પ્રજાસત્તાક દિને ચપટીક ચિંતન

‘જીવન સરિતાને તીરે..’ ‘ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભાર -દિનેશ પાંચાલMO: 94281 60508

                              પ્રજાસત્તાક દિને ચપટીક ચિંતન    

       દોસ્તો, પ્રજાસત્તાક દિન યોગ્ય રીતે ઉજવાયેલો ત્યારે કહેવાય જ્યારે એ દિવસે સૌ દેશબંધુઓ આત્મચિંતન કરે કે આપણે વિતેલા વર્ષોમાં દેશને કેટલા વફાદાર રહ્યાં? ચોમેર વહેતી ભ્રષ્ટાચારની ગંગાથી જાતને કેટલી અલિપ્ત રાખી શક્યા? પણ એવું આત્મચિંતન કરવાનું આપણને ગાંધીજીએ શીખવ્યું નથી. આપણે શાળાઓમાં, સચિવાલયોમાં કે લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવીશું. ‘ભારત માતા કી જે’ બોલાવીશું.. ભાષણબાજી કરીશું.. અને બીજે દિવસથી ભ્રષ્ટાચારના સામૂહિક જનયજ્ઞમાં જોડાઈ જઈશું. દારૂના હપતા વસૂલ કરતી પોલીસને ચર્ચાપત્ર વડે ઝૂડી કાઢીશું. સરકારી કર્મચારીઓની લાંચરૂશ્વતના જાહેરમાં ચીંથરા ઊડાવીશું. અને ભ્રષ્ટાચારી નેતાઓને ભાંડવામાં પણ કોઈ કસર નહીં રાખીએ, (પણ વખત પડ્યે એજ રાજકારણીઓની વગનો ઉપયોગ કરીને કોઈ ગેરકાનુની કામની સજામાંથી છટકી જતાં આપણને વાર નહીં લાગે !) વિચારો, સલમાનખાનનો ગુનો પ્રૂવ થયો તોય તે જેલની બહાર કેમ છે…?
ભારતને આઝાદી આપવાનો ઠરાવ બ્રિટીશ સંસદમાં રજૂ થયેલો ત્યારે વિરોધ પક્ષના નેતા ચર્ચિલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું: ‘જો ભારતને આઝાદી આપવામાં આવશે તો બદમાશો, લુચ્ચાઓ અને ચાંચિયાઓના હાથમાં સત્તા જઈ પડશે. અને પાણીનું એક ટીપું કે રોટીનો એક ટૂકડો પણ કરવેરામાંથી બાકાત રહી શકશે નહીં. આ સત્તાભૂખ્યા લોકો સત્તા માટે એટલું લડશે કે ભારત રાજકીય ઝઘડાઓમાં પાયમાલ થઈ જશે !’ આપણાં શાસકોએ ચર્ચિલનો એક પણ શબ્દ જૂઠો પડવા દીધો નથી. આઝાદી મળ્યા પછી ૧૯૪૮માં ગાંધીજીએ કહ્યું હતું: ‘જીવનની શાંતિ માટે ધર્મ જરૂરી છે. પણ દેશના બધાં માણસો જાહેરમાં ધર્મ આચરશે તો દેશમાં અવ્યવસ્થા ફેલાશે !’ સરદાર વલ્લભભાઈ પટેલે પણ એમને સમર્થન આપ્યું હતું. દોસ્તો, આપણે ખૂબ ધર્મપ્રિય પ્રજા છીએ પણ દુનિયાના કુલ ૧૯૧ દેશોમાં પ્રમાણિક દેશોના ક્રમમાં આપણો કેટલામો નંબર આવે છે- જાણો છો ? એ ક્રમમાં પ્રથમ નંબર ન્યૂઝીલેન્ડ (૨) ડેનમાર્ક (૩) ફિનલેન્ડ (૪) સ્વીડન (૫) સિંગાપોર (૬) નોર્વે નેધરલેન્ડ (૭) સ્વીઝરલેન્ડ (૮) ઓસ્ટ્રેલિયા અને નવમા સ્થાને કેનેડા છે. આપણે તો એ યાદીમાં છેક ૯૫ મા નંબરે છીએ. દોસ્તો, ઉપરના સઘળા દેશોમાં ક્યાંય પણ રામકથા કે સત્યનારાયણની કથા થતી નથી. રથયાત્રા નીકળતી નથી. ગણેશ ચતુર્થી કે ગણેશ વિસર્જન નિમિત્તે સરઘસો પણ નીકળતા નથી. ત્યાં રામના કે હનુમાનના મંદિરો નથી. કોઈ હનુમાન ચાલીસા વાંચતું નથી. મંદિરો કે દરગાહો જેવા એક પણ ધર્મ સ્થાનકો ત્યાં જોવા મળતા નથી. છતાં ત્યાં ભિખારીઓ નથી. બાવા, સાધુ સંતો, મુનીઓ, પંડિતો, પુરોહિતો કે ધર્મગુરુઓ પણ શોધ્યા જડતા નથી. પાપ પુણ્ય જેવા શબ્દો જ તેમની જીવનશૈલીમાં નથી. અને છતાં ભારતીઓ કરતાં તેઓ હજારગણા સુખી અને પ્રમાણિક છે. જ્યારે આપણા દેશમાં અગણિત દેવીદેવતાઓ, ધર્મસંપ્રદાયો, અસંખ્ય બાવાઓ અને સાધુ સંતો, કે મુનિઓ વગેરેનો રાફડો ફાટ્યો છે. છતાં દેશમાં પારાવાર ભ્રષ્ટાચાર અને અનીતિઓ ચાલે છે. ધર્મના ઉપદેશ મુજબ લોકો લસણ અને ડુંગળી વગેરે નથી ખાતા પણ લાંચ જરૂર ખાય છે. અમારા મહોલ્લાના એક વૃદ્ધ સ્વાતંત્ર્ય સેનાનીને સરકારી ઓફિસમાં કામ પડ્યું. પાંચ દિવસ સુધી ધક્કા ખાઈને કંટાળ્યા પણ કામ ના થયું. અમારા બચુભાઈએ તે કામ (પચાસનું એક પત્તું પકડાવીને..) માત્ર પાંચ મિનિટમાં કરાવી આપ્યું. ત્યારબાદ અમારા કાનમાં કહ્યું: ‘માણસો કેવા મૂરખ હોય છે તેનું આ ઉદાહરણ છે. સ્વતંત્ર ભારતે બહુમતીથી સ્વીકારેલા લાંચના રિવાજમાં એ વુદ્ધ માનતા નથી, એથી પાંચ દિવસના ધક્કામાં કુલ ૩૪૦ રૂપિયા રિક્ષાના બગાડ્યા પણ પચાસનું એક પત્તું પેલા કારકુનની મૂઠીમાં દબાવવાની વ્યવહારુતા ન દાખવી શક્યા. ભૂલ માણસ કરે અને બદનામ સરકાર થાય..! સમજાતું નથી આપણે જીવનના દરેક વ્યવહારમાં ઈમાનદારીની પત્તર શા માટે ખાંડતા રહીએ છીએ ? લખી રાખજો, જ્યાં સુધી આ દેશના લોકો સરકારી કર્મચારીઓ પાસેથી મફતમાં કામ કરાવવાની નીચ મનોવૃત્તિ રાખશે ત્યાં સુધી દેશ કદી ઊંચો નહીં આવે ! આપણે સૌ એટલા નસીબદાર છીએ કે પૈસા ફેંકતા અહીં ગમે તેવા મોટા માથાનેય ખરીદી શકાય છે. પોલીસને એક પત્તું પકડાવો તો એ “ભલો” માણસ તમને જવા દે..! આપણને ખબર જ નથી કે વિદેશમાં ત્યાંની સરકાર લોકોને માથે કેવો જુલમ ગુજારે છે ? ભૂલ કરો એટલે ચેંચું કર્યા વિના ત્યાં દંડ ભરવાનો એટલે ભરવાનો.. ત્યાંના પોલીસો પણ સાલા એવા બદમાશ કે લાંચના ડોલરને હાથ પણ ના લગાડે..!’
દોસ્તો, અંતે મોદી સાહેબને એટલું જ કહીએ કે – ‘હું ખાતો નથી ને ખાવા દેતો નથી’ એવું તમે કહ્યું હતું પણ સાહેબ, તમારા સાશનમાં જેઓ પ્રધાન બન્યા ત્યારે શરુઆતમાં જેમની પાસે પૂરા પાંચ લાખ પણ નહોતા, તેઓ પછીથી દશ પંદર કરોડના માલિક કેવી રીતે બની બેઠાં તેની તપાસ કરાવો તો તમે ચોંકી ઊઠો એવો ભ્રષ્ટાચાર સામે આવશે. ભૂતકાળમાં જગજીવનરામ ટેક્ષ ભરવાનું ભૂલી ગયા હતાં. આજે ભાજપ કોંગ્રેસ સહિતના કેટલા બધાં નેતાઓએ ટેક્ષ ભર્યો નથી. કેટલાં બધાં નેતાઓએ સરકારી આવાસો ખાલી નથી કર્યાં. આ બધાં જ ભ્રષ્ટાચારના આંકડાઓ અખબારોમાં પ્રગટ થઈ ચૂક્યા છે. સાહેબ, પ્રજાસત્તાક દિને આવા ઉઘાડા સત્યને સાંભળીને ચૂપ રહેવાને બદલે કંઈક કરશો તો “અચ્છે દિન” જરૂર આવશે. આદરણીય મોદીજી, આપ આગે બઢો જનતા આપકે સાથ હૈં..!
                                                                          ધૂપછાંવ
દેશમાં બોટ દ્વારા આવેલા આતંકીઓ કરતાં વોટ દ્વારા પ્રવેશેલા આતંકવાદીઓ વધુ ખતરનાક છે.
 
 
 
gf

One thought on “પ્રજાસત્તાક દિને ચપટીક ચિંતન

  1. “સાહેબ, તમારા સાશનમાં જેઓ પ્રધાન બન્યા ત્યારે શરુઆતમાં જેમની પાસે પૂરા પાંચ લાખ પણ નહોતા, તેઓ પછીથી દશ પંદર કરોડના માલિક કેવી રીતે બની બેઠાં તેની તપાસ કરાવો ”
    આ માંગણી/વિનંતી અમારી પણ છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s