બુદ્ધિના બુલડોઝર વડે અંધશ્રધ્ધાનું ડિમોલિશન કરીએ..!

‘જીવન સરિતાને તીરે..’ “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર -દિનેશ પાંચાલ મો. 94281 60508

                                        બુદ્ધિના બુલડોઝર વડે અંધશ્રધ્ધાનું ડિમોલિશન કરીએ..!
       બે દિવસ પહેલાં એટલે કે તા. 21-02-20 ના મહા શિવરાત્રિના દિને કેટલાંક લોકો ભાંગ પીતા પીતા ધર્મની ચર્ચા કરી રહ્યા હતાં. ધર્મની સાચી વ્યાખ્યા શી હોઈ શકે? એનો સાચો જવાબ ધર્મનિષ્ણાતો જ આપી શકે પણ સહેલાયથી સંમત થવાય એવી વ્યાખ્યા એ છે કે માનવીનું કલ્યાણ કરે તે ધર્મ અને લોહી લુહાણ કરે તે અધર્મ. માનવીનો વિકાસ કરે તે ધર્મ અને કંકાસ કરે તે અધર્મ. પ્રગતિ કરે તે ધર્મ અને અધોગતિ તરફ લઈ જાય તે અધર્મ. દુ:ખીઓના આંસુનું મારણ કરે તે ધર્મ અને કારણ બને તે અધર્મ. સાચા ધર્મમાં શ્રદ્ધાનો શંખ વાગે છે, પોલીસની સાયરન નહીં. આપણા શ્રદ્ધાળુઓએ ધર્મને અબિલ, ગુલાલ, કંકુ અને પૂજાપાઠના સ્થૂળ ઢાંચામાં સ્થગિત કરી દીધો છે. એ કારણે ધર્મ કેવળ અનુત્પાદક કર્મકાંડ બનીને રહી ગયો છે. ધર્મમાંથી એ તમામ ચીજોની બાદબાકી કરવામાં આવે તો શૂન્ય રહી જાય. (બરફમાંથી પાણીને કાઢી લો તો શું બચે?) દોસ્તો, પ્રત્યેક ધર્મને બુદ્ધિના બાયોસ્કોપ વડે ચકાસવાની અને પછી અતાર્કિક વાતોને રેશનાલિઝમના બુલડોઝર વડે તોડવાની જરૂર છે. દરેક ધર્મોમાંથી મિથ્યા કર્મકાંડોને નાબુદ કરીને તેને માનવતામાં ઢાળવાની જરૂર છે. પણ ધર્મનું એવું નવસંસ્કરણ કરવાની સમજ ધરાવનારા યોગ્ય પંડિતો વિના એ રિનોવેશન શક્ય નથી. જેમકે કોઈ દરજીએ શૂટ સીવ્યો હોય પણ તેમાં અનેક ખામીઓ રહી ગઈ હોય તો સાધારણ થીંગડા મારતો ઘરગથ્થુ દરજી તે સુધારી ન શકે. તેને શૂટના ‘સુપર સ્પેશિયાલિસ્ટ’ દરજી પાસે લઈ જવો પડે. સમાજમાંથી ધર્મના એવા સુપર સ્પેશિયાલિસ્ટો આજે શોધ્યા જડતા નથી. જેઓ એવા દરજી હોવાનો દાવો કરતા હોય તેમણે પહેલું કામ એ કરવું પડે કે સમાજમાં પ્રવર્તતા ઈષ્ટ અને અનિષ્ટને ઓળખી લેવા પડે.
અમારા બચુભાઈ કહે છે: ‘માનવધર્મમાં માનતો માણસ કેવો હોય? માણસ ઈશ્વરની આરતી કરવાનું છોડીને માંદા માણસ માટે એમ્બ્યુલન્સ લેવા દોડી જાય તે સાચો ધાર્મિક કહેવાય. મનની શાંતિ માટે માણસ ભલે મંદિરમાં જતો, પણ સાચી શાંતિ એને ભણી ગણીને સમાજમાં પોતાનું ઈજ્જ્તભર્યું સ્થાન બનાવવામાં મળે છે. વિચારો, સમાજમાં કેટલા ડોક્ટરો વહેલા ઉઠીને મંદિરમાં જઈને પૂજાપાઠ કે પ્રદક્ષિણા ફરે છે? એ આંકડો લગભગ શૂન્યમાં હોય તો નવાઈ નહીં. બીજી તરફ મંદિરનો પૂજારી નોકરીના ભાગ રૂપે રોજ મંદિરમાં જઈને પૂજા પાઠ વગેરે કરે છે. પોતાની આજીવિકા માટે તે એવું કરે છે. તાત્પર્ય એટલું જ કે જો તમે એક સફળ ડોક્ટર બનીને સમાજમાં તમારી કીર્તિની ધજા ચોમેર ફરકાવી હોય તો જીવનપર્યંત મંદિરમાં જઈને પૂજા પાઠ નહીં કરો તો ચાલશે. તમે ભગવાનના એજન્ટ બનીને લોકોના દુ:ખ દર્દ દૂર કરવાનું પવિત્ર કામ કરો છો એ ફૂલ માર્ક્સ મળે એવી સુંદર ફરજ છે. દોસ્તો, પ્રભુપૂજા એજ જીવનની સર્વોચ્ચ સિદ્ધિ ગણાતી હોત તો મંદિરનો પૂજારી પોતાના દીકરાને ડોક્ટરને બદલે પૂજારી બનાવવાના સપના જોતો હોત. અમારા એક પરિચિતનો પુત્ર ભણવામાં ખૂબ નબળો છે તોય અભ્યાસમાં સમય ફાળવવાને બદલે રોજ માળા વગેરે કરવામાં એક કલાક બગાડે છે.
તાત્પર્ય એટલું જ કે પૂજાપાઠ ભલે કરીએ પણ સ્કૂલના પાઠોના ભોગે નહીં. લેબોરેટરીના પ્રેક્ટીકલ છોડીને કદી રામકથામાં ન જવાય અને થિયેટરમાં પણ ન જવાય. કોલેજના પીરિયડોમાં ગુલ્લી મારીને ગણેશવિસર્જનની યાત્રામાં ન જવાય અને મેચ જોવા પણ ન જવાય. હોશિયાર વિદ્યાર્થીઓ ફિલ્મો નથી જોતા એવું નથી, પણ તેમણે પોતાની કારકિર્દીના ઘડતર માટે એક વ્યવસ્થિત માસ્ટર પ્લાન બનાવ્યો હોય છે. એવો વિદ્યાર્થી પરીક્ષા બાદ ભલે રોજ બે ફિલ્મો જોતો પણ પરીક્ષા ટાણે (અભ્યાસના ભોગે) એક પણ ફિલ્મ ના જુએ તે તેની બુદ્ધિપૂર્વકની સાચી આરાધના ગણાય. બચુભાઈ કહે છે, ‘યુવાનોએ ‘પરીક્ષા’ શબ્દનો સૂચિતાર્થ શાનમાં સમજી લેવા જોઈએ. પરીક્ષાનો ‘પ’ પરિશ્રમ તરફ ઈશારો કરે છે. પરીક્ષામાંથી પરિશ્રમનો ‘પ’ ઉડાવી દેશો તો કદાચ જીવનભર રીક્ષા ચલાવવી પડશે. દોસ્તો, બધી વાતનો કુલ સરવાળો એટલો જ કે ધર્મ અને અધર્મની ભેદરેખા નક્કી કરવા માટે વિવેકબુદ્ધિની ખાસ જરૂર પડે છે. માણસ સદીઓથી ધર્મમાં પોતાની અંગત માન્યતાઓનો કચરો ઉમેરતો આવ્યો છે. ધર્મની જર્જરિત બની ગયેલી ‘નિયમાવલી’માંથી એ નકામો કચરો દૂર કરી એમાં થોડા કલ્યાણકારી નિયમો ઉમેરીને તેને ‘અપડેટ’ કરવો જરુરી છે. પ્રશ્ન થાય છે એવા બૌદ્ધિક પ્રકારના (માનવધર્મથી) ઈશ્વર મળી શકે ખરો? મોક્ષમાં જવાય ખરૂં? સુખી થવાય ખરૂં? દોસ્તો, ઈશ્વર કે મોક્ષની ગેરન્ટી નથી પણ એટલું જરૂર કહી શકાય, મંદિરમાં બેઠાંબેઠાં જ તમને ઉત્તમ પ્રકારની મદિરા મળી જતી હોય તો મદિરાલયમાં જવાની શી જરૂર? ઈશ્વરને પ્રાપ્ત કર્યા વિના આદર્શ માનવધર્મ વડે તમે આ ધરતી પર જ તમામ સ્વર્ગીય સુખો મેળવી શકો તો ઈશ્વરની કે મોક્ષની જરૂર રહે ખરી? ઈશ્વર આખરે શું છે? ગ્રાન્ડ ટોટલ ઓફ ઈચ એન્ડ એવરી હેપિનેસ..! (તમામ પ્રકારના સુખોનો સરવાળો..)
                                                                      ધૂપછાંવ
ધર્મ એવું કોલ્ડ સ્ટોરેજ છે જેમાં જર્જરિત બની ગયેલા સત્યના શબને કાળજી પૂર્વક સાચવી રાખવામાં આવે છે.

 વાયુવેગે થતો વૈજ્ઞાનિક વિકાસ

‘જીવન સરિતાને તીરે..’ “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર    –દિનેશ પાંચાલ                                                    Mo: 94281 60508

                                 વાયુવેગે થતો વૈજ્ઞાનિક વિકાસ

          દોસ્તો, સાયન્સ અને ટેક્નોલોજીના આજના યુગમાં નિત્ય નવા સંશોધનો થતાં રહે છે. દુન્યવી વિકાસ માટે એ જરૂરી પણ છે. આપણે ચાલણગાડીથી ચાર્ટર્ડ પ્લેન સુધી અને રિક્ષાથી રોકેટ સુધીનો વિકાસ કરી ચૂક્યા છીએ, એથી વિકાસની આ હરણફાળમાં હવે ઓછી ક્ષમતાવાળા નાના સાધનો નહીં ચાલે. જેમકે આજે મોટા મકાનો તોડવાના હોય ત્યાં હથોડાના હાથ ટૂંકા પડે છે, એથી ત્યાં બુલડોઝર જોઈએ અને સો માળના એપાર્ટમેન્ટનો પાયો ખોદવાનો હોય ત્યાં ત્રિકમના ટાંટિયા ટૂંકા પડે એથી ક્રેઈનની જરૂર પડે છે. એ જાણી રાખવા જેવું છે કે બુલડોઝર અને ક્રેઈન જેવા રાક્ષસી કદના સાધનોની શોધ પાસ્કલ નામના વૈજ્ઞાનિકે કરી હતી. આજે દુ:ખદ વાસ્તવિક્તા એ છે કે આવી સુંદર શોધ કરનારા મહાન વૈજ્ઞાનિકોના આપણે નામ સુદ્ધાં જાણતાં નથી અને કોડીના ય કામમાં ન આવતા ધધુપપુઓની બોલબાલા વધુ રહી છે. હમણાં ટીવી પર એ જોવા મળ્યું કે રાક્ષસી કદનો લોખંડનો મોટો ગોળો અથડાવીને એક બહુમાળી બિલ્ડીંગનું ડિમોલીશન કરાતું હતું. એ જોઈને વિચાર આવ્યો કે આ દ્રશ્ય હજારો માણસો જુએ છે પણ તેમને કોઈ આશ્ચર્ય થતું નથી. શ્રી રતિલાલ ‘અનિલ’એ એકવાર કાવ્યમાં ફરિયાદ કરેલી: ‘તાજનું શિલ્પકાવ્ય નિરખી હર્ષના અશ્રુ સહુ કોઈ લૂછે છે.. દાદ આપે છે સૌ શાહજહાંને.. એના શિલ્પીને કોણ પૂછે છે?’ મતલબ એ રાક્ષસી કદનો હથોડો શોધનારા પાસ્કલની હાલત પણ શાહજહાંના શિલ્પી જેવી હાલત થઈ છે. કોઈ એને યાદ કરતું નથી. પાસ્કલ આજે હયાત નથી પણ એની શોધ દ્વારા એ અમર થઈ ગયો છે. દુનિયાની નવરચના માટે એનો “યાંત્રિક હથોડો” ખૂબ ઉપયોગી નીવડ્યો છે.
           દોસ્તો, ખૂબ ઝડપથી દોડતી આ દુનિયાને યથાશક્તિ ધક્કો મારીને વિલીન થઈ ગયેલા એક બીજા વિજ્ઞાનીને યાદ કરી લઈએ. હમણાં અખબારમાં વાંચ્યું કે ડોરવણ ગામે લગભગ રોજ ભૂકંપના આંચકા લાગી રહ્યાં છે. ભૂકંપ અને સુનામી એ બન્ને અતિથીના કૂળના ગણાય. એ ક્યારે ટપકી પડે તેની અગાઉથી જાણ થઈ શકતી નથી. પણ ૧૯૧૩માં લૂનો ગેટનબર્ગ નામના વૈજ્ઞાનિકે એક શોધ કરી તેનો ઉપયોગ કરી હવે ધરતીના પેટાળમાં ચાલતી ગુપ્ત ઉથલપાથલ વિષે જાણી શકાય છે. પૃથ્વીના પેટાળના એવા રિસ્કી એરિયાને એપિસેન્ટર કહેવામાં આવે છે. એ એપિસેન્ટરમાંથી ત્રણ પ્રકારના મોજા નીકળે છે. તેમાં ‘પીપ–વે’ નામના મોજા જમીનની સપાટી તરફ સીધી ગતિ કરે છે. અને ‘એસ–વેવ’ ત્રાંસી ગતિ કરે છે. મોજાઓ એક સેકન્ડમાં ૧૩ કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. અને તેને આધારે ભૂસ્તરશાસ્ત્રીઓ ભૂકંપનું એપિસેન્ટર શોધે છે.
        હવે ધરતીકંપની જેમ રસોડુ ધ્રુજાવી દેનારા મિક્સર વિષે થોડું જાણીએ. ગૃહિણીઓ એને ‘મિક્સી’ કહે છે. (ગૃહિણીઓ દશામાનું વ્રત કરે છે પણ ક્યારેક મિક્સી બગડે ત્યારે હાથથી મસાલો વાટવામાં તેમની દશા બૂરી થઈ જાય છે) એ મિક્સીમાં નાના મોટા સ્ટીલના જાર હોય છે તેમાં ગોઠવેલી બ્લેડ વાટવા, કાપવા, કે વલોવવાના કામમાં આવે છે. ઈ.સ. ૧૯૨૨માં સ્ટીફન પોટલાવસ્કી નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી. દોસ્તો, વિમાન કે હેલિકોપ્ટરની જેમ અમને સબમરીન વિષે આજે પણ આશ્ચર્ય થાય છે. પાણીની અંદર ડૂબીને એ કેવી રીતે તરી શકતી હશે? આમ તો સબમરીન યુદ્ધલક્ષી ઉપકરણ છે. દરિયામાં ગુપ્ત રીતે એ ધારેલી જગ્યાએ પહોંચી શકે છે. સબમરીનને પાણીમાં ડૂબેલી રાખવા માટે એમાં પાણીની મસ મોટી ટાંકીઓ રાખવામાં આવી હોય છે. એ ટાંકીઓ ખાલી હોય ત્યારે સબમરીન સપાટી પર તરે છે. અને પાણીમાં એને અંદર લઈ જવી હોય ત્યારે ટાંકીમાં પાણી ભરવામાં આવે છે. એ ટાંકીઓમાં જરૂરી માપ પ્રમાણે પાણી ભરીને તેને દરિયામાં ધારેલી ઊંડાઈએ સ્થિર રાખી શકાય છે. જો કે આખી સબમરીન પાણીમાં ડૂબી જતી હોય તો અંદર માણસો કેવી રીતે રહી શકતા હશે એવો પ્રશ્નય થાય છે, પણ કદાચ એવા ઘણાં પ્રશ્નોના જવાબ સાધારણ માણસો પાસે નથી. એકવીસમી સદીના ટેક્નીકલ વિકાસની ગતિ માણસની જિજ્ઞાસા કરતાં વધુ છે એથી આપણાં ઘણાં અજ્ઞાનો અંત સુધી અકબંધ રહી જાય છે. એરોપ્લેનમાં જેમ પેટ્રોલનો પુરવઠો ભરચક હોય છે તેમ સબમરીનમાં ઓક્સિજન અને હવાની વ્યવસ્થા ભરપુર માત્રામાં કરવામાં આવે છે. વિશ્વમાં સૌથી મોટી સબમરીન રશિયાના ટાયફૂન ક્લાસની છે, તે ૧૭૫ મીટર લાંબી અને બે અણુ એન્જિનો વડે ચાલે છે.
          આવી જ અટપટી શોધો કરનારા વિજ્ઞાનીઓ વિશેની અજીબોગરીબ વાતો ફરી ક્યારેક.
                                                                    ધૂપછાંવ
માણસના બોલવાનો અવાજ ૩૦ ડેસિબલ હોય છે. માણસના કાન વધુમાં વધુ ૮૫ ડેસિબલનો અવાજ સહન કરી શકે છે. નવરાત્રિના માઈકો ક્યારેક તો ૨૦૦ કે ૨૫૦ કરતાંય વધુ ડેસિબલના અવાજે વાગે છે. બાળકો અને બીમાર વૃદ્ધોની શ્રવણેન્દ્રિય ખૂબ નાજુક શ્રવણક્ષમતા ધરાવે છે. આ આંકડાઓ પરથી જણાઈ આવે છે કે નવરાત્રિ કે ગણેશ ચતુર્થી જેવા ‘માઈકોત્સવ’ વેળા અતિ મોટા અવાજે માઈક વગાડવાથી સમાજના વૃદ્ધો અને બાળકોને કેટલી શારિરીક હાની થતી હશે?

ઈશ્વરભક્તિ એટલે..

ઈશ્વરભક્તિ એટલે અંધારામાં છોડવામાં આવતું તીર! તે ઈશ્વર સુધી પહોંચતું નથી કેમકે ઈશ્વર કવરેજ એરિયાની બહાર છે.                                                               -દિનેશ પાંચાલ

 દેશ વિદેશના વિચિત્ર વ્યવહારો

‘જીવન સરિતાને તીરે..’ “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર – દિનેશ પાંચાલ MO: 94281 60508
                                                 દેશ વિદેશના વિચિત્ર વ્યવહારો
       એક એન.આર.આઈ મિત્ર અનેક દેશોની મુસાફરી કરી ચૂક્યા છે. એમણે વિવિધ દેશોમાં થયેલા અનુભવોની વાતો જણાવતાં કહ્યું કે, ‘ચાઈના, જાપાન અને સાઉથ કોરિયામાં એવો નિયમ છે કે સૌથી મોટી વયના વડીલો સાથે હોય તો રેસ્ટોરાંમાં તેમણે જ બિલ ચૂકવવાનું હોય. બીજા કોઈ બિલ ચૂકવવાનો આદર કરે તો તે અવિવેક ગણાય. (આપણે ત્યાં વડીલોના ખિસા નીચોવાઈ ચૂક્યા હોય છે એથી તેઓ એવો લાભ મેળવી શકતાં નથી) એ મિત્રે નવાઈ લાગે એવી બીજી વાત એ કરી કે અમેરિકામાં તમે કોઈ ફ્રેન્ડના માતા પિતાને શિષ્ટાચાર ખાતર એમ પૂછો કે – ‘તમારી તબિયત કેમ છે?’ તો તેમને માઠું લાગે છે. (તેઓ એવું માને છે કે તમે તેમના વિષે એમ સમજી રહ્યાં છો કે તેઓ મરણ સન્મુખ ઊભા છે) આપણે ત્યાં કોઈને ગિફ્ટ આપવાનું થાય ત્યારે ગિફ્ટ પરનું કિંમતવાળું લેબલ આપણે કાઢી નાંખીએ છીએ. પણ નોર્થ અમેરિકામાં એવો રિવાજ છે કે લોકો દુકાનના પાકા બિલ સાથે ગિફ્ટ આપે છે. એ પાછળનો તેમનો હેતુ એવો હોય છે કે જો ગિફ્ટ ન પસંદ આવે તો તેઓ બદલાવી શકે. જાણીને નવાઈ લાગશે કે અમેરિકામાં છ મહિના પછી પણ સ્ટોરવાળા ખરીદેલી વસ્તુ બદલી આપે છે. આપણે ત્યાં દુકાનોમાં બોર્ડ મારેલા હોય છે: “વેચેલી વસ્તુ કોઈ પણ સંજોગોમાં પાછી લેવામાં કે બદલી આપવામાં આવશે નહીં”. (બોલો.. મેરા ભારત..?)
ઘણાં એશિયન દેશોમાં વ્હાઈટ કલરના ફૂલોનો ગુલદસ્તો આપવામાં આવતો નથી. કદાચ અજાણપણે આપી બેસો તો લેનારની લાગણી દુભાઈ છે. કેમકે તેઓ સફેદ કલરને ગમગીની કે શોક પ્રદર્શિત કરવાના પ્રતિક તરીકે ગણે છે. દોસ્તો, આશ્ચર્ય કરતાંય રમૂજ વધુ ઉપજે એવી વાત એ છે કે, ત્યાં કોઈને ગિફ્ટમાં ઘડિયાળ તો આપી જ ન શકાય. કારણ કે તેઓ માને છે કે ઘડિયાળ આડકતરી રીતે મૃત્યુ તરફની ગતિ સૂચવતું સાધન હોવાથી એ દુ:ખનું પ્રતિક ગણાય છે. (અમારા બચુભાઈ કહે છે: ‘ભલા માણસ, ઘડિયાળથી મોત થતું હોય તો ૧૨૫ વર્ષ જીવનારા લોકો શું ઘડિયાળ પહેરતાં જ નહીં હોય? વળી જેમને ગિફ્ટમાં કદી ઘડિયાળ મળ્યું જ ન હોય તેઓ બધાં શું અમર થઈ જાય છે?) તેમને કહીએ કે ઘડિયાળ બંધ રાખવાથી મોત તરફની ગતિ અટકી જતી હોય તો કેલેન્ડરના પત્તાં ફાડવાનું જ બંધ કરી દો તો સૂરજ ઉગતો અટકી જશે અને દુનિયા આખી અમર બની જશે. (જોયું..? અંધશ્રદ્ધાળુઓ ભારતમાં જ છે એવું નથી) જોકે આપણને આનંદ થાય એવી તેમની એક ટેવ એ છે કે આપણે ત્યાં કોઈ વ્યક્તિ રોડ ક્રોસ કરતી હોય ત્યારે લોકો હોર્ન મારીને પૂરપાટ આગળ નીકળી જાય છે. એમાં ક્યારેક અકસ્માત થઈ જાય છે. પણ ઈંગ્લેન્ડમાં ચાલનારા માણસોને માન આપવા માટે તમારે કાર ધીમી પાડીને તેમને પહેલા પસાર થવા દેવા પડે છે. (આપણે ત્યાં ચાલનારાને ટક્કર મારીને લોકો આગળ નીકળી જાય છે) અમેરિકાના રેસ્ટોરાંમાં વેઈટરોને ટિપ્સ આપવાનો રિવાજ છે, પણ જાપાનમાં ટિપ્સ આપવી એ વેઈટરનું અપમાન કરવા બરાબર ગણાય છે. (આપણે ત્યાં હોટલોના વેઈટરો ટિપ્સને અપમાન સમજતા ક્યારે થશે?)
દોસ્તો, જાપાનની એક હાસ્યાસ્પદ વર્તણૂક જાણવા જેવી છે. આપણે ત્યાં જમતી વેળા કોઈ સડાકા બોલાવે તો તે અસંસ્કારી વાત ગણાય છે. જાપાનમાં તમે નુડલ્સ કે સુપ સડાકા મારીને ખાવ તો તમે તે વાનગી બનાવનાર શેફને– સ્વાદીષ્ટ ચીજ બનાવવા બદલ, અભિનંદન આપી રહ્યા છો એમ ગણવામાં આવે છે. (સડાકાનો અર્થ તેઓ એવો કરે છે કે વાનગી ખૂબ સ્વાદિષ્ટ બની છે એથી તમે તે ખૂબ લિજ્જતથી માણી રહ્યા છો)
અમારા નવસારીમાં અમુક રેસ્ટોરાંમાં ઢોસા સાથે સાંભાર કે ચટણી જેટલી વાર જોઈએ તેટલી વાર ફ્રી આપવામાં આવે છે. પણ ઈટલીમાં તમે પિઝા માટે એકસ્ટ્રા ચીઝ માંગો તો તમને વિચિત્ર નજરે જોવામાં આવે છે. મેક્સિકન્સમાં તો વળી લોકો આપણી જેમ હાથ વડે ખાવાનું પસંદ કરે છે. ત્યાં તમે છરીકાંટા વડે ખાવ તો દંભી ગણાવ. કોરિયામાં જો વાનગીમાં તમને મીઠું કે મરી ઓછા જણાય અને તમે તે માંગો તો તે શેફનું અપમાન કરેલું ગણાય છે. ચાઈનામાં અને કોલંબિયામાં તમે પીરસેલું બધુ ઝાપટી જાઓ તો તે અવિવેક ગણાય. (લ્યો સાંભળો.. એનો અર્થ એ થયો કે ત્યાં અનાજ છાંડવાનો- અક્કલ વગરનો, રિવાજ પાળવા માટે (જમી રહ્યા હોય તો પણ) છાંડવા માટે થોડું માંગવું પડતું હશેને..?) રશિયાનો એક રિવાજ ગમ્યો. ત્યાં તમને કોઈ ડ્રિંક ઓફર કરે અને તમે ઈન્કાર કરો તો તે સો ટકા અસભ્યતા ગણાય, કેમકે ડ્રિંક ઓફર કરવું એ અહીં વિશ્વાસ અને મૈત્રિની નિશાની છે.
દોસ્તો, દેશ તેવો વેશ એ ઉક્તિ મુજબ દરેક દેશના લોકોમાં ભાષા, રિવાજ, માન્યતા, વિચારો, મેનર, રહેણીકરણી વગેરે જુદાં જુદાં હોય છે પણ એક બાબત સમાન છે, અને તે છે પ્રેમ. પ્રેમ અને વિરહની લાગણીમાં સરહદોના કોઈ બંધન નડતા નથી. એક ગુજરાતી માતાનો દીકરો મૃત્યુ પામે, અને એક અમેરિકન માતાનો દીકરો મૃત્યુ પામે તો બન્ને માતાની આંખોમાંથી વહી નીકળતી વેદનામાં તસુનો ય ફરક હોતો નથી. બન્ને આંસુઓનું ગ્રૂપ એક જ હોય છે.
                                                                       ધૂપછાંવ
                                   સમગ્ર સૃષ્ટિમાં લાગણી અને લોહીનો રંગ સરખો હોય છે.

 સૂરજ રે જલતે રહેના..!

‘જીવન સરિતાને તીરે..’ “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર -દિનેશ પાંચાલ મો– 94281 60508

                                                     સૂરજ રે જલતે રહેના..!

           દોસ્તો, અમે રોજ સવારે સૂર્યનમસ્કાર નથી કરતા પણ જેઓ સૂર્યનો જળઅભિષેક કરે છે તેમના પ્રતિ અમને છૂપો અહોભાવ છે. કદાચ એમાં સૂરજની દિવ્યતા કરતાં ઉપયોગીતા કારણભૂત હશે. કોઈ આજે એમ કહે કે સૂર્યના તડકામાંથી બરફ બનાવી શકાય છે તો નવાઈ નથી લાગતી. જ્યારથી માણસે સોલર વિદ્યુત પેદા કરવા માંડી ત્યારથી દુનિયા સૂરજને ઓળખી ગઈ છે. એને સમજાયું છે કે વિદ્યુત એટલે અલ્લાદિનનો જાદુઈ ચિરાગ..! એ ચિરાગ રોજ દુનિયાને પૂછે છે: “બોલ મેરે આકા, ક્યા હુકુમ હૈ..?” દોસ્તો, માણસે પણ એ આકાને છોડ્યો નથી. સુવાવડખાનાથી સ્મશાન સુધી અને મંદિરથી માંડી મોલ સુધી માણસે વીજળીની બોચી પર કાંકરો મૂકીને તેની પાસે કમરતોડ કામ લીધું છે. જેમકે હોસ્પિટલોના ઓપરેશન થિયેટરોમાં ડોક્ટરો સિઝેરિયન ઓપરેશન દ્વારા બાળકને જન્માવે છે અને માણસ મૃત્યુ પામે તો ઈલેક્ટ્રિક ચિતા દ્વારા માણસનો અગ્નિસંસ્કાર પણ કરી શકાય છે. ટૂંકમાં મેટરનીટી હોમથી મોક્ષ સુધી વીજળી માણસને સાથ આપે છે. વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે ચંદ્ર રોજ રાતે રખડી ખાય છે.. પણ લખી રાખજો, માણસ રખડતા ઘેટાંનું ઉન ઉતારી લે છે તેમ એક દિવસ ચંદ્રની ચોટલી પકડીને તેની ચાંદનીમાંથી પણ વીજળી પેદા કરશે. માણસને હું ઓળખું છું.
       ખેર, આદિમાનવ અજ્ઞાનવશ સૂરજની કે વરસાદની પૂજા કરતો હતો, પણ આજે આપણે સૂરજનો સમજી વિચારીને વ્યવહારમાં વિનિયોગ કરીએ છીએ. માણસની એ ખાસિયત રહી છે કે એણે કુદરતના દરેક તત્વોનો સુંદર સદુપયોગ કરી જાણ્યો છે. વાયુ દેવતા ગણાતા પવનને તેણે પવનચક્કીમાં પૂરી તેની પાસે દળણા દળાવવાનું કામ કરાવ્યું છે. પવન ઊર્જા માટે આપણી રાષ્ટ્રીય સંસ્થા NIWE (‘નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનરજી’) દ્વારા વીજ ઉત્પાદનની ફેક્ટરીઓ નાખવાની તૈયારી થઈ રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુના લગભગ ૭૬૦૦ કિલોમિટરમાં ફેલાયેલા દરિયા કિનારાનો ઉપયોગ કરીને પવન ચક્કી દ્વારા સોલાર વિદ્યુત ઉત્પન્ન કરવામાં કાર્યરત થઈ છે. દોસ્તો, ભવિષ્યમાં થશે એવું કે મુકેશ અંબાણીની અંગુર રબડી અને ગુજરાતના ગરીબોની ભડકી, બન્ને સૂર્ય સગડી દ્વારા બનશે.
આપણે ત્યાં પવનઊર્જામાંથી વીજળી બનાવનારી સંસ્થાઓમાં નિરંતર વધારો થતો રહ્યો છે. તામિલનાડુ ૮૧૯૭ મેગાવોટ સોલાર વિદ્યુત પેદા કરે છે. ગુજરાતની કમાણી ૫૬૧૬ મેગાવોટની છે. મહારાષ્ટ્ર ૪૭૮૪ તથા કેરાલા ૫.૩ મેગાવોટ વિદ્યુત પેદા કરે છે. અને દક્ષિણના રાજ્યો પવનમાંથી કુલ ૩૪૦૪૩ મેગાવોટ વીજળી પ્રાપ્ત કરે છે. દોસ્તો, જાણીને નવાઈ લાગશે કે તાજેતરમાં જયપુરમાં ‘સોલર સહેલી પ્રોજેક્ટ’ કાર્યરત થયો છે, જેની પ્રશંસા ‘ગ્લોબલ ઈનોવેશન સમીટ’માં પણ થઈ છે. આ સોલર સખીઓએ અત્યાર સુધીમાં સાત લાખ મેગાવોટથી વધુ સોલાર ઉત્પાદન કર્યું છે. રાજસ્થાનના અલ્વર, અજમેર અને ધોલપુરના છ લાખ લોકોના ઘરમાં હવે ચૂલામાં ધુમાડો ફેલાતો નથી. કેરોસિનના ફાનસો રહ્યા નથી. આંતર રાષ્ટ્રીય એજન્સી ‘ગોંગલા’ના જણાવ્યા અનુસાર ૨૫૦૦ સોલર સખીઓ આ વિસ્તારમાં સોલર ઊર્જાથી ચાલતા ચૂલાઓ, ફાનસો, લેમ્પ, ટોર્ચ, હોમલાઈટીંગ, સ્ટ્રીટ લાઈટ તથા વીજળીના તમામ ઘરગથ્થુ ઉપકરણો વેચીને રીતસરનો લાખોનો વ્યવસાય કરે છે. દોસ્તો, એક બીજી લેડીનો આભાર માની લઈએ. ભારતમાં જન્મેલી ને ન્યૂ યોર્કમાં ઉછરેલી અજેતા શાહ ૨૦૦૫માં ભારત આવી હતી ત્યારે તેણે ઘણા રાજ્યોમાં વીજળીની અછત જોઈ હતી. અને તેણે ૫૦૦૦ ગામોમાં ફન્ટિયર માર્કેટ કંપની ખોલીને તમામ મહિલાઓને ટ્રેનીંગ આપીને જરૂરી મદદ કરી, તેમને વીજ વ્યવસાયમાં કાયમી પગભર કરી છે. આજે એ વ્યવસાયમાંથી ત્યાંની મહિલાઓ પોતાનો સંસાર ચલાવે છે અને અન્ય જરૂરતમંદ મહિલાઓને મદદ પણ કરે છે. જે મહિલાઓ પહેલાં બેકાર હતી તે દરેક મહિલાઓને ઓછામાં ઓછા ૫૦૦૦ મળતા થઈ ગયા છે. અજેતા શાહ કહે છે કે, ‘૨૦૨૨ સુધીમાં એ પ્રોજેક્ટમાં ૨૫૦૦૦ મહિલાઓ ૧૫ લાખ ઘરોમાં પોતાનો કારોબાર ફેલાવશે.’ સરકારની કોઈ ગરીબ કલ્યાણ યોજનાથી પણ આ સોલર વિદ્યુત સુંદર પરિણામ આપી રહી છે તે ખરેખર આનંદની વાત છે.
                  દોસ્તો, હવે જલારામ બાપાના વિરપુર ગામમાં થયેલા એક સોલર ચમત્કારની વાત સાંભળો. અહીંના ખેડૂતો ઘરબેઠાં મોબાઈલ દ્વારા ખેતરોમાં કામ કરાવે છે. અને ખેતરોમાં સીસીટીવી કેમેરા મૂક્યા હોવાથી ખેતરનો આંખે દેખ્યો અહેવાલ ઘરના હિંચકા પર બેસીને નિહાળી શકે છે. તેમણે આધુનિક ડિજીટલ સુવિધા દ્વારા જે કમાલ કરી છે તે માટે તેમને કૃષિ મહોત્સવમાં ‘ડિજીટલ ખેડૂત’નું પારિતોષિક પણ આપવામાં આવ્યું છે. ખરેખર ગુજરાતમાં સોલાર લાઈટ દ્વારા સોનાનો સૂરજ ઊગ્યો છે. ભવિષ્યમાં એ સૂરજના કિરણોથી આખો દેશ ઝળહળી ઊઠશે. આપણે તે સોનેરી સૂર્યસિદ્ધિની પ્રતિક્ષા કરીએ.
                                                         ધૂપછાંવ
       ‘જગતભર કી રોશની કે લિયે.. કરોડો કી જિંદગી કે લિયે.. સૂરજ રે જલતે રહેના.. સૂરજ રે જલતે હી રહેના..!’ (ફિલ્મ ‘હરિશ્ચંદ્ર’)