કોર્ટે કરી કેવી આ ભૂલ..!

         જીવન સરિતાને તીરે.. તા. 8-12-19 “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર દિનેશ પાંચાલ

                             કોર્ટે કરી કેવી આ ભૂલ..!

       જી, દોસ્તો, અંગ્રેજોએ 1860 માં એક વિવાદાસ્પદ કાયદો બનાવ્યો હતો. તે કાયદાનુસાર કોઈ પણ મહિલાનો પતિ પારકી સ્ત્રી સાથે વ્યભિચાર કરે તો તે ગુનો ગણાતો નહોતો, તેથી તે પોતાના પતિને સજા નહોતી અપાવી શકતી. તે સમયે પત્નીને પતિ સામે કોર્ટમાં જવાનો અધિકાર જ નહોતો. (ભારતીય દંડ સંહિતા 497 અનુસાર માત્ર વ્યભિચાર કરનારી મહિલાનો પતિ જ પત્નીના વ્યભિચારી પ્રેમી સામે કેસ દાખલ કરી શકતો) એ અન્યાયી કાયદા સામે મહિલાઓ ઈચ્છે તોય કાંઈ કરી શકતી નહોતી. હવે આજની લેટેસ્ટ સ્થિતિ જુઓ. સુપ્રિમ કોર્ટનો દાવો છે કે તેના પાંચે જજોએ મહિલાના સન્માનની રક્ષા કરી છે. કેમકે હવેથી મહિલાના અનૈતિક જાતીય સંબંધોને ગુનો ગણવામાં આવશે નહીં. (અર્થાત્ કોઈ પણ સ્ત્રી, પર પુરુષ સાથે વ્યભિચાર કરશે તો કાયદાની નજરમાં હવે તે ગુનો ગણાશે નહીં) દોસ્તો, ભેજુ ભમી જાય એવો આ કાયદો છે. એમાં સાંસારિક સ્થિરતા અને સલામતીનાં લીરેલીરાં ઉડાડી દેવામાં આવ્યા છે. કાયદો એમ કહે છે કે લાગણીની કોઈ કમજોર ક્ષણે પારકો પતિ અને પારકી પત્ની વચ્ચે સહમતિ સધાય અને તેઓ સ્વેચ્છાએ હોટલમાં જઈ વ્યભિચારનો ફાગ ખેલી આવે તો તે હવેથી ગુનો ગણાશે નહીં. હા, એટલું ખરું કે મૂળ (અસલી પતિ) તેની પત્નીના પરપુરૂષ સાથેના અનૈતિક સંબંધનું કારણ આગળ કરીને છૂટાછેડા માટે કોર્ટને અરજી કરી શકે છે. (મતલબ તમને ખૂન કરવાની છૂટ અને સામી વ્યક્તિને કોર્ટમાં જવાની છૂટ..!) આ ખૂબ વિવાદાસ્પદ અને અસામાજિક કહી શકાય એવો અતાર્કિક કાયદો છે. એમ કહી શકાય કે સુપ્રિમ કોર્ટે છીનાળાની છૂટ આપી અને સતીત્વને સજા ફરમાવી છે. આવો કાયદો કરનારા પાંચે જજો પ્રત્યે પૂરું રિસ્પેક્ટ જાળવીને તેમને પૂછવાનું મન થાય કે, ‘સાહેબો, કાલ ઊઠીને તમારી પત્નીને કોઈ પરપુરુષ જોડે મૈત્રિ થઈ જાય અને તે ધોળે દહાડે હોટલમાં જઈને સહપોઢણનો ખેલ ખેલી આવે તો તમે ચલાવી લેશો..? કદાચ “હાથના કર્યા હૈયે વાગ્યા” એવું વિચારીને તમે ન છૂટકે ચૂપ રહો પણ શું તમારા દિલને દુ:ખ નહીં થાય..? અને એ સંજોગોમાં તમારી સામાજિક પ્રતિષ્ઠાનું શું..?” સાહેબ, આતો એવી ભૂલ થઈ કહેવાય કે દુનિયાભરની તમામ જેલના ગુનેગારોને મુક્ત કરી દઈને તેમને કહેવું કે– ‘જાઓ.. હવે તમે સમાજમાં જે કાંઈ વ્યભિચાર, શિનાજોરી, બળાત્કાર કરશો તે ગુનો ગણાશે નહીં.’ આવી જીવલેણ ‘છૂટ’ આપવાથી સમાજની સલામતી જોખમાશે એવો ખ્યાલ તેમને કેમ ન આવી શક્યો.? આવા કાયદાથી કોનું શું ભલુ થઈ શકશે તે વિચારવાનું તેઓ કેમ ચૂકી ગયા?

 દોસ્તો, માણસના બે પ્રાકૃતિક લક્ષણો હોય છે. પહેલું લક્ષણ– પ્રત્યેક નોર્મલ સ્ત્રી પુરુષોને પરસ્પર માટે વિજાતીય આકર્ષણ હોય છે. અને બીજું એ કે યુવાન વયે માણસના મનને ધર્મ, નિયમ કે કાયદાની ગમે તેટલી મજબૂત બેડીમાં જકડી રાખવાની કોશિષ કરશો તોય તે બેડી તોડ્યા વિના રહેતું નથી. (ખરેખર તો આ– ઉલટી વોમીટ (વમન) જેવી ઘટના છે. માણસ પ્રયત્ન કરતો નથી, છતાં તે બીમાર હોઈ ત્યારે ઉલટી થઈ જાય છે) સવાલનો સવાલ એ છે કે વ્યભિચારને કાયદેસરની છૂટ આપી દેવાથી મહિલાની સુરક્ષા શી રીતે થઈ શકશે..? વળી શું આજની સંસ્કારી મહિલાઓ એ પ્રકારનો કાયદો ઈચ્છે છે ખરી? પ્રથમ તો વ્યભિચારને ગુનો ન ગણવાનો કાયદો બનાવતા પહેલા એ વિચારો કે વ્યભિચાર કોઈ પણ એંગલથી સમાજના હિતમાં ક્યારેય હોય શકે ખરો? હા, સદીઓ પૂર્વે આદિ માનવોમાં “બહુ પતિત્વ” અને “બહુ પત્નીત્વ” જેવી પ્રથા ચાલતી હતી. (આજે ય આફ્રિકાના જંગલોમાં એવી જાતિઓ વસે છે. તેમના વચ્ચેના વ્યભિચારને સમાજે સામૂહિક રીતે સ્વીકારી લીધો હોવાથી તેમનો વ્યભિચાર પતિ પત્નીના જાતીય સંબંધ જેટલો જ નિર્દોષ ગણાય છે) પણ એકવીસમી સદીમાં આપણે આફ્રિકાના આદિવાસીઓની જીવનશૈલી અપનાવવાની નથી. દેશમાં ‘અચ્છે દિન’નું નિર્માણ કરવાનું છે એથી આવી અતાર્કિક વિચારધારાનો વિરોધ જ કરવાનો હોય.

       દોસ્તો, ખાસ સંજોગોમાં સમાજ એ અંગે થોડો ઉદાર પણ બન્યો છે. મતલબ લગ્નેતર જાતીય સંબંધો ત્યારે ક્ષમાપાત્ર ગણી શકાય, જ્યારે બન્નેમાંથી કોઈ એક પ્રજોત્પત્તિ માટે અક્ષમ હોય, અને તેઓ એ ચોક્કસ કારણોસર અન્ય જોડે શારીરિક સંબંધ બાંધે. (જોકે તો પણ સમાજે એવો અંકુશ તો રાખ્યો જ છે કે કોઈ પણ સ્ત્રી કે પુરુષ મનસ્વીપણે એવું કરી શકે નહીં. વારસદાર માટે સમાજ તેને બીજા લગ્ન કરવાની છૂટ આપે છે. દોસ્તો, અત્રે એક ધ્યાન ખેંચે એવો ઈતર મુદ્દો એ છે કે.. (જૂઓ ‘ધૂપછાંવ’)

                                              ધૂપછાંવ

 શોધવા નીકળો તો સમાજમાં એવા અનેક કિસ્સાઓ મળી આવશે, જેમાં સ્ત્રી બાળક પેદા કરી શકવા સક્ષમ ન હોય ત્યારે તે રાજીખુશીથી પોતાના પતિને બીજા લગ્ન કરવાની છૂટ આપે છે. પરંતુ એવો એક પણ કિસ્સો જાણમાં નથી કે પતિમાં ખામી હોય તો પત્ની (તેનાથી છૂટી થયા વિના એક છત તળે) બીજા પુરુષ સાથે રહી શકે. (આજે એકવીસમી સદીમાં પણ સમાજ પુરુષપ્રધાન રહ્યો હોવાથી રામ કરે તે લીલા અને બીજા કરે તે ભવાઈ ગણાય છે..!)

One thought on “ કોર્ટે કરી કેવી આ ભૂલ..!

  1. “ભેજુ ભમી જાય એવો આ કાયદો છે”
    સાચી વાત. ચકરાઈ ગયેલ ભેજામાં સવાલ કૂદાકુદ કરેછે કે? શું થઈ રહ્યુ છે????

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s