ડિમોલિશન અને ધરતીકંપ

સાંજે જે ઈમારતનું ડિમોલિશન થવાનું હોય તે ઈમારત સવારે ધરતીકંપમાં તૂટી પડે તો તેના માલિકને કોઈ આઘાત લાગતો નથી.

                                                –દિનેશ પાંચાલ

પ્રજાસત્તાક દિને ચપટીક ચિંતન

‘જીવન સરિતાને તીરે..’ ‘ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભાર -દિનેશ પાંચાલMO: 94281 60508

                              પ્રજાસત્તાક દિને ચપટીક ચિંતન    

       દોસ્તો, પ્રજાસત્તાક દિન યોગ્ય રીતે ઉજવાયેલો ત્યારે કહેવાય જ્યારે એ દિવસે સૌ દેશબંધુઓ આત્મચિંતન કરે કે આપણે વિતેલા વર્ષોમાં દેશને કેટલા વફાદાર રહ્યાં? ચોમેર વહેતી ભ્રષ્ટાચારની ગંગાથી જાતને કેટલી અલિપ્ત રાખી શક્યા? પણ એવું આત્મચિંતન કરવાનું આપણને ગાંધીજીએ શીખવ્યું નથી. આપણે શાળાઓમાં, સચિવાલયોમાં કે લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવીશું. ‘ભારત માતા કી જે’ બોલાવીશું.. ભાષણબાજી કરીશું.. અને બીજે દિવસથી ભ્રષ્ટાચારના સામૂહિક જનયજ્ઞમાં જોડાઈ જઈશું. દારૂના હપતા વસૂલ કરતી પોલીસને ચર્ચાપત્ર વડે ઝૂડી કાઢીશું. સરકારી કર્મચારીઓની લાંચરૂશ્વતના જાહેરમાં ચીંથરા ઊડાવીશું. અને ભ્રષ્ટાચારી નેતાઓને ભાંડવામાં પણ કોઈ કસર નહીં રાખીએ, (પણ વખત પડ્યે એજ રાજકારણીઓની વગનો ઉપયોગ કરીને કોઈ ગેરકાનુની કામની સજામાંથી છટકી જતાં આપણને વાર નહીં લાગે !) વિચારો, સલમાનખાનનો ગુનો પ્રૂવ થયો તોય તે જેલની બહાર કેમ છે…?
ભારતને આઝાદી આપવાનો ઠરાવ બ્રિટીશ સંસદમાં રજૂ થયેલો ત્યારે વિરોધ પક્ષના નેતા ચર્ચિલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું: ‘જો ભારતને આઝાદી આપવામાં આવશે તો બદમાશો, લુચ્ચાઓ અને ચાંચિયાઓના હાથમાં સત્તા જઈ પડશે. અને પાણીનું એક ટીપું કે રોટીનો એક ટૂકડો પણ કરવેરામાંથી બાકાત રહી શકશે નહીં. આ સત્તાભૂખ્યા લોકો સત્તા માટે એટલું લડશે કે ભારત રાજકીય ઝઘડાઓમાં પાયમાલ થઈ જશે !’ આપણાં શાસકોએ ચર્ચિલનો એક પણ શબ્દ જૂઠો પડવા દીધો નથી. આઝાદી મળ્યા પછી ૧૯૪૮માં ગાંધીજીએ કહ્યું હતું: ‘જીવનની શાંતિ માટે ધર્મ જરૂરી છે. પણ દેશના બધાં માણસો જાહેરમાં ધર્મ આચરશે તો દેશમાં અવ્યવસ્થા ફેલાશે !’ સરદાર વલ્લભભાઈ પટેલે પણ એમને સમર્થન આપ્યું હતું. દોસ્તો, આપણે ખૂબ ધર્મપ્રિય પ્રજા છીએ પણ દુનિયાના કુલ ૧૯૧ દેશોમાં પ્રમાણિક દેશોના ક્રમમાં આપણો કેટલામો નંબર આવે છે- જાણો છો ? એ ક્રમમાં પ્રથમ નંબર ન્યૂઝીલેન્ડ (૨) ડેનમાર્ક (૩) ફિનલેન્ડ (૪) સ્વીડન (૫) સિંગાપોર (૬) નોર્વે નેધરલેન્ડ (૭) સ્વીઝરલેન્ડ (૮) ઓસ્ટ્રેલિયા અને નવમા સ્થાને કેનેડા છે. આપણે તો એ યાદીમાં છેક ૯૫ મા નંબરે છીએ. દોસ્તો, ઉપરના સઘળા દેશોમાં ક્યાંય પણ રામકથા કે સત્યનારાયણની કથા થતી નથી. રથયાત્રા નીકળતી નથી. ગણેશ ચતુર્થી કે ગણેશ વિસર્જન નિમિત્તે સરઘસો પણ નીકળતા નથી. ત્યાં રામના કે હનુમાનના મંદિરો નથી. કોઈ હનુમાન ચાલીસા વાંચતું નથી. મંદિરો કે દરગાહો જેવા એક પણ ધર્મ સ્થાનકો ત્યાં જોવા મળતા નથી. છતાં ત્યાં ભિખારીઓ નથી. બાવા, સાધુ સંતો, મુનીઓ, પંડિતો, પુરોહિતો કે ધર્મગુરુઓ પણ શોધ્યા જડતા નથી. પાપ પુણ્ય જેવા શબ્દો જ તેમની જીવનશૈલીમાં નથી. અને છતાં ભારતીઓ કરતાં તેઓ હજારગણા સુખી અને પ્રમાણિક છે. જ્યારે આપણા દેશમાં અગણિત દેવીદેવતાઓ, ધર્મસંપ્રદાયો, અસંખ્ય બાવાઓ અને સાધુ સંતો, કે મુનિઓ વગેરેનો રાફડો ફાટ્યો છે. છતાં દેશમાં પારાવાર ભ્રષ્ટાચાર અને અનીતિઓ ચાલે છે. ધર્મના ઉપદેશ મુજબ લોકો લસણ અને ડુંગળી વગેરે નથી ખાતા પણ લાંચ જરૂર ખાય છે. અમારા મહોલ્લાના એક વૃદ્ધ સ્વાતંત્ર્ય સેનાનીને સરકારી ઓફિસમાં કામ પડ્યું. પાંચ દિવસ સુધી ધક્કા ખાઈને કંટાળ્યા પણ કામ ના થયું. અમારા બચુભાઈએ તે કામ (પચાસનું એક પત્તું પકડાવીને..) માત્ર પાંચ મિનિટમાં કરાવી આપ્યું. ત્યારબાદ અમારા કાનમાં કહ્યું: ‘માણસો કેવા મૂરખ હોય છે તેનું આ ઉદાહરણ છે. સ્વતંત્ર ભારતે બહુમતીથી સ્વીકારેલા લાંચના રિવાજમાં એ વુદ્ધ માનતા નથી, એથી પાંચ દિવસના ધક્કામાં કુલ ૩૪૦ રૂપિયા રિક્ષાના બગાડ્યા પણ પચાસનું એક પત્તું પેલા કારકુનની મૂઠીમાં દબાવવાની વ્યવહારુતા ન દાખવી શક્યા. ભૂલ માણસ કરે અને બદનામ સરકાર થાય..! સમજાતું નથી આપણે જીવનના દરેક વ્યવહારમાં ઈમાનદારીની પત્તર શા માટે ખાંડતા રહીએ છીએ ? લખી રાખજો, જ્યાં સુધી આ દેશના લોકો સરકારી કર્મચારીઓ પાસેથી મફતમાં કામ કરાવવાની નીચ મનોવૃત્તિ રાખશે ત્યાં સુધી દેશ કદી ઊંચો નહીં આવે ! આપણે સૌ એટલા નસીબદાર છીએ કે પૈસા ફેંકતા અહીં ગમે તેવા મોટા માથાનેય ખરીદી શકાય છે. પોલીસને એક પત્તું પકડાવો તો એ “ભલો” માણસ તમને જવા દે..! આપણને ખબર જ નથી કે વિદેશમાં ત્યાંની સરકાર લોકોને માથે કેવો જુલમ ગુજારે છે ? ભૂલ કરો એટલે ચેંચું કર્યા વિના ત્યાં દંડ ભરવાનો એટલે ભરવાનો.. ત્યાંના પોલીસો પણ સાલા એવા બદમાશ કે લાંચના ડોલરને હાથ પણ ના લગાડે..!’
દોસ્તો, અંતે મોદી સાહેબને એટલું જ કહીએ કે – ‘હું ખાતો નથી ને ખાવા દેતો નથી’ એવું તમે કહ્યું હતું પણ સાહેબ, તમારા સાશનમાં જેઓ પ્રધાન બન્યા ત્યારે શરુઆતમાં જેમની પાસે પૂરા પાંચ લાખ પણ નહોતા, તેઓ પછીથી દશ પંદર કરોડના માલિક કેવી રીતે બની બેઠાં તેની તપાસ કરાવો તો તમે ચોંકી ઊઠો એવો ભ્રષ્ટાચાર સામે આવશે. ભૂતકાળમાં જગજીવનરામ ટેક્ષ ભરવાનું ભૂલી ગયા હતાં. આજે ભાજપ કોંગ્રેસ સહિતના કેટલા બધાં નેતાઓએ ટેક્ષ ભર્યો નથી. કેટલાં બધાં નેતાઓએ સરકારી આવાસો ખાલી નથી કર્યાં. આ બધાં જ ભ્રષ્ટાચારના આંકડાઓ અખબારોમાં પ્રગટ થઈ ચૂક્યા છે. સાહેબ, પ્રજાસત્તાક દિને આવા ઉઘાડા સત્યને સાંભળીને ચૂપ રહેવાને બદલે કંઈક કરશો તો “અચ્છે દિન” જરૂર આવશે. આદરણીય મોદીજી, આપ આગે બઢો જનતા આપકે સાથ હૈં..!
                                                                          ધૂપછાંવ
દેશમાં બોટ દ્વારા આવેલા આતંકીઓ કરતાં વોટ દ્વારા પ્રવેશેલા આતંકવાદીઓ વધુ ખતરનાક છે.
 
 
 
gf

બુધ્ધીનું બેલેન્સ

માણસની મગજની બેંકમાં બુદ્ધિનું બેલેન્સ ઓછું હોય તો તે બ્રેક વગરના ખટારા જેવો જોખમી બની રહે છે.

                                                                                                                                                                    –દિનેશ પાંચાલ

ભ્રષ્ટાચાર: ભાજપનો ભયયુક્ત ભોરીંગ

‘જીવન સરિતાને તીરે..’ ‘ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભાર – દિનેશ પાંચાલMO: 94281 60508

                   ભ્રષ્ટાચાર: ભાજપનો ભયયુક્ત ભોરીંગ

     દોસ્તો, આજે સૌને ખબર છે કે સાંસદોને સરકાર તરફથી ઘણી બધી સુવિધાઓ મફત મળે છે. વસ્ત્રો ધોવાના એલાઉન્સીસથી લઈને દેશ વિદેશોમાં મફત ફોન કોલ અને અનલિમિટેડ ઈન્ટરનેટ કોલ તો મળે જ છે, પણ સંસદની કેન્ટિનમાં તેમને રાહત દરે ભોજન પણ મળે છે. (એકવાર સંસદની કેન્ટિનમાં પચ્ચીસ રૂપિયામાં વાનગીઓથી ભરપુર થાળી જમતા મોદી સાહેબનો વિડિયો વાયરલ થયો હતો ત્યારે એક પત્રકારે ટિપ્પણી કરતાં લખ્યું હતું: ‘સાહેબ, તમે ભલે પચ્ચીસ રુપિયામાં ભરપેટ ભોજન જમો પણ દેશના લાખો ગરીબોને એક ટંક માટે સુકો રોટલો પણ ખાવા મળતો નથી. તેમણે એક લોટો પાણી પીને ભૂખ્યા સુવું પડે છે તેનો વિચાર કરો. રાંધણગેસની સબસીડી જતી કરવા માટે મોદી સાહેબ લોકોને હાકલ કરે છે. અને સંસદની કેન્ટિનને પ્રતિ વર્ષ ૬૫ લાખની સબસીડી કઈ ખુશીમાં આપવામાં આવે છે? સાહેબ, મોસાળે જમણ ને મા પીરસનારી હોય ત્યારે આવું જ થાય. વળી વડપ્રધાન તરીકે તમે યોગા કરો, કસરત કરો, ડ્રમ વગાડો, આદિવાસીઓની કલરફૂલ પાઘડી અને છત્રી ઓઢી જાહેર જનતા વચ્ચે ભૂંડી વેશભૂષામાં રજૂ થાઓ.. આ બધી તમારી ચેષ્ઠા દેશભક્તિ નહીં, પણ પ્રસિદ્ધિની અબળખા બતાવે છે. લાખો ગરીબોના કરોડો પ્રશ્નો વચ્ચે તમે ઘેરાયેલા છો છતાં તમે ક્યાં તો ભાષણબાજીમાં ઉતરી જાઓ છો, ક્યાં કોંગ્રેસની નિંદાખોરીમાં જામી પડો છો; અને બાકી બચેલા સમયમાં લોકો વચ્ચે જાત જાતની વેશભૂષા રચી તેના ફોટા પડાવી તે વાયરલ કરો છે. સાહેબ, એક જ પ્રશ્નનો જવાબ આપશો. તમારા યોગાસન, કેન્ટિનનું જમણ કે ડ્રમ વગાડવાની સાવ અંગત કહી શકાય એવી પ્રવૃત્તિઓ, તમારી સંમત્તિ વિના ટીવી–ઈન્ટરનેટ કે વૉટસેપ પર વાયરલ થઈ શકે ખરી? સાહેબ, આ બધું બંધ કરીને બચેલા સમયમાં દેશના ભ્રષ્ટાચારની સમસ્યા પર ધ્યાન આપી શકો તો કદાચ થોડા ગણા ‘અચ્છે દિન’ આવી શકે!’
દોસ્તો, દિલ્હીના પત્રકારે કહેલી ઉપરની વાત વિચારવા જેવી છે. પણ બધો વાંક શાસકોનો નથી. દેશની પ્રજા જો ન્યાયપ્રિય હોય તો કદી એવુ બને ખરું કે ગુનેગારોને સજા થાય ત્યારે (સંતોષ પામવાને બદલે) તેના વિરોધમાં રોડ પર નારા લગાવવા નીકળી પડે..! 20-09-2002 માં અબુ સાલેમને જેલ થયેલી ત્યારે (અને મેમણ બ્રધર્સને ફાંસી થયેલી ત્યારે પણ) લોકો સરકારની વિરુદ્ધમાં રોડ પર ઉતરી આવ્યા હતાં. વિવેકબુદ્ધિવાદ હંમેશાં એવા તાટસ્થ્યનું આગ્રહી હોય છે કે સૌએ સત્ય અને ન્યાયસંગત બાબતને જ સપોર્ટ કરવો જોઈએ. સજા પામનારના પદ, પ્રતિષ્ઠા અને મોભ્ભો જોઈને અભિપ્રાય આપવો તે પક્ષપાતી વલણ ગણાય. કોઈ પણ તટસ્થ વ્યક્તિ, ભલે તે ચૂસ્ત ભાજપી હોય પણ મોદીજીની ભૂલ હોય તો તેણે તેમનો બચાવ હરગીજ ન કરવો જોઈએ અને રાહુલ ગાંધી પાસે બે ઉપયોગી વિચારો હોય તો તેની પણ સરાહના કરવી જોઈએ, રાહુલે પણ ભાજપના સો ટકા સારા કામનો (તેઓ કેવળ વિરોધ પક્ષમાં હોવાને કારણે જ) વિરોધ કરવો જોઈએ નહી. આપણે ગાંધીજીનો વિચાર વારસો મળ્યો હોવાથી “વસુદૈવ કુટુમ્બકમ” માં માનીએ છીએ પણ અમેરિકાને તે બેવકૂફી લાગે છે. અમારા બચુભાઈ કહે છે કે, “વાઘ ગાંધીજીના વ્હાયે ચાલીને અહિંસાનું વ્રત લઈ બેસે તો તેણે ઘાસ ખાવાનો વખત આવે..!” અમેરિકા દુનિયાના દેશોને શસ્ત્રો વેચીને અરબો રુપિયા તેની તિજોરીમાં ખેંચી લાવે છે. છેલ્લા ૧૯ વર્ષોથી અમેરિકા ખોટા કારણો આગળ કરીને અફઘાનિસ્તાન, ઈરાક અને સીરિયા જેવા ઘણાં દેશો વચ્ચે યુદ્ધનો પલિતો ચાંપ્યો છે; જેમાં લાખો મુસ્લિમો માર્યા ગયા છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે પણ તક મળે ત્યારે તે નારદમુનીની ભૂમિકા ભજવવાનું છોડતું નથી. પાકિસ્તાનનું એ કમનસીબ છે કે અમેરિકાની યુદ્ધખોરીને પીછાણવાની ત્રેવડ ઈમરાનમાં નથી. આપણને ત્રાસ આપતા હજારો આતંકવાદીઓનું ખાનગી ટ્રેનીંગ સેન્ટર અને આશ્રયસ્થાન પણ અમેરિકા છે. આપણા મોદીજી પણ એ જાણી ચૂક્યા છે પણ વાઘને કહી શકાતું નથી કે તારા મોઢામાંથી માંસની વાસ આવે છે.
                                                                           ધૂપછાંવ
                અમેરિકા માને છે કે– “શાંતિ જોઈતી હોય તો યુદ્ધ માટે તૈયાર રહો..!”
 

તો ભગવાન તેના નુકસાનથી બચાવી નહીં શકે.

માળા કરવાનું ચૂકશો તો ચાલશે પણ સુગર પ્રેસરની દવા લેવાનું ભૂલશો તો ભગવાન તેના નુકસાનથી તમને બચાવી નહીં શકે.

                                                             –દિનેશ પાંચાલ

ઓર કો ચાહોગી તો મુશ્કિલ હોગી..!                         

 ‘જીવન સરિતાને તીરે..’ ‘ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભાર દિનેશ પાંચાલMO: 94281 60508

                         ઓર કો ચાહોગી તો મુશ્કિલ હોગી..!                                                            

    લગ્નેતર સંબંધો અંગે આપણો કહેવાતો રિજીડ સમાજ હવે થોડો ઉદાર બન્યો છે. પતિ પત્ની, બન્નેમાંથી કોઈ એક પ્રજોત્પત્તિ માટે અક્ષમ હોય અને તેઓ વારસદાર મેળવવાના ચોક્કસ હેતુસર લગ્નેતર જાતીય સંબંધ બાંધે તો સમાજ આંખ આડા કાન કરે છે. જોકે તે પણ એટલું આસાન નથી. એવા દંપતિએ કુટુંબીજનો, પરિવાર કે જ્ઞાતિજનો પાસે આગોતરી સંમતિ મેળવવી પડે છે. (મતલબ, સમાજ તેમને રંગરેલિયા મનાવવા માટે એવી છૂટ આપતો નથી) આ મુદ્દો આજે એટલા માટે છેડ્યો કે હમણાં સુપ્રિમ કોર્ટનાં પાંચ જજોએ એવી જાહેરાત કરી કે સ્ત્રી તેના પુરુષમિત્ર સાથે રાજીખુશીથી વ્યભિચાર કરશે તો તે ગુનો ગણાશે નહીં. જજશ્રીઓના એ સ્ટેટમેન્ટથી સમાજમાં ખાસ્સો વિવાદ પેદા થયો છે.

       દોસ્તો, વાજબી કારણો હોય ત્યાં સમાજ થોડો ઉદાર બનીને સ્ત્રી–પુરૂષોના લગ્નેતર સંબંધોને સહી લેવા તૈયાર છે; પણ માત્ર જાતીય રંગરેલિયા મનાવવા માટે ખૂલ્લેઆમ એવી છૂટ આપવામાં આવે કે– ‘જાઓ.. ભાઈ, તમે ઈચ્છો તેની સાથે દૈહિક સંબંધો બાંધી સહપોઢણની મજા માણી લો.. તમને કોઈ કાંઈ કહેશે નહીં..’ – તો એ બાબત હઝમ થતી નથી. આજે પાંચ સાત વર્ષની બાળાઓ પર બળાત્કારો થઈ રહ્યા છે ત્યારે આવી કાયદાકીય છૂટ આપવી એ – “આવ ભેંસ.. મને શિંગડુ માર..!” કહેવા જેવી મૂર્ખામી ગણાય. દોસ્તો, કાયદા દ્વારા એવી જોખમી છૂટ આપવામાં આવશે તો તે આપણી સંવૈધાનિક બેવકૂફી ગણાશે. ટૂંકમાં વ્યભિચારને કાયદેસરની છૂટ આપવામાં આવશે તો સમાજમાં જાતીય દીપડાઓ પેધા પડશે. અને અશાંતિની આગ ફાટી નીકળશે. કોર્ટે તો સામાજિક શાંતિ જળવાય રહે એવી આચારસંહિતા જાળવવાની હોય છે. તે વ્યભિચારને કાયદાકીય રીતે નિર્દોષ ઠેરવે એ કોઈ રીતે ઊચિત નથી. સમાજના બૌદ્ધિકોએ વિચારવું રહ્યું કે સામાજિક શાંતિને જોખમમાં મૂકે એવી કોઈ પણ બાબતને આવકારી શકાય નહીં. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે લગ્ન એ સાત જન્મોનું બંધન છે. લગ્ન એ સમજી વિચારીને રાજીખુશીથી સ્વીકારેલો સંબંધ છે. એથી તે કાયમી અને શાશ્વત છે. પણ વ્યભિચાર એ પરસ્પર વચ્ચેની કામચલાઉ અને સ્વાર્થયુક્ત સંમતિ છે. (તે કામચલાઉ તંબુ જેવી ગણાય. લગ્નની આલિશાન બીલ્ડીંગની તોલે તે ન આવી શકે) ઘણીવાર વડીલો ઉતાવળમાં કજોડાના લગ્ન કરાવી દેતાં હોય છે. તેવા લગ્નોમાં પાછળથી કોઈ મનદુ:ખ ઉદભવે તો તેને માટે સમાજે છૂટાછેડાનો સેફટીવાલ્વ આપ્યો છે. એથી તેવા દંપતિએ એ દુ:ખને આજીવન છાતીએ વળગાડીને જીવવાની જરૂર નથી. પણ બીજી તરફ સમાજે કોઈ પણ પરણેલા સ્ત્રી પુરુષોને વ્યભિચાર આચરવાની છૂટ નથી આપી. ફિલ્મ ‘દિલ હી તો હૈ’માં મુકેશજીએ ગીત ગાયું હતું: ‘તુમ અગર મુઝકો ન ચાહોગી તો કોઈ બાત નહીં… મગર તુમ કિસી ઓર કો ચાહોગી તો મુશ્કિલ હોગી.’ આ “મુશ્કિલ” સુપ્રિમ કોર્ટના પાંચ જજશ્રીઓ ન સમજી શક્યા તે દુ:ખની વાત છે. સાધન શુદ્ધિ વિનાના કાયદાઓને કારણે સમાજમાં મોટી અશાંતિ ફેલાઈ શકે છે.

       જોકે અમેરિકા સહિતના પશ્ચિમના અનેક દેશોમાં વ્યભિચારને કાયદેસર બનાવી દેવાયો છે. પરંતુ અત્રે એ વિચારવું રહ્યું કે પશ્ચિમના જે દેશોએ લગ્નેત્તર સંબંધોને સહજભાવે સ્વીકાર્યા છે તેઓ શું ખરેખર ખુશ છે? તેમનું દાંપત્ય જીવન કેવું છે? અહેવાલ એવો છે કે તેમનું સામાજિક જીવન છિન્નભિન્ન થઈ રહ્યું છે. બાળકો તેમને જોઈને બહુ નાની ઉમરે અવળે રસ્તે ફંટાઈ રહ્યા છે. ‘લીવ ઈન રિલેશનશિપ’ને કારણે તેમનું  ટૂંકજીવી સ્નેહસંવનન બહું ઝડપથી ખતમ થઈ જાય છે. અને બન્ને પતંગિયા નવા શિકારની શોધમાં પ્રવૃત બને છે. અર્થાત્ કોઈ ઉંડાણમાં જઈને એ તપાસતું નથી કે તેમના આ કામચલાઉ સ્નેહકરારમાં ફાયદા કરતાં ગેરફાયદાઓનું લિસ્ટ કેટલું લાંબુ છે?

           ઈ.સ. 1707 માં બ્રિટીશ મુખ્ય ન્યાયધીશ જૉન હૉલ્ટે વ્યભિચારને ખૂન પછીનો સૌથી મોટો ગંભીર ગુનો ગણાવ્યો હતો. મનુસ્મૃતિ (તથા અન્ય સ્મૃતિઓ)માં પણ વ્યભિચારને અત્યંત ઘૃણાસ્પદ ગુનો કહેવામાં આવ્યો છે. બલકે મનુ ભગવાન અને યાજ્ઞવાલ્ક્યે વ્યભિચારીઓ માટે રૂંવાડા ખડા થઈ જાય એવી સજા સૂચવી છે. ભારતીય વિદેશ નિતીના પ્રમુખ વેદ પ્રતાપ વૈદિક લખે છે કે, ‘ઈસ્લામમાં વ્યભિચારને સાબિત કરવાનું કઠીન છે. કેમકે તે ચાર સાક્ષીઓની હાજરીમાં પ્રત્યક્ષ થયેલો હોવો જોઈએ.’ (લ્યો સાંભળો…, વ્યભિચાર કોઈ સાક્ષી શોધીને કરે ખરું?) અફઘાનિસ્તાનના પઠાણો કટ્ટર મુસ્લિમ હોવા છતાં તેઓ શરિયાની જોગવાઈને માનતા નથી. તેઓ વ્યભિચારના મામલામાં “પશ્તૂનવાળી” પ્રથાનો અમલ કરી આકરામાં આકરી સજા કરે છે. દોસ્તો, આ “પશ્તૂનવાળી” સજા એટલે શું તે આપણે જાણતાં નથી પણ આમ જ ચાલ્યું તો આપણે ત્યાં દારૂ અને જુગારને પણ ગુનો માનવાનું બંધ કરી દેવામાં આવશે, અને બેશક તે ખોટું થશે.

                                             ધૂપછાંવ

       તીન તલાક કોર્ટે  રદ કર્યા ત્યારે એક રમૂજ ઈન્ટરનેટ પર ફરતી થઈ હતી. એક મુસ્લિમ યુવકે કહેલું: ‘ત્રણ વાર “તલાક” બોલવાથી આપોઆપ છૂટાછેડા ગણાઈ જતાં હોય તો ત્રણ વાર ‘આઈ લવ યુ’  અથવા (‘તું મારી પત્ની છે’) એવું બોલવાથી તે પત્ની બની જાય ખરી?

 ઈશ્વરની આરાધનાનું વિજ્ઞાનીકરણ

         ‘જીવન સરિતાને તીરે..’ ‘ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભાર -દિનેશ પાંચાલ

                                   MO: 94281 60508
 ઈશ્વરની આરાધનાનું વિજ્ઞાનીકરણ
એક વૈજ્ઞાનિક એટલે ધરતી પર થઈ રહેલા ‘સુખશાંતિ’ નામના નવચંડી યજ્ઞનો બ્રાહ્મણ ! ખુદ નાસ્તિકો પણ વિજ્ઞાનીઓને ઈશ્વરતુલ્ય ગણે છે. અમારા બચુભાઈ કહે છે: ‘તમારા ઘરની દીવાલ પર દેવી દેવતાઓના હારબંધ ફોટા લગાડ્યા હોય તો તમારી શ્રદ્ધા ખાતર એ ફોટા ભલે ત્યાં રહેતા, પણ એ સઘળાની ઉપર કોઈ વિજ્ઞાનીનો ફૂલ સાઈઝનો ફોટો લગાડજો. એમ કરશો તો સર્જનહારને વંદન કર્યા તુલ્ય ગણાશે.’ દોસ્તો, વિજ્ઞાન એક વિશાળ સમુદ્ર છે. એમાં ઊંડી ડૂબકી લગાવીને સુખના મોતી શોધનારા મરજીવાઓ એટલે વિજ્ઞાનીઓ..! વીજળીની શોધ ૧૮૩૧માં માઈકલ ફેરેડેએ કરી હતી. એણે એક ઈલેક્ટ્રીક ડાયનેમો બનાવ્યો હતો તેનાથી તે વીજળી પેદા કરી શકતો હતો. માણસને જીવાડવામાં હવા, પાણી અને ખોરાક જેટલી જ જરૂર હવે વીજળીની પડે છે. અમારા બચુભાઈ વીજળીને અલ્લાદીનનો જાદુઈ ચિરાગ કહે છે. વિજ્ઞાનીઓએ વીજળીના અનેક સ્ત્રોત શોધી કાઢ્યાં છે. વીજળી હવે વનસ્પતિમાંથી, કોલસામાંથી, સૂર્યપ્રકાશમાંથી અને પવન દ્વારા પણ પેદા કરી શકાય છે. વીજળીનો સૌથી પહેલો ભેટો પ્રાચીન ગ્રીસના લોકોને થયો હતો. (ત્યાં લોકો અબનુસના સળિયા સાથે રેશમ ઘસતા એથી થોડી માત્રામાં કરન્ટ પેદા થતો. પણ એ ઉર્જાનો સદુપયોગ કેમ કરવો તેની તેમને સમજ નહોતી) ૧૯૬૦માં જર્મન વિજ્ઞાની ઓટોવાન ગેરિકે સલ્ફરના દડા પર કપડું ઘસીને વીજ પ્રવાહ પેદા કર્યો હતો. ગેરિકની શોધ પછી દુનિયાના તમામ વિજ્ઞાનીઓને એક નવી દિશા મળી, અને સૌએ એ દિશામાં પ્રયોગો કરવા માંડ્યા. (એલેસાન્ડ્રી વોલ્ટા નામના વિજ્ઞાનીએ, અમુક રસાયણો ભેગાં કરવાથી– રાસાયણિક પ્રક્રિયા દ્વારા વીજળી પેદા થાય છે એવું પણ શોધ્યું) ૧૮૨૦માં હેન્સ ઓરસ્ટેડે એક પ્રયોગ દ્વારા એ જાણકારી મેળવી કે વીજપ્રવાહ સાથે મેગ્નેટિક ફીલ્ડ રચાય છે.
સંક્ષિપ્તમાં વીજળીના શોધક તરીકે ભલે આપણે ફાઈનલ નામ માઈકલ ફેરેડેનું જાણીએ છીએ પણ વીજળીની શોધ સમુદ્રમંથન જેવી છે. અનેક વિજ્ઞાનીઓના સતત પ્રયાસ પછી એ શોધ થઈ શકી છે. એમ કહો કે અનેક વિજ્ઞાનીઓના સહિયારા સમુદ્રમંથન દ્વારા વીજળીની શોધ થઈ છે. વીજળી વડે વિશ્વનો ખૂબ સુંદર ‘મેઈકઓવર’ થઈ શક્યો છે. દોસ્તો, વિજ્ઞાનીઓની આંખો આમ તો સાધારણ ઈન્સાનો જેવી જ હોય છે પણ તેમની દષ્ટિ દૂધમાં ઘીને જોઈ શકે છે. ફેરેડેના જીવનનો એક પ્રસંગ એ વાતની પૂર્તિ કરે છે. બનેલું એવું કે એકવાર તેઓ પોતાનો એક પ્રયોગ લોકોને બતાવી રહ્યા હતા. પ્રયોગ એવો હતો કે એક મિટર લાંબી સોય વીજળીથી હાલતી હતી. એ જોઈ એક સ્ત્રીએ નિસાસાપૂર્વક કહ્યું: ‘ઓહ ગૉડ…! આટલી મામુલી વાત બતાવવા તમે લોકોને ભેગાં કર્યા?’ ફેરેડેએ જવાબ આપ્યો: ‘તમારુ નાનુ બાળક અત્યારે કાંઈ કરી શકતું નથી પણ મોટુ થઈને તે ઘણાં એવાં કામો કરશે જેની અત્યારે તમને જાણ ન થઈ શકે. આ પ્રયોગથી અત્યારે માત્ર સોય હાલે છે, ભવિષ્યમાં આખી દુનિયા હાલશે..!’ અને ફેરેડેની વાત સાચી સાબિત થઈ. આખું વિશ્વ આજે વિજળીના ચકડોળ વડે નિરંતર ઘુમી રહ્યું છે.
દોસ્તો, ૧૯૬૫માં આપણાં વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ‘જય જવાન.. જય કિસાન’નું સ્લોગન આપ્યું હતું. પરંતુ શ્રી મોદીજીએ એમાં સુધારો કરીને ‘જય વિજ્ઞાન’નું સૂત્ર આપ્યું છે તે વધુ સાચું અને વિશેષ અર્થપુર્ણ છે. આજે વિશ્વના ચૉકમાં વિજ્ઞાન નામની ઝળહળતી હેલોઝેન સળગે છે. તેના પ્રકાશમાં અમાસના અંધકારને પણ પુનમની ચાંદનીમાં ફેરવી શકાય છે, અને તેના અજવાળામાં આપણા ક્રિકેટરો મેચ રમી શકે છે. હા, એ વાત સાચી છે કે જવાનો પ્રજાનું રક્ષણ કરે છે અને કિસાનો અન્ન પકવે છે તે અન્ન વડે દુનિયા જીવે છે. પરંતુ માણસ માટે કેવળ અનાજ અને સલામતી પર્યાપ્ત નથી. એને સુખશાંતિ, સમૃદ્ધિ, પ્રગતિ અને આનંદ પણ જોઈએ છે. માણસે વિજ્ઞાન અને ટેક્નોલોજીની મદદ વડે ધરતી પર સુખનું સામ્રાજ્ય ખડું કર્યું છે. વિજ્ઞાને માણસને દુનિયામાં દોડતો અને આકાશમાં ઉડતો કર્યો છે. દોસ્તો, આપણે જેને ભલે જોયા નથી પણ આપણી આગળની બીજી કે ત્રીજી પેઢીના પૂર્વજોએ જલારામ બાપા તથા સાંઈબાબાને જીવતા જોયા હતા અને તેમના ચમત્કારો પણ માણ્યાં હતાં. તે રીતે આજે ફેરેડે કે આર્કિમિડીઝ જેવા ભૂતકાલિન વિજ્ઞાનીઓને આપણે જોયા નથી પણ તેમણે જે સંશોધનો કર્યા છે તેના મીઠા ફળો આપણે માણી શકીએ છીએ અને બેશક આપણી આગામી પેઢીઓ પણ માણી શકશે.
  ધૂપછાંવ
ઘણાં મંદિરોમાં સવાર સાંજની આરતીટાણે હવે ઈલેક્ટ્રીક યંત્ર વડે નગારા વાગે છે. આરતીની ઘણી જ્યોતવાળો દીવડો આપમેળે ઘુમે છે. એમાં રૂના પુમડાની જ્યોતને સ્થાને ઈલેક્ટ્રીક દીવડા જલે છે. મંદિરોમાં આગીયાની જેમ ઝબુકતી અગરબત્તી પણ ઈલેક્ટ્રોનિક હોય છે. આમ વિજ્ઞાનીઓએ પૂજા વિધિની મોટાભાગની રીતરસમોનું યાંત્રિકરણ કરીને વિજ્ઞાન દ્વારા ઈશ્વરના મંદિરોનું પણ રિનોવેશન કર્યું છે. એથી કહેવાનું મન થાય છે કે ‘ઓમ્ વિજ્ઞાન દેવતાય નમ:’