જન્માક્ષરો..???

      લગ્નજીવનની સફળતા માટે જન્માક્ષરોનો નહીં મનનો મેળ હોવો જોઈએ.                     –દિનેશ પાંચાલ

Advertisements

તમાચો અને ચુંબન

તમાચો અને ચુંબન: બન્નેનું ઘટનાસ્થળ એક જ, પણ ચુંબનથી ગાલ ગુલાબી થઈ જાય તમાચાથી રાતા ચોળ..!  –દિનેશ પાંચાલ

 સ્‍ત્રીની સાચી શોભાઃ સંસ્‍કારી પહેરવેશ 

જીવન સરિતાને તીરે…      “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર           ‑ દિનેશ પાંચાલ

(રવિ પૂર્તિ)                                 તા.   9-06-19  માટે                            મો : 94281 60508

                      સ્‍ત્રીની સાચી શોભાઃ સંસ્‍કારી પહેરવેશ 

      એક વાલીએ કોલેજના પ્રિન્‍સીપાલને ફરિયાદ કરીઃ ‘તમારી કોલેજના વિદ્યાર્થીઓ મારી દીકરીના કપડાં વિશે ગંદી કોમેન્‍ટ્‍સ કરે છે. તમે તેમને ટોકતા કેમ નથી?’ પ્રિન્‍સીપાલે કહ્યું: ‘માફ કરજો વડીલ, તમારી દીકરી એટલાં ટૂંકા વસ્‍ત્રો પહેરીને આવે છે કે આ ઉમરે મને પણ એની અસર થાય છે તો યુવાનોનો  શો વાંક? માણસ દૂધની તપેલી ખુલ્લી રાખે પછી બિલાડીનો વાંક કાઢે તે કેમ ચાલે? તમે દીકરીને જ કહો કે એટલાં ટૂંકા વસ્‍ત્રો પહેરીને કોલેજમાં ન આવે!’

        સ્‍ત્રીઓને કુદરતે ભરપુર દેહસૌંદર્ય આપ્‍યું છે પણ પુરુષો વિના સ્‍ત્રીઓને  એ અધૂરું લાગે છે. આમિરખાનની  ‘હમ હૈ રાહી પ્‍યારકે’ નામની એક ફિલ્‍મ આવી હતી, તેમાં નાયિકા (જૂહી ચાવલા) એક ગીત ગાય છે. ગીતના શબ્‍દો આ વિચારમાં સૂર પુરાવે છે. એ શબ્‍દો સાંભળોઃ ‘ઘૂંઘટ કી આડ મેં દિલબર કા દિદાર અધૂરા રહેતા હૈ… જબ તક ના પડે સાજન કી નજર… શિંગાર અધૂરા રહેતા હૈ!’  દોસ્‍તો,  સુરેશ દલાલે તેમના કોઇ પુસ્‍તકમાં એક સત્‍યઘટના લખી છે. એક ડોસો અને ડોસી વીશ વર્ષથી એક છત તળે રહેતા હતા પણ એકમેક જોડે બોલતા ન હતા, છતાં તેમને સંતાનો  હતાં. અમે 1967માં જનતા હાઇસ્‍કૂલ- ઉનાઇમાં ભણતા. તે વખતે છોકરા છોકરીનો એક જ ક્‍લાસ હતો. રિસેશમાં અમે છોકરાઓ, છોકરીઓની ખૂબ પજવણી કરતા. શાળાના આચાર્યને એ વાતની જાણ થતાં તેમણે  છોકરીઓનો અલગ ક્‍લાસ કરવાનું વિચાર્યું. થયું એવું કે એ વાતની  જાણ થઇ ત્‍યારે છોકરાઓ ખામોશ રહ્યાં, પણ છોકરીઓએ એનો વિરોધ કર્યો. તે કાચી ઉંમરે છોકરીઓના એ વિરોધનું મનોવિજ્ઞાન અમે સમજી શક્‍યા નહોતા. પણ વાસ્‍તવિક્‍તા એ હતી કે છોકરાઓ દ્વારા થતી પજવણીનો છોકરીઓ માત્ર હોઠોથી  વિરોધ કરતી હતી, હૈયામાં તેમને એનો આનંદ થતો હતો. સ્‍ત્રીની દરેક સુક્ષ્મ અનુભૂતિઓના શબ્‍દોમાં તરજુમા કરી શકાતા નથી કેમકે અનુભૂતિને સાબિતી નથી હોતી. પણ ભીતરમાં એ ભીંજાયા વિના રહેતી નથી. ફિલ્‍મ ‘મધર ઇન્‍ડિયા’ની એક ઘટના યાદ કરો. એમાં સુનિલ દત્ત ગિલોલ વડે ગામની છોકરીઓની મટકી ફોડી નાખતો હોય છે. એક દિવસ બધી છોકરીઓએ  સુનિલ દત્તની મા (નરગીસ)ને ફરિયાદ કરી. કોઇએ કહ્યું: ‘બિરજુને મેરી ચાર મટકી ફોડી..!’ કોઇએ કહ્યું: ‘બિરજુને મેરી પાંચ મટકી ફોડી..!’ પણ એક બેડોળ છોકરીએ એવી ફરિયાદ કરી કેઃ ‘મેરી તો ફોડતા હી નહીં..!’ મતલબ તે ઇચ્‍છતી હતી કે બિરજુ એની પણ છેડતી કરે. પુરુષો પ્રત્‍યેના સ્ત્રીઓના લગાવનું સુક્ષ્મ મનોવિજ્ઞાન અહીં સુંદર રીતે રજૂ થયું છે.

        સિંગાપોરમાં સૌથી વધુ બળાત્‍કારો થાય છે કારણ કે ત્‍યાંના સંવિધાન પ્રમાણે બળાત્‍કાર એ ગુનો બનતો નથી. જે દેશમાં સેક્‍સલિબર્ટી છે ત્‍યાં બળાત્‍કારોનું પ્રમાણ ઓછું રહ્યું છે. ત્‍યાં લોકોએ જાતીય ભૂખમરો વેઠવો પડતો નથી. વળી જ્‍યાં બળાત્‍કાર માટે આકરી સજાનું પ્રાવધાન છે ત્‍યાં પણ બળાત્‍કારો ઓછા થાય છે. પાકિસ્‍તાનમાં અને અરબ કન્‍ટ્રીઝમાં લોકો બળાત્‍કાર કરવાની હિંમત કરતાં નથી. ત્‍યાં બળાત્‍કાર કરનારને જાહેરમાં સંગસાર વિધિથી મારી નાખવામાં આવે છે. (સંગસાર એટલે જાહેરમાં ખાડો ખોદીને બળાત્‍કારીની ગરદન ઉપર રહે એ રીતે દાટી દેવામાં આવે છે. પછી જાહેર જનતા તેને પથ્‍થરો મારીને મારી નાખે છે)

        થોડા સમય પૂર્વે બળાત્‍કારોના વધી રહેલા બનાવો  સંદર્ભે ટીવી પર આધુનિક નારીના અશ્‍લિલ વસ્‍ત્રપરિધાન વિષે વિસ્‍તૃત ચર્ચા થઇ હતી. એમાં બહુધા કોલેજ કન્‍યાઓએ આક્રોશપૂર્વક એવો મત વ્‍યક્‍ત કર્યો હતો કે- જે વડીલો અમારા ટૂંકા વસ્‍ત્રો માટે પુરુષોની કામુક નજરનો ભય દર્શાવે છે તે વડીલો પુરુષોને જ તેમની નજર નિર્વિકારી રાખવાનું કેમ નથી કહેતા? પુરુષો ફેશન રૂપે ટૂંકી પેન્‍ટ, બરમૂડો વગેરે પહેરે છે ત્‍યારે મહિલાઓ વિરોધ કરતી નથી. પુરુષોની આસક્‍તિ તો ચિતામાં જ ખતમ થાય છે, તેથી અમારે શું જિંદગીભર અમારા દેહને ગળાથી પગની પાની સુધી કપડાંની કેદમાં જકડી રાખવો? સમાજમાં 80 વર્ષના બુઢ્ઢાની આંખોમાંય સુંદર સ્‍ત્રીને જોઇને સાપોલિયાં સળવળી ઊઠે છે  તેથી શું અમારે ચહેરા પર બુરખો પહેરીને બહાર નીકળવું?’ આ લાંબી ચર્ચા માગી લે એવો મુદ્દો છે. પણ સત્‍ય એ છે કે પુરૂષોના મસલ્‍સ પાવરની તુલનામાં સ્‍ત્રીની પ્રતિકારક શક્‍તિ ઓછી હોય છે. તેવા સંજોગોમાં સ્‍ત્રીઓનું બિભત્‍સ વસ્‍ત્રપરિધાન મર્કટને મદિરા પાવા સમુ જોખમી બની રહે છે. અમારા બચુભાઇ કહે છેઃ કોલેજની આધુનિક કન્‍યાએ સહેતુક રાખેલા બ્‍લાઉઝના ખુલ્લા ગળામાંથી દેખાતો તેમનો દેહ ઉંદરના છટકામાં લટકાવવામાં આવેલી રોટલી જેવી કામગીરી બજાવે છે. યુવાનોની  હવસખોરી અને કન્‍યાની  ફેશનખોરી વચ્‍ચે જંગ જામે છે. સદીઓથી ચાલતા આવેલા એ જંગમાં જીત હવસખોરીની થાય છે. ટોલ્‍સ્‍ટોયે કહેલું: ‘દારૂના નશા કરતાં ધર્મના નશાએ માણસોને વધુ બરબાદ કર્યા છે.  અહીં કહી શકાય કે, પુરુષો કરતાં સ્‍વયં સ્‍ત્રીઓએ અંગપ્રદર્શન દ્વારા ખુદનું વધારે અહિત કર્યું છે! તાત્‍પર્ય એટલું જ કે આપણે જે સમાજ અને સંસ્‍કૃતિ વચ્‍ચે રહીએ છીએ ત્‍યાં જાહેર સુરૂચિનો ભંગ થાય એવાં ટૂકાં વસ્‍ત્રો ના પહેરવા એ સમયની માંગ છે. ટૂકાં વસ્‍ત્રો ક્‍યારેક લાંબી ચિંતા ઊભી કરતાં હોય છે. સ્‍ત્રી ફેશન માટે જેટલી તત્‍પર હોય છે તેટલી તેના માઠા પરિણામ માટે તૈયાર હોતી નથી.

                                                       ધૂપછાંવ                                      

   મધુરજની મહોલ્લા વચ્‍ચે ઉજવાતી નથી તેમ ફેશનના નામે અંગપ્રદર્શન કરવું એ જાહેર અશિસ્‍તનો મામલો બની જાય છે. જે કપડાં શયનખંડમાં પહેરાય તે પહેરીને શેરીમાં ન નીકળાય. સ્‍ત્રીની સાચી શોભા સંસ્‍કારી પહેરવેશમાં છે.

દીકરીનું દૈવત

દીકરી વિષેના પુસ્તકો બજારમાં ચાલે છે, કેમકે દીકરી સંસારમાં ચાલે છે..!

                                                                             –દિનેશ પાંચાલ  

માનવતા

ઘડિયાળના સેકન્ડ કાંટાની ઝડપે બગડ્યે જતી આ દુનિયામાં ભગવાનના હોવા ન હોવા કરતાં માણસમાં માનવતાનું હોવું બહુ જરૂરી છે. –દિનેશ પાંચાલ

ધૂમ્રપાનની ધમાલ અને તમાકુની તુંતું મેંમેં..!

જીવન સરિતાને તીરે…     ‘ગુજરાતમિત્ર’ ના સૌજન્‍યથી સાભાર            ‑ દિનેશ પાંચાલ 

(રવિ પૂર્તિ)                            તા.      02-06-19                                મો : 94281 60508    

                ધૂમ્રપાનની ધમાલ અને તમાકુની તુંતું મેંમેં..!

        દોસ્‍તો, બે દિવસ પૂર્વે એટલે કે 31-05-19ના દિને અમારા મહોલ્લામાં એક ઘટના બની. એ દિવસે ‘વિશ્વ તમાકુ નિષેધ’ દિન હોવાથી મહોલ્લાના કેટલાંક જાગૃત નાગરિકોએ, એક નિષ્‍ણાંત ડોક્‍ટરને સોસાયટીમાં બોલાવીને તેમનું પ્રવચન રાખ્‍યું. ‘તમાકુ આરોગ્‍ય માટે કેટલો હાનીકારક છે?’- તે અંગેની ચર્ચામાં  આમ તો હેતુ શુદ્ધ હતો પણ કમનસીબે થયું એવું કે  ધૂમ્રપાન કરનારા અને ન કરનારા વચ્‍ચે થોડી તુંતું..મેંમેં.. થઈ ગઈ. ધૂમ્રપાનની તરફેણ કરનારા કેટલાંક લોકોએ ડોક્‍ટરે આપેલી માહિતીને બકવાસ ગણાવીને સામો પ્રશ્ન એ પૂછ્યો કે જેઓ જિંદગીભર બીડી, તમાકુ, માવા- મસાલા કે ગૂટકા ખાતા નથી તેમને પણ કેન્‍સર કેમ થાય છે, અને બીજી તરફ  જેઓ એક દિવસની ચાલીશ બીડી પી જાય છે તેમને કાંઈ થતું નથી એવું કેમ? વાત સાચી હતી પણ તે અંગે ડોક્‍ટરે જે મેડિકલ કારણો આપ્‍યા તે  યુવાનો માનવા તૈયાર થયા નહીં એથી તેમની વચ્‍ચે તુંતું…મેંમેં થઈ ગઈ. અને મામલો વધુ ન બીચકે એ હેતુથી સભા તરત બર્ખાસ્‍ત કરી દેવી પડી.

        દોસ્‍તો, અમારું માનવું છે કે તમાકુ ધુમ્રપાનમાં સિવાયના બીજા કશા કામમાં આવતો નથી. ચરોતરમાં કેન્‍સરની ખેતી થાય છે એવું ગુણવંત શાહે એકવાર લખેલું. દેશમાં એટલી વિપુલ માત્રામાં એનો વપરાશ થાય છે કે ખેડૂતો માલામાલ થઈ જાય છે અને સરકારને પણ ટેક્ષ વગેરેની અબજોની આવક થાય છે. પરંતુ સરવાળે તો એ વિનાશકારી નફો છે. વિચિત્રતા એ છે કે સરકાર જરૂર પડયે એકાદ કેન્‍સરની હૉસ્‍પિટલ ખોલી આપે છે પણ મોતની ફેક્‍ટરીઓ બંધ કરતી નથી. વાઘની હિંસકતા બદલ તેને ગોળી ન મારી શકાય કારણ કે હિંસા તેની પ્રકૃતિ છે પણ જો આતંકવાદીને ઠાર નહીં કરીએ તો તે બોમ્‍બબ્‍લાસ્‍ટ કરી હજારો માણસોને મોતને ઘાટ ઉતારી દે છે. દોસ્‍તો, બીડી, તમાકુ, ગુટકા પણ આતંકવાદીઓ જેવા ખતરનાક છે. સરકાર ‘તમાકુ સ્‍વાસ્‍થ્‍ય માટે હાનીકારક છે’ એવી સૂચના સિગારેટના પેકેટ પર લખીને તેનું વેચાણ ચાલુ રાખે છે તે એવી ભૂલ ગણાય કે ‘ખૂન કરવું પાપ છે’ એવું તલવાર પર લખી તે તલવાર કોઈના પેટમાં ભોંકી દેવામાં આવે..! (જોકે મળતી માહિતી મુજબ તમાકુનો ધુમ્રપાન સિવાય કેટલીક દવાઓ બનાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે) દોસ્‍તો, એ સાચું હોય તોય એમાં ફાયદો એક બુંદ જેટલો થતો હશે અને નુકસાન દરિયા જેટલું થાય છે.  શિયાળામાં ઠંડીથી બચવા કોઈ પોતાના  ઘરને આગ લગાડે એવી આ મૂર્ખાઈ છે.

        કહે છે આઝાદી પૂર્વેના સમયમાં રાજા મહારાજા કે બાદશાહોના દરબારોમાં હુક્કો પીવાતો. હુક્કો ભરવાનું કામ વાળંદો કરતા. એક જમાનામાં ‘એમ્‍ફોરા’ નામનો તમાકુ જગપ્રસિદ્ધ હતો. તેની સુવાસ મહોલ્લામાં દશ ઘર સુધી પ્રસરી જતી. સરકારે 2008થી તમાકુની  કોઈ પણ પ્રકારની જાહેરાત પર પ્રતિબંધ મૂક્‍યો છે. (પરંતુ વિતેલા અગિયાર વર્ષ દરમિયાન જાહેરમાં ધુમ્રપાન કરનાર એક પણ વ્‍યક્‍તિ પર ગુનો દાખલ થયો નથી) ફિલ્‍મોમાં પણ હીરોને સિગારેટ પીતો બતાવવામાં આવે છે. એ રીતે કાયદાનું છડેચોક ઉલ્લંઘન થાય છે પણ છટકબારીરૂપે તેઓ ‘ધૂમ્રપાન ઔર શરાબ દોનો સ્‍વાસ્‍થ્‍ય કે લિયે હાનીકારક હૈ!’નું એક વાક્‍ય પરદા પર દોડાવી દે છે એટલે વાર્તા પૂરી… આવું વલણ કોઈ રીતે યોગ્‍ય નથી.

        દોસ્‍તો, સિગારેટ, પાઇપ અને ચિરૂટ અંગ્રેજો આપણે ત્‍યાં લાવ્‍યા હતાં, પણ હુક્કો, બીડી અને ચલમ એ ખુદ ભારતીયોની શોધ છે. આદીવાસીઓમાં તો ઘણી મહિલાઓ પણ ટીમરૂના પાનની બીડી બનાવીને પીએ છે. ‘વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશન’ના આંકડા મુજબ દર વર્ષે જગતમાં 5,40,000,00 લોકો ધૂમ્રપાનથી કે તમાકુ ખાવાથી મૃત્‍યુ પામે છે. તમાકુથી દમ, અપચો, એસીડીટી, કેન્‍સર જેવા રોગો થાય છે. 1987ની સાલથી  ‘હુ’ (‘વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશન’) એ તમાકુ વિરૂદ્ધની ઝૂંબેશ વેગવંતી બનાવી છે. લોકો પણ હવે તમાકુના નુકસાનથી  થોડા જાગ્રત બનતા જાય છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે સરકાર લાપરવાહ છે. આપણી રાષ્ટ્રીય કમનસીબી એ છે કે સરકારને કાયદા બનાવવામાં જેટલો ઉમળકો છે તેટલો તેનો કડકાઇપૂર્વક અમલ કરાવવામાં નથી.  બાકી સૌએ મનને છાને ખૂણે નોંધી રાખવા જેવું છેઃ  ‘સિગારેટ એટલે ત્રણ ઈંચની નનામી, બીડી એટલે સ્‍વર્ગની સીડી… તમાકુ એટલે કેન્‍સરનું બિયારણ, અને ગૂટકા એટલે મોતના વરલીમટકા…!’

                                               ધૂપછાંવ

        વાતને વિરામ આપતાં અંતે બચુભાઈએ ઉમેર્યું: ‘સિગારેટ બીડીનું આટલું મોટું નુકસાન જાણ્‍યા બાદ મૂર્ખ માણસ જ તે પીવાનું ચાલુ રાખી શકે!’ (આટલું કહી બચુભાઈએ બીડી સળગાવી)

વ્યસનોનો વ્યાસંગ..!

સિગારેટ એટલે ત્રણ ઈંચની નનામી, બીડી એટલે સ્વર્ગની સીડી, તમાકુ એટલે કેન્સરનું બિયારણ અને ગૂટકા એટલે મોતના વરલી મટકા!

                                          -દિનેશ પાંચાલ