે 19-04-75 ના દિને અવકાશમાં છોડવામાં આવ્યો હતો) વરાહ મિહિરનું નામ પણ એસ્ટ્રોલોજર તરીકે આદરપૂર્વક લેવાય છે. પણ તેમણે કરેલા સંશોધનો કોઈને કોઈ રીતે અનડેવલપ રહી જવાને કારણે વિદેશી વિજ્ઞાનીઓ જેટલું સન્માન તેમને મળી શક્યું નથી. ખાસ તો સદીઓથી આપણે ત્યાં ધરમ કરમ અને ભક્તિભાવના મંજીરા દેશભરમાં ગૂંજતા રહ્યાં હોવાથી ઘરદીવડાઓએ કરેલા ઉપયોગી સંશોધનો તરફ આપણે ધ્યાન આપી શક્યા નથી. આપણે કાંકરાનું કિર્તન કર્યું,  પથરાનું પૂજન કર્યું.. અને રત્નોને રોડે રઝળતા મૂક્યાં.

       આધુનિક શોધખોળોમાં વિદેશીઓ આપણાં કરતાં પ્રથમથી આગળ હતા. કેમકે તેમના હાથમાં મંજીરા અને માળા નહીં, પણ ટેસ્ટ ટ્યૂબ અને સિરીંજ હતાં. પ્રયોગશાળાઓ અને કેમિકલો હતા. એથી તેમણે ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી. તેમની શોધો આ રહી. કોમ્પ્યુટર, ટેલિફોન, મોબાઈલ, ઈન્ટરનેટ, ફેઈસબુક, વોટસેપ, ઈન્સ્ટાગ્રામ, ઈમેલ, એલ.સી.ડી સ્ક્રીન, ઈલેકટ્રિક સીટી, ઈલેકટ્રિક કાર, એ.ટી.એમ મશીન, રોબોટ, વિમાન હેલિકોપ્ટર, ડ્રોન, રિમોટ કંટ્રોલ, મેગ્લેવ ટ્રેન, દાંતાવાળા મશીન, પેરેશૂટ, ઉપગ્રહો, ભૂકંપોનું એપિસેન્ટર, માઈક્રોવેવ ઓવન, એનેસ્થેસિયા, થર્મોમિટર, ફિલ્મ પ્રોજેક્ટરો વગેરે  તમામ આધુનિક ઉપકરણોની શોધ તેમણે કરી છે. એ તમામ શોધો અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જર્મની, સ્કોટ લેન્ડ, પોલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વગેરે દેશોના વિજ્ઞાનીઓએ કરી છે. બોલો કાંઈ કહેવું છે?

                                                  ધૂપછાંવ

             વિદેશીઓએ વિજ્ઞાનીઓ પકવ્યા.. આપણે આસારામો અને નારાયણ સાંઈઓ પકવ્યા.