ઈશ્વરભક્તિ એટલે અંધારામાં છોડાતું તીર

          ઈશ્વરભક્તિ એવી પરીક્ષા છે જેનું કોઈ રીઝલ્ટ હોતું નથી. એ એવો પ્રેમપત્ર છે જ્યાંથી કોઈ વળતો જવાબ મળતો નથી. ઈશ્વરને ચૂંટણીનાં ઉમેદવાર તરીકે કલ્પી લઈએ તો દુનિયાના સઘળા આસ્તિકોને મતદાતાઓ ગણવા રહ્યા. દુર્ભાગ્યે માણસ એવો મતદાતા છે જેનો મત કેન્સલ થઈ જાય છે તો તેને ઝટ જાણ થતી નથી. ભારતના કોઈ ગ્રામિણ ઈલાકાનો ખેડૂત આફ્રિકાની કોઈ બેંકમાં અબજો રૂપિયાની ફિક્સ કરાવે અને તે બેંક ઊઠી જાય તો તેને તેની ઝટ જાણ ન થાય એવું બનવા જેવો ઈશ્વરનો મામલો છે. ઈશ્વરની ભક્તિ કરવી એટલે ઊઠી ગયેલી બેંકની ફિક્સ ડિપોઝીટ સાચવી રાખવા જેવી બાબત છે. ટૂંકમાં ઈશ્વરભક્તિ એટલે અંધારામાં છોડાતું તીર… એ તીર ક્યાં જાય છે… કોને વાગે છે…. કે નથી વાગતું તેની કોઈને ખબર પડતી નથી.

dineshpanchal.249@gmail.com   dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

મજૂરો મેથીપાક ખાતા નથી પણ…

      શિયાળો શક્તિસંચયની ઋતુ ગણાય છે. શિયાળામાં મેથીપાક, અડદિયું વગેરે ખાવાથી શક્તિ વધે એવી એક માન્યતા છે. પણ બચુભાઈ એને “શિયાળુ જૂઠ” ગણાવે છે. તેઓ કહે છે: “શું ટાયસન મેથીપાક ખાતો હતો…? મજૂરો મેથીપાક ખાતા નથી છતાં પાંચ મણ ઘઉંની ગુણ પાંચમા માળે ચઢાવી શકે છે. અને આપણે આખી જિંદગી અડદિયું ખાઈએ છીએ છતાં અધમણની ગુણ લઈ અડધે પહોંચીએ ત્યાં અધમૂઆ થઈ જઈએ છીએ. મગજતરી, બદામપાક વગેરે ખાવાથી બુદ્ધિ વધે એવી પણ એક લોકવાયકા છે. આપણા રાજકારણીઓ પ્રજાના પૈસે બારેમાસ બદામપાક ઉડાવે છે. છતાં બુદ્ધિને બદલે દુર્બુદ્ધિ જ વધે છે. શિયાળામાં સિંહ સાલમપાક ખાતો નથી અને ચિત્તો ચ્યવનપ્રાસ નથી ખાતો છતાં તે હાથીનો શિકાર કરી શકે છે. કુદરતે દરેક જીવને તેમની પ્રકૃતિ પ્રમાણે શક્તિ આપી છે. સિંહ માંદો હોય તોય હાથી પર હુમલો કરી શકે છે. શિયાળ તગડુ હોય તો પણ હાથી પર હુમલો કરવાનું તેનુ ગજુ નથી હોતું.

dineshpanchal.249@gmail.com   dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

કસાબ પણ ખાલી પેટે ન મરવો જોઈએ

         માણસ માત્રની કોઈ પણ વ્યથા કદી આવકાર્ય બાબત ન ગણાય. માનવતાની આચારસંહિતા પ્રબોધે છે કે દુર્યોધન પણ દુ:ખી ના હોવો જોઈએ. રાવણ પણ જો નિર્દોષ હોય તો તેને તુરત સજામુક્ત કરવો જોઈએ. દાઉદ ઈબ્રાહિમ માનવતાનો કોઈ સુંદર કાર્યક્રમ લઈને આગળ આવે તો તેના બોમ્બબ્લાસ્ટને ક્ષણ માટે ભૂલી જઈને તેની દરખાસ્ત પર વિચાર કરવો જોઈએ. તેને ય ભૂખ લાગે ત્યારે રોટી અને ઠંડી લાગે ત્યારે ધાબળો પ્રાપ્ત થવો જોઈએ. મધર ટેરેસાએ કહેલું: “કોઈ ખૂની મારી પાસે તેનું દર્દ લઈને આવે તો હું તેની સેવા કરવાનો ઈનકાર નહીં કરું…!” માણસની ભૂલોને ભૂલવાની કોશિષ જ નહીં કરીશું તો શુદ્ધિના શ્રીગણેશ નહીં થાય. સત્ય એ છે કે દુષ્ટોની દુષ્ટતા પર હજારો ફિટકારો વરસાવીએ પણ માનવતાના નાતે તેને જીવનના સઘળા અધિકારો પ્રાપ્ત થાય તે સામે વિરોધ ન કરવો જોઈએ. પાકિસ્તાનના આતંકવાદી કસાબને ફાંસીએ લટકાવો ત્યારે તેનુ ય પેટ ખાલી ન હોવું જોઈએ. બધાં જ ધર્મો આવું જ કહે છે એથી માનવધર્મ એ સૃષ્ટિનો સર્વશ્રેષ્ઠ ધર્મ ગણાય છે.

dineshpanchal.249@gmail.com   dineshpanchalblog.wordpress.com      Mo:9428160508

પ્રેમ હવા જેવો અદ્રશ્ય છતાં અસરકારક

           ‘લવ ઈઝ ધી લૂબ્રિકેટીંગ ઓઈલ ઓફ લાઈફ’  એ વાત હવે બહુ જૂની થઈ ગઈ. પ્રેમ કુદરતની એક અંડરવર્ડ સત્તા છે. પ્રેમ હવા જેવો છે. તે અદ્રશ્ય હોવા છતાં અસરકારક છે. જે સમાજ પ્રેમને અવગણે છે તે સમાજ પાણીને ધીક્કારતી માછલી જેવો ગણાય. એવું જોવા મળે છે કે દારૂ પીને છડેચોક ધમાલ કરતા દારૂડિયાને પોલીસ પકડતી નથી. પરંતુ બાગમાં બેસીને પ્રેમ કરતા બે પ્રેમીઓને સમાજ વાંધાજનક નજરે જુએ છે. સમાજને સો છૂટાછેડા પરવડે છે પણ એક પ્રેમલગ્ન પરવડતું નથી. પુન: કહેવાનું પ્રાપ્ત થાય છે કે પ્રેમનું નામ પડતાં જ જૂનવાણી વડીલો એવા જીદે ચઢે છે કે દીકરીને દુર્યોધનની રખાત તરીકે સ્વીકારવા તૈયાર થાય છે પણ પ્રેમ લગ્ન કરીને કૃષ્ણની પત્ની બનવાની મંજુરી નથી આપતા. શું કહીએ આ સમાજને…?

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

‘પ્રેમ’ : મફતમાં મળતું આઈસ્ક્રીમ…!

        જેમને હાલમાં જ ‘સાહિત્ય રત્ન’ના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે એ સુરતના સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માએ પ્રથમવાર પ્રેમનો એકરાર કરવામાં પડતી મુશ્કેલીની વાત સુંદર રીતે કહી છે. એમણે લખ્યું છે: “આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે…! શબ્દો લઈ કહેવા બેસું તો યુગો વિતી જશે..!” પ્રેમ કેમેરાની ક્લિકની જેમ એક ક્ષણની ઘટના છે. જેમને સમજદારીના કાન વડે દિલની ભાષા સાંભળતા આવડે છે તેમને કોમ્યુનિકેશન–ગૅપની સમસ્યા નડતી નથી. પણ જેમની આંખોને હોઠ વડે ન બોલી શકાયેલું ‘આઈ લવ યુ’ સાંભળતા નથી આવડતું તેમણે ‘તું બુદ્ધુ છે…!’ એવું સાંભળવાની તૈયારી રાખવી પડે છે. દોસ્તો, ખરી વાત એટલી જ, જીવન ઉનાળો છે અને પ્રેમ આઈસ્ક્રીમ છે. દિલના ડીપ ફ્રીઝરમાં રહેતું અને નજરોના નાના કપમાં પીરસાતું એ એવું આઈસ્ક્રીમ છે જે કુદરત તરફથી સાવ મફતમાં પ્રાપ્ત થાય છે. પણ અફસોસની વાત એ છે કે સંસારમાં કેટલાંક “સજ્જનો” પ્રેમનો પ્યાલો ઠૂકરાવી દઈને ઝેરનો જામ ગટગટાવે છે. અનેક જાતના આઈસ્ક્રીમોથી ભરેલા આ સંસારને ત્યજીને લોકો સાધુ બની જાય છે પછી મૃત્યુપર્યંત દેહને કષ્ટ આપે છે; મતલબ તેઓ આઈસ્ક્રીમ છોડી ઝેરનો ગ્લાસ મોઢે માંડે છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

પ્રેમ : યે હકીકત તો નિગાહોંસે બયાં હોતી હૈ…!

   પ્રેમીઓને મુંઝવે એવી અટપટી ટકોર ખલીલ જિબ્રાને કરી છે.  જિબ્રાન કહે છે: “પ્રેમનો એકરાર એ તેની અધૂરપ છે!” જિબ્રાન સાહેબ કદાચ એમ કહેવા માંગે છે કે સાચો પ્રેમ શાબ્દિક એકરારનો ઓશિયાળો હોતો નથી. લવ હોય ત્યાં ‘આઈ લવ યુ’ બોલવાની જરૂર શા માટે પડવી જોઈએ? બચુભાઈ ઉમેરે છે: “લ્યૂના બહુ ઊંચો ટેકરો ચઢવામાં મથાવે ત્યારે તેને પગથી થોડા પેદલ મારી આપવા પડે એમ આંખો દ્વારા થતી પ્રેમઅભિવ્યક્તિ અધૂરી જણાય ત્યારે ‘આઈ લવ યુ’ના પેદલ મારી પ્રેમનો ટેકરો ચઢવો પડે છે. બાકી પ્રેમ એ શબ્દો કે વ્યાખ્યાનો નહીં કેવળ અનુભૂતિનો વિષય છે. પ્રેમની ટેક્નોલોજી માટે આંખોથી ચડિયાતું રિમોટ કન્ટ્રોલ બીજું એકે નથી. આંખો વડે ‘આઈ લવ યુ’ જેટલું અદભૂત રીતે કહી શકાય છે તેટલું હોઠો વડે નથી કહી શકાતું. જગજીતસિંહે એ વાતને આ શબ્દોમાં ટેકો આપ્યો છે: “કૌન કહેતા હૈ મહોબત કી જૂબાં નહીં હોતી…? યે હકીકત તો નિગાહોં સે બયાં હોતી હૈ…!”

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com મોબાઈલ : ૯૪૨૮૧ ૬૦૫૦૮